Sunday 20 October 2019

Importance of 'Bharat Ratna' Savarkar

‘ભારતરત્ન’ સાવરકરનું માહાત્મ્ય  
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·         હિંદુ મહાસભાના અધ્યક્ષ ખરા પણ નાસ્તિક
·         ૧૯૩૭માં જ હિંદુ-મુસ્લિમ અલગ રાષ્ટ્ર ગણ્યાં
·         અહિંસા મુદ્દે મહાત્મા-સ્વાતંત્ર્યવીર આમનેસામને  
એકીસાથે વંચિતોનાં આરાધ્ય જ્યોતિબા ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે તેમ જ હિંદુત્વ અને હિંદુરાષ્ટ્રના પ્રણેતા  બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકરને ભારતરત્ન આપવાના મુદ્દાને મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના વચનનામામાં સામેલ કરવાનો માસ્ટરસ્ટ્રોક કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ મારે ત્યારે સ્વાભાવિક છે કે વિવાદવંટોળ જાગે. મૂળે સાવરકરને ભારતરત્ન આપવાની મિત્રપક્ષ  શિવસેનાની માંગણી હતી. ઈતિહાસ અને ઈતિહાસપુરુષો કે વ્યક્તિત્વોના નામે ગાજવીજ કરીને રાજકારણ ખેલાતું હોય છે ત્યારે જે તે સમયે જે તે વ્યક્તિત્વના અમુક અનુકૂળ પાસાને લઈને જ લાભ ખાટવાની કોશિશ થતી હોય છે અથવા તો પ્રજાને ભાવાવેશમાં લાવીને મત અંકે કરી લેવાના ખેલ રચાતા હોય છે.વાસ્તવમાં જે તે વ્યક્તિના પૂર્ણ વ્યક્તિત્વની ચર્ચા ક્યારેક જ થતી હોય છે.અંધજનના હાથીવાળી કથા આપણે ત્યાં ખૂબ જાણીતી છે એટલે સાવરકરને ભારતરત્ન આપવાની વાત આવી તો કયા સાવરકરને આ સર્વોચ્ચ ઇલકાબ અર્પણ કરવાનો પ્રચાર કરીને પ્રજાને કે મતદારો પલાળવાનો પ્રયાસ થાય છે એ પણ સમજી લેવાની જરૂર ખરી. ફૂલે દંપતી અને સાવરકર બેઉને એક જ માળામાં ગૂંથી શકાય કે કેમ એ જરા નોખો પ્રશ્ન છે પરંતુ રાજકારણમાં લક્ષ્યાંક એટલે કે અંતિમ નિશાન મહત્વનાં હોય છે. મહારાષ્ટ્રમાં પછાત ગણાતા સમાજમાં મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું નામ પ્રભાવ પાડી શકે અને ઉજળિયાતોમાં વીર સાવરકરનું નામ. જોકે રાજકારણના ચૂંટણી જીતવાના ખ્યાલોમાં આવાં મહાન વ્યક્તિત્વોના વિચાર કે કામગીરી અંગેની ગંભીરતા ભાગ્યે જ હોય છે. વર્તમાન તબક્કામાં ચર્ચા ફૂલે દંપતીના ઐતિહાસિક સેવા અને વંચિત ઉત્થાનના યજ્ઞની ઓછી,પણ સાવરકર અને મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની વધુ થાય છે એ સ્વાભાવિક પ્રક્રિયા છે.
ગાંધી વિરુદ્ધ સાવરકર
દક્ષિણ આફ્રિકેથી લંડન આવેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી  સાથે વર્ષ ૧૯૦૯માં પહેલીવાર હિંદીઓના દશેરામિલન નિમિત્તે વિદ્યાર્થી અવસ્થામાં જ સાવરકરની મુલાકાત થયેલી. એ વેળા  એક જ મંચ પરથી ગાંધીજીએ ભગવાન રામના વ્યક્તિત્વની માંડણી કરી હતી અને  સાવરકરે મા દુર્ગાની ‘દુષ્ટોની સંહારક’ પ્રતિભાની વાત મૂકી હતી. ભવિષ્યમાં બંને બેરિસ્ટર ભારતીય મંચ પર અહિંસા અને હિંસાના મુદ્દે ટકરાવાના સંકેત અહીં પહેલી મુલાકાતમાં મળી ચૂક્યા હતા.બંને સનાતની હતા. હિંદુ હોવાનું ખસૂસ ગર્વ લેનારા હતા. જોકે બંનેના આઝાદી મેળવવા માટેના માર્ગ નોખા હતા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સંધ્યાએ મહાત્મા ગાંધીની પુણેરી નથુરામ ગોડસેએ હત્યા કરી ત્યારથી આજ લગી બેરિસ્ટર સાવરકરનું નામ પણ એ હત્યાના કાવતરા સાથે જોડાયેલું માનવામાં આવતું રહ્યું છે, ભલે સાવરકર એ કાંડના આરોપી તરીકે છૂટી ગયા હોય. મહારાષ્ટ્રના કોંગ્રેસી આગેવાનો પણ સાવરકર માટે કૂણી લાગણી ધરાવતા હતા, એ ઐતિહાસિક ઘટનાક્રમનો પડઘો હમણાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ થકી પણ ચૂંટણી સભાઓમાં પાડવામાં આવ્યો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલના ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના પત્રના એ શબ્દોને વારંવાર ટાંકવામાં આવે છે કે “મહાત્માની હત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ નહોતો, પણ સાવરકરના સીધા જ માર્ગદર્શનમાં જ હિંદુ મહાસભાના એક જૂથ થકી હત્યાનું આ કાવતરું ઘડાયું હતું અને પાર પડાયું હતું.”  ભાજપ સંઘનું રાજકીય સંતાન છે.  સ્વયં સંઘનિષ્ઠ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી પણ પોતાના બ્લોગમાં આ પત્ર સંઘના બચાવમાં  ટાંકતા રહ્યા છે. જોકે ઘણા લાંબા સમય સુધી સંઘ-જનસંઘ-ભાજપમાં હિંદુ મહાસભા સાથે અંતર રાખવાની ભૂમિકા જળવાઈ હતી. વાજપેયી શાસન વખતે વિપક્ષી કોંગ્રેસના વિરોધને અવગણીને લોકસભાના સેન્ટ્રલ હોલમાં સાવરકરનું પૂર્ણાકૃતિ તૈલચિત્ર મૂકાવવા ઉપરાંત આંદામાન-નિકોબારમાં પણ એમનું  સ્મારક કરવામાં આડવાણીની પહેલ નોંધવી પડે. વર્ષ ૨૦૦૧માં પણ સાવરકરનું નામ ભારતરત્ન માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પ્રસ્તાવિત કર્યું હતું. એ વેળાના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન થકી વિવાદવંટોળ જાગવાની આશંકા વ્યક્ત કરાતાં એ દરખાસ્ત માંડી વાળવા અટલજીના જન્મદિને જ એમને નારાયણને સમજાવી લીધા હતા. ભારતરત્ન માટેનું એક કે ત્રણેક નામો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મળીને નક્કી કરે છે. આ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને સમવિચારી હોવાથી સાવરકરને દેશનો સર્વોચ્ચ સન્માન ઇલકાબ મળવામાં કોઈ અવરોધ શક્ય નથી.
વૈજ્ઞાનિક અભિગમવાળું વ્યક્તિત્વ
ડબલ જનમટીપની સજા પામેલા ક્રાંતિકારી વિ.દા. સાવરકર આંદામાનની જેલમાંથી છૂટવા માટે અનેકવાર માફીનામાં લખી ચૂક્યાનું અને એમના હિંદુત્વમાં મુસ્લિમો માટે ભારોભાર દ્વેષ હોવાનું ખૂબ ચર્ચાતું રહ્યું છે. જોકે  એમના વ્યક્તિત્વનાં બીજાં મહત્વનાં પાસાંની બહુ ઓછી ચર્ચા થાય છે.  સ્વાતંત્ર્યવીર સાવરકર ભલે હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા છતાં એ પોતાનાં પક્ષને ધાર્મિક ગણાવવાનું નકારતા હતા અને પોતે નાસ્તિક હતા. અસ્પૃશ્યતાનિવારણમાં  મહાત્મા ગાંધીની જેમ પ્રયાસો આદરવાના અને સહયોગ કરવાના  આગ્રહી હતા એટલું જ નહીં, ગોમાતાના જતનના સમર્થક ખરા પણ ગાયને પૂજવાની કે પવિત્ર ગણવાની વાત એમને માન્ય નહોતી. હિંદુઓના સૈનિકીકરણના એ ખૂબ આગ્રહી હતા. મહાત્મા ગાંધીની હત્યાના પ્રકરણમાં જેલવાસી થયેલા અને આરોપી લેખાયેલા ગોડસેના ગુરુ અને પ્રેરણાદાતા તેમ જ નથુરામના  “અગ્રણી” અખબાર માટે આર્થિક સહાય કરનાર સાવરકરના જીવનનાં અન્ય મહત્વનાં પાસાં વણસ્પર્શ્યાં રહે છે. સાવરકર હંમેશ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ દરેક બાબતને જોવા માટે ટેવાયેલા હતા. આંદામાનની સેલ્યુલર જેલમાં જતાં પહેલાં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ગ્રંથ લખનારા સાવરકર અને જેલમાંથી સશર્ત મુક્તિ મેળવીને રત્નાગિરી આવી પહોંચેલા સાવરકરના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન આવ્યું હતું.આંદામાનમાં કાળાપાણીની સજા ભોગવવા લઇ જવાયેલા સાવરકર ‘૧૮૫૭’માં મુસ્લિમો પ્રત્યે ઉદાર છે,પણ જેલમુક્તિ પછી એ મુસ્લિમો પ્રત્યે એકદમ પરાયાનો વર્તાવ કરે છે. બેરિસ્ટર હોવા છતાં કવિ, નવલકથાકાર, ઇતિહાસકાર અને સૌથી વધુ તો ગહન રાજકીય ચિંતક એવા સાવરકર વર્તમાન શાસકોના આરાધ્યપુરુષ ડૉ.કેશવ બલિરામ હેડગેવારના માર્ગદર્શક હતા. જોકે બંને વચ્ચે અસંમતિ છતાં સંમતિ હતી. ડિસેમ્બર ૧૯૩૮ના ભાગાનગર (હૈદરાબાદ) મુક્તિ સત્યાગ્રહમાં સંઘ એક સંગઠન તરીકે સામેલ નહીં થાય એવા સરસંઘચાલક ડૉ. હેડગેવારની ભૂમિકાથી સાવરકર નારાજ થયાની નોંધ ના.હ. પાલકર પણ ‘ડૉ.હેડગેવાર ચરિત્ર’માં કરે છે.  જયારે ૧૯૩૦-૩૧માં સ્વયં હેડગેવાર જંગલ-સત્યાગ્રહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે એમણે સરસંઘચાલક પદ ડૉ.લ.વા.પરાંજપેને સુપરત કર્યું હતું અને એ જેલમુક્ત થયા ત્યારે ફરી એ સ્વીકાર્યું હતું. ૧૯૨૫માં સંઘની સ્થાપના કરનાર ડૉ. હેડગેવાર ૧૯૩૭ સુધી કોંગ્રેસમાં હતા. ૧૯૪૦માં એમનું નિધન થયું હતું.
દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતની માંડણી
સ્વાતંત્ર્યવીર સાવરકર અખંડ ભારતના પુરસ્કર્તા ખરા,પણ હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર (નેશન) છે એ દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત તેમણે મુસ્લિમો માટે પાકિસ્તાન  મેળવનારા બેરિસ્ટર મહંમદઅલી ઝીણા કરતાં ત્રણ વર્ષ પહેલાં કર્ણાવતી (અમદાવાદ) ખાતેના ૧૯૩૭ના હિંદુ મહાસભાના અધિવેશનમાં મૂક્યો હતો. ઝીણાની અધ્યક્ષતામાં માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં બંગાળના પ્રીમિયર (મુખ્યમંત્રી) ફઝલુલ હકે મૂકેલા  ‘પાકિસ્તાન ઠરાવ’ ને બહાલી અપાઈ હતી અને હિંદુ તથા મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે એ ભૂમિકા સ્વીકારાઈ હતી. ભાગલા વાસ્તવિક થયા ત્યારે ખિન્ન નથુરામ ગોડસેએ ગાંધીજીને એ માટે દોષિત લેખીને તેમની હત્યા કરી. ગોડસેને તો ગાંધીહત્યા માટે ફાંસી થઇ હતી,પણ એમનો સાથ દેવા માટે તેમના નાનાભાઈ ગોપાલ ગોડસેને ૧૮ વર્ષની કેદ થઇ હતી. ગોપાલનાં સ્થપતિ પુત્રી અને સાવરકરના ભત્રીજા સાથે પરણેલાં હિમાની સાવરકરે “સાવરકર સમગ્ર”ના દસ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. આમાંના ૯મા ગ્રંથમાં કર્ણાવતીના એ વ્યાખ્યાનનો સમાવેશ છે. એમાં સાવરકરે હિંદુરાષ્ટ્ર નેપાળના રાજાની પ્રશંસા કરવા ઉપરાંત  ‘હિંદુ’ શબ્દની પરિભાષા સ્પષ્ટ કરી છે.મુસ્લિમો “સદાય મક્કા –મદીના ભણી જુએ છે’ અને ‘હિંદુઓની પુણ્યભૂમિ અને પિતૃભૂમિ’ની વાત કરીને સાવરકર સ્વરાજના અર્થને પણ સમજાવે છે. ઔરંગઝેબનું સ્મરણ કરીને મુસ્લિમોને યાતના આપવાની પણ તેમાં ભારોભાર તરફેણ કરે છે. સાવરકર કહે છે: “હિંદુસ્થાનમાં બે વિરોધી રાષ્ટ્ર વિદ્યમાન છે. હિંદુસ્થાનમાં હિંદુ અને મુસલમાન એવાં બે રાષ્ટ્ર અસ્તિત્વમાં છે.” વિરોધાભાસો પ્રત્યેકના રાજકીય જીવનમાં આવે છે. જે સાવરકર મુસ્લિમો માટે આવો મત ધરાવે છે એ જ સાવરકર પોતાના પક્ષ હિંદુ મહાસભાને એ જ ઝીણાના મુસ્લિમ લીગ સાથે સત્તામાં ભાગીદારી કરવા માટે પણ સંમતિ આપે છે. એટલું જ નહીં, ગાંધીજીની અહિંસાની સતત ઠેકડી ઉડાવતાં એમના “હિંદ છોડો” આંદોલન ને “હિંદ તોડો” આંદોલન ગણાવીને એનો વિરોધ કરી અંગ્રેજ શાસકો સાથે રહેવાનું પસંદ કરે છે. બંગાળમાં પેલા  ‘પાકિસ્તાન પ્રસ્તાવ’વાળા જ ફઝલુલ હકની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડવા માટે હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીને સંમતિ આપે છે. ડૉ.મુકરજી પાછળથી હિંદુ મહાસભા સાથે છેડો ફાડે છે, આઝાદ ભારતની પ્રથમ નેહરુ સરકારમાં જોડાય છે અને તેમાંથી પણ  ફારેગ થઈને ભાજપના પૂર્વઅવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ થાય છે. સિંધ પ્રાંતમાં પણ મુસ્લિમ લીગ સાથે સરકાર રચવા માટે સાવરકરે હિંદુ મહાસભાને સંમતિ આપી હતી. વાયવ્ય પ્રાંતમાં પણ આવું જ થયું. સિંધની ધારાસભામાં તો માર્ચ ૧૯૪૩માં જી.એમ.સૈયદે મૂકેલો પાકિસ્તાન ઠરાવ પસાર થયો ત્યારે ત્યાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર હતી, હિંદુ મહાસભાના સભ્યો એ વેળા વોકઆઉટ કરી ગયા હતા અને ત્રણેય હિંદુ મંત્રીઓએ વિરુદ્ધમાં મત આપ્યા છતાં સરકારમાંથી ફારેગ થવા રાજીનામાં આપ્યાં નહોતાં.
ગાંધી અને જૈન-બૌદ્ધની અહિંસા
સાવરકરને ગાંધીજી માટે ઘૃણાભાવ હતો એ વાત એમના વાણી અને વર્તનમાં સતત ઝળકતો હતો.મહાત્મા ગાંધીની અહિંસા કાયરની અહિંસા નહીં હોવા છતાં સાવરકર પોતાની રીતે એનું અર્થઘટન કરતા હતા.એટલું જ નહીં, જૈન અને બૌદ્ધ ધર્મના અહિંસાવાદનું પ્રતિપાદન કરવામાં પણ એમણે આ બંને ધર્મો “સશસ્ત્ર પ્રતિકાર”ના સમર્થક હોવાનું તારણ મદુરાઈમાં હિંદુ મહાસભાના ૧૯૪૦ના ૨૨મા અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણમાં કર્યું હતું: “બૌદ્ધ ધર્મ અથવા જૈન ધર્મે અહિંસાવાદનું જે પ્રતિપાદન કર્યું છે તે ગાંધીજી દ્વારા તમામ સંજોગોમાં સશસ્ત્ર પ્રતિકારનો નિષેધ કરવાવાળી અહિંસાથી પૂર્ણતઃ વિપરીત છે.” જૈન આચાર્યોએ ક્યારેય જૈન સેનાને યુદ્ધમાં જતાં રોકવાનો બોધ કર્યો નથી. હત્યા કરવાવાળાની હત્યા કરવામાં પાપ નથી લાગતું એવો બોધ ‘મન્યુસ્તન  મન્યુમર્હતિ’ શબ્દો  દ્વારા ગૌતમ બુદ્ધે કર્યો છે.” સાવરકરની આડશે ગાંધી-સરદારના વિરોધીઓને પણ પોતાના સમર્થનમાં લેવાનો ચૂંટણીમાં થઇ રહેલો પ્રયાસ યુદ્ધ અને પ્રેમમાં બધું જ વાજબી લેખાય (એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર) એવી ભૂમિકા વર્તમાન શાસકો અપનાવી રહ્યા છે. એની યોગ્યાયોગ્યતા તો સમયાંતરે ચકાસાશે, પણ અત્યારે તો લાગે છે કે ફૂલે-સાવરકરના નામે  એમના માટે મતનાં તરભાણાં જરૂર ભરાશે.
ઇ-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર  રવિવારીય ઉત્સવ પૂર્તિ ૨૦ ઓક્ટોબર ૨૦૧૯)  વેબ લિંક: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=601182

No comments:

Post a Comment