Wednesday 4 December 2019

The Disgraceful Experience in Maharashtra: An Indication of Downward Trend of BJP



મહારાષ્ટ્રમાં ફજેતી પછી ભાજપનાં વળતાં પાણીના સંકેત
ડૉ.હરિ દેસાઈ
·         દેશના ૩૦ મુખ્યમંત્રીઓમાં પોતીકા તો માત્ર ૧૨ જ અને સંઘ પરિવારના ગોત્રના રોકડા ૬ જ !
·         કેન્દ્રમાં સત્તા અને ૩૭૦ હટાવવાના મુદ્દાને ગજવ્યા  છતાં મહારાષ્ટ્ર – હરિયાણામાં બહુમતી નહીં
·         ગોવામાં ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૭+૪, ભાજપને ૧૩ મળ્યા છતાં ભાજપની સરકારો બની
·         માથે ઝારખંડ અને બિહારની ચૂંટણીઓ ઊભી હોવા છતાં નારાજ મિત્રપક્ષોના રચાતા નોખા ચોકા 
કર્ણાટકમાં મારીતોડીને પણ ભારતીય જનતા પક્ષની સરકાર બનાવી લેવાની મળતિયા રાજ્યપાલ વજુભાઈ વાળાના મેળાપીપણાથી કરાઈ તો ખરી, પણ મુખ્યમંત્રી થવાના થનગનભૂષણ યેદિયુરપ્પાની સરકાર રોકડા પાંચ દિવસમાં પડી. જનતાદળ (સેક્યુલર) અને કોંગ્રેસે મળીને કુમારસ્વામીના વડપણ હેઠળ નવી સરકાર બનાવી તો ખરી,પણ દિલ્હીની કમાલોએ અને યેદિયુરપ્પાની ઓફરોએ એને પણ પાડી અને પક્ષપલટા કરાવીને પોતાની સરકાર ફરી આરૂઢ કરી દીધી. હમણાં મહારાષ્ટ્રમાં રાજકીય ભવાઈ જોવા મળી. ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અંધારું ઓઢીને સરકાર તો બનાવી, પણ માત્ર ૮૦ કલાકમાં રાજીનામું આપીને શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ-કોંગ્રેસની સરકાર માટે માર્ગ મોકળો કરી આપવો પડ્યો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરકાર પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેના મિત્ર એવા મજબૂત મરાઠા નેતા શરદ પવારની કૃપાથી બની તો ખરી, પણ એ ક્યારે ખડી પડશે એની ચર્ચા અત્યારથી શરૂ થઇ ગઈ છે. જોકે આવતા દિવસોમાં ઝારખંડ જેવા આદિવાસી બહુલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પ્રતિકૂળ પરિણામોનાં એંધાણ આપતી હતી ત્યાં ઉદ્ધવના હનુમાન અને ગોવાના પ્રભારી સંજય રાઉતે ગોવામાં ચમત્કાર સર્જાવાની વાત કરીને સૌને ચોંકાવી દીધા છે. એકંદરે ભાજપનાં વળતાં પાણી થઇ રહ્યાના સંકેત મળી રહ્યા હોવાથી એના મિત્રપક્ષો પણ નોખા ચોકા કરીને લડવાની વેતરણમાં છે. કેન્દ્ર અને રાજ્યોમાં નવતર રાજકીય પ્રયોગો થકી ભાજપના વડપણ હેઠળની સરકારો હોવા ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કે રાષ્ટ્રવાદીના મજબૂત ગણાતા મોટાભાગના નેતાઓને યેનકેન પ્રકારેણ ભાજપમાં જોડીને વધુ પાંચ વર્ષ રાજ કરવાની  આદરવામાં આવેલી  કવાયતને આજના તબક્કે તો  ભારે ઝટકો લાગ્યો છે. અત્રે એ યાદ રહે કે દેશમાં અત્યારે જે ૩૦ મુખ્યમંત્રી છે એમાંના માત્ર ૧૨ જ ભાજપના છે. એમાંના પણ કેટલાક તો કોંગ્રેસ, અહોમ ગણ પરિષદ કે અન્ય પક્ષોમાંથી ઓચિંતા પલટી મારીને ભાજપમાં જોડાયેલા છે. મહારાષ્ટ્રનો વર્તમાન ઘટનાક્રમ કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી ભાજપમાં ગયેલાઓને સ્વગૃહે પાછા ફરવાની દિશામાં વળવા પ્રેરી શકે છે. મૂળ કાટ્યાચ્યા વાડીના શરદ પવાર વર્ષ ૧૯૬૭માં પહેલીવાર બારામતીના ધારાસભ્ય ચૂંટાઈને મુંબઈ મહાનગરના મહાપ્રવાહો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં ક્યારેક સામે પૂર તરીને પણ કાઠું કાઢી અશક્યને શક્ય બનાવવા માટે જાણીતા હોવાથી તેમના વડપણ હેઠળ હવે રાજકીય પ્રવાહોનું વલણ બદલાય તો બહુ આશ્ચર્ય નહીં થાય.
સંઘ પરિવારના તો માત્ર છ જ
ક્યારેક દેશભરમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યાનો દાવો કરનાર પક્ષની સરકારો અને એના મુખ્યમંત્રીઓનો અમે વિગતે અભ્યાસ કર્યો. જાણ્યું કે દેશમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને પુડુચેરી સહિત કુલ ૩૦ રાજ્યોમાં વિધાનસભાઓ છે. જમ્મૂ-કાશ્મીર તો બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચાઇ ગયું છે એટલે એ પાછું મૂળ સ્વરૂપે રાજ્ય બને અને એની વિધાનસભા ચૂંટણી થાય ત્યારે એ ઉમેરાય.દેશનાં જે રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે તેમાં ૧.અરુણાચલ પ્રદેશ (પેમા ખાંડૂ), ૨. ગોવા (પ્રમોદ સાવંત), ૩. ગુજરાત (વિજય રૂપાણી), ૪. મનોહરલાલ ખટ્ટર(હરિયાણા), ૫. હિમાચલ પ્રદેશ (જયરામ ઠાકુર), ૬. રઘુબર દાસ (ઝારખંડ), ૭. કર્ણાટક (બી.એસ.યેદિયુરપ્પા), ૮. મણિપુર (એન.બીરેન સિંહ), ૯. ત્રિપુરા (બિપ્લબ કુમાર દેબ), ૧૦. ઉત્તર પ્રદેશ (યોગી આદિત્યનાથ) ૧૧. ઉત્તરાખંડ (ત્રિવેન્દ્ર સિંહ રાવત) અને ૧૨.આસામ( સર્બાનંદ સોનોવાલ).
કોનું કયું ગોત્ર રહ્યું
હવે આ ૧૨ ભાજપી મુખ્યમંત્રીઓનાં ગોત્રની અમે ચકાસણી કરી તો એમાંના માત્ર ૬ (છ) જ એવા છે જેમનાં મૂળ સંઘ પરિવારમાં છે. એટલેકે દેશભરમાં ૩૦ માંથી માત્ર ૬ મુખ્યમંત્રી જ ભાજપની માતૃસંસ્થા અથવા એનાં સહોદર સંગઠનો સાથે વિચારધારાની રીતે સંકળાયેલા હોવાનું માલુમ પડે છે. બાકીના છ તો આયાતી મુખ્યમંત્રીઓ છે. અરુણાચલ પ્રદેશના ભાજપી મુખ્યમંત્રી ખાંડૂ તો પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશના અને હજુ હમણાં સાગમટે પક્ષાંતર કરીને ભાજપમાં આવ્યા એ પૂર્વે  કોંગ્રેસમાં હતા. ગોવાના પ્રમોદ સાવંત મૂળ ભાજપના જ યુવા જનતાના કાર્યકર. મનોહર પર્રિકરના નિધન પછી સાવંતનો વારો આવ્યો. ગત ચૂંટણીમાં ૪૦ની વિધાનસભામાં ભાજપને માત્ર ૧૩ બેઠકો અને કોંગ્રેસને ૧૭ બેઠકો મળ્યા છતાં પક્ષાંતર થકી આજે વિપક્ષી મોરચામાં માત્ર ૧૦ છે અને સત્તા મોરચામાં ૩૦ છે. ગુજરાતમાં ૧૮૨ની વિધાનસભામાં ૧૫૦પ્લસ બેઠકો મેળવવાના લક્ષ સાથે ડિસેમ્બર ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને માત્ર ૯૯ મળી હતી. પક્ષપલટા અને ચાર કલાકમાં મંત્રીપદ આપવાના અનોખા ખેલ છતાં આજે ભાજપ કને માત્ર ૧૦૩ જ છે. હજુ હમણાં જે છ બેઠકોની પેટા ચૂંટણી થઇ એમાં ત્રણ બેઠકો ભાજપ હારી ગયો હતો. મુખ્યમંત્રી રૂપાણી મૂળે સંઘ પરિવારના અભાવિપના.હરિયાણામાં મૂળ પંજાબી એવા સંઘના પ્રચારક મનોહરલાલ ખટ્ટર તાજેતરની ચૂંટણી પછી ફરીને મુખ્યમંત્રી બન્યા તો ખરા,પણ ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળતાં ચૂંટણી પ્રચારમાં જે દેવીલાલ અને ચૌટાલા પરિવારને ભ્રષ્ટાચારી કહેતા હતા એની સાથે જ સમજૂતી કરીને સરકાર બનાવવી પડી.હિમાચલમાં જયરામ ઠાકુર મૂળ સંઘ પરિવારના અને અભાવિપના જ.ઝારખંડના મુખ્યમંત્રી દાસ આદિવાસી બહુલ રાજ્યના બિન-આદિવાસી મુખ્યમંત્રી, પણ મૂળ સંઘ-ભાજપના જ. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા મૂળ સંઘ પરિવારના ખરા, પણ ભાજપ છોડીને કર્ણાટક જનતા પક્ષનો અલગ ચોકો રચીને પક્ષમાં પાછા ફરેલા. મણિપુરના બીરેન સિંહ કોંગ્રેસમાંથી આવ્યા.એ પહેલાં તેઓ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટીમાં હતા.ત્રિપુરા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી અનુક્રમે દેબ અને રાવત સંઘ પરિવારના. રાવત તો પ્રચારક હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી મૂળે ભાજપ સામે લડનારા હિંદુવાદી ખરા. રામજન્મભૂમિ આંદોલનમાં સક્રિય. મૂળે એમની હિંદુ યુવા વાહિની ભાજપના ઉમેદવારોને પણ ખત્તાં ખવડાવતી. એમને મોવડીમંડળે નાછૂટકે મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે. આસામના સોનોવાલ તો મૂળે અહોમ ગણ પરિષદ (એજીપી)ના અને ભાજપમાં જોડાઈને કેન્દ્રમાં મે ૨૦૧૪માં મંત્રી બન્યા. એ પછી ભાજપ, એજીપી અને બીજા પ્રાદેશિક પક્ષોની સરકારના મુખ્યમંત્રી બન્યા. એમની સરકાર દિશપુરમાં સ્થપાઈ એ પહેલાં સતત ૧૫ વર્ષ સુધી કોંગ્રેસના તરુણ ગોગોઈ મુખ્યમંત્રી હતા. ગોગોઈ સરકારમાંના હેમંત બિસ્વા સરમા કોંગ્રેસમાં હતા ત્યાં લગી ભાજપના નેતાઓ એમને સૌથી ભ્રષ્ટ નેતા લેખાવતા હતા, પણ એ ભાજપમાં જોડાયા એટલે ઇશાન ભારતનાં તમામ રાજ્યો(સેવન સિસ્ટર્સ એન્ડ વન બ્રધર-સિક્કિમ)માં  તેઓ ભાજપના માનવંતા પ્રભારી બનીને યેનકેન પ્રકારેણ અન્ય પક્ષોમાંથી નેતાઓને ભાજપ કે એનડીએમાં જોડી ઇશાન ભારતને કોંગ્રેસમુક્ત કરવામાં મોવડીમંડળના આંખકાન બન્યા. એ પાછા આસામ સરકારમાં મંત્રી તો છે જ.
મહારાષ્ટ્ર હવે ટર્નિંગ પોઈન્ટ
વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપના વડપણવાળી સરકાર આરૂઢ થયા પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના બંને પક્ષ અલગ અલગ લડ્યા હતા. ૨૮૮ બેઠકોના ગૃહમાં ભાજપને માત્ર ૧૨૨ બેઠકો જ મળી હતી. આ વખતે સેના સાથે યુતિ કરીને લડ્યા છતાં ભાજપને માત્ર ૧૦૫ બેઠકો જ મળી. ૨૦૧૪માં ભાજપને સરકાર બનાવવા માટે પૂરતી બહુમતી નહોતી એ વેળા પવારના પક્ષના વ્યૂહાત્મક સમર્થન સાથે ફડણવીસ સરકાર બની ત્યાર પછી સેના એમાં સામેલ થઇ હતી.આ વખતે શિવસેના પોતાના મુખ્યમંત્રી બાબતે મક્કમ રહી અને પવારના કારણે કજોડા જેવી આઘાડી શક્ય બની, પણ ભાજપના ઘમંડને તોડવામાં એણે સફળતા મળી. વળી, ઠાકરે પરિવારે  પહેલીવાર ચૂંટણી લડવામાં ઉમેદવારી કરી એટલું જ નહીં, ૨૦ વર્ષના અંતરાળ પછી શિવસેનાને મુખ્યમંત્રીપદ મળ્યું અને એ પણ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેને. માર્ચ ૧૯૯૫માં શિવસેના-ભાજપની પહેલી સરકારમાં સેનાના મનોહરપંત જોશી મુખ્યમંત્રી હતા. એ પછી શિવસેનાના જ નારાયણ રાણે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે ૧૯૯૯ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર બની. એણે ૧૫ વર્ષ રાજ કર્યું. એ દરમિયાન શિવસેનાના છગન ભુજબળ અને નારાયણ રાણે જેવા ઘણા નેતા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાયા. નવેમ્બર ૨૦૧૨માં બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું ત્યાં લગી પવાર અને ઠાકરેની મૈત્રી અકબંધ રહી. પવાર પોતાની રાજકીય આત્મકથા “ઓન માય ટર્મ્સ”માં નોંધે છે: “બાળાસાહેબ ઠાકરે સારા મિત્ર અને મારા એટલાજ સારા વિરોધી પણ.” બંને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે ૧૯૮૨માં શિવતીર્થ પરના મેળાવામાં મંચ પર હતા એ આજે ય યાદ કરાય છે. પવાર અનેકવાર મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મંત્રી પણ થયા. ૧૯૭૮માં વસંતદાદા સરકાર તોડીને જનસંઘ, સંસ્થા કોંગ્રેસી, શેકાપ અને સમાજવાદીઓને સાથે લઈને સરકાર રચી ભાજપના પૂર્વાશ્રમીઓ ઉત્તમરાવ પાટીલ, હસુ આડવાણી સહિતનાને સત્તાનો સ્વાદ શરદ પવારે જ ચખાડ્યો હતો. ભલભલા લોકો પવારને રાજકીય ગુરુ માને છે. ભારતીય રાજકારણના ખરા અર્થમાં ડોક્ટર એવા ડૉ.શરદ પવાર (સરદાર પટેલ કે પવારને માનદ ડોકટરેટની અનેક પદવી મળ્યા છતાં એ આજકાલના માનદ પદવીધારીઓની જેમ ડૉ.નું છોગું લગાડતા નથી) આવતા દિવસોમાં બિન-ભાજપી વિપક્ષી મોરચા માટે આશાનું કિરણ જરૂર છે. મહારાષ્ટ્રમાં એમણે ભાજપી મોરચાની શસ્ત્રક્રિયા કર્યાં પછી હવે એ અન્ય રાજ્યોમાં ભાજપ અને મિત્રપક્ષોની સરકારોની શસ્ત્રક્રિયા કેમ કરી શકાય એ તરફ વળશે. ગોવા, કર્ણાટક અને ઇશાન ભારતનાં રાજ્યોનો વારો કાઢશે. આવતીકાલોમાં અસલી ચાણક્ય અને ચંદ્રગુપ્ત કોણ એની કવાયતો તીરે ઊભા રહીને જોનારાઓ માટે તો મજેદાર ખેલ બની રહેવાની છે.
-મેઈલ: haridesai@gmail.com          (લખ્યા તારીખ: ૨૯ નવેમ્બર ૨૦૧૯)

No comments:

Post a Comment