Sunday 28 March 2021

Bangbandhu Mujib

 

બંગબંધુનાં વૈશ્વિક ઓવારણાં

કારણ-રાજકારણ: ડૉ.હરિદેસાઈ

·         બાંગલાદેશ સર્જનમાં ઇન્દિરા-માણેકશા

·         શેખ હસીનાનો દસ દિવસીય મહોત્સવ

·         સુવર્ણજયંતી સમાપનમાં નરેન્દ્ર મોદી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Rajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supllement “UTSAV”. 28 March 2021.વેબ લિંક: https://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687656

હમણાં પાડોશી દેશ બાંગલાદેશ એનાં પચાસ વર્ષ અને એના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનની શતાબ્દીની ઉજવણી કરી રહ્યો છે.દુનિયાભરના શાસકો એમાં સામેલ થઇ રહ્યા છે અથવા એને શુભકામના પાઠવી રહ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ બાંગલાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.હમણાં હમણાં બાંગલાદેશ ચીનના ખડપામાં ભરાયું છે ત્યારે ભારત માટે ચિંતાનો વિષય જરૂર છે. એનાં વડાંપ્રધાન શેખ હસીના વાઝેદ આજકાલ લોકશાહી ઢબે દાયકાથી પણ વધુ સમયથી વડાંપ્રધાન હોવાથી તાનાશાહ ગણાવા માંડ્યાં છે. વિશ્વના દેશોમાં એમની પ્રતિષ્ઠા અને કદ વધ્યું છે. ભારત થકી જન્મેલા આ દેશનો વિકાસદર ભારતના વિકાસદરને આંબી જાય ત્યારે દિલ્હી માટે પણ વિચારવાના સંજોગો છે. બાંગલાદેશની સરકાર અને મંત્રીઓ ભારત સાથે વાંકું પાડવા માંડ્યા છે.તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમે ભારત અને ચીન સાથે સમતુલા જાળવવા માંગીએ છીએ. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઢાકાની મુલાકાતે આવે છે એટલું જ નહીં ભારત જે ચીની પ્રકલ્પોમાં જોડાવાનો ઇનકાર કરે છે તેમાં બાંગલાદેશ જોડાવાનું પસંદ કરે છે. સબમરીનો સહિતની લશ્કરી સામગ્રી એ ચીન કનેથી લેવા માંડ્યો છે. આવા નાજુક તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રકોપ પછીની સર્વપ્રથમ વિદેશયાત્રા ઢાકાની કરવાનું નક્કી કર્યું. કારણ? બાંગલાદેશના દસ દિવસીય સુવર્ણ જયંતી મહોત્સવના સમાપન સમારંભમાં હાજરી આપીને ઢાકા અને બીજિંગ વચ્ચે વધતી નિકટતા ટાણે તેઓ ભારતીય હિત જાળવવા માંગે એ સ્વાભાવિક છે. સાથે જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાના પક્ષને અનુકૂળ સંદેશ પણ આપવા માંગે છે.

ઇન્દિરા સફળ સુયાણી

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને બાંગલાદેશમાં રૂપાંતરિત કરવામાં નિપુણ શસ્ત્રક્રિયા કરનાર સુયાણીની ભૂમિકા નિભાવી હતી. વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાની લશ્કરનાજનરલ ટિક્કા ખાનના  જુલમી “ઓપરેશન સર્ચલાઈટ”ના ભોગ બનેલા કરોડો બંગાળી પાકિસ્તાનીઓ શેખ મુજીબુર રહમાનના નેતૃત્વમાં ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ મુક્તિ પામી શક્યા. વાસ્તવમાં ૧૯૭૦ની પાકિસ્તાન રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણીમાં મુજીબની અવામી લીગ પાર્ટીની સરકાર રચવાનો જનમત મળ્યો હતો,પણ અયુબ ખાનના તાનાશાહી શાસનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સત્તાલાલાસાએ બંગાળીઓ પર લશ્કરી અત્યાચાર કરવા પ્રેર્યા. ૨૬ માર્ચ ૧૯૭૧ને બંગબંધુ મુજીબે “સ્વતંત્રતા દિવસ” જાહેર કરી દીધો. આજે આ દિવસને બાંગલાદેશ રાષ્ટ્રીય દિવસ કે સ્વતંત્રતા દિવસ તરીકે જ ઉજવે છે.  ૧૯૭૧માં નરસંહારથી બચવા પૂર્વ પાકિસ્તાનમાંથી લાખો શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામ ભણી ધસી આવ્યા.ભારત સરકાર માટે નૈતિક જવાબદારી અને માનવ અધિકાર રક્ષાનો પ્રશ્ન સર્જાયો. અમેરિકા અને ચીન બેઉ પાકિસ્તાનને પક્ષે હતાં. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ વૈશ્વિક મુત્સદીગીરી થકી વિશ્વમત કેળવ્યો.  નાજુક ક્ષણોમાં સોવિયેત રશિયા સહિતના દેશો ભારતના મત સાથે સહમત હતા. લશ્કરી વડા જનરલ માણેકશા સાથેની મંત્રણાઓને પગલે છેવટે  ડિસેમ્બર ૧૯૭૧માં ભારતીય લશ્કરે બંગાળી મુક્તિ વાહિનીને સહયોગ કર્યો. સમગ્ર ભારત બાંગલાદેશ માટે સમર્થનમાં આવ્યું હતું. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની સરકારને વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયી સહિતના તમામે સમર્થન આપ્યું.

મુજીબ તાનાશાહ બન્યા

૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાની લશ્કરના ઢાકામાં વડા લેફ્ટનન્ટ જનરલ એ.એ. કે. નિયાઝીએ ભારતીય લશ્કરના એ પાંખના વડા  લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી. પૂર્વ પાકિસ્તાન દેશ બાંગલાદેશ બન્યો.બાંગલાદેશ એ દિવસને મુક્તિ દિવસ તરીકે મનાવે છે.  અત્યંત લોકપ્રિય એવા મુજીબ એના પહેલા રાષ્ટ્રપતિ અને પછીથી બંધારણ બદલીને વડાપ્રધાન બન્યા.જોકે જાન્યુઆરી  ૧૯૭૫માં તેમણે એક જ પક્ષની શાસન વ્યવસ્થા હેઠળ  સમાજવાદી શાસન અથવા મુજીબીઝમ અમલમાં લાવવાનો પ્રયાસ કરીને વિપક્ષને નેસ્તનાબૂદ કરવાની કોશિશ કરી.૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના “સીધાં પગલાંના દિવસ”ના કોલકાતાના નરસંહારનાખરા ખલનાયક અને પાકિસ્તાનના વડાપ્રધાન રહેલા હુસેન શહીદ સુહરાવર્દીના પટ્ટશિષ્ય એવા મુજીબ સ્વતંત્ર બાંગલાદેશમાં લગભગ તાનાશાહ થઇ ચૂક્યા હતા ત્યારે જ ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ  એમની અને એમનાં પત્ની તેમ જ પરિવારના ૧૨ સભ્યોની હત્યા કરી દેવાઈ. હજુ આજ લગી એની પાછળના ષડ્યંત્રનાં રહસ્ય અકળ રહ્યાં છે.

પાકિસ્તાન થકી વેરની વસુલાત

જોકે વર્તમાન વડાંપ્રધાન શેખ હસીના વાઝેદ  સહિતનીબંગબંધુની બે દીકરીઓ વિદેશમાં હતી એટલે બચી જવા પામી હતી.મુજીબની હત્યા પાછળ અમેરિકા જવાબદાર હોવાનું મનાય છે. આજે એ જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બંગબંધુ અને વડાપ્રધાન શેખ હસીનાનાં ઓવારણાં લે છે.વર્ષ ૧૯૭૧માં અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસન અને એમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેન્રી કિસિંજર પાકિસ્તાનને પડખે હતા એટલું જ નહીં,એમને ભારતને ડરાવવા માટે તેમના અત્યાધુનિક લશ્કરી જહાજનો સાતમો બેડો પણ રવાના કર્યો હતો, પણ એ પહોંચે તે પહેલાં તો પાકિસ્તાને પરાજય અને શરણાગતિ સ્વીકારી લીધી હતી.વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી વિશે અમેરિકી શાસકોએ હલકા શબ્દો પણ વાપર્યા હતા.વર્ષ ૨૦૦૯થી વડાંપ્રધાનના હોદ્દે રહેલાં શેખ હસીના પણ એમના દેશના  વિપક્ષના મતે તાનાશાહની જેમ જ વર્તી રહ્યાં છે. બંગબંધુની  હત્યામાંથી જ કદાચ બોધપાઠ લઈને ૧૯૭૫-૭૭ દરમિયાન ભારતમાં ઈમરજન્સી લાદનાર વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના રાજકીય વારસ ગણાતા પુત્ર સંજય ફિરોઝ  ગાંધીની સલાહને અવગણીને પણ ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી જાહેર કરી હતી. જોકે પત્રકાર શિરોમણિ કુલદીપ નાયરને આપેલી એક મુલાકાતમાં સંજયે જણાવ્યું હતું કે  ત્રણેક દાયકા સુધી ભારતમાં ચૂંટણી કરવાની જરૂર નથી. ઈમરજન્સી પછી પોતે હારશે એવો અંદાજ હોવા છતાં ઇન્દિરાજીએ ચૂંટણી જાહેર કરી હતી. એ હાર્યાં અને ત્રણ વર્ષ પછી ૧૯૮૦માં ફરી ભારે બહુમતી સાથે સત્તામાં આવ્યાં હતાં.  કમનસીબે એમના જ પક્ષે અને ઝૈલસિંહ તથા સંજયે પેદા કરેલા ભિંડરાંવાલે નામના જિને સુવર્ણ મંદિરમાં કબજો જમાવ્યો. એ આતંકીઓને ખદેડવા ઓપરેશન બ્લ્યૂ સ્ટાર માટે લશ્કરને આદેશ આપ્યા પછી વડાંપ્રધાન શ્રીમતી ગાંધી જ નહીં, એમના વખતના લશ્કરી વડા જનરલ અરુણકુમાર વૈદ્યની પણ હત્યા કરાઈ હતી. પાકિસ્તાને એના ટૂકડા કરનાર વડાંપ્રધાન ઈન્દિરાજી સામે વેરની વસુલાત માટે કાયમ ખાલિસ્તાનના ભૂતનો સળવળાટ કરાવ્યો છે.

તિખારો

એક શાગોર રોક્તેર બિનિમોયે,

બાંગ્લાર શાધીનોતો આન્લે જારા,

આમરા તોમાદેર ભૂલબો ના,

આમરા તોમાદેર બૂલબો ના.

 

(અર્થાત્ “જેમણે પોતાના રક્તસાગરથી બાંગલાદેશને આઝાદી અપાવી, આપણે એમને ભૂલીશું નહીં.આપણે એમને ભૂલીશું નહીં.” વડાપ્રધાન મોદીએ ઢાકાના સંબોધનમાં બંગાળી કવિ ગોબિંદો હાલદરની પંક્તિઓ પ્રસ્તુત કરી હતી. )

ઈ-મેઈલ:haridesai@gmail.com(લખ્યા તારીખ: ૨૭ માર્ચ ૨૦૨૧)

No comments:

Post a Comment