Sunday 7 February 2021

Chauree Chaura Centenary Celebration Year

 

ચૌરીચૌરા શહાદતનું શતાબ્દીવર્ષ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         અસહકાર આંદોલન હિંસક બનતાં મોકૂફ

·         “દેશદ્રોહી” ગાંધીજીને છ વર્ષની સજા થઇ

·         વડાપ્રધાનથી મહાત્માનો ઉલ્લેખ વિસરાયો

“હું મારા દેશવાસીઓને બતાવી  આપવા મથી રહ્યો છું કે હિંસા વૃત્તિથી ચલાવેલો અસહકાર સરવાળે દુનિયામાં બુરાઈને ઘટાડવાને બદલે વધારવાનું જ હથિયાર બને છે. અને બુરાઈને નભાવવાનું એકમાત્ર સાધન હિંસા હોવાથી પોતાના તરફથી તેને મળતો ટેકો ખેંચી લેવા માગનારે હિંસાનો નિઃશેષ ત્યાગ કરવો રહ્યો...અહિંસાવૃત્તિમાં બુરાઈ સાથેનો  અસહકાર કરવા જતાં ખમવાં પડનારાં દુ:ખોને સ્વેચ્છાપૂર્વક માથે લેવાં એ આવી જાય છે.” રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અમદાવાદના શાહીબાગસ્થિત  જૂના સર્કિટ હાઉસમાં આઇસીએસ અધિકારી તેમ જ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સી.એન. બ્રૂમફિલ્ડની અદાલતમાં તેમનીસામે“યંગ ઇન્ડિયા”માંબાપુએ લખેલા લેખો સંબંધી ૧૮  માર્ચ ૧૯૨૨ના રોજ  ચાલી રહેલા દેશદ્રોહના ખટલાની સુનાવણી દરમિયાન આરોપો કબૂલીનેપોતાના માટે “સખતમાં સખત સજા” માટે આગ્રહ કરી રહ્યા હતા.તેમને છ વર્ષની કેદની સજા થઇ હતી. અસહકાર આંદોલનના ભાગરૂપ ચૌરીચૌરામાં  ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ નીકળેલા શાંત સરઘસ પર પોલીસ  અમાનુષી ગોળીબાર કરતાં ઉશ્કેરાયેલી જનમેદનીએ ઉત્તર પ્રાંતના ગોરખપુર પાસેના ચૌરીચૌરાની પોલીસ ચોકીમાં ૨૩ પોલીસને જીવતા સળગાવી દેવાના બનાવને પગલે મહાત્માએ  અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું હતું.અસહકાર આંદોલનની હાકલ મહાત્માએ કરી હોવાથી એના પરિણામે જે હિંસા થઇ એનો દોષ પણ પોતે ઓઢી લેવા આતુર હતા. મહાત્મા ગાંધીએ  ચૌરીચૌરાના બનાવને પગલે અસહકાર આંદોલન મોકૂફ રખાવ્યું એટલે એ સામે ઘણા બધાનો આક્રોશ પણ હતો,પણ મહાત્માની ભૂમિકા સ્પષ્ટ હતી. એમણે ચૌરીચૌરાના હિંસક બનાવને કડકમાં કડક શબ્દોમાં વખોડ્યો પણ ખરો. એ વેળા ૩૦,૦૦૦ લોકોને હૃદયશૂન્ય અંગ્રેજ સરકારે જેલમાં ઠૂંસી દીધા હતા.જેલવાસી કોંગ્રેસી અગ્રણીઓમાં લાલા લાજપત રાય, પંડિત મોતીલાલ નેહરુ, ચિત્તરંજન દાસ, પંડિત જવાહરલાલ નેહરુ, નેતાજી સુભાષચન્દ્ર બોઝ સહિતના હતા. મહાત્માએ હિંસક બનતા અસહકાર આંદોલનને મોકૂફ રાખ્યા પછી પણ એમના કોંગ્રેસ સાથીઓ ગાંધીજીનું નામ કોંગ્રેસના પ્રમુખ તરીકે એકથી વધુ વખત સૂચવે છે, એકથી વધુ વખત નિર્ણયો કરવાની સર્વ સત્તા કારોબારીમાં ઠરાવ કરીને એમને સોંપાય છે.એમના નેતૃત્વની આ બોલકી સ્વીકૃતિ હતી.ગાંધીજી માત્ર એકવાર ૧૯૨૪માં જ બેળગાંવ ખાતેના કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા, પણ જીવ્યા ત્યાં લગી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા રહ્યા. ૪ ફેબ્રુઆરી ૧૯૨૨નીચૌરીચૌરાની એ ઘટનાના શતાબ્દી વર્ષ તરીકેની ઉજવણી કેન્દ્રની અને ઉત્તરપ્રદેશની  વર્તમાન સરકાર કરી રહી છે. એ નિમિત્તે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભવ્ય સમારંભનું આયોજન પણ થયું અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ૨૪ મિનિટ ૨૫ સેકંડનું વીડિયો સંબોધન પણ થયું.ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એ નિમિત્તે આયોજિત સમારંભમાં ઉપસ્થિત રહ્યા.

ટિળકની જેમ ગાંધીજીને સજા

જોકે ૧૦ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ અને ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ જજ બ્રૂમફિલ્ડે તેમને રાજદ્રોહ માટે કસૂરવાર ઠરાવીને છ વર્ષની કેદની સજા ફરમાવી. એ પહેલાં મહાત્મા ગાંધીએ પોતાના નિવેદનમાં અંગ્રેજ સરકારની “હિંદી નાગરિકોની સ્વતંત્રતા કચડી નાંખવાની નીતિની સખત શબ્દોમાં ટીકા કરી હતી. ગાંધીજી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ  ૧૨૪ (એ) હેઠળ રાજદ્રોહનું તહોમત મૂકવામાં આવ્યું હતું.  બ્રિટિશ જજે એ વેળા ચુકાદો આપતાં કહેલા શબ્દોમાં મહાત્માને ખૂબ આદરથી સંબોધ્યા હતા.“તમારા કરોડો દેશબંધુઓની દ્રષ્ટિએ તમે મહાન દેશભક્ત છો” અને “તમને સજા કરવાની બાબતમાં બારેક વર્ષ પર ચાલેલા આવા જ એક બીજા મુકદ્દમાને અનુસરવા માંગું છું. મિ.બાળ ગંગાધર ટિળકને આ જ કલમની રૂએ સજા થયેલી...મને ખાતરી છે કે જો હું તમને ટિળકની હારમાં બેસાડું તો તેમાં તમને અયોગ્ય નહીં લાગે.” જજે છ વર્ષની સજા જાહેર કરીને કહ્યું: “હું એટલું ઉમેરવા માગું છું કે ભવિષ્યમાં જો હિંદુસ્તાનનું રાજકીય  વાતાવરણ શમે અને સરકાર તમારી સજા ઓછી કરી તમને છોડી મેલી શકે તો તે દિવસે મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય.” પોતાને સજા કરતાં લોકમાન્ય ટિળકના મુકદમાનો ઉલ્લેખ કરાયાથી પોતે ધન્ય થયાની મહાત્માને અનુભૂતિ પણ થઇ.ગાંધી અને એમના સાથી તથા “યંગ ઈન્ડિયા”ના પ્રિન્ટર શંકરલાલ બેંકર (જેમને ૬ મહિનાની કેદની સજા થઇ હતી)ને સાબરમતી જેલથી પછી પુણેની યરવડા જેલમાં લઇ જવાયા હતા. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં અનેકવાર જેલવાસ ભોગવી ચૂક્યા હતા, પણ હિંદુસ્તાન પાછા ફર્યા પછી તેમના માટે આ પહેલો જેલવાસ હતો. અગાઉ ૧૯૧૯માં પંજાબ જતાં તેમની ટ્રેનમાં ધરપકડ કરાઈ હતી, પણ એ મુંબઈ સુધી ટ્રેન પૂરતી સીમિત હતી. યરવડાથી મહાત્માને બીમારીને કારણે ૫ ફેબ્રુઆરી ૧૯૨૪ના રોજ એટલે કે છ વર્ષની સજા પૂરી થાય એ પહેલાં જેલમુક્ત કરાયા હતા.

શહીદો, રાઘવદાસ અને માલવિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌરીચૌરાના શહીદોને યાદ કરી પોતાના ૨૪ મિનિટ કરતાં પણ વધુ સમયના વર્ચુઅલ ભાષણમાં ઇતિહાસમાં જેમની ઝાઝી નોંધ લેવાઈ નથી એવા ચૌરીચૌરાના એ શહીદોને અને એમના તથા સ્વાતંત્ર્ય સૈનિકોના પરિવારોને નમન કર્યાં. પેલા ૨૩ પોલીસોને પોલીસ સ્ટેશનમાં જીવતા સળગાવી દેવા બદલ જે ૧૯ જણાને ફાંસીએ લટકાવાયા, તેમને શહીદ ગણાવીને વંદન કર્યાં. બાબા રાઘવદાસ અને પંડિત મદન મોહન માલવિયાએ ૧૫૦ લોકોને ફાંસીની સજામાંથી બચાવી લેવાનું રાષ્ટ્રપ્રેમી કાર્ય કર્યું એ બદલ એમનું પણ પુણ્યસ્મરણ કર્યું.આવતા વર્ષે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીનો પણ વડાપ્રધાને આની સાથે સંબંધ જોડ્યો. કેન્દ્રના શિક્ષણ વિભાગ અને ઉત્તરપ્રદેશ સરકારના ઉપક્રમે ચૌરીચૌરાના એ શહીદો પર ઈતિહાસ લખાય, આયોજનો થાય, પુસ્તકો લખાય એવા ઉપક્રમોને પણ બિરદાવીને પોતાની સરકારની ઉપલબ્ધિઓ અને ખેડૂત હિતમાં કેન્દ્રનાં પગલાંની વિગતે વાત કરી. નવાઈ એ વાતની અનુભવાઈ કે વડાપ્રધાન મોદીએ સમગ્ર ભાષણમાં એકપણ વખત મહાત્મા ગાંધીના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં. એમની સત્તાવાર વેબસાઈટ પર મૂકાયેલા ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના ચૌરીચૌરા શતાબ્દી મહોત્સવના સમાચાર અને વ્યાખ્યાનના વીડિયોમાં પણ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કેમ ચૂકાયો એ વાતે પણ આશ્ચર્ય થયું. અત્રે એ યાદ રહે કે  મહામના પંડિત માલવિયા હિંદુ મહાસભાના બબ્બે વાર અધ્યક્ષ રહ્યા પણ એ બબ્બેવાર કોંગ્રેસના પણ અધ્યક્ષ હતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ-કાર્યાધ્યક્ષ રહેલા અને પંડિત નેહરુની સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રહેલા જનસંઘના સંસ્થાપક તથા ભાજપના આરાધ્યપુરુષ બેરિસ્ટર  ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી અંગ્રેજનિષ્ઠ સર આશુતોષ મુકરજીના પરિવારમાં પેદા થયા હોવા છતાં પોતાની ધારાસભ્ય તરીકેની કારકિર્દી તેમણે ૧૯૨૯માં કોંગ્રેસથી શરૂ કરી હતી. ૧૯૨૫માં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર (૧૮૮૯-૧૯૪૦) પણ આજીવન કોંગ્રેસી રહ્યા હતા એટલું જ નહીં, આઝાદીની લડતમાં બબ્બેવાર જેલવાસ દરમિયાન અને અન્યત્ર  તેમણે કોંગ્રેસના નેતાઓ મહત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નેહરુના આદેશોનું પાલન કર્યું હતું. જોકે ભાજપના વર્તમાન યુગમાં કોંગ્રેસ ભણીની સૂગ સાથે જ એના અમુક નેતાઓ ભણી પણ સૂગ સ્પષ્ટ તગે છે.આવા સંજોગોમાં ઇતિહાસનું પુનર્લેખન કરવાની સરકારી હિલચાલો કેવો નવ-ઈતિહાસ રચશે એ કહેવું મુશ્કેલ છે.

તિખારો

ધરતી ગોરખનાથ કી પાવન પરમ મહાન

કણ-કણ  મેં હૈ ત્યાગ, તપ, શૌર્ય ઔર બલિદાન

ચૌરીચૌરા કે વીરોં ને રચા નયા ઈતિહાસ

કોટિ-કોટિ જનતા કે મન મેં ભરા આત્મવિશ્વાસ

ચાર ફરવરી કી ઘટના સે બદલ ગઈ તસ્વીર

વ્યાકુલ હુઆ ફિરંગી શાસન લગા લક્ષ્ય પર તીર

અંગ્રેજોં કો હુઆ પરાજય કા કડવા એહસાસ

ચૌરી ચૌરા કે વીરોં ને રચા નયા ઈતિહાસ

-     વીરેન્દ્ર વત્સ -મેઈલ: haridesai@gmail.com  (લખ્યાતારીખ: ૫ફેબ્રુઆરી૨૦૨૧)

No comments:

Post a Comment