Wednesday 28 October 2020

Bofors and Raghavan

 

બોફોર્સકૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું

કારણ-રાજકારણ: ડૉ.હરિદેસાઈ

·         રેલો રાજીવ ગાંધી સુધી જતાં અવરોધ નિર્માણ

·         સીબીઆઈના વડા જોગિન્દરસિંહ વિ. રાઘવન

·         ૬૪ કરોડની કટકીની શોધમાં ૬૫૦ કરોડ ખર્ચ

સાડા ત્રણ દાયકા પછી પણ સ્વીડિશ બોફોર્સ કંપની સાથે હોવિત્ઝર તોપો ખરીદવા માટે થયેલા ૧૪૩૭ કરોડ રૂપિયાના લશ્કરી સોદામાં ૩૪ કરોડ રૂપિયાની કટકી કોના ખિસ્સામાં ગઈ એ વિવાદ હજુ ઉકેલાયો નથી. ફરી ફરીને એનો વિવાદ રાજકીય સ્વરૂપ લઇ રહ્યો છે. વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંરક્ષણ સોદાઓમાં કોઈ વચેટિયા ના હોવા જોઈએ એવી વ્યવસ્થા કરી, પણ એમના શાસનકાળમાં જ એમના સગા તથા મળતિયા આ બોફોર્સ કાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ એમના જ પ્રધાનમંડળના સાથી વિશ્વનાથ પ્રતાપસિંહ કરી બેઠા. રાજીવ સરકાર ડૂલ થવાનું એ બોફોર્સ કાંડ નિમિત્ત બન્યું. રાજીવ સરકાર ગયા પછી વી.પી.સિંહ સહિતની અનેક કોંગ્રેસી અને બિનકોંગ્રેસી સરકારો આવી અને ગઈ, પણ બોફોર્સ કટકીની રકમ  કોના ખિસ્સામાં ગઈ  એ હજુ રહસ્ય જ રહ્યું છે. વાજપેયી યુગમાં  સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્ટેલિજન્સ (સીબીઆઈ)ના વડા રહેલા અને વર્તમાન કેન્દ્ર સરકારે સાયપ્રસમાં ભારતીય રાજદૂત નિયુક્ત કરેલા આર.કે.રાઘવને તાજેતરમાં પ્રકાશિત આત્મકથા “અ રોડ વેલ ટ્રાવેલ્ડ”માં બોફોર્સ તપાસમાં કોંગ્રેસ સરકારોએ અવરોધ સર્જ્યા એવો દાવો કર્યો છે. તેઓ બોફોર્સ તપાસના પ્રભારી પણ રહ્યા છે એટલું જ નહીં, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિળનાડુના પેરુમ્બદૂરમાં ૧૯૯૧માં હત્યા થઇ ત્યારે રાજીવના સુરક્ષા પ્રભારી પણ હતા. રાઘવન ગુજરાતના બહુચર્ચિત ગોધરા-અનુગોધરા રમખાણો અંગે રચાયેલી ખાસ તપાસ સમિતિના વડા હતા. તેમણે  વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષમુક્ત જાહેર કર્યા હતા.વર્ષ ૨૦૦૪માં “અદાલતી કાર્યવાહી માટે રજૂ નહીં કરાયેલા આરોપી” રાજીવ ગાંધી મૃત હોવાને કારણે તેમની સામેના આરોપોને દિલ્હીની  વડી અદાલતે રદ કર્યા હતા. સાથે જ સંરક્ષણ સચિવ રહેલા એસ.કે. ભટનાગરને પણ આરોપમુક્ત જાહેર કરાયા હતા. મે ૨૦૦૫માં હિંદુજા બંધુઓને અને ૨૦૧૧માં રાજીવના સગા એવા ઇટાલિયન વ્યવસાયી ઓક્તોવિયો ક્વોત્રોચી સામેના ખટલા રદ તો થયા પણ તપાસ પાછળ અબજો (૨૫૦થી ૬૫૦ કરોડ રૂપિયા)ના ખર્ચ છતાં પેલા ૬૪ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એ નક્કી થઇ ના શક્યું. સીબીઆઇના વડા તરીકે જોગિન્દર સિંહ હતા ત્યારે એમણે  આ કૌભાંડમાં રાજીવ ગાંધી સંડોવાયેલા નહીં હોવાનું તારવ્યું હતું, પણ શંકાકુશંકા ચાલુ રહી હતી. સમગ્ર મામલો રાજકીય ઉહાપોહનો બની રહયાને કારણે સમયાંતરે ઉછાળવામાં આવતો રહ્યો છે.  વર્ષ ૨૦૧૮માં બોફોર્સ કટકી પ્રકરણમાં સીબીઆઇએ  વધુ તપાસ માટેની કાર્યવાહી કરવા ચાહી, પણ એ વેળાના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આટલા બધા વિલંબને ચલાવી ના લઈને એ માટે નન્નો ભણી દીધો હતો. હવે રાઘવનના પુસ્તકે ફરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. એમણે શક્યતા વ્યક્ત કરી છે કે કટકીનાં એ નાણાંમાંથી અમુક હિસ્સો કોંગ્રેસના નિધિમાં ગયો હોવો જોઈએ, પણ એ પૂરવાર કરી શકાય તેમ નથી.  

બોફોર્સ કટકીનો ઘટનાક્રમ

ભારતના વોટરગેટ તરીકે બહુચર્ચિત બોફોર્સ કાંડની શરૂઆત વર્ષ ૧૯૮૬માં થઇ અને હજુ આજ લગી એની રાજકીય  આગ બુઝાઈ નથી. ૨૪ માર્ચ ૧૯૮૬ના રોજ રાજીવ ગાંધીની સરકારે સ્વીડિશ કંપની એબી બોફોર્સ સાથે ૪૦૦થી વધુ ૧૫૫ મીમી (કેલીબર ઓફ બેરલ) હોવિત્ઝર તોપો ખરીદવા માટે ૧૫ મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. ૧૬ એપ્રિલ ૧૯૮૭ના રોજ સ્વીડિશ રેડિયોએ આ સોદામાં ભારતીય રાજનેતાઓને કટકી અપાયાનું જાહેર કર્યું, પણ એ વેળાના વડાપ્રધાન રાજીવ ગાંધીએ એ વાતને નકારી હતી. ૬ ઓગસ્ટ ૧૯૮૭ના રોજ આ સોદા અંગે તપાસ કરવા માટે રાજીવ સરકારે સંયુક્ત સંસદીય સમિતિ નિયુક્ત કરી અને બે વર્ષે એનો અહેવાલ આવ્યો. નવેમ્બર ૧૯૮૯માં લોકસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીની કોંગ્રેસ સત્તાથી વિમુખ થઇ.  ભાજપ તથા ડાબેરી મોરચાના ટેકે ૨૬ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ  વી.પી. સિંહની સરકાર બની.૨૨ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ સીબીઆઇએ આ અંગે ફરિયાદ નોંધીને તપાસ આદરી. ૨૧ મે ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધીની હત્યા થઇએ પહેલાં તેઓ  સત્તામાં ફરી આવે એવા સંજોગો સર્જાયેલા હતા.૨૯/૩૦ જુલાઈ ૧૯૯૩નારોજ ઇટાલિયન વ્યવસાયી ક્વોત્રોચી ધરપકડ ટાળવા માટે ભારતથી ભાગી ગયો. એને સત્તામાં બેઠેલાઓએ જ આ અંગે ચેતવીને ભગડ્યાની આશંકા છે. ૨૧ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ ચાર વર્ષની તપાસને અંતે  બર્ને ભારતને આપેલા ૫૦૦ પાનાંના  ગુપ્ત દસ્તાવેજો પછી પણ ક્વોત્રોચીએ પોતે બોફોર્સ કાંડમાં સંડોવાયેલા હોવાનું નકારતાં રાજકીય વેરભાવનાથી પોતાની સામે આક્ષેપ થતા હોવાનું જણાવ્યું. ૩૦ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ આ પ્રકરણમાં સીબીઆઇ તપાસ ટુકડી રચાઈ.  એ પછીના ઘટનાક્રમમાં તો હિંદુજા બંધુઓ સામે ખટલા દાખલ કરાયા અને તેઓ નિર્દોષ હોવાનું જણાવાયું. બીજા આરોપી ભટનાગર  કેન્સરથી મૃત્યુ પામ્યા અને વિન ચડ્ડા પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો. વર્ષ ૨૦૦૭માં ક્વોત્રોચી આર્જેન્ટિનામાં પકડાયો અને છૂટ્યો.૨૯ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ ક્વોત્રોચી સામેનો કેસ પાછો ખેંચવા કેન્દ્ર સરકારે સુપ્રીમમાં અરજી કરી. એ પછી પણ કેસ અદાલતોમાં અને સીબીઆઇ વચ્ચે અટવાતો રહ્યો. જુલાઈ ૨૦૧૩માં ક્વોત્રોચી મિલાનમાં મૃત્યુ પામ્યો.  રાજીવ ગાંધીના મૃત્યુ પછી નરસિંહરાવ વડાપ્રધાન થયા અને માધવસિંહ સોલંકી  વિદેશ મંત્રી તરીકે બોફોર્સ તપાસ રોકવા અંગેના  પત્ર પ્રકરણમાં ઘણાં રહસ્ય જાણતા હોવા છતાં એમણે આજ દિવસ સુધી એ અંગે કોઈ ખુલાસો કર્યો નથી એટલે બોફોર્સનું રહસ્ય રહસ્ય જ રહ્યું છે. વર્તમાન કેન્દ્ર સરકાર પણ સુપ્રીમના ચૂકાદા સામે વિવશ છે.

કેગ ચતુર્વેદી અને ભાજપ

ભારત સરકારના  હિસાબો ચકાસવાનું કામ કરનાર કંપટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) તરીકે તી.એન. ચતુર્વેદી અને સ્વીડનમાં ભારતીય રાજદૂત રહેલા ભૂપતરાય ઓઝા બંનેએ રાજીવ ગાંધી સામે આ બોફોર્સ કટકી માટે શંકાઓ પ્રેરે એવું કામ કર્યું હતું. કેગ તરીકે ચતુર્વેદીએ અહેવાલમાં જણાવ્યું હતું કે બોફોર્સ સંરક્ષણ સોદામાં કોઈને ૬૪ કરોડ રૂપિયાની કટકી ચૂકવાઈ હોવાથી એની તપાસ થવી જોઈએ. કચ્છી ગુજરાતી રાજદૂત ઓઝાએ પણ બોફોર્સ પર પુસ્તક લખીને રાજીવ ગાંધી ભણી તીર તાકવાની સાથે જ વડાપ્રધાન નરસિંહરાવ આ પ્રકરણમાં રાજીવ બદનામ થાય એવું ઈચ્છતા હોવાના  સંકેત આપ્યા હતા. સંયોગ એવો હતો કે નિવૃત્તિ પછી ચતુર્વેદી અને ઓઝા બંને ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. ચતુર્વેદી તો રાજ્યસભામાં ભાજપના સાંસદ બન્યા.  વાજપેયી સરકારે તેમને રાજ્યપાલ પણ બનાવ્યા હતા. થોડા વખત પહેલાં ગુજરી ગયેલા ઓઝાને ભાજપમાં અત્યારે ભાગ્યેજ કોઈ ઓળખે છે, પરંતુ ચતુર્વેદી સાથે છેલ્લે આ લખનારની વાત થઇ ત્યારે એ નોઈડામાં રહેતા હતા. દિલ્હીમાં સરદાર પટેલનું સ્મારક બનાવવા માટે વાજપેયી સરકારે નિયુક્ત કરેલી સમિતિના અધ્યક્ષ પણ હતા. એ સમિતિમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. ચતુર્વેદી કે ઓઝાના ભાજપ સાથેના સંબંધો કે અન્યોના કોંગ્રેસ સાથેના સંબંધો છતાં બોફોર્સ અંગે આજ દિન સુધી સત્ય બહાર લાવવાનું કોઇથી શક્ય  બન્યું નથી. એટલી હકીકત સ્વીકારવી પડે કે સ્વીડિશ તોપો હોવિત્ઝર થકી ભારત કારગિલ યુદ્ધ જીત્યું હતું. પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવા માટે આ તોપો આશીર્વાદરૂપ સાબિત થયાનું સ્વયં વાજપેયી સરકારમાં સંરક્ષણ મંત્રી રહેલા અને હજુ હમણાં જ મૃત્યુ પામેલા મેજર જસવંત સિંહ(નિવૃત્ત)થી લઈને કર્નલ ધર્મેન્દ્રસિંહ સૈની(નિવૃત્ત) સુધીનાએ જાહેરમાં કહ્યું હતું. પેલા ૬૪ કરોડ રૂપિયાની કટકીનો મામલો હજુ રહસ્ય જ છે.

તિખારો

બાપુના આદર્શ  ભારતમાં  ભ્રષ્ટાચારનો કોઈ ઉપાય નથી,

નિષ્ઠાવાન  નેતાઓ  વિના  ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.

              ક્યાંક બોફોર્સના ભૂતો હજુ પણ જાગે  છે,

              એન્ડરસનો ભારત છોડીને પણ ભાગે છે.

-     સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ )               (લખ્યા તારીખ: ૨૩ ઓક્ટોબર ૨૦૨૦)

No comments:

Post a Comment