Wednesday 4 September 2019

Under political asylum Dalai Lama raising political controversies


ભારતના છ દાયકાથી શરણાર્થી દલાઈ લામાનાં રાજકીય ઉંબાડિયાં
ડૉ.હરિ દેસાઈ
·         રાજ્યાશ્રય આપનાર વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં ધર્મગુરુ ઓવારણાં લેતા, હવે ટીકા કરવા માંડ્યા
·         ભારતના સત્તાવાર ક્ષેત્ર ગણાતા પાકના નાપાક કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સીપેક હેઠળ બાંધકામ
·         વડાપ્રધાન વાજપેયી ૨૦૦૩માં ચીનના પ્રવાસે ગયા અને તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ જાહેર કરીને આવ્યા
·         શરણાર્થી તરીકેની શરતો તોડી ગાંધીજીની સત્ય અને અહિંસાની વાતો સાથે જ રાજકીય વિવાદ સર્જક નિવેદનો

તિબેટના ભારતમાં રાજ્યાશ્રય લઈને દુનિયાભરમાં વિહાર કરનારા બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા છાસવારે વિવાદસર્જક નિવેદનો કરવા માટે જાણીતા બન્યા છે. હમણાં ભારતની આંતરિક બાબતોમાં દખલ ગણાવી શકાય એવાં ભાગલા સંબંધી નિવેદનો એ કરી બેઠા છે. કાશ્મીર મુદ્દે પણ એમનાથી બોલ્યા વિના રહેવાતું નથી. નિવેદનો કરીને ફેરવી તોળવાની એમની ફાવટ ઘણી વાર ભારત સરકાર માટે પણ મૂંઝવણો સર્જે છે. તિબેટને હવે ચીનનું અંગ સ્વીકારતા થયેલા દલાઈ લામા બીજા ચીન એટલે કે તાઇવાન સાથેના ઘરોબાને કારણે પણ વિવાદમાં રહે છે. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં તાઇવાનથી ૬૦૦ જેટલા બૌદ્ધ સાધુઓ દલાઈ લામાની પૂજાઅર્ચના માટે ધર્મશાલા-મૈક્લોડગંજ આવીને રહે કે દલાઈ લામા તાઇવાનની મુલાકાતે વારંવાર જાય એટલે ચીન ગિન્નાય એ સ્વાભાવિક છે. ૮૪ વર્ષના આ ધર્મગુરુએ હમણાં નિવેદન કર્યું છે કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે.એમના અનુગામી તરીકે મહિલાની વરણી થઇ શકવાની પણ વાત એ કરતા રહ્યા છે. ક્યારેક તિબેટથી ભાગીને ભારત આવી ગયેલા દલાઈ લામા અને એમના અનુયાયીઓ તેમને રાજ્યાશ્રય આપનાર વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં ઓવારણાં લેતાં થાકતા નહોતા. હવે નેહરુ વિશે ટીકા કરવામાં પાછા પડતા નથી. મહાત્મા ગાંધી તો ભાગલાના વિરોધી હતા,મોહમ્મદ અલી ઝીણાને વડાપ્રધાન બનાવીને પણ એમણે ભાગલા ટાળવા હતા, પરંતુ  જવાહરલાલ નેહરુની સત્તાપિપાસા થકી ભાગલા પડ્યાનું કહીને પાછું એ ફેરવી તોળે છે. એવું જ હજુ તાજી બીબીસીની મુલાકાત અંગે પણ થયું. થોડા વખત પહેલાં  ભારતમાં બે વિરોધાભાસી ઘટનાક્રમ ચાલી રહ્યા હતા: એકબાજુ, સંસદની વિદેશી બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસી સાંસદ શશી થરુર એ વેળાનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને મળીને ડોકાલમ વિવાદ અંગે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના નોખા મત સહિતના મુસદ્દાને અભ્યાસ માટે સુપરત કરવાની કાળજી લેતા હતા. બીજી બાજુ,  છેલ્લાં ૬૦ વર્ષથી દેશમાં શરણાર્થી તરીકે રાજ્યાશ્રય મેળવીને રહેતા તિબેટના ૧૪મા ધર્મગુરુ દલાઈ લામા વિવાદસર્જક જાહેર નિવેદન કરતા રહ્યા છે. તેમણે વચ્ચે ગોવામાં  કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના ભાગલા ટાળવા માટે મોહમ્મદ અલી ઝીણાને વડાપ્રધાન બનાવવા તૈયાર હોવા છતાં પંડિત જવાહરલાલ નેહરુની એ પદ માટેની મહેચ્છાએ-લાલસાએ ભારત-પાકિસ્તાનના ભાગલા સર્જ્યા. ઇતિહાસની દ્રષ્ટિએ દલાઈ લામાની વાત ભલે આંશિક રીતે સાચી હોય તો પણ જે શરણાર્થી તરીકે આ દેશમાં વસે છે એમના થકી આવાં રાજકીય અવલોકન ના થઇ શકે. એમને જે શરતે રાજ્યાશ્રય આપવામાં આવ્યો છે,એનું અહીં ખુલ્લેઆમ ઉલ્લંઘન હોવાથી તે અનુચિત લેખાય. અત્રે એ યાદ રહે કે ડોકલામ વિવાદ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા જવાના હતા એ પહેલાં રખેને ચીન નારાજ થઇ જાય એવી આશંકાને કારણે સરકારે પ્રધાનોને દલાઈ લામાના કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવાથી દૂર રહેવાના નિર્દેશ આપ્યા હતા. જોકે પાછળથી તેમના મંત્રી મહેશ શર્મા અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી રામ માધવ તેમજ કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદી દલાઈ લામાના ભારતમાં આગમનનાં ૬૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ચોફેરથી ચીનનો ભરડો
આજે સ્વયં દલાઈ લામા તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ સ્વીકારીને પોતાની માતૃભૂમિમાં પાછા જવા ખૂબ ઉત્સુક છે, પણ  ચીન એમને “અત્યંત ખતરનાક ભાગલાવાદી અને રાષ્ટ્રદ્રોહી” ગણાવે છે; એટલું જ નહીં દુનિયાના બીજા દેશોના શાસકો આ ધાર્મિક નેતાને પોતાને ત્યાં નોતરે કે તેઓ એમને મળે એ સામે પણ બીજિંગ વાંધો લે છે. ભારતની ચોફેર આવેલા દેશોમાં ચીનનો પ્રભાવ એટલો વધતો ચાલ્યો છે કે એકવખતનું હિંદુરાષ્ટ્ર  નેપાળ હવે તેનું કહ્યાગરું સેક્યુલર રાષ્ટ્ર બન્યું છે, પાકિસ્તાન એનો ૩૪મો પ્રાંત લેખાય છે, ભૂટાન સૂડી વચ્ચે સોપારીની સ્થિતિ અનુભવે છે, શ્રીલંકા પોતાનાં બંદરો ચીન માટે ખુલ્લાં મૂકે છે, મ્યાનમાર અને બાંગલાદેશ એની સાથે ઘરોબો કેળવી આર્થિક સહાય મેળવે છે અને બટુકડું માલદીવ ભારતને હેલિકોપ્ટર હટાવી લેવા ફરમાવતું થયું છે.મુસ્લિમ બહુલ માલદીવના નવા રાષ્ટ્રપતિ ભલે ભારત તરફી ગણાવાતા હોય,પણ એ ચીનના ઓશિયાળા તો છે જ.  
રાજ્યાશ્રયથી ચીનની ખફગી
ભારત ૧૯૪૭માં આઝાદ થયું. સ્વતંત્ર દેશ તિબેટની રાજધાની લ્હાસા સાથે દિલ્હીના સંબંધો મધુર હતા.વર્ષ ૧૯૪૯માં માઓ ઝેડાંગના નેતૃત્વમાં ચીનમાં કમ્યુનિસ્ટ ક્રાંતિ થઇ અને સત્તા કબજે કરાઈ હતી.એના  બીજા જ વર્ષે તિબેટને પોતાનો પ્રદેશ ગણાવીને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના ૪૦,૦૦૦ સૈનિકોએ તિબેટના માત્ર ૧૨,૦૦૦ સૈનિકોને બાર જ દિવસમાં મહાત આપી તિબેટ  કબજે કરી લીધું હતું. એ પછી  તિબેટના ધાર્મિક અને શાસકીય નેતા દલાઈ લામા નવ-નવ વર્ષ સુધી ચીનના માઓ શાસન સાથે પોતાના ભાઈને બીજિંગ (એ વેળાના પીકિંગ) પાઠવીને સમાધાનની મંત્રણા કરતા રહ્યા હતા. મામલો એમની ધરપકડ સુધી જવામાં હતો ત્યારે એમણે ભારતના વડાપ્રધાન નેહરુને કરેલી વિનંતીનો સકારાત્મક ઉત્તર મળતાં જ એ અરુણાચલ પ્રદેશના તવાંગ માર્ગે ભારત આવી ગયા હતા. એમના પગલે તેમના  ૮૦,૦૦૦ જેટલા બૌદ્ધ શ્રદ્ધાળુઓ પણ ભાગીને ભારત આવ્યા. નેહરુ એમને સામેથી મળવા ગયા. કલાકો સુધી બંનેએ ચર્ચા કરી.ચીનની ખફગી વહોરીને પણ વડાપ્રધાન નેહરુએ દલાઈ લામા અને તેમના અનુયાયીઓને  શરણાર્થી તરીકે રાજ્યાશ્રય આપ્યો. એ પછી હિમાચલપ્રદેશના ધર્મશાલામાં તિબેટની પ્રજાના આ સર્વોચ્ચ ધાર્મિક નેતાને અનુરૂપ નિવાસ અને કાર્યાલયની સઘળી વ્યવસ્થા કરી આપી.આજ લગી તેઓ ત્યાં જ વસે છે. દુનિયાભરમાં ભારતના પીળા રંગના ઓળખપત્ર પર તેઓ અને તેમના અન્ય શ્રદ્ધાળુ મુસાફરી કરે છે.
૧૯૬૨માં ભારતનું નાક કપાયું
“હિંદી-ચીની ભાઈ ભાઈ”નો રાગ આલાપવામાં વડાપ્રધાન નેહરુથી લઈને તમામ ભારતીય રમમાણ હતા. ભારત સાથેના ચીનના આઠ વર્ષના પંચશીલ કરાર જેવાને પૂરા થવામાં હતા ત્યાં લુચ્ચા ચીને એની જાત દેખાડવાની શરૂઆત કરી. મૈત્રીના જાપ ચાલુ રાખીને જ વર્ષ ૧૯૬૨માં ચીને  ભારત પર અણધાર્યું આક્રમણ કર્યું. આ યુદ્ધમાં ભારતની ભારે ફજેતી થઇ. નેહરુને એના આઘાતમાં જ લકવો પડ્યો. એ ૧૯૬૪માં મૃત્યુ પામ્યા. નેહરુની અ મુદ્દે આજ લગી ભારે બેઇજ્જતી કરવામાં આવે છે, પણ આજે પણ ભારત અને ચીન વચ્ચેની સરહદોને અંતિમ સ્વરૂપ અપાયું નથી. ૧૯૬૨માં ભારતની પૂર્વ સરહદની ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટર અને આકસાઈ ચીન ક્ષેત્રની ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલી જમીન ચીને ગપચાવી. એટલું જ નહીં, પાકિસ્તાને ઓક્ટોબર ૧૯૪૭માં ગપચાવેલા  જમ્મૂ-કાશ્મીરના વિસ્તારમાંથી બંને દેશોએ મળીને વીસ વર્ષમાં કારાકોરમ હાઇવે બાંધી દીધો.અત્યારે ભારતના સત્તાવાર ક્ષેત્ર ગણાતા પાકના નાપાક કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચાયના-પાકિસ્તાન ઈકનોમિક કરિડોર(સીપેક) હેઠળ માત્ર મહામાર્ગ જ નહીં, ઊર્જા મથકો અને બીજા ઉદ્યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. ભારતના આ સામેના વિરોધની ઐસીકી તૈસી કરીને ચીન ગજગામિની રીતે આગળ વધી રહ્યું છે.
દલાઈ લામાના ઉધામા
વિશ્વશાંતિ અને માનવાધિકારોનો જાપ કરવા માટે દુનિયાભરમાં મશહૂર બનેલા નોબેલ પારિતોષિક વિજેતા દલાઈ લામા દાયકાઓ સુધી પોતાના ભાઈના વડપણ હેઠળ અને સંયુક્ત રાષ્ટ તથા અન્ય માનવ અધિકાર સંઘો મારફત તિબેટમાં ચીન થકી આચરવામાં આવી રહેલા અત્યાચારો સામે લડત ચલાવી. ઝાઝું કશું ઉકાળી શક્યા નથી.ચીને તિબેટને દેખાડા પૂરતું સ્વાયત્ત ગણાવ્યું છે,પણ હકુમત તો ચીની લશ્કરની જ ચાલે છે.બાકી હતું તે ભારત ભણીની  સરહદે તિબેટમાં લશ્કરી જમાવટ વધારી દીધી છે.બૌદ્ધ પ્રજા સાથે ચીનની હાનવંશી પ્રજાનું મિશ્રણ વધારી દેવાયું છે. વિશ્વનો છતપ્રદેશ લેખાતા તિબેટ સુધી રેલવે પહોંચાડીને ચીન હવે નેપાળ સુધી એને લંબાવવામાં છે. ભારતની ઉત્તર સરહદે જોખમ વધી રહ્યાં છે. તિબેટવાસીઓ અને દલાઈ લામાની  છેલ્લી આશા જનસંઘ અને એના નવા અવતાર ભાજપમાં હતી. જોકે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વર્ષ ૨૦૦૩માં ચીનના પ્રવાસે ગયા એ વેળા તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ જાહેર કરીને આવ્યા એટલે હવે તિબેટની સ્વતંત્રતા કે સ્વાયત્તતાનો પ્રશ્ન અભેરાઈએ ચડી ગયો છે.
ભારતમાં તિબેટી શરણાર્થી
તિબેટની બહાર વિશ્વમાં ૧૨૭,૯૩૫ જેટલા તિબેટિયનો વસતા હોવાનો આંકડો ભારતમાં ધર્મશાલા ખાતેના સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશને ૨૦૦૯માં કરાવેલી વસ્તીગણતરીને આધારે સત્તાવાર રીતે જાહેર કર્યો છે.જોકે અત્યારે એકલા ભારતમાં ૧૫૦,૦૦૦ જેટલા તિબેટિયન શરણાર્થી રહે છે. આમાં ભારતમાં જન્મીને ભારતીય નાગરિકતા લેનારાઓનો સમાવેશ નથી. મહદઅંશે તિબેટિયનો સ્વનિર્ભર હોય છે તેમ છતાં તેમના છ દાયકાના ભારતમાં વસવાટને કારણે ભારતીય અર્થતંત્ર પર ભારણ તો પડે જ છે. છેક ૧૯૫૯માં ભારત આવીને વસેલા દલાઈ લામા વિશ્વપ્રતિભા છે,પરંતુ એ ક્યારેય સ્વદેશ પાછા ફરી શકશે કે કેમ એ વિશે શંકા છે. જીવતેજીવ એકવાર તો વતન જવાની એમની ઈચ્છાને ચીન પરિપૂર્ણ કરાવવા તૈયાર નથી. અત્યારે મૈક્લોડગંજ ખાતે વસતા ૧૫,૦૦૦ જેટલા તિબેટિયનમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં અન્ય દેશોમાં સ્થળાંતરિત થઇ રહ્યાના અહેવાલ છે.
તિબેટની આરઝી હકૂમત
ધર્મશાલામાં તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુએ વર્ષ ૨૦૧૧થી ત્યાગેલા રાજકીય નેતાના હોદ્દા પર દુનિયાભરમાં વસતા તિબેટિયનો મતદાન કરીને આરઝી હકૂમત (ગવર્નમેન્ટ-ઇન-એક્ઝાઈલ)ના વડાપ્રધાનની વરણી થાય છે.આરએસએસના પ્રચારક, ”ઓર્ગેનાઇઝર”ના તંત્રી અને ભાજપના વિદેશ વિભાગના નેતા રહેલા શેષાદ્રિ ચારીને આ વિશે પૂછ્યું તો ચોંકાવનારી માહિતી મળી.તેમણે કહ્યું કે દલાઈ લામા અને તેમના ભારતમાં વસતા તિબેટવાસી શ્રદ્ધાળુઓ શરણાર્થી તરીકે અમુક શરતો પાળવા માટે બંધાયેલા છે. તેઓ કોઈપણ જાતની રાજકીય પ્રવૃત્તિ કરી શકે નહીં.વળી,આરઝી હકૂમત પણ સ્થાપી શકે નહીં. આમછતાં, દલાઈ  લામાની નિશ્રામાં તેમની આરઝી હકૂમતના વડાપ્રધાન જ નહીં, સંસદ અને એના બીજા પ્રધાનો તેમજ ગૃહના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સહિતના હોદ્દા તેમના વહીવટી તંત્રની સત્તાવાર વેબસાઇટ પર ઝળકે છે. સ્વયં દલાઈ લામા છાસવારે ગાંધીજીની સત્ય અને અહિંસાની વાતો કરવાની સાથે જ રાજકીય વિવાદ સર્જક નિવેદનો પણ કરે છે. ગોવામાં તેમણે કરેલા ગાંધી-નેહરુ અને ઝીણા અંગેના નિવેદન બાદ બેંગલુરુ જઈને એમણે એ વિશે ક્ષમાપ્રાર્થના કરી દીધી. અગાઉ  વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી વિશે પણ આવાં નિવેદન કરતા રહ્યા છે. ભૂતકાળમાં આ લેખક તેમને મુંબઈમાં ભોજન પર મળ્યો ત્યારે પણ એમણે ભારતીય રાજકારણ સંદર્ભે વાતો છેડી હતી.પોતાના અનુગામી વિશે પણ તેઓ વિવાદસર્જક નિવેદન કરે છે.ક્યારેક કોઈ મહિલા તેમની અનુગામી તરીકે ૧૫મા દલાઈ લામા તરીકે આવશે એવું પણ કહે છે. ધર્મગુરુ તરીકે અનેકોના આસ્થાસ્થાન એવા દલાઈ લામા જેવી વિભૂતિએ વિશ્વશાંતિ,અહિંસા અને ધર્મોપદેશ પૂરતું પોતાને સીમિત રાખવાની જરૂર ખરી.  
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment