Wednesday 31 March 2021

Bangbandhu Mujib, the Dictator

 

લોકપ્રિય નેતામાંથી તાનાશાહ બનેલા બંગબંધુને ગાંધી શાંતિ પુરસ્કાર

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         રાજકારણમાં ભક્તિ વિશે બંધારણ સભામાં ડૉ.આંબેડકરે કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી

·         લોકશાહીમાં મજબૂત વિપક્ષના અભાવના સંજોગો સત્તાપક્ષની સરમુખત્યારશાહીને નોતરે

·         ગાંધીજી અને સરદારને ડિક્ટેટર કહેનારા હિંદુ મહાસભાના વંશજોને લોકશાહી સદતી નથી

·         નેહરુયુગમાં કોંગ્રેસના સાંસદો થકી સરકારની ટીકા, પણ ઇન્દિરાયુગથી એને લૂણો લાગ્યો

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari Daily of Anand. To read more columns you may visit haridesai.com and comment.

બાંગલાદેશને જન્માવવાનું કર્તવ્ય ભારતે નિભાવ્યું. એના લોકપ્રિય નેતા બંગબંધુ શેખ મુજીબુર રહમાનને સત્તાનાં સૂત્રો સોંપાયાં.પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ જનરલ અયુબ ખાનના લશ્કરના જુલ્મો હેઠળ કચડવામાં આવતી બંગાળી પ્રજાને ડિસેમ્બર ૧૯૭૧માં મુક્તિ અપાવી એ બદલ અગાઉના પૂર્વ પાકિસ્તાન અને હવેના  બાંગલાદેશની પ્રજા ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને ભારતીય લશ્કરના વડા ફિલ્ડમાર્શલ માણેકશા ભણી આજે પણ આભારની લાગણી વ્યક્ત કરે છે. બાંગલાદેશના રાષ્ટ્રપિતા મુજીબની જન્મશતાબ્દી અને એ દેશની સુવર્ણજયંતીના દસ દિવસીય મહોત્સવમાં વડાપ્રધાન શેખ હસીના વાઝેદે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમાપન સમારંભમાં નોતર્યા. અન્ય દિવસોએ અન્ય દેશોના વડા માનવંતા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. બંગબંધુનાં યશોગાન ખૂબ  થયાં. એમનાં શાહજાદી અને વર્ષ ૨૦૦૯થી બાંગલાદેશ પર એકચક્રી રાજ કરતાં શેખ હસીનાનું કદ વિશ્વમંચ પર ખાસ્સું વધ્યું. ૩૫૦ બેઠકોની બાંગલાદેશની જાતીય સંસદ (લોકસભા)માં શેખ હસીનાના પક્ષની બેઠકો ૩૦૦ છે. હસીનાનાં બહેન શેખ રેહાનાએ પોતાના મરહૂમ પિતાને અપાયેલો  વર્ષ ૨૦૨૦નો ભારત સરકારનો ગાંધી શાંતિ પુરસ્કાર વડાપ્રધાન મોદી કનેથી સ્વીકાર્યો. રેહાનાનો બ્રિટિશ સંસદમાં બેસતો દીકરો એક દિવસ યુકેનો વડાપ્રધાન પણ  બની શકે. વર્ષ ૨૦૦૯માં ભારત સરકારનો ઇન્દિરા ગાંધી પુરસ્કાર વડાંપ્રધાન શેખ હસીનાને એનાયત થયો હતો. ક્યારેક પૂર્વ પાકિસ્તાનની મુસ્લિમ, હિંદુ સહિતની પ્રજાના જનનાયક એવા શેખ મુજીબ પાછળથી એકપક્ષી સમાજવાદી લોકશાહીના રવાડે ચડીને ૧૯૭૫ આવતાં તો તાનાશાહ બની ગયા હતા. એ જ વર્ષે એમના સમગ્ર પરિવારની ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ હત્યા કરવામાં આવી હતી.પશ્ચિમ જર્મનીમાં હતી તે એમની બે શાહજાદીઓ હસીના અને રેહાના બચી જવા પામી હતી.  એમનાં દીકરી અને વડાંપ્રધાન શેખ હસીના પણ વિપક્ષી નેતાઓને ભ્રષ્ટાચાર કે એવા અન્ય ખટલાઓમાં સંડોવીને જેલમાં ઠૂંસી કે પછી દેશનિકાલ માટે વિવશ કરીને નબળા અને કહ્યાગરા વિપક્ષને કારણે લગભગ તાનાશાહ જ બની ગયાં છે. કમ્યૂનિસ્ટ પાર્ટીના એકચક્રી શાસન હેઠળના ચીન સાથે વધુ ગાઢ સંબંધ બાંધી રહેલા બાંગલાદેશના માર્ગે જ ભારત પણ એકપક્ષી લોકશાહી ભણી ધકેલાઈ રહ્યાનું ચર્ચામાં છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ હવે વજૂદ ગુમાવવા માંડ્યો છે. ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરે બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતાં ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ કહેલા રાજકારણમાં ભક્તિ અંગેના શબ્દો લગભગ સાચા પડતા જોવા મળે છે. ડૉ. આંબેડકરે કહ્યું હતું: “ ધર્મમાં ભક્તિ એ આત્માના મોક્ષ માટેનો માર્ગ હોઈ શકે, પણ રાજકારણમાં ભક્તિ કે હીરો-વર્શિપ એ અધોગતિનો અને અંતે તો સરમુખત્યારશાહીનો નિશ્ચિત માર્ગ છે.” હિંદુ મહાસભાના નેતાઓ અને ખાસ કરીને એના અધ્યક્ષ રહેલા ડૉ. ના. ભ. ખરે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેઉને સરમુખત્યાર કે તાનાશાહ ગણાવતા હતા, પણ વર્તમાન રાજકારણમાં એમના જ રાજકીય વંશજોના આચારવિચાર મુજીબની જેમ જ એકપક્ષી શાસન ભણીના હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. 

 

મુજીબુરની એકપક્ષી લોકશાહી !

૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી બ્રિટિશ ઇન્ડિયામાંથી અલગ થયેલા મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્ર પાકિસ્તાન અને ભારત વચ્ચે મધુર સંબંધ રહ્યા નથી.પાકિસ્તાનને લોકશાહી ઝાઝી માફક આવી નથી. એ વારંવાર લશ્કરી તાનાશાહોના શાસન તળે આવતું રહ્યું છે. ભારતમાં જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીના ઈમર્જન્સીના સમયગાળાને બાદ કરીએ તો બહુપક્ષી લોકશાહી આજ સુધી અખંડ રહી છે. ક્યારેક પંડિત જવાહરલાલ નેહરુનો સત્તાસૂરજ મધ્યાહ્ને હતો ત્યારે પણ એમના જ પક્ષના એટલે કે કોંગ્રેસના સાંસદો સંસદમાં પણ સરકારની ટીકા કરી શકતા હતા. ખુદ વડાપ્રધાનના જમાઈ ફિરોઝ ગાંધી નેહરુ સરકારનાં કૌભાંડો સંસદમાં ગજાવતા હતા ટી.ટી. કૃષ્ણમાચારી જેવા વરિષ્ઠ મંત્રીએ પણ રાજીનામું આપવું પડતું હતું. નેહરુપુત્રી ઇન્દિરા ગાંધીના શાસનકાળથી આજ લગી આ પરંપરા લુપ્ત થવા માંડી છે. શાસક પક્ષના સાંસદોને વ્હીપ અપાય એટલે મનેકમને એમણે સરકારની પ્રશસ્તિ જ કરવી પડે. જોકે નેહરુ, ઇન્દિરા કે રાજીવ યુગમાં ભારે બહુમતી સાથે કોંગ્રેસ ચૂંટાતી ત્યારે પણ વિપક્ષમાં માત્ર બે કે ૨૨ સભ્ય ધરાવતા જનસંઘ કે  ભાજપના નેતાઓને સરકારની ટીકા કરવા માટે સંસદનો મંચ ખુલ્લો રહેતો. અમેરિકામાં તો એક પક્ષનો સાંસદ બીજા પક્ષના પ્રસ્તાવના ટેકામાં પોતાના પક્ષની સરકાર સામે પણ મતદાન કરી શકે એટલી મજબૂત લોકશાહી ત્યાં પ્રવર્તે છે. એશિયા ખંડમાં આવી પરંપરાને બદલે એકપક્ષીય લોકશાહી જેવા વિચિત્ર મોડેલ ભણી દેશો ધકેલાઈ રહ્યા છે. ચીનમાં કમ્યૂનિસ્ટ પક્ષ સત્તારૂઢ હોવા છતાં અન્ય આઠ જેટલા કહ્યાગરા રાજકીય પક્ષો છે.  બાંગલાદેશ પણ જાણે કે એ જ દિશામાં ગયો છે. ભારત પણ એ જ વાટ પકડી રહ્યાનાં એંધાણ મળે છે. વડાપ્રધાન નેહરુ કને લોકસભામાં કોંગ્રેસની ૩૬૪ બેઠકો હતી, વડાંપ્રધાન ઇન્દિરા કને  કોંગ્રેસની ૩૫૨ બેઠકો હતી કે વડાપ્રધાન રાજીવ કને લોકસભામાં કોંગ્રેસની  ૪૨૬ બેઠકો હતી ત્યારે પણ વિપક્ષનું મહાત્મ્ય હતું. અત્યારે વડાપ્રધાન મોદી કને લોકસભામાં ભાજપની ૩૦૩ બેઠકો છે ત્યારે વિપક્ષ જાણે કે હવામાં ઓગળી રહ્યો છે. ભારતીય રાજ્ય સભામાં ભાજપની બંધારણ બદલવા જેટલી બહુમતી સ્થપાઈ જાય એની પ્રતીક્ષાની ઘડીઓ ગણાઇ રહી છે. એ માટે દેશનાં પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યો પર ભગવો લહેરાવાની વેતરણ ચાલે છે. ચીનમાં શી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ બન્યા એમ ભારતમાં પણ મોદી સત્તા સાથેના  આજીવન રાષ્ટ્રપતિ બની શકે. અમેરિકાની જેમ પ્રેસિડેન્શિયલ પ્રકારની શાસન વ્યવસ્થાનું ચિંતન અત્યારે ચાલી રહ્યું છે.

શેખ મુજીબનું નોખું સ્વરૂપ

બાંગલાદેશની રાજશાહી યુનિવર્સિટીના કાયદાના પ્રાધ્યાપક મહંમદ મોર્શેદુલ ઇસ્લામે વર્ષ ૨૦૧૫માં તૈયાર કરેલો સંશોધનપત્ર હમણાં વાંચવામાં આવ્યો: બંગબંધુને બાંગલાદેશની સ્વતંત્રતા ખપતી નહોતી, એવું સ્પષ્ટ નિવેદન કરીને આ પ્રાધ્યાપક ચોંકાવી દે છે. ૨૫ માર્ચ ૧૯૭૧ના રોજ પાકિસ્તાની લશ્કર પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓનો નરસંહાર કરી રહ્યું હતું ત્યારે ડિસેમ્બર ૧૯૭૦ની રાષ્ટ્રીય ધારાસભાના વિજેતા છતાં વડાપ્રધાનપદ નકારાયેલા શેખ પોતાના બાંગલાદેશને સ્વતંત્ર ઘોષિત કરવા તૈયાર નહોતા. એ વેળા મેજર ઝિયાઉર રહેમાન  નામના લગભગ અજાણ્યા લશ્કરી અધિકારીએ ૨૬ માર્ચ ૧૯૭૧ના રોજ સ્વતંત્રતા જાહેર કરીને બંગાળીઓને શસ્ત્રો ઉઠાવવા હાકલ કરી હતી. જોકે રાષ્ટ્રપતિ મુજીબના વડપણ હેઠળ  અવામી લીગની સરકાર રચાઈ ત્યારે આ ઝિયાને અવગણવામાં આવ્યા.લશ્કરમાં એ સિનિયર હોવા છતાં એમને નાયબ વડાનો હોદ્દો અપાયો. ૧૯૭૩ની સંસદની ચૂંટણીમાં મુજીબના પક્ષ અવામી લીગને   ભવ્ય વિજય મળ્યો. એમણે અસ્સલ પાકિસ્તાની તાનાશાહો અને શાસકોની શૈલીમાં જ બંધારણ બદલીને રાષ્ટ્રપતિમાંથી વડાપ્રધાન બની બકસાલ સરકાર સ્થાપી સઘળી સત્તા પોતાના હાથમાં લીધી. મુજીબે વિપક્ષોને પ્રતિબંધિત જાહેર કર્યા અને એકપક્ષી સમાજવાદી લોકશાહી સ્થાપી તાનાશાહ થવાનું પસંદ કર્યું. એક વેળાના લોકપ્રિય નેતા સામે અસંતોષનો જ્વાળામુખી ભભૂકી ઊઠ્યો. અગાઉ પોતાને સેક્યુલર ગણાવતા મુજીબ પાછળથી ઇસ્લામી રાજકારણ ભણી ઢળતા હતા.

બંગબંધુ પછીના શાસકો

૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ લશ્કરી અધિકારીઓ થકી મુજીબના સમગ્ર પરિવારની હત્યા કરી દેવાઈ. એમની સરકારમાંના જ ખાંડકર મુસ્તાકને સરકારના વડા બનાવાયા ત્યારે એમણે ઝિયાને લશ્કરી વડા બનાવ્યા હતા. ફરી ૩ નવેમ્બર ૧૯૭૫ના રોજ  અવામી લીગ તરફી બ્રિગેડીયર ખાલેદ મુશર્રફના નેતૃત્વમાં બળવો થયો. મુસ્તાકને સ્થાને અબુ સાદત મોહમ્મદ સાયેમને બાંગલાદેશના રાષ્ટ્રપતિ બનાવાયા અને લશ્કરી વડા ઝિયાને નજરકેદ કરાયા. વળી પાછો લશ્કર અને નાગરિકોનો બળવો થયો. ઝિયાને સામાન્ય લોકોના નેતા જાહેર કરાયા છતાં એમણે રાષ્ટ્રપતિ સાયેમ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. ૨૧ એપ્રિલ ૧૯૭૭ના રોજ રાષ્ટ્રપતિ સાયેમે ઝિયાને સત્તા સોંપી દીધી. ૧ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ તેમણે બાંગલાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ની સ્થાપના કરી. 30 મે ૧૯૮૧ના રોજ લશ્કરી કાવતરાં થકી ઝિયાની હત્યા થઇ.વર્ષ ૧૯૮૩થી ૧૯૯૦ લગી લશ્કરી વડા રહેલા હુસૈન મુહમ્મદ ઈર્શાદ રાષ્ટ્રપતિ રહ્યા. એ તાનાશાહી શાસક ગણાય છે. ઇર્શાદના મૃત્યુ પછી  એમના પક્ષ જાતીય પાર્ટીનું સૂત્રસંચાલન તેમનાં વિધવા રોશન ઇર્શાદના હાથમાં આવ્યું. સત્તાપલટા અને લશ્કરી શાસકોના દોરમાંથી પસાર થતા રહેલા બાંગલાદેશમાં ઝિયાઉર રહેમાનનાં વિધવા ખાલેદા ઝિયા ૧૯૯૧થી ૧૯૯૬ સુધી અને પછીથી ૨૦૦૧થી ૨૦૦૬ સુધી વડાંપ્રધાન રહ્યાં. એમની સ્પર્ધા બંગબંધુનાં દીકરી અને વર્તમાન વડાંપ્રધાન શેખ હસીના સાથે રહી. પણ ૨૦૦૯થી શેખ હસીના વડાંપ્રધાન છે. ખાલેદા ઝિયાને વિવિધ ખટલાઓમાં જેલવાસ અને ક્યારેક નાદુરસ્ત તબિયતને જેલમુક્તિ મળતી રહી છે. વડાંપ્રધાન તરીકે એ ભારત કરતાં પાકિસ્તાન ભણી વધુ ઢળતાં હોવાની છાપ હતી.  એમના પુત્ર તારીકે લંડનમાં જ રહેવું પડે છે.  મુસ્લિમ બહુલ દેશ બાંગલાદેશમાં છેલ્લી વસ્તી ગણતરી મુજબ હિંદુ વસ્તી એક ટકો વધી છે.કેબિનેટમાં પણ હિંદુ મંત્રીઓ છે.સંસદમાં મુખ્ય પક્ષોની નેતા વડાંપ્રધાન, સંસદની અધ્યક્ષ  કે વિપક્ષની નેતા મહિલાઓ  જ રહી છે. વડાંપ્રધાન તરીકે  હસીના પહેલાં ભારતતરફી ગણાતાં હતાં, હવે ભારત અને ચીન વચ્ચે સમતુલા જાળવે છે.સબમરીન સહિતની  લશ્કરી સામગ્રી ચીન પાસેથી ખરીદે છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઢાકાની મુલાકાત લઈને ભારે રોકાણ પણ કરે છે. ભારત ફરતે આવેલાં દેશોમાં ચીનનો પ્રભાવ વધી રહ્યાનું સ્પષ્ટ છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ:૨૮ માર્ચ ૨૦૨૧)

 

   

 

No comments:

Post a Comment