Wednesday 28 October 2020

RSS Chief Dr.Mohan Bhagwat on Vijaya Dashami


ભાજપની માતૃસંસ્થાના સરસંઘચાલકનો વિજયાદશમી ટાણે નીતિનિર્દેશ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         સત્તારૂઢ મોરચા સરકારના નિર્ણયોનું સમર્થન કરતા ડૉ.મોહનજી ભાગવત

·         કોરોનાસંકટ અને ઘૂસણખોર ચીનની રાક્ષસી મહત્વાકાંક્ષાની વિશદ છણાવટ

·         નાગરિકતા સુધારા કાયદાથી લઈને ૩૭૦ને અપ્રભાવી બનાવાયાની ચર્ચા

·         બંધારણ, હિંદુરાષ્ટ્ર અને સ્વદેશીમાં ડૉ.આંબેડકર,વિનોબા અને ઠેંગડીને ટાંક્યા

સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઆરએસ)ના સ્થાપના દિવસ  વિજયાદશમી નિમિત્તે સરસંઘચાલકનું નાગપુર મુખ્યાલયમાં જે માર્ગદર્શન હોય પ્રત્યેક સ્વયંસેવક માટે નીતિ વિષયક નિર્દેશ સમાન હોય છે. વિશ્વમાં સૌથી વિશાળ સ્વયંસેવી સંસ્થા (એનજીઓ) ગણાતી આરએસએસ સંસ્થાના વખતના આયોજનમાં વખતે નવા મુદ્દાઓ ઝળક્યા નહીં.  વર્ષોથી નવા વર્ષ માટેના નીતિ વિષયક નિર્દેશોની પરંપરા ચાલી આવે છે. વર્ષ ૧૯૨૫માં સંઘની સ્થાપના થઇ અને બીજા વર્ષે એનું નામકરણ થયું, પછી વર્ષ ૧૯૨૯ના નવેમ્બરથી જેમને (કોંગ્રેસના નેતા ડૉ.કેશવ બલિરામ હેડગેવાર) એના પ્રમુખ એટલેકે  સરસંઘચાલક નામિત કરવામાં આવ્યા આવું સંબોધન કરતા રહ્યા છે. વખતે કોરોનાસંકટકાળ હોવાને કારણે શસ્ત્રપૂજન પછીના કાર્યક્રમમાં સંખ્યાની દ્રષ્ટિએ પણ હાજરી ઓછી હતી, વિશેષ અતિથિને તેડાવાયા નહોતા અને સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવતનું જે બૌદ્ધિક રહ્યું પણ નવા નીતિ નિર્દેશકો બક્ષનારું નહોતું. હા, સંઘનું રાજકીય ફરજંદ ભાજપ સત્તાસ્થાને હોવાને કારણે ડૉ.ભાગવતના સમગ્ર ભાષણમાં એની કામગીરી અને કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંને બિરદાવવા ઉપરાંત ભારતને સૌનુંહિંદુ રાષ્ટ્ર જાહેર કરવા અને વ્યાખ્યાયિત કરવા માટે વિસ્તારથી વાત કરી. કોરોના વિશે વિગતે વાત કરવાની સાથે વિવાદાસ્પદ બનેલા નાગરિકતા અધિનિયમ સુધારણા સંદર્ભે પણ ડૉ.ભાગવત ખુલીને બચાવનામું વ્યક્ત કરતા લાગ્યા; પરંતુ માથે બિહાર વિધાનસભાની ચૂંટણી હોવાથી કદાચ અનામત પ્રથાની સમીક્ષા કે અન્ય મુદ્દે એમણે ગત બિહાર ચૂંટણી વખતે કરેલી ટિપ્પણ જેવી કોઈ ટિપ્પણ કરવાનું ટાળ્યું હતું. સર્વોચ્ચ અદાલતના રામ મંદિર ચુકાદાનાં પણ એમણે વખાણ કર્યાં. ભારતીય બંધારણને ખુલીને સમર્થન કરતા હોય એવા નિર્દેશ આપવાની સાથે દેશમાં અરાજકતા ફેલાવવા ઇચ્છતાં તત્વોના ઉલ્લેખ વખતે ડૉ.ભાગવતે બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને પંડિત નેહરુની સરકારમાં કાયદા પ્રધાન રહેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરને ટાંકવાનું પસંદ કર્યું હતું. જમ્મૂ-કાશ્મીર અંગે બંધારણના અનુચ્છેદ ૩૭૦નેઅપ્રભાવીબનાવવાના પગલા તેમજ ચીનને આંખ બતાવવાના શાસકોના વલણને બિરદાવ્યું હતું. જોકે ભારત સરકારે ખેતપેદાશો અંગે ત્રણ કાયદા કરીને કોર્પોરેટ ક્ષેત્ર માટે મોકળાશ કરી આપ્યાના મુદ્દે  તાજેતરમાં ખેડૂતોએ દેશવ્યાપી આંદોલન આદર્યું હોવાની સાથે સંઘ પરિવારના ભારતીય કિસાન સંઘે પણ સામે આંદોલન આદર્યું હોવાના કારણે ડૉ.ભાગવતે  નીતિનિર્ધારકોને થોડી સલાહ જરૂર  આપી છે. પાડોશી દેશો સાથે સંબંધ સુધારવાની શીખ પણ આપી. સ્વદેશી અને દેશી ખેતીની વાત પણ તેમણે છેડી, પણ આચાર્ય વિનોબા ભાવેથી લઈને સંઘના વરિષ્ઠ પ્રચારક રહેલા દત્તોપંત ઠેંગડી સુધીનાનો નામોલ્લેખ કર્યો; પણ  મહાત્મા ગાંધીનું નામ લેવાનું ટાળ્યું હતું. સરસંઘચાલકના ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ પામેલા કે છાપેલા  દીર્ઘ ભાષણમાં એમણે ના તો પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ કે પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ કે સંઘનિષ્ઠ સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નામોલ્લેખ કર્યો, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારની કામગીરી પર તેઓ સમરકંદ-બુખારા ઓવારી ગયા હતા.

સાંસ્કૃતિક મૂલ્યો ભણી પાછા વળો

કોરોનાના બોધપાઠને આધારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ તેમજ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ભણી પાછા ફરવાની અનિવાર્યતા પર સરસંઘચાલકે સવિશેષ ભાર મૂક્યો હતો. પર્યાવરણની જાળવણી અને શાશ્વત માનવીય મૂલ્યો ભણી કોરોના અનુભવે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હોવાની વાત પણ તેમણે કરી. કોરોનાના પ્રસાર પાછળ ચીન હોવાની શંકા વ્યક્ત કરવાની સાથે ચીનની વિસ્તારવાદી નીતિ અને રાક્ષસી મહત્વાકાંક્ષાને ભારતે જે મજબૂત જવાબ વાળ્યો એની તેમણે પ્રશંસા  કરી. શ્રીલંકા, બ્રહ્મદેશ,નેપાળ વગેરે આપણા મિત્ર દેશો અને સમાન સ્વભાવના દેશો સાથે વધુ સારી મિત્રતા અને સંબંધો બનાવવાની તાકીદે  દર્શાવી. આમાં અવરોધ સર્જનારા કે મતભેદ સર્જનારા મુદ્દાઓનું તાકીદે નિરાકરણ લાવવાનું પણ ડૉ.ભાગવતે સૂચવ્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા અને સાર્વભૌમત્વ સામે પડકાર બનતી બાહ્ય કે આંતરિક શક્તિઓ સાથે કડકાઈથી વર્તવાનું પણ તેમણે કહ્યું હતું.

સંઘ, હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્ર

સરસંઘચાલક ડૉ.ભાગવતે સંઘ વિશે ગેરસમજો ફેલાવવાના પ્રયાસને નાકામ કરવા સંદર્ભે સ્પષ્ટતા કરતાં હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રની વાત પર ખૂબ વિગતે ચોખવટ કરી હતી. દેશની ૧૩૦ કરોડની જનતાના પૂર્વજો હિંદુ હોવાની વાત અને ગૌરવની અપેક્ષા કરી હતી. હિંદુ રાષ્ટ્ર અને હિંદુ શબ્દ વિશે એમણે વ્યાખ્યાઓ પણ આપી હતી. “હિંદુ કોઈ પંથ, સંપ્રદાયનું નામ નથી, કોઈ એક પ્રાંતે પેદા કરેલો શબ્દ નથી, કોઈ એક જાતિની બાપીકી મિલકત નથી, કોઈ ભાષાનું સમર્થન કરનાર શબ્દ નથી. તમામ  ભારતીયોની ઓળખ છે. એમનું સન્માન જાળવનાર શબ્દ છે. સમગ્ર દેશની એકતા માટેનો શબ્દ છે એવું માનીને સંઘ ચાલે છે.” સરસંઘચાલકે કહ્યું હતું કે સંઘ જયારે હિન્દુસ્થાન હિંદુ રાષ્ટ્ર છે એવું કહે છે ત્યારે એની પાછળ કોઈ રાજકીય કે સત્તા કેન્દ્રિત વિભાવના નથી. કોઈએ પોતાની પૂજા વિધિ છોડવાની વાત આમાં નથી. પ્રત્યેક વ્યક્તિએ પોતાના મનમાંથી અલગતાવાદી ભાવના ત્યાગવી પડશે. અલગતાવાદી અને સ્વાર્થી તત્વોના ઉશ્કેરણીજનક પ્રયાસોના કોઈ ભોગ ના બને, એવું તેમણે કહ્યું હતું.  સંઘની હિંદુ રાષ્ટ્રની વિભાવના સામે અગાઉ સરદાર પટેલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકરે નહીં, સ્વયં ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ પણ વાંધો લીધો હતો વાતનું તબક્કે સ્મરણ કરવાની જરૂર ખરી. સરદારહિંદુ રાષ્ટ્રને ગાંડાઓનો ખ્યાલગણાવતા હતા. ડૉ.આંબેડકર તો કોઈપણ ભોગે હિંદુ રાજના વિચાર સામે લડી લેવાનું કહેતા હતા. જનસંઘના સંસ્થાપક અને અગાઉ હિંદુ મહાસભાના અધ્યક્ષ  રહેલા ડૉ.મુકરજીએ પત્રકાર પરિષદ લઈને હિંદુ રાષ્ટ્રના વિચારનો વિરોધ કર્યાનું તેમની જીવનકથા લખનાર સંઘનિષ્ઠ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ રહેલા તથાગત રાયે નોંધ્યું છે.

સર્વપંથ સમન્વય અને સહિષ્ણુતા

વિજયાદશમીના પ્રગટ ભાષણમાં સરસંઘચાલક ડૉ.ભાગવત સેક્યુલર શબ્દને બદલે સર્વપંથ સમન્વય શબ્દપ્રયોગ કરવાનું  પસંદ કરે છે. સામાન્ય રીતે સર્વસમાવેશક શબ્દ વપરાય છે, પણ સંઘની શબ્દાવલિ અને વ્યાખ્યાઓ નોખી હોય છે. નાગરિકતા સુધારાને મુસ્લિમ વસ્તી ઘટાડવાના પ્રયાસ તરીકે નહીં જોવાનો મત પણ તેઓ રજૂ કરે છે. જોકે એમના પુરોગામી સરસંઘચાલક સુદર્શનજી કહેતા હતા કે વર્ષ ૨૦૬૦ સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી હિંદુઓ કરતાં વધી જશે, પરંતુ વિશ્વના વસ્તી નિષ્ણાતોના મતે, વર્ષ ૨૦૫૦ કે ૨૦૬૦માં પણ ભારતમાં ૭૫ ટકા કરતાં પણ વધુ વસ્તી હિંદુની હશે. ડૉ.ભાગવત  સહિષ્ણુતાની પણ વાત કરતાં  કવિવર રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદની વાત કરે છે. સ્વદેશીની વાત કરતાં એમને મહાત્મા ગાંધીના શિષ્ય  આચાર્ય વિનોબાનું સ્મરણ થાય છે. સ્વાવલંબન અને સ્વદેશીમાં સંઘના વરિષ્ઠ પ્રચારક  દત્તોપંત ઠેંગડીનું નામ પણ લેવાનું ગમે છે, પણ સમગ્ર ભાષણમાં મહાત્મા ગાંધીનું નામ ભૂલથી પણ ઉલ્લેખાતું નથી. ભારતીય દ્રષ્ટિ અને કૃષિ નીતિને અમલમાં લાવીને સ્વદેશી નીતિના આચરણની પણ તેઓ વાત કરે છે. પર્યાવરણ રક્ષા, જળ બચાવ, પ્લાસ્ટિક ત્યાગ અને વૃક્ષારોપણ,  હરિયાળીનું સમર્થન અને એની ઝુંબેશ હાથ ધરવાનો પણ તેઓ આગ્રહ સેવે છે. લાખો સ્વયંસેવકોને સરસંઘચાલકદેશના નવોત્થાનના અભિયાનમાં જોડાવા તેઓ  હાકલ કરે છે.

-મેઈલ: haridesai@gmail.com             (લખ્યા તારીખ: ૨૫ ઓક્ટોબર ૨૦૨૦) 

No comments:

Post a Comment