Wednesday 12 February 2020

Now Let's shoot questions to Sardar Patel on Nehru!


ચાલો, જવાબ માંગીએ સરદાર પાસેથી નેહરુના કામનો
ડૉ.હરિ દેસાઈ
·         બાપુના મૃત્યુ પછી ઇન્દોરમાં વલ્લભભાઈએ નેહરુને વડાપ્રધાન બનાવાયાના નિર્ણયને બિરદાવ્યો’તો   
·         નેહરુએ સરદારને વડાપ્રધાનપદ સંભાળી લેવા વિનંતિ કરી ત્યારેય વલ્લભભાઈએ નન્નો ભણ્યો હતો
·         જવાહરલાલ દેશમાં હોય કે પરદેશ ગયા હોય પણ નેહરુને પછાડવાનો વિચાર વલ્લભભાઈએ કદી કર્યો નથી
·         પ્રજા ભલે મૂક  લાગે તો પણ એના મૌનમાં અટલ બિહારી વાજપેયી જ અભિપ્રેત છે એ વાત તો નક્કી ગણવી  

હમણાં હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણે કે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ માટે પ્રેમનો ઊભરો આવ્યો છે: રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે લોકસભામાં આભાર પ્રસ્તાવની ચર્ચાનો ઉત્તર વાળતાં ગૃહના નેતાએ પોતાની અનુકૂળતા મુજબ નેહરુને ૨૩ વાર સ્મર્યા અને નેહરુનાં નિવેદનોને પોતાની અનુકૂળતા મુજબ ટાંકીને નાગરિકતા સુધારા ધારા (સીએએ)ને વાજબી લેખાવવાનો પ્રયાસ કર્યો. કોલકોતાના પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક “ધ ટેલિગ્રાફ”ના તંત્રી જે.પી.યાદવે મોદીના વ્યાખ્યાનમાં નેહરુનો જે આલાપ કરવામાં આવ્યો એનો વિશદ અભ્યાસ કરીને ૨૩ વાર નેહરુ-સ્મરણ કરાયાની વાત નોંધી તો ખરી, પણ એમણે નેહરુનાં કથનોને અર્ધસત્યની રીતે ટાંકીને “મિસ્ટર હાફ-ટ્રુથ” તરીકે ઉલ્લેખવાનું પસંદ કર્યું છે. ૧૯૫૦ની નેહરુ-લિયાકતઅલી સમજૂતીમાં પહેલા વાક્યમાં જ બંને દેશો ધાર્મિક બાબતને ધ્યાને લીધા વિના જ લઘુમતીઓને પોતાના પ્રદેશમાં સંપૂર્ણ સમાન નાગરિકતા બક્ષવા સંમત થતા હોવાની વાતને વિકૃત કરીને અથવા અર્ધ સત્ય પ્રસ્તુત કરીને કહેવાઈ હોવાનું યાદવ તારવે છે.  નેહરુને વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા ધરાવનાર વ્યક્તિ લેખાવીને ભાગલાનો દોષ એમના શિરે મઢવામાં અગ્રેસર વડાપ્રધાન મોદીનાં નેહરુ વિષયક નિવેદનોનો હિસાબ હવે તો પંડિતજીના દાયકાઓના સાથી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પટ્ટશિષ્ય એવા સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી માંગવાનો વખત આવી ગયો છે.કારણ? આઝાદીની ચળવળમાં, નેહરુને વડાપ્રધાન બનાવવામાં, આઝાદી પછી બાપુના કથિત કોંગ્રેસના વિસર્જનના આગ્રહ છતાં એ નહીં કરવામાં, આઝાદી પછી નેહરુની સરકારમાં અને કાશ્મીર સહિતના મુદ્દે સરદાર પટેલ નેહરુની સાથે અડીખમ ઊભા હતા. સરદારે પોતે ભાગલાના કટ્ટર વિરોધી હોવા છતાં કોંગ્રેસે  કેમ ભાગલા સ્વીકાર્યા એ વાત બંધારણ સભામાં વિગતે કહી છે. એમાં નેહરુ પર કોઈ દોષારોપણ નથી.મહાત્મા ગાંધીના નિધન પછી ઇન્દોરમાં સરદારે નેહરુના વડાપ્રધાન થવાને સૌથી વધુ યોગ્ય લેખાવતું પ્રવચન કર્યું ત્યારે એમણે નેહરુ કે અન્ય કોઈને સારું લગાડવાનું નહોતું. હવે નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે અને એનું કેટલી હદે વિકૃતીકરણ થઇ રહ્યું છે એ વાતની ઝલક તો મોદી સરકારના બટકબોલા પ્રધાન ગિરિરાજ સિંહ મહંમદઅલી ઝીણાની ખિલાફત ચળવળ દર્શાવતાં નિવેદનો કરે ત્યારે સમજાઈ જાય છે.હકીકતમાં મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય ચળવળમાં મુસ્લિમોને જોડાવાના હેતુસર ખિલાફત ચળવળ શરૂ કરી અને મૌલાના મહંમદઅલી અને શૌકતઅલી સાથે નિકટતા વધારી ત્યારે ઝીણાને એ ગમ્યું નહોતું. ઝીણાએ તો અલીબંધુઓને નજીક લેવાના ગાંધીજીના પગલાનો વિરોધ કર્યો હતો અને સરદાર પટેલે એ બાબતમાં બાપુને ટેકો આપ્યો હતો.
નેહરુ પ્રત્યે સરદારની વફાદારી
સરદાર પટેલનો પડછાયો બનીને ૧૯૨૮થી ૧૯૫૦ લગી રહેલાં એમનાં દીકરી અને અંગત સચિવ મણિબહેન તો સરદાર અંગેના દુર્ગદાસના દસ ગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે કે સરદારને વડાપ્રધાનપદ કે અન્ય કોઈ મોટો હોદ્દો મેળવવાની મહેચ્છા નહોતી. સરદારની સૌથી અધિકૃત જીવનકથા લખનાર રાજમોહન ગાંધીએ પણ ૧૯૪૬માં કોંગ્રેસના પ્રમુખની વરણી માટે ૧૫ પ્રાંતિક કોંગ્રેસ સમિતિઓમાંથી ૧૨ તરફથી સરદારનું નામ સૂચવાયાની વાત સાચી લેખાવવાની સાથે આ પ્રસંગને વડાપ્રધાનપદ માટેની વરણી ગણાવવાની ભૂલ નહીં કરવા જણાવ્યું હતું. આ વખતે મૌલાના આઝાદની કોંગ્રેસ પ્રમુખપદે ચાલુ રહેવાની ઈચ્છા છતાં  નેહરુ ફરી એકવાર પ્રમુખ બન્યા હતા. સરદાર પટેલે ગાંધીજી પર પોતાને અન્યાય કરવાનો આરોપ ક્યારેય મઢ્યો નથી, પરંતુ મહાત્મા ગાંધી કરતાં સરદારને કદાચ વધુ જાણનારા કે સમજનારાઓ અત્યારે ઉહાપોહ મચાવે છે કે વલ્લભભાઈને બદલે મહાત્માએ નેહરુને વડાપ્રધાન બનાવીને અન્યાયી પગલું ભર્યું!
બીજી ઓક્ટોબર ૧૯૫૦ના રોજ વલ્લભભાઈએ ઇન્દોર નજીક કસ્તૂરબાગ્રામનો પાયો નાંખતાંબા-બાપુ તો માતપિતા સમાન હતાં” એવું કહ્યું અને  “નેહરુ પ્રત્યે વફાદારી જાહેરમાં કહી બતાવી હતી” એટલું જ નહીં, સરદારે કહ્યું હતું: “અમે બધા તો એમની (મહાત્માની) છાવણીના સિપાહી હતા. મને લોકો નાયબ વડો પ્રધાન કહે છે. હું મારી જાતને આવો કોઈ પદાધિકારી ગણાતો નથી. જવાહરલાલ આપણા નેતા છે. બાપુએ તેમને પોતાના વારસદાર નીમ્યા છે અને તે રીતે જાહેરાત પણ કરી છે.બાપુનું વસિયતનામું પાળવું એતે બાપુના તમામ સૈનિકોની ફરજ છે.જે લોકો હૃદયપૂર્વક ખરેખરી રીતે તેનું પાલન ન કરે તે ભગવાનનો ગુનેગાર થાય. હું દ્રોહી સિપાહી નથી. હોદ્દાનો વિચાર કડી કરતો નથી. હું તો આટલું જાણું છું કે બાપુએ જે સ્થાને મને બેસાડ્યો ત્યાં બેઠો છું તેનો મને સંતોષ છે.” રાજમોહને નોંધ્યું છે: “જવાહરલાલ નેહરુ દેશમાં હોય કે પરદેશ ગયા હોય અને વલ્લભભાઈના રાજકીય ઉદ્દેશ ગમે તે હોય, પણ નેહરુને પછાડવાનો વિચાર વલ્લભભાઈએ કદી કર્યો નથી. વડાપ્રધાનપદના ટૂંકા ભોગવટા પછી પણ વલ્લભભાઈને આવી લાલચ કદી થઇ નથી.પણ નેહરુને અંકુશમાં રાખવાની ઈચ્છા તેમને હતી જ.”  સરદારે નેહરુ પરદેશ ગયા ત્યારે  ચાર-ચાર વખત વડાપ્રધાનપદ સંભાળ્યું હતું. ખુદ નેહરુએ તેમને વડાપ્રધાનપદ સંભાળી લેવા વિનંતિ કરી ત્યારે પણ વલ્લભભાઈએ નન્નો ભણ્યો હતો.
ષષ્ઠિ-પૂર્તિ ટાણે સરદારની આશીષ
સરદાર અને નેહરુ વચ્ચે અમુક મુદ્દે ભિન્ન મત ભલે હોય પણ જવાહરલાલ સરદારના અનુજ હતા. એમની સલાહ લેવા સદાય તત્પર રહેતા અને એ માનતા પણ ખરા. નેહરુની ષષ્ઠિ-પૂર્તિ ટાણે પ્રકાશિત થવાના અભિવાદન ગ્રંથ માટે વલ્લભભાઈ પટેલે  ૧૪ ઓક્ટોબર ૧૯૪૯ના આશીષ પત્રમાં નોધ્યું છે: “કેટલાંક સ્વાર્થી તત્વોએ અમારા બંને વિશે ગેરસમજો-ભ્રાંતિઓ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કેટલાક ભોળા લોકો એમના પર વિશ્વાસ મૂકી પણ દે છે, પરંતુ વાસ્તવમાં અમે લોકો આજીવન સહકારી અને ભાઈની જેમ જ સાથે કમ કરતા રહ્યા છીએ.સમયની જરૂરિયાત મુજબ અમે એકમેકના દ્રષ્ટિકોણ મુજબ અમને બદલાતા પણ રહ્યા છીએ.અને સાથે જ એકમેકના મતનો કાયમ આદર પણ કરતા રહ્યા છીએ. અમને એકમેકમાં ઊંડો વિશ્વાસ હોવાને કારણે જ આ શક્ય બને છે.” બે પાનાં જેટલા આ આશીષ-સંદેશને  વાંચનારા નેહરુ માટેના સરદારના પ્રેમ અને નેહરુને સરદાર માટેનો જે અદર હતો એ સમજી શકે. બંનેને  એકમેકની વિરુદ્ધ મૂકવાની હીન પ્રવૃત્તિ નેહરુ અને સરદારના આત્માને પણ વ્યથિત કરે એવું છે.
વડાપ્રધાન નેહરુને ૨૯ મે ૧૯૬૪ના રોજ રાજ્યસભામાં જનસંઘના નેતા અને ભવિષ્યમાં વડાપ્રધાન થનારા અટલ બિહારી વાજપેયીએ જે ભવ્ય અને ગરિમાપૂર્ણ અંજલિ અર્પી હતી એ શબ્દોને વર્તમાન શાસકોએ પણ મઢાવીને રાખવા જેવા છે. વાજપેયીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા નેહરુએ છેક ૧૯૫૭માં પિછાણી અને બિરદાવી હતી. નેહરુને અટલજીની સમગ્ર અંજલિ કાવ્યાંજલિ જ લાગે છે. એના થોડા અંશ અહીં પ્રસ્તુત છે: “મહર્ષિ વાલ્મીકિ ને  રામાયણ મેં ભગવાન રામ કે સંબંધ મેં  કહા હૈ કિ વે અસંભવોં કે સમન્વય થે. પંડિતજી કે જીવન મેં મહાકવિ કે ઉસી કથન કી એક ઝલક દિખાયી દેતી હૈ. વહ શાંતિ કે પુજારી થે, કિન્તુ ક્રાંતિ કે અગ્રદૂત થે; વે અહિંસા કે ઉપાસક થે, કિન્તુ સ્વાધીનતા ઔર સમ્માન કી રક્ષા કે લિયે હર હથિયાર સે લડને કે હિમાયતી થે. વે વ્યક્તિગત સ્વાધીનતા કે સમર્થક થે, કિન્તુ આર્થિક સમાનતા લાને કે લિયે બદ્ધ પરિકર થે.ઉન્હોને કિસી સે સમજૌતા કરને  મેં ભય નહીં ખાયા, કિન્તુ કિસી સે ભયભીત હોકર સમઝૌતા નહીં કિયા.ચીન ઔર પાકિસ્તાન કે પ્રતિ ઉનકી નીતિ ઇસી અદભુત સમ્મિશ્રણ કી પ્રતીક થી જિસમેં ઉદારતા ભી થી, દ્રઢતા ભી થી. યહ દુર્ભાગ્ય હૈ કિ ઉદારતા કો દુર્બલતા સમઝા ગયા, કુછ લોગોં ને ઉનકી દ્રઢતા કો હઠવાદિતા સમઝા.”
“સંસદ મેં ઉનકા અભાવ કભી નહીં ભરેગા. શાયદ તીન મૂર્તિ કો ઉન  જૈસા વ્યક્તિ કભી ભી અપને અસ્તિત્વ સે નહીં સાર્થક કરેગા. યહ વ્યક્તિત્વ, યહ જિંદાદિલી, વિરોધી કો ભી અપને સાથ લેકર ચલને કી વહ ભાવના, વહ સજ્જનતા, વહ મહાનતા શાયદ નિકટ ભવિષ્ય મેં દેખને કો ભી નહીં મિલેગી. મતભેદ હોતે હુયે ભી, ઉનકે મહાન આદર્શો કે પ્રતિ, ઉનકી પ્રમાણિકતા કે પ્રતિ,ઉનકી દેશભક્તિ કે પ્રતિ, ઉનકે અટૂટ સાહસ ઔર દુર્દમ્ય ધૈર્ય કે પ્રતિ હમારે હૃદયો મેં , આદર કે અતિરિક્ત ઔર કુછ ભી નહીં હૈ.”
સવાલ માત્ર ઇતિહાસના વિકૃતીકરણનો જ નથી,  જે વિરાટ વ્યક્તિત્વ નામે અટલ બિહારી વાજપેયીએ જે પક્ષને માટે આયખું ઘસી નાંખ્યું અને સંઘ પરિવારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો આલાપ જપીને સત્તાના સિંહાસન સુધી જે રાજકીય પક્ષને પહોંચાડ્યો એની  વર્તમાન નેતાગીરીની ભાષા વાજપેયીના વ્યક્તિત્વ સાથે કેટલી મેળ ખાય છે એ પણ અજમાઇશ થઇ જવાની જરૂર છે. પ્રજા મૌન જ લાગે તો પણ એના મૌનમાં અટલજી અભિપ્રેત છે એ વાત તો નક્કી.
ઇ-મેઈલ: hariesai@gmail.com            (લખ્યા તારીખ: ૭ ફેબ્રુઆરી ૨૦૨૦)

No comments:

Post a Comment