The Punjab CM Killer who refused to seek Immunity

વટના કટકા સમો મુખ્યમંત્રીનો હત્યારો
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

વટના કટકા સમો મુખ્યમંત્રીનો હત્યારો
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
પંજાબના ખાલિસ્તાની ત્રાસવાદને નાથવામાં સફળ રહેલા કોંગ્રેસી મુખ્યમંત્રી બેઅંત સિંહને ૩૧ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ ચંડીગઢ સચિવાલયની બહાર જ “હ્યુમન બોમ્બ” થકી ઉડાવી દેવાના કાવતરામાં ફાંસીની સજા પામેલા બબ્બર ખાલસાના આતંકવાદી બલવંત સિંહ રાજોઆનાની સજા આજીવન કારાવાસમાં ફેરવી દેવાનો મુદ્દો આજકાલ પંજાબના રાજકારણને હચમચાવી રહ્યો છે. કેન્દ્ર સરકારે લોકસભામાં કહ્યું કે રાજોઆનાને કોઈ માફી અપાઈ નથી. “ઈશ્વરીય કામ” કરવા બદલ ગર્વ અનુભવતો ૫૨ (બાવન) વર્ષનો રાજોઆના અત્યારે પતિયાળા સેન્ટ્રલ જેલમાં જ છે. વટના કટકા જેવા આ હત્યારાએ દયા અરજી કરવાનો સાફ ઇનકાર કર્યા છતાં શીખ ધર્મગુરુઓના આદેશાનુસાર અકાલી દળના મુખ્યમંત્રી રહેલા પ્રકાશસિંહ બાદલ સહિતના અકાલી નેતાઓ અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ રહેલા અવતારસિંહ મક્કડે રાષ્ટ્રપતિ રહેલાં પ્રતિભાતાઈ પાટીલ સમક્ષ દયાઅરજી રજૂ કર્યાથી લઈને સતત ચાલુ રાખેલા આગ્રહને કારણે ભારત સરકારે સપ્ટેમ્બર ૨૦૧૯માં રાજોઆનાને ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી નાંખી છે. સાથે જ આતંકી ઘટનાઓમાં ટાડા હેઠળ જેલવાસ ભોગવી રહેલા ૮ શીખ કેદીઓને ગુરુ નાનક દેવના ૫૫૦મા પ્રકાશવર્ષની ઉજવણી નિમિત્તે છોડી મૂકવાનો નિર્ણય પણ કરાયો છે. મુખ્યમંત્રી બેઅંત સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખાલિસ્તાનવાદી આતંકવાદને નાથવાની જે કાર્યવાહી કરી એને એમના પક્ષના જ નહીં, તમામ વિપક્ષી નેતાઓ અને ભાજપની માતૃસંસ્થા આરએસએસ થકી પણ હોંશેહોંશે બિરદાવવામાં આવી હતી. એમને બીજા ૧૬ જણા સાથે આરડીએક્સના વિસ્ફોટથી ઉડાવી દેવાયા ત્યારે પણ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો.
અકાલી રાજકારણને ફાયદો
મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના કાવતરાની સીબીઆઇ તપાસને અંતે ચાલેલી અદાલતી કાર્યવાહીમાં પણ રાજોઆનાએ ગર્વભેર બેઅંત સિંહને ઉડાવી દેવાનું કામ કાર્યનું કબૂલ્યું હતું એટલું જ નહીં, એણે પોતાને વર્ષ ૨૦૦૭માં ફાંસીની સજા ફરમાવાઈ ત્યારે એની સામે અપીલ કરવાનો પણ સાફ નન્નો ભણ્યો હતો. ૩૧ માર્ચ ૨૦૧૨ના રોજ આ ‘સ્વમાની’ આતંકવાદીને ફાંસી આપવાની હતી, પરંતુ રાષ્ટ્રપતિ સમક્ષ શીખ આગેવાનોએ દયાની અરજી કરી એટલે એ અંગે કેન્દ્રનું ગૃહ મંત્રાલય નિર્ણય કરે ત્યાં લગી ફાંસીને મુલતવી રાખવામાં આવી હતી. પંજાબના વર્તમાન કોંગ્રેસી મુખ્યમંત્રી અને પતિયાળાના “મહારાજા” કેપ્ટન અમરિંદર સિંહ સ્પષ્ટતા કરે છે કે તેમના તરફથી રાજોઆનાને માફી આપવાની કોઈ દરખાસ્ત કેન્દ્રને કરાઈ નથી, છતાં બીજા જ શ્વાસે એ કહે પણ છે કે હું કોઈને મૃત્યુદંડ અપાય એનો વિરોધી છું. સ્વયં બેઅંત સિંહના પૌત્ર અને લુધિયાણાના કોંગ્રેસી સાંસદ રવનીત સિંહ બિટ્ટૂએ લોકસભામાં પંજાબના મુખ્યમંત્રી બેઅંત સિંહના હત્યારાને માફી અપાય એ સામે વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રી અમિત શાહે એક વાક્યની સ્પષ્ટતા કરી હતી કે મીડિયાના અહેવાલોથી દોરવાઓ નહીં, રાજોઆનાને કોઈ માફી અપાઈ નથી.સાંસદ રવનીત ઉપરાંત બેઅંત સિંહના બીજા પૌત્ર અને પંજાબમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુરકિરત સિંહ કોટલીએ તો ગયા ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકાર રાજોઆનાની ફાંસીને જનમટીપ ફેરવે એ સામે સર્વોચ્ચ અદાલતે જવાનું પણ જાહેર કર્યું હતું. જોકે રાજોઆના છેલ્લાં ૨૫ વર્ષથી જેલમાં છે અને એને આજીવન કારાવાસની સજા મંજૂર કરાઈ હોવાથી એ મૃત્યુ સુધી ભોગવવાની રહેશે કે એને પણ ૫૫૦માં પ્રકાશવર્ષમાં આટલી લાંબી સજા ભોગવી ચુક્યો હોવાથી છોડી મૂકાશે; એ હજુ સ્પષ્ટ નથી થતું. છેલ્લાં ૨૩ વર્ષથી પંજાબમાં અકાલી દળ અને ભાજપ મિત્રપક્ષ છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ૧૧૭ બેઠકોની ચૂંટણીમાં આક્રમક પ્રચાર છતાં અકાલી-ભાજપનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસ ભવ્ય બહુમતી સાથે વિજયી થતાં કેપ્ટન અમરિંદર મુખ્યમંત્રી બન્યા. દસ વર્ષના અકાલી-ભાજપ શાસનનો અંત આવ્યો એટલું જ નહીં, કોંગ્રેસને ૭૭ સામે અકાલી દળને  માંડ ૧૫ અને ભાજપને માત્ર ૩ બેઠકો મળી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીને ૨૦ બેઠકો સાથે વિપક્ષી નેતાપદ મળ્યું હતું. હવે અકાલી રાજકારણ ગુમાવેલી સાખ પાછી મેળવવા માટે ઉધામા મારે છે. રાજોઆના પ્રકરણ એનો જ હિસ્સો ગણવામાં આવે છે.
શહીદ-આતંકવાદીનું રાજકારણ
પંજાબમાં ખાલિસ્તાન ચળવળ જેના થકી બેપાંદડે થઇ એ જરનેલ સિંહ ભિંડરાંવાલેને હકીકતમાં તો રાજકીય લાભ માટે પેદા કરવાનું પાપ એ વેળાના કોંગ્રેસી મુખ્યમંત્રી અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલા ઝૈલસિંહ અને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું હતું. એ જ નિરંકુશ ભસ્માસુર થકી પવિત્ર સુવર્ણ મંદિરમાં અડીંગો જમાવાયો અને જૂન ૧૯૮૪માં વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ આતંકીઓને ખદેડવા લશ્કર મોકલવું પડ્યું. એ ઓપરેશન બ્લ્યુ-સ્ટારમાં ભિંડરાંવાલે તો માર્યો ગયો. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આના પ્રત્યાઘાતમાં જ ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ  જાન ગુમાવવો પડ્યો. શ્રીમતી ગાંધીની હત્યાને પગલે દિલ્હીમાં ૩,૦૦૦ કરતાં વધુ શીખોને રહેંસી નાંખવામાં આવ્યાની વાત આજે પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો મુદ્દો બને છે. ભિંડરાંવાલે સંત, શહીદ  કે આતંકી એ મુદ્દે બે મિત્રપક્ષો  અકાલી દળ અને ભાજપ વચ્ચે પણ મતભેદ રહ્યા. બાદલ સરકાર ખુલ્લેઆમ ભિંડરાંવાલેને શહીદ ગણાવતી રહી અને એ માટે સન્માન આપતી રહી. ભાજપની ભૂમિકા એ ઘટનાક્રમના મૂકપ્રેક્ષકની રહી છે. એણે એની હિંદુ મતબેંક ટકાવવા માટે વિરોધ કરવા ખાતર વિરોધ કરવાની ભૂમિકા સ્વીકારી હતી. પંજાબના રાજકારણમાં રાજોઆના પરિબળ પણ અકાલી-ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ અને લાભાલાભનો  મુદ્દો બની રહ્યો છે. સંયોગ તો જુઓ કે ઇન્દિરા ગાંધીની હત્યા પછી એમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. એ મે ૧૯૯૧ની ચૂંટણીમાં જીતીને વડાપ્રધાન થવામાં હતા ત્યાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી હુમલામાં હ્યુમન બોમ્બ થકી જ તેમને તમિળ ટાઇગર્સ થકી મોતને ઘાટ ઉતારાયા હતા. એ પછી ૧૯૯૫માં કોંગ્રેસના મુખ્યમંત્રી બેઅંત સિંહને પણ હ્યુમન બોમ્બ થકી જ ઉડાવી દેવાયા હતા. આતંકીઓ રાજકીય શાસકોને ઉડાવી દેવાના “દૈવી કામ” માટે કેટલા બ્રેઈનવોશ થયેલા હોય છે કે હ્યુમન બોમ્બ બનીને મોતને ભેટવામાં પણ ગૌરવ અનુભવે છે. અદાલતમાં સાબિત થયા મુજબ, જૂન ૧૯૯૫માં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઈ)નો જગતાર સિંહ દિલ્હી પહોંચ્યો  હતો. સૂર્યા હોટેલમાં નામચીન ગુનેગાર મનજીન્દર સિંહ અને રાજોઆનાએ મળીને “તાનાશાહ” બેઅંત સિંહનું કાસળ કાઢી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું.. બેઅંત સિંહને મારવા માટે તો પંજાબ પોલીસના અધિકારી દિલાવર સિંહ અને રાજોઆનાએ હ્યુમન બોમ્બ બનવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. બંનેએ  સિક્કો ઉછાળીને કોના ભાગે આ “પુણ્યકાર્ય” આવે છે એ નક્કી કર્યું. દિલાવરે આત્મઘાતી હુમલાખોર બનવાનું કબૂલ્યું અને એ જો નિષ્ફળ ગયો હોત તો રાજોઆના તો તૈયાર હતો જ. રાજોઆનાને છોડાવવાની સઘળી ઝુંબેશ પાછળ પંજાબના અકાલી-ભાજપ જોડાણની જાટ પ્રભાવિત રાજકીય પરિસ્થિતિ સાથે ખત્રી શીખ મત જોડાવાની કોશિશ હોવાની ચર્ચા છે.
શીખ-હિંદુ રાજકારણના ખેલ 
પંજાબમાં ૫૮ ટકા શીખ વસ્તી છે અને હિંદુઓ ૩૮.૫ ટકા જેટલા જ છે. જોકે અકાલી દળ અને કોંગ્રેસ વચ્ચેના રાજકારણમાં ભાજપ હિંદુ મતબેંક સાચવી લેવાની કોશિશમાં છે. સંઘ પરિવારનું સંગઠન “રાષ્ટ્રીય શીખ સંગત” શીખો અને હિંદુઓને નોખા લેખતું નથી, પરંતુ એના મિત્રપક્ષ અકાલીદળ અને એના પ્રભાવવાળી શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિને શીખો અને હિંદુઓ એક જ છે એવી સંઘ પરિવારની ભૂમિકા માન્ય નથી. બેઅંત સિંહની હત્યાને વખોડવામાં સંઘ પરિવાર મોખરે હતો. ત્રાસવાદીઓને છોડવા કે અફઝલ ગુરુને ફાંસી આપવામાં વિલંબના વિરોધમાં ભારે હોબાળો મચાવનાર ભાજપ અને મિત્ર સંગઠનો હવે કેન્દ્રની ભાજપ-અકાલી સહિતના પક્ષોની સરકારના આઠ શીખ ત્રાસવાદીઓને જેલમુક્ત કરવા ઉપરાંત રાજોઆનાની ફાંસીને આજીવન કારાવાસમાં તબદિલ કરવાના નિર્ણયને વધાવે છે! રાષ્ટ્રીય શીખ સંગતના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરચરણ સિંહે  કેન્દ્રના નિર્ણયને  બિરદાવ્યો છે. અકાલીદળે તો ગુરુ નાનક દેવના ૫૫૦મા વર્ષની ઉજવણી ટાણે રાજોઆનાની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાના કેન્દ્રના નિર્ણયનો વિરોધ કરીને પંજાબના વાતાવરણને બગાડવાનો પ્રયાસ નહીં કરવા આગ્રહ કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો શિવસેના પંજાબના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેશ બાતિશે કરી છે. એમણે ભાજપ પર આતંકવાદપીડિત હિંદુઓ ભણી આંખમીંચામણાં કરવાનો આક્ષેપ કરતાં કહ્યું છે કે “પંજાબમાં ૩૫,૦૦૦ હિંદુઓને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતર્યા હોવા છતાં ના તો એ શહીદોના પરિવારોની કોઈ ચિંતા કરાઈ છે કે  ના આટલી મોટી સંખ્યામાં હત્યાઓ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ છે.દસ વર્ષ ભાજપ પંજાબમાં અકાલી સાથે સરકાર ચલાવતો હતો અને કેન્દ્રમાં પણ છ વર્ષથી શાસન કરે છે છતાં આ દિવસ જોવાના આવ્યાં છે. રાજોઆનાની ફાંસીને આજીવન કારાવાસમાં ફેરવવાના સંકેત સારા જતાં નથી.” રાજકીય મજબૂરીઓ અને મતબેંકની લાહ્યમાં ઘણી વાર કેવા વિરોધાભાસ સર્જાય છે કે એક બાજુ સરકાર ત્રાસવાદને નાથવા માટે કાયદા કડક કરવાની દિશામાં કાર્યરત હોવાનું જણાવે છે અને બીજી બાજુ આતંકવાદીઓને છોડી મૂકવા કે ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી દેવાના નિર્ણય કરે છે. દેશની સંસદમાં એક બાજુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઠંડે કલેજે હત્યા કરનાર નથુરામ ગોડસેના મુદ્દે ઉહાપોહ મચાવાય છે ત્યારે રાજોઆનાનો મુદ્દો સૌની નજરમાંથી ઓઝલ રહે છે; પરંતુ પંજાબના રાજકારણમાં એ સૌથી વધુ ચકચાર જગાવી રહ્યો છે: મામલો ખાલિસ્તાનવાદી આતંકવાદને નાથવાનો સફળ પ્રયાસ કરનાર એક મુખ્યમંત્રીની છડેચોક હત્યા કરવાનો છે.
તિખારો
નિયમ છે પ્રકૃતિનો વ્યક્તિ વર્ચસ ખોઈ બેસે છે,
સિકંદર હો કે પોરસ એક દી પોરસ ખોઈ બેસે છે.
નવાઈ શી જો ધીરજ કોઈ માણસ ખોઈ બેસે છે,
કહે છે દેવ પણ સંકટમાં સાહસ ખોઈ બેસે છે.
-     અમૃત ‘ઘાયલ’
ઇ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૬ ડિસેમ્બર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર દૈનિકની રવિવારીય પૂર્તિ "ઉત્સવ" ૮ ડિસેમ્બર ૨૦૧૯ )

Comments

Archive