Tuesday 31 December 2019

Gujarati Sahitya Parishad at Palanpur

નવાબીનગરી પાલણપુરમાં ભાષા- સાહિત્ય અને સંસ્કૃતિનું સહચિંતન
ડૉ.હરિ દેસાઈ
Dr.Hari Desai writes weekly column for Gandhinagar Samachar (Gaqndhinagar), Gujarat Guardian (Surat), Sanj Samachar (Rajkot) and  Sardar Gurjari (Anand).
·         “ગોવાળ” રઘુવીર ચૌધરીના સાંનિધ્યમાં પરિષદ પ્રમુખ સિતાંશુ થકી ગુજરાતી ભાષાની ચિંતા
·         અર્બુદામંડળના કુલદીપક પ્રહલાદન દેવનું સ્મરણ પણ નવાબ તાલેમહંમદખાનનું વિસ્મરણ
·         મહામંત્રી પ્રફુલ્લ રાવલ અને મંત્રીઓની સક્રિયતા છતાં ગુજરાતી પ્રજા સાથે કનેક્ટનો અભાવ
·         યજમાન શિરીષ મોદીએ સાહિત્ય પરિષદ-અકાદમી વચ્ચેના સ્વાયત્તતા-કલહનું ઉંબાડિયું કર્યું
પાલણપુર કે પાલનપુરના  નામે દુનિયાભરમાં મશહૂર નવાબી નગરી કે ફૂલોની નગરી કે પછી હીરાવાળાઓની નગરીમાં હમણાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ત્રિદિવસીય જ્ઞાનસત્ર રંગેચંગે યોજાઈ ગયું. સાહિત્ય પરિષદના એક જમાનાનાકિંગ મેકરઅને પોતાનેગોવાળગણાવવાનું પસંદ કરનાર જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી ભાષાના ગૌરવવંતા સર્જક ડૉ. રઘુવીર ચૌધરીના સાંનિધ્યમાં વર્તમાન ઉત્સાહી પ્રમુખ અને વિશ્વખ્યાત સર્જક પ્રા.સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાના અધ્યક્ષપદે અને પાલનપુરી જૈન-હીરાવાળાઓ દ્વારા સિંચિત નગરની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા વિદ્યામંદિરના સૂત્રધાર અને ક્યારેક નગરના નગરપતિ રહેલા શિરીષ મોદીના યજમાનપદે ૨૬થી ૨૮ ડિસેમ્બર વચ્ચે જ્ઞાનસત્ર યોજાયું. મેળાવડામાં આકર્ષણ જમાવ્યું નાગાલેંડની મશહૂર કવયિત્રી અને ત્યાંની કૉલેજનાં સામાજિક નિસબતવાળાં અંગ્રેજીનાં અધ્યાપિકા પ્રા.થેયિએસિનુઓ કેડિત્સુના નાગ સંસ્કૃતિ અંગે હૃદયમાંથી અસ્ખલિત અંગ્રેજીમાં વહેતી પ્રભાવક વાતે.  પ્રજાને સાહિત્ય અને સર્જકતા સાથે જોડવાની નેમ સાથે આગળ વધી રહેલા સિતાંશુભાઈ અને એમના સાથીઓએ આદરેલા પ્રયાસોને બિરદાવવાની સાથે ક્યાંક દિશામાં ઝાઝી સફળતા મળતી નથી વાત ગૂંજે બાંધવાની સાથે પ્રત્યેક ગુજરાતી માટે શરમની અનુભૂતિ કરવા સમાન બાબત તો છે . આવા મેળાવડા થવા જોઈએ, પણ મરાઠી, બંગાળી કે આસામી પ્રજાની વાંચન ભૂખમાંથી થોડી ઘણી પ્રેરણા ના લેવાય તો   દ્વિવાર્ષિક સમારંભો માત્ર વિધિવિધાન બની રહેશે.યજમાન વ્યવસ્થા કરે એટલે નિષ્ણાતભાવે જે મત વ્યક્ત કરે એને મૂંગે મોઢે સ્વીકારી લેવાની દરબારી વૃત્તિમાંથી બહાર આવવાની ચોખવટ સિતાંશુભાઈએ અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે કરી ખરી, પણ અન્ય બાબતોમાં જાણે-અજાણે અમુક વાતો છૂટી ગઈ. નવાઈ તો વાતની લાગી કે રઘુવીર જેવા મહારથી મંચસ્થ હોવા છતાં યજમાને પોતાના સંબોધનમાં એમનો નામોલ્લેખ કરવાનું ટાળ્યું. વયોવૃદ્ધ સર્જકને અંગે વાંધો ના હોય પણ જેમ શિરીષભાઈ પાલનપુરના સ્થાપકની અને અલભ્ય સોનચંપાની તેમજ ગાંધીજી પછીના ક્રમે વિપુલ સાહિત્ય સર્જનમાં પાલનપુરી ચંદ્રકાંત બક્ષીને મૂકી રહ્યા હતા ત્યારે એમણે પાલનપુરી જૈનોને  હીરાવાળા બનાવવાનો  ઉપકાર કરનારા નવાબ શેરમહંમદખાનજી અને પોતાના રજવાડાને ૧૯૪૮માં ભારતમાં જોડાનારા નવાબ તાલેમહંમદખાનજીનો ઉલ્લેખ કેમ ટાળ્યો પ્રશ્ન થવો સ્વાભાવિક હતો. હા, કપિલ ઠાકરનાઅતુલ્ય વારસામાં ડૉ.દીપક પટેલના પાલનપુર અંગેના અભ્યાસલેખની સાથે શિરીષ મોદીના લેખમાં અને યુ-ટ્યૂબ પરની મુલાકાતોમાં  એમણે નવાબના ઉપકરની વિગતે વાત કરી જરૂર છે. પાલનપુરના રતન એવા મુસાફિર પાલનપુરીએલોકલોકની સર્જકતામાં પ્રહલાદન દેવ પરમારે વસાવેલા નગરથી લઈને ૧૦ જૂન ૧૯૪૮ના રોજ પાલનપુર નવાબી રાજ્યનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યાની વાત સુંદર રીતે નોંધી છે: “સરદાર વલ્લભભાઈ પટેલની અખંડ ભારતની અહાલેક સાંભળી પ્રખર રાષ્ટ્રપેમી નવાબ સાહેબ હિઝ હાઇનેસ તાલેમહંમદખઆનજીએ હોંશેહોંશે પોતાનું રાજ્ય દેશને ચરણે ધરી પાલનપુરની પ્રજાનું મસ્તક રાષ્ટ્રપ્રેમમાં હંમેશ માટે ઉન્નત કરી દીધું.”
સ્વાયત્તતા અંગે સ્પષ્ટવક્તા સિતાંશુ
પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રે વૈદ્યરાજના બે શિષ્યોની વાર્તા કહીને તેના થકી કેટલાંક સરકારી તત્વોને આમલીના ઝાડ સાથે સરખાવી પરિષદનો ઝઘડો અકાદમી સામે નહીં પણ સરકાર સામે હોવાનું બેધડક કહ્યું હતું. સરકારને આપણે ચૂંટીને લાવી છે. તેઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેમની સામે જાગૃત થવાની જરૂર છે. જો જાગૃત નહીં થઇએ તો એકલડા થઇ જઇશું. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આનંદની ઉજાણી, પરિષદ આપને આંગણે સહિતના ઉપક્રમોની અંગે જાણકારી આપી હતી. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાની દુર્દશા થઇ રહી છે. સવારે છાપાં ઉઘાડો ત્યારે ગુજરાતી ભાષાની લોહીની નદીઓ વહેતી જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ માતૃભાષાને જીવાડવા માટે કામ કરી રહી છે. સ્વાગત પ્રવચન કરતાં વિદ્યામંદિર ટ્રસ્ટના કનુભાઇ પ્રજાપતિએ વિદ્યામંદિર ટ્રસ્ટની શૈક્ષણિક પ્રવૃતિઓ અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપ્યો હતો. વિદ્યામંદિર ટ્રસ્ટના શિરીષ મોદીએ કહ્યું હતું કે ગાંધીજી પછી ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લખનાર પાલનપુરના ચંદ્રકાંત બક્ષી હતા. અકાદમી-પરિષદના વિવાદનો નિવેડો આવવો જોઇએ એવી લાગણી પણ એમણે વ્યક્ત કરી હતી. પાલનપુરની આગવી ઓળખ આપતાં જણાવ્યું હતું કે, પાલનપુર શહેર ફૂલોની નગરી તરીકે ઓળખાતું હતું. એક સમયે દિલખુશાલ બાગમાં ૨૪ જાતિનાં ગુલાબ ઊગતાં હતાં. અલભ્ય સોનચંપાની સુવાસ આવતી હતી. પાલનપુરના ચંદ્રકાંત બક્ષી, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી સહિત અનેકાનેક કવિઓ, શાયરો અને લેખકોએ સાહિત્યને જીવિત રાખ્યું છે. જોકે પાલનપુરી સર્જકોમાં બકુલ બક્ષી પણ વિસરાયા. પરિષદના મહામંત્રી પ્રફુલ્લભાઇ રાવલે જણાવ્યું હતું કે, અત્યારે અંગ્રેજી ભાષાએ આક્રમણ કર્યું છે, જે દેખાતું નથી. સાંપ્રત સમયમાં ગુજરાતી ભાષાને ટકાવવાની જવાબદારી સાહિત્યકારોની છે. માધવ રામાનુજે આભાર વિધિ કરી હતી.
પાલનપુરની ધરતીનાં રત્નો
ગુજરાતી સાહિત્ય પરિષદ અને યજમાન સંસ્થા તરફથી અમારા જેવાં નોંધાયેલાં આજીવન સભ્યોને  (એટલેકે ૧૦૦૦ રૂપિયા શુલ્ક ચૂકવનારને) જે સાહિત્ય પૂરું પડ્યું એમાં ડૉ.સત્યવતીબહેન ઝવેરીની પ્રેરણાથી મુસાફિર પાલનપુરીએ સંપાદિત કરેલા “પાલનપુરની ધરતીનાં કવિરત્નો”ની ખાસ નોંધ લેવી પડે. સાથે જ “અતુલ્ય વારસો”નો પાલનપુર વિશેષાંક પણ. પાલનપુરની  નવાબી સંસ્કૃતિ પર નોખા ગિલેટ ચડાવી એને ઝાંખપ આપવાના પ્રયાસો નવાં નામ આપીને થઇ રહ્યાનું જરા કઠે એ સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ભારતની “ગંગા જમુની તહેજીબ”નો ઉલ્લેખ કરે છે ત્યારે પાલનપુરના ભવ્ય હિંદુ-મુસ્લિમ-જૈન વારસાનું જતન થાય એ અનિવાર્ય હોવાનું સ્થાનિકોને સૂઝે એ જરૂરી ખરું. એને બદલે યજમાન પાલનપુરના નવાબનું નામ પણ લેવાનું ટાળે ત્યારે એમનો ઈતિહાસ  ભૂંસાવાનો નથી,ભલે એને વિકૃત કર્યાનો હરખ અમુક વર્ગ કરી શકે.પાલનપુરની ભવ્યતાનાં અનેક પાસાં અંગે હજુ વધુને વધુ સંશોધનો થાય એવી અપેક્ષા કરીએ અને ૭૬ વર્ષીય મુસાફિર પાલનપુરીની કૃતિને મમણાવીએ:
પ્રેમની એક અસલ ચિનગારી
એ જ છે મીરાં ! એ જ મુરારી

ફૂલ બની જીવો તો સાચા
જીવન છે ધગધગતી ક્યારી

હાય! પ્રથમ નજરોનું મળવું
યાદ હજુ છે એ ધ્રુજારી!

લંબાવીને હાથ શું કરશો
દુનિયા છે પોતે જ  બિચારી

કૈંક અજબ છે મનની લીલા
એ જ હરણ ને એ જ શિકારી

કાંઠા તો જોતા જ રહ્યા સૌ
તોફાનોએ નાવ ઉગારી

હોય છે કેવો શબ્દનો જાદૂ
જોઈલો અમને ધારીધારી

સ્પર્શે ક્યાંથી કોઈ મલિનતા
હંસ છીએ કૈલાસવિહારી

જે મહેફિલમાં હોય મુસાફિર
એ મહેફિલની વાત જ ન્યારી!

અને જયારે સાહિત્ય પરિષદના પ્રજા સાથેના કનેક્ટની વાત કરવાની હોય ત્યારે પાલનપુરના કાનુભાઇ મહેતા સભાગૃહ પૂરતી જ્ઞાનસત્રની વાત સીમિત નથી રહેતી, અમારી સાહિત્ય પરિષદ તો લોકનિકેતન, રતનપુરમાં અમારા ઉતારે કિરણ ચાવડા, પારુલટીના  અને ભદ્રાયુ વછરાજાની સાથે જ નહીં, પાસેના જલોતરા ગામમાં ઘેમરભાઈ ભટોળના કોલ્હાપુરી ગોળના ઉત્પાદન એકમ સુધી ચાલતી રહી. ગાંધીજીએ કોશિયાને સમજાય એવી ભાષામાં લેખન સર્જનની અપેક્ષા કરી હતી એટલે ગો.મા.ત્રિપાઠીની ભદ્ર ભાષાના વૈભવને ગ્રામીણ સામાન્યજન સુધી લઇ  જવાના સિતાંશુભાઈના “પરિષદ આપને આંગણે” ઉપક્રમને સૌએ મળીને સફળ બનાવવાની વાટ પકડવી પડશે.
ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૮ ડિસેમ્બર ૨૦૧૯)  


No comments:

Post a Comment