Wednesday 10 February 2021

Myanmar

 

સત્તાતરસ્યા લશ્કરે ફરી મ્યામામાં લોકશાહીનો ટોટો પીસ્યો

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         અમેરિકાને ટેકે આંગ સૂ ચિનું લશ્કર સાથે સમાધાન થયું હતું, ચીને ઉલાળિયાં કરાવ્યાં

·         વર્ષ ૧૯૬૨થી ૨૦૧૧ સુધી એટલે કે સતત ૪૯ વર્ષ પ્રજા લશ્કરી તાનાશાહો હેઠળ રહી

·         આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી, નેતાજી બોઝ અને સરદાર પટેલનો નિકટનો સંબંધ

·         લશ્કરી વડાની નિવૃત્તિ આડે માત્ર ત્રણ મહિનાનો ગાળો હતો અને એમણે ખેલ પાડી દીધો

બ્રહ્મદેશ, બર્મા અને હવેનો મ્યામા (મ્યાનમાર નહીં) દેશ છે તો ભારતનો પાડોશી, પણ દાયકાઓ સુધી લશ્કરી તાનાશાહોએ એને દુનિયાથી એવો બંધિયાર રાખ્યો છે  કે અગાઉની રાજધાની રંગૂન કે યાંગોન કે લશ્કરે જંગલમાં બાંધેલી નવી રાજધાની ને પી ટોમાં ખરા અર્થમાં શું ચાલી રહ્યું છે એ કહેવું મુશ્કેલ છે. થોડા વખત પહેલાં એના રોહિંગ્યા મુસ્લિમો પર લશ્કરી અત્યાચારોને પગલે તેઓ બાંગલાદેશ અને ભારત સહિતના દેશોમાં શરણાર્થી તરીકે ઘૂસી રહ્યા હતા એ મુદ્દો વૈશ્વિક બન્યો હતો. હમણાં પહેલી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ કંઇક અંશે  લશ્કર સાથે સુમેળ સાધીને છેલ્લાં પાંચેક વર્ષથી  રાજ કરતાં લોકશાહી સમર્થક સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચિ (સાચો ઉચ્ચાર આ છે) અને એમના વિશ્વાસુ રાષ્ટ્રપતિ ઉ વિન મિનની ધરપકડ કરાઈ, સત્તાનાં સૂત્રો લશ્કરી વડા મીં ઓંગ લાઈએ પોતાના હાથમાં લઈને એક વર્ષ માટે ઈમરજન્સી જાહેર કરી દીધી ત્યારે દુનિયાભરમાં ફરીને મ્યામા ચર્ચામાં આવ્યું. બર્માના રાષ્ટ્રપિતા જનરલ ઓંગ સોનની તેમના દેશના સ્વાતંત્ર્યના પ્રારંભિક દિવસોમાં જ હત્યા થઇ હતી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બાંગલાદેશના રાષ્ટ્રપિતાનું પણ આવું જ થયું હતું એને સંયોગ લેખવો પડે. જોકે બર્માના રાષ્ટ્રપિતાની જ કન્યા એટલે એમના દેશમાં દોઢેક દાયકા લગી જેલવાસ કે નજરકેદમાં રહીને લશ્કરી શાસન સાથે અમેરિકી ગોઠવણ મુજબ સમાધાન સાધીને છેવટે તટસ્થ ચૂંટણીમાં  સૌથી લોકપ્રિય અને લોકશાહી સમર્થક એવી આંગ સાન સૂ ચિ. નવેમ્બર ૨૦૧૫માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં તેમનો પક્ષ વિજયી બન્યો એટલે અગાઉના લશ્કરી રાષ્ટ્રપતિએ જાહેર કર્યા મુજબ ચિને રાષ્ટ્રપતિપદ મળવું જોઈતું હતું પરંતુ લશ્કરે તૈયાર કરેલા બંધારણમાં વિદેશી નાગરિકતા ધરાવતા બે પુત્રોની આ માતાને એ પદથી વંચિત રાખી હતી. જોકે એમના માટે ખાસ સ્ટેટ કાઉન્સેલરનો વિદેશમંત્રી સમકક્ષ  હોદ્દો ઊભો કરાયો, એમના વિશ્વાસુ સાથીને રાષ્ટ્રપતિ બનાવાયા  અને એમના નેજા હેઠળ સરકાર ચાલતી હતી. હજુ નવેમ્બર ૨૦૨૦માં સંસદની ચૂંટણી થઇ અને એમાં લશ્કર તરફી પક્ષને ભારે શિકસ્ત આપીને ચિનો પક્ષ ભવ્ય વિજય મેળવી શક્યો,પણ સંસદની બેઠક મળવાની હતી એના આગળ દિવસે જ ચીનના પરોક્ષ સમર્થનથી જ સત્તાપલટો થયો અને લશ્કરી તાનાશાહી ફરીને સ્થપાઈ.ઉપરાષ્ટ્રપતિ  સાથેની લશ્કરી વડાની ગોઠવણ હશે એટલે એમને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવી દેવાયા અને સઘળી સત્તા લશ્કરી વડાના હાથમાં આવી. આ દેશની તાસીર તો જુઓ કે એના બૌદ્ધ સાધુઓ અને યુવાનો લશ્કરી તાનાશાહોની સામે પણ જાહેરમાં વિરોધ કરવા આવતા રહ્યા છે. દેશના સમાચાર બહાર જાય નહીં એવી વ્યવસ્થા કરાયા છતાં વિરોધમાં રસ્તા પર  ઉતરી  આવેલા હજારો લોકોને નિયંત્રિત કરવાનું લશ્કર માટે પણ મુશ્કેલ બની રહ્યું છે.

સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ પ્રસરાવ્યો

બ્રહ્મદેશનો ઈતિહાસ ૫૦૦૦ વર્ષ પુરાણો મનાય છે. આજે તે  બૌદ્ધ બહુલ દેશ છે. શાંતિના આ ધર્મની નિકાસ ભારતમાંથી છેક સમ્રાટ અશોક (ઈ.સ.પૂ. ૩૦૩-૨૩૨)ના સમયગાળામાં થઇ હતી. ભારતીય સંસ્કૃતિનો આ દેશ પર ભારે પ્રભાવ છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ભિખ્ખુ મોકલીને બૌદ્ધ ધર્મનો પ્રસાર કરાવ્યો હતો.  આજે પણ એની સંસ્કૃતિ પર ભારતીયતાની અસર વર્તાય છે.  હિંદુઓ અને મુસ્લિમો  પણ અહીં બહોળી સંખ્યામાં વસે છે. વર્ષ ૧૦૫૭માં અહીં રાજા અનવરતે સંગઠિત મ્યામાની સ્થાપના કરી હતી અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.  ક્યારેક મોંગોલ કુબલાઈ ખાનના શાસન હેઠળ આ પ્રદેશ રહ્યો. અમે  શાળામાં પેગોડાઓના પ્રદેશમાં રાજધાની  રંગૂન સુધી ઈરાવતી નદીમાં માલવાહક જળમાર્ગ તથા હાથી દ્વારા ઈમારતી લાકડાં લઇ જવા માટે જાણીતા આ દેશને વિશે  ભણતા હતા, ૧૯૩૭માં બ્રિટિશ હકૂમતે એને બ્રિટિશ ઈન્ડિયાથી નોખો કર્યાનો ઈતિહાસ કુતૂહલ જગાવતો હતો, ક્યારેક મુંબઈમાં સંવાદદાતા તરીકેના દિવસોમાં ગ્રાન્ટ રોડ સ્થિત આરએસએસના નાઝ કાર્યાલયમાં પ્રચારક બાળાસાહેબ  કુલકર્ણી  બ્રહ્મદેશથી ભણવા મુંબઈ આવેલા સ્વયંસેવકનો પરિચય કરાવતા કે ક્યારેક ભાયંદર પાસેના ઉત્તનમાં રામભાઉ મ્હાલગી પ્રબોધિનીમાં વિશ્વ સંમેલનમાં બ્રહ્મદેશથી આવેલા સ્વયંસેવકો મળી ગયા હતા. આવા સંજોગોમાં પાડોશી દેશ વિશે જાણવાની ઉત્સુકતા સદૈવ રહી. હમણાં એક સ્વજન પર્યટક તરીકે આ દેશની મુલાકાતે જઈને પાછા ફર્યા ત્યારે વિદેશી પર્યટકો પર રાજકીય ચર્ચાઓની બંધી લાદતા મ્યામાના સાચા ઉચ્ચારોની જાણ પણ થઇ.

નગીનદાસ અને રૂપાણીની જન્મભૂમિ

ભારતના આઝાદીના સંગ્રામમાં ભારત અને બર્મા અલગ લાગે તેવું અનુભવતું નહોતું કારણ બંનેના શાસક અંગ્રેજ હતા. ગુજરાત સાથેનો એનો નાતો પણ ઘણો જૂનો છે.ગુજરાતી હિંદુ અને મુસ્લિમ વેપારીઓ તથા અન્ય વ્યવસાયીઓ બ્રહ્મદેશમાં વસ્યા હતા. મહાત્મા ગાંધીને  રાષ્ટ્રીય  કાર્યક્રમો માટે એમના બર્માનિવાસી મિત્ર ડૉ.પ્રાણજીવન મહેતા  તરફથી આર્થિક સહાય મળતી હતી. વર્ષ ૧૯૧૦માં ગાંધીજીને સૌપ્રથમ મહાત્માનું સંબોધન કરનાર ડૉ.પ્રાણજીવન મહેતાના નામે ૧૯૨૦માં મહાત્મા સંસ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ સંકુલમાં મુખ્ય છાત્રાલય પણ છે. ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલનાયક (વાઈસ ચાન્સેલર) સરદાર વલ્લભભાઈ પટેલને વિદ્યાપીઠ માટે ૧૦ લાખ રૂપિયાનું દાન આપનારા દાતાઓ પણ રંગૂનના જ હતા. બેરિસ્ટર થવા માટે  વિદેશ ગયા પછી એક જ વખત વિદેશ ગયેલા સરદાર બર્મા ગૂજરાત વિદ્યાપીઠ માટે દાન લેવા ગયા હતા. જોકે એ વેળા આ દેશ  બ્રિટિશ ઈન્ડિયાનો જ હિસ્સો  હતો. નેતાજી સુભાષબાબુએ ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફોજના સરસેનાપતિ તરીકે બર્મામાં  જાપાનની મદદથી અંગ્રેજો સામે જંગ છેડ્યો હતો. એમની આઝાદ હિંદ બેંક સ્થાપવા માટે એ વખતે રૂપિયા એક કરોડનું દાન આપનાર મૂળ ધોરાજીના બર્માનિવાસી મેમણ અબ્દુલ હબીબ યુસુફ મારફણી હતા. નેતાજીએ રંગૂન રેડિયો પરથી ૧૯૪૪માં મહાત્મા ગાંધીને સૌપ્રથમ રાષ્ટ્રપિતાનું સંબોધન કરીને તેમના આશીર્વાદ માંગ્યા  હતા.ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ પણ બર્મામાં જ થયો હતો. ગુજરાતના ગૌરવવંતા શતાયુ લેખક પ્રા. નગીનદાસ સંઘવી પણ બ્રહ્મદેશમાં જ જન્મ્યા હતા. ગુજરાત સહિત સમગ્ર દેશના અન્ય લોકો માટે પણ આ દેશ સાથેનો ઘરોબો અતૂટ રહ્યો છે. આજે પણ મણિપુર રાજ્યના મોરે ગામના ઇન્ડો મ્યામા ફ્રેન્ડશિપ ગેટ મારફત બંને દેશની પ્રજા વીસા કે પાસપોર્ટ વિના બંને બાજુ અવરજવર કરી શકે છે. જોકે કોરોનાના પ્રકોપને કારણે આ વેપાર માર્ગ હંગામી ધોરણે  બંધ કરાયો છે, પણ ભારતનાં ઉત્તરનાં રાજ્યો જ નહીં, દક્ષિણનાં રાજ્યોના લોકો પણ અહીં મળે છે.

લશ્કરથી મ્યામાની પ્રજા ત્રસ્ત

મ્યામાની પ્રજાને માથે લશ્કરી શાસન દાયકાઓ સુધી છવાયેલું રહ્યા છતાં હવે એની લોકશાહી માટેની ભૂખ ઉઘડી છે. વર્ષ ૧૯૯૧માં આંગ સાન સૂ  ચિને લોકશાહી માટેના સંઘર્ષ માટે શાંતિનું નોબેલ પારિતોષિક જાહેર થયું હતું પણ એ લેવા જવાનું શક્ય બન્યું નહોતું કારણ લશ્કરી તાનાશાહો એમને છૂટો દોર આપવા માંગતા નહોતા. છેક ૨૦૧૨માં એ નોબેલ પારિતોષિક લેવા જઈ શક્યાં. એ વેળા એ પેટા ચૂંટણીમાં સાંસદ ચૂંટાયાં હતાં.  એમના બ્રિટિશ પતિ માઈકલ એરિસ કેન્સરને કારણે મોતને બિછાને હતા ત્યારે પણ ચિ તાનાશાહી શાસકોની શરતો સ્વીકારીને એમને મળવા જવાનું ટાળી પોતાની પ્રજાની સાથે રહેવાનું પસંદ કર્યું હતું. માઈકલનું ૧૯૯૯માં નિધન થયું હતું. ૨૬ ઓગસ્ટ ૧૯૮૮ના રોજ ચિએ રંગૂનના પેગોડા પાસે પાંચ લાખ લોકોની જનમેદનીને સંબોધીને તેમના અધિકારો માટે લડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. એમની ધરપકડ, જેલવાસ કે  નજરકેદના દિવસો એ સંકલ્પને ડગાવી શક્યા નહોતા. તેમણે સ્થાપેલા પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસીને કચડવાના લશ્કરી પ્રયાસો છતાં ચિને પડખે પ્રજા અને બૌદ્ધ ભિખ્ખુઓ રહ્યા અને ભગવા ક્રાંતિ આગળ વધી. ૧૯૮૯થી ૨૦૧૦ દરમિયાન ૧૫ વર્ષ જેલવાસ ભોગવનાર આ બળૂકી મહિલાએ ગત પાંચ વર્ષ સત્તામાં ગાળ્યાં, પણ લશ્કરી અધિકારીઓની સત્તાલાલસાએ ફરી તેમને જેલ અને નજરકેદના મુકામે લાવી દીધાં છે. ગત નવેમ્બરની ચૂંટણીમાં ગેરરીતિઓ આચરવામાં આવ્યાના આક્ષેપ લશ્કરી સમર્થક પક્ષ યુનિયન સોલિડારિટી ડેમોક્રેટિક પાર્ટી થકી કરાયા, પણ પુરાવા નહોતા. ૮ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં લશ્કર તરફી પક્ષની રીતસર ફજેતી થઇ એટલે રાષ્ટ્રપતિ થવા ઉધામા મારી રહેલા લશ્કરી વડા મિ ઓંગ લાઈએ એકાએક ચિ અને તેમના સાથીઓની ધરપકડ કરી ઈમરજન્સી જાહેર  કરી દીધી. સંસદનાં બંને ગૃહોની કુલ ૪૭૬ બેઠકોમાંથી ઓંગ સાન સૂ ચિના પક્ષને ૩૯૬ બેઠકો મળી હતી અને સામેના પક્ષને માત્ર ૩૩ બેઠકો મળી. લશ્કરી તાનાશાહોએ ઘડેલા બંધારણમાં સંસદની ૨૫ %  બેઠકો એટલેકે ૧૬૬ બેઠકો લશ્કરી અધિકારીઓ માટે અનામત રાખવા ઉપરાંત સંરક્ષણ, ગૃહ અને સરહદી બાબતોનાં મંત્રાલય લશ્કરી સાંસદો માટે જ આરક્ષિત છે.  લશ્કરી વડાએ  સત્તા મેળવવા ૧૬૭ બેઠકો જ મેળવવાની હતી, પણ માત્ર ૩૩ મળી. વળી, ત્રણ મહિનામાં જ લશ્કરી વડાની નિવૃત્તિ આવી રહી હતી એટલે એમણે ઉતાવળ કરીને લશ્કરી તાનાશાહી આણી. જોકે આના વૈશ્વિક પ્રત્યાઘાતો આકરા પડવાના, પણ વર્ષોથી મ્યામા દેશ  આર્થિક નાકાબંધીથી ટેવાઈ  ગયો છે એટલું જ નહીં ચીન એને મદદ કરીને પોતાનો ઓશિયાળો રાખવાનાં પ્યાદાં ગોઠવીને જ બેઠું છે.   

ઈ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૭ ફેબ્રુઆરી ૨૦૨૧)

No comments:

Post a Comment