Saturday 28 September 2019

Parasmani Thy name is Mahatma Gandhi

વિશ્વપ્રતિભાઓને ગાંધીપારસમણિનો સ્પર્શ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         લોકમાન્ય ટિળક ગાંધીમાર્ગના પહેલા ઉપદેશક
·         ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદના પ્રેમમાં મીરાબેન
·         ગાંધીનિષ્ઠ બલરાજ સાહની કમ્યૂનિસ્ટ કાર્ડહોલ્ડર
Dr.Hari Desai writes weekly column for “Mumbai Samachar” Daily’s  Sunday Supliment “UTSAV” 29 September 2019 Web Link : http://www.bombaysamachar.com/frmEPShow.aspx

આપણા સૌની જેમજ દુનિયામાં વિહાર કરીને, પોતે નહીં કરાવેલા ભાગલા બદલ માથાફરેલા નથુરામ ગોડસેની ગોળીએ દેવાયેલો, હાડચામનો માણસ નામે મો..ગાંધી દુનિયાભરના આલ્બર્ટ આઈનસ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિકને પણ ઘેલું લગાડી ગયો. ના એણે પોતાને મહાત્મા તરીકે ઓળખાવાના અભરખા સેવ્યા હતા કે ના એને રાષ્ટ્રપિતા થવાના ધખારા હતા. ક્યારેક ૧૯૧૦માં એમના સખા અને જનસેવાના કામમાં તેમને આર્થિક મદદ કરનારા ડૉ.પ્રાણજીવન મહેતાએ પત્ર-પતાકડામાં મોહનદાસને સૌપ્રથમમહાત્માકહ્યા હતા. વર્ષ ૧૯૩૮માં સુરત પાસેના હરિપુરામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જેમને પડખામાં લઈને ફર્યા તે જ  નેતાજી સુભાષચંદ્ર બોઝ જીદે ચડીને વર્ષ ૧૯૩૯માં કોંગ્રેસના બીજીવાર અધ્યક્ષ ચૂંટાયા એમાં ગાંધીજીને પોતીકો પરાજય અનુભવાયો. સરદાર પટેલ અને પંડિત નેહરુ જેવાએ સુભાષની કારોબારીમાંથી ફારેગ થવાનું પસંદ કર્યું. ગાંધીજી અને એમના સાથીઓ સાથેના ગંભીર મતભેદોને પગલે સુભાષે કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં, કોંગ્રેસ પણ છોડી અને ફોરવર્ડ બ્લોકનો અલાયદો ચોકો રચ્યો, સિંગાપુર જઈને આઝાદ હિંદ ફોજનું સરસેનાપતિપદ રાસબિહારી બોઝ પાસેથી સંભાળ્યું અને છેક જુલાઈ ૧૯૪૪માં ત્યાંથી કરેલા રેડિયો પ્રસારણમાં સૌપ્રથમ મહાત્મા ગાંધીનેરાષ્ટ્રપિતાકહ્યા હતા. વિરાટ વ્યક્તિત્વોનો યુગ હતો. આજે વિશ્વભરમાં મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે યુગનાં મહાન વ્યક્તિત્વો પર પણ પ્રભાવ પાડનાર પોરબંદરના સપૂત (મૂળે તો જૂનાગઢ રાજ્યના કુતિયાણાના) એમના જન્મદિવસ ( ઓક્ટોબર ૧૮૬૯) નિમિત્તે સ્મરવાનું પર્વ છે. ગાંધીજીથી થોડા મહિના મોટાં એમનાં ધર્મપત્ની અને રાષ્ટ્રમાતા કસ્તુરબા અને મહાત્માના અનન્ય સાથી તેમ જ આદિવાસી, દલિત અને અન્ય પછાત સહિતના વંચિતોના મસીહા ઠક્કરબાપા એટલેકે મૂળે ભાવનગરના અમૃતલાલ ઠક્કરની પણ સાર્ધ શતાબ્દીનું વર્ષ છે.

હૃદય પરિવર્તનની જડીબુટ્ટી
મરાઠી વિશ્વકોશના રચયિતા અને સોમનાથના જીર્ણોદ્ધારના શુભારંભપર્વે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પૂજાવિધિની જવાબદારી સાંભળનાર વિદ્વાન તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી લોકમાન્ય ટિળકનેગાંધીમાર્ગના પહેલા ઉપદેશકકહે ત્યારે ઘણાને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. દક્ષિણ આફ્રિકે હિંદીઓના અધિકારો માટે ગોરાઓના શાસન સામે સંઘર્ષરત અને જમાનામાં વર્ષે ૮૫,૦૦૦ પાઉન્ડની ધીકતી પ્રેક્ટિસ છોડીને આશ્રમવાસી થનારા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી પોતડીદાસ મહાત્મા ગાંધીમાં રૂપાંતરણ થવું કંઈ નાનીસૂની વાત નહોતી.ગાંધીએ અનેકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું અને નવજીવન બક્ષ્યું એમ કહી શકાય.જે જે આ મહાત્માના સંપર્કમાં આવ્યા એમણે સઘળું ત્યાગીને આ ઓલિયા માણસના સાથને અને એના આદેશોના અનુસરણને કબૂલ રાખ્યું. એમાં મિઝ મેડલીન સ્લેડ (મીરાબાઈ) જેવી બ્રિટિશ સન્નારી પણ હતી અને રાજવી પરિવારની ઓક્સફર્ડમાં ભણેલી ખ્રિસ્તી રાજકુમારી અમૃત કૌર પણ હતી. દોમદોમ સાહ્યબી છોડીને ગાંધીજીના આશ્રમની ઝૂંપડીમાં રહેવાનું તેઓ સ્વેચ્છાએ કબૂલતી રહી. આઝાદી પછી કેટલાકને પ્રધાનપદ મળ્યાં છતાં સાદગી જાળવી. મીરાબહેન તો હિમાલયની છાયામાં આશ્રમમાં જઈને રહ્યાં. બાપુનું શિષ્યત્વ સ્વીકારનારાઓમાં બેરિસ્ટરો સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નેહરુ પણ હતા અને પ્રખર ધારાશાસ્ત્રીઓ મોતીલાલ નેહરુ અને ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પણ. ગાંધી કને કોણ જાણે કેવી હૃદયપરિવર્તનની જડીબુટ્ટી હતી કે  અનેકોએ સર્વસ્વ ત્યાગીને સાદગીને વહાલી કરી હતી. ગાંધીજી સર્વધર્મસમભાવમાં માનનારા અને અનુસરનારા તેમજ કોઈ રાજકીય સત્તાના હોદ્દા નહીં સ્વીકારનારા અનોખા સંત હતા. પોતે ભારતીય અને વિશ્વની સંસ્કૃતિઓમાંથી સારપને આગળ કરી રહ્યાનું કહેનારા મહાત્મા દ્વેષ કે ઘૃણા ભાવ તો અંગ્રેજ શાસકો માટે પણ ધરાવતા નહોતા.મીરાબહેન જયારે હિંદુ ધર્મ અંગીકાર કરવા ઇચ્છતાં હતાં ત્યારે બાપુએ કહેલા શબ્દો એમના ચિંતનના અર્ક જેવા હતા: ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી.હિંદુ સારા હિંદુ બને, મુસ્લિમ સારા મુસ્લિમ બને અને ખ્રિસ્તી સારા ખ્રિસ્તી બને એટલું પૂરતું છે.

વૈભવીઠાઠ છોડી ગાંધીમય
દુનિયાભરનાં એવાં અનેક વ્યક્તિત્વો મહાત્મા ગાંધીની બહુમુખી પ્રતિભાના પ્રભાવમાં એવાં આવ્યાં કે બેરિસ્ટર કે ધારાશાસ્ત્રી તરીકેની ધીકતી પ્રેક્ટિસ કે પછી સ્થપતિ તરીકેની દામ સાથેની શોહરત ત્યાગીને પણ ગાંધીની અહિંસક સેનામાં જોડાઈને પોતાનાં વ્યક્તિત્વોને નોખાં કલેવર ચડાવવાનું પસંદ કરી બેઠાં. ‘ગાંધી તો ઘઉંમાંથી કાંકરા વીણવાનું કહેશે અને એમ થોડી જ આઝાદી આવે?’ એવી ક્યારેક ઠેકડી ઉડાવનારા અમદાવાદના સૌથી સફળ બેરિસ્ટર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ નવેમ્બર ૧૯૧૭માં ગુજરાત રાજકીય પરિષદમાં હરિજન આશ્રમમાં પહેલીવાર મહાત્માને વ્યક્તિગત રીતે મળે છે અને ચંપારણ સત્યાગ્રહના ગાંધીના જાદૂથી અંજાયેલા વલ્લભભાઈ આજીવન ગાંધીની અહિંસક સેનાના અનન્ય ખાદીધારી સાથી બની રહે છે. એ જ ગોધરા પરિષદમાં બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણાને અંગ્રેજીને બદલે ગુજરાતીમાં બોલવાના ગાંધીના દુરાગ્રહે તેમને ગુમાવવા પડ્યા એટલું જ નહીં, ૧૯૨૦ની નાગપુર કોંગ્રેસના કટુ અનુભવ પછીના ટકરાવ સાતત્યને પગલે ઝીણા છેક અલગ પાકિસ્તાન મેળવવા સુધી ગયા.

હિંસકમાર્ગી અહિંસા ભણી
હિંસાના માર્ગે જ આઝાદી મેળવી શકાય એવું માનનારા ક્રાંતિકારીઓ મહાત્માના પરિચયમાં આવ્યા પછી અહિંસાના માર્ગે વળ્યાના ઘણા દાખલા જોવા મળે છે. સ્વયં ‘શહીદ-એ-આઝમ’ ભગતસિંહે ફાંસીએ ચડતાં પહેલાં મહાત્મા ગાંધી ભણી આદર અને અહિંસાના માર્ગને જ સાચો માર્ગ ગણાવીને જ હસતે મોઢે શહીદી વહોરી હતી.લાહોરના ષડયંત્રમાં ફાંસીની સજા પામેલા “જિન્દા શહીદ” તરીકે જાણીતા અને પદ્મભૂષણ ઈલકાબથી નવાજાયેલા પૃથ્વીસિંહ આઝાદ જેવા જહાળ ક્રાંતિવીર પણ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી અહિંસાના પૂજારી બનવા ભણી જ સમર્પિત થઇ ગયા. એ સેલ્યુલર જેલમાં પણ રહી આવ્યા હતા. ૧૯૮૯માં એ મૃત્યુ પામ્યા, પણ એમના છેલ્લા દિવસો એમણે ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના મુખ્યાલયમાં ગાળ્યા. અત્યારના પાકિસ્તાનના અગાઉના વાયવ્ય પ્રાંત કે ખૈબર પખ્તૂખ્વાના પઠાણો સામાન્ય રીતે ખૂનામરકી માટે જાણીતી પ્રજા મનાય છે. સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફારખાન અમેરિકા ભણવા જવાને બદલે ગાંધીજીના અંગ્રેજ શાસન વિરોધી જંગના સેનાની થઈને લાલ પહેરણવાળી (રેડ શર્ટ) શાંતિ સેના ઊભી કરવાનું નિમિત્ત બન્યા. આઝાદીની લડાઈમાં મહાત્મા અને પંડિત નેહરુ સાથે ખભેખભો મિલાવીને એ સામેલ રહ્યા એટલું જ  નહીં, ભાગલા આવી પડ્યા ત્યારે એનો વિરોધ કરતાં છેવટે “તમે અમને વરુસેનાને હવાલે કર્યા”નો આર્તનાદ કરીને પાકિસ્તાન ગયા અને ત્યાં એમને કાયમ દેશદ્રોહીના વિશેષણથી નવાજવામાં આવતાં મોટાભાગનું આયખું જેલમાં ગાળવાનો વારો આવ્યો.
વિદેશી બન્યા આશ્રમવાસી
મહાત્માના સંપર્કના પારસમણિ થકી વિદેશી વ્યક્તિત્વો પણ દેશી બનવા પ્રેરાયાં. એમાં બ્રિટિશ નૌકાદળના ટોચના અધિકારીનાં પુત્રી મિઝ સ્લેડ તો મીરાબહેન બનીને આજીવન આશ્રમવાસી બન્યાં એટલું જ નહીં, અમેરિકાથી ભણીને આવનારા ભારતીય અર્થશાસ્ત્રી જે.સી.કુમારપ્પાએ કોટપેન્ટ ત્યાગીને આજીવન ગાંધીજીના અનુસરણને કબૂલ્યું. બ્રિટિશ નૌકાદળના અધિકારીની ૧૮૯૨માં જન્મેલી દીકરી  મિઝ મેડલીન સ્લેડે પેરિસમાં એક બુકશોપમાં રોનાલ્ડની બુક ખરીદી. એક જ બેઠકે વાંચી ગયાં. એ પુસ્તક ભારતના એક નોખા જણ વિશે હતું. નામ એનું મહાત્મા ગાંધી. એને મળવાની તમન્ના જાગી. ગાંધીજી સાથે પત્રવ્યવહાર કર્યો.એ પછી તો ભારત આવ્યાં. ૭ નવેમ્બર ૧૯૨૫ની વહેલી સવારે અમદાવાદ પહોંચ્યાં. એ પછી તો એ ગાંધીજીનો પડછાયો બની રહ્યાં. રશિયન ક્રાંતિથી પ્રેરાઈને ભગતસિંહના બોમ્બ સંસ્કૃતિના સાથી બનેલા પૃથ્વીસિંહ આઝાદ ક્યારેક ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને આશ્રમવાસી બન્યા. મીરાબહેનના પ્રેમમાં પડ્યા. બંને પરણવાનાં હતાં પણ એ શક્ય ના બન્યું.  આઝાદ તો અન્યને પરણી ગયા,પણ મીરાબહેન આજીવન અપરિણીત રહીને ભારતની સેવામાં રમમાણ રહ્યાં.

દક્ષિણ ભારતીય ખ્રિસ્તી યુવાન જે.સી. કુમારપ્પા ૧૯૨૯માં અમેરિકાથી ભણીને આવ્યા હતા. મુંબઈના મણિભવનમાં મહાત્માને મળવા ગયા ત્યારે સૂટપેન્ટમાં હતા. નીચે ગાદી પર બેઠેલા ગાંધીજીએ એમના માટે  ખુરશી મંગાવી. કુમારપ્પાને વાતો પ્રભાવિત કરતી રહી. દંભ વિનાના અને સહજ ગાંધી ક્યારેક ગાયો સાથે હોય, તો ક્યારેક આશ્રમવાસીઓ સાથે. દેશના અર્થતંત્રને દેશી નજરે મજબૂત કરવાની ખેવના કુમારપ્પાને એમના શિષ્ય બનાવવા પ્રેરતી રહી. ગાંધીજી સાથે હસીમજાક કરતાં કરતાં રાષ્ટ્ર હિતની વાતો અને રાષ્ટ્રીય અર્થકારણની ચર્ચા થતી રહેતી. કુમારપ્પાએ ધાર્યું હોત તો બ્રિટિશ સેવામાં જોડાઈ શક્યા હોત પણ એ ગાંધીના સેવાયજ્ઞમાં કાયમ માટે જોતરાઈ ગયા.  

સિમેન્ટ વિના તે ઘર બાંધી શકાતાં હશે? મહાત્મા ગાંધી સાથે જોતરાયેલા બ્રિટિશ સ્થપતિ લોરેન્સ વિલ્ફ્રેડ “લોરી” બેકર કેરળને પોતાનું વતન બનાવીને મકાનો નિર્માણમાં નવા જ પ્રયોગો કરતા રહ્યા. ઓછા ખર્ચે ટકાઉ મકાનો તૈયાર કરવાની ટેકનોલોજી વિકસાવવામાં એમનું નામ મશહૂર થયું. એમને બ્રિટિશ સરકાર અને ભારત સરકારે અનુક્રમે એમઇબી અને પદ્મશ્રી ઈલકાબોથી નવાજ્યા. મોટુંમસ બજેટ હોય અને વિશાળ જગ્યા હોય તો તો સૌ કોઈ મકાન બંધી શકે પણ માત્ર ૧૦,૦૦૦ રૂપિયામાં ૨૫૦ ચો.ફૂ.નાં મકાન અને એ પણ ટકાઉ બાંધાવાનું એમણે સાધ્ય કરી આપ્યું. એમના અનુયાયીઓની મોટી પલટન પણ પેદા કરી. સિમેન્ટ વિના પણ મકાન બાંધી શકાય અને નિરર્થક ખર્ચાઓ ટાળી શકાય એ બાબત પર એમણે ભાર મૂક્યો.૧૯૧૭માં ઈંગ્લેન્ડમાં જન્મેલા બેકર ૨૦૦૭માં કેરળમાં ભારતીય નાગરિક તરીકે મૃત્યુ પામ્યા ત્યારે એમનું ગૌરવ કરનારાઓનો તોટો નહોતો.

પટ્ટશિષ્યા અવંતિકાબાઈ
મહાત્મા ગાંધીનાં પટ્ટશિષ્યા અવંતિકાબાઈ ગોખલે વિશે બહુ ઓછા લોકો જાણતા હશે,પણ મહાત્માની છેક ડિસેમ્બર ૧૯૧૭માં સૌપ્રથમ મરાઠી જીવનકથા લખનાર આ મહિલાએ લોકમાન્ય ટિળકને કલકત્તાના કોંગ્રેસ અધિવેશનમાં પોતાના આ પુસ્તકની પ્રસ્તાવના લખવા વિનંતિ કરી હતી. ૧૯૧૬માં અવંતિકાબાઈ મહાત્માને લખનૌમાં કોંગ્રેસ અધિવેશનમાં પહેલીવાર મળ્યાં. આ વખતે જ ઝીણા સાથે મળીને હિંદુ-મુસ્લિમ વચ્ચે સમજૂતી થતાં ટિળકે ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા ગણાવ્યા હતા. ગાંધીજી બીજા વર્ષે ચંપારણ સત્યાગ્રહ માટે બિહાર ગયા ત્યારે એમણે  અવંતિકાબાઈ ગોખલેને સાથે આવવા કહ્યું હતું. તેમણે મરાઠીમાં લખેલી ગાંધીજીની જીવનકથાની પ્રસ્તાવના માર્ચ ૧૯૧૮માં લોકમાન્ય ટિળકે લખીને મહાત્મા ગાંધીને બિરદાવ્યા હતા.  એ સત્યાગ્રહમાં જ મહાત્માને જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ મળ્યા.એ વેળા રાજેન્દ્રબાબુ પોતાની સાથે રસોઈયો રાખતા અને સમૂહ ભોજનમાં સામેલ નહોતા થતા. પછી તો ગાંધીજીના રંગે રંગાયા અને અસ્પૃશ્યતા નિવારણના પ્રચારક બની ગયા. એ પાછળથી ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા.

ગાંધીનિષ્ઠ બલરાજ સાહની
મૂળે અમૃતસરનિવાસી અને બોલીવુડના નોખા અભિનેતા તેમ જ  કમ્યૂનિસ્ટ કાર્યકર તરીકે મશહૂર બલરાજ સાહની પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદી અને અંગ્રેજીમાં એમ.એ. કરીને ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરના શાંતિનિકેતનમાં અંગ્રેજી અને હિંદીના શિક્ષક તરીકે જોડાયા હતા.૧૯૩૮માં ગાંધીજીએ એમને પોતાના સચિવાલયમાં જોડાવા નોતર્યા. ગાંધીજીની જ ભલામણથી એ બીબીસીની હિંદી સેવામાં ઉદઘોષક તરીકે જોડાયા. ૧૯૩૯માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતીય શ્રોતાઓને જર્મનીના હિટલરના ઉદય અને ચળવળો વિશે સતત અહેવાલો આપનારા બલરાજ મેરી સેટન નામની સાથી ફિલ્મ સંપાદિકાના માધ્યમથી સોવિયેત સિનેમાના પ્રભાવમાં આવ્યા. ફિલ્મનિર્માતા એસ.આઈનસ્ટાઇનના સંપર્કમાં આવ્યા. “ગર્મ હવા” ફેઈમ બલરાજનું મૂળ નામ હતું યુધિષ્ઠિર, પણ એ તો શાળાજીવનમાં જ છૂટી ગયું. ક્યારેક ગાંધીનિષ્ઠ બલરાજની ઓળખ ડાબેરી સંગઠન “ઇપ્ટા” સાથે સંકળાયેલા અભિનેતા અને કમ્યૂનિસ્ટ પાર્ટીના કાર્ડહોલ્ડર તરીકે રહી, જે રીતે આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવારના અનન્ય સાથી અને સંઘના સંસ્થાપક સરકાર્યવાહ (મહામંત્રી) બાલાજી હુદ્દારની ઓળખ પણ કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)ના નેતા તરીકેની રહી. મહાત્મા ગાંધી અનેક વિચારધારાઓનાં વ્યક્તિત્વોનો સંગમ હતા. એમના સાથીઓ પાછળથી અનેક વિચારધારાઓમાં વિસ્તારિત થયા હતા. ગાંધીજી વિશે એટલું જ કહી શકાય કે એ નિત સંવર્ધન પામતું એવું અનન્ય વ્યક્તિત્વ હતું જે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જ લેખાય.
તિખારો
               છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો, બાપુ!
               સાગર પીનારા! અંજલિ નવ ધોળજો, બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
                 આ આખરી ઓશીકડે શિર, સોંપવું, બાપુ!
                 કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!
......
જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છોંટવાને,
જા સાત સાગર પાર સેતુ બંધાવાને-
                 ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
                 વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
                 ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
                 છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!
-     ઝવેરચંદ મેઘાણી
(૧૯૩૧માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન)

ઇ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ પ્રકાશન : ‘મુંબઈ સમાચાર’ દૈનિકની ‘ઉત્સવ’ પૂર્તિ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯)

No comments:

Post a Comment