Sunday 9 February 2020

Manmohan created Street, Modi converted it to Highway

મનમોહનની કેડી, મોદીનો રાજમાર્ગ
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·         રાષ્ટ્રીયકરણ એ તો રાજકીય સંકટની વૈતરણી
·         તળિયાંઝાટક તિજોરી ભરવા વિનિવેશ-ઈલાજ
·          સરકારી હોટેલો-કંપનીઓના શંકાસ્પદ સોદા 


દેશના આર્થિક સર્વેક્ષણમાં સ્વીકારવામાં આવ્યું કે અર્થતંત્રના વિકાસની ગતિ મંદ છે.  છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી નીચો વિકાસદર (૫ ટકા) વિતેલા વર્ષ માટે અંદાજાયો છે. હવે આવતા વર્ષમાં સકળ રાષ્ટ્રીય ઉત્પાદ (જીડીપી)  વિકાસદર માત્ર ૬ કે ૬.૫ ટકા રહેવાની ગણતરી મૂકાઈ છે.  આર્થિક સ્થિતિ સુધારાવાની કઈ દવા માફક આવશે એ માટેના નુસખાઓ અજમાવાય છે. જમાપૂંજી વાપરીને પણ અર્થતંત્રને ગતિ આપવાના પ્રયાસો ઉપરાંત જાહેર ક્ષેત્રનાં સાહસોમાંનો સરકારનો અમુક  હિસ્સો વેચીને મોટી રકમ ઊભી કરવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે. એવું નથી કે ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકાર જ સરકારી સાહસોના વિનિવેશ (ડિસઇન્વેસ્ટમેન્ટ) થકી નાણાં ઊભાં કરી રહી છે, આ દિશામાં આગળ વધવાની કેડી કંડારી આપવાનું કામ તો પી.વી.નરસિંહરાવની કોંગ્રેસ સરકારે ૧૯૯૧માં આરંભ્યું હતું. એ વેળા સોવિયેત સંઘના વિઘટન અને વિશ્વમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણનો પવન ફૂંકાતો હતો. રાવ સરકારમાં નાણાંમંત્રી અને પાછળથી ૨૦૦૪-૨૦૧૪ દરમિયાન વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહનસિંહે સરકારી સાહસોના વિનિવેશની કેડી કંડારી તો ખરી, પરંતુ એ પછી તો ભાજપના વડપણ હેઠળની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે તો વિનિવેશનો મહામાર્ગ ખોલી નાંખ્યો હોવાનું વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાં મંત્રી નિર્મલા સીતારમણના અંદાજપત્રમાં સ્પષ્ટ વર્તાય છે.
નેહરુ-ઇન્દિરાનો રાષ્ટ્રીયકરણયુગ
એક જમાનો હતો જયારે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ૧૯૫૬માં ખાનગી વીમા કંપનીઓનું વટહુકમથી રાષ્ટ્રીયકરણ કરીને ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની રચના કરતા હતા કે  ૧૯૬૯માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પોતાના જમણેરી નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી મોરારજી દેસાઈને વગરપૂછ્યે ખાનગી ક્ષેત્રની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરતાં હતાં. હવે પ્રવાહ પલટાયો છે. ક્યારેક ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ને ભારત સરકારના ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) કરતાં મોટું કરવાની સંકલ્પના સાથે હરણફાળ ભરવામાં આવતી હતી. હવે એની માંડવાળ થઇ છે. કોઠીમાં જે છે એને ખર્ચીને અર્થતંત્રને આગળ વધારવાની કોશિશોમાં તો આ વખતે રિઝર્વ બેંકની અનામત થાપણો વાપર્યા પછી આ વખતના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારી જાહેર સહસોમાંથી  સરકાર પોતાનો અમુક હિસ્સો વેચવા કાઢીને કે કોઈકોઈ સાહસને તો સંપૂર્ણ વેચવા કાઢીને ૨.૧ લાખ કરોડ રૂપિયા ઊભા કરવા ધારે છે. અત્યાર લગી થયેલા વિનિવેશમાં આ સૌથી મોટી રકમ છે.રૂપિયા ૯૦,૦૦૦ કરોડ એલઆઈસી અને આઈડીબીઆઈમાંથી સરકારી હિસ્સો વેચીને ઊભા કરવાના છે. બાકીના ૧.૨ લાખ કરોડ રૂપિયા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને એર ઇન્ડિયા વેચીને ઊભા કરવાનો સંકલ્પ કરાયો છે. એક બાજુ પ્રજાને રાજી રાખવા માટે સરકારી તિજોરીમાંથી લહાણી કરવાની યોજનાઓ જાહેર કરવામાં આવે છે તો બીજી બાજુ,   કલ્યાણ રાજ્યની કલ્પના હવે નામશેષ થઇ રહ્યાના સંકેત અપાય છે અને કોર્પોરેટ ક્ષેત્ર વધુ પ્રભાવી થતું લાગે છે. સરકારી તંત્રમાં રહીને વિશાળ પ્રમાણમાં સંસાધનો છતાં ખોટ કરનારા  જાહેર ક્ષેત્રના જે એકમો ખાનગી ક્ષેત્રને વેચી દેવાયા એ નફો કરતા થઇ જાય છે! વળી, નવાઈ તો એ વાતની છે કે કેટલાક જાહેર ક્ષેત્રના એકમો કાં તો નફો કરતા હોય અથવા તો નફાકારકતા હાંસલ કરવાની ક્ષમતા ધરાવતા હોય છતાં એમને “મળતિયાઓને પધરાવી દેવાની” વૃત્તિ-પ્રવૃત્તિ સવિશેષ જોવા મળે છે, સરકારી હિસાબોના ઓડિટને પગલે ઘણા કિસ્સામાં તો “કેગ” થકી પણ વાંધા અહેવાલ અપાયેલા છે.
રાષ્ટ્રીયકરણ વિ. વિનિવેશ
વર્ષ ૧૯૬૭માં રાજાજી-ભાઈકાકા-એચ.એમ.પટેલની સ્વતંત્ર પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ઉપસીને વડાંપ્રધાન શ્રીમતી ગાંધીને માટે મોટો પડકાર બની ત્યારે એમણે પછીનાં વર્ષોમાં ગરીબી હટાવોના નારા સાથે સ્વતંત્ર પક્ષના ટેકેદાર પૂર્વ રાજવીઓનાં સાલિયાણાં બંધ કરીને સરદાર પટેલે આપેલા વચનનો ભંગ કર્યો તથા બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. આવા નિર્ણયોમાં અર્થકારણને બદલે રાજકારણ વધુ મહત્વનું બની રહે છે. મૂળે જમણેરી પક્ષની છબી ધરાવતા ભારતીય જનતા પક્ષે ગરીબ કલ્યાણ મેળા યોજીને કે અન્ય ખેરાતો કરીને પોતાના માટે સત્તાની સીડી બરાબર ગોઠવી. પ્રજાની સેવા અને કલ્યાણ રાજ્યના વિચારને બદલે એમાં પણ રાજકીય લાભ ખાટવાની જ અપેક્ષા હતી. હવે સરકારની આર્થિક તિજોરી તળિયાંઝાટક હોવાને કારણે રિઝર્વ્ડ ફંડ અને જાહેર સાહસોને વેચીને નાણાં ઊભાં કરવાની વેતરણ કરાઈ રહી છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ પણ ૧૯૯૧ પછી વિનિવેશ થકી નાણાં ઊભાં કર્યાં પરંતુ વાજપેયી અને મોદી સરકાર થકી તો એ ઘણા મોટા પાયે ઊભાં કરાઈ રહ્યાં છે.વર્ષ ૧૯૯૧-૯૨થી લઈને વર્ષ ૨૦૧૭-૧૮ લગીના સરકારી આંકડા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રના એકમોના વિનિવેશ થકી રૂપિયા ૩,૪૭,૪૩૯ કરોડ ઊભા કરાયા છે. વિનિવેશ અંગેના ભારત સરકારના નાણાં મંત્રાલયના સત્તાવાર આંકડા કંઇક આવા  છે:
વર્ષ
સરકારી હિસ્સો વેચી મેળવાયેલી રકમ (રૂપિયા કરોડમાં)
ફૂગાવાને ગણતરીમાં લઈને કુલ આવક (રૂપિયા કરોડમાં) ૨૦૧૯માં રૂપિયા
૧૯૯૧-૯૨
૩,૦૩૭
૧૮,૭૪૩
૧૯૯૨-૯૩
૧,૯૧૨
૧૦,૯૨૬
૧૯૯૩-૯૪
૧૯૯૪-૯૫
૪,૮૪૩
૨૩,૨૭૧
૧૯૯૫-૯૬
૧૬૮
૭૩૫
૧૯૯૬-૯૭
૩૭૯
૧,૫૦૪
૧૯૯૭-૯૮
૯૧૦
૩,૩૯૭
૧૯૯૮-૯૯
૫,૩૭૧
૧૭,૩૮૬
૧૯૯૯-૨૦૦૦
૧,૮૬૦
૫,૯૯૩
૨૦૦૦-૦૧
૧,૮૭૧
૫,૮૨૫
૨૦૦૧ -૦૨
૫,૬૫૭
૧૬,૭૫૦
૨૦૦૨ -૦૩
૩,૩૪૭
૯,૬૩૪
૨૦૦૩-૦૪
૧૫,૫૪૭
૪૩,૦૦૬
૨૦૦૪-૦૫
૨,૭૬૪
 ૭,૩૬૭
૨૦૦૫-૦૬
૧,૫૬૯
૩,૯૬૧
૨૦૦૬-૦૭
૨૦૦૭-૦૮
૪,૧૮૧
૯,૩૯૨
૨૦૦૮-૦૯
૨૦૦૯-૧૦
૨૩,૫૫૨
૪૧,૯૪૮
૨૦૧૦-૧૧
૨૨,૧૪૪
૩૬,૦૨૯
૨૦૧૧-૧૨
૧૩,૮૯૪
૨૧,૨૨૯
૨૦૧૨-૧૩
૨૩,૯૫૬
૩૨,૯૨૫
૨૦૧૩-૧૪
૧૫,૮૧૯
૧૯,૯૮૭
૨૦૧૪-૧૫
૨૪,૩૪૮
૨૮,૯૬૭
૨૦૧૫-૧૬
૨૩,૯૯૬
૨૬,૮૫૧
૨૦૧૬-૧૭
૪૬,૨૪૭
૫૦,૬૨૦
૨૦૧૭-૧૮
૧,૦૦,૦૫૬
૧,૦૫,૩૦૩
૨૦૧૮-૧૯
 ૮૪,૯૭૨.૧૬
૮૪,૯૭૨

શંકાસ્પદ વિનિવેશ સોદા
સરકાર જયારે જાહેર સાહસોને વેચવા કાઢે કે એમાંના પોતાના અમુક હિસ્સાને વેચવાનો ઈરાદો જાહેર કરે ત્યારે એ સંદર્ભમાં રાજકીય આક્ષેપબાજી થવી સ્વાભાવિક છે. જોકે કેટલાક કિસ્સામાં પોતાના મળતિયાઓને અમુક એકમો કે હિસ્સેદારી પધરાવી દેવાના શાસકોના ઈરાદાઓની સીબીઆઇ તપાસ પણ થયેલી છે એટલે આવા સોદાઓ સાવ જ નિર્દોષ હોય એવું માનવાને કારણ નથી. સાથે જ જેમ મુંબઈની બંને સેન્ટૂર હોટેલોના ૨૦૦૦ના સોદાઓ અંગે ૨૦૦૮માં સીબીઆઇએ વાજપેયી સરકારને ક્લીન ચીટ આપ્યા પછી પણ કોંગ્રેસના નેતાઓ વર્ષ ૨૦૧૪માં પણ વડાપ્રધાન મોદી સમક્ષ આ બંને હોટેલોના ૧૪ વર્ષ પહેલાંના વિનિવેશ અંગે તપાસ નિયુક્ત કરવાની માંગણી કરતા રહ્યા છે. કોંગ્રેસના સાંસદ રહેલા સંજય નિરુપમે વડાપ્રધાન મોદીને પત્ર લખીને સપ્ટેમ્બર ૨૦૧૪માં ઉદયપુરની લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ અને બંને સેન્ટૂર હોટેલના સોદાની સીબીઆઇ થકી એફઆઈઆર નોંધીને કસીને તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. વિવાદાસ્પદ સોદામાં એ વેળાના વિનિવેશ મંત્રી અરુણ શૌરિ કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર હતા. જોકે માત્ર ૧૫૩ કરોડ રૂપિયામાં વેચાયેલી જુહૂ સેન્ટૂર પછીથી રૂપિયા ૧,૩૦૦ કરોડમાં વેચવા કાઢવામાં આવે ત્યારે શંકા ઉપજવી સ્વાભાવિક છે. વાજપેયી સરકારે આઇપીસીએલ, વીએસએનએલ, મોડર્ન ફૂડ્સ, બાલકો, મારુતિ સહિતની ઘણી જાહેર ક્ષેત્રની કંપનીઓને વેચી હતી અથવા એમના પોતાના હિસ્સાને વેચ્યો હતો. આનાથી વિપરીત, કેન્દ્રમાં ૧૯૯૭માં ચિદમ્બરમ નાણાં મંત્રી હતા ત્યારે તેમણે  નફો કરતાં નવરત્નો એટલે કે આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ, આઇપીસીએલ, વીએસએનએલ,  ભેલ, સેઇલ અને એનટીપીસીને ગ્લોબલ જાયન્ટ્સ જાહેર કર્યાં હતાં. ડાબેરીઓના પ્રભાવી વિરોધને પગલે ડૉ.મનમોહનસિંહની યુપીએ સરકારે વિનિવેશ પ્રક્રિયાને થંભાવી હતી. જોકે વૈશ્વિક સ્તરે ઉદારીકરણ અને ખાનગીકરણના પવનને પગલે વિનિવેશ પ્રક્રિયાને સાવ સ્થગિત કરવાનું અશક્ય હતું. વર્તમાન કેન્દ્ર સરકાર વાજપેયી સરકાર કરતાં પણ વધુ ઝડપે વિનિવેશ પ્રક્રિયાને આગળ ધપાવીને જાહેર એકમો ખાનગી ક્ષેત્રને પધરાવીને માત્ર માત્ર વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છુક હોવાની છાપ ઉપસાવે છે. જોકે એના વલણમાં વિરોધાભાસ પણ જોવા મળે છે, કારણ એ બીજીબાજુ નવા નવા જાહેર એકમો શરૂ કરે જ છે.અર્થતંત્રને જોશીલું બનાવવાની કવાયતમાં પ્રયોગો તો થતા રહેવાના. પરંતુ સરકારી ઘોષણાઓને આરપાર સમજવાની સવિશેષ જરૂર છે.
તિખારો
ઝૂંટી લ્યે રાજાનાં રાજ, તપસીનાં તાપ કરે અકાજ.
શ્રીવંત કેરા ધનને હરે, પંડિતની વિદ્યા ભક્ષ કરે;
જુવતીનાં જોબન હારે કાળ, તોહે અખા નહિ જાગે બાળ.
-     મહાકવિ અખો
(અર્થ: કાળ રાજાનાં રાજ ખૂંચવી લે છે, તપસ્વીનાં તપને નિરર્થક બનાવી દે છે, ધનવાનોનાં ધનને પડાવી લે છે, પંડિતની વિદ્યાનો નાશ કરે છે અને યુવાન સ્ત્રીની યુવાનીને હરી લે છે. આ બધું જોયા-જાણ્યા છતાં બાળક જેવા  અજ્ઞાની જીવની આંખ ખૂલતી નથી.)
ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૦)

No comments:

Post a Comment