Wednesday 23 December 2020

Farmers Agitations : From Past to Present

 

ઈતિહાસ સાક્ષી છે કે ખેડૂત નાછૂટકે આંદોલનથી ન્યાય માંગે છે

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         રાજાઓ-નવાબો અને જમીનદારો થકી શોષણની લાંબી પરંપરામાં કિસાનના અવાજને કચડાયો

·         ગોરાઓના શાસનમાં મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા બળૂકા નેતાઓ હાથ ઝાલતા

·         પોતીકાઓના શાસનમાં તો ખેડૂત આંદોલનો હાથ ધરાય ત્યારે પોલીસ ગોળીબારમાં લેવાતા જીવ

·         તાજેતરમાં વિવિધ  ૪૨ કિસાન સંગઠનોના દિવસો સુધીના શાંત આંદોલનનો જોટો જડવો મુશ્કેલ  

“બળદ મોટરથી ભડકે છે તેમ તમે સરકારના અને જમીનદારના માણસથી ભડકો છો. એ ભયનો કશો અર્થ છે? એ સરકારના માણસ કોણ અને જમીનદાર કોણ? એને બે માથાં કે ચાર કાન છે શું? તમારે ડરવાનું હોય કે એણે ડરવાનું હોય? તમે તો જગતના અન્નદાતા છો. તમારા જેટલો પવિત્ર જગતમાં કોણ છે? તમે નિર્દોષ છો એમ હું નથી  કહેતો, પણ જગતમાં ઓછામાં ઓછો પાપી મનુષ્ય જે પોતાના પરસેવાની રોટી ખાતો હોય તો તે તમે છો. અને તમે તો તમારા પરસેવાની રોટી પણ પૂરી ખાધા વિના પારકાંનાં પેટ ભરો છો. તમે ન હો તો જગત એક ઘડીભર નભી ન શકે અને  અને જગત ન નભે તો  જમીનદાર તો નભે જ શાને?” દેશના ખેડૂતોના હામી અને દેશની આઝાદીના સંગ્રામ દરમિયાન ખેડૂતોને ન્યાય અપાવવા અંગ્રેજ સરકાર સામે બારડોલી સત્યાગ્રહ જેવા સત્યાગ્રહો આદરીને સરદાર કહેવાયેલા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના ડિસેમ્બર ૧૯૨૯માં બિહારના ખેડૂતો સમક્ષના આ શબ્દો આજે સ્મરે એ સ્વાભાવિક છે. ગાંધીજીએ ૧૯૧૭માં આદરેલા ચંપારણ સત્યાગ્રહ થકી તો વલ્લભભાઈએ બેરિસ્ટરી છોડી ગાંધીજીને સમર્પિત થવાનું કબુલ્યું હતું. મહાત્મા પણ બેરિસ્ટરી છોડીને આશ્રમવાસી થયા હતા.

બિનરાજકીય આંદોલનનું સત્વ 

 દેશભરના ખેડૂતો કૃષિ પેદાશો અને તેમના વેચાણ સંબંધિત વર્તમાન કેન્દ્ર સરકારે રાજ્યો કે ખેડૂત સંગઠનોને વિશ્વાસમાં લીધા વિના ઘડી કાઢેલા ત્રણ કાયદાઓ સામે દિવસોથી જંગે ચડ્યા. એમની એકતાને તોડવાના પ્રયાસો થઇ રહ્યા હોય, તેમને રાષ્ટ્રવિરોધી ગણાવવાના ઉશ્કેરણીજનક પ્રયાસ સત્તાધીશો તરફથી થતા હોય ત્યારે સરદાર પટેલનું સ્મરણ સ્વાભાવિક છે. મત મેળવવાની લાહ્યમાં ખેડૂતોનાં બેંક ખાતાંમાં અમુક નાણાં જમા કરાવવાની યોજનાઓ  કે ડૉ.સ્વામીનાથન સમિતિની “સી-ટુ”નો અમલ કરવાની વાતોનાં વડાં થાય છે. ખેડૂતોને માત્ર પોષણક્ષમ જ નહીં, નફાકારક ભાવોનો ખપ છે. આંદોલન કરનારાં ૪૨ કરતાં પણ વધુ  સંગઠનો બિન-રાજકીય ધોરણે આંદોલન ચલાવતાં હોય અને પોતાના મંચ પર કોઈ રાજકીય પક્ષના નેતાને આવવા દેતાં ના હોય ત્યારે આવા આયોજનને સલામ જ કરવી પડે. અગાઉ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન વખતે ય આવું બન્યું હતું.

પ્રાચીનથી અર્વાચીનકાળ લગી

પ્રાચીનકાળમાં ક્યારે ખેડૂત આંદોલન થયાં હશે એનો લિખિત ઈતિહાસ ભલે મળતો ના હોય, પણ એટલું તો નિશ્ચિત છે કે પરાપૂર્વથી ખેડૂત પીસાતો આવ્યો છે. જમીન માલિકી કાં તો રાજા-નવાબો કે જમીનદારોની રહી છે. ખેડૂત પરસેવો પાડીને પકવેલા અનાજમાંથી એનું પેટ પણ ના ભરાય અને એણે કંગાલિયત વહોરવી પડે એવું ભૂતકાળમાં બન્યું છે. વર્તમાનમાં નવા રાજા-મહારાજાઓ અને બાદશાહો ખેડૂતોની જમીન પર યેન કેન પ્રકારેણ કબજો જમાવવા આતુર છે. એ જમાના અને વર્તમાનમાં ફરક એટલો છે કે હવેનો ખેડૂત બોલકો અને સમજદાર જ નહીં, લડાયક પણ છે; છતાં દેવાના ડુંગર તળે દબાઈને જીવતો હોય ત્યારે દેવાંમુક્તિ યોજનાઓ પણ એને જયારે શાહૂકારોની ચુંગાલમાંથી બહાર ના આવવા દે ત્યારે એની સામે પરિવારને રેઢો મૂકીને આત્મહત્યા કરવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા જણાવે છે કે દેશમાં વર્ષ ૨૦૧૯માં ૪૨,૪૮૦ જેટલા ખેડૂતો અને રોજમદારોએ આત્મહત્યા કરી હતી. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના છે.ખેડૂતો આત્મહત્યાઓ કરે છે અને એમને ન્યાય માટે લડત ચલાવાય તો પોલીસ ગોળીબારમાં ખેડૂતોના જાન જય છે એવું ગુજરાતમાં કોંગ્રેસના શાસન વખતે કિસાન સંઘના આંદોલન વખતે અને હમણાં બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશમાં ભાજપી શાસનમાં ખેડૂત આંદોલન વખતે બન્યું હતું. દિલ્હીના જંતરમંતર પર તમિળનાડુના ખેડૂતો આવીને દેખાવો કરે ત્યારે એમને સરકાર મંત્રણા માટે તેડાવે નહીં એ તો અન્યાય જ  છે. સરદાર પટેલ તો સામે ચાલીને ખેડૂતની વચ્ચે બેસી ઉકેલ લાવવાના પક્ષધર હતા. તેલંગણના સામ્યવાદીઓ નિઝામને ટેકે હિંસા આચરી રહ્યા હતા ત્યારે એમને અંકુશમાં લાવવા પ્રિવેન્ટીવ ડિટેન્શન ધારો લાવ્યા એની આગલી બે રાત સરદાર ઊંઘી શક્યા નહોતા એવું એમણે ગૃહમાં કહ્યું હતું. લોકશાહીમાં આવો કાયદો કરવો પડે એ વેદના એ અનુભવતા હતા.    

         અંગ્રેજોના સમયનાં આંદોલનો

અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતીયોને સાધીને બંગાળ પર કબજો જમાવી બેઠી એ વખતે જમીનદારો કે કર ઉઘરાવનારાઓ મહેસૂલ ઉઘરાવવામાં જે અત્યાચારો કરતા હતા એની સામે ખેડૂતોએ ઈ.સ. ૧૮૮૨માં વ્યાપક વિરોધ કર્યો હતો.એ પછી તો  ૧૮૮૩ અને ૧૮૮૯-૯૦માં  જ નહીં પરંતુ સમયાંતરે બંગાળના ખેડૂતોએ સત્તાધીશો સામે બગાવતનો ઝંડો ઊંચકવો પડ્યો છે. માત્ર બંગાળમાં જ નહીં, જ્યાં જ્યાં  શાસકો, જમીનદારો, દેશમુખો કે દેસાઈઓ મહેસૂલ ઉઘરાવવા જુલમ કરતા હતા ત્યારે ખેડૂતોએ બાંયો ચડાવી છે. અંગ્રેજોના શાસન દરમિયાન તો દેશમાં ઠેરઠેર ખેડૂતો જંગે ચડ્યા અને સરદાર પટેલ જેવા નેતાઓ એમને મળ્યા. દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી અને અંગ્રેજ શાસન થકી અપનાવાયેલી દારૂની ઠેકા નીતિને પ્રતાપે આદિવાસીઓની જમીન દારૂનાં પીઠાં ચલાવનારા પારસીઓએ લખાવી લીધી હોવાને કારણે કોંગ્રેસના નેતાઓએ આંદોલન કરવાં પડ્યાં હતાં.

ગણોતિયા બન્યા જમીનમાલિક

આઝાદી આવશે અને લીલાલહેર થશે એવી અપેક્ષા છતાં જમીન માલિકીના હક્ક તો જમીનદારો પાસે રહ્યા એટલે ખેડૂતો તો વેઠિયા મજૂર બનીને રહ્યા. પણ સૌરાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉ.ના. ઢેબર થકી ખેડે તેની જમીનના ક્રાંતિકારી પગલાના પ્રતાપે ગણોતિયા ખેડૂતો જમીન માલિક થઇ શક્યા. દેશભરમાં આ પ્રયોગ અપનાવાયો. આમ છતાં, કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને અને શાસકોના મેળાપીપણાથી ખેડૂતોનું શોષણ ચાલુ રહ્યું ત્યારે એમણે સમયાંતરે આંદોલન કરવાની ફરજ પડી છે. જોકે પહેલાંથી આજ લગી ખેડૂત નાછૂટકે જ પોતાના ખેતીના કારોબારમાંથી બહાર આવીને આંદોલનનો માર્ગ અપનાવે છે. એના હિતમાં અને એકતામાં કામ કરનારા આગેવાનોમાં વિશ્વાસ મૂકીને એ જંગે ચડે તો છે પણ પેલા નેતાઓ મહદઅંશે એને રાજકીય હોદ્દા મેળવવા કે ધારાસભા કે લોકસભા કે રાજ્યસભા સુધી પહોંચવાનો માર્ગ બનાવી દે છે. ખેડૂત તો એમના માટે સત્તા મેળવવાનું માધ્યમ બંને છે, પણ એ ઠેરનો ઠેર જ રહે છે.

દેશનાં ખેડૂત સંગઠનો

આઝાદી પહેલાં અને પછી રાજકીય પક્ષોની પાંખ તરીકે ખેડૂતોનાં સંગઠનો કામ કરતાં રહ્યાં છે. કિસાન સભા કે કિસાન યુનિયન જેવાં સંગઠનો રાજકીય વાઘા ચડાવીને રાજકીય પક્ષો માટે કામ કરે છે. સંઘ પરિવારના ભારતીય કિસાન સંઘ જનસંઘ- ભાજપ માટે રાજકીય સમર્થન  કરે એ સ્વાભાવિક છે. જોકે વર્તમાન આંદોલનમાં ભારતીય કિસાન સંઘ ભલે સત્તા પક્ષ સાથે હોય પરંતુ એણે ખેડૂતોના હિતમાં સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાની જરૂર હોવાની વાત કરવી પડી છે. કોંગ્રેસ,અકાલી દળ,  ડાબેરી પક્ષો, આપ સહિતના રાજકીય પક્ષો તાજેતરના આંદોલનને ટેકો આપીને પોતાની ખેડૂત મતબેંકને ટકાવવાની કોશિશ કરે એ સ્વાભાવિક છે. આંદોલનકારીઓમાં “ટુકડે ટુકડે ગેંગ” ઘૂસી ગયાના સત્તારૂઢ ભાજપના નેતાઓના આક્ષેપનો ઉત્તર એમના દાયકાઓ સુધી સાથી રહેલા અકાલી દળના સુપ્રીમો સુખબીર સિંહ  બાદલે પોતાના અંદાજમાં વાળ્યો છે: “ખરી ટુકડે ટુકડે ગેંગ તો ભાજપ છે.”  આવા તબક્કે કોંગ્રેસે પોતાનાં ત્રણેય  અધ્યક્ષો સરદાર પટેલ, પંડિત જવાહરલાલ અને ઇન્દિરા ગાંધીની ખેડૂત સમર્થક નીતિઓની ગાજવીજ કરવા માંડી છે. કોંગ્રેસે સરદાર વલ્લભભાઈના જન્મદિન અને ઇન્દિરા ગાંધીના શહીદી દિનને  “કિસાન અધિકાર દિવસ” તરીકે મનાવવાનું નક્કી કર્યું છે.

સરદારને અનુસરે શાસકો  

દેશના ખેડૂત આગેવાનો અને એમના નેતૃત્વમાં આદરવામાં આવેલાં ખેડૂત આંદોલનોની આછેરી ઝલક નિહાળવી જરૂરી છે: સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોના અને આદિવાસીઓના હિતમાં મહત્વના સત્યાગ્રહો અને આંદોલનો આઝાદી પહેલાં આદર્યાં અને અંગ્રેજ સરકારને સમાધાન માટે ફરજ પાડી હતી. ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ ઉપરાંત અન્ય તબક્કે સરદાર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનું યોગદાન કર્યું હતું.બારડોલી સત્યાગ્રહમાં તો ૮૮,૦૦૦ ખેડૂતોના અભ્યાસને પગલે મજબૂતાઈથી સરદારે બારડોલીના સ્વરાજ આશ્રમથી એનું સુપરે સંચાલન કરીને ખેડૂતને નીડર બનાવવા ઉપરાંત ન્યાય પણ અપાવ્યો હતો. અહીંના અકોટીમાં  ભીખીબહેન પટેલે એમનું સન્માન કરીને “આજથી તમે અમારા સરદાર” એવું જાહેર કર્યું અને વલ્લભભાઈ સરદાર તરીકે જ ઓળખાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે સરદાર પહેલા વડાપ્રધાન હોત તો ખેડૂતોની આવી દુર્દશા ના હોત. જોકે સ્વયં સરદારે વડાપ્રધાન બનવું નહોતું અને એમનો પડછાયો રહેલાં મણિબહેન પણ લખે છે કે સરદારને વડાપ્રધાન બનવાની ક્યારેય મહેચ્છા નહોતી. હવે મોદી વડાપ્રધાન છે અને તેઓ સરદારની જેમ આંદોલનકારી ખેડૂતોની વચ્ચે જઈને પહેલે દિવસે જ બેસી સમાધાન લાવી શક્યા હોત.સરદાર તો અંગ્રેજ શાસકો કનેથી લડત અને  મંત્રણાથી સમાધાન લાવતા હતા, અત્યારે તો સ્વરાજના શાસકો છે. એમણે દિવસો સુધી ખેડૂતોને આંદોલન કરવા વિવશ કરવાની જરૂર નહોતી.

દેશ-ગુજરાતના ખેડૂતનેતા

સરદાર પછી દેશને મહત્વના ખેડૂત નેતા મળ્યા હોય તો ઉત્તર પ્રદેશના ચૌધરી ચરણસિંહ અને હરિયાણાના ચૌધરી  દેવીલાલ. એમણે ઉત્તર ભારતના ખેડૂતો માટે જીદે ચડીને અનુકૂળ કાયદા કર્યા હતા, પણ એ રાજકીય મંચ પર હોવાના કારણે ખેડૂતોનો તેમણે મતબેંક તરીકે ઉપયોગ કર્યો અને સત્તામાં હતા ત્યારે ખેડૂત હિતના કાયદા અને નિર્ણયો પણ કર્યા. ચૌધરી ચરણસિંહ થોડા વખત માટે વડાપ્રધાન બન્યા પણ એ તથા દેવીલાલ નાયબ વડાપ્રધાન તેમજ અગાઉ પોતાનાં રાજ્યોના મુખ્યમંત્રી પણ રહ્યા. દેશના જાણીતા  ખેડૂત આગેવાનોમાં ભૂપિંદર સિંહ માન, મહેન્દ્રસિંહ ટિકૈત (અત્યારના આંદોલનમાં તેમના ભાજપ ભણી ઢળતા રહેલા પુત્ર રાકેશ ટિકૈત છે), તંબાકુ ઉત્પાદકો અને કપાસ ઉત્પાદકોને વાજબી ભાવ મળે તે માટે આંદોલન કરનાર શરદ જોશીથી લઈને ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિક, જીવણદાદા, જયેશ પટેલ, ચુનીભાઈ વૈદ્ય, ડૉ.કનુભાઈ કલસરિયાથી લઈને સાગર રબારી, લાલજી દેસાઈ  સુધીનાનાં નામ લઇ શકાય. લાખો ખેડૂતો લખનઉ કે નિપાણી-ધૂળે-નાસિકમાં ઉમટે એવો માહોલ ખેડૂતોના હિતમાં સર્જવા માટે મહેન્દ્રસિંહ ટિકૈત કે શરદ જોશી મશહૂર બન્યા હતા. એ પ્રત્યેકના આંદોલનની તવારીખ આવતા દિવસોમાં રજૂ કરી શકાશે. ગુજરાત આજે પણ  ખેડૂત આંદોલનની ભોમકા છે. બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ, નિરમા સામે આંદોલન, ઉદ્યોગો માટે જમીન અધિગ્રહણ વગેરે મુદ્દે ગુજરાતમાં પણ આંદોલન ચાલી રહ્યાં છે.

નીડરતા સરદારની જડીબુટ્ટી

ખેડૂતોને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીએ અપેક્ષિત માનેલી  નીડરતા કેળવવા માટે સદાય કહ્યું હતું.સરદારના શબ્દોને અંતમાં પણ ફરી ટાંકવાનું મન થાય છે: “તમે ખાવા પૂરતું જોઈએ તેટલું અનાજ જ પકવીને બેસી રહોની, એટલે લોકોને ખબર પડશે. જ્યાં જ્યાં અન્યાય લાગે ત્યાં ત્યાં સામે થાઓ, તમારા નેતાઓ સાથે વાતો કરો, એક થાઓ અને દરેક અન્યાયી કર આપવાની ના પાડો. બારડોલીના ખેડૂતોની પાસે બીજી તાકાત નહોતી. “ના” પાડીને બેસી રહેવાની તેમનામાં તાકાત હતી, તેમણે મરણનો ડર નહોતો, જમીન જવાનો ડર નહોતો, જેલ જવાનો ડર નહોતો.” અને વધુમાં એ કહે છે: “ તમે જે કરશો તે જ કાયદો થવાનો છે. માત્ર તાકાત કેળવો, સંગઠન કરો, એકઠા થાઓ;તમારામાંથી એક પણ જણ દ્રોહી ન નીકળે,તમારામાં કોઈ પણ ફૂટ પડાવનારો ન નીકળે;  તમે તમારી માંગણીઓ ડાહ્યા નેતાઓ પાસે નક્કી કરાવી  તેટલી આપવાની જમીનદારો (કે સરકાર)ને ફરજ પાડો, નહીં તો તેમને કહી દો કે તમને કોડી ન મળે કે દાણો અનાજ ન મળે.” રાષ્ટ્રનાયક વલ્લભભાઈની આ વાતને આજેય ગૂંજે બાંધવાની જરૂર છે. સરદારના નામની આજે  રટણા કરનારાઓ તો એ સુપેરે જાણતા જ હશે એટલે ઉકેલ સરળ બનાવવો ઘટે; લાઠી, ગોલી કે બિના ભી.

ઈ-મેઈલ: haridesai@gmail.com            (લખ્યા તારીખ: ૧૯ ડિસેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment