Saturday 31 August 2019

Dala Tarwadis of Political Arena

રાજકીય ક્ષેત્રના દલા તરવાડીઓ
કારણ-રાજકારણ :ડૉ.હરિ દેસાઈ·         બંધારણીય નહીં, છતાં ત્રણ કે પાંચ ડેપ્યુટી સીએમ!
·         સરદાર પટેલની “ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ”ની ભૂમિકા
·         સત્તાના ખેલમાં આઝાદી પહેલાંથી હોદ્દાની લહાણી

કર્ણાટકમાં ફરી ગાદીનશીન થયાના એકાદ મહિના પછી મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને કાંઈક અંશે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા: ૭૬ વર્ષના ભાજપીનેતાએ ત્રણ-ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ નિયુક્ત કરવાની સાથે અગાઉની પક્ષની સરકારોમાંના  નાયબ મુખ્યમંત્રીઓને પણ સરકારમાં મંત્રીપદ આપ્યાં! એવું નથી કે દેશમાં આવું પહેલીવાર થયું છે. અત્યાર લગી ઉત્તરપ્રદેશ સહિત બબ્બે નાયબ મુખ્યમંત્રી (દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય) સુધીની મજલનો ઈતિહાસ ધરાવનાર ભાજપની રાજ્ય સરકારો માટે આ ત્રિવેણીસંગમ (ગોવિંદ એ. કારજોલ, સી.એન. અસ્વસ્થ નારાયણ અને લક્ષ્મી સવાદી) જરા નોખી પરંપરા સ્થાપિત કરતો હતો. હમણાં આંધ્ર પ્રદેશના યુવા મુખ્યમંત્રી બનેલા વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડીએ તો દેશભરમાં નવો જ વિક્રમ સ્થાપ્યો છે. એમણે પાંચ-પાંચ નાયબ મુખ્યમંત્રી (અલ્લા નાણી, એ. બાશા શેખ બેપારી, કે. નારાયણ સ્વામી, પીલ્લી સુભાષચંદ્ર બોઝ અને પુષ્પા શ્રીવાની પમુલા) નિયુક્ત કર્યા છે. એટલું જ નહીં, હવે તો તેઓ આંધ્રપ્રદેશમાં ચાર-ચાર રાજધાની (વિજયનગરમ, કાકીનાડા, ગુંટૂર અને કડપ્પા) બાંધવાની વેતરણમાં છે. અત્યાર લગી જમ્મૂ-કાશ્મીર અને મહારાષ્ટ્ર જેવાં બે રાજ્યોમાં બબ્બે રાજધાનીઓ (હકીકતમાં એક રાજધાની અને એક ઉપ-રાજધાની)ની વાત સાંભળી હતી. મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુર તેમ જ હજુ હમણાં સુધી રાજ્ય રહેલા અને હવે કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા જમ્મૂ-કાશ્મીરમાં શ્રીનગર અને જમ્મૂ લોકોની ભાવનાનો આદર કરવા માટે કે વાતાવરણને અનુરૂપ રાજધાની ખસેડીને ત્યાંથી વહીવટ થતો રહ્યો છે. આંધ્ર પ્રદેશમાંથી ૨૦૧૪માં તેલંગણ અલગ રાજ્ય બનતાં રાજધાની હૈદરાબાદ તો તેલંગણમાં જતાં ૨૦૨૪ સુધી આંધ્ર પ્રદેશને તેની રાજધાની હૈદરાબાદમાં રાખવાની છૂટ છે. ત્યાં સુધીમાં એની નવી રાજધાની બાંધી લેવાનું નક્કી થયું હતું. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવનાર મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુની સરકાર થકી  હજારો કરોડને ખર્ચે આંધ્રની નવી રાજધાની અમરાવતી બાંધવાની યોજના હાથ ધરાઈ હતી. નવા મુખ્યમંત્રી રેડ્ડીએ એનો વીંટો વાળીને પોતાના રાજ્યની ચાર-ચાર રાજધાનીઓ બાંધવાની યોજના અંગે ૨૬ ઓગસ્ટે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત સમક્ષ મુખ્યમંત્રી રેડ્ડી રજૂઆત કરી છે. આ વાત સૌપ્રથમ ભાજપી સાંસદ ટી.જી.વેંકટેશ થકી જ પ્રકાશમાં આવી. અત્યારે દેશનાં જે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા છે એમાંથી અડધોઅડધ રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીપદની લહાણી કરવામાં આવેલી છે. ગોવા જેવાં બટુક રાજ્યોમાં પણ બબ્બે નાયબ મુખ્યમંત્રી રહ્યા છે.
નેહરુ-સરદારની સરકાર 
ક્યારેક વડાપ્રધાન પંડિત નેહરુની સરકારમાં નાયબ વડાપ્રધાન તરીકે સરદાર પટેલ જોડાયા હતા ત્યારે એ “ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ”ની ભૂમિકાના આગ્રહી હતા. એમણે નેહરુને પોતાનાં નેતા માન્યા હતા, પણ તેઓ મંત્રીમંડળના તમામ સભ્યોમાં વડાપ્રધાન“ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ” એટલેકે બધા સમાન સભ્યોમાં પ્રથમ ક્રમે આવનાર જ હતા. આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધીના અનુયાયી તરીકે સહયાત્રી હતા. વલ્લભભાઈના અત્યંત વિશ્વાસુ પત્રકારશિરોમણિ  દુર્ગા દાસસંપાદિત સરદાર પટેલ પરના દસ ગ્રંથની શ્રેણીમાં સરદાર-પુત્રી અને ૧૯૨૯થી તેમનાં અંગત સચિવ રહેલાં મણિબહેન પટેલ નોંધે છે કે સરદારને ક્યારેય વડાપ્રધાન થવાની મહેચ્છા નહોતી. એ તો ઑલિયા માણસ હતા. એમણે અનેકવાર નેહરુ સરકારમાંથી છૂટા થવાની તૈયારી પણ દાખવી હતી. જોકે મહાત્મા ગાંધીએ દેશના ગાડાના સુપેરે વહન અને વિકાસ માટે નેહરુ અને સરદાર બેઉની કાંધે ધૂંસરી મૂકવાનું પસંદ કર્યું હતું. જેલવાસ દરમિયાન બાપુના “આઝાદી પછી સરકારમાં કયું ખાતું લેવાના?” એવા પ્રશ્ન ઉત્તરમાં  સરદારે તો પોતાની વિરક્તિ અને બેફિકરાઈનો પરિચય આપતાં હળવી શૈલીમાં ચપણિયું લઈને બાવો થઇ જવાના સંકેત આપ્યા હતા. જોકે હવાઈ સ્વપ્નોમાં રાચતા જવાહર સાથે ધરતી સાથે પગ ખોડીને જીવતા વલ્લભભાઈને બાપુએ સહેતુક જ જોડ્યા હતા. નેહરુ પણ સરદારને પૂછ્યા વિના ભાગ્યેજ કોઈ નિર્ણય લેતા હતા. વડાપ્રધાન નેહરુ હતા,પરંતુ પ્રચલિતપણે એ સરકારને નેહરુ-સરદારની સરકાર ગણવામાં આવતી હતી.
મોરારજી-ચરણસિંહ-દેવીલાલ
નેહરુ-સરદારનો જમાનો નોખો હતો. ૧૯૬૬માં વડાપ્રધાનપદનાં બે આકાંક્ષી વ્યક્તિત્વો ટકરાયાં. મતદાનમાં ઇન્દિરા ગાંધી સામે મોરારજી દેસાઈ હાર્યા ત્યારે પક્ષમાં ભંગાણ ના પડે અને વરિષ્ઠ નેતાનું માન પણ જળવાય એટલા સારુ મોરારજીભાઈને નાયબ વડાપ્રધાન બનાવાયા હતા.રગશિયું ગાડું ઝાઝું ગબડ્યું નહીં. ૧૯૬૯માં નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી દેસાઈને પૂછ્યા વિનાજ વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવા સહિતનાં પગલાં લીધાં એટલે રેણવાળું મોતી ભાંગ્યું એટલું જ નહીં, આ જ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે બેંગલુરુના ગ્લાસ હાઉસમાં કોંગ્રેસમાં તિરાડ પડી. બેઉના માર્ગ નોખા પડ્યા. ઈન્દિરાજીની ઈમરજન્સી પછી માર્ચ ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી બાદ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. એમણે સત્તાકાંક્ષી અને વડાપ્રધાન બનવા આતુર ચૌધરી ચરણસિંહ અને જગજીવન રામને નાયબ વડાપ્રધાન તરીકે સ્વીકારવા પડ્યા. આ સંઘ કાશીએ જાય એવી સ્થિતિમાં નહોતો. ઇન્દિરાજીની ધરપકડ કરવા માટે ક્યારેક દુરાગ્રહી હતા એ જ ચરણસિંહે એમના ચરણમાં પડીને  વડાપ્રધાનપદ મેળવ્યું. જોકે લોકસભામાં વિશ્વાસનો મત મેળવ્યા વિના જ એ જ હોદ્દો ગુમાવ્યો. રાજીવ ગાંધીની સરકારમાંથી બોફોર્સ કાંડ સહિતના મુદ્દે છૂટા થયેલા વિશ્વનાથ પ્રતાપસિંહે ચૂંટણી પછી ભાજપ અને ડાબેરી મોરચાના ટેકે સરકાર રચી ત્યારે તો નવી જ ભવાઈનાં દર્શન થયાં.રાષ્ટ્રપતિ વેંકટરમણે વી.પી.ને વડાપ્રધાનના હોદ્દાના શપથ લેવડાવ્યા પછી ચૌધરી દેવીલાલ શપથ લેવાના હતા. રાષ્ટ્રપતિએ અગાઉથી વી.પી.ને જણાવી રાખ્યું હતું કે નાયબ વડાપ્રધાનનો હોદ્દો બંધારણીય નથી એટલે દેવીલાલે મંત્રી તરીકે જ શપથ લેવા પડે. જોકે જાટ નેતા શપથ લેવા મંચ પર આવ્યા અને રાષ્ટ્રપતિએ “મંત્રી” તરીકે શપથ લેવાનું ઉચ્ચારણ કર્યું ત્યારે દેવીલાલે તો “નાયબ વડાપ્રધાન” તરીકે જ શપથ લેવાનું રાખ્યું. એમને એક વાર ટોકવામાં આવ્યા પણ એમણે બીજી વાર પણ પોતે નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેતા હોવાનું કહેવાનું ચાલુ રાખ્યું. નાહક તમાશો થાય નહીં એટલે રાષ્ટ્રપતિએ પછી એમને કશું કહ્યું નહીં,પણ મામલો સુપ્રીમ કોર્ટે ગયો ત્યારે એટર્ની જનરલ સોલી સોરાબજીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે “બંધારણમાં નાયબ વડાપ્રધાનનો હોદ્દો નથી. દેવીલાલને ભલે નાયબ વડાપ્રધાન નિયુક્ત કરાયા હોય પણ તેઓ માત્ર મંત્રી તરીકે જ ફરજ બજાવશે. એમને વડાપ્રધાન તરીકેની કોઈ સત્તા પ્રાપ્ત થતી નથી.” સામાન્ય રીતે નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રી નિયુક્ત થતા હોય ત્યારે પણ તેમણે શપથ તો મંત્રી તરીકે જ લેવાના હોય છે. જોકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે ડિસેમ્બર ૨૦૧૭માં બીજીવાર હોદ્દો ગ્રહણ કરતી વખતે નીતિન પટેલે પોતે  “નાયબ મુખ્યમંત્રી” તરીકે શપથ લઈને ૧૯૮૯ના દેવીલાલ જેવા જ વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. છેલ્લે ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં એમના જ પક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણી નાયબ વડાપ્રધાન હતા. જોકે બધા પક્ષો પોતપોતાની વહીવટી અનુકૂળતા કાજે બંધારણમાં આવા હોદ્દાની જોગવાઈ નહીં હોવા છતાં એ અમલમાં લાવવા માટે પરંપરાનો આધાર લેતા રહ્યા છે.
આઝાદી પહેલાંનો સડો
સત્તાની સાઠમારી કંઈ આઝાદી પછી જ આવી એવું તો છે નહીં. આઝાદી પૂર્વે પ્રાંતોના મુખ્યમંત્રીઓ માટે પ્રીમિયર શબ્દપ્રયોગ થતો હતો.૧૯૩૭માં ચૂંટણી પછી મોટાભાગના પ્રાંતોમાં કોંગ્રેસી સરકારો રચાઈ હતી. એ વેળા બિહારમાં કોંગ્રેસની સરકારમાં ડૉ.અનુગ્રહ નારાયણ સિંહાને  ડેપ્યુટી પ્રીમિયર બનાવાયા હતા. એ પછી ૧૯૪૬માં પણ એ નાયબ મુખ્યમંત્રી રહ્યા. ભારતીય રાજ્યોમાં પણ  દેશનું બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લાગુ થયું. આ બંધારણમાં નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો સામેલ નહીં રાખવાનો નિર્ણય કરનારાઓમાં નેહરુ અને સરદાર પણ હતા જ. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ નેહરુ અને સરદાર અનુક્રમે વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન બન્યા હતા. જમ્મૂ-કાશ્મીરમાં તો છેક ૧૯૫૩ લગી મુખ્યમંત્રીને બદલે પ્રાઈમ મિનિસ્ટરનો અને રાજ્યપાલને બદલે સરદાર-એ-રિયાસતનો હોદ્દો રહ્યો. એ પછી જ એનું નામકરણ મુખ્યમંત્રી અને રાજ્યપાલ થયું. જમ્મૂ-કાશ્મીરના ડેપ્યુટી પીએમ તરીકે ૫ માર્ચ ૧૯૪૮થી ૯ ઓગસ્ટ ૧૯૫૩ લગી બક્ષી ગુલામ મોહમ્મદ રહ્યા. એ પછી તો શેખ અબદુલ્લા જેલવાસી થતાં બક્ષી સત્તારૂઢ થયા હતા. જમ્મૂ-કાશ્મીર હવે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવાયું છે. પણ છેલ્લે છેલ્લે ભાજપના નિર્મલ કુમાર સિંહ અને કવીન્દર ગુપ્તા નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો બંધારણીય નહીં હોવા છતાં દેશભરનાં અન્ય રાજ્યોમાં પણ ભાગ્યેજ કોઈપણ સત્તારૂઢ પક્ષના અપવાદ વિના તમામે સત્તાનાં કે જ્ઞાતિનાં સમીકરણોનો મેળ બેસાડવા માટે નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કરવાની પ્રથા અખંડ રાખી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના સી.ડી.પટેલ ઉપરાંત અમદાવાદના નરહરિ અમીન અને છેલ્લે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી રહ્યા છે. પિતાની સરકારમાં પુત્ર મંત્રી હોય એવા ઘણા દાખલા છે, પણ પિતા મુખ્યમંત્રી હોય અને પુત્ર નાયબ મુખ્યમંત્રી હોય એવી નોખી પણ સત્તાના કેન્દ્રીકરણ જેવી પરંપરા પણ આપણે ત્યાં રહી છે. તમિળનાડુમાં દ્રમુકના નેતા એમ.કરુણાનિધિની સરકારમાં એમના રાજકીય વારસ એવા પુત્ર એમ.કે.સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી હતા. પંજાબમાં અકાલી દળના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ હતા ત્યારે એમના પુત્ર સુખબીર સિંહ બાદલ નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. ક્યારેક નવી પેઢીને તૈયાર કરવાના નામે તો ક્યારેક સત્તાનાં ચોકઠાં ગોઠવવા માટે નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રીના હોદ્દાઓની લહાણી થતી રહે છે. બદ્ધેબદ્ધું દેશના વિકાસ, સારા વહીવટ અને પ્રજાના કલ્યાણના નામે થતું રહે છે. હવે આંધ્રની ચાર રાજધાનીઓની માંગણી મંજૂર કરવામાં આવે તો દેશની રાજધાનીઓમાં અત્યારની મુઘલો-બ્રિટિશ શાસકોએ સ્થાપેલી રાજધાની નવી દિલ્હી ઉપરાંત  નાગપુર, ચેન્નાઈ અને કોલકાતાનો પણ સમાવેશ કરવાની માંગણી થાય તોય બહુ આશ્ચર્ય નહીં થાય. દક્ષિણનાં રાજ્યોની અલગતાની ભાવના દૂર કરવા માટે ચેન્નાઈ, અગાઉ અંગ્રેજ શાસકોની રાજધાની હતી તે કોલકાતા અને દેશના  મધ્યમાં આવેલી નાગપુર નગરીને વિકેન્દ્રિત રાજધાની જાહેર કરવા પાછળના ઘણા તર્ક મળી રહે. આખરે પ્રજાએ તો મૂકપ્રેક્ષક બનીને જોયા જ કરવાનું છે.
તિખારો
કોઈ ફર્ક નહીં પડતા
ઇસ દેશ મેં રાજા કૌરવ હો યા પાંડવ
જનતા તો બિચારી દ્રૌપદી હૈ
કૌરવ રાજા હુએ તો ચીરહરણ કે કામ આયેગી
ઔર પાંડવ રાજા હુએ જુએ મેં હાર જાયેગી
-     સુરેન્દ્ર શર્મા
ઇ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૯ ઑગસ્ટ ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર દૈનિક રવિવારીય પૂર્તિ ‘ઉત્સવ’ ૧ સપ્ટેમ્બર ૨૦૧૯)

No comments:

Post a Comment