Wednesday 4 November 2020

West Bengal gears up for the Asembly Election

 

પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ વિરુદ્ધ મુખ્યમંત્રી

અતીતથી આજ :ડૉ. હરિ દેસાઈ

·         ગોરખા નેતા ગુરુંગ ભાજપનો સાથ છોડી તૃણમૂલ સાથે જતાં સન્નિપાત વધ્યો

·         મમતા બેનરજીના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાના મુદ્દે ભાજપનો ઉહાપોહ

·         દાર્જીલિંગમાં એક મહિનો રહી રાજ્યપાલ ધનખડ ભગવી બ્રિગેડને સહાય કરશે

·         ડાબેરી મોરચો અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળ અને આસામમાં હાથ મિલાવી લડશે

 

વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કુલ ૪૨માંથી ૧૮ બેઠકો જીતી લેનાર ભારતીય જનતા પક્ષ હવે વિધાનસભા ચૂંટણી જીતીને કે રાષ્ટ્રપતિ શાસન લાદીને કોલકાતાના રાઈટર્સ બિલ્ડીંગ પર કબજો જમાવવાની ઉતાવળમાં છે. છેક ૧૯૭૭થી માર્કસવાદી મોરચા માટે જે પશ્ચિમ બંગાળ અભેદ કિલ્લો હતું, એના કાંગરા ખેરવીને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી વર્ષ ૨૦૧૧માં ભવ્ય બહુમતી સાથે પોતાની સત્તા સ્થાપી શક્યાં હતાં. પછી વર્ષ ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં તો માર્કસવાદી મોરચો ત્રીજા ક્રમે હળસેલાયો અને અગાઉ કરતાં પણ ભારે બહુમતીથી મમતા ફરી મુખ્યમંત્રી બન્યાં. અત્યારે રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતાપદ કોંગ્રેસ પાસે છે.  હવે એપ્રિલ-મે ૨૦૨૧માં ભાજપ કોઈપણ ભોગે કોલકાતા પર શાસન સ્થાપવા સંકલ્પબદ્ધ છે. બધું સમુસૂતરું જતું લાગતું હતું ત્યાં ગોરખા જનમુક્તિ મોરચાના નેતા બિમલ ગુરુંગ ત્રણ-ત્રણ વર્ષથી અજ્ઞાતવાસમાં હતા પણ એકાએક ઓક્ટોબર ૨૦૨૦માં કોલકાતાના સોલ્ટ લેકસ્થિત ગોરખા ભવનમાં પ્રગટ્યા એટલું નહીં, તેમણે ભાજપ સાથે પોતાના પક્ષના  જૂના સંબંધોનો અંત આણવાની જાહેરાત પણ કરી.  સાથે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે પોતાના પક્ષને જોડીને આગામી વિધાનસભા ચૂંટણી લડવાનું તેમણે જાહેર કર્યું. ભાજપ માટે ઝટકો અસહ્ય લેખાય એવો છે કારણ કે ગોરખાલેંડ રાજ્યના સમર્થક એવા ગુરુંગ અને એમના પક્ષના ટેકે ત્રણ-ત્રણ વાર ભાજપના ઉમેદવાર દાર્જીલિંગ બેઠક પરથી લોક્સભે પહોંચ્યા છે. ૨૯૪+ (એંગ્લો ઇન્ડિયન)ની  વિધાનસભામાં પણ અત્યારે ભાજપ ૧૬  સુધી પહોંચી શક્યો એમાં પણ  ગુરુંગ અને એમના સમર્થકોનું ઘણું યોગદાન છે.

રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

નવાઈ તો વાતની છે કે રાજ્યપાલ જગદીપ ધનખડ વારંવાર મુખ્યમંત્રી મમતા સામે આક્ષેપો કરતા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ફરિયાદ કરતા રહ્યા હોવા છતાં કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવાની હિંમત કરી શકી નથી. ભાજપના અનેક નેતાઓની હત્યા થયાના મુદ્દે  અને કાયદો અને વ્યવસ્થા બરાબર નહીં હોવાના મુદ્દે પ્રદેશ ભાજપ તો રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરે છે. રાજ્યપાલ હમણાં કેન્દ્રના ગૃહમંત્રી શાહને મળ્યા અને એક મહિનો પોતે દાર્જીલિંગ રહેવાના હોવાની જાહેરાત કરવા સાથે તેઓ ત્યાં પહોંચી પણ ગયા. કેન્દ્રના ગૃહમંત્રી પણ રાજ્યના પ્રવાસે આવે એવી ગોઠવણ થઇ છે. બધું રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતવા માટે થઇ રહ્યું છે. અગાઉ તૃણમૂલના નેતાઓ અને એને અનુકૂળ અધિકારીઓ પર કેન્દ્રની એજન્સીઓના દરોડા અને ધોંસ પણ કંઈ ઓછી રહી નથી. આમ છતાં મુખ્યમંત્રી મમતા બેનરજી ગાંજ્યાં જાય તેમ નથી. એમણે તો ગોરખાઓના મતભેદ દૂર કરીને સાથ લેવામાં પણ સફળતા મેળવી છે. ગુરુંગે તો એટલે સુધી કહ્યું કે ભાજપ અમને સતત મૂરખ બનાવતો રહ્યો છે, જયારે દીદીએ આપેલાં વચન પાળ્યાં છે. ખેલ તૃણમૂલ અને ભાજપ વચ્ચેનો રચાયો છે ત્યારે માર્કસવાદી પક્ષના મહામંત્રી સીતારામ યેચુરીએ પણ જાહેર કર્યું છે કે પશ્ચિમ બંગાળ અને આસામમાં આવતી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અને ડાબેરી તથા સેક્યુલર પક્ષો સાથે મળીને લડશે. એનો અર્થ થયો કે ફરી વખતે પશ્ચિમ બંગાળમાં ત્રિપાંખિયો જંગ થશે.

પશ્ચિમ બંગાળમાં આજનું ચિત્ર

અત્યારે રાજ્યમાં બંગાળની વાઘણલેખાતાં મમતાદીદીના પક્ષની બોલબાલા છે. એમની સામે ટક્કર લેવા માટે ભાજપ અગ્રેસર હોવા છતાં લોકસભા અને વિધાનસભામાં પણ મમતા બેનરજીના પક્ષનું વર્ચસ્વ છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં કુલ ૪૨ બેઠકોમાંથી તૃણમૂલને ૨૨ બેઠકો મળી હતી. એણે અગાઉની લોકસભાની તુલનામાં ૧૨ બેઠકો ગુમાવી હતી. કોંગ્રેસની બેઠકોમાંથી માત્ર બે બેઠકો રહી છે. ડાબેરી મોરચાનાં સૂપડાં સાફ થઇ ગયાં હતાં. ભાજપની પાસે માત્ર બે બેઠકો હતી. વધીને ૧૮ થતાં રાજ્યમાં સત્તામાં આવવાની એની મહેચ્છા વધી એટલું નહીં, તૃણમૂલ અને માર્કસવાદી પક્ષના નેતાઓ-કાર્યકરો પણ ભાજપ ભણી વળ્યા હતા. જોકે હવે પ્રવાહ પલટાયો છે. વિધાનસભાની ૨૯૪ જેટલી કુલ બેઠકોમાંથી તૃણમૂલ કને ૨૨૨ બેઠકો, ગોરખાની બે, કોંગ્રેસની ૨૪, સીપીએમની ૧૯, ફોરવર્ડ બ્લોકની , આરએસપીની , સીપીઆઇની અને ભાજપની ૧૬ બેઠકો ઉપરાંત બેઠકો ખાલી છે. ભાજપ માટે બિહાર પછી  પશ્ચિમ બંગાળ જીતવાનો પડકાર મોટો છે. એના માટે રાજ્ય સાથે લાગણીનો સંબંધ પણ છે.   ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીની ભોમકા અને માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ.કેશવ બલિરામ હેડગેવારની શિક્ષણભૂમિ એવા પશ્ચિમ બંગાળ પર કબજો મેળવવો પ્રતિષ્ઠાનો પ્રશ્ન તો છે . એક વાત નિશ્ચિત છે કે આગામી ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ મહત્વનું બની રહેશે. આમ પણ, ભારતીય ઇતિહાસમાં બંગાળનું સવિશેષ મહત્વ રહ્યું છે.

સરત બોઝ-સુહરાવર્દીનો બંગાળ દેશ

બ્રિટિશ હકૂમતની સામે જંગે ચડેલા બોઝ બંધુઓમાંથી વિશ્વખ્યાત બનેલા સુભાષચંદ્રના વ્યક્તિત્વની છાયામાં એમના મોટાભાઈ અને લંડનની લિંકન્સ ઈનમાં ભણીને બેરિસ્ટર થઈ સ્વદેશ પાછા ફરેલા સરતચંદ્રને ઈતિહાસે પણ અવગણ્યા હોવાનું સૌ કોઈ કબૂલે છે. બહુ ઓછા આજે એ વાતને યાદ રાખશે કે આ સરતચંદ્ર બોઝ અને બંગાળના પ્રીમિયર રહેલા મુસ્લિમ લીગના નેતા સુહરાવર્દી સાથે મળીને અલગ બંગાળ દેશ માટે ઝુંબેશ ચલાવતા હતા. સરત રાષ્ટ્રીય ચળવળમાં સતત પોતાના ભાઈ સુભાષને પડખે રહ્યા. ઈન્ડિયન નેશનલ આર્મી(આઈએનએ)ને સમર્થન પૂરું પાડવામાં પણ અગ્રેસર રહેવા બદલ સરતચંદ્ર બોઝે ખૂબ સહન કરવું પડ્યું હતું. બંગાળમાં પ્રધાનપદાના શપથ લેવા પૂર્વે ૧૯૪૧માં એમની ધરપકડ થઈ અને ૧૯૪૫માં છૂટ્યા પછી ગાંધીજીના આગ્રહથી તેમણે કોંગ્રેસ સાથે જોડાણ તાજું કર્યું. નેહરુના વડપણવાળી ૧૯૪૬ના સપ્ટેમ્બરની વચગાળાની સરકારમાં માંડ બે મહિના રહીને એમણે રાજીનામું આપવું પડ્યું. સરતચંદ્રનાં સંતાનો તેજસ્વી ખરાં, પણ રાજકીય દૃષ્ટિએ આમનેસામને આવી ગયાં. જોકે મોડે મોડે પણ એમના વંશમાંના પુત્ર શિશિર કે પૌત્ર સુગત બોઝ જેવા ઈતિહાસકાર કે અન્ય રાજકીય અગ્રણીઓ થકી સરત બોઝના અલગ બંગાળ રાષ્ટ્ર માટેના પ્રયાસો બદલ એમનું સ્મરણ તાજું કરવામાં આવ્યું છે. સુભાષબાબુ કોંગ્રેસના બબ્બે વાર રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા હતા.

ભારતીય સપૂતોની ભૂમિ બંગાળ

બંગાળની ધરતીએ દેશને અનેક રત્નો પૂરાં પાડ્યાં છે. ભારતનો ઈતિહાસ ઘડવામાં પણ ભોમકાનું મહામૂલું યોગદાન છે. માત્ર રાજનેતાઓ નહીં, સમાજસુધારકો અને શિક્ષણવિદો પણ બંગાળની ભૂમિએ પૂરા પાડ્યા છે. બંગાળની સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય અજોડ છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગા પૂજા નિમિત્તે પંડાલોના વર્ર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં બધા સ્મરણની સાથે ભાજપના પ્રચારની તક પણ ઝડપી લીધી હતી. ભારત અને બાંગલાદેશ બેઉનાં રાષ્ટ્રગીત બંગાળના સપૂત અને નોબેલ પારિતોષિક મેળવનાર મહામાનવ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર થકી રચાયેલાં છે. છેક ૧૯૧૧ સુધી કોલકાતા બ્રિટિશ ભારતના અંગ્રેજ શાસકોની રાજધાની રહ્યું.  પછી રાજધાની દિલ્હી સ્થળાંતરિત થયા છતાં બંગાળ પ્રદેશનું મહત્ત્વ અને મહાત્મય જરાય ઓછું થયું હોય એવું અનુભવાતું નથી.

બંગાળના ભાગલા અને એકીકરણ

૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના કોમી ધોરણે ભાગલા પડાવવાની કુટિલ ચાલ ચાલી, પણ પ્રદેશની હિંદુ અને મુસ્લિમ પ્રજાએ વંદે માતરમ્ના પ્રાણપ્યારા નારા સાથે જે આંદોલન જગવ્યું એના પ્રતાપે બ્રિટિશ હકૂમતે લોર્ડ કર્ઝનને પાછા તેડાવવાની સાથે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા હતા. જે બંગાળના ભાગલા રદ કરવા માટેની બ્રિટિશ હકૂમતને ફરજ પડાઈ હતી બંગાળના ભાગલા પાડવા માટે ભારતના રાષ્ટ્રવાદી લેખાનારા અગ્રણીઓ અને ભાગલાના વિરોધી બંગાળી નેતાઓ વચ્ચે ૧૯૪૭માં ઘણો મોટો જંગ ખેલાયો હતો. ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ બ્રિટિશ આમસભામાં વડા પ્રધાન ક્લેમન્ટ એટલીએ જૂન ૧૯૪૮ પૂર્વે ભારતમાંથી ઉચાળા ભરવાની ઘોષણા કરી હતી.  પૂર્વે માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન મોહમ્મદ અલી ઝીણાના વડપણ હેઠળ મળ્યું હતું. તેમાં બંગાળના મુસ્લિમ લીગ અગ્રણી અને બંગાળના પ્રીમિયર (મુખ્યમંત્રી) ફઝલુલ હકે પાકિસ્તાન ઠરાવરજૂ કરીને મુસ્લિમો માટેના અલગ દેશની માગણી મૂકી હતી. ઠરાવને મંજૂર કરવામાં આવ્યો હતો. બંગાળના પ્રીમિયર (મુખ્યમંત્રી) એવા ફઝલુલ હક્ક ૧૯૪૧માં ફરીને સરકારના વડા બન્યા ત્યારે હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી એમની સરકારમાં નાણા પ્રધાન બન્યા હતા.

વિરોધાભાસ કેવો હોય છે કે કોંગ્રેસે ધારાસભાઓનો બહિષ્કાર કરવાનું પસંદ કર્યું અથવા તો બહુમતી છતાં સરકારની રચના કરવાનું નકાર્યું ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો બની હતી. કોંગ્રેસે ક્વિટ ઈન્ડિયા (હિંદ છોડો)નો નારો આપતાં અંગ્રેજોને ચલે જાઓ કહ્યું ત્યારે ગાંધીજી, નેહરુ, સરદાર પટેલ સહિતના મોટાભાગના કોંગ્રેસી આગેવાનોને જેલમાં ઠાંસી દેવાયા હતા.  વેળા મુસ્લિમ લીગ, હિંદુ મહાસભાના નેતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિટિશ સરકારોમાં હોદ્દા ભોગવતા હતા.

હિંદુ હત્યાકાંડના ખલનાયક

વડા પ્રધાન એટલીએ અંગ્રેજો ભારતમાંથી સ્વદેશ ચાલ્યા જશે એવી જાહેરાત કરવાની સાથે જવાબદારોને સત્તાસોંપણી કરવાના સંકેત પણ આપ્યા હતા. આવા સંજોગોમાં બ્રિટિશ ઈન્ડિયામાંથી પાકિસ્તાન બનાવવા મથામણ કરી રહેલા ઝીણા અને એમના મુસ્લિમ લીગ ઉપરાંત મદ્રાસ પ્રાંતમાં પેરિયાર . વી. રામાસ્વામી દ્રવિડ દેશ માટે પ્રયત્નશીલ હતા.માસ્ટર તારાસિંહના અકાલી દળને શીખો માટે અલગ રાષ્ટ્રની અપેક્ષા હતી. દેશી રજવાડાં એક કે વધુ જોડાણ કરીને સ્વતંત્ર થવા તલપાપડ હતાં. આવા સંજોગોમાં ૧૬ ઓગસ્ટ  ૧૯૪૬ના રોજ  ઝીણાપ્રેરિત ડાયરેક્ટ એક્શન ડેના પ્રતાપે કોલકાતામાં ૧૭ હજાર જેટલા હિંદુઓને મોતને ઘાટ ઉતારનાર હત્યાકાંડના સૂત્રધાર મનાતા બંગાળના પ્રીમિયર અને મુસ્લિમ લીગી આગેવાન હુસૈન શહીદ સુહરાવર્દી નોખા ખેલ માંડી રહ્યા હતા. ગાંધીજી સાથે સુહરાવર્દીની નિકટતા અને સુધરી ગયાનો ડહોળ મહાત્માને પણ ભોળવી રહ્યો હતો.સુહરાવર્દી અને સરત બોઝ તેમજ અબુલ હાશમી જેવા બંગાળી હિંદુ-મુસ્લિમ અગ્રણીઓએ અંગ્રેજા પાછા જાય પછી અલગ બંગાળ દેશ માટેની યોજના હાથ ધરવાનું વિચાર્યું. ૨૦ મે ૧૯૪૭ના રોજ એને આકાર પણ અપાયો. સરત બોઝે મહાત્મા ગાંધી અને ઝીણા બેઉને માટે મનાવવાની કોશિશ કરી. ગાંધીજી ભણી ઢળ્યા પણ ખરા અને ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત સામે ફોર્મ્યુલા મૂકવા તૈયાર થયા. ઝીણાની આંખમાં સાપોલિયાં રમતાં હતાં.મુસ્લિમ લીગી સુહરાવર્દી અને બંગાળની બહુમતી મુસ્લિમ પ્રજા હોવાને કારણે ભવિષ્યમાં પાકિસ્તાન સાથે એનું જોડાણ થઈ શકે એવી ગણતરીએ એમને સાનુકૂળતા દાખવી.

સરત બોઝ વિરુદ્ધ શ્યામાપ્રસાદ

હિંદુ મહાસભાના નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી અને બંગાળ કોંગ્રેસના હિંદુ નેતાઓએ સરત-સુહરાવર્દી-હાશ્મીની યોજના પાછળના બદઈરાદાનો આગોતરો અણસાર આવી ગયો. ડૉ. મુકરજીએ તો બાપુને પ્રશ્ન પણ કર્યો કે અલગ બંગાળ દેશ ભારતને બદલે પાકિસ્તાન સાથે જોડાણ કરે તો? પંડિત નહેરુ અને સરદાર પટેલ પણ ગાંધીજીની બંગાળ દેશ માટેની સહાનુભૂતિ છતાં એકના બે થયા નહીં. બંગાળ અને પંજાબના ભાગલા માટે સંમત હતા.ડૉ. મુકરજી માટે બંગાળના ભાગલા કોમી ધોરણે કરીને સરદાર પટેલની આંખમાં વસી જવાનું થયું. એટલે તો હિંદુ મહાસભાના નેતા હોવા છતાં કોંગ્રેસે પહેલ કરીને એમને નેહરુના વડપણવાળી સરકારમાં પ્રધાન બનાવવા માટે બંધારણ સભામાં ચૂંટી મોકલ્યા. સરત બાબુ પણ બંધારણ સભામાં હતા. ડૉ.આંબેડકર પણ પૂર્વ બંગાળની બેઠક પરથી બંધારણસભામાં હતા. ઈતિહાસને ઉછાળીને વર્તમાનમાં રાજકારણ ખેલવા તથા લાભ ખાટવાના પ્રયાસ થતા હોય ત્યારે સરત બોઝ વિરુદ્ધ શ્યામાબાબુના ઘટનાક્રમને અવગણી શકાય નહીં. બંગાળ નોખો ઈતિહાસ સર્જવા માટે જાણીતું છે.દાયકાઓ સુધી કોમ્યુનિસ્ટ શાસન હેઠળ રહેલા પશ્ચિમ બંગાળમાં  મમતા બેનરજીએ છેલ્લી બબ્બે વિધાનસભા ચૂંટણીઓ વધતા ક્રમમાં જીતીને પ્રભાવને મજબૂત કર્યો છે. હવે એમની ખરી અગ્નિપરીક્ષા છે : ભાજપને પરાસ્ત કરે છે કે પોતે પરાસ્ત થાય છે, એનો નિર્ણય આગામી વિધાનસભાની એપ્રિલ-મે ૨૦૨૧ની ચૂંટણીમાં થઇ જશે.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                               (લખ્યા તારીખ : ૧ નવેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment