વડાપ્રધાન થવામાં નિષ્ફળ પ્રણવદાનો પુસ્તક-વિસ્ફોટ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
ગામડિયા મુખરજી એકનું એક
શર્ટ ત્રણ દિવસ પહેરતા, ઇન્દિરાજીએ તાલીમ આપી
·
વર્ષ ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૭
અને ૨૦૧૨માં વડાપ્રધાનપદની તક ગુમાવ્યાનો ગમ
·
કોંગ્રેસના ચૂંટણીપરાજય
માટે સોનિયા-મનમોહનને દોષ, મોદીને આપખુદ લેખાવ્યા
હજુ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ
કોરોનાના પ્રતાપે મૃત્યુને ભેટેલા દેશના રાષ્ટ્રપતિ, નાણામંત્રી, સંરક્ષણ મંત્રી
અને વિદેશમંત્રી રહેલા પ્રણવ મુખરજીના છેલ્લા આત્મકથાનક પુસ્તક “ધ પ્રેસિડેન્સિયલ
યર્સ”નું જાન્યુઆરી ૨૦૨૧માં વૈશ્વિક લોકાર્પણ થાય એ પહેલાં એમના પ્રકાશનગૃહ રૂપાએ
માત્ર એક પાનાનું નિવેદન પ્રસારિત કરીને
દેશ અને દુનિયામાં ધમાલ મચાવી દીધી છે. ભૂંડી અવસ્થામાં મૂકાયેલી કોંગ્રેસના
દાયકાઓ સુધી નેતા રહેલા પ્રણવદાએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં “પોતાના જેવા
ચાણક્યની ખોટ હોવાને કારણે” (રાષ્ટ્રપતિ ભવનમાં હોવાથી) કોંગ્રેસના ભૂંડા હાલ અને
પરાજય માટે કોંગ્રેસનાં અધ્યક્ષ રહેલાં સોનિયા ગાંધી અને “કેન્દ્રની ગઠબંધન
સરકારના ઘટકોને ભેગા રાખવામાં લગભગ નિષ્ફળ રહેલા” અને “સાંસદો સાથે સંવાદ નહીં
જાળવી શકનાર” વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શિરે દોષનો ટોપલો સેરવ્યો છે. આની સાથે જ
પોતાના અગાઉના વર્ષ ૨૦૧૭માં પ્રકાશિત પુસ્તક “ધ કોએલિશન યર્સ:૧૯૯૬-૨૦૧૨”માં
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો માત્ર એક જ ફકરામાં નકારાત્મક કહી શકાય તેવો
ઉલ્લેખ કરવાનું પસંદ કરનાર મુખરજી નવા પુસ્તકમાં વડાપ્રધાન મોદીને એમના વર્તમાન હોદ્દે પહેલી મુદતમાં “આપખુદ” (ઓટોક્રેટ)
લેખાવવાનું પસંદ કર્યું છે. પુસ્તકમાં વધુ કઈ વિગતો રજૂ કરાઈ છે એ બાબત હજુ
પ્રકાશન ગૃહ ઝાઝું જણાવતું નથી, પરંતુ મોદીના
“આપખુદ શાસન” બાબત સરકાર, ધારાગૃહ અને ન્યાયતંત્ર વચ્ચેના કટુ સંબંધની વાત
તેમણે છેડી છે. વડાપ્રધાન મોદી દિલ્હી આવ્યા પછી પ્રણવદાને પિતાતુલ્ય ગણાવતા રહ્યા
છે, ચરણસ્પર્શ કરતા રહ્યા છે, પ્રણવદા પણ એમનું મોંઢું મીઠું કરાવતા રહ્યા છે.
કેન્દ્રના વર્તમાન શાસકો અને પક્ષ પ્રણવદા કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં
તેમને વડાપ્રધાન બનાવાયાની દુઃખતી રગને સતત આળી કરતો રહ્યો છે અને નાગપુર સંઘ
શિબિરમાં જવા માટે મોકળાશ અનુભવાય એવા સંજોગો પણ સર્જતા રહ્યા છે. હવે પશ્ચિમ
બંગાળની આગામી ચૂંટણીમાં પ્રણવદાનો મુદ્દો કેવો ગાજે છે તે જોવું રહ્યું.
મુખરજીનો પરિવાર
કોંગ્રેસમાં
કોંગ્રેસે મુખરજીને
વડાપ્રધાન બનાવ્યા નહીં એ હકીકત છતાં એમનો પરિવાર હજુ કોંગ્રેસ સાથે જ છે. પુત્ર
અભિજિત દાદાના રાષ્ટ્રપતિ બનવાથી ખાલી પડેલી જંગીપુરા બેઠક પર પેટા ચૂંટણીમાં ચૂંટાયા હતા. એ પહેલાં એ ધારાસભ્ય રહ્યા. દીકરી
અને કથ્થક નૃત્યાંગના શર્મિષ્ઠા કોંગ્રેસની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી
લડ્યાં, પણ ભાજપના ઉમેદવાર સામે હાર્યાં હતાં. નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં પ્રણવ
મુખરજીએ રાષ્ટ્રપતિ હતા ત્યાં સુધી જવાનું ટાળ્યું હતું. એ પછી એ ગયા હતા અને પોતે
આજીવન નેહરુવાદી રહ્યાનો પરિચય આપ્યો હતો. જોકે નાગપુરના કાર્યક્રમમાં સંઘની
પદ્ધતિથી ધ્વજ પ્રણામ કરતી તેમની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ત્યારે એમનાં
દીકરી શર્મિષ્ઠાએ એ કૃત્યને “બીજેપી-આરએસએસના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટના કરતૂત”
લેખાવીને વખોડી હતી. પ્રણવદાએ પુસ્તકમાં ભાજપના નેતા અને નાયબ વડાપ્રધાનમાંથી
વડાપ્રધાન બનવાના આકાંક્ષી લાલકૃષ્ણ આડવાણી વિશે શું નોંધ્યું છે, એ પણ જાણમાં
નથી. માથે પશ્ચિમ બંગાળની ચૂંટણી છે એટલે વર્ષ ૨૦૧૮માં મુખરજીના નવા પુસ્તક અંગેના કરારની
જાહેરાત કરનાર રૂપાના મેનેજિંગ ડિરેક્ટર કપિશ જી.મેહરા પ્રણવદાએ લખેલા શબ્દો મુજબ
જ એનું પ્રકાશન કરે છે કે એમાં કોઈ અવરોધ આવે છે કે કેમ એ ભણી સમગ્ર દેશ અને
દુનિયાની નજર જરૂર રહેશે.
ઇન્દિરાજીના નિષ્ઠાવંત-તાલીમાર્થી
બાંગલા કોંગ્રેસથી રાજકીય
કારકિર્દીનો ૧૯૬૭માં આરંભ કરનાર મુખરજી જુલાઈ ૧૯૬૯માં અજય મુખરજીની બાંગલા
કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને રાજ્યસભામાં આવ્યા. એમના પક્ષનું કોંગ્રેસમાં ભળી
જવાનું ૧૯૭૨માં થયું. એ પછી તો એ ચાર વાર ગુજરાત સહિતના પ્રતિનિધિ તરીકે રાજ્ય
સભામાં અને બે વારની નિષ્ફળતા પછી એક વાર પશ્ચિમ બંગાળમાંથી લોકસભામાં
ચૂંટાયા. પ્રણવદા વડાંપ્રધાન ઇન્દિરા
ગાંધીની નજરમાં આવ્યા ત્યારે એ પશ્ચિમ બંગાળના સામાન્ય મીરીતી ગામડાગામના સીધાસાદા પણ પરિશ્રમી કાર્યકર હતા.
આઝાદીની લડતમાં સહભાગી અને ધારાસભ્ય પિતા
કમદા કીનકર મુખરજીના પુત્ર હતા. કેરોસીનના ફાનસને અજવાળે ભણીને અર્થશાસ્ત્રમાં
પારંગત થયેલા ડાબેરી ઝોકવાળા કોંગ્રેસી હતા. એકનું એક શર્ટ સતત ત્રણ દિવસ પહેરનારા
પ્રણવદા કબૂલે છે કે એમને ઇન્દિરાજીએ રહનસહનમાં તૈયાર કર્યા અને એ સતત એમના
નિષ્ઠાવંત રહ્યા. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની જેમ જ ગુજરાતી ઉદ્યોગપતિ ધીરુભાઈ
અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સાથે એમનો ઘરોબો રહ્યો. સંયોગ તો જુઓ કે નરેન્દ્ર મોદીના
શાસનકાળમાં મરણોત્તર ભારતરત્ન
મેળવનાર ધીરુભાઈ અંબાણી પછી મોદીકાળમાં જ
પ્રણવદાને પણ ભારત રત્ન મળ્યો.વર્ષ ૧૯૭૩માં ઇન્દિરા સરકારમાં ઉદ્યોગ વિકાસના નાયબ
મંત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રણવદા ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સીના ટેકેદાર રહ્યા. ૧૯૮૨થી
૧૯૮૪ સુધી ઇન્દિરા ગાંધીની સરકારમાં નાણા મંત્રી રહ્યા. પક્ષ અને સરકારમાં એ મહત્વ
ધરાવતા હતા. જોકે ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે
પોતે સૌથી વરિષ્ઠ મંત્રી હોવાને કારણે વડાપ્રધાન બનવા ઈચ્છુક હતા, પરંતુ
ઇન્દિરા-પુત્ર રાજીવ ગાંધીને વડાપ્રધાનપદ મળ્યું એટલે નારાજગી સ્વાભાવિક હતી. આમ
છતાં, રાજીવ સરકારમાં એ સામેલ થયા. જોકે એમના પુસ્તક “ધ કોએલિશન યર્સ”માં રાજીવ
ગાંધીએ લોકસભાની ૧૯૮૪ની ચૂંટણી પછી પ્રણવદા અને નરસિંહરાવને કયા સંજોગોમાં પડતા
મૂક્યા એનું એમણે વિગતે વર્ણન કર્યું છે. વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ
ગાંધીએ “પોતાના મિત્રોની ચડવણી અને ખોટી રજૂઆતોથી” પ્રણવદાને પક્ષમાંથી તગેડ્યા.
વર્ષ ૧૯૮૬થી ૮૯ દરમિયાન એમણે અલગ પક્ષ રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ રચીને ચૂંટણીઓ
લડી પણ પોતે જન-નેતા (માસ લીડર) નહીં હોવાની પ્રતીતિ સાથે પક્ષને કોંગ્રેસમાં
ભેળવી પરત ફર્યા.
રાવના યુગમાં પુનર્સ્થાપન
રાજીવની ૧૯૯૧માં હત્યાને
પગલે કોંગ્રેસ સત્તામાં આવતાં ફરી પ્રણવદાને વડાપ્રધાન બનવાની આશા હતી, પરંતુ
સોનિયા ગાંધીને નરસિંહરાવ વડાપ્રધાન થાય એવું
ઠીક લાગ્યું. રાવે પહેલાં મુખરજીને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા અને પછી
કેબિનેટ મંત્રી બનાવ્યા. કોંગ્રેસના નિષ્ઠાવંત તરીકે એટલે કે ૧૦, જનપથના વિશ્વાસુ તરીકે એમની વિશ્વસનીયતા શંકાસ્પદ હતી. ફરીને વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાન
બનાવાનો પ્રસંગ કોંગ્રેસ કને આવ્યો ત્યારે કોંગ્રેસના સંસદીય મંડળે કોંગ્રેસ
અધ્યક્ષા સોનિયા ગાંધીને નેતા પસંદ કર્યાં, પણ એમણે વડાપ્રધાન બનાવાનો નન્નો ભણ્યો
ત્યારે ફરી પ્રણવદાને આશા હતી કે હવે મારો વારો આવશે. એમના જુનિયર રહેલા ડૉ.મનમોહન
સિંહને વડાપ્રધાનપદ માટે પસંદ કરાયા. પ્રણવદા સરકારમાં જોડવા માંગતા નહોતા પણ
સોનિયાજીનો આગ્રહ હતો. મુખરજીએ નોંધ્યું છે કે મને નાણા મંત્રી બનવા કહ્યું પણ હું
મનમોહન સિંહની આર્થિક વિચારધારા સાથે સંમત નહીં હોવાથી ના પાડી.એમણે સંરક્ષણ
મંત્રી થવાનું પસંદ કર્યું અને કોંગ્રેસમાંથી અલગ થયેલા પણ યુપીએના ઘટક પક્ષના જ
ચિદમ્બરમ નાણામંત્રી બન્યા.વર્ષ ૨૦૦૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રણવદાનું નામ
આવ્યું અને સાથે જ મનમોહન પણ રાષ્ટ્રપતિ થઇ શકે એવી ચર્ચા હતી ત્યાં ફરી મુખરજીને
વડાપ્રધાનપદ મળવાની આશા જાગ્યાનું એ નોંધે છે, પણ મહારાષ્ટ્રનાં પ્રતિભાતાઈ પાટીલ
રાષ્ટ્રપતિપદ માટે પસદ થયાં એટલે વડાપ્રધાનપદની આશા ઠગારી નીવડી. વળી, વર્ષ
૨૦૦૯માં યુપીએ સરકાર ફરી સત્તામાં આવી અને ડૉ.સિંહ જ ચાલુ રહ્યા. વર્ષ ૨૦૧૨માં
રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભાતાઈની મુદત પૂરી થતી હતી ત્યારે તો પ્રણવદાને નક્કી
લાગ્યું કે આ વખતે તો સોનિયા ગાંધી પોતાના વિશ્વાસુ અને નિરુપદ્રવી ડૉ.મનમોહન
સિંહને જ રાષ્ટ્રપતિ બનાવશે એટલે મારો વારો નક્કી. જોકે આ વેળા મોવડીમંડળે
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવદાને પસંદ કર્યા એટલે એમણે નાછૂટકે રાજકારણમાંથી નિવૃત્ત
થવાનું આવ્યું. સંયોગ તો જુઓ, ચોથા વર્ગના કર્મચારીમાંથી દેશના મુખ્ય ન્યાયાધીશના
હોદ્દે પહોંચેલા પહેલા પારસી જસ્ટિસ સરોશ હોમી કાપડિયાએ પશ્ચિમ બંગાળના એક સામાન્ય
ગામડિયામાંથી દેશના રાષ્ટ્રપતિ બનેલા પ્રણવ મુખરજીને ૨૫ જુલાઈ ૨૦૧૨ના રોજ શપથ
લેવડાવ્યા! પાંચ પાંચવાર રાજ્યસભા અને બે વાર લોકસભાના સભ્ય રહ્યા એટલું જ નહીં
ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ રહેલા પ્રણવદાને કાયમ એ વાતનો અફસોસ રહ્યો કે એમને
કોંગ્રેસે વડાપ્રધાન ના બનાવ્યા. એના ગમ સાથે એ સ્વર્ગે સિધાર્યા. એમ તો ભાજપમાં
પણ લાલકૃષ્ણ આડવાણી, ડૉ.મુરલી મનોહર જોશી, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, સુષ્મા
સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર પર્રીકર સહિતનાં વિરાટ વ્યક્તિત્વોને પાછળ મૂકીને
વડાપ્રધાનપદની હોડમાં નરેન્દ્ર મોદી આગળ નીકળી ગયા. ઉપરાંત અનેક નેતાઓ વડાપ્રધાન
બનવાનાં સ્વપ્નોમાં રાચતા હશે. કેટલાક તો આકસ્મિક રીતે વડાપ્રધાન બની ગયા,
એચ.ડી.દેવેગૌડા, ચંદ્રશેખર, આઈ.કે.ગુજરાલ વગેરેની જેમ. પ્રણવદા ડૉ.મનમોહન સિંહને
“આકસ્મિક વડાપ્રધાન” ગણાવતા નથી, પણ અકસ્માતે કેટલાકને રાજકીય હોદ્દાની તક મળી જતી હોય છે. સરપંચની
ચૂંટણી પણ ક્યારેય નહોતા લડ્યા એવા નરેન્દ્ર મોદીને સ્મશાનમાં મુખ્યમંત્રીપદ
મળ્યાનું એમણે અમને ક્યારેક કહેલું. રાજકારણમાં તો ગમે ત્યારે ગમે થઇ શકે છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૩ ડિસેમ્બર ૨૦૨૦)
No comments:
Post a Comment