Monday 14 December 2020

Now BJP turns eye on Kerala

ભાજપનો અશ્વમેધ હવે કેરળ ભણી

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         દાયકાઓનો દ્વિપાંખિયો જંગ હવે ત્રિપાંખિયો

·         મે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી પૂર્વેના ખેલ

·         કૌભાંડો અને હત્યાઓની બોલબાલાની ભીંસ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.13 December 2020.

આગોતરાં આયોજનો ફળે એવી અપેક્ષાએ પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં આક્રમક રીતે કામે વળેલા ભારતીય જનતા પક્ષે હૈદરાબાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના સ્થાનિક બળની સાથે જ કેન્દ્રીય બળનાં દર્શન કરાવ્યા પછી  કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પાણી બતાવવાના  દ્રઢસંકલ્પ સાથે મચી પડવાનું પસંદ કર્યું છે. વર્ષ ૨૦૧૪માં  કેન્દ્રમાં સત્તારૂઢ થયા પછી વર્ષ ૨૦૧૫માં કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં ગાજવીજ સાથે ઝૂકાવનાર ભાજપે રાજધાની તિરુઅનંતપુરમની મહાનગરપાલિકામાં કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકશાહી મોરચાને ઝૂકાવીને સત્તારૂઢ ડાબેરી મોરચા સામે મુખ્ય વિપક્ષનું સ્થાન જરૂર મેળવ્યું હતું. એ પછી વિધાનસભા કબજે કરવાના સંકલ્પ સાથે સમગ્ર કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પક્ષે કેરળમાં ડેરાતંબૂ તાણીને લડત આપી હતી. ભલે એ વેળા વિધાનસભામાં દાયકાઓ પછી ભાજપને રોકડી એક જ બેઠક મળી હોય; આ વખતે એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન સ્થિતિ જુદી હશે. રાજભવનમાં પોતીકા બહુચર્ચિત રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનને નિયુક્ત કરાવી અને ૨૦૧૯માં અન્ય રાજ્યોમાં ભારે બહુમતી સાથે ફરી કેન્દ્ર સરકાર રચ્યા પછી ડાબેરીઓ સહિતના વિપક્ષીઓના ગઢના કાંગરા ખેરવવાનું મિશન આદર્યું છે તો કેરળ સર કરવાના  સંકલ્પમાં આ વખતે ભલે સફળ ના થવાય, પણ ડાબેરી મોરચાના શાસનમાં  “ગોડ્સ ઓન કન્ટ્રી” નું સૂત્ર અપનાવનાર દેશના સૌંથી શિક્ષિત અને જાગૃત રાજ્યમાં ભાજપ  ઊંડાં મૂળિયાં જરૂર નાંખાશે. અત્યાર લગી ડાબેરી મોરચા અને કોંગ્રેસી મોરચાના દ્વિપાંખિયા રાજકારણને ત્રિપાંખિયા વાઘા પહેરાવી  જમણેરી  મોરચાનો ઝંડો રોપાય એવી શક્યતા નકારી શકાતી નથી.કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અને ભાવિ અધ્યક્ષ ગણાતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયેલા હોવા ઉપરાંત ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસી મોરચાએ કેરળની સૌથી વધુ બેઠકો જીતી હતી એટલે આવતા દિવસોમાં અહીંનાં સમીકરણો બદલવા ભાજપ તમામ પ્રયાસો કરશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલના મુકાબલા માટે કોંગ્રેસ  માર્ક્સવાદીઓ સાથે મળીને લડે છે અને કેરળમાં સામસામે છે.  અત્રે એ યાદ રહે કે  યુદ્ધ અને પ્રણયમાં બધું જ વાજબી લેખાય તેમ ભાજપને જીતવા માટે હવે કોઈ વાતનો છોછ નથી.

ગોલ્ડ સ્મગલિંગ સહિતનાં કૌભાંડો

કેરળમાં ડાબેરી મોરચાની પીનરાઈ વિજયનની  સરકાર છે. મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ છે. રાજ્યમાં ડાબેરી મોરચો અને કોંગ્રેસ મોરચાનું શાસન વારાફરતું આવતું રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સુધી જેનો રેલો પહોંચે છે એવા ડિપ્લોમેટિક ચેનલથી સોનું આયાત કરવાનું કૌભાંડ કેન્દ્ર સરકાર હસ્તક તપાસ હેઠળ છે. એમાં રોજ નવાનવા ફણગા ફૂટી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયન પર એના છાંટા ઉડાડવાનો કારસો રચાય છે.હજુ લગી તો કેટલીક બહુચર્ચિત મહિલાઓ અને  અધિકારીઓ એમાં સપડાયા છે. કોંગ્રેસ અને ભાજપ બેઉ વિધાનસભાના અધ્યક્ષ પી.શ્રીરામકૃષ્ણન  અને બે મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ કરી રહ્યા છે. સામેવાળાએ તો સ્પષ્ટતા જ કરવાની રહે, પણ પ્રજામાં એમની છબી ધૂમિલ થતી હોય છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગાજેલાં કૌભાંડો બાબત આજ દિવસ સુધી કોઈ મોટા નેતાઓ સામે પગલાં લેવાયાનું જાણમાં નથી. એવું જ પ્રચારતંત્ર કેરળમાં ભાજપના અધ્યક્ષ કે.સુરેન્દ્રન થકી ગોઠવાયું છે.તેઓ આક્ષેપો કરે છે અને સત્તામાં બેઠેલાઓ નકારે છે,પણ પ્રજામાં એની ચર્ચા તો થયા કરે છે. કેરળમાં બહુ મહત્વનું પરિબળ માર્ક્સવાદી કાર્યકરો અને ભાજપની માતૃસંસ્થા આરએસએસના કાર્યકરો વચ્ચે ખેલતા રહેલા લોહિયાળ જંગને લેખવું પડે. અત્યાર લગી બંને પક્ષના કાર્યકરોમાં વેરની વસુલાત માટે એકમેકની હત્યાઓ કરવાની લાંબી પરંપરા અને અદાલતી ચુકાદાઓમાં બંને બાજુના જવાબદારોને જનમટીપ કે ડબલ જનમટીપ થાયનાં ઉદાહરણો જોવા મળે છે.માર્ક્સવાદી કાર્યકરો ભાજપમાં જોડાય કે બીજા વાંધા પડે ત્યારે હત્યાઓ થવી, સૌથી ભણેલા ગણેલા આ બટુક રાજ્યમાં, જાણે કે સામાન્ય બાબત લેખાય છે. સર્વોચ્ચ અદાલતે કેરળના શબરીમલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવતો ચુકાદો આપ્યો હોવા છતાં  સંઘ પરિવાર અને કોંગ્રેસ સહિતનાં સંગઠનો હિંદુ પરંપરાને નામે એની સામે આંદોલન કરીને જનભાવનાને ભડકાવે છે. રાજકીય લાભ માટે કંઈ પણ કરવાની ફાવટ આવી ગઈ છે. ડાબેરીઓ આ મંદિરમાં મહિલાઓના પ્રવેશના સમર્થક રહ્યા છે. એની છૂટ આપતા નિર્ણયો કરે છે, પણ જયારે જયારે કોંગ્રેસ મોરચાની સરકાર આવે ત્યારે એ ડાબેરી મોરચાના નિર્ણયોને ફેરવી  નાંખે છે.

કોરોના સમયે ભારે મતદાન

કેરળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈવીએમ મારફત  ભારે મતદાન નોંધાઈ રહ્યું હોય ત્યારે પ્રજાજનો રાજ્યમાં કોરોના સામેની લડાઈમાં સારું કામ કરવા બદલ દુનિયામાં જેની નોંધ લેવાઈ એ કેરળનાં આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાના સારા કામના સમર્થનમાં મત આપતા હશે કે અનેક અવરોધો વચ્ચે  પૂરગ્રસ્ત કેરળવાસીઓ માટે અદભુત કામ કરનાર વિજયન સરકારના સમર્થનમાં પ્રજા રહેશે કે પછી કૌભાંડો અને ધાર્મિક વિવાદોથી પ્રેરાઈને વિરોધમાં મત આપતી હશે એ કહેવું મુશ્કેલ છે. જોકે એટલું નિશ્ચિત છે કે હવેની ચૂંટણીઓમાં બે મોરચાને બદલે ત્રણ મોરચા કેરળમાં સ્વીકાર્ય જરૂર બનશે. ભાજપને વ્યાપક સ્વીકૃતિ કોંગ્રેસના ભોગે મળશે કે માર્ક્સવાદી ગઢના ભોગે એ હજુ અનિશ્ચિત હોવા છતાં પરિવર્તન જરૂર આવી રહ્યું છે. ફડકો ડાબેરી અને કોંગ્રેસી મોરચાને છે કે જે પાણીએ માગ ચડે એ મારગ સ્વીકારનાર ભાજપની નેતાગીરી કેરળમાં પણ હવે પગદંડો જમાવશે, ભલે સત્તાથી વિમુખ રહે. કેરળમાં ૯૦ વટાવી ગયેલાં માર્ક્સવાદી નેતા રહેલાં  ગૌરીઅમ્મા પણ જ્યાં ભાજપ સાથે જોડાણ કરતાં હોય તો પછી ઘણાબધા પક્ષોના ડાબેરી-કોંગ્રેસી મોરચા સાથેના વન-મેન શો જેવા પક્ષો અલગ થઈને જમણેરી મોરચામાં જોડાય તો પણ નવાઈ ના લાગે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ઘર માંડનાર અલગ થયાનાં ઉદાહરણ પણ છે.એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ ત્રીજા ક્રમે આવે તો પણ વિધાનસભાની ચૂંટણી આવતાં સુધીમાં ઘણીબધી હેરાફેરી થઇ ચૂકી હશે.

અત્યારનું ધારાસભા-સંસદનું ચિત્ર  

 કેરળમાં ૧૪૦ સભ્યોની વિધાનસભામાં ડાબેરી મોરચા કને ૯૩ અને કોંગ્રેસના વડપણવાળા યુડીએફ કને ૪૨ બેઠકો છે. ભાજપની માત્ર એક અને ભાજપના મિત્રમાંથી સામે પાટલે બેઠેલા કેજે(એસ)ની એક બેઠક ઉપરાંત ૩ બેઠકો ખાલી છે.વિધાનસભામાં બહુમતી માટે ૭૧ બેઠકો જરૂરી હોવા છતાં ડાબેરી મોરચાના મુખ્ય પક્ષ માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા પાસે માત્ર ૫૯ બેઠકો જ છે એટલે કે એણે સરકાર ટકાવવા માટે અન્ય પક્ષો પર અને ખાસ કરીને ૧૯ સભ્યોવાળી કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા પર મદાર રાખવો પડે છે.    વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના રમેશ ચેન્નીથલા છે. કોંગ્રેસ આંતરકલહ ઓછો નથી. કેરળની ૨૦ લોકસભા બેઠકોમાંથી માત્ર ૩ બેઠકો જ ડાબેરી મોરચાએ ૨૦૧૯માં જીતી હતી, બાકીની ૧૭ બેઠકો કોંગ્રેસ મોરચાએ જીતી હતી. રાજ્યસભામાં કેરળની ૮ બેઠકોમાંથી બંને મોરચા વચ્ચે અડધી અડધી બેઠકો  વહેંચાયેલી  છે. મૂળ કેરળના પણ અન્ય રાજ્યોમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા ત્રણ ભાજપી અને એક કોંગ્રેસી સભ્ય એટલું સ્પષ્ટ કરે છે કે અત્યાર લગી ભાજપ માટે  કેરળમાંથી રાજ્યસભામાં જવાનો માર્ગ ખુલ્યો નથી. વાજપેયી સરકારમાં મંત્રી રહેલા ૯૧ વર્ષના  ઓ.રાજગોપાલ  એક માત્ર વિધાનસભ્ય છે. મે ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપ કેરળ વિધાનસભામાં પોતાનું સંખ્યાબળ વધારવા માંગે છે. અત્યારે તો તિરુઅનંતપુરમ મહાનગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ સ્પષ્ટ છે, પણ વિધાનસભા ચૂંટણી આવતાં સુધીમાં રાજ્યભરમાં ભાજપના વડપણ હેઠળ ત્રીજો જમણેરી મોરચો પોતાને સ્થાપિત કરે એવી શક્યતા નકારી શકાય નહીં.

તિખારો

સાંઈ સૂરા ચારે રખ,ના કાયર ચાલીસ;

વે ચાલીસો ભાજણે, યે ચારો ચાલીસ.

         ( હે ધણી, સાથી રાખે તો ચાર  શૂરા રાખજે, ચાળીસ કાયર ન રાખીશ, કામ પડેથી તે ચાળીસો નાસી જશે

          પણ એ ચાર ચાળીસનું કામ કરશે.)

ઈ-મેઈલ: haridesai@gmail.com             (લખ્યા તારીખ: ૧૧ ડિસેમ્બર ૨૦૨૦)

 


No comments:

Post a Comment