Sunday 1 December 2019

Masterstroke of Sharad Pawar, a friend of all

સર્વમિત્ર શરદરાવની સોગઠી
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         બાળાસાહેબ-પવાર “મજાના મિત્ર,મજાના વિરોધી”
·         ઉદ્ધવ ઠાકરેનું અનોખું  સર્વસમાવેશક સત્તારોહણ
·         દેશના બેફામ રાજકારણને માથે લગામનો પ્રયોગ
રાષ્ટ્રીય અને રાજ્યોમાં રાજકીય રીતે અવનવાં જોડાણો અને મિશ્ર સરકારોના કટુ-મધુર પ્રયોગો થતા રહ્યા છે. એ જ શ્રેણીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના વડપણ હેઠળની નવગઠિત શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડી સરકારનો સમાવેશ કરી શકાય.અગાઉના અનુભવોને આધારે આ સરકારના બાળમરણની કાળોતરીઓ અત્યારથી લખનારાઓનો તોટો નથી. જોકે સરકારના ગઠનના સૂત્રધાર અને મજબૂત મરાઠા નેતા શરદ ગોવિંદરાવ પવારના દીર્ઘ રાજકીય અનુભવ અને સર્વમિત્ર તરીકેની છબીને જોતાં ૧૯૬૭ની સંયુક્ત વિધાયક દળ (સંવિદ)ની સરકારો અને ૧૯૭૭ની જનતા પાર્ટીની સરકારના બાળમરણ સામે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સતત ૧૫ વર્ષ  રાજ કરનારી અને કેન્દ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સહિતના મિત્રપક્ષોની સતત ૧૦ વર્ષ રાજ કરનારી સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)ની સરકારનાં ઉદાહરણ પણ આપણી સામે છે. છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા જેવા ઉપક્રમને અંતે મહારાષ્ટ્રમાં ૨૮ નવેમ્બરે શિવતીર્થ (શિવાજી પાર્ક) પર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ-કોંગ્રેસના મંત્રીઓને એ જ રાજ્યપાલ કોશિયારીએ વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં શપથ લેવડાવ્યા જેમણે હજુ ૨૨ નવેમ્બરે અંધારું ઓઢીને રાજભવનમાં વહેલી સવારે ૮૦ કલાકના ભાજપી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રવાદીના નાયબ મુખ્યમંત્રી અજિતદાદા પવારને ગુપચૂપ શપથ લેવડાવ્યા હતા! કેન્દ્ર અને રાજ્યોમાં નવતર રાજકીય પ્રયોગો થકી ભાજપના વડપણ હેઠળની સરકારો હોવા ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કે રાષ્ટ્રવાદીના મજબૂત ગણાતા મોટાભાગના નેતાઓને યેનકેન પ્રકારેણ ભાજપમાં જોડીને વધુ પાંચ વર્ષ રાજ કરવાની  આદરવામાં આવેલી  કવાયતને આજના તબક્કે તો  ભારે ઝટકો લાગ્યો છે. અત્રે એ યાદ રહે કે દેશમાં અત્યારે જે ૩૦ મુખ્યમંત્રી છે એમાંના માત્ર ૧૨ જ ભાજપના છે. એમાંના પણ કેટલાક તો કોંગ્રેસ, અહોમ ગણ પરિષદ કે અન્ય પક્ષોમાંથી ઓચિંતા પલટી મારીને ભાજપમાં જોડાયેલા છે. મહારાષ્ટ્રનો વર્તમાન ઘટનાક્રમ કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી ભાજપમાં ગયેલાઓને સ્વગૃહે પાછા ફરવાની દિશામાં વળવા પ્રેરી શકે છે. મૂળ કાટ્યાચ્યા વાડીના શરદ પવાર વર્ષ ૧૯૬૭માં પહેલીવાર બારામતીના ધારાસભ્ય ચૂંટાઈને મુંબઈ મહાનગરના મહાપ્રવાહો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં ક્યારેક સામે પૂર તરીને પણ કાઠું કાઢી અશક્યને શક્ય બનાવવા માટે જાણીતા હોવાથી તેમના વડપણ હેઠળ હવે રાજકીય પ્રવાહોનું વલણ બદલાય તો બહુ આશ્ચર્ય નહીં થાય.
શિવશાહી શાસનનો આરંભ
છત્રપતિ શિવાજી મહારાજ એ મહારાષ્ટ્રની જનતાનું આસ્થાસ્થાન. “અગર શિવાજી ના હોતે તો સબ કી સુન્નત હોતી” જેવાં સૂત્રો ગજવીને શિવાજી મહારાજને હિંદુઓના જ ઉદ્ધારક અને મુસ્લિમોના શત્રુ દર્શાવવાના બાલિશ રાજકીય પ્રયોગો હાથ ધરનારાઓ શિવાજી મહારાજના વ્યક્તિત્વને મલીન કરતા વધુ જણાય છે. છત્રપતિ શિવરાય તો આદર્શ અને સર્વસમાવેશક રાજવી તરીકે પ્રજાના કલ્યાણના જ આગ્રહી હતા. એમણે રચેલું અષ્ટપ્રધાનમંડળ અને તેમની શાસન વ્યવસ્થા આજેય આદર્શ લેખવામાં આવે છે. ધાર્મિક ભેદભાવ કર્યા વિના એમનો વહીવટ ચાલતો હતો.એમના વફાદાર સરદારોમાં મુસ્લિમો ઘણા હતા. શિવરાયના નૌકાદળના વડા તરીકે એક મુસ્લિમ સરદાર  હોવા ઉપરાંત મુઘલ પ્રતિનિધિ અફઝલ ખાનને મળવા માટે શિવાજી જઈ રહ્યા હતા ત્યારે એમને મારી નાંખવાનું આ કાવતરું હોવાનું કહી ચેતવનાર પણ એમનો મુસ્લિમ સરદાર હતો. એ જ મુસ્લિમ સરદારની સલાહને અનુસરીને મહારાજ વાઘનખ પહેરી ગયા અને અફઝલ ખાને એમને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે એને ચીરી નાંખ્યો હતો. એ વેળા શિવાજીને મારવાનો પ્રયાસ કરનાર અફઝાક ખાન સાથે આવેલો એનો સરદાર કુલકર્ણી (હિંદુ) હતો. મુખ્યમંત્રી ઉદ્ધવે પહેલી કેબિનેટ બેઠક  યોજી એમાં પોતાના છ પ્રધાનો ઉપરાંત અગાઉના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર  અને ધારાસભ્ય-પુત્ર આદિત્ય ઠાકરેને પણ હાજર રાખ્યા. છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢના સંવર્ધન માટે ૨૦ કરોડ રૂપિયાની ફાળવણી એ કેબિનેટનો પ્રથમ નિર્ણય હતો. બાકી તો સરકાર પોતાની આઘાડીના ન્યૂનતમ કાર્યક્રમ મુજબ કામ કરશે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસને આ કાર્યક્રમમાં વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રનો સમાવેશ નહીં કરાયાની ટીકા કરી તો ખરી,પણ આ વિસ્તારો મહારાષ્ટ્રનો જ ભાગ હોવાનું એ કદાચ વિસરી ગયા લાગે છે. શિવરાયને આદર્શ માનીને ઠાકરે સરકાર કામ કરવા પ્રતિબદ્ધ હોવાનું જાહેર કરાયું છે. અપેક્ષા એ છે કે ત્રણેય મુખ્ય પક્ષોને સાથે બેસાડીને પ્રત્યેક મુદ્દે સમજૂતી કરાવનાર ૮૦ વર્ષના પવારના માર્ગદર્શનમાં મહારાષ્ટ્ર સરકાર સુપેરે કામ કરે એવું માનવા પ્રેરાવું પડે છે. એણે તૈયાર કરેલા સામાન્ય ન્યૂનતમ કાર્યક્રમ (કોમન મિનિમમ પ્રોગ્રેમ)નો અમલ સારી રીતે થાય અને વ્યક્તિત્વોનો ટકરાવ યોગ્ય સમયે ઉકેલાઈ જાય તો રાજ્યમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે મળીને સતત ૧૯૯૯થી ૨૦૧૪ લગી રાજ કર્યું એમ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર લાંબુ શાસન કરી શકે.
હનુમાનસંજય અને સુપ્રિયા
વિધાનસભાની તાજી ચૂંટણીનાં પરિણામો તો ૨૪ ઓક્ટોબરે આવી ગયાં હતાં. ભાજપ અને શિવસેનાની મહાયુતિને પ્રજાનો જનાદેશ મળ્યો હતો છતાં મુખ્યમંત્રીપદ માટે ભાજપ સાથેની સમજૂતી થયાનું પાલન મિત્રપક્ષ નહીં કરતો હોવાની વાતે આ યુતિ તૂટી. મિત્રો જયારે વિરોધી બને ત્યારે કેવી કાદવઉછાળ થાય એનાં વરવાં દ્રશ્યો આ સમયગાળામાં જોવા મળ્યાં. બીજીવાર ૮૦ કલાકના મુખ્યમંત્રી રહ્યા છતાં અજિત પવાર પોતાના કાકા શરદ પવાર કને પાછા ફરતાં ફડણવીસે રાજીનામું આપ્યું હતું અને નવી ઠાકરે સરકારનો  શિવતીર્થ પર શપથગ્રહણ સમારંભ યોજાયો ત્યારે ફડણવીસ સહિતના ભાજપી નેતાઓ ઉપસ્થિત પણ રહ્યા. તળપદીમાં કહેવત છે એ મુજબ “મર્યા માર્યાના રાસડાં” જેવા મહિના જેટલા લાંબા ચાલેલા આ મહારાજકીય ખેલમાં  શિવસેનાના સાંસદ તથા  “સામના”ના કાર્યકારી તંત્રી સંજય રાઉત અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં સાંસદ તથા શરદ પવારનાં પુત્રી  સુપ્રિયા સુળેની ભૂમિકાને અનુક્રમે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના હનુમાનની ભૂમિકા માટે યશભાગી ગણવાં પડે. સમગ્ર ઘટનાક્રમ ત્રિકોણીય હતો. પવારની ગુડવિલ અને અંગત તેમ જ  પારિવારિક સંબંધો થકી જ આ શક્ય બન્યું. પવાર પરિવારમાં ફાટફૂટ ટાળવાનું પણ શક્ય થયું. શરદરાવ અત્યારે પરિવારના મોભી છે. એમના ૧૧ સગાં ભાઈ-બહેનોના પરિવારમાં ભત્રીજા અજિત પવારના ભાજપ સાથે જવાના કારણે પડેલી ફૂટ ઘરવાપસીથી  પુનઃ સંધાઈ ગઈ. ભાજપના કુલ 105 ધારાસભ્યોમાંથી અડધોઅડધ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી અને શિવસેનામાંથી આવેલા છે.  ઠાકરે પરિવાર અને પવાર પરિવાર વચ્ચે દાયકાઓ જૂના સંબંધ રહ્યા છે. પવાર અને શિવસેના પ્રમુખ બાળ ઠાકરે અંગત મિત્રો હોવા ઉપરાંત બાળાસાહેબના ભાણેજ (બહેનના દીકરા) સાથે પવારપુત્રી સુપ્રિયાનાં લગ્ન થયેલાં છે. પવારનાં માતાપિતા બંને મૂળે શેતકરી કામગાર પક્ષનાં સમર્થક હોવા છતાં પૂણેમાં બી.કોમ. કરવા ગયેલા શરદ પવાર કોંગ્રેસના રંગે રંગાયા અને યશવંતરાવ ચવ્હાણના કારણે એમને રાજકારણમાં પ્રોત્સાહન મળ્યું.તેમને ચવ્હાણના માનસપુત્ર પણ ગણવામાં આવે છે.
મુસ્લિમો, ઉદ્યોગગૃહો અને બોલિવુડ
ઘણાને આજકાલ શિવસેનાના હિંદુત્વનું શું થશે એની ચિતા થવા માંડી છે. એ વિસરી જાય છે કે સેનાનો જન્મ ૧૯૬૬માં થયો ત્યારે ગિરણગાંવમાંના કમ્યૂનિસ્ટોના પ્રભાવને ખાળવા માટે મહારાષ્ટ્રની કોંગ્રેસી વસંતરાવ નાઇકની સરકારના ગૃહ મંત્રી બાળાસાહેબ દેસાઈએ જ એની રચના કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઠાકરેની સેના વસંતસેના ગણાતી હતી. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન હતાં ત્યારે પણ  “માતોશ્રી”ની મુલાકાત લેતાં હતાં. ઈમરજન્સીને પણ ઠાકરેનો ટેકો હતો. એટલે શિવસેના તો મરાઠી માણૂસના હિત માટે પેદા કરાઈ હતી એણે છેક ૧૯૮૪માં ભાજપ સાથે ઘર માંડ્યું હતું. અત્યાર લગી ભાજપ સાથે સત્તામાં હોય તો પણ એ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવતી રહી છે. ભાજપ સાથેના એના જોડાણ પછી પણ જી.એમ.બનાતવાલાના મુસ્લિમ લીગ અને હાજી મસ્તાનના દલિત-માઈનોરિટી પક્ષ સાથે શિવસેનાનું સંવનન ચાલુ જ હતું. વળી ભાજપ સાથે ૧૯૯૫માં એણે સરકાર બનાવી ત્યારે ભાજપમાં તો કોઈ મુસ્લિમ ધારાસભ્ય નહોતો પણ શિવસેનાએ એના મુસ્લિમ ધારાસભ્યને કેબિનેટ મંત્રી બનાવ્યો હતો. આ વખતે પણ શિવસેનામાં મુસ્લિમ ધારાસભ્ય છે.એટલે મુસ્લિમો સાથેના એના સંવનનની ચિંતા કરનારાઓએ દુઃખી થવાની જરૂર નથી. ધર્મનિરપેક્ષ કે સેક્યુલરનો અર્થ સર્વે ધર્મો પ્રત્યે સમભાવ રાખવાનો થાય એનું અનુપાલન કરવાનો સેના સંકલ્પ કરે ત્યારે કોઈને કઠવાની જરૂર નથી.રહી વાત ઉદ્યોગગૃહોની તો રિલાયન્સના મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સપરિવાર શપથવિધિમાં હાજર રહે એટલું જ નહીં, ઉદ્યોગગૃહો સાથે ત્રણેય પક્ષોના મધુર સંબંધ હોય ત્યારે કોર્પોરેટ સેકટરે ચિતા કરવાની જરૂર નહીં હોવાનું સ્પષ્ટ છે. અમિતાભ બચ્ચન સહિતનું બોલિવુડ પણ ઠાકરે પરિવાર સાથે છે. પવારના પણ સંબંધો છે. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી અને શિવસેના મળીને મહારાષ્ટ્રમાં શાસન કરે ત્યારે દેશની આર્થિક રાજધાની પર એનો ડંકો વાગે છે એટલું જ નહીં દેશમાં સૌથી વધુ સહકારી સાખર કારખાનાં પણ આ રાજ્યમાં હોવાથી અને ભાજપની માતૃસંસ્થા આરએસએસનું મુખ્યાલય પણ અહીં નાગપુરમાં હોવાથી આઘાડીનું મહાત્મ્ય વધે છે.સાથે જ ભાજપના વડપણ હેઠળ મજબૂત વિપક્ષ હોય ત્યારે સરકારને જાગતી રાખવાનું કામ કરીને સતત પ્રજાલક્ષી કામો કરવા પ્રેરશે.
ભાજપનાં વળતાં પાણીનો નજારો
વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપના વડપણવાળી સરકાર આરૂઢ થયા પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના બંને પક્ષ અલગ અલગ લડ્યા હતા. ૨૮૮ બેઠકોના ગૃહમાં ભાજપને માત્ર ૧૨૨ બેઠકો જ મળી હતી. આ વખતે સેના સાથે યુતિ કરીને લડ્યા છતાં માત્ર ૧૦૫ બેઠકો જ મળી. ૨૦૧૪માં ભાજપને સરકાર બનાવવા માટે પૂરતી બહુમતી નહોતી એ વેળા પવારના પક્ષના વ્યૂહાત્મક સમર્થન સાથે ફડણવીસ સરકાર બની ત્યાર પછી સેના એમાં સામેલ થઇ હતી.આ વખતે શિવસેના પોતાના મુખ્યમંત્રી બાબતે મક્કમ રહી અને પવારના કારણે કજોડા જેવી આઘાડી શક્ય બની, પણ ભાજપના ઘમંડને તોડવામાં એણે સફળતા મળી એટલું જ નહીં ઠાકરે પરિવારે  પહેલીવાર ચૂંટણી લડવામાં ઉમેદવારી કરી એટલું જ નહીં, ૨૦ વર્ષના અંતરાળ પછી શિવસેનાને મુખ્યમંત્રીપદ મળ્યું અને એ પણ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેને. માર્ચ ૧૯૯૫માં શિવસેના-ભાજપની પહેલી સરકારમાં સેનાના મનોહરપંત જોશી મુખ્યમંત્રી હતા. એ પછી શિવસેનાના જ નારાયણ રાણે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે ૧૯૯૯ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર બની. એણે ૧૫ વર્ષ રાજ કર્યું. એ દરમિયાન શિવસેનાના છગન ભુજબળ અને નારાયણ રાણે જેવા ઘણા નેતા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાયા. નવેમ્બર ૨૦૧૨માં બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું ત્યાં લગી પવાર અને ઠાકરેની મૈત્રી અકબંધ રહી. પવાર પોતાની રાજકીય આત્મકથા “ઓન માય ટર્મ્સ”માં નોંધે છે: “બાળાસાહેબ ઠાકરે સારા મિત્ર અને મારા એટલાજ સારા વિરોધી પણ.” બંને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે ૧૯૮૨માં શિવતીર્થ પરના મેળાવામાં મંચ પર હતા એ આજે ય યાદ કરાય છે. પવાર અનેકવાર મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મંત્રી પણ થયા. ૧૯૭૮માં વસંતદાદા સરકાર તોડીને જનસંઘ, સંસ્થા કોંગ્રેસી, શેકાપ અને સમાજવાદીઓને સાથે લઈને સરકાર રચી ભાજપના પૂર્વાશ્રમીઓ ઉત્તમરાવ પાટીલ, હસુ આડવાણી સહિતનાને સત્તાનો સ્વાદ શરદ પવારે જ ચખાડ્યો હતો. ભલભલા પવારને રાજકીય ગુરુ માને છે. ભારતીય રાજકારણના ખરા અર્થમાં ડોક્ટર એવા ડૉ.શરદ પવાર (સરદાર પટેલ કે પવારને માનદ ડોકટરેટની અનેક પદવી મળ્યા છતાં એ આજકાલના માનદ પદવીધારીઓની જેમ ડૉ.નું છોગું લગાડતા નથી) આવતા દિવસોમાં બિન-ભાજપી વિપક્ષી મોરચા માટે આશાનું કિરણ જરૂર છે. મહારાષ્ટ્રમાં એમણે ભાજપી મોરચાની શસ્ત્રક્રિયા કર્યાં પછી હવે એ અન્ય રાજ્યોમાં ભાજપ અને મિત્રપક્ષોની સરકારોની શસ્ત્રક્રિયા કેમ કરી શકાય એ તરફ વળશે. આવતીકાલોમાં અસલી ચાણક્ય અને ચંદ્રગુપ્ત કોણ એની કવાયતો તીરે ઊભા રહીને જોનારાઓ માટે તો મજેદાર ખેલ બની રહેવાની છે.
તિખારો
ક્યારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય;
હાલત અમારે જોઇને બીજા  ય વ્યાકુળ થાય,
પર્વત ઢળી પડે અને સાગર ઊભા થાય.
-     ગની દહીંવાળા  
-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૯ નવેમ્બર ૨૦૧૯ પ્રકાશન:મુંબઈ સમાચાર દૈનિક રવિવારીય પૂર્તિ ઉત્સવ ૧ ડિસેમ્બર ૨૦૧૯ વેબ લિંક: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=604952 )



No comments:

Post a Comment