Sunday 16 February 2020

Reservation MUST in Savarna dominated top Judiciary

ટોચના ન્યાયતંત્રમાં અનામત અનિવાર્ય
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·         દેશના મુખ્ય ન્યાયાધીશ - કાયદામંત્રીની તરફેણ
·         રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનો પણ આગ્રહ
·         સૌથી વધુ અવગણાયેલો સમાજ તો આદિવાસી 
આજકાલ માત્ર દલિત(એસસી), આદિવાસી (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં જ નહીં, કથિત ઉજળિયાત કે સવર્ણ વર્ગમાં પણ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પ્રવેશ માટે અનામત માટેના ધખારા વધ્યા છે.કથિત સવર્ણ શબ્દ એટલા માટે વપરાય છે કે ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે એટલે કે કોઈ સવર્ણ કે કોઈ બિન-સવર્ણ એવા ભેદ કરતું નથી. ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા એવા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર સાથે “સામાજિક ન્યાય કાજે” અનામત પ્રથાને બંધારણીય ગણાવવા માટે ભણેલાગણેલા સવર્ણોની બહુમતી ધરાવતી ૧૯૪૬-૪૯ દરમિયાનની બંધારણસભાએ સંમતિ આપી હતી, પણ એને યાવત્ચંદ્રદિવાકરો બનાવીને દેશની આઝાદીના સાત-સાત દાયકા પછી પણ વિવિધ સમાજોને આમનેસામને લાવી દેવા જેવા સંજોગો સર્જવા માટે તો અમલમાં આણી નહોતી. અનામત શ્રેણીમાં આવતા વંચિત સમાજો ઉપરાંત સવર્ણો પણ રાજકીય રાજધાનીઓમાં ડેરાતંબુ તાણીને અનામત-અનામતનાં રાજકારણ રમશે એવી કલ્પના પૂર્વસૂરિઓએ કરી નહીં જ હોય. એમને તો પછાતો કે વંચિતોને મુખ્યધારામાં લાવવા માટે ટેકો કરવાની કલ્પના હતી. હવે તો તમામ સમાજોને અનામતનો લાભ લેવો તો છે અને છતાં બિન-અનામત વર્ગમાં ગણાવું છે. હકીકતમાં તાજેતરમાં તો બંધારણીય સુધારો અમલમાં આણીને સવર્ણો માટે ૧૦ ટકા આર્થિક રીતે નબળા વર્ગ (ઇકનોમિકલી વીકર સેક્શન: ઇડબલ્યૂએસ) તરીકે અનામતમાં સામેલ કરીને ડૉ.આંબેડકરને અભિપ્રેત ૫૦ ટકાથી અનામતની ટકાવારી વધવી ના જોઈએ એ ટોચમર્યાદા તોડી નાંખી છે. મામલો હજુ ન્યાયિક સમીક્ષામાં છે. કેન્દ્ર કે રાજ્યોમાં સરકારી નોકરીઓનું પ્રમાણ ઝાઝું રહ્યું નથી એટલે રાજનેતાઓએ ખાનગી ક્ષેત્રમાં પણ અનામત પ્રથા દાખલ કરવાની તરફેણ કરવા માંડી છે. એકબાજુ, અનામતની ટકાવારી વધતી ચાલી છે અને બીજીબાજુ,અનામતને બંધારણીય અધિકાર ગણાવવા વિરુદ્ધના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ નવા વરવા વિવાદ સર્જે છે.  વિરોધાભાસી અદાલતી ચુકાદાઓ થકી સમાજમાં ટકરાવનો માહોલ પેદા થઇ રહ્યો છે.
ન્યાયતંત્રમાં સવર્ણ વર્ચસ્વ
ઉચ્ચ અદાલતોમાં કથિત સવર્ણો જ મહદઅંશે ન્યાયાધીશો તરીકે બિરાજે છે.ક્યાંક રડ્યાખડ્યા દલિત કે અન્ય પછાત વર્ગના ન્યાયાધીશોને મુખ્ય ન્યાયાધીશ બનવાની તક મળે છે. એવું તો નથી કે ભણેલાગણેલા અનામત શ્રેણીના ન્યાયાધીશો અદાલતોની કામગીરી કાર્યક્ષમ રીતે ના ચલાવી શકે. દેશના જનસામાન્યને ન્યાય મળે અને એનો અદાલતોમાં વિશ્વાસ બેઉ જળવાઈ રહે એ માટે સર્વોચ્ચ અદાલત અને દેશની વડી અદાલતોમાં પણ અનામતનો અમલ અનિવાર્ય લેખાવો જોઈએ. આ વાત દેશના મુખ્ય ન્યાયાધીશ પી.સદાશિવમ (જેમને મોદી સરકારે કેરળના રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા)  કે દેશના વર્તમાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ કરે છે. વર્તમાન સરકારના અખત્યાર હેઠળનું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (નેશનલ શિડ્યૂલ્ડ  કાસ્ટ કમિશન) એ સંદર્ભે ભાજપના ૮૩ વર્ષીય પૂર્વ કેન્દ્રીયમંત્રી કારિયા મુંડાના વડપણવાળી સમિતિના અહેવાલને આધારે સુપ્રીમ કોર્ટ અને દેશની હાઇકોર્ટોમાં અનામત પ્રથા દાખલ કરવાની તરફેણ કરતા પોતાના અહેવાલો ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ પર મઢે છે. અનામત-અનામતનો રાજકીય ખેલ એવો તો સંવેદનશીલ બની ગયો છે કે કોઈ  ટીવી ચર્ચામાં આ જ વાત કહેવામાં આવે ત્યારે સમાજની ઉશ્કેરણી કરવાના આક્ષેપ પણ મઢવામાં આવે છે. કોણ જાણે દેશ અને દેશવાસીઓને રાજકીય શાસકો કઈ દિશામાં લઇ જઈ રહ્યા છે એ પ્રજાને  સમજાતું નથી. સર્વપક્ષી રાજનેતાઓ અને શાસકોએ આનું ગંભીર મંથન કરીને સમાજમાં જે વિદ્વેષ સર્જાઈ રહ્યો છે એને સત્વરે  ઠારવો પડશે.
વંચિતોનું યોગ્ય પ્રતિનિધિત્વ નહીં
બંધારણ દેશના સૂત્રસંચાલનમાં  તમામ અનામત વર્ગોનું  યોગ્ય પ્રતિનિધિત્વ અપેક્ષિત માને છે. જોકે દાયકાઓ પછી પણ આ આદર્શ અમલમાં આવ્યો નથી. નીચલા સ્તરે ન્યાયતંત્રમાં અનામત શ્રેણીનું કંઇક અંશે પ્રતિનિધિત્વ જોવા મળે છે, પરંતુ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં એ પ્રમાણ જૂજ છે એ અભ્યાસો પણ તારવે છે. કોઈ એવું તો કહી શકવાની સ્થિતિમાં નથી કે દલિતો કે આદિવાસી સમાજના ન્યાયાધીશો કાર્યક્ષમ નથી. આપણી સામે સૌથી મોટું ઉદાહરણ તો બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના સર્વપ્રથમ કાયદામંત્રી ડૉ.આંબેડકરનું જ છે. એ વખતે પણ  એ સૌથી વધુ ભણેલાગણેલા રાજનેતા હતા.બહુમુખી પ્રતિભા હતા. સાત સાત દાયકા વીત્યા પછી પણ વહીવટી તંત્રમાં કે ન્યાયતંત્રમાં અનામતના પ્રમાણ મુજબ જે તે અનામત શ્રેણીના પ્રતિનિધિ જોવા ના મળે અને હવે તો કરાર પર નિયુક્તિઓ અને આઉટસોર્સ કરી દેવાનું ચલણ વધતાં અનામત પ્રમાણ જાળવવાને બદલે સરકારીતંત્ર ક્રમશઃ અનામતપ્રથા દૂર કરવા ભણી આગેકૂચ કરી રહ્યાનું અનુભવાય છે. વર્તમાન કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ૨૨ પાનાંના “ન્યાયપાલિકામાં અનામત અંગેના અહેવાલ”માં પહેલા જ પૃષ્ઠ પર દર્શાવાયું છે : “કમનસીબે ઉચ્ચ ન્યાયપાલિકાનું  ચિત્ર દર્શાવે છે કે મોટાભાગના ન્યાયાધીશો એ જ વર્ગમાંથી આવે છે જે યુગો પુરાણા સામાજિક પૂર્વગ્રહથી ગ્રસ્ત (સવર્ણ) છે. અધિકાંશ મામલાઓમાં એમને એમના નિર્ણય બૌદ્ધિક ઈમાનદારી અને સત્યનિષ્ઠાને સંપૂર્ણ રીતે અદા કરવાની મોકળાશ બક્ષતા નથી. આ જ અહેવાલમાં મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ સી.એસ.કર્ણને “ઊંચી જાતિના સાથી ન્યાયાધીશોના હાથે ભોગ બનવું પડ્યું હોવાનો ઉલ્લેખ જ નહીં, છત્તીસગઢના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ૧૭ જિલ્લા જજોને  કોઈ પણ વાજબી કારણ વિના જ નોકરીમાંથી દૂર કરાયાનો પણ ઉલ્લેખ છે.૧૯૫૦થી લઈને આગળ ઉપર અનુસૂચિત જાતિના માત્ર ચાર જ ઉમેદવાર સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે પહોંચી શક્યાનું આ અહેવાલમાં સ્પષ્ટ દર્શાવાયું છે.એમનાં નામ કે.રામાસ્વામી, કે.જી.બાલકૃષ્ણન, બી.સી.રે અને એ.વર્દરાજન. દેશના મુખ્ય ન્યાયાધીશ થયેલા બાલકૃષ્ણન ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. સુપ્રીમ કોર્ટમાં વધુ એક દલિત-નવબૌદ્ધ  ન્યાયાધીશ ભૂષણ ગવઈની નિમણૂક ૨૦૧૯માં કરવામાં આવી હતી. જસ્ટિસ ભૂષણ એ રિપબ્લિકન પાર્ટી (ગવઈ)ના વડા તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભાપતિ અને બિહારના રાજ્યપાલ રહેલા રા.સુ.ગવઈના સુપુત્ર છે. જ્યાં દલિતોનું યોગ્ય પ્રતિનિધિત્વ ના હોય ત્યાં આદિવાસી પ્રતિનિધિત્વ યોગ્ય હોવાની અપેક્ષા કરવી વધુ પડતી છે! અહેવાલમાં સૂચવાયું છે કે દલિત અને આદિવાસી ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ મેળવી શકે એવી  અનામતની  સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે એ અનિવાર્ય છે.
ભરતીના નિયમો ઘડવામાં વિલંબ
કેન્દ્રના ગૃહમંત્રાલયની ભલામણ છતાં દાયકાઓથી સર્વોચ્ચ અદાલતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામત માટે ભરતીના નિયમો બનાવવાનો કોઈ પ્રયાસ થયો જ નથી. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અંગેની વર્તમાન પ્રણાલી અસ્પષ્ટ અને મનમાની કરનારી હોવાનું આયોગનો  અહેવાલ કહે છે.એમાં નોંધવામાં આવ્યું છે કે પી.શિવશંકર, બી.શંકરાનંદ અને એચ.આર.ભારદ્વાજે ભારતના કાયદામંત્રી તરીકે એમના સમયગાળામાં સંબંધિત હાઇકોર્ટોના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખ્યા હતા જેમાં ન્યાયાધીશોની  નિમણૂકો માટે એસસી, એસટી., ઓબીસી, મહિલાઓ અને લઘુમતીઓનાં  નામોની ભલામણ કરી હતી. આમ છતાં, આ શ્રેણીના ન્યાયાધીશોની સંખ્યા આજે પણ નગણ્ય છે.જોકે સદાશિવન જયારે મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા ત્યારે એમણે પણ સુપ્રીમમાં એસસી, એસટી અને ઓબીસી ન્યાયાધીશોની નિમણૂક અંગે આગ્રહ સેવવાની સાથે ઓબીસીમાંથી આવતા ન્યાયાધીશોનું પ્રમાણ સારું હોવાનું પણ કહ્યું હતું. એમણે યોગ્ય લાયકાતવાળા ન્યાયાધીશો સંબંધિત અનામત વર્ગોમાંથી નિયુક્ત કરવાની વાત છેડી જરૂર હતી, પણ એ પછી પણ ચિત્ર ઝાઝું બદલાયું નથી. ભાજપના સાંસદમાંથી કોંગ્રેસી નેતા બનેલા ઉદિત રાજ દેશના વહીવટી તંત્રમાં ઉચ્ચ સચિવોમાં અનામત શ્રેણીના પ્રતિનિધિઓ નહીંવત છે. અદાલતોમાં પણ સમાજના ઉજળિયાતોનું જ ચલણ છે ત્યારે વંચિતોને ન્યાય મળવાની અપેક્ષા અસ્થાને લેખે છે. સ્વયં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉચ્ચ ન્યાયતંત્રમાં એસસી,એસટી અને ઓબીસીના અપૂરતા પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ભાજપી સાંસદ અને મંત્રી રહેલા કારિયા મુંડાના વડપણ હેઠળની સંસદીય સમિતિએ વર્ષ ૨૦૦૦માં ઉચ્ચ ન્યાયતંત્ર એટલે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એસસી અને એસટીને પૂરતું પ્રતિનિધિત્વ મળે એ માટે બંધારણના અનુચ્છેદ ૨૧૭ અને ૧૨૪માં સુધારા કરવાની ભલામણ પણ કરી હોવા છતાં એ દિશામાં ભાગ્યેજ પ્રગતિ થઇ છે. વિધિ સેન્ટર ફોર લીગલ પોલીસીનાં દીક્ષા સાન્યાલનો અભ્યાસ તારવે છે કે નીચલી અદાલતોમાં મહિલા જજોનું પ્રમાણ ૨૭ ટકા છે પણ હાઇકોર્ટ સ્તરે એ માત્ર ૧૦ ટકા જ છે. સુપ્રીમમાં તો એ સાવ ઓછું છે.દેશમાં ૪૦ ટકા કરતાં વધુ વસ્તી ઓબીસીમાં આવતી હોવા છતાં નીચલા ન્યાયતંત્રમાં માંડ ૧૨ ટકા જજ ઓબીસીમાંથી આવે છે. ૧૬.૬ ટકા દલિત વસ્તી સામે તેનાં જજ ૧૪ ટકા છે. આદિવાસી વસ્તી ૮.૬ ટકા હોવા સામે તેમાંથી આવતા જજ ૧૨ ટકા છે. જોકે ઉચ્ચ ન્યાયતંત્ર એટલે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ અનામત શ્રેણીનું પ્રતિનિધિત્વ નહીંવત છે. ન્યાયતંત્રમાં સમગ્ર દેશની જનતાનો વિશ્વાસ ટકી રહે એ માટે કોલેજીયમ કે કમિશન દ્વારા ન્યાયાધીશોની વરણી થાય ત્યારે એમાં અનામત શ્રેણીની યોગ્ય વ્યક્તિઓને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળે એ અનિવાર્ય છે.
તિખારો
તારા અને મારા અર્થો જુદા
મટી મુક્ત થયો હું ગુલામ રે

લોકશાહી કેરાં રાજ થયાં
ગયાં જર જમીન ને જોરુ રે

કુદરત તણા અહીં માલિક થયા
થયા અમલદાર ને વેપારી રે

વેપાર નફાના ત્રાગડા રચ્યા
મૂડીદારે ચલાવી સફેદ  લૂંટ રે

ઘી,દૂધ, અનાજના ભંડાર ભર્યા
કોણ રળે ને કોણ ખાય રે
-     અશોક ચૌધરી,વેડછી
ઇ-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦)

No comments:

Post a Comment