Sunday, 21 March 2021

The Forgotten Dr.Rammanohar Lohia and Prof.Roma Mitra

 

વીસરાયેલા લોહિયા અને તેમની પ્રેયસી

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         જર્મનીથી ભારતમાં મીઠા-કર પર ડોક્ટરેટ થયા  

·         નેહરુ થકી કોંગ્રેસમાં,એમની જ સામે લડી હાર્યા

·         પૂર્ણિમા બેનરજી છૂટી, રમા મિત્રા જ  સાથે રહી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”. 21 March 2021. You may read the full text on haridesai.com and comment.

રાજકારણીઓ ખૂબ સ્વાર્થી પ્રાણી હોય છે: જેના થકી લાભ થાય એનું સદીઓ બાદ પણ સ્મરણ કરે અને ઉત્સવો મનાવે, પણ આઝાદી પછીના સમયગાળામાં જેનું નામ વટાવી શકાય એવું ના હોય એવાં ભલભલાં વ્યક્તિત્વોને ભૂલાવી દેતાં એમને વાર લાગતી નથી. ક્યારેક ડૉ.રામમનોહર લોહિયા (૨૩ માર્ચ ૧૯૧૦-૧૨ ઓક્ટોબર ૧૯૬૭)ના નામે રાજકારણમાં પથરા પણ તરી જતા હતા, ક્યારેક આ જ સમાજવાદી નેતા ડૉ.લોહિયા સાથે મળીને જનસંઘના સંસ્થાપક મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયે દેશમાં સૌપ્રથમ બિન-કોંગ્રેસવાદનો ઝંડો લહેરાવ્યો  હતો. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે નવ-નવ રાજ્યોમાં સંયુક્ત વિધાયક દળ (સંવિદ)ની અલ્પજીવી સરકારો પણ રચાઈ હતી. લોહિયાના નામે કંઈક કેટલાય મુલાયમસિંહો અને લાલુપ્રસાદો મુખ્યમંત્રી બની શક્યા હતા. આજે ગ્વાલિયરના રમાશંકર સિંહ કે મુંબઈના અશ્વિન ઉપાધ્યાય જેવા  રડ્યાખડ્યા લોહિયાવાદીઓ આ મહામાનવની પ્રેયસી પ્રા.રમા મિત્રાને ડૉ.લોહિયાના પત્રો ફરી પ્રકાશિત થાય એમાં રસ લે છે કે પછી ૨૩ માર્ચે ડૉ.લોહિયાના જન્મદિવસને સ્મરે છે. જર્મનીની યુનિવર્સિટીમાંથી ભારતમાં મીઠા પરના કર પર જર્મન ભાષામાં જ  થિસીસ લખીને પીએચ.ડી. કરનાર ડૉ.લોહિયા ભારત આવી પંડિત જવાહરલાલ નેહરુ થકી અલાહાબાદ ખાતે કોંગ્રેસના વિદેશ વિભાગના સચિવની જવાબદારી સંભાળે છે. જે જવાહર એમને કોંગ્રેસમાં પ્રવેશ આપે છે એ જ જવાહર સામે ૧૯૬૨ની ચૂંટણી લડીને ફૂલપુરથી પરાજિત થઈ મોરચો માંડે છે. અગાઉ પક્ષમાં જ કોંગ્રેસ સમાજવાદી મોરચો રચીને પાછળથી કોંગ્રેસથી અલગ થઇ સમાજવાદી નેતા તરીકે સામે પાટલે બેસે છે. નેહરુએ ડૉ.લોહિયાને પોતાની સામે લડવાની ના પાડ્યા છતાં જીદે ભરાયેલા ડૉ.રામમનોહર સિદ્ધાંતને ખાતર લડવાનું પસંદ કરીને પરાજય સ્વીકારે છે.પક્ષો સ્થાપવામાં એક્કા અને ભ્રમનિરસન થવા છતાં પેટાચૂંટણીમાં ફરુખાબાદથી લોકસભે પહોંચ્યા. ૧૯૬૭માં કનૌજ બેઠક પરથી લોકસભામાં ગયા. જોકે દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ વિપક્ષોને એકઠા કરવાનું શ્રેય ડૉ.લોહિયાને ફાળે જાય છે. એ અને પંડિત દીનદયાળ વધુ જીવ્યા નહીં, અન્યથા આ દેશની તાસીર નોખી હોત. જોકે ઇતિહાસમાં જે બન્યું એનું જ મહાત્મ્ય છે, આમ થયું હોત કે ના થયું હોત તો જેવાં રાજકીય અવલોકનોનું મહત્વ નથી. ૨૩ માર્ચે યુવાપેઢી પણ વર્ષ ૧૯૩૧માં આ જ દિવસે ફાંસીને માંચડે લટકાવી દેવાયેલી શહીદ-એ-આઝમ ભગતસિંહ અને તેમના બે સાથીઓની ત્રિપુટીને જરૂર યાદ કરશે, પણ ડૉ.રામમનોહર લોહિયા જેવાને યાદ કરનારાઓ બહુ જ જૂજ હશે.

ગંભીર લાગતું રંગીલું વ્યક્તિત્વ

સામાન્ય રીતે ડૉ.લોહિયા ગંભીર પ્રકૃતિ માટે અને ભાગલાના ગુનેગારો અંગેના એમના લઘુ પુસ્તક માટે  વધુ જાણીતા છે. કોંગ્રેસને ભાંડવા માટે અનુકૂળ અવતરણો લઈને એમના આ પુસ્તક “ભારત કે વિભાજન કે ગુનહગાર”ને ટાંકવામાં આવે છે.  હકીકતમાં ડૉ.લોહિયાનું વધુ એક પુસ્તક “હિન્દૂ બનામ હિન્દૂ”  બહુ ચર્ચામાં નથી આવતું કારણ કે વર્તમાન શાસકોને એ માફક આવે એવી વાત રજૂ કરતું નથી. હિંદુ ધર્મમાં ઉદારતા અને કટ્ટરવાદ બંને વચ્ચેના દ્વંદ્વની વાત એમાં વર્ણવવામાં આવી છે. ડૉ.લોહિયાનું તારણ છે કે આ દેશની એકતા હિંદુ ધર્મની ઉદારતાને આભારી છે, નહીં કે એમાં રહેલી કટ્ટરવાદી માનસિકતાને પ્રતાપે. ક્યારેક ૧૯૬૭ના ગાળામાં જનસંઘ સાથે સમાજવાદીઓનો મેળ બેસાડવાની કોશિશ કરીને સમાજવાદી, જનસંઘી અને કોંગ્રેસમાંથી છૂટાં થયેલાં રાજમાતા વિજયા રાજે સિંધિયા જેવાં વ્યક્તિત્વો સાથે કમ્યૂનિસ્ટોનો પણ મેળ બેસાડીને આ શંભુમેળાની સંયુક્ત સરકારો રચવાનું મુખ્ય પ્રેરક પરિબળ એવા ઉદારમતવાદી અને સહિષ્ણુ  ડૉ.લોહિયા આજના સત્તાધીશો સામે પણ જંગે ચડ્યા હોત, એવું લાગ્યા વિના રહેતું નથી. કમનસીબે ડૉ.લોહિયા જીવનના છ દાયકા પણ પૂરા કરી શક્યા નહીં અને એમને મોત આભડી ગયું. તેમની રંગીન મિજાજી અને દાયકાઓ પહેલાં ખુલ્લંખુલ્લા દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસમાં ઈતિહાસનાં પ્રાધ્યાપિકા રમા મિત્રા સાથે પરણ્યા વિના જ વર્ષો સુધી રહેવાના ક્રાંતિકારી પગલાએ અનેકોને આશ્ચર્યમાં મૂક્યા હતા. એમ તો સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ પોતાનાં કોલેજકાળનાં સખી અને પ્રા. કૌલનાં પત્ની રાજકુમારી કૌલ સાથે ખુલ્લેઆમ આખું આયખું જીવ્યા. એટલું જ નહીં, ઈશ્કે મિજાજી માટે જાણીતા જનસંઘ-ભાજપના આ મોટાગજાના નેતાએ ક્યારેય પોતાના મહિલાઓ સાથેના સંબંધો અંગે દંભ કર્યો નથી. ઉલટાનું, વાજપેયીએ તો કહ્યું પણ હતું: “હું ભલે પરણ્યો ના હોઉં(અનવેડેડ), પણ બ્રહ્મચારી (વર્જિન) નથી !” ડૉ.લોહિયાની વાત જ ન્યારી હતી. એ રમા ઉર્ફે રમલી ઉર્ફે ઈલા કે પછી ઈલ્લીને પ્રેમપત્રો કાનામાત્રાના ફરક વિના છાપવાનો આગ્રહ રાખીને ગયા હતા. પ્રા.મિત્રાએ એ પ્રેમપત્રો પુસ્તકાકારે ૧૯૮૩માં પહેલીવાર “લોહિયા થ્રૂ લેટર્સ” તરીકે પ્રકાશિત કર્યા. ગ્વાલિયરની આઈટીએમ યુનિવર્સિટીના સંસ્થાપક અને ડૉ.લોહિયાના અનુયાયી  તેમ જ એમનાં પ્રેમિકા-પ્રાધ્યાપકના લાડકા  વિદ્યાર્થી રહેલા રમાશંકર સિંહે હજુ હમણાં જ હિંદીમાં એ પત્રોને “ડૉ.લોહિયા કે ખત રમા મિત્રા કો” પ્રકાશિત કર્યા છે.

મહિલાઓના ચુંબનના આશિક

ક્યારેક મુંબઈમાં ડૉ.લોહિયા પોતાની પ્રેયસી માટે કોઈકના પૈસે દાગીના ખરીદતા હતા; એવી વાતો સાંભળેલી પણ એ સાચી કે ખોટી એની ચકાસણી કરવાનું મુશ્કેલ હતું. જોકે મહિલાઓ સાથેનાં સંબંધોમાં ખુલ્લાપણું ધરાવતા ડૉ.લોહિયાએ પોતાની પ્રેમિકા રમા મિત્રાને ૧૦ સપ્ટેમ્બર ૧૯૫૧ના ટોકિયોથી લખેલા પત્રમાં “એરપોર્ટ પર બે મહિલાઓએ ચુંબનથી” પોતાનું સ્વાગત કર્યાની અને “વિદાય વખતે છ મહિલાઓએ ચુંબન કર્યાનું” લખવામાં જરાય છોછ નથી અનુભવ્યો.  એ પાછા લખે છે કે મુસાફરી દરમિયાન પણ આવી ચુંબનવર્ષા થતી રહે કે કેમ એ વિશે માહિતી મેળવવામાં સંકોચ અનુભવાયો ! પત્રો પોતાની મુસાફરી અંગે હોવાનું વધુ જણાય છે પણ રાજકારણ અને વિશ્વકારણમાં ગળાબૂડ લોહિયા ક્યારેક તો એક જ દિવસમાં પોતાની પ્રેયસીને ત્રણ-ત્રણ પત્રો લખે એટલા ઘેલા પ્રેમી જેવા હતા. પ્રા.મિત્રાને એ વારંવાર પત્રોમાં રઝિયા સુલતાન જેવી શાસક વિશે લેખ લખવા યાદ દેવડાવતા રહે છે. હૈદરાબાદથી લખાયેલા પત્રો સવિશેષ જોવા મળે છે. જોકે વિદેશથી પણ એ ઘેલા પ્રેમીની જેમ પત્રો લખતા રહ્યા છે. ૧૯૬૭ના જાન્યુઆરી સુધીના પત્રો એમાં મળે છે. ડૉ.લોહિયા ૧૯૪૨ના ભૂગર્ભ રેડિયોના મુખ્ય આયોજક હતા. એમના સાથી તરીકે એમાં  ડૉ.ઉષા મહેતા પણ હતાં. અંગ્રેજોની જેલમાં જવાનું અને  ગોવા મુક્તિ માટે પોર્ટુગીઝ  જેલમાં જવાનું એમને ફાવી ગયું હતું. ગાંધીજીની દરમિયાનગીરીથી છૂટવાનું એમને નસીબ  હતું. અલાહાબાદમાં કોંગ્રેસ ઓફિસમાં સાથે કામ કરનારી સુંદર મહિલા પૂર્ણિમા બેનરજી સાથે નિકટતા વધી, પણ જેલમાં અંદર-બહાર થતાં એ વચ્ચે જ છૂટી ગઈ. આઝાદી પછી પ્રા.રમા મિત્રા એમના જીવનમાં આવ્યાં. એ યુગમાં લીવ-ઇન રિલેશન્સમાં રહેતાં બેઉ જણાંએ ક્યારેય પરવા કરી નહીં કે કોણ શું કહેશે અને ક્યારેય અન્ય રાજનેતાઓની જેમ તેમણે રમા સાથેના સંબંધોને છુપાવ્યા પણ નહીં. રમાશંકર સિંહ નોંધે છે: “બધી રીતે ડૉ.લોહિયા નક્કી બહાદુર હતા, નીડર હતા અને પોતાના અંગત જીવન વિશે  પણ  પારદર્શક હતા. એટલે જ એ અને રમા મિત્રા (રોમા મિત્રા) સૌની નજરમાં રહેતાં હતાં અને સાથે જ રહેતાં હતાં. આજથી સાત-આઠ દાયકા પહેલાં એવું જીવન કોઈ રાજનેતા જીવે એ અશક્ય વાત મનાતી હતી.પરંતુ ડૉ.લોહિયાએ ક્યારેય કશું અશક્ય હોવાનું માન્યું જ નહોતું.” યુગપુરુષની ભૂમિકામાં ગણાવી શકાય એવા ડૉ.લોહિયાનું નામ  અનેકો માટે  રાજકીય તારણહાર હોવા છતાં આજે જાણે કે હોંશિયામાં ધકેલાઈ ગયું છે. ભારતીય રાજકારણની આ જ તો કમનસીબી છે.

તિખારો

લોહિયા કે ન રહને પર

 

ઉસકે પાસ થી એક ભાષા

પ્યાર ઔર સમ્માન સે જીને કે લિએ

જિસે વહ મંત્ર નહીં બનાતા થા.  

જહાં સબ સિર ઝુકાતે થે

વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠા રહતા થા,

જિધર રાહ નહીં હોતી થી

ઉધર હી વહ પૈર બઢાતા થા

ફિર બન જાતી થી એક પગદંડી

એક રાજમાર્ગ જિસ પર દૂસરોં કે

નામોં કી તખ્તિયાં લગ જાતી થી.

-     સર્વેશ્વરદયાલ સક્સેના

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૦ માર્ચ ૨૦૨૧)


 

No comments:

Post a Comment