Wednesday, 30 December 2020

Kashmir Elections :Gupkar and BJP

કાશ્મીરનો ગઢ જીત્યાનું ભાજપ અને ગુપકારનું બેસૂરું ગાન

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         જિલ્લા વિકાસ પરિષદોમાં જમ્મૂ અને ખીણ પ્રદેશનાં વિભાજન તો યથાવત રહ્યાં

·         જેલમાં રાખેલા અબદુલ્લા-મુફ્તી તો હમણાં સુધી ભાજપના સત્તાજોડાણમાં હતાં    

·         ભારતીય બંધારણ હેઠળ ચૂંટણી લડનારને પણ રાષ્ટ્રવિરોધી ગણાવવાનું જોખમી  

·         કાશ્મીરીઓને વાજપેયીના “ઈન્સાનિયત, જમ્હૂરિયત, કશ્મીરિયત”ની ખરી જરૂર

હમણાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં ૨૦ જિલ્લા વિકાસ પરિષદોની આઠ તબક્કામાં ચૂંટણી થઇ. જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને ઓગસ્ટ ૨૦૧૯માં દૂર કરવા માટે બંધારણના અનુચ્છેદ ૩૭૦ને “સમાપ્ત” કરવા ઉપરાંત ૩૫ (એ)ને હટાવવામાં આવ્યા બાદ રાજ્યને બબ્બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યું. નેશનલ કોન્ફરન્સ (એનસી) તથા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતાઓને રાષ્ટ્રવિરોધી લેખાવીને લગભગ વરસ સુધી જેલમાં કે નજરકેદમાં રખાયા પછી ૨૦ જિલ્લા વિકાસ પરિષદોની ૨૮૦ બેઠકોની પહેલીવારની ચૂંટણી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી. વર્તમાન સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારુક અબદુલ્લાના શ્રીનગરના  ગુપકાર રોડ પર આવેલા નિવાસસ્થાને જમ્મૂ-કાશ્મીરના વિવિધ પક્ષોના નેતાઓ ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ મળ્યા અને કેન્દ્રના ૩૭૦ અને ૩૫ (એ)ને સમાપ્ત કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવીને એ બન્નેને પુનઃ બહાલ કરવાના સંકલ્પ સાથે સંયુક્ત  જાહેરનામું બહાર પાડ્યું હતું. એને ગુપકાર ઘોષણાપત્ર અને આ પક્ષોના જોડાણને ગુપકાર અથવા પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડેક્લેરેશન(પીએજીડી) કહેવાય છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા એકમેકના વિરોધી લેખાતા પક્ષો પણ સાથે આવ્યા. આ પક્ષો ઉપરાંત અવામી પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ, સીપીઆઈ(એમ) સહિતના  ગુપકાર જોડાણ વિરુદ્ધ ભાજપની આ ચૂંટણી હતી. અગાઉ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસ અહીં ઝાઝી ખેલાડી નહોતી. ભાજપના ૧૮ જેટલા રાષ્ટ્રીય નેતાઓએ આ ચૂંટણી જીતવા ઝંઝાવાતી  પ્રચાર આદર્યો, દિલ્હી  અને શ્રીનગરમાં પણ  સત્તા એમને હસ્તક હતી અને છતાં  ૨૮૦માંથી માત્ર ૭૫ બેઠકો ભાજપ જીત્યો.જોકે એને રાજકીય પક્ષ તરીકે સૌથી વધુ બેઠકો મળી એટલું જ નહીં, એના પાંચ મુસ્લિમ ઉમેદવારો પણ ચૂંટાયા. કાશ્મીરમાંથી ૪ અને જમ્મૂમાંથી એક.  સામે પક્ષે પૂર્વ મુખ્યમંત્રીઓ ડૉ.ફારુક અબદુલ્લા, ઓમર અબદુલ્લા કે મહેબૂબા મુફ્તીએ એકપણ જનસભા સંબોધી નહીં છતાં તેમના જોડાણને ૧૧૦  બેઠકો મળી.એનસીને ૬૭, અપક્ષોને ૫૦,  પીડીપીને ૨૭, કોંગ્રેસને ૨૭ (જમ્મૂમાંથી ૧૭ સહિત) સીપીએમને પાંચ, અવામીને ૧૨, જેકેપીએમને ૩, એનપીપીને ૨, પીડીએફને ૨ અને બસપાને ૧ બેઠક મળી. સંધ-જનસંઘ-ભાજપને ૧૯૪૭ પછી પહેલીવાર કાશ્મીર ખીણ પ્રદેશમાં ચાર બેઠકો મળી અને જાણેકે ઈડરિયો ગઢ જીત્યાનો હરખ છેક દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓએ જ નહીં રાજ્યોના ભાજપી નેતાઓએ પણ કર્યો. અગાઉ રાજ્ય હતું ત્યારે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪માં ૮૭ બેઠકોની  વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પીડીપીને બહુમતી બેઠકો (૨૮) મુસ્લિમબહુલ  કાશ્મીરમાંથી મળી હતી અને ભાજપને  હિંદુબહુલ જમ્મૂમાંથી ૨૫ બેઠકો મળી હતી.એ વેળા નેશનલ કોન્ફરન્સને માત્ર ૧૫ અને કોંગ્રેસને માત્ર ૧૨ બેઠકો મળી હતી.  આ વખતે વિભાજન તો એવું જ જળવાયું છે. હવે સૌથી મોટા પક્ષ તરીકે ઉપસેલા ભાજપને વિધાનસભા ચૂંટણી યોજવાની ઉતાવળ રહે એવું લાગે છે. જોકે આ વખતનાં આ પરિણામો ભાજપ અને કેન્દ્ર સરકારની આ રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવનારાં લેખાવવાનું ગુપકાર નેતાઓનું વલણ છે, પણ ભાજપ પોતાને અનુકૂળ જનમત હોવાનો દાવો કરે છે. સમગ્ર કવાયતમાં સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાશ્મીરીઓના દિલમાં વસેલા  સૂત્ર “ઈન્સાનિયત,જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની ખોટ અવશ્ય વર્તાય છે. ૨૫ ડિસેમ્બર અટલજીનો જન્મદિવસ હતો એટલે આ વાતનું સવિશેષ સ્મરણ થાય.

વાજપેયી-મોદી યુગનાં જોડાણ

હજુ ૧૯ જૂન ૨૦૧૮ સુધી ભાજપ સાથેની  સરકારમાં મુખ્યમંત્રી રહેલાં પીડીપીનાં સુપ્રીમો મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે “ભાજપ રાજકીય રીતે લડત આપે, નહીં કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ), એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) મારફત.” ચૂંટણી યોજવા પૂર્વે અને ચૂંટણી પરિણામો આવ્યા પછી પણ પીડીપીના મુફ્તીના વિશ્વાસુ નેતાઓ પર આવકવેરાના દરોડા પડાઈ રહ્યા હોય એ કેવા સંકેત છે એ હવે તો બાળક પણ સમજે છે. રાજકીય પક્ષોને તોડી પોતાની વિકાસ યાત્રામાં  જોડાવાની સારી ફાવટ ભાજપની સત્તારૂઢ નેતાગીરીને આવી ગઈ છે. મુફ્તી સરકારમાંથી ભાજપના નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ રાજીનામાં આપ્યા પછી કેન્દ્રના ઈશારે જ રાજ્યપાલ શાસન લાદવા અને લંબાવવા ઉપરાંત પોતીકી સરકાર રચી નહીં શકવાની શક્યતા વર્તાતાં નવેમ્બર ૨૦૧૮માં વિધાનસભા બરખાસ્ત કરીને દિલ્હીએ સીધું જ શાસન પોતાને હસ્તક લીધું. ઓગસ્ટ ૨૦૧૯માં આગળની કવાયત આદરી હતી. એવું નથી કે ભાજપ સાથે આજે રાષ્ટ્રવિરોધી લેખાવાતાં  મહેબૂબા અને એમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદનું જ જોડાણ હતું. “શેર (શ્યામાપ્રસાદ) હમારા મારા હૈ,શેખ અબદુલ્લાને મારા હૈ” સૂત્ર ભલે જનસંઘથી આજ લગી ભાજપના નેતાઓ ગજવતા હોય,એ જ અબદુલ્લાની  નેશનલ કોન્ફરન્સ સાથે વાજપેયી યુગમાં ભાજપનું જોડાણ હતું. જે ડૉ ફારુક અબદુલ્લા આજે ચીનની મદદ લઈને પણ ૩૭૦ અને ૩૫ (એ)ને પુનઃ બહાલ કરવાની વાત કરે છે એ વાજપેયી સરકાર વખતે તેમના રાષ્ટ્રીય  લોકતાંત્રિક અલાયન્સ (એનડીએ)માં હતા. ડૉ.અબદુલ્લા જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા અને એમના પુત્ર ઓમર અબદુલ્લા વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી હતા! શેખ અબદુલ્લા સાથે પંડિત નેહરુની અંગત મૈત્રી હોવા છતાં એમણે એ જ અબદુલ્લાને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ બદલ  સમય આવ્યે ૧૧ વર્ષ સુધી જેલ અને અટકાયતમાં પણ રાખ્યા હતા. એમના પક્ષ સાથે કોંગ્રેસને જોડાણ હતું. ક્યારેક કોંગ્રેસના નેતા રહેલા મુફ્તી મોહમ્મદ સઈદે પાછળથી પીડીપીની સ્થાપના કરી હતી. કોંગ્રેસ છોડી ગયેલા વી.પી.સિંહની સરકાર વખતે તેમાં જનતા દળિયા મુફ્તી ગૃહમંત્રી હતા. એ વેળા જ એમની દીકરી ડૉ.રૂબિયાનું બનાવટી અપહરણ થયું ત્યારે મુખ્યમંત્રી ડૉ.અબદુલ્લાએ ત્રાસવાદીઓને છોડવાનો સાફ નન્નો ભણ્યો હતો. જોકે ખુદ વડાપ્રધાન સિંહે એમની સરકારને બરખાસ્ત કરવાની ધમકી આપી ત્યારે ડૉ.અબદુલ્લાએ ૨૦ પાનાંની નોંધ લખી વડાપ્રધાનના આદેશ મુજબ ત્રાસવાદીઓને છોડ્યાનું સ્પષ્ટ કર્યું હતું. એવું જ વાજપેયી શાસન વખતે ભારતીય વિમાનના અપહરણને પગલે કંદહારમાં ઉતારુઓને છોડાવવા માટે મૌલાના મસૂદ અઝહર સહિતના ત્રાસવાદીઓને છોડવાનો એ વેળાના મુખ્યમંત્રી  ડૉ.અબદુલ્લાએ ઇનકાર કર્યો હતો, પરંતુ  કેન્દ્રના આદેશ મુજબ એમણે છોડવા પડ્યા હતા.એ સર્વવિદિત છે કે આ જ મૌલાના મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ નામનું ત્રાસવાદી સંગઠન સ્થાપીને ભારતીય સંસદ જ નહીં, જમ્મૂ-કાશ્મીર ધારાસભા સહિતનાં પવિત્ર સ્થાનો પર આતંકી હુમલા કરાવ્યા હતા.  એટલે આજે રાષ્ટ્રદ્રોહી લેખાવવામાં આવતા સાંસદ અને ગુપકારના વડા ડૉ.અબદુલ્લાની આ બાબતોને પણ યાદ રાખવી પડે. 

જિલ્લા વિકાસ પરિષદો પર કબજો

તાજેતરની ચૂંટણીનાં પરિણામો કેન્દ્રની સરકારના જમ્મૂ-કાશ્મીર અંગેના રાજ્યના દરજ્જા અંગેના નિર્ણયો સામે વિરોધ જરૂર દર્શાવે છે, કારણ ૨૮૦ બેઠકોમાંથી ભાજપને ભલે સૌથી વધુ ૭૫ બેઠકો મળી; પણ ચૂંટણી પહેલાંના જોડાણ  ગુપકારને ૧૧૦ તથા કોંગ્રેસને ૨૭ તેમ જ અપક્ષોને ૫૦ બેઠકો મળી. એનો અર્થ સ્પષ્ટ છે કે રાજ્યની પ્રજાએ નારાજગી તો જાહેર કરી છે. જોકે એની નારાજગી છતાં હજુ આવતા દિવસોમાં ભાજપની કરામતના પ્રતાપે કેટલાક ચૂંટાયેલા ડીડીસી પ્રતિનિધિઓ પણ “વિકાસનો માર્ગ” સ્વીકારી ભાજપમાં જોડાઈ શકે. બીજું, પ્રત્યેક ૧૪ સભ્યોની એક જિલ્લા પરિષદ એવી ૨૦ જિલ્લા પરિષદોનો રિમોટ તો શ્રીનગરમાં બિરાજતા ભાજપના નેતા રહેલા  દિલ્હી નિયુક્ત ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા કને જ રહેવાનો છે. “સંવાદ-વિશ્વાસ”નું વાતાવરણ જળવાય અને ગુપકારને જિલ્લા પરિષદોમાં મોકળાશથી શાસન કરવા દેવાય તો કાશ્મીર કોકડું વધુ ગૂંચવાશે નહીં, અન્યથા ગુપકારમાંના પક્ષોના વિરોધાભાસો એમાં વધુ મુશ્કેલીઓ સર્જશે. ગુપકાર સાથે કોંગ્રેસનો પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો રહે તો કાશ્મીર ખીણ પ્રદેશ ઉપરાંત જમ્મૂની ત્રણ-ચાર જિલ્લા પરિષદો  સહિત ૧૨ પરિષદો તો સહેજે એના શાસન તળે રહે. શ્રીનગર જિલ્લા વિકાસ પરિષદ અપક્ષોને ફાળે ગઈ છે.કાશ્મીરમાં ૧૦ અને જમ્મૂમાં ૧૦ એમ કુલ ૨૦ જિલ્લા પરિષદોની ચૂંટણી યોજાઈ.  જમ્મૂની બધી જિલ્લા પરિષદો ભાજપને મળી નથી. પાંચમાં એની બહુમતી છે અને વધુ એક એને મળી શકે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપનો પાયો નાંખનારા અને પીડીપી સાથે જોડાણનો વિરોધ કરીને ભાજપમાંથી તગેડાયેલા  પ્રા.હરિ ઓમે આ લખનાર સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે પાકિસ્તાને ચૂંટણી બહિષ્કારમાં કોઈ ભૂમિકા ભજવી ના હોવા છતાં કાશ્મીરી પંડિતો અને બીજા  હિંદુ મતદાતાઓ મતદાન કરવામાં ઉદાસીન રહ્યા છે. છેલ્લાં છ વર્ષમાં કોઈ કાશ્મીરી પંડિતની રાજ્યમાં વાપસી કે પુનર્વસન કરાયાનું શક્ય બન્યું નથી.  તેમનું કહેવું છે કે ભાજપને જે મત મળ્યા છે એ વડાપ્રધાન મોદીના નામે જ મળે છે. અમે ઈચ્છીએ છીએ કે બંગાળ અને તમિળનાડુમાં પણ ભાજપ જ વિજયી બંને, પરંતુ અહીં જમ્મૂ-કાશ્મીરમાં અગાઉ કોંગ્રેસની જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ હતી એ જ  ભાજપે પણ ચાલુ રાખી છે. હરિ ઓમની વાતમાં વજૂદ છે. કાશ્મીર ખીણમાં પાકિસ્તાનમાં ત્રાસવાદી તરીકેની તાલીમ લઈને આવનાર મોહમ્મદ ફારુખ ખાન નામના પૂર્વ ત્રાસવાદી એવા મુસ્લિમ  ભાજપી  ઉમેદવારના વિજયને ભાજપે રાષ્ટ્રીયસ્તરે મનાવ્યો,પણ જમ્મૂમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી  રહેલા ભાજપના ઉમેદવાર શ્યામલાલ ચૌધરી  જિલ્લા પરિષદની ચૂંટણી પણ હારી ગયા એ ચિંતાનો વિષય છે. જોકે ભાજપે એને ઝાઝું મહત્વ આપ્યું નથી. ભાજપ થકી તો જમ્મૂ –કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહમદ મીરના પુત્ર નસીર અહમદ મીર ચૂંટણી હાર્યાની ગાજવીજ વધુ થઇ. માત્ર રાજકીય દાવપેચ અને રિમોટ શાસનને બદલે આવતા દિવસોમાં આ પ્રદેશમાં સુખશાંતિ અને સમૃદ્ધિનો માહોલ સ્થપાય એવી અપેક્ષા કરીએ.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ:૨૬ ડિસેમ્બર ૨૦૨૦)     

 

Monday, 28 December 2020

Indian National Congress Established before 135 years

 

૧૩૫ વર્ષ પૂર્વે સર્વધર્મીઓએ સ્થાપી કોંગ્રેસને

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         પુણેમાં કોલેરાને કારણે મુંબઈમાં અધિવેશન મળ્યું

·         ફ્રાંસની ક્રાંતિ જેવા સંજોગો ટાણે મહાસભા સ્થપાઈ

·         હિંદીઓને શાસન-પ્રશાસનમાં સામેલ કરવા માંગ

આજકાલ કોંગ્રેસમુક્ત ભારતના હાકલાદેકારા ઓછા સંભળાય છે, પરંતુ કોંગ્રેસ પોતે જ જાણે કે દીવડામાં પતંગિયાની જેમ છલાંગ મારીને અગ્નિસ્નાન કરવાની વેતરણમાં હોય તો એને બચાવવાનું મુશ્કેલ છે. ભૂતકાળમાં કોંગ્રેસ અનેકવાર હારીને જીત ભણી આગળ વધી છે, દેવહુમા (ફિનિક્સ) પક્ષીની જેમ રાખમાંથી બેઠી થઇ છે, પણ એ માટેની આક્રમકતા હવે ખોઈ બેઠાનો અનુભવ થતો હોય ત્યારે એને બેઠી કરવા કોઈ દેવદૂત આવી શકે નહીં. એણે જાતે જ આળસ મરડીને બેઠા થવું પડે.વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપને ૨૪ કરોડ મત મળ્યા હતા અને એની સામે રાહુલ ગાંધીની કોંગ્રેસને ૧૨ કરોડ મત મળ્યા હતા. રાજકારણમાં હાર-જીત થતી હોય છે, પરંતુ ૧૨ કરોડ લોકોએ જેના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો એ નાની સૂની વાત નહોતી; છતાં રાહુલે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપીને કોંગ્રેસને મહિનાઓ સુધી નેતાવિહોણી કરી એને પરિણામે તો એની દશા વધુ ખરાબ થઇ. અત્યારે તો કોંગ્રેસ નવસર્જન અને વિસર્જન વચ્ચેના પંથ વચ્ચે હિલોળા લેતી હોય ત્યારે મહાત્મા ગાંધીના અંતિમ દિવસોના એ શબ્દોનું સ્મરણ થઇ આવે છે કે “કોંગ્રેસ મરે તો દેશ મરે”. ઈતિહાસને નામે જૂઠાણાં ચલાવવા વોટ્સઅપ યુનિવર્સિટીની બોલબાલાના યુગમાં ભોળવાતી અને અટવાતી યુવા પેઢીને કેટલાંક ઐતિહાસિક તથ્યોથી વાકેફ રાખવાની ફરજ સુજ્ઞ જનોની છે. બરાબર ૧૩૫ વર્ષ પહેલાં મુંબઈના ગોવાલિયા ટેંક વિસ્તારમાં સ્થિત ગોકુળદાસ  તેજપાલ  સંસ્કૃત કૉલેજના સભાગૃહમાં ૨૮ ડિસેમ્બર ૧૮૮૫થી ત્રણ દિવસ માટે દેશભરના સર્વધર્મી આગેવાનો મળ્યા અને ભારતીય મહાસભા એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. હકીકતમાં તો આ સંસ્થાપક અધિવેશન પુણેમાં યોજવાનું હતું. ૧૮૭૦માં સ્થપાયેલી પૂણે સાર્વજનિક સભાના એસ.એચ.ચિપલૂણકરે તો પેશવા ગાર્ડનમાં કોંગ્રેસના પહેલા અધિવેશનને યોજવા માટેનું સઘળું આયોજન પણ કરી દીધું હતું, પરંતુ પુણેમાં કોલેરા ફાટી નીકળતાં મુંબઈ પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ જ પૂણે સાર્વજનિક સભાના અધ્યક્ષપદે  મહાદેવ ગોવિંદ રાનડે અને લોકમાન્ય ટિળક પણ રહ્યા. જોકે ટિળક મુંબઈના પાંચમા અધિવેશનથી ૧૯૨૦માં અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. કોંગ્રેસમાં તો મુસ્લિમ લીગની સ્થાપનાનો વિરોધ કરનાર કોંગ્રેસી નેતામાંથી લીગના આજીવન અધ્યક્ષ બનીને પાકિસ્તાન મેળવનાર મહમદઅલી ઝીણા હતા. તેમજ હિંદુ મહાસભાના સ્વાતંત્ર્યવીર સાવરકર સિવાયના મોટાભાગના અધ્યક્ષો અને વર્તમાન સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષના આરાધ્ય પુરુષો ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી તેમ જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર સહિતના  સમાજવાદી પક્ષ કે સામ્યવાદી પક્ષના નેતાઓનાં મૂળ આ જ કોંગ્રેસમાં રહ્યા. સમયાંતરે સાથે ના ગોઠ્યું ત્યારે નોખા ચોકા રચ્યા.

હિંદુ ગણાતી પાર્ટીના ખ્રિસ્તી સંસ્થાપક!

ક્યારેક હિંદુ પાર્ટી ગણાવાતી કોંગ્રેસના સંસ્થાપકોમાં હિંદુ નેતાઓ ઉપરાંત ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમ નેતાઓ પણ હતા એ વાત રખે ભૂલાય. કોંગ્રેસની સ્થાપનાની પહેલ કરનાર અંગ્રેજ સનદી  અધિકારી રહેલા એલન ઓક્તોવિયન હ્યુમ આજકાલ ઘણી ભાંડણલીલાનું નિમિત્ત બને છે પરંતુ “સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને એ લઈને જ રહીશ” એ ટંકાર કરનાર લોકમાન્ય બાળ ગંગાધર ટિળક અને એમના સાથી ગોપાળ ગણેશ  આગરકર એ જ હ્યુમને  ટેકો આપતા હતા. એ વાતથી  કદાચ હ્યુમના ટીકાકારો અજાણ હશે. ભારતમાં ફ્રેંચ ક્રાંતિ પહેલાંના સંજોગો આકાર લઇ રહ્યા હોવાનું આ આઇસીએસ અધિકારી રહેલા હ્યુમ થકી બ્રિટિશ શાસકોને જણાવાયું હતું, પરંતુ એ સ્થાનિક પ્રજા માટે બ્રિટિશ શાસકો ઝાઝું અનુકૂળ શાસન પ્રદાન કરતા નહોતા. કોંગ્રેસની સ્થાપના હિંદીઓના લાભમાં કરાવવાની ઝુંબેશ હ્યુમે આદરી હતી. અંગ્રેજ સરકાર હિંદીઓનું ભલું નહીં કરે તથા એ માટે સ્થાનિકોએ જ સજ્જ થઈને લડત ચલાવવી પડશે, એવી ભૂમિકા સાથે એ આગળ વધ્યા હતા. કોંગ્રેસના ત્રણ મુખ્ય સંસ્થાપકોમાં બદરુદ્દીન તૈયબજી મુંબઈના હતા, દાદાભાઈ નવરોજી પારસી સમુદાયના હતા અને વ્યોમેશ ચંદ્ર બેનરજી બંગાળના ખ્રિસ્તી હતા. વ્યોમેશચંદ્ર કોંગ્રેસના પહેલા અધ્યક્ષ બન્યા હતા. એ ફરી ૧૮૯૨માં પણ અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસના બીજા અધ્યક્ષ દાદાભાઈ નવરોજી હતા. એ ફરી બે વાર ૧૮૯૩ અને ૧૯૦૬માં પણ અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસના ત્રીજા અધ્યક્ષ બદરુદ્દીન તૈયબજી મુસ્લિમ હતા. એમના પછી જ્યોર્જ યુલ નામના સ્કોટિશ સજ્જન અધ્યક્ષ બન્યા. તેઓ  કોલકાતાના શેરીફ અને કોલકાતા ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ હતા. એ પછી આઇસીએસ રહેલા અને મુંબઈ રાજ્યના ચીફ સેક્રેટરી રહેલા નામના સ્કોટિશ સજ્જન સર વિલિયમ વેબરડમ અને પછી સર ફિરોજશાહ મહેતા નામના મુંબઈના પારસી સજ્જન અધ્યક્ષ બન્યા. કોંગ્રેસના પહેલા હિંદુ અધ્યક્ષ તો ૧૮૯૧માં નાગપુર અધિવેશનમાં પી.આનંદ ચારલુ મળ્યા. દેશી કે વિદેશી અધ્યક્ષ ભારતીય પ્રજાના હિતના આગ્રહી અને ઉદારમતવાદી હતા.

કોંગ્રેસ અમિબા બનીને રહી

વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને પરણીને સાસરે આવેલાં અને ભારતીય નાગરિકતા સ્વીકારનાર  સોનિયા ગાંધી વડાપ્રધાન રહેલા પતિની હત્યા પછી અનિચ્છાએ પણ રાજકારણમાં પ્રવેશ્યાં અને કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યાં હતાં. એમના ઇટાલિયન ગોત્રની ખૂબ ચર્ચા ચાલી હતી, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનેક અધ્યક્ષ વિદેશી રહ્યા હોવાનો ઈતિહાસ અનુકૂળતાએ વિસારી દેવામાં આવે છે. લોકમાન્ય ટિળકને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આલ્ફ્રેડ વેબ (૧૮૯૪), સર હેનરી કોટન (૧૯૦૪) કે સર વિલિયમ વેબરડમ (૧૯૧૦) કે પછી એની બેસન્ટ (૧૯૧૭) જેવાં વિદેશીઓ સામે  સામે વાંધો નહોતો. એમ તો ૧૯૩૩માં નેલી સેનગુપ્તા કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં અને સંઘના સુપ્રીમો ડૉ.હેડગેવાર પણ ત્યારે કોંગ્રેસમાં જ હતા. મક્કામાં જન્મેલા મૌલાના અબુલ કલામ આઝાદ પણ ૧૯૨૩ અને ૧૯૪૦માં કોંગ્રેસના અધ્યક્ષ હતા. મહામના પંડિત મદન મોહન માલવિયા, મહાત્મા ગાંધી, મોતીલાલ નેહરુ, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નેહરુ, નેતાજી સુભાષચન્દ્ર બોઝ, આચાર્ય કૃપલાની વગેરે પણ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. કોંગ્રેસ સર્વસમાવેશક  પક્ષ રહ્યો અને આઝાદીની લડાઈમાં અગ્રેસર રહ્યો. કોંગ્રેસ મોટાભાગના રાજકીય પક્ષોની માતૃસંસ્થા રહ્યા છતાં આઝાદી પહેલાં અને પછીનાં વર્ષોમાં સત્તાલક્ષી રાજકારણે અમિબાની જેમ કોંગ્રેસમાંથી અનેક પક્ષોને જન્મ આપ્યો.  કેટલાક કોંગ્રેસી શાસકોના અમુક પ્રકારના વહીવટને કારણે કોંગ્રેસ બદનામ થતી રહી.

કોંગ્રેસનું સ્થાપના અધિવેશનનો દસ્તાવેજ  

કોંગ્રેસના સ્થાપના અધિવેશનની સમૂહ તસવીર જોવા મળતી હોવા છતાં એના વર્તમાન કેન્દ્રીય નેતોમાંથી કેટલાકને અમે પહેલા અધિવેશનમાં કોણ કોણ હાજર રહ્યું હતું એની વિગતો મેળવવા કહ્યું તો એમનાથી એ શક્ય ના બન્યું. કોંગ્રેસના વર્તમાન નેતાઓને ઈતિહાસની પણ જાણે પરવા નથી એટલું જ નહીં, એમની ટીકાનો ઉત્તર વાળવાને બદલે  સાંભળી અને સહી લેવાની વૃત્તિ તેમનામાં વધુ દેખાય છે. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન હતાં ત્યારે પણ ચૂંટણી હાર્યા પછી માત્ર ત્રણ જ વર્ષમાં ફરી સત્તારૂઢ થયાં હતાં. કારણ બહુ સ્પષ્ટ હતું: એમનામાં કિલર્સ ઇન્સ્ટિંગ હતું. અત્યારના કોંગ્રેસી નેતાઓને પોતાના ભવ્ય ભૂતકાળનો ઈતિહાસ મેળવવા કે સમજવામાં પણ રસ ના હોય તો પક્ષ બેઠો કરવાની આક્રમકતા હોય જ ક્યાંથી? અમે કોંગ્રેસના સંસ્થાપક અધિવેશનની કાર્યવાહીનો દસ્તાવેજ મેળવ્યો અને ૧૭૬ પાનાંના આ પ્રકાશનમાં કોણે કોણે ક્યાંથી હાજરી આપી અને કોણે કયાં ભાષણ કર્યાં તેમ જ કયા ઠરાવો પસાર થયા એની ઝીણવટભરી વિગતો પણ એમાં સમાવાઈ છે. વિવિધ પ્રાંતના ૭૨ પ્રતિનિધિઓ ઉપરાંત મુંબઈના મહત્વના  અંગ્રેજ મહાનુભાવો સહિત ૧૦૦ જણાની ઉપસ્થિતિમાં જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરાઈ તેની સાથે સમયાંતરે લાખો લોકો જોડાતા ગયા. આઝાદી પણ એના માધ્યમથી જ આવી. પહેલા અધિવેશનમાં જ શાસન અને પ્રશાસનમાં ભારતીયો એટલે કે હિંદીઓને સ્થાન મળે એ દિશાના ઠરાવો થયા હતા. આઝાદીના સંગ્રામમાં કોંગ્રેસ અગ્રેસર રહી. ભારતીય પક્ષો હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ જયારે બ્રિટિશ સત્તાધીશોના ઈશારે નર્તન કરતા હતા કે કોંગ્રેસના અગ્રણીઓ જેલમાં હોય ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સાથે મળીને પ્રાંતિક સરકારોમાં સત્તાનો ભોગવટો કરતાં હતાં; ત્યારે કોંગ્રેસના નેતાઓ વર્ષો સુધી જેલવાસ ભોગવવાની સાથે જ મંત્રણાઓનો  માર્ગ અપનાવીને મડાગાંઠો ઉકેલતા હતા. જે કોંગ્રેસનો આવો ભવ્ય ભૂતકાળ હોય એના નેતાઓ જ  કમનસીબે  કુંભકર્ણની નીંદરમાં ઘોરતા રહે ત્યારે એમના ખેતરના મોલનું  ભેલાણ થાય ત્યારે બીજાઓને દોષ દેવો નિરર્થક છે.

તિખારો

દુશ્મન તુજ દ્વાર ખડો,

કપટી  કૂટ પાજી બડો,

છલકે દેખ પાપ-ઘડો!

દોડ દોડ, દંભ તોડ, છોડ ન તુજ વાતને;

આ છે આખરી સંગ્રામ, બીક કોની, મા તને?

-     ઝવેરચંદ મેઘાણી

   ઈ-મૅઇલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૫ ડિસેમ્બર ૨૦૨૦)

Wednesday, 23 December 2020

Farmers Agitations : From Past to Present

 

ઈતિહાસ સાક્ષી છે કે ખેડૂત નાછૂટકે આંદોલનથી ન્યાય માંગે છે

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         રાજાઓ-નવાબો અને જમીનદારો થકી શોષણની લાંબી પરંપરામાં કિસાનના અવાજને કચડાયો

·         ગોરાઓના શાસનમાં મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા બળૂકા નેતાઓ હાથ ઝાલતા

·         પોતીકાઓના શાસનમાં તો ખેડૂત આંદોલનો હાથ ધરાય ત્યારે પોલીસ ગોળીબારમાં લેવાતા જીવ

·         તાજેતરમાં વિવિધ  ૪૨ કિસાન સંગઠનોના દિવસો સુધીના શાંત આંદોલનનો જોટો જડવો મુશ્કેલ  

“બળદ મોટરથી ભડકે છે તેમ તમે સરકારના અને જમીનદારના માણસથી ભડકો છો. એ ભયનો કશો અર્થ છે? એ સરકારના માણસ કોણ અને જમીનદાર કોણ? એને બે માથાં કે ચાર કાન છે શું? તમારે ડરવાનું હોય કે એણે ડરવાનું હોય? તમે તો જગતના અન્નદાતા છો. તમારા જેટલો પવિત્ર જગતમાં કોણ છે? તમે નિર્દોષ છો એમ હું નથી  કહેતો, પણ જગતમાં ઓછામાં ઓછો પાપી મનુષ્ય જે પોતાના પરસેવાની રોટી ખાતો હોય તો તે તમે છો. અને તમે તો તમારા પરસેવાની રોટી પણ પૂરી ખાધા વિના પારકાંનાં પેટ ભરો છો. તમે ન હો તો જગત એક ઘડીભર નભી ન શકે અને  અને જગત ન નભે તો  જમીનદાર તો નભે જ શાને?” દેશના ખેડૂતોના હામી અને દેશની આઝાદીના સંગ્રામ દરમિયાન ખેડૂતોને ન્યાય અપાવવા અંગ્રેજ સરકાર સામે બારડોલી સત્યાગ્રહ જેવા સત્યાગ્રહો આદરીને સરદાર કહેવાયેલા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના ડિસેમ્બર ૧૯૨૯માં બિહારના ખેડૂતો સમક્ષના આ શબ્દો આજે સ્મરે એ સ્વાભાવિક છે. ગાંધીજીએ ૧૯૧૭માં આદરેલા ચંપારણ સત્યાગ્રહ થકી તો વલ્લભભાઈએ બેરિસ્ટરી છોડી ગાંધીજીને સમર્પિત થવાનું કબુલ્યું હતું. મહાત્મા પણ બેરિસ્ટરી છોડીને આશ્રમવાસી થયા હતા.

બિનરાજકીય આંદોલનનું સત્વ 

 દેશભરના ખેડૂતો કૃષિ પેદાશો અને તેમના વેચાણ સંબંધિત વર્તમાન કેન્દ્ર સરકારે રાજ્યો કે ખેડૂત સંગઠનોને વિશ્વાસમાં લીધા વિના ઘડી કાઢેલા ત્રણ કાયદાઓ સામે દિવસોથી જંગે ચડ્યા. એમની એકતાને તોડવાના પ્રયાસો થઇ રહ્યા હોય, તેમને રાષ્ટ્રવિરોધી ગણાવવાના ઉશ્કેરણીજનક પ્રયાસ સત્તાધીશો તરફથી થતા હોય ત્યારે સરદાર પટેલનું સ્મરણ સ્વાભાવિક છે. મત મેળવવાની લાહ્યમાં ખેડૂતોનાં બેંક ખાતાંમાં અમુક નાણાં જમા કરાવવાની યોજનાઓ  કે ડૉ.સ્વામીનાથન સમિતિની “સી-ટુ”નો અમલ કરવાની વાતોનાં વડાં થાય છે. ખેડૂતોને માત્ર પોષણક્ષમ જ નહીં, નફાકારક ભાવોનો ખપ છે. આંદોલન કરનારાં ૪૨ કરતાં પણ વધુ  સંગઠનો બિન-રાજકીય ધોરણે આંદોલન ચલાવતાં હોય અને પોતાના મંચ પર કોઈ રાજકીય પક્ષના નેતાને આવવા દેતાં ના હોય ત્યારે આવા આયોજનને સલામ જ કરવી પડે. અગાઉ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન વખતે ય આવું બન્યું હતું.

પ્રાચીનથી અર્વાચીનકાળ લગી

પ્રાચીનકાળમાં ક્યારે ખેડૂત આંદોલન થયાં હશે એનો લિખિત ઈતિહાસ ભલે મળતો ના હોય, પણ એટલું તો નિશ્ચિત છે કે પરાપૂર્વથી ખેડૂત પીસાતો આવ્યો છે. જમીન માલિકી કાં તો રાજા-નવાબો કે જમીનદારોની રહી છે. ખેડૂત પરસેવો પાડીને પકવેલા અનાજમાંથી એનું પેટ પણ ના ભરાય અને એણે કંગાલિયત વહોરવી પડે એવું ભૂતકાળમાં બન્યું છે. વર્તમાનમાં નવા રાજા-મહારાજાઓ અને બાદશાહો ખેડૂતોની જમીન પર યેન કેન પ્રકારેણ કબજો જમાવવા આતુર છે. એ જમાના અને વર્તમાનમાં ફરક એટલો છે કે હવેનો ખેડૂત બોલકો અને સમજદાર જ નહીં, લડાયક પણ છે; છતાં દેવાના ડુંગર તળે દબાઈને જીવતો હોય ત્યારે દેવાંમુક્તિ યોજનાઓ પણ એને જયારે શાહૂકારોની ચુંગાલમાંથી બહાર ના આવવા દે ત્યારે એની સામે પરિવારને રેઢો મૂકીને આત્મહત્યા કરવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા જણાવે છે કે દેશમાં વર્ષ ૨૦૧૯માં ૪૨,૪૮૦ જેટલા ખેડૂતો અને રોજમદારોએ આત્મહત્યા કરી હતી. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના છે.ખેડૂતો આત્મહત્યાઓ કરે છે અને એમને ન્યાય માટે લડત ચલાવાય તો પોલીસ ગોળીબારમાં ખેડૂતોના જાન જય છે એવું ગુજરાતમાં કોંગ્રેસના શાસન વખતે કિસાન સંઘના આંદોલન વખતે અને હમણાં બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશમાં ભાજપી શાસનમાં ખેડૂત આંદોલન વખતે બન્યું હતું. દિલ્હીના જંતરમંતર પર તમિળનાડુના ખેડૂતો આવીને દેખાવો કરે ત્યારે એમને સરકાર મંત્રણા માટે તેડાવે નહીં એ તો અન્યાય જ  છે. સરદાર પટેલ તો સામે ચાલીને ખેડૂતની વચ્ચે બેસી ઉકેલ લાવવાના પક્ષધર હતા. તેલંગણના સામ્યવાદીઓ નિઝામને ટેકે હિંસા આચરી રહ્યા હતા ત્યારે એમને અંકુશમાં લાવવા પ્રિવેન્ટીવ ડિટેન્શન ધારો લાવ્યા એની આગલી બે રાત સરદાર ઊંઘી શક્યા નહોતા એવું એમણે ગૃહમાં કહ્યું હતું. લોકશાહીમાં આવો કાયદો કરવો પડે એ વેદના એ અનુભવતા હતા.    

         અંગ્રેજોના સમયનાં આંદોલનો

અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતીયોને સાધીને બંગાળ પર કબજો જમાવી બેઠી એ વખતે જમીનદારો કે કર ઉઘરાવનારાઓ મહેસૂલ ઉઘરાવવામાં જે અત્યાચારો કરતા હતા એની સામે ખેડૂતોએ ઈ.સ. ૧૮૮૨માં વ્યાપક વિરોધ કર્યો હતો.એ પછી તો  ૧૮૮૩ અને ૧૮૮૯-૯૦માં  જ નહીં પરંતુ સમયાંતરે બંગાળના ખેડૂતોએ સત્તાધીશો સામે બગાવતનો ઝંડો ઊંચકવો પડ્યો છે. માત્ર બંગાળમાં જ નહીં, જ્યાં જ્યાં  શાસકો, જમીનદારો, દેશમુખો કે દેસાઈઓ મહેસૂલ ઉઘરાવવા જુલમ કરતા હતા ત્યારે ખેડૂતોએ બાંયો ચડાવી છે. અંગ્રેજોના શાસન દરમિયાન તો દેશમાં ઠેરઠેર ખેડૂતો જંગે ચડ્યા અને સરદાર પટેલ જેવા નેતાઓ એમને મળ્યા. દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી અને અંગ્રેજ શાસન થકી અપનાવાયેલી દારૂની ઠેકા નીતિને પ્રતાપે આદિવાસીઓની જમીન દારૂનાં પીઠાં ચલાવનારા પારસીઓએ લખાવી લીધી હોવાને કારણે કોંગ્રેસના નેતાઓએ આંદોલન કરવાં પડ્યાં હતાં.

ગણોતિયા બન્યા જમીનમાલિક

આઝાદી આવશે અને લીલાલહેર થશે એવી અપેક્ષા છતાં જમીન માલિકીના હક્ક તો જમીનદારો પાસે રહ્યા એટલે ખેડૂતો તો વેઠિયા મજૂર બનીને રહ્યા. પણ સૌરાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉ.ના. ઢેબર થકી ખેડે તેની જમીનના ક્રાંતિકારી પગલાના પ્રતાપે ગણોતિયા ખેડૂતો જમીન માલિક થઇ શક્યા. દેશભરમાં આ પ્રયોગ અપનાવાયો. આમ છતાં, કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને અને શાસકોના મેળાપીપણાથી ખેડૂતોનું શોષણ ચાલુ રહ્યું ત્યારે એમણે સમયાંતરે આંદોલન કરવાની ફરજ પડી છે. જોકે પહેલાંથી આજ લગી ખેડૂત નાછૂટકે જ પોતાના ખેતીના કારોબારમાંથી બહાર આવીને આંદોલનનો માર્ગ અપનાવે છે. એના હિતમાં અને એકતામાં કામ કરનારા આગેવાનોમાં વિશ્વાસ મૂકીને એ જંગે ચડે તો છે પણ પેલા નેતાઓ મહદઅંશે એને રાજકીય હોદ્દા મેળવવા કે ધારાસભા કે લોકસભા કે રાજ્યસભા સુધી પહોંચવાનો માર્ગ બનાવી દે છે. ખેડૂત તો એમના માટે સત્તા મેળવવાનું માધ્યમ બંને છે, પણ એ ઠેરનો ઠેર જ રહે છે.

દેશનાં ખેડૂત સંગઠનો

આઝાદી પહેલાં અને પછી રાજકીય પક્ષોની પાંખ તરીકે ખેડૂતોનાં સંગઠનો કામ કરતાં રહ્યાં છે. કિસાન સભા કે કિસાન યુનિયન જેવાં સંગઠનો રાજકીય વાઘા ચડાવીને રાજકીય પક્ષો માટે કામ કરે છે. સંઘ પરિવારના ભારતીય કિસાન સંઘ જનસંઘ- ભાજપ માટે રાજકીય સમર્થન  કરે એ સ્વાભાવિક છે. જોકે વર્તમાન આંદોલનમાં ભારતીય કિસાન સંઘ ભલે સત્તા પક્ષ સાથે હોય પરંતુ એણે ખેડૂતોના હિતમાં સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાની જરૂર હોવાની વાત કરવી પડી છે. કોંગ્રેસ,અકાલી દળ,  ડાબેરી પક્ષો, આપ સહિતના રાજકીય પક્ષો તાજેતરના આંદોલનને ટેકો આપીને પોતાની ખેડૂત મતબેંકને ટકાવવાની કોશિશ કરે એ સ્વાભાવિક છે. આંદોલનકારીઓમાં “ટુકડે ટુકડે ગેંગ” ઘૂસી ગયાના સત્તારૂઢ ભાજપના નેતાઓના આક્ષેપનો ઉત્તર એમના દાયકાઓ સુધી સાથી રહેલા અકાલી દળના સુપ્રીમો સુખબીર સિંહ  બાદલે પોતાના અંદાજમાં વાળ્યો છે: “ખરી ટુકડે ટુકડે ગેંગ તો ભાજપ છે.”  આવા તબક્કે કોંગ્રેસે પોતાનાં ત્રણેય  અધ્યક્ષો સરદાર પટેલ, પંડિત જવાહરલાલ અને ઇન્દિરા ગાંધીની ખેડૂત સમર્થક નીતિઓની ગાજવીજ કરવા માંડી છે. કોંગ્રેસે સરદાર વલ્લભભાઈના જન્મદિન અને ઇન્દિરા ગાંધીના શહીદી દિનને  “કિસાન અધિકાર દિવસ” તરીકે મનાવવાનું નક્કી કર્યું છે.

સરદારને અનુસરે શાસકો  

દેશના ખેડૂત આગેવાનો અને એમના નેતૃત્વમાં આદરવામાં આવેલાં ખેડૂત આંદોલનોની આછેરી ઝલક નિહાળવી જરૂરી છે: સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોના અને આદિવાસીઓના હિતમાં મહત્વના સત્યાગ્રહો અને આંદોલનો આઝાદી પહેલાં આદર્યાં અને અંગ્રેજ સરકારને સમાધાન માટે ફરજ પાડી હતી. ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ ઉપરાંત અન્ય તબક્કે સરદાર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનું યોગદાન કર્યું હતું.બારડોલી સત્યાગ્રહમાં તો ૮૮,૦૦૦ ખેડૂતોના અભ્યાસને પગલે મજબૂતાઈથી સરદારે બારડોલીના સ્વરાજ આશ્રમથી એનું સુપરે સંચાલન કરીને ખેડૂતને નીડર બનાવવા ઉપરાંત ન્યાય પણ અપાવ્યો હતો. અહીંના અકોટીમાં  ભીખીબહેન પટેલે એમનું સન્માન કરીને “આજથી તમે અમારા સરદાર” એવું જાહેર કર્યું અને વલ્લભભાઈ સરદાર તરીકે જ ઓળખાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે સરદાર પહેલા વડાપ્રધાન હોત તો ખેડૂતોની આવી દુર્દશા ના હોત. જોકે સ્વયં સરદારે વડાપ્રધાન બનવું નહોતું અને એમનો પડછાયો રહેલાં મણિબહેન પણ લખે છે કે સરદારને વડાપ્રધાન બનવાની ક્યારેય મહેચ્છા નહોતી. હવે મોદી વડાપ્રધાન છે અને તેઓ સરદારની જેમ આંદોલનકારી ખેડૂતોની વચ્ચે જઈને પહેલે દિવસે જ બેસી સમાધાન લાવી શક્યા હોત.સરદાર તો અંગ્રેજ શાસકો કનેથી લડત અને  મંત્રણાથી સમાધાન લાવતા હતા, અત્યારે તો સ્વરાજના શાસકો છે. એમણે દિવસો સુધી ખેડૂતોને આંદોલન કરવા વિવશ કરવાની જરૂર નહોતી.

દેશ-ગુજરાતના ખેડૂતનેતા

સરદાર પછી દેશને મહત્વના ખેડૂત નેતા મળ્યા હોય તો ઉત્તર પ્રદેશના ચૌધરી ચરણસિંહ અને હરિયાણાના ચૌધરી  દેવીલાલ. એમણે ઉત્તર ભારતના ખેડૂતો માટે જીદે ચડીને અનુકૂળ કાયદા કર્યા હતા, પણ એ રાજકીય મંચ પર હોવાના કારણે ખેડૂતોનો તેમણે મતબેંક તરીકે ઉપયોગ કર્યો અને સત્તામાં હતા ત્યારે ખેડૂત હિતના કાયદા અને નિર્ણયો પણ કર્યા. ચૌધરી ચરણસિંહ થોડા વખત માટે વડાપ્રધાન બન્યા પણ એ તથા દેવીલાલ નાયબ વડાપ્રધાન તેમજ અગાઉ પોતાનાં રાજ્યોના મુખ્યમંત્રી પણ રહ્યા. દેશના જાણીતા  ખેડૂત આગેવાનોમાં ભૂપિંદર સિંહ માન, મહેન્દ્રસિંહ ટિકૈત (અત્યારના આંદોલનમાં તેમના ભાજપ ભણી ઢળતા રહેલા પુત્ર રાકેશ ટિકૈત છે), તંબાકુ ઉત્પાદકો અને કપાસ ઉત્પાદકોને વાજબી ભાવ મળે તે માટે આંદોલન કરનાર શરદ જોશીથી લઈને ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિક, જીવણદાદા, જયેશ પટેલ, ચુનીભાઈ વૈદ્ય, ડૉ.કનુભાઈ કલસરિયાથી લઈને સાગર રબારી, લાલજી દેસાઈ  સુધીનાનાં નામ લઇ શકાય. લાખો ખેડૂતો લખનઉ કે નિપાણી-ધૂળે-નાસિકમાં ઉમટે એવો માહોલ ખેડૂતોના હિતમાં સર્જવા માટે મહેન્દ્રસિંહ ટિકૈત કે શરદ જોશી મશહૂર બન્યા હતા. એ પ્રત્યેકના આંદોલનની તવારીખ આવતા દિવસોમાં રજૂ કરી શકાશે. ગુજરાત આજે પણ  ખેડૂત આંદોલનની ભોમકા છે. બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ, નિરમા સામે આંદોલન, ઉદ્યોગો માટે જમીન અધિગ્રહણ વગેરે મુદ્દે ગુજરાતમાં પણ આંદોલન ચાલી રહ્યાં છે.

નીડરતા સરદારની જડીબુટ્ટી

ખેડૂતોને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીએ અપેક્ષિત માનેલી  નીડરતા કેળવવા માટે સદાય કહ્યું હતું.સરદારના શબ્દોને અંતમાં પણ ફરી ટાંકવાનું મન થાય છે: “તમે ખાવા પૂરતું જોઈએ તેટલું અનાજ જ પકવીને બેસી રહોની, એટલે લોકોને ખબર પડશે. જ્યાં જ્યાં અન્યાય લાગે ત્યાં ત્યાં સામે થાઓ, તમારા નેતાઓ સાથે વાતો કરો, એક થાઓ અને દરેક અન્યાયી કર આપવાની ના પાડો. બારડોલીના ખેડૂતોની પાસે બીજી તાકાત નહોતી. “ના” પાડીને બેસી રહેવાની તેમનામાં તાકાત હતી, તેમણે મરણનો ડર નહોતો, જમીન જવાનો ડર નહોતો, જેલ જવાનો ડર નહોતો.” અને વધુમાં એ કહે છે: “ તમે જે કરશો તે જ કાયદો થવાનો છે. માત્ર તાકાત કેળવો, સંગઠન કરો, એકઠા થાઓ;તમારામાંથી એક પણ જણ દ્રોહી ન નીકળે,તમારામાં કોઈ પણ ફૂટ પડાવનારો ન નીકળે;  તમે તમારી માંગણીઓ ડાહ્યા નેતાઓ પાસે નક્કી કરાવી  તેટલી આપવાની જમીનદારો (કે સરકાર)ને ફરજ પાડો, નહીં તો તેમને કહી દો કે તમને કોડી ન મળે કે દાણો અનાજ ન મળે.” રાષ્ટ્રનાયક વલ્લભભાઈની આ વાતને આજેય ગૂંજે બાંધવાની જરૂર છે. સરદારના નામની આજે  રટણા કરનારાઓ તો એ સુપેરે જાણતા જ હશે એટલે ઉકેલ સરળ બનાવવો ઘટે; લાઠી, ગોલી કે બિના ભી.

ઈ-મેઈલ: haridesai@gmail.com            (લખ્યા તારીખ: ૧૯ ડિસેમ્બર ૨૦૨૦)

Wednesday, 16 December 2020

Pranabda and his latest book

 વડાપ્રધાન થવામાં નિષ્ફળ પ્રણવદાનો પુસ્તક-વિસ્ફોટ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         ગામડિયા મુખરજી એકનું એક શર્ટ ત્રણ દિવસ પહેરતા, ઇન્દિરાજીએ તાલીમ આપી

·         વર્ષ ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં વડાપ્રધાનપદની તક ગુમાવ્યાનો ગમ

·         કોંગ્રેસના ચૂંટણીપરાજય માટે સોનિયા-મનમોહનને દોષ, મોદીને આપખુદ લેખાવ્યા

હજુ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ કોરોનાના પ્રતાપે મૃત્યુને ભેટેલા દેશના રાષ્ટ્રપતિ, નાણામંત્રી, સંરક્ષણ મંત્રી અને વિદેશમંત્રી રહેલા પ્રણવ મુખરજીના છેલ્લા આત્મકથાનક પુસ્તક “ધ પ્રેસિડેન્સિયલ યર્સ”નું જાન્યુઆરી ૨૦૨૧માં વૈશ્વિક લોકાર્પણ થાય એ પહેલાં એમના પ્રકાશનગૃહ રૂપાએ માત્ર એક પાનાનું  નિવેદન પ્રસારિત કરીને દેશ અને દુનિયામાં ધમાલ મચાવી દીધી છે. ભૂંડી અવસ્થામાં મૂકાયેલી કોંગ્રેસના દાયકાઓ સુધી નેતા રહેલા પ્રણવદાએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં “પોતાના જેવા ચાણક્યની ખોટ હોવાને કારણે” (રાષ્ટ્રપતિ ભવનમાં હોવાથી) કોંગ્રેસના ભૂંડા હાલ અને પરાજય માટે કોંગ્રેસનાં અધ્યક્ષ રહેલાં સોનિયા ગાંધી અને “કેન્દ્રની ગઠબંધન સરકારના ઘટકોને ભેગા રાખવામાં લગભગ નિષ્ફળ રહેલા” અને “સાંસદો સાથે સંવાદ નહીં જાળવી શકનાર” વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શિરે દોષનો ટોપલો સેરવ્યો છે. આની સાથે જ પોતાના અગાઉના વર્ષ ૨૦૧૭માં પ્રકાશિત પુસ્તક “ધ કોએલિશન યર્સ:૧૯૯૬-૨૦૧૨”માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો માત્ર એક જ ફકરામાં નકારાત્મક કહી શકાય તેવો ઉલ્લેખ કરવાનું પસંદ કરનાર મુખરજી નવા પુસ્તકમાં વડાપ્રધાન મોદીને એમના  વર્તમાન હોદ્દે પહેલી મુદતમાં “આપખુદ” (ઓટોક્રેટ) લેખાવવાનું પસંદ કર્યું છે. પુસ્તકમાં વધુ કઈ વિગતો રજૂ કરાઈ છે એ બાબત હજુ પ્રકાશન ગૃહ ઝાઝું જણાવતું નથી, પરંતુ મોદીના  “આપખુદ શાસન” બાબત સરકાર, ધારાગૃહ અને ન્યાયતંત્ર વચ્ચેના કટુ સંબંધની વાત તેમણે છેડી છે. વડાપ્રધાન મોદી દિલ્હી આવ્યા પછી પ્રણવદાને પિતાતુલ્ય ગણાવતા રહ્યા છે, ચરણસ્પર્શ કરતા રહ્યા છે, પ્રણવદા પણ એમનું મોંઢું મીઠું કરાવતા રહ્યા છે. કેન્દ્રના વર્તમાન શાસકો અને પક્ષ પ્રણવદા કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં તેમને વડાપ્રધાન બનાવાયાની દુઃખતી રગને સતત આળી કરતો રહ્યો છે અને નાગપુર સંઘ શિબિરમાં જવા માટે મોકળાશ અનુભવાય એવા સંજોગો પણ સર્જતા રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીમાં પ્રણવદાનો મુદ્દો કેવો ગાજે છે તે જોવું રહ્યું.

મુખરજીનો પરિવાર કોંગ્રેસમાં

કોંગ્રેસે મુખરજીને વડાપ્રધાન બનાવ્યા નહીં એ હકીકત છતાં એમનો પરિવાર હજુ કોંગ્રેસ સાથે જ છે. પુત્ર અભિજિત દાદાના રાષ્ટ્રપતિ બનવાથી ખાલી પડેલી જંગીપુરા  બેઠક પર પેટા ચૂંટણીમાં  ચૂંટાયા હતા. એ પહેલાં એ ધારાસભ્ય રહ્યા. દીકરી અને કથ્થક નૃત્યાંગના શર્મિષ્ઠા કોંગ્રેસની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડ્યાં, પણ ભાજપના ઉમેદવાર સામે હાર્યાં હતાં. નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ હતા ત્યાં સુધી જવાનું ટાળ્યું હતું. એ પછી એ ગયા હતા અને પોતે આજીવન નેહરુવાદી રહ્યાનો પરિચય આપ્યો હતો. જોકે નાગપુરના કાર્યક્રમમાં સંઘની પદ્ધતિથી ધ્વજ પ્રણામ કરતી તેમની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ત્યારે એમનાં દીકરી શર્મિષ્ઠાએ એ કૃત્યને “બીજેપી-આરએસએસના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટના કરતૂત” લેખાવીને વખોડી હતી. પ્રણવદાએ પુસ્તકમાં ભાજપના નેતા અને નાયબ વડાપ્રધાનમાંથી વડાપ્રધાન બનવાના આકાંક્ષી લાલકૃષ્ણ આડવાણી વિશે શું નોંધ્યું છે, એ પણ જાણમાં નથી. માથે પશ્ચિમ બંગાળની ચૂંટણી છે એટલે  વર્ષ ૨૦૧૮માં મુખરજીના નવા પુસ્તક અંગેના કરારની જાહેરાત કરનાર રૂપાના મેનેજિંગ ડિરેક્ટર કપિશ જી.મેહરા પ્રણવદાએ લખેલા શબ્દો મુજબ જ એનું પ્રકાશન કરે છે કે એમાં કોઈ અવરોધ આવે છે કે કેમ એ ભણી સમગ્ર દેશ અને દુનિયાની નજર જરૂર રહેશે.

ઇન્દિરાજીના નિષ્ઠાવંત-તાલીમાર્થી

બાંગલા કોંગ્રેસથી રાજકીય કારકિર્દીનો ૧૯૬૭માં આરંભ કરનાર મુખરજી જુલાઈ ૧૯૬૯માં અજય મુખરજીની બાંગલા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને રાજ્યસભામાં આવ્યા. એમના પક્ષનું કોંગ્રેસમાં ભળી જવાનું ૧૯૭૨માં થયું. એ પછી તો એ ચાર વાર ગુજરાત સહિતના પ્રતિનિધિ તરીકે રાજ્ય સભામાં અને બે વારની નિષ્ફળતા પછી એક વાર પશ્ચિમ બંગાળમાંથી લોકસભામાં ચૂંટાયા.  પ્રણવદા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની નજરમાં આવ્યા ત્યારે એ પશ્ચિમ બંગાળના સામાન્ય મીરીતી  ગામડાગામના સીધાસાદા પણ પરિશ્રમી કાર્યકર હતા. આઝાદીની લડતમાં સહભાગી અને ધારાસભ્ય  પિતા કમદા કીનકર મુખરજીના પુત્ર હતા. કેરોસીનના ફાનસને અજવાળે ભણીને અર્થશાસ્ત્રમાં પારંગત થયેલા ડાબેરી ઝોકવાળા કોંગ્રેસી હતા. એકનું એક શર્ટ સતત ત્રણ દિવસ પહેરનારા પ્રણવદા કબૂલે છે કે એમને ઇન્દિરાજીએ રહનસહનમાં તૈયાર કર્યા અને એ સતત એમના નિષ્ઠાવંત રહ્યા. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની જેમ જ ગુજરાતી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સાથે એમનો ઘરોબો રહ્યો. સંયોગ તો જુઓ કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મરણોત્તર  ભારતરત્ન મેળવનાર  ધીરુભાઈ અંબાણી પછી મોદીકાળમાં જ પ્રણવદાને પણ ભારત રત્ન મળ્યો.વર્ષ ૧૯૭૩માં ઇન્દિરા સરકારમાં ઉદ્યોગ વિકાસના નાયબ મંત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રણવદા ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સીના ટેકેદાર રહ્યા. ૧૯૮૨થી ૧૯૮૪ સુધી ઇન્દિરા ગાંધીની સરકારમાં નાણા મંત્રી રહ્યા. પક્ષ અને સરકારમાં એ મહત્વ ધરાવતા હતા. જોકે ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે પોતે સૌથી વરિષ્ઠ મંત્રી હોવાને કારણે વડાપ્રધાન બનવા ઈચ્છુક હતા, પરંતુ ઇન્દિરા-પુત્ર રાજીવ ગાંધીને વડાપ્રધાનપદ મળ્યું એટલે નારાજગી સ્વાભાવિક હતી. આમ છતાં, રાજીવ સરકારમાં એ સામેલ થયા. જોકે એમના પુસ્તક “ધ કોએલિશન યર્સ”માં રાજીવ ગાંધીએ લોકસભાની ૧૯૮૪ની ચૂંટણી પછી પ્રણવદા અને નરસિંહરાવને કયા સંજોગોમાં પડતા મૂક્યા એનું એમણે વિગતે વર્ણન કર્યું છે. વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ “પોતાના મિત્રોની ચડવણી અને ખોટી રજૂઆતોથી” પ્રણવદાને પક્ષમાંથી તગેડ્યા. વર્ષ ૧૯૮૬થી ૮૯ દરમિયાન એમણે અલગ પક્ષ રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ રચીને ચૂંટણીઓ લડી પણ પોતે જન-નેતા (માસ લીડર) નહીં હોવાની પ્રતીતિ સાથે પક્ષને કોંગ્રેસમાં ભેળવી પરત ફર્યા.

રાવના યુગમાં પુનર્સ્થાપન

રાજીવની ૧૯૯૧માં હત્યાને પગલે કોંગ્રેસ સત્તામાં આવતાં ફરી પ્રણવદાને વડાપ્રધાન બનવાની આશા હતી, પરંતુ સોનિયા ગાંધીને નરસિંહરાવ વડાપ્રધાન થાય એવું  ઠીક લાગ્યું. રાવે પહેલાં મુખરજીને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા અને પછી કેબિનેટ મંત્રી બનાવ્યા. કોંગ્રેસના નિષ્ઠાવંત તરીકે  એટલે કે ૧૦, જનપથના વિશ્વાસુ તરીકે  એમની વિશ્વસનીયતા  શંકાસ્પદ હતી. ફરીને વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાન બનાવાનો પ્રસંગ કોંગ્રેસ કને આવ્યો ત્યારે કોંગ્રેસના સંસદીય મંડળે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નેતા પસંદ કર્યાં, પણ એમણે વડાપ્રધાન બનાવાનો નન્નો ભણ્યો ત્યારે ફરી પ્રણવદાને આશા હતી કે હવે મારો વારો આવશે. એમના જુનિયર રહેલા ડૉ.મનમોહન સિંહને વડાપ્રધાનપદ માટે પસંદ કરાયા. પ્રણવદા સરકારમાં જોડવા માંગતા નહોતા પણ સોનિયાજીનો આગ્રહ હતો. મુખરજીએ નોંધ્યું છે કે મને નાણા મંત્રી બનવા કહ્યું પણ હું મનમોહન સિંહની આર્થિક વિચારધારા સાથે સંમત નહીં હોવાથી ના પાડી.એમણે સંરક્ષણ મંત્રી થવાનું પસંદ કર્યું અને કોંગ્રેસમાંથી અલગ થયેલા પણ યુપીએના ઘટક પક્ષના જ ચિદમ્બરમ નાણામંત્રી બન્યા.વર્ષ ૨૦૦૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રણવદાનું નામ આવ્યું અને સાથે જ મનમોહન પણ રાષ્ટ્રપતિ થઇ શકે એવી ચર્ચા હતી ત્યાં ફરી મુખરજીને વડાપ્રધાનપદ મળવાની આશા જાગ્યાનું એ નોંધે છે, પણ મહારાષ્ટ્રનાં પ્રતિભાતાઈ પાટીલ રાષ્ટ્રપતિપદ માટે પસદ થયાં એટલે વડાપ્રધાનપદની આશા ઠગારી નીવડી. વળી, વર્ષ ૨૦૦૯માં યુપીએ સરકાર ફરી સત્તામાં આવી અને ડૉ.સિંહ જ ચાલુ રહ્યા. વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભાતાઈની મુદત પૂરી થતી હતી ત્યારે તો પ્રણવદાને નક્કી લાગ્યું કે આ વખતે તો સોનિયા ગાંધી પોતાના વિશ્વાસુ અને નિરુપદ્રવી ડૉ.મનમોહન સિંહને જ રાષ્ટ્રપતિ બનાવશે એટલે મારો વારો નક્કી. જોકે આ વેળા મોવડીમંડળે રાષ્ટ્રપતિપદ માટે પ્રણવદાને પસંદ કર્યા એટલે એમણે નાછૂટકે રાજકારણમાંથી નિવૃત્ત થવાનું આવ્યું. સંયોગ તો જુઓ, ચોથા વર્ગના કર્મચારીમાંથી દેશના મુખ્ય ન્યાયાધીશના હોદ્દે પહોંચેલા પહેલા પારસી જસ્ટિસ સરોશ હોમી કાપડિયાએ પશ્ચિમ બંગાળના એક સામાન્ય ગામડિયામાંથી દેશના રાષ્ટ્રપતિ બનેલા પ્રણવ મુખરજીને ૨૫ જુલાઈ ૨૦૧૨ના રોજ શપથ લેવડાવ્યા! પાંચ પાંચવાર રાજ્યસભા અને બે વાર લોકસભાના સભ્ય રહ્યા એટલું જ નહીં ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ રહેલા પ્રણવદાને કાયમ એ વાતનો અફસોસ રહ્યો કે એમને કોંગ્રેસે વડાપ્રધાન ના બનાવ્યા. એના ગમ સાથે એ સ્વર્ગે સિધાર્યા. એમ તો ભાજપમાં પણ લાલકૃષ્ણ આડવાણી, ડૉ.મુરલી મનોહર જોશી, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર પર્રીકર  સહિતનાં વિરાટ વ્યક્તિત્વોને પાછળ મૂકીને વડાપ્રધાનપદની હોડમાં નરેન્દ્ર મોદી આગળ નીકળી ગયા. ઉપરાંત અનેક નેતાઓ વડાપ્રધાન બનવાનાં સ્વપ્નોમાં રાચતા હશે. કેટલાક તો આકસ્મિક રીતે વડાપ્રધાન બની ગયા, એચ.ડી.દેવેગૌડા, ચંદ્રશેખર, આઈ.કે.ગુજરાલ વગેરેની જેમ. પ્રણવદા ડૉ.મનમોહન સિંહને “આકસ્મિક વડાપ્રધાન” ગણાવતા નથી, પણ અકસ્માતે કેટલાકને  રાજકીય હોદ્દાની તક મળી જતી હોય છે. સરપંચની ચૂંટણી પણ ક્યારેય નહોતા લડ્યા એવા નરેન્દ્ર મોદીને સ્મશાનમાં મુખ્યમંત્રીપદ મળ્યાનું એમણે અમને ક્યારેક કહેલું. રાજકારણમાં તો ગમે ત્યારે ગમે થઇ શકે છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com                    (લખ્યા તારીખ: ૧૩ ડિસેમ્બર ૨૦૨૦)