Sunday 6 October 2019

Sangh Wooing Mahatma

મહાત્મા અને સંઘનું સંવનન
Sangh Wooing  Mahatma 
Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV” 06 September 2019 Web Link : http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=589946
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·         ગાંધીજીની ચર્ચા થાય તો જ નીરક્ષીરની તક
·         ડિસેમ્બર ૧૯૩૪ ને સપ્ટેમ્બર ૧૯૪૭માં ફરક
·         હૃદય પરિવર્તન થાય તો ગાંધીવિચારનો જય
આજકાલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાર્ધ-શતાબ્દી નિમિત્તે દુનિયાભરમાં ઓચ્છવોનો માહોલ છે. એ નિમિત્તે પણ ગાંધીજીના જીવન અને કવનને ફરી દેશ-દેશાવરમાં ચર્ચામાં લાવવા બદલ મહાત્મા પછીના ક્રમે આવતા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર સમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારનો સવિશેષ આભાર માનવો પડે. મહાત્મા ગાંધીના વિચારો તો સમુંદર છે અને એમાંથી ચોગળું આચરણ કરી બતાવે એને પણ આદરથી જોવામાં આવે એવો આજનો જમાનો છે. પોતાને ગાંધીવાદી ગણાવનારાઓનાં અ-ગાંધી સમાં આચરણ જ ગાંધીજીને બદનામ કરતાં હોય ત્યારે સાર્ધ-શતાબ્દી નિમિત્તે વિધિવિધાનને બદલે ખરા અર્થમાં ગાંધીને સમજવાની કોશિશ થકી યુવા પેઢીને એમનો પરિચય કરાવાય તો ય ગનીમત. વર્તમાન પ્રવાહો મહાત્માનાં નવતર મૂલ્યાંકન કરવા ભણી લઇ જાય એ સ્વાભાવિક છે. મહાત્મા પોતે સતત સંવર્ધિત થતા રહેતા હતા એટલે એમના જે વિચારોનો પૂંજ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એમની નથુરામ ગોડસે થકી હત્યાને પગલે સ્થગિત થઇ ગયો એ પછી એના સંવર્ધન અને નવતર અર્થઘટનની આવશ્યકતા સર્જાઈ છે. ગાંધીજી પર અમુકોની જ મક્તેદારી નથી. એ તો વૈશ્વિક પ્રતિભા છે. સૌનો એમના પર અધિકાર બને છે. મહાત્માએ પોતે સર્વગુણ સંપન્ન હોવાનો કે નવી જ ફિલસૂફી શોધ્યાનો દાવો ક્યારેય કર્યો નથી. એમને તો ભારતીય સંસ્કૃતિમાંથી જે કંઈ સારપવાળું મળ્યું અને ‘મૂળ સોતા ઉખડી ના જવાય એ રીતે પોતાના ઘરની બારીઓ દુનિયાભરના વિચારો અને સંસ્કૃતિ માટે ખુલ્લી રાખી’ એનાં નવતર વિશ્લેષણ તેમણે કર્યાં છે. ભલે સત્તારૂઢ ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રાર્થનામાં એમનું નામ સામેલ કરાયું હોય, ક્યારેક જે સંઘ પરિવારમાં ગાંધીજીને માટે નાકનું ટેરવું ચડાવવામાં આવતું હતું, એ જ સંઘ-ભાજપને મહાત્મા પોતીકા લાગવા માંડ્યા છે. મહાત્મા પોતે કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા અને કોંગ્રેસ સાથે નહોતા ત્યારે પણ  પક્ષમાં એમનો પડ્યો બોલ ઝીલતો હતો.એ વાત જુદી છે કે ભાગલાના મુદ્દે એમના બે પટ્ટશિષ્યો સરદાર પટેલ અને પંડિત નેહરુએ એમને અંધારામાં રાખ્યા હતા. એ વેળા ‘મને સાંભળે જ છે કોણ?’ એવી અવગણનાની અનુભૂતિ પણ એમને થતી હતી.
સંઘના કોંગ્રેસી સંસ્થાપક
સપ્ટેમ્બર ૧૯૨૫માં નાગપુરમાં ડૉ.કેશવ બલિરામ હેડગેવારના નિવાસસ્થાને મળેલા ૨૫ જણાએ ‘હિંદુ હિત કાજે’ હિંદુઓને સંગઠિત કરવા માટે સંગઠન સ્થાપવાનો નિર્ણય કર્યો. એનું નામકરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો છેક ૧૯૨૬માં થયું હતું. કોલકાતાની ક્રાંતિકારી અનુશીલન સમિતિ સાથે સંકળાયેલા અને બોમ્બ સંસ્કૃતિના સમર્થક એવા ડૉ.હેડગેવાર સંઘના પ્રથમ સરસંઘચાલક (પ્રમુખ) બન્યા. પ્રથમ સરકાર્યવાહ (મહામંત્રી) બાલાજી હુદ્દાર હતા. ડોક્ટરજીના હુલામણા નામે ઓળખાતા સંઘના પ્રથમ વડા નાગપુર શહેર કોંગ્રેસના સહમંત્રી હતા. ૧૯૨૦માં નાગપુરમાં મળેલા કોંગ્રેસ અધિવેશનની આયોજન સમિતિના ૫૧મા ક્રમના સભ્ય હતા. તેઓ છેક ૧૯૩૭ના ડિસેમ્બર લગી કોંગ્રેસના નેતા રહ્યાનું અને કોંગ્રેસની નોટિસના તેમના ઉત્તરમાં  “અમે ક્યારેય કોંગ્રેસના વિરોધી હોઈ જ ના શકીએ” એવું લખ્યાનું સંઘવિચારકોની પ્રકાશનસંસ્થા લોકહિત પ્રકાશને પ્રકાશિત કરેલી તેમની ના.હ.પાલકરલિખિત જીવનકથા ‘ડૉ.હેડગેવાર ચરિત્ર’ દર્શાવે છે. વર્તમાન વડાપ્રધાન મોદી જયારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી હતા ત્યારે મુંબઈમાં તેમણે પોતાના જીવનમાં વળાંક લાવનાર આ ગ્રંથ પર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું.
રાષ્ટ્રપિતા ગણવાનો વિવાદ
મહાત્મા ગાંધી સાથે મતભેદને પગલે નેતાજી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસનું બીજીવારનું અધ્યક્ષપદ ૧૯૩૯માં છોડ્યું, કોંગ્રેસ છોડી, અલાયદો પક્ષ રચ્યો, સિંગાપુર જઈને આઝાદ હિંદ ફોજનું સુકાન સંભાળી લીધું. એ પછી જુલાઈ ૧૯૪૪માં સિંગાપુરથી રેડિયો પ્રવચનમાં પહેલીવાર મહાત્મા ગાંધીને “રાષ્ટ્રપિતા” કહ્યા અને તેમના આશીર્વાદ ચાહ્યા.  પોતાને ટિળકવાદી લેખાવવામાં ગૌરવ અનુભવતા સંઘના ‘અધિકારીઓ’માં મહાત્મા ગાંધી ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ના સમર્થક હોવાની છાપ ઘણો લાંબો સમય પ્રચલિત રહી. જોકે સ્વયં લોકમાન્ય ટિળક ‘ગાંધીમાર્ગના પહેલા ઉપદેશક’ અને ‘નિ:શસ્ત્રક્રાંતિવાદી’ હોવાનું તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી નોંધતા હોય ત્યારે નિશ્ચિત પૂર્વધારણાઓ ત્યાગવાની જરૂર જણાયા વિના રહેતી નથી. ગાંધીહત્યા પ્રકરણમાં સામેલ નહીં હોવાને કારણે જેલમુક્ત થયા પછી સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)એ ૧૯૫૨માં પુણેમાં સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે એકમંચ પર આવીને ગાંધીને રાષ્ટ્રપિતા માનવા અંગે જાહેર અસંમતિ વ્યક્ત કરી હતી.૧૯૬૧માં સંઘની રાજકીય પાંખ જનસંઘના મહામંત્રી અને સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ ‘ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પરંતુ આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું તો માંડી જ વાળવું કે બંધ કરવું જોઈએ’ એવું ભારપૂર્વક કહ્યું હતું. હમણાં સંઘના વર્તમાન વડા ડૉ.મોહનજી ભાગવતે પણ તેમને ‘પુણ્ય પુરુષ’ લેખાવ્યા, ૧૯૬૩થી ‘એકાત્મ સ્તોત્ર’માં ગાંધીજીનું નામ જોડવામાં આવ્યાનું કહ્યું,એમને અનુસરવાની શીખ આપી, એમની કથની અને કરણીમાં કોઈ અંતર નહોતું એ વાતને  બિરદાવી; પણ એમના લેખમાં કે વડાપ્રધાન મોદીએ ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’માં પૂજ્ય બાપુ વિશે લખેલા લેખમાં ક્યાંય “રાષ્ટ્રપિતા” શબ્દપ્રયોગ કરવામાં આવ્યો નથી.
સંઘ શિબિરમાં મહાત્મા
હમણાં હમણાં સંઘના હોદ્દેદારો અને વિચારકોએ, મહાત્મા ગાંધીએ સંઘની શિબિરોમાં જઈને આ સંગઠનનાં વખાણ કર્યાની ભારે ગાજવીજ ચલાવી છે. ૨૫ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ મહાદેવ દેસાઈ અને મીરાબહેન સાથે મહાત્મા વર્ધાની શીતશિબિરમાં દોઢેક કલાક માટે ગયા હતા. એ વેળા મહાત્મા સંઘના સ્વયંસેવકોની શિસ્ત અને સવર્ણ-દલિતના ભેદ વિના સૌ હિંદુ હોવા બાબત પ્રસન્નતા વ્યક્ત કરી. અન્ય ધર્મના લોકોને પણ સંઘમાં સામેલ કરવાનું સૂચવ્યું પણ હતું.  બીજા દિવસે ડૉ.હેડગેવાર ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતનો સંદર્ભ પાલકરે તો કર્યો છે,પણ ફરીને દિલ્હીમાં સપ્ટેમ્બર ૧૯૪૭માં મહાત્મા સંઘના કાર્યક્રમમાં ગયા એ સંદર્ભે ૨૮ સપ્ટેમ્બર ૧૯૪૭ના ‘હરિજન’માં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ગાંધીજીની થોડા દિવસ પહેલાં ગુરુજી સાથેની બેઠકનો પણ ઉલ્લેખ છે. “સંઘ હુમલા કરવામાં માનતો નથી.એ અહિંસામાં પણ માનતો નથી.એ સ્વબચાવની કળા શીખવે છે.એ સામે હુમલા નથી કરતો.” ગુરુજીના આ બચાવનામાના શબ્દો પણ ટાંકવામાં આવ્યા છે. જોકે ગાંધીજીના સચિવ પ્યારેલાલલિખિત “મહાત્મા ગાંધી: પૂર્ણાહુતિ”ના ચોથા પુસ્તકમાં  સંઘ, ગુરુજી અને ગાંધી વિશે વિસ્તારથી નોંધવામાં આવ્યું છે. ગુરુજી ગાંધીજીને મળવા ગયા ત્યારે દિલ્હીમાં અને દેશમાં જુદાજુદા ભાગોમાં મોટા ભાગની ખૂનામરકીની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતો એ આક્ષેપને નકારતાં એમને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે “અમારી સંસ્થા હિંદુ ધર્મની રક્ષાને માટે છે, મુસલમાનોને મારી નાંખવા માટે નથી. તેને કોઈની પણ સામે વેર નથી. તે શાંતિ માટે ખડી છે.” ગાંધીજીના આગ્રહ છતાં ગુરુજીએ ‘ મુસલમાનોની કતલો અને કનડગત’ને વખોડતું નિવેદન કરવાનું ગુરુજીએ નકાર્યું હતું. નિરાશ્રિતોની છાવણીમાં સંઘના માણસોએ સુંદર કામ કાર્યનું કોઈએ કહ્યું ત્યારે મહાત્માનો પત્યુત્તર કાંઈક આવો હતો: “હિટલરના નાઝીઓએ તથા મુસોલિનીની આગેવાની નીચે ફાસિસ્ટોએ પણ એમ જ કર્યું હતું એ ભૂલશો નહીં.” ગાંધીજીના મતે, સંઘ “સરમુખત્યારશાહી  દ્રષ્ટિવાળી કોમી સંસ્થા” હોવાનું ટાંકવામાં આવ્યું છે. એ વેળા સંઘની રેલીમાં ગાંધીજીને આવકારતાં તેમને “હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ” તરીકે વર્ણવ્યા ત્યારે મહાત્માએ કહ્યું: “હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું, પરંતુ મારો હિંદુ ધર્મ અસહિષ્ણુ  કે વાડાબંધીવાળો નથી. મારી સમાજ પ્રમાણે, હિંદુ ધર્મની શોભા એ છે કે, બધા ધર્મોનાં સારાં તત્વો  તે અપનાવે છે. હિંદુઓ માનતા હોય કે, હિંદમાં સમાન અને માનવંત ધોરણે બિનહિંદુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિંદમાં રહેવા માંગતાં હોય તો, તેમણે ઊતરતા દરજ્જાથી સંતોષ માનવો રહ્યો અથવા મુસલમાનો માનતા હોય કે, પાકિસ્તાનમાં હિંદુઓ મુસલમાનોની મહેરબાનીથી કેવળ દાસ તરીકે જ રહી શકે, તો એથી હિંદુ ધર્મનો તેમજ ઇસ્લામનો અંત આવશે.” ૧૯૩૪ અને ૧૯૪૭માં મહાત્મા ગાંધી સંઘના કાર્યક્રમોમાં ગયા ત્યારે તેમણે અમુક બાબતોમાં હરખ કરવાની સાથે જ સંઘને સુણાવવાનું પણ પસંદ કર્યું છે.
હિંદુરાષ્ટ્રની વિભાવના
ક્યારેક રાજાશાહી હેઠળનું નેપાળ દુનિયાભરના દેશોમાંનું એકમાત્ર હિંદુરાષ્ટ્ર હતું. હવે તો નેપાળ સેક્યુલર રાષ્ટ્ર બની ચૂક્યું છે અને ચીન તરફી માઓવાદીઓ એના પર શાસન કરે છે. હમણાં સંઘના વર્તમાન સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવત પોતાનાં બૌદ્ધિકોમાં ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવવામાં અને હિંદુરાષ્ટ્રમાં મુસ્લિમોનો પણ સમાવેશ હોવાની વ્યાખ્યા કરતા વધુ જણાય છે. હિંદુરાષ્ટ્રના નામે વિતંડાવાદ નિર્માણ કરીને પ્રજાનું ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ થતો હોય તેવું વધુ લાગે છે. સરદાર પટેલ જ નહીં, ડૉ.બાબાસાહેબ આંબેડકરે પણ હિંદુ રાષ્ટ્રના ખ્યાલનો વિરોધ કર્યો હતો. નવાઈ તો એ વાતની છે કે ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીએ પણ પત્રકાર પરિષદ ભરીને હિંદુરાષ્ટ્રના વિચારને વખોડ્યાનું પશ્ચિમ બંગાળ ભાજપના સંઘનિષ્ઠ અધ્યક્ષ રહેલા અને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે મોદી સરકાર થકી નિયુક્તિ પામેલા તથાગત રોયે શ્યામાબાબુની જીવન કથામાં નોંધ્યું છે.
મહાત્માનું સંઘીકરણ 
સંઘવિચારક અને નવનિયુક્ત રાજ્યસભા સાંસદ પ્રા.રાકેશ સિંહાએ હમણાં પ્રકટ નિવેદન આપ્યું કે ગાંધીજી આજે હયાત હોત તો તેઓ સંઘના સ્વયંસેવક હોત.અંધજનના હાથીની કથાની જેમ સૌકોઈ મહાત્મા ગાંધીને પોતપોતાની રીતે મૂલવીને ગાંધી સાથે પોતાને જોડવાની સહેતુક કોશિશ કરે છે.મહાત્માની અહિંસક વિભાવના અને હૃદયપરિવર્તનની ભૂમિકાને સૌકોઈ પોતપોતાના ત્રાજવે તોળવાની કોશિશ કરે ત્યારે ગાંધીજી કોના એની ઝૂંટાઝૂંટનાં દ્રશ્યો વિશ્વ મંચપર ભજવાતાં જોવા મળે છે. મુંબઈ યુનિવર્સિટીમાં અમારી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના માર્ક્સવાદી પ્રાધ્યાપક સ.હ.દેશપાંડે ઢળતી સંધ્યાએ સંઘ ભણી પાછા વળ્યાનો મશહૂર કિસ્સો છે. કોંગ્રેસના નેતાએ જ સ્થાપેલી સંસ્થા આરએસએસની રાજકીય પાંખ સમો ભાજપ વર્તમાનમાં કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં સત્તાસ્થાને છે. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતિ ધરાવતી શિવસેનાના સુપ્રીમો સદગત બાળાસાહેબ ઠાકરે પણ ક્યારેક શિવતીર્થ (શિવાજી પાર્ક) શાખાના બાળ સ્વયંસેવક હતા. ૧૯૬૬માં એમણે મહારાષ્ટ્ર સરકારના કોંગ્રેસી મંત્રી બાળાસાહેબ દેસાઈના ટેકે શિવસેના સ્થાપી. છેક ૧૯૮૪માં હિંદુ મોજું જોઇને ભાજપ સાથે જોડાણ કર્યું ત્યાં લગી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સાથેનું એમનું સંવનન જળવાયું હતું. સામે પક્ષે વિદર્ભના બે સ્વયંસેવકો વસંત સાઠે અને પી.વી. નરસિંહરાવ ઇન્દિરાજીની કેબિનેટમાં સ્થાન ધરાવતા હતા કે મુખ્યમંત્રી તથા વડાપ્રધાનપદના હોદ્દા સુધી પહોંચ્યા હતા.  ધરતીનો છેડો ઘર એ ન્યાયે મૂળ ગોત્ર ભણી કોઈ પાછા વળે તો એને રસ્તો ભૂલ્યા એવું ના કહી શકાય.પ્રશ્ન માત્ર વિચારધારામાં અને હૃદયમાં કેટલું પરિવર્તન આવ્યું છે એનો જ છે. ગાંધીજી પ્રત્યે  દ્વેષભાવ છૂટી જાય અને એમને સંઘ-ભાજપ પ્રામાણિકતાપૂર્વક રાષ્ટ્રપિતા તરીકે સ્વીકૃતિ આપવામાં આવે તો એનાથી રૂડું બીજું શું? પણ ગાંધીજી અને ગોડસે બેઉને એકજ મ્યાનમાં રાખવાની કોશિશ થાય તો વાત હજમ થતી નથી. કારણ બહુ સ્પષ્ટ છે: એક, અહિંસાના પૂજારી છે, બીજા હિંસાના. બંનેના માર્ગ નોખા છે. લોકશાહીમાં ભિન્ન મતનો આદર કબૂલ પણ મહાત્મા ગાંધીને ખભે લઈને ગોડસેની પૂજા કરવાનું અશક્ય છે. આવતા દિવસોમાં આ બાબતનું નીરક્ષીર થવું અનિવાર્ય છે.
તિખારો
તારા અવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું?
ઘૂમે છે ખંડિયેરમાં પડઘાનો અંધકાર.
-     આદિલ મન્સૂરી
-મેઈલ:haridesai@gmail.com (લખ્યા તારીખ: ઓક્ટોબર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર દૈનિક રવિવારીય “ઉત્સવ” પૂર્તિ ૬ ઓક્ટોબર ૨૦૧૯ )

No comments:

Post a Comment