Tuesday, 30 July 2019

Amit Shah's biography presents him as the Great Hero of Victory

વાત સરદાર પટેલના પેંગડામાં પગ ઘાલવા ઉત્સુક અમિત શાહની
ડૉ.હરિ દેસાઈ  
·         કૉંગ્રેસી કે ગાંધીવાદી દાદા, પિતા અને માતાના પરિવારમાં ઉછર્યા અને ૧૯૮૦માં સંઘના સ્વયંસેવક બન્યા
·         નરેન્દ્ર મોદીની ઝોળીમાં ઉત્તર પ્રદેશ લાવી આપનાર “જીતના મહાનાયક” શાહમાં ભારે સંગઠનાત્મક કુનેહ
·         “રામ લહેર” કરતાં “મોદી લહેર”માં ભાજપને વધુ બેઠકો નેતૃત્વ, સંગઠન અને સંઘ સાથેના સંકલનનું જ ફળ
·         રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ ચૂંટણીને આઉટસોર્સ કરી રહ્યાના ચારેકોરથી આક્રમણની સફળ વ્યૂહરચના     

બેઉની તુલના શક્ય જ નથી,પણ સાથે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પટ્ટશિષ્ય તરીકે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને “માય લીડર” પંડિત જવાહરલાલ નેહરુના અનન્ય સાથી તરીકે રાષ્ટ્રનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે યોગદાન કર્યું એવું સંઘ-ભાજપના મજબૂત નેતા લાલકૃષ્ણ આડવાણીના પટ્ટશિષ્ય અને “ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા” નરેન્દ્ર દામોદરદાસ મોદીના અનન્ય સાથી તરીકે અમિત શાહ ના જ કરી શકે એવું નથી. ચક્રવર્તી મોદીના ‘હનુમાન’માંથી હવે ‘ચાણક્ય’ ગણાવા માંડેલા અમિત અનિલભાઈ શાહ માત્ર કહ્યાગરા જ હોત તો સમગ્ર સંઘ પરિવારમાંથી એવા ઘણા મોદીનિષ્ઠો મળી ગયા હોત. આજે મૂળે વડનગરના મોઢ ઘાંચી પરિવારના નરેન્દ્ર મોદી કાશ્મીરી પંડિત પરિવારના બૅરિસ્ટર જવાહરલાલની વડાપ્રધાનની ખુરશી પર અને મૂળે માણસાના પુષ્ટિમાર્ગીય પરિવારના શાહ સરદાર પટેલની દેશના ગૃહમંત્રી તરીકેની ખુરશી પર બિરાજે છે. બૅરિસ્ટર-ત્રિવેણી ગાંધી-નેહરુ-સરદારનો યુગ નોખો હતો, વર્તમાનમાં મોદી-શાહનો યુગ નોખો છે. બંનેની સમસ્યાઓ નોખી હોય અને ઉકેલ લાવવાના ધખારા પણ નોખા હોય એ સ્વાભાવિક છે. પ્રશ્ન કોઈના નાના કે મોટા હોવાનો નથી, નેહરુ અને સરદારની વાતોનો પણ નથી.સમય વર્તમાન પડકારોને પ્રભાવીપણે ઉકેલીને લોકશાહીને મજબૂત કરવા અને પ્રજાને સુખી કરવાનો જ છે. વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી વામણાઓના યુગમાં આવી ગયા એટલે ફુગ્ગામાં હવા ભરીને વિરાટ થવાના એટલે કે માર્કેટિંગ થકી પોતાને સવાયા નેહરુ કે સવાયા સરદાર સાબિત કરે, એનો પણ પ્રશ્ન નથી. બંને નેતાઓની જોડી પોતપોતાનું યોગદાન કરીને આવતી પેઢીઓ એમના વિશે ગર્વ લઇ શકે એવું કંઇક કરી જાય, એમાં જ ગનીમત.
શાહના વ્યક્તિત્વમાં ડોકિયું
ગુજરાતમાં જનસંઘનાં પોસ્ટર ચોંટાડનાર છોકરડામાંથી વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવનાર રાજકીય પક્ષના અધ્યક્ષપદે પહોંચ્યા બાદ કેન્દ્રમાં ગૃહમંત્રી બનનાર સંઘનિષ્ઠ અમિત શાહની સંભવતઃ સર્વપ્રથમ જીવનકથા “અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા”  હમણાં યુનિવર્સિટીના એક અધિપતિએ કશુંક લખાય એ અપેક્ષાએ યાદ કરીને આપી ત્યારે ગમ્યું. અમારા અંગત ગ્રંથાલયમાં ખરીદીને વસાવેલી નરેન્દ્રભાઈની વીસેક જેટલી જીવનકથાઓ હશે,પણ એમ.વી.કામથલિખિત લગભગ સર્વપ્રથમ જીવનકથાની પ્રસવપીડાની કામથમુખે સાંભળેલી કથા ન્યારી છે. અમિતભાઈની આ જીવનકથા અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી જેવા ‘અપનેવાલે” થકી સંભવતઃ શાહ વિશેનાં “અનુમાનો, અટકળો, માન્યતાઓ અને પૂર્વગ્રહો” દૂર કરવાના પ્રયાસરૂપ લખાયેલી વધુ લાગી. જોકે એમાંથી પસાર થતાં “રૂથલેસ” અને “વિવાદાસ્પદ” મનાતા અમિતભાઈના પરિશ્રમ અને સફળતાની વાસ્તવવાદી ભૂમિકાનાં દર્શન થયાનું કબૂલવું પડે. લાભાર્થીઓ થકી ક્યારેક કેટલાક રાજકીય સત્તાધીશોના સૂર્યોદય કે અરુણોદય પછી સૂર્યાસ્તની કલ્પનગાથાઓય લખાતી હોય છે ત્યારે આ બંને લેખકોએ શાહની અંગત જિંદગી અને સાબરમતી જેલમાં વિતાવેલા ત્રણ મહિના અને એ પછી “ગુજરાત સે નિષ્કાસન કા વક્ત ભી શાહ ને એક મકસદ કો જીતે હુએ બિતાયા”ની વાત ખૂબ ટૂંકમાં કરીને પક્ષની બાંધણી માટેના એમના પરિશ્રમની કહાણી સુપેરે મૂકાઈ છે. કાર્યકર્તાઓ સાથે જ નહીં, પ્રજા સાથે પણ સીધો અનુબંધ બાંધવાની અમિતભાઈની ફાવટ પર આ જીવનકથા કે જીવનની આછેરી ઝલક પ્રકાશ પડે છે.
માતા કુસુમબહેનનો પ્રભાવ
અમિત શાહના બાળપણ અને ઉછેર વિશે તથા પ્રારંભિક ઘડતર સંદર્ભે  “અપનેવાલે” લેખકદ્વયને કૉંગ્રેસી પરિવાર જેવો શબ્દ ઉપયોગમાં લેવાનું ઝાઝું પસંદ નથી,પણ એના પર્યાય ગાંધીવાદી પરિવારનો વારંવાર ઉપયોગ કરાયો છે. એમને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે: “મારા દાદા અને પિતા ગાંધીવાદી છાવણીના હતા.મારાં મા પણ કટ્ટર ગાંધીવાદી હતાં અને મોટાભાગના વરિષ્ઠ નેતાઓ તેમને જાણતા હતા.” માણસાના નગરશેઠ એવા દાદાના મહર્ષિ અરવિંદ સાથેના અંતરંગ સંબંધોની યાદીરૂપ જતન કરાયેલી ખુરશી અને અરવિંદ-સાવરકર ભણીની આસ્થામાં અમિત શાહના બાળપણથી જોડાણમાં અને ભારતીયતા ભણીના આકર્ષણને પુસ્તકમાં પ્રતિપાદિત કરાયું છે.૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ મુંબઈમાં સમૃદ્ધ “નાગર” વૈષ્ણવ પરિવારમાં અનિલચંદ્ર અને કુસુમબહેનના ઘરમાં જન્મેલા અમિતભાઈના ક્રિકેટ અને શતરંજના શોખનો પણ ઉલ્લેખ આવે છે,પરંતુ હજુ અન્ય નેતાઓની જેમ એમના બાળપણના રોચક કે સાહસી કિસ્સાઓનું ઉમેરણ કર્યું નથી. એને બદલે લેખકોએ મણિબહેન વલ્લભભાઈ પટેલના મહેસાણા લોકસભા ચૂંટણી પ્રચારમાં પોસ્ટરો લગાવતા ૧૩ વર્ષના ગાંધીવાદી પરિવારના આ છોકરામાંથી “શિખર તક યાત્રા”માં કલ્પનો કરતાં સહજ જીવનનો વધુ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. “શાહના જીવન પર માતાનો ખૂબ મોટો પ્રભાવ હતો.ખાદી પહેરવાની પ્રેરણા પણ માતા કનેથી જ મળી હતી.” ૧૯૮૦માં શાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાય છે અને એ જ વર્ષે ભાજપની સ્થાપના થાય છે. એ ઘટનાક્રમમાં જ ૧૬ વર્ષના આ કિશોરનો, વાયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભાજયુમોના માધ્યમથી, રાજકીય પિંડ પણ બંધાય છે. આજે ૫૫ વર્ષના શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જ નહીં, દેશના ગૃહમંત્રી તરીકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય વારસ લેખાવા માંડ્યા છે. આખા પુસ્તકમાં એમની મુખ્યમંત્રી બનવાની મહેચ્છા અને આનંદીબહેન પટેલ સાથેની “સ્પર્ધા”નો ઉલ્લેખ જોવા મળતો નથી. મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી કેટલાક ખટલાઓમાં તેમના “એન્કાઉન્ટર”ના પ્રતાપે આવી પડેલા માઠા દિવસોમાં પણ એમના ચહેરે વેદના જોવા નહીં મળ્યાનું પણ સવિશેષ નોંધાયું છે. શાહ પરિવારના માણસ (ફેમિલી મેન) છે. ૧૯૮૭માં સોનલબહેન સાથે લગ્ન થયા પછી રાજકીય વ્યસ્તતાઓ વચ્ચે પણ દિવસમાં એકવાર પત્ની સાથે અને પૌત્રી રુદ્રી સાથે ફોન પર વાત કરવાનું એ ચૂકતા નથી. વિદેશ પ્રવાસો બહુજ ઓછા કરે છે. ક.મા.મુનશીને વાંચવાનો શોખ ધરાવે છે.
મોદીભક્તનો રાજકીય પરિશ્રમ
અમિત શાહ વિશે હજુ આવતા દિવસોમાં વધુ પુસ્તકો આવશે,પણ ૨૦૧૯ની ચૂંટણીમાં કાર્યકર્તાઓ માટે રાષ્ટ્રીય અધ્યક્ષના રાજકીય અને વ્યક્તિગત જીવન વિશેના આ દસ્તાવેજના માધ્યમથી જનસમુદાયને પરિચય કરાવવા ઉપરાંત અન્યોને પણ પ્રેરણા બક્ષવાનો હેતુ હોય એવું અવશ્ય લાગે છે. સામે પૂર તરીને પણ મિશન પૂરું કરવામાં અમિતભાઈનો જોટો જડવો મુશ્કેલ છે. સતત પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓ અને પ્રજા સાથે સંવાદ, મુશ્કેલ ઑપરેશન પાર પાડવાનું દ્રઢ મનોબળ તેમજ નરેન્દ્રભાઈ સાથે ગજબનાક ટ્યૂનિંગનો ત્રિવેણીસંગમ ભાજપને ફરીને દેશમાં સત્તા સુધી લઇ જવા માટે પ્રેરક બન્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસ પરના સીધા પ્રહારો, કૉંગ્રેસમાંથી મહત્વની વ્યક્તિઓને ભાજપ સાથે જોડીને રાજકારણ અને ધર્મકારણ તેમજ અર્થકારણનો ત્રિવેણીસંગમ કરાવી સત્તા સુધી યેનકેન પ્રકારેણ પહોંચવાની એમની આક્રમકતાની પાર્શ્વભૂ સમજવા માટે આ પુસ્તક વાંચવું જ નહીં, મમળાવવું પણ અનિવાર્ય છે. મોદી-શાહની સેનાના આક્રમણ સામે ટકવું રાહુલબાબા માટે મુશ્કેલ થાય એટલી હદે વાકપ્રહારો કરવાની વ્યૂહરચના સામેવાળી સેનાને પણ વેરવિખેર કરતી રહી છે. રાહુલની કૉંગ્રેસ ચૂંટણી લડતી નથી,પણ એ ચૂંટણીને  આઉટસોર્સ કરી રહ્યાની વાતનો ગોકીરો મચાવે છે. મોદી-શાહના સ્પર્શનો પારસમણિ સહયાત્રી બનનારાઓનાં પાપ ધોવાની જડીબુટ્ટી બની રહે છે. મોદીના વિચારને શાહ સાકાર કરવાનું કામ કરે છે.મહાત્મા ગાંધીના વિચારને ક્યારેક સરદાર પટેલ સાકાર કરતા એવું જ કંઇક. જોકે બંને સમયગાળાના મહારથીઓની તુલના કરવી અશક્ય હોવા છતાં યુગ બદલાતાં મૂલ્યો પણ  બદલાય છે એ વાતને સ્વીકારવી પડે. અમિત શાહ માત્ર નરેન્દ્ર મોદીનો પડછાયો નથી પરંતુ એમનું આગવું વ્યક્તિત્વ પણ છે, એ વાત સ્વજનો થકી લખાયેલી છતાં આત્યંતિક યશગાથામાં સરી જવાના દોષથી મુક્ત એવી આ જીવનીમાં અનુભવાય છે. જોકે શાહની રાજકીય સફરનાં ૨૦૧૪થી ૨૦૧૮ લગીના માત્ર ચાર વર્ષના સમયગાળામાં ભાજપના અશ્વમેધનો જ સવિશેષ પરિચય અહીં મળે છે. એટલે એમના બહુઆયામી વ્યક્તિત્વની તટસ્થ છણાવટ માટે બિન-લાભાર્થી લેખક-સંશોધક થકી પૂર્ણ જીવનકથા લખાય અને નીરક્ષીર થાય એની પ્રતીક્ષા જરૂર રહે છે.
ઇ-મેઈલ: haridesai@gmail.com 

Sunday, 28 July 2019

Unnecessary Controversy about nearing 100 year RSS History Teaching


શતાબ્દી ભણીના સંઘનો ઈતિહાસ ભણાવવાનો વિવાદ
કારણ-રાજકારણ : ડૉ.હરિદેસાઈ
·         માત્ર રાજકીય જ નહીં,તમામ ક્ષેત્રોમાં પ્રભાવ છતાં ભણતરમાં ‘અછૂત’
·         નિષ્ઠાવંત શાસકોનાં રાજ્યોમાં ય ઓળખમાં સાવ જ વિકૃતિનાં દર્શન
·         ક્રાંતિકારીઓનું મહિમામંડન પણ ગાંધીજીના અનુસરણની ય હકીકત 

છેક ૧૯૬૭થી દેશનાં વિવિધ રાજ્યોમાં જે સંસ્થાના રાજકીય ફરજંદ સમા જનસંઘ કે ભારતીય જનતા પક્ષની સરકારો રહી હોય, જે સંસ્થાએ રાષ્ટ્રીય આપત્તિ ટાણે મનમૂકીને જનસેવા કરી હોય અને જેના રાજકીય ફરજંદ એવો ભાજપ દાયકા કરતાં વધુ સમયથી (વાજપેયીયુગ અને મોદીયુગ મળીને) દેશ પર રાજ કરતો હોય; એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ઈતિહાસને શાળાઓ અને કૉલેજો તેમજ યુનિવર્સિટીઓમાં ભણાવવાથી ઓઝલ રાખવાનું કારણ સમજાતું નથી. હમણાં સંઘના મુખ્યાલયવાળા નાગપુરની તુકડોજીમહારાજ નાગપુર યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીમાં એ ભણાવવાની માંગ ઊઠી એને પગલે ગુજરાતની યુનિવર્સિટીઓમાં પણ અનુસ્નાતક કક્ષાએ એનું પ્રકરણ ભણાવવાનું  સૂચવાયું. સૌરાષ્ટ્રમાં વિવાદ થયો અને પારોઠનાં પગલાં ભરાયાં.બાત કુછ હજમ નહીં હુઈ: દાયકાઓથી દેશનાં સામાજિક, રાજકીય અને અન્ય તમામ ક્ષેત્રોમાં પ્રભાવ પાડનારા સંઘના ઈતિહાસને ભણાવવાનો અમે છેલ્લા કેટલાક દાયકાઓથી ગાઇવગાડીને આગ્રહ કરતા રહ્યા છીએ.વર્ષોથી સમયાંતરે જનસંઘ અને એના નવઅવતાર ભાજપની સરકારો ધરાવતા રહેલા રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તો સંઘના ઈતિહાસને પાઠ્યપુસ્તકોમાં દાખલ કરવાની જરૂર હતી,પરંતુ  નવાઈ એ વાતની છે કે સંઘના સ્વયંસેવકો જ શાસકો હોવા છતાં એમનાં રાજ્યોમાં પણ સંઘનો સાચો ઈતિહાસ ભણાવવામાં સંકોચ અનુભવે છે.ભારત પર ચઢાઈ કરીને કે વેપાર કરવા આવીને એને સદીઓ સુધી ગુલામ બનાવનારા શાસકોનો ઈતિહાસ ગર્વભેર ભણાવાય છે.યુરોપ અને અમેરિકાનો કે આફ્રિકી દેશોનો ઈતિહાસ પણ ભણાવાય છે;ઘરઆંગણે ભારતદ્રોહ કરીને અલાયદું પાકિસ્તાન મેળવનાર મુસ્લિમ લીગનો ઈતિહાસ ભણાવાય છે,કૉંગ્રેસ અને કમ્યૂનિસ્ટોનો ઈતિહાસ ભણાવાય છે; પણ મૂળ કૉંગ્રેસી ડૉ.કેશવ બલિરામ હેડગેવાર અને સાથીઓએ ૧૯૨૫માંસ્થાપેલા સંઘનો ઈતિહાસ ભણાવાય એ વિશે વિવાદ થવાની શક્યતા માત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની શિક્ષણ સંસ્થાઓના અધિપતિઓ આઘા રહેવાનું પસંદ કરે છે!
સંઘના ઇતિહાસનું વિકૃતીકરણ
ભારતીય સંસ્કૃતિમાં ભિન્ન મતનો આદર કરવાની પરંપરા પરાપૂર્વથી રહી છે. એ માટે પશ્ચિમી વિચારક વોલ્તેર સુધી લાંબા થવાની જરૂર નથી.ઘરઆંગણે જ ચાર્વાક ઋષિની ફિલસૂફી ઉપલબ્ધ છે જ. જૈન ધર્મની અનેકાન્તવાદની પરંપરા ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. કાર્લ માર્ક્સના સાથી એન્જલ્સે અદ્વૈત વેદાંતમાંથી અમુક  ફિલસૂફીની ઉઠાંતરી કર્યાનું ભારતમાં કમ્યૂનિસ્ટ પક્ષના સંસ્થાપક શ્રીપાદ અમૃત ડાંગેએ જ નોંધ્યું હોય ત્યારે બીજા પુરાવાની જરૂર ક્યાં છે? ૧૯૨૫માં નાગપુરમાં ડૉ.હેડગેવાર અને બીજા ૨૫ જેટલા સાથીઓએ સંઘની સ્થાપના કરી હતી. આજે એ સંઘની શાખા-પ્રશાખાઓ વટવૃક્ષ બની દુનિયાભરમાં પ્રભાવ પાડી રહી છે.સંઘના પ્રથમ સરસંઘચાલક (પ્રમુખ) ડૉ.હેડગેવારની સાથેના સંસ્થાપક સરકાર્યવાહ (મહામંત્રી અથવા વહીવટી વડા) બાળાજી હુદ્દાર તો દેશના નામાંકિત કમ્યૂનિસ્ટ નેતા બન્યા હતા. એમના વિચારપરિવર્તન પછી પણ ડૉ.હેડગેવાર તેમને શીતશિબિરમાં વક્તા તરીકે તેડાવે એટલી મોકળાશ સંઘના સંસ્થાપકમાં હતી.જયારે ચર્ચાની મોકળાશને સીમિત કરી દેવાય કે ભિન્ન મતનો આદર કરવાનું ટાળવામાં આવે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તેનું વરવું ઉદાહરણ ગુજરાત સરકારના અનુદાનથી જ વર્ષ ૨૦૦૬માં પુનઃપ્રકાશિત “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૯”માં રજૂ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના “રાજકીય પક્ષ”માં જોવા મળે છે. આ સંદર્ભ ગ્રંથ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે અધિકૃત લેખાય છે. સરકારી અનુદાન મેળવતી પ્રતિષ્ઠિત ભો.જે.વિદ્યાભવન નામક સંશોધન સંસ્થાએ એનું પ્રકાશન કર્યું છે. એમાં સંઘના સ્થાપક ડૉ.હેડગેવાર જર્મનીમાં થોડો વખત રહ્યા અને ત્યાંના લોકોની શિસ્તથી પ્રભાવિત થઈને તેમણે આ સંસ્થા સ્થાપ્યાનું નોંધવામાં આવ્યું છે. “પાછળથી હિંદુ જાતિના સંગઠન અને પુન:જીવન  અને હિંદુ સંસ્કૃતિના સંરક્ષણ માટેના રાષ્ટ્રીય પક્ષ તરીકે એનો વિકાસ થયો.” હકીકતમાં ડૉ.હેડગેવાર ક્યારેય જર્મની તો શું, ભારત બહાર ક્યાંય ગયા જ નહોતા. છોગામાં  સંઘ એ રાજકીય પક્ષ નથી. એ  સાંસ્કૃતિક સંગઠન તરીકેની પોતાની ઓળખ જાળવે છે.સંઘના સ્વયંસેવક સદગત સુંદરલાલ પટવા જયારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે એમના રાજ્યમાં ભણાવાતું હતું કે સંઘની સ્થાપના ડૉ.બી.એસ.મુંજેએ ૧૯૨૮માં કરી હતી!
બૉર્ડ ઑફ સ્ટડીઝમાં અભ્યાસક્રમ
આઝાદીના સાત દાયકા પછી પણ લૉર્ડ મૅકોલેને શિક્ષણ વ્યવસ્થા માટે ભાંડવાની પરંપરા અખંડ રહ્યાનું હાસ્યાસ્પદ લાગ્યા વિના રહેતું નથી.આઝાદી પછી કૉલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ ઘડવા માટે સ્વદેશી નિષ્ણાતોનાં બૉર્ડ ઑફ સ્ટડીઝ કાર્યરત રહ્યાં છે.કેન્દ્ર કે રાજ્યમાં કોઈપણ પક્ષની સરકાર હોય, અધ્યાપકોના સમાવેશવાળા આ બૉર્ડની જવાબદારીમાં ભાગ્યેજ કોઈ દખલ થતી હોય છે.કેન્દ્ર સરકારની શિક્ષણ સંસ્થાઓ પ્રત્યેક રાજ્યમાં ભણાવવા અંગે માત્ર માર્ગદર્શિકા જ પાઠવે છે. એને અનુરૂપ અને સ્થાનિક સંજોગોને અનુરૂપ અભ્યાસક્રમ ઘડીને પાઠ્યપુસ્તક તૈયાર કરવાની જવાબદારી જે તે રાજ્યની છે.પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં પણ વિષયના નિષ્ણાતો જ હોય છે.સરકારીતંત્ર તો માત્ર એના છાપકામ અને વિતરણ- જવાબદારી નિભાવે છે.આવા સંજોગોમાં શાસનવ્યવસ્થાના એટલે કે પૉલિટીનો ગ્રંથ નામે  કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર” નહીં  ભણાવવાના નિર્દેશો સાત દાયકા દરમિયાન કોઈ સરકારે આપ્યા નથી, છતાં અત્યારે પણ ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં, સંસ્કૃત જેવા વિષયમાં અલપઝલપ ભણાવાય તેને બાદ કરતાં,“અર્થશાસ્ત્ર” જેવા બેનમૂન ગ્રંથને ક્યાંય ભણાવવામાં આવતો નથી. એનાથી વિપરીત વિદેશોમાં એને ભાવથી ભણાવીને મૅકિયાવેલી કરતાં હજાર-બે હજાર વર્ષ પહેલાં થઇ ગયેલા આ વિદ્વાન અંગે ગહન સંશોધન થાય છે. દિલ્હી યુનિવર્સિટીમાં સંઘનો ઈતિહાસ ભણાવવાથી જાણે કે ધરતી રસાતાળ થઇ જશે, એવો ઉહાપોહ હમણાં મચાવાયો,એ સાવ જ અસ્થાને હતો.રાષ્ટ્રસંત તુકાડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં એ અભ્યાસક્રમમાં દાખલ કરાય એ સામે ઝાઝો કકળાટ થયો નથી. જો થાય તો પણ એ વિશે  જાહેર ચર્ચા થઇ શકે.જે રીતે નવી શિક્ષણ નીતિના મુસદ્દા અંગે સમર્થકો અને વિરોધીઓનો મત જાણ્યા પછી જ નીતિને અંતિમ સ્વરૂપ અપાય એ આવકાર્ય છે, એમ જ સ્વસ્થ ચર્ચા કરીને સંઘના ઈતિહાસને ભણવવા સામે વાંધો શાને, એ જાણવું જરૂરી છે.માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા સાથે સંઘના નામની સંડોવણી કરીને વિવાદ મચાવનારાઓએ એ વિશે સરદાર પટેલના પત્રોમાં ઝળકતો મત વાંચી જવાની જરૂર ખરી. અહીં વ્યક્તિપૂજાનો પ્રશ્ન નથી.કૉંગ્રેસની સરકાર સંજય ગાંધી પર પાઠ દાખલ કરાવે કે લાલુ પ્રસાદ વિશેનો પાઠ એમના પુત્ર  નાયબ મુખ્યમંત્રી હોય ત્યારે બિહારમાં ભણાવાય એ સામે વિરોધ થઇ શકે; પરંતુ ભારતના રાજકીય ઘટનાક્રમમાં સંજય ગાંધી કે લાલુપ્રસાદના સમયગાળાને ભણાવાય તો એમાં ખોટું કશું જ નથી. ભારત સરકારની સંસ્થા  એનસીઈઆરટીનાં વર્ષ ૨૦૧૯માં પ્રકાશિત પાઠ્યપુસ્તકોમાં આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગોધરા-અનુગોધરા રમખાણો સંદર્ભે “રાજધર્મ”ની તેમને આપેલી શીખ ભણાવાય જ  છે.
ગાંધીવાદી અને ક્રાંતિકારી લડવૈયા
આઝાદીની ચળવળમાં ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલનારા સ્વાતંત્ર્યસૈનિકો સાથે જ શસ્ત્રો થકી ક્રાંતિ દ્વારા આઝાદી મેળવવાના માર્ગને અનુસરનારા પણ હતા. સંઘ આવા ક્રાંતિકારીઓનો પક્ષધર છે. ગાંધીજી અને ઝીણાના વિવાદ પછી દેશભરમાં મહાત્મા છવાઈ ગયા એ ૧૯૨૦નું કૉંગ્રેસનું નાગપુર અધિવેશન હતું. નાગપુર કૉંગ્રેસના સહમંત્રી તરીકે ડૉ.હેડગેવાર ૧૯૨૦માં નાગપુરમાં મળેલા કૉંગ્રેસના આ અધિવેશનની સ્વાગત સમિતિના ૫૧મા ક્રમના સભ્ય હતા. છેક ૧૯૩૭ સુધી એટલેકે મૃત્યુ અગાઉનાં ત્રણ વર્ષ પહેલાં સુધી નાગપુર કૉંગ્રેસના અગ્રણી રહેલા ડૉ.હેડગેવાર મહાત્મા ગાંધીના અનુયાયી તરીકે બબ્બે વાર સત્યાગ્રહમાં સહભાગી થતાં કારાવાસ પણ ભોગવી ચૂક્યા હતા. એટલું જ નહીં, ૧૯૨૯ના ડિસેમ્બરમાં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળેલા કૉંગ્રેસના અધિવેશનના પૂર્ણ સ્વરાજના ઠરાવનું પાલન કરીને તેમણે સંઘની પ્રત્યેક શાખાને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવા આદેશ આપ્યો હતો.વર્તમાન વડાપ્રધાન મોદીએ મુંબઈમાં બે દાયકા પહેલાં “મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તક” તરીકે ના.હ.પાલકરલિખિત  “ડૉ.હેડગેવાર ચરિત્ર” પર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. આરએસએસના સંસ્થાપકની પાલકરલિખિત અધિકૃત જીવનકથા ઉપરાંત વર્તમાન સાંસદ પ્રા. રાકેશ સિંહાલિખિત અને “આધુનિક ભારતના નિર્માતા”  શ્રેણીમાંભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા ૨૦૧૬માં પ્રકાશિત ડૉ.હેડગેવારની જીવનીમાં વિગતે નોંધવામાં આવ્યું છે કે  કોલકાતા મૅડિકલ કૉલેજમાં ભણતા હતા ત્યારે કેશવરાવ  ક્રાંતિકારીઓની ગુપ્ત સંસ્થા અનુશીલન સમિતિના  સભ્ય હતા.સિંહા નોંધે છે કે ૧૯૧૦-’૧૫ના ગાળામાં હેડગેવાર જયારે પણ નાગપુર આવતા ત્યારે પોતાની સાથે ગુપ્ત રીતે શસ્ત્રો લઇ આવતા હતા. પોલીસ ચોકી પર બૉમ્બ ફેંકવાના કેસમાં એ પકડાયા પણ હતા, પણ નાની વયને કારણે છૂટી ગયા હતા. ડૉ.હેડગેવાર સંઘના સંસ્થાપક હતા અને એમના અનુગામી દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર  (ગુરુજી)એ સંઘની વિચારધારાને સ્થાપિત કરવાનું કામ “બંચ ઑફ થૉટ્સ” થકી કર્યું એટલું જ નહીં, ૧૯૫૧માં નેહરુ સરકારમાંથી છૂટા થયેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સાથેની ચર્ચાવિચારણાને પગલે સંઘની રાજકીય પાંખ તરીકે ભારતીય જનસંઘની સ્થાપના કરાવી હતી. પ્રથમ લોકસભામાં ડૉ.મુકરજી સહિત માત્ર ૩ સભ્યોથી શરૂઆત કરનાર સંઘનિષ્ઠ રાજકીય પક્ષનો નવઅવતાર ભાજપ આજે ૫૪૩માંથી ૩૦૩ બેઠકો ધરાવે છે.ગઈ લોકસભા ચૂંટણીમાં એને ૨૮૨ બેઠકો મળી હતી.ઉપરાંત દેશનાં ૧૨-૧૩ રાજ્યોમાં તેના મુખ્યમંત્રી હોય અને બીજાં મોટાભાગનાં રાજ્યોમાં તેના મિત્ર પક્ષોની સરકારો હોય એ ઓછી ઉપલબ્ધિ નથી.આટલી મોટી હરણફાળ ભરનાર રાજકીય પક્ષની માતૃસંસ્થાના  ઈતિહાસને ભણાવવામાં સંકોચ કરવો કે વાંધાવચકા કરવામાં આવે એને કમનસીબ ઘટનાક્રમ જ લેખાવવો ઘટે. માત્ર સમર્થકોએ જ નહીં, લોકશાહી મૂલ્યોના પુરસ્કર્તાઓએ પણ ૨૦૨૫માં શતાબ્દી ઉજવાનારા આરએસએસના ઈતિહાસને ભણાવવા બાબતે ચિંતન કરીને એના અમલીકરણની દિશામાં આગળ વધવાની અનિવાર્યતા છે.
તિખારો
જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું,
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.
-     અમૃત ઘાયલ

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૨૫ જુલાઈ ૨૦૧૯ છપાયા તા. ૨૮ જુલાઈ ૨૦૧૯ મુંબઈ સમાચાર ઉત્સવ પૂર્તિ )

Wednesday, 24 July 2019

From Congressmukt Bharat to OppositionMukt Bharat

કૉંગ્રેસમુક્તથી વિપક્ષમુક્ત ભારત ભણી
ડૉ.હરિ દેસાઈ
ક્યારેક ભારતીય વિદેશસેવામાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નિષ્ઠાવંત અધિકારી તરીકે ૧૯૫૩માં જોડાઈને દેશના વિદેશમંત્રી સુધીની મજલ કાપનારા નેહરુ-ગાંધી પરિવારની નિકટ રહેલા કુંવર નટવરસિંહે હમણાં કૉંગ્રેસના સ્વઘોષિત તારણહાર બનવાનો પ્રયાસ કર્યો છે. રવિવારીય સત્સંગસભામાં એમનો બોધ હતો: “કૉંગ્રેસના આ પ્રથમ પરિવારમાંથી કોઈ પક્ષનું નેતૃત્વ નહીં કરે તો કૉંગ્રેસ રોકડા ૨૪ કલાકમાં જ વેરવિખેર થઇ જશે.” એમણે પ્રિયંકા ગાંધી-વાડરાને પક્ષનું સુકાન સોંપવાની ગુરુચાવી પણ સૂચવી છે. રાજસ્થાનની ભરતપુર રિયાસતના રાજકુમાર નટવરસિંહ પતિયાળાના મહારાજા યાદવેન્દર સિંહના જમાઈ એટલે કે પંજાબના કૉંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનાં મોટાં બહેન હેમિંદર કૌર સાથે પરણેલા છે. લોકસભાની મે ૨૦૧૯ની ચૂંટણીમાં કારમી હાર પછી કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપીને રાહુલ ગાંધીએ નેહરુ-ગાંધી પરિવારની બહારની અન્ય કોઈ વ્યક્તિને ૧૩૪ વર્ષ જૂના અને ભાજપ સહિતના લગભગ તમામ રાજકીય પક્ષોની માતૃસંસ્થા રહેલી કૉંગ્રેસના નવસર્જનનો આગ્રહ સેવ્યો છે. કૉંગ્રેસમાં અગાઉના દાયકાઓમાં દેશી-વિદેશી અધ્યક્ષોની દીર્ઘ પરંપરા રહી છે. સર્વસમાવેશક એવા આ પક્ષની ૧૮૮૫માં સ્થાપના થઇ હતી. અત્યાર લગીના તેના અધ્યક્ષોમાં પ્રથમ ખ્રિસ્તી અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનરજીથી લઈને રાહુલ ગાંધી સુધીના અધ્યક્ષોએ એનું સુકાન સંભાળ્યું છે. 
આઝાદી પહેલાં અને પછી નેહરુ-ગાંધી પરિવાર બહારના અધ્યક્ષો આવતા રહ્યા છતાં આઝાદીના આંદોલન અને એ પછી આઝાદ ભારતમાં કૉંગ્રેસ અમિબા અવતારમાં ટકી છે. વિઘટન અને પુનર્મિલન એની પ્રકૃતિ રહી છે. દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, સર વિલિયમ વેડર્બન, એની બેસન્ટ, પંડિત મદન મોહન માલવિયા, પંડિત મોતીલાલ નેહરુ, લાલા લજપત રાય, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, આચાર્ય કૃપાલાની, યુ.એન.ઢેબર, જગજીવન રામ, કે.કામરાજ, નીલમ સંજીવ રેડ્ડી, દેવકાંત બરુઆ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી.નરસિંહરાવ, સીતારામ કેસરી, સોનિયા ગાંધીના અધ્યક્ષપણા હેઠળ કૉંગ્રેસને ‘સારા દિવસો’ ગયા છે. માઠા દિવસોમાં પણ એણે પોતાની ભૂમિકા ભજવી છે.પ્રજા સાથેનો એનો અનુબંધ ટક્યો છે. એલન ઓક્તોવિયો હ્યુમ, મહર્ષિ અરવિંદ, લોકમાન્ય ટિળક, મોહમ્મદ અલી ઝીણા, ડૉ.કેશવ બલિરામ હેડગેવાર, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, લાલબહાદુર શાસ્ત્રી, સહિતના મહાનુભાવોની આ પાર્ટી રહી છે. એટલે નટવર સિંહનું એવું કહેવું કે નેહરુ-ગાંધી પરિવારના નેતૃત્વ વિના આ પક્ષ તૂટી જશે, એ જરા વધુ પડતું છે. 
જોકે નેહરુનિષ્ઠ સદગત વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર અને કૉંગ્રેસના નેતા અનીલ શાસ્ત્રીએ નેહરુ-ગાંધી પરિવારના નેતૃત્વનું કોરસગાન આરંભ્યું અને નટવર સિંહ પછીય હજુ એ દીર્ઘસૂત્રી સાબિત થશે. અધ્યક્ષપદે પ્રિયંકા ગાંધી હોય કે અન્ય કોઈ, પક્ષની પુનઃ બાંધણી કરવા અને નવચેતના લાવવા સક્ષમ નેતાગીરી થકી જ પડતીઆખડતી કૉંગ્રેસ આવતા દિવસોમાં સત્તાસ્થાને આવવા સમર્થ બની શકે. માર્ચ ૧૯૭૭માં કૉંગ્રેસ હારી, એટલું જ નહીં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પોતે રાયબરેલી લોકસભા બેઠક પણ હારી ગયાં હતાં. ૧૯૮૦માં એમને દેશની પ્રજાએ ફરી વડાંપ્રધાન બનાવીને અને એ પછી અનેકવાર કૉંગ્રેસને સત્તાસ્થાને લાવીને ઈમર્જન્સીનાં એનાં પાપ ધોયાં છે. એ માટે કૉંગ્રેસની નેતાગીરીમાં “કીલર્સ ઇન્સ્ટિંગ” અનિવાર્ય છે. નેતાગીરી જ જંગમાંથી ભાગી છૂટનાર રણછોડરાય થાય તો એની સેનાનું મનોબળ તૂટી જવું સ્વાભાવિક છે. રાણા સાંગાથી લઈને ઇન્દિરા ગાંધી સુધીનાનાં ઉદાહરણ વિદેશમાં ભણેલા રાહુલબાબા કે દેશમાં ભણેલાં પ્રિયંકા સહિતના કૉંગ્રેસી અગ્રણીઓએ ગૂંજે બાંધવાની જરૂર ખરી. 
મહાત્મા ગાંધીને નામે કૉંગ્રેસને વિસર્જિત કરવાની કે કૉંગ્રેસમુક્ત ભારતની વાતોનાં વડાં ખૂબ ચાલ્યાં. એ પછી તો વિપક્ષમુક્ત ભારતના વ્યૂહ ઘડાવા માંડ્યા છે. કૉંગ્રેસના રાજકીય વિરોધીઓનો વાણીવિલાસ સાચો છે કે ખોટો એ ચકાસવા માટે કૉંગ્રેસીઓએ ક્યારેક “ ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી” ખોલીને જોવાની તસ્દી લેવાની જરૂર હતી. એમાં વાંચવા મળત કે રાષ્ટ્રપિતાએ તો હકીકતમાં જીવનના અંતિમ સમયે એવું કહ્યું છે કે કૉંગ્રેસ જો મરી જાય કે વિસર્જિત થઇ જાય તો ભારતનું અસ્તિત્વ મટી જાય. મુશ્કેલી એ છે કે કૉંગ્રેસને જીજીવિષા જ ના હોય તો એનું વિસર્જન થવું સ્વાભાવિક છે. વિસર્જન વહોર્યા પછી નવસર્જન ભણી આગળ વધવા માટે માત્ર મોઢું ખોલીને પતાસું મુખપ્રવેશ કરે એની પ્રતીક્ષા કરવાથી એ આવી પડે એવું નહીં. પરિશ્રમ કર્યા વિના તો પ્રાપ્તિ અશક્ય છે. પોતાના વિરોધીઓને ભાંડે રાખ્યે પણ પોતાનાં તરભાણાં ભરાઈ ના શકે. આટલી સાદીસીધી સમાજ ૧૩૪ વર્ષ જૂના રાજકીય પક્ષની નેતાગીરીને ના હોય તો એનું સત્તાવાર વિસર્જન કરવામાં જ ગનીમત, ભલે પછી આખ્ખેઆખ્ખી કૉંગ્રેસીસેના રણછોડરાય જ ગણાઇ જાય! 
કૉંગ્રેસે હજુ હતાશાની ગર્તામાં જવા જેવો યુગ આવ્યો નથી: બ્રાહ્મણ બકરું લઈને જતો હતો અને ત્રણ ઠગ એને વારફરતાં કૂતરું ગણાવીને છેવટે શંકા જન્માવતા રહ્યા એ વાર્તા અને ઍડોલ્ફ હિટલરના પ્રપોગંડા મિનિસ્ટર ગોબેલ્સનાં ઉદાહરણ ઘણાં બોધક છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્ર”માંના બોધ માત્ર અમુકતમુક પક્ષો કે સ્વદેશી વિદ્વાનોએ જ લેવા એવું તો નથી જ. મૅકિયાવેલીને આત્મસાત કરનારાઓ એનાથી હજાર-બે હજાર વર્ષ પહેલાં થઇ ગયેલા કૌટિલ્ય કનેથી યોગ્ય બોધ ના ગ્રહણ કરે ત્યારે આ જ વલે થાય. સાથે જ આપણે ત્યાં ઉક્તિ છે “પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં નૃણામ્” એટલે કે બીજાઓને ઉપદેશ કરવામાં મણા શેં રાખવી? રાહુલની અવસ્થા “શીદંતી મમ ગાત્રાણિ” જેવી હોય ત્યારે એમણે શું કરવું એના ઉપદેશનો મારો ચોફેરથી આવી પડે એ સ્વાભાવિક છે. સ્વજનો સામી છાવણી ભણી દોટ મૂકતા જણાય ત્યારે રણભૂમિમાં ધનુષ્ય હેઠું મૂકવામાં તો પરાજય વહોરવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી રહેતો. સિકંદર અને પોરસની કથાનું રાહુલે જાતે જ પઠન કરવાની જરૂર ખરી.
ઇ-મેઈલ: haridesai@gmail.com        (Divya Bhaskar 24072019)

The International Court of Justice and Kulbhushan Jadhav


કુલભૂષણ કાંડમાં જાગતિક અદાલતે ન્યાય તોળ્યો પણ જીવ હજુ તાળવે
ડૉ.હરિ દેસાઈ
·         છેલ્લાં ચાર વર્ષથી પળેપળ મોતને ભેટતો રહેલો કુલભૂષણ ભારત પરત આવી શકે એવું સકારાત્મક વલણ
·          કુલભૂષણ ભણી કૂણું વલણ લે તો પાકમાં રાજકીય અને લશ્કરી નેતાગીરી વચ્ચે ટકરાવના નવા ફણગા ફૂટે
·         વિંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવા જેટલું નેવલ કમાન્ડર કુલભૂષણ સુધીર જાધવ કેસમાં સરળ નથી  
·         મામલો સુરક્ષા પરિષદમાં જઈ શકે, પણ ભારત સભ્ય હોવાથી વિવાદાસ્પદ કાશ્મીર-જૂનાગઢ કોકડું ઉકેલાય

ભારત-પાક સંબંધોની વધુ એક અગ્નિપરીક્ષા હવે થવાની છે: કુલભૂષણ જાધવ પ્રકરણ જાગતિક અદાલતે ગયા પછી એ  ફરી પાછું પાકિસ્તાનની અદાલતમાં સમીક્ષા માટે આવતાં ઇસ્લામાબાદ કેવું વલણ અખત્યાર કરે છે એના પર આવતા દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધોનું ભવિષ્ય નક્કી થશે. ભારતીય નૌકાદળના કમાન્ડર રહેલા મૂળ મહારાષ્ટ્રના કુલભૂષણ સુધીર જાધવનું ઈરાનના ચાબહાર બંદરેથી અપહરણ કરીને, પાકિસ્તાનના સત્તાવાળાઓએ બલૂચિસ્તાનમાં ભારતીય ગુપ્તચર એજન્સી “રૉ”ના એજન્ટ તરીકે દર્શાવી, જાસૂસી તથા હત્યાકાંડ કરવાના આરોપસર ૩ માર્ચ ૨૦૧૬ના રોજ તેની ધરપકડ કરી હતી. ભારતીય દૂતાવાસ કે ભારત સરકારના પ્રતિનિધિઓને જ નહીં, જાધવના પરિવારને કુલભૂષણને મળવા દેવામાં પણ ભારે વાંધાવચકા કર્યા. પાકિસ્તાનની લશ્કરી અદાલતે ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ જાધવને ફાંસીની સજા ફરમાવી. ભારતે ૮ મે ૨૦૧૭ના રોજ નેધરલેન્ડના હેગસ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયિક અદાલતમાં ધા નાંખી અને ફાંસી પર મનાઈહુકમ મેળવ્યો હતો. ૧૭ જુલાઈ ૨૦૧૯ના રોજ જાગતિક અદાલતના ૧૬ ન્યાયાધીશોની ખંડપીઠે આ સંદર્ભમાં આખરી ચુકાદો આપ્યો. ૧૫ (અમેરિકા, ચીન સહિતના) વિરુદ્ધ  ૧ (પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ રહેલા જીવાણી)ના ૪૨ પાનાંના ચુકાદામાં આઠેય બાબતોમાં ભારતને પક્ષે ન્યાય થયો. છેલ્લાં ચાર વર્ષથી પળેપળ મોતને ભેટતો રહેલો કુલભૂષણ ભારત પરત આવી શકે, એવું સકારાત્મક વલણ પાકિસ્તાન અપનાવશે કે એને પાકિસ્તાની જેલોમાં સડવા દેવામાં આવશે, એ કહેવું મુશ્કેલ છે. વિયેના સંધિ મુજબ, કુલભૂષણને ભારતીય દૂતાવાસની મદદ લેવાના એના અધિકારથી વંચિત રાખીને પાક લશ્કરી અદાલતે તેને આપેલી ફાંસીની સજા પરનો મનાઈહુકમ ચાલુ રખાયો છે. સાથે જ તેને દૂતાવાસની મદદ મળે અને એના સહયોગમાં કાયદાની યોગ્ય પ્રક્રિયા પ્રમાણે એ ચુકાદાની સમીક્ષા થાય ત્યાં લગી જાગતિક અદાલતે આ  મનાઈહુકમ યથાવત જાળવ્યો છે.
ભારત-પાક બેઉ હરખપદુડાં
ભારતમાં આ ચુકાદાને વધાવતાં યોજનાબદ્ધ રીતે રાજકીય નારેબાજી સાથે વિજયોત્સવ મનાવાયો, તો સામે પક્ષે પાકિસ્તાને ચુકાદાને ભારતની શિકસ્ત ગણાવતાં હરખ કર્યો. પાકિસ્તાનની સ્થિતિ પડ્યા છતાં તંગડી ઊંચી રાખવાની ભૂમિકાવાળી હતી. ભારત તરફથી કરવામાં આવેલી (૧) કુલભૂષણને છોડી મૂકવા (૨) એની ફાંસીની સજા રદ કરવામાં આવે અને (૩) કુલભૂષણને ભારતને સોંપવા માટે સુરક્ષિત માર્ગ કાઢવામાં આવે, એ ત્રણેય માંગણીઓને જાગતિક અદાલતે ફગાવી દીધાનાં મથાળાં સાથે પાકિસ્તાનનાં અખબારો પ્રકાશિત કરાયાં. પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારતદ્રોહ પર જ ટક્યું હોવાને કારણે લશ્કરની કઠપૂતળી બની રહેલી તેની તમામ સરકારો પ્રજાને ભારતવિરોધી નશામાં રમમાણ રાખે છે. જાગતિક અદાલતનો ચુકાદો  નિશ્ચિતપણે ભારત માટે હરખ કરવા જેવો છે,પરંતુ હજુ તો ઘણા કોઠા વીંધીને કુલભૂષણને ભારત પરત લાવવાનો છે. વિંગ કમાન્ડર અભિનંદનને જીનિવા સંધિ અન્વયે સુખરૂપ પરત લાવવા જેટલું આ કેસમાં સરળ નથી. અવળચંડાઈ માટે જાણીતું પાકિસ્તાન  ઓછાં લાકડે બળે તેવું નથી. એણે તો જાસૂસીના ખટલામાં  વિયેના સંધિ લાગુ પડતી નહીં હોવાનું ગાણું ગાયા કર્યું,પણ જાગતિક અદાલતે એ વાતને માની નથી. જોકે અમેરિકા પોતે પણ ઘણીવાર પોતાની અનુકૂળતા મુજબ વિયેના સંધિ અને જાગતિક અદાલતના ચુકાદાઓ સામે વિરોધ કરે છે એટલે અત્યાર લગી એના આંગળિયાત રહેલા પાકિસ્તાને પણ આ મુદ્દે વિયેના સંધિ મુજબ કુલભૂષણને દૂતાવાસ સહયોગ મળવો અનિવાર્ય નહીં હોવાનું વલણ જાળવ્યું છે. આમ છતાં, પ્રાથમિક અહેવાલો જે દર્શાવે છે એ મુજબ, દુનિયાભરમાં પોતાની સાખ ગુમાવી ચૂકેલું પાકિસ્તાન ગુડવિલ બાંધવા માટે કુલભૂષણ ભણી કૂણું વલણ ધરાવી શકે,પણ એમાં ત્યાંની વર્તમાન રાજકીય નેતાગીરી અને લશ્કરી નેતાગીરી વચ્ચે નવા ટકરાવના ફણગા ફૂટે એવી શક્યતા ખરી.
ધરપકડની સમયતાલિકા
કુલભૂષણ જાધવ ભારતીય નૌકાદળમાંથી કમાન્ડરના હોદ્દેથી નિવૃત્ત થયા પછી ધંધાર્થે ઈરાન આવનજાવન કરતા રહ્યા  છે. ૩ માર્ચ ૨૦૧૬ના રોજ એને “રૉ”ના એજન્ટ ગણાવીને બલુચિસ્તાનથી પાકિસ્તાન સત્તાવાળાઓ તેની ધરપકડ કરે છે. તેઓ આ વિસ્તારમાં કથિતરૂપે જાસૂસી અને ભાંગફોડ કરીને પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઝડપાયા. ૨૫ માર્ચે આઇએસઆઇના કબજા હેઠળના તંત્રે કુલભૂષણ ભારતીય નૌકાદળના અધિકારી હોવાનું સ્વીકારતું નિવેદન બહાર પાડ્યું. જોકે ભારત સરકારે કુલભૂષણ ગુપ્તચર  એજન્ટ હોવાનું નકાર્યું. તેને “કોન્સુલર એક્સેસ” આપવાનો આગ્રહ કરાયો.૮ એપ્રિલે પાકિસ્તાને જાધવ વિરુદ્ધ ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવવાનો  આક્ષેપ મૂકીને એફઆઇઆર દાખલ કરવામાં આવી. ૧૦ એપ્રિલે લશ્કરી કોર્ટમાર્શલ અદાલતે કુલભૂષણને ફાંસીની સજા ફરમાવી કે  ૮ મે ૨૦૧૭ના રોજ ભારતે પાકિસ્તાન થકી કુલભૂષણની ખોટી રીતે ધરપકડ કરાયાની ફરિયાદ સાથે જાગતિક અદાલતમાં ધા નાખી. ત્યારથી લઈને અત્યાર લગી એનો ઉત્તેજનાપૂર્ણ  ખટલો ચાલતો રહ્યો.
હવેનું વલણ પાક કે નાપાક!
 ભલે કુલભૂષણ અંગેના જાગતિક  અદાલતના ચુકાદાના સમયગાળામાં જ “જાગતિક ત્રાસવાદી”  જાહેર થયેલા હાફિઝ સઈદની ધરપકડ અને કુલભૂષણ કાંડ વચ્ચેનો સંબંધ નકારતો હોય, પરંતુ જેના માથે ૬ અમેરિકી નાગરિકો સહિત ૧૬૦ને મોતને ઘાટ ઉતારવા સમાન આતંકી કૃત્યનો આરોપ હોય અને અમેરિકી સરકારે જેના માથે ૧૦ મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું હોય એવા ત્રાસવાદી હાફિઝની ધરપકડ કરાયાની સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ એને આવકારે છે.વાત આટલે જ અટકતી નથી: અમેરિકાને અફઘાન શાંતિ મંત્રણામાં પાકિસ્તાનનો સહયોગ ખપે છે.આવા સંજોગોમાં પાક  લગભગ દેવાળિયો દેશ થઇ ગયા છતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં શિખર મંત્રણા યોજે એ ખૂબ સૂચક છે. ભારતમાં પાકિસ્તાન આર્થિક રીતે ખખડી ગયાનાં ઢોલ પીટવાની પરંપરા ચાલતી હોય ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ લાલ જાજમ પાથરીને ઇમરાન સાથે મંત્રણા કરે એ બંને દેશો વચ્ચેની જૂની નિકટતા હજુ ચાલુ હોવાનાં જ એંધાણ છે. એવું નથી કે અમેરિકા પણ ઓછો દેવાળિયો દેશ છે.ચીન સાથેના એના સંબંધોમાં ખેંચતાણ ચાલતી રહેતી હોવા છતાં ચીનની થાપણોનું ઘણા મોટા પ્રમાણમાં અમેરિકામાં રોકાણ છે.એ જો પાછી ખેંચી લેવામાં આવે તો અમેરિકી અર્થતંત્ર કડડભૂસ થઇ શકે.એ જ રીતે ચીનમાં વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓ ઉત્પાદન કરે છે. એમાં મોટાભાગની અમેરિકી છે. પારસ્પરિક ગરજ અમેરિકા અને ચીનને સાથે રાખે છે. પાકિસ્તાન ચીનનો ૩૪મો પ્રાંત ગણાય છે. એને માથે ચીનનું ભારે દેવું છે. આમાંથી અમેરિકા જ એને બહાર કાઢવામાં મદદ કરે, એવું પાકિસ્તાન માનતું હોય એ સ્વાભાવિક છે.
સુરક્ષા પરિષદમાં ભારત
કુલભૂષણ ચુકાદાના અમલમાં માનવાધિકારોની બાબત સવિશેષ મહત્વ ધરાવે છે. કુલભૂષણ ચુકાદાનું પ્રામાણિક રીતે પાલન કરવામાં ઇસ્લામાબાદ અન્ય દેશો પાસેથી પોતાની ઘણી માંગણીઓ મનાવે તો ય નવાઈ નહીં. કુલભૂષણ કાંડનો આખરી ઈલાજ તો આ બધાં વૈશ્વિક પરિબળો પર અવલંબે છે. એટલે જાગતિક અદાલતના ચુકાદાથી ભારત કે પાકિસ્તાને હરખપદુડા થઇ જવાની જરૂર નથી.કારણ? હજુ તો કોણ જાણે કેટલો વખત લાગશે અને પાકિસ્તાન જેવો અવળચંડો દેશ કોના રિમોટથી ક્યારે કઈ ભૂમિકા લેશે એ કહેવું મુશ્કેલ છે. ભારતમાં તો પાકિસ્તાની કસાબે આતંકી કૃત્ય કર્યા પછી પણ એને વિશ્વમાં લોકશાહી દેશોમાં સ્વીકૃત સ્વસ્થ ન્યાય પ્રણાલિને અનુસરીને એના દુષ્કૃત્યનું ફળ અપાયું હતું.જોકે પાકિસ્તાનમાં તો ત્યાંના નાગરી અધિકારો માટે સંઘર્ષરત લોકો પણ લશ્કરી અદાલતો જ નહીં, નાગરી અદાલતોની ન્યાય તોળવાની પ્રક્રિયા વિશે પણ સવાલો ઉઠાવે છે. કુલભૂષણનો ખટલો સમીક્ષા માટે ક્યાં જશે, એ પણ હજુ મતભેદની ફેરફૂદડી ફરે છે. આવા સંજોગોમાં અભિનંદનની જેમ કુલભૂષણને જલદી પરત લાવી શકાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જોકે ભારત પાસે  ફરીને જાગતિક અદાલતમાં અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જવાના વિકલ્પ રહે જ છે. ભૂતકાળમાં યુરોપના દેશો જાગતિક અદાલતમાં અપીલ માટે ફરીને ગયાની પરંપરા છે.વળી સુરક્ષા પરિષદમાં આવતા દિવસો માટે  ભારત પણ પાકિસ્તાન સહિતના દેશોના ટેકાથી બે વર્ષ માટે સભ્ય બન્યું છે. ભારત  પાસે વિટો ભલે ના હોય,પરંતુ પોતાની પ્રભાવી રજૂઆત કરવા પરિષદમાં હાજર હશે. ચીન સહિતના દેશો હવે પાકિસ્તાન માટે વિટો વાપરવાની બાબતમાં અગાઉ જેટલા સક્રિય નહીં જ રહે એવું લાગે છે. આવા સંજોગોમાં ભારત ધાર્યું કરાવી શકે છે. છોગામાં જમ્મૂ-કાશ્મીર જ નહીં, જૂનાગઢનો ય સુરક્ષા પરિષદમાં વિચારાધીન  મુદ્દો ઉકેલવાનો છે. એ બાબતોનો ઉકેલ લાવવાની દિશામાં પણ નવી દિલ્હી પહેલ કરે એ જરૂરી છે.
ઇ-મેઈલ : haridesai@gmail.com
(20-24 July 2019)

Sunday, 21 July 2019

Trouble in Punjab in the celebration of 550 year of Guru Nanak's Prakash Purab


ગુરુ નાનકના ૫૫૦મા પ્રકાશવર્ષ ટાણે જ પંજાબમાં કમઠાણ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         કૅપ્ટનની ટીમમાં બગાવતી ખેલાડી સિદ્ધુ ના ઘરના, ના ઘાટના
·         કરતારપુર કરિડોરના યશભાગીનાં  હવે દેશપ્રેમી હોવાનાં પારખાં
·         ઇન્દિરા ગાંધી - વાજપેયીનું સ્વપ્ન મોદી યુગમાં સાકાર થવામાં 
·         પંજાબિયતની દુહાઈ દેનારા રાજનેતાઓના ફાટેલા દૂધ જેવા હાલ
આપણે ત્યાં કહેવત છે કે ગ્રહણ ટાણે જ સાપ નીકળવો. અકાલી-ભાજપના દાયકાના શાસન પછી “પતિયાળા મહારાજા” અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં લડેલા કૅપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર દેશના આ સૌથી સમૃદ્ધ અને ઉદ્યમી પ્રજાના રાજ્યમાં સ્થપાયા પછી, દિલ્હી થકી કોઈ અળવીતરાઇ કરાયા વિના પણ, બધું સખળડખળ ચાલે છે. પંજાબને કોણ જાણે કોઈની નજર લાગી ગઈ છે. રાજ્યની શીખ બહુમતીના જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાસ્થાન સમા ગુરુ નાનકદેવજીના જનમનાં ૫૫૦ વર્ષની એટલેકે પ્રકાશવર્ષની ઉજવણીના વર્ષના સમયે જ કૉંગ્રેસનો આંતરકલહ એટલી હદે વકર્યો કે ભાજપના સાંસદમાંથી કૅપ્ટનની ટીમના સાથી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનપદેથી રાજીનામું આપવા સુધી જવું પડ્યું. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુ ભાજપમાં હતા ત્યારે દેશપ્રેમી કે રાષ્ટ્રવાદી હોવાના દાખલા અપાતા હતા, કૉંગ્રેસમાં ગયા અને ક્રિકેટરમિત્રમાંથી પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઇમરાન ખાન કનેથી કરતારપુર કરિડોર માટે લીલી ઝંડી લઇ આવ્યા પછી એમને રાષ્ટ્રદ્રોહી ગણાવવાની જાણે કે સ્પર્ધાઓ ચાલવા માંડી. પક્ષબાહ્ય આક્રમણ સામે પોતીકી પાર્ટી પડખે રહે એ અપેક્ષિત હતું,પણ સિદ્ધુને તો પોતીકાઓ જ જાણે કનડવા માંડ્યા. સ્વયં નવજોત પણ  પોતાને મુખ્યમંત્રીથી કમ ગણતા નહોતા એટલે કમઠાણ બરાબરનું જામ્યું. હજુ ગઈકાલે જ પક્ષમાં આવીને મુખ્યમંત્રી બનવાનાં સમણાં જોવા માંડેલા સિદ્ધુ  વિવાદ સર્જતા રહ્યા. એમનાં પત્ની અગાઉ ભાજપનાં ધારાસભ્ય હતાં. કૉંગ્રેસમાં આવ્યા પછી સિદ્ધુ ધારાસભ્ય બન્યા તો પત્ની નવજોત કૌરને સાંસદ બનાવીને લોકસભે મોકલવાના એમના અભરખા પર કૅપ્ટને પાણી ફેરવ્યું. જોકે કૅપ્ટનનાં પત્ની ડૉ. પરનીત કૌર પતિયાળા બેઠક પરથી સાંસદ છે. કૅપ્ટને હમણાં સ્પષ્ટતા કરી છે કે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિદ્ધુનાં પત્નીને ભટિંડાથી લડાવવાનું કહ્યું હતું,જયારે સિદ્ધુ ચંદીગઢની જીદ લઈને બેઠા હતા.મેં નવજોત કૌરનો વિરોધ કર્યો નહોતો. આવતા દિવસોમાં સિદ્ધુ પોતાનાં પત્તાં બરાબર ખેલી ના શકે તો તેઓ ના ઘરના, ના ઘાટના જેવી અવસ્થામાં મૂકાઈ  જાય તેવું છે.
નવેમ્બરમાં પ્રકાશવર્ષની ઉજવણી
આગામી નવેમ્બર મહિનામાં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકના પ્રકાશવર્ષની પાકિસ્તાનમાં આવેલી જન્મભૂમિ નાનકાના સાહિબ તથા અંતભૂમિ કરતારપુર સાહિબ સહિત દુનિયાભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે પંજાબમાં રાજકીય હૂંસાતૂંસી વરવાં દ્રશ્ય ફિલ્માવી રહી છે. પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબનું મહાત્મ્ય શીખ શ્રદ્ધાળુઓ માટે ઘણું છે. ભારતની સરહદથી એ માત્ર ૩-૪ કિલોમીટરને અંતરે હોવા છતાં એની મુલાકાત લેવા માટે વાયા લાહોર જતાં શ્રદ્ધાળુઓને ચાર કલાક લાગે છે. આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સુધી  કરિડોર બાંધવામાં આવે તો માત્ર વીસ મિનિટમાં જ ભારતીય પંજાબમાંથી પાકિસ્તાનના પંજાબમાં આવેલી આ પવિત્રભૂમિ સુધી પહોંચી શકાય. બંને દેશોની સરકારો આ માટે સંમત થઇ એટલું જ નહીં, બંને બાજુ ભૂમિપૂજન પછી શરૂ કરાયેલું કામ બે મહિનામાં પૂરું પણ થઇ જશે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે જીવનનાં છેલ્લાં ૧૮ વર્ષ અહીં વીતાવ્યાં હતાં.એમણે અહીં જ દેહ છોડ્યો ત્યારે એમના મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એમને દફનાવવાની ઈચ્છા રાખીને અહીંના ગુરુદ્વારામાં મઝાર ચણી હતી. જોકે શીખો એમના અગ્નિસંસ્કાર કરવાના પક્ષે હતા અને તેમની વાત માન્ય રહી હતી. આ દ્રષ્ટિએ શીખો માટે આ ગુરુદ્વારામાં સવિશેષ શ્રદ્ધા છે. અત્રે એ યાદ રહે કે નાનક સાહેબનો જન્મ થયો હતો એ નાનકાના સાહિબ પણ આજે પાકિસ્તાનમાં જ છે. ભારતના ભાગલા વખતે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું હતું અને પૂર્વ પંજાબ ભારતને ભાગે આવ્યું હતું. ઈસ્લામાબાદમાં ઇમરાન ખાનના શપથવિધિમાં સિદ્ધુ ત્યાંના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા એ મુદ્દે માત્ર ભાજપના નેતાઓ જ નહીં, પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર  સિંહે  અને કૉંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ સહિતનાએ સિદ્ધુને વખોડ્યા હતા. સ્વયં પંજાબના કૅબિનેટ મંત્રી તૃપ્ત રાજિન્દર સિંહ બાજવાએ તો સિદ્ધુને પાક લશ્કરી વડા જનરલ બાજવાને ગળે લગાવવા માટે શહીદ પરિવારોની જાહેર માફી માંગવાનું કહ્યું હતું.
ઇન્દિરા-વાજપેયીનું સ્વપ્ન સાકાર થશે
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી જ નહીં, વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ કરિડોરનું સ્વપ્ન નિહાળ્યું હતું. હવે એ મોદીયુગમાં સાકાર થઇ રહ્યું છે. પંજાબની વિધાનસભામાં વર્ષ ૨૦૧૦માં સર્વાનુમતે ઠરાવ કરીને વિનંતી કરાઈ હતી કે દેરા બાબા નાનકથી કરતારપુર ગુરુદ્વારા સુધી કરિડોરને ભારત અને પાકિસ્તાન બંને સરકારો મંજૂરી આપે અને વગર વીસાએ શ્રદ્ધાળુઓ કરતારપુર ગુરુદ્વારામાં માથું ટેકવવા માટે જઈ આવી શકે. લગભગ દર વર્ષે વડાપ્રધાન અથવા કેન્દ્ર સરકારને અકાલી દળ, ભાજપ, કૉંગ્રેસ અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) તરફથી પ્રતિનિધિમંડળ મારફત અનુરોધ કરાતો રહ્યો  છે કે કરતારપુર કરિડોરને મંજૂર રાખવામાં આવે. વિદેશ મંત્રાલયની સંસદીય સમિતિના અધ્યક્ષ અને કૉંગ્રેસના તિરુઅનંતપુરમના સાંસદ શશી થરૂર સમક્ષ ઐતિહાસિક કરતારપુર કરિડોર બાંધવા અંગેનો મુદ્દો ઉઠાવાયો હતો.થરૂરની અધ્યક્ષતાવાળી સાત સાંસદોની સમિતિની મે ૨૦૧૭માં પંજાબની મુલાકાત વખતે અમૃતસરના સાંસદ ગુરજીત સિંહ ઔજલા અને દેરા બાબા નાનકના ધારાસભ્ય સુખજીન્દર સિંહ રંધવા દ્વારા આ રજૂઆત કરાઈ હતી. થરૂરે  કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારમાં મંત્રી હતો ત્યારે આ કરિડોર બાંધવાની દરખાસ્તને આગળ વધારવા માટે મેં બંને દેશની સરકારમાં પ્રયત્નો કરી જોયા હતા, પણ સુરક્ષાના નામે એ બાબતની માંડવાળ કરાઈ હતી.હવે એ બાબત આગળ વધી રહી છે ત્યારે કેન્દ્રમાં અકાલી દળનાં મંત્રી હરસિમરત સુખબીર સિંહ બાદલ અને કૉંગ્રેસ વચ્ચે યશ ખાટવાની હોડ મચી છે.
અમરિંદર અકાલીમાંથી કૉંગ્રેસમાં
ભારતીય લશ્કરની શીખ રૅજીમૅન્ટમાં સેવારત રહેલા કૅપ્ટન અમરિંદર સિંહે ૧૯૬૫માં લશ્કરમાંથી રાજીનામું આપ્યું હતું, પણ યુદ્ધના સંજોગોને કારણે એ પાછા ફર્યા અને ૧૯૬૫નું પાકિસ્તાન સામેનું યુદ્ધ લડ્યા હતા.પછીથી પતિયાળાના મહારાજા યાદવેન્દ્ર સિંહના પાટવીકુંવર એવા કૅપ્ટન મિત્ર રાજીવ ગાંધી સાથેની દોસ્તીને કારણે કૉંગ્રેસમાં જોડાયા અને લોકસભાના સભ્ય પણ હતા. જોકે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના ભિંડરાનવાલેના ઉગ્રવાદીઓના અંકુશમાંથી મુક્ત કરાવવા ‘ઑપરેશન બ્લ્યૂ-સ્ટાર’ હેઠળ સુવર્ણ મંદિરમાં લશ્કર પાઠવવાના વિરોધમાં કૅપ્ટને સાંસદ તરીકે અને  કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપીને અકાલી દળમાં જોડાવાનું પસંદ કર્યું હતું. એ જ ગાળામાં શીખોના આસ્થાસ્થાનમાં લશ્કર પાઠવાયાના વિરોધમાં આઇપીએસ અધિકારીપદેથી રાજીનામું આપનાર અને પાછળથી રાજકીય પક્ષ સ્થાપનાર સિમરનજીત માન કૅપ્ટનના સગ્ગા સાઢુભાઈ થાય. ૧૯૮૪થી ’૯૨ સુધી અકાલી દળમાં રહેનાર અને મંત્રી તરીકે પણ હોદ્દો સંભાળનાર કૅપ્ટન અમરિંદરે  બાદલના અકાલી દળમાંથી છૂટા થઈને અકાલી દળ (પંથિક) પક્ષ સ્થાપ્યો હતો. જોકે ૧૯૯૮માં આ પક્ષને તેમણે કૉંગ્રેસમાં ભેળવી દીધો હતો. વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ લગી કૅપ્ટન પંજાબના મુખ્યમંત્રી પણ હતા.૧૬ માર્ચ ૨૦૧૭ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ પહેલાં તેઓ લોકસભાના સભ્ય રહ્યા હતા. પતિયાળા રજવાડાનો અમુક હિસ્સો પાકિસ્તાનમાં ગયો હોવા ઉપરાંત કૅપ્ટન પોતે બંને દેશના દુનિયાભરમાં વસતા પંજાબીઓની પંજાબિયતના જતન માટે પોતાના અગાઉના શાસનમાં પંજાબિયત ઉત્સવો પણ યોજતા રહ્યા છે. એમાં ભારત-પાકના ભેદ કરાયા નહોતા. જોકે આ વખતે એ બાબતમાં તેઓ મોળા પડ્યા હોય એવું લાગે છે. કશ્મીરિયતની જેમજ પંજાબિયતને પોષવામાં બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો ફાટેલા દૂધ જેવી અવસ્થા કરે છે.
દિલ્હીનું ઇલુ ઇલુ, સિદ્ધુની દ્વિધા
સિદ્ધુએ ૧૦ જૂને રાહુલ ગાંધીને મળીને આપેલા રાજીનામાની હમણાં પંજાબમાં ચર્ચા હતી ત્યારે મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ સૂચક રીતે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓને મળીને પંજાબને ન્યાય મળે એ માટે એઈમ્સ સહિતના પ્રકલ્પો માટે પ્રયત્નશીલ હતા. કૉંગ્રેસને અમરિંદરને છંછેડવાનું પરવડે તેમ નથી. કૅપ્ટન થકી પંજાબમાં કૉંગ્રેસ સરકાર છે. લોકસભાની તાજી ચૂંટણીમાં પણ ૧૩માંથી ૮ બેઠકો જીતાડી છે. સિદ્ધુને કારણે કેટલીક બેઠકો ગુમાવવી પડી, એવી રજૂઆત મુખ્યમંત્રીએ મોવડીમંડળ સમક્ષ કરેલી છે. સંસદીય પ્રણાલિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સુમેળભર્યા સંબંધ અનિવાર્ય લેખાય છે. કૉંગ્રેસ મોવડીમંડળ કૅપ્ટન પર ભીંસ વધારે તો એ સંબંધો સાગમટે પક્ષપલટામાં પણ પરિણામી શકે. આમ પણ, કૉંગ્રેસ મુશ્કેલીમાં છે ત્યારે સામે ચાલીને કૅપ્ટન આણિ મંડળીને ભગવી બ્રિગેડમાં સામેલ કરવાની મોકળાશ આપવામાં તો કૉંગ્રેસનો વાવટો સંકેલી લેવાનાં જ એંધાણ મળે. ભાજપ સાથે છેડો ફાડીને આવેલા સિદ્ધુ સામે બે જ વિકલ્પ રહે છે: જીવને અકારું લાગે તો પણ કૉંગ્રેસમાં કૅપ્ટનના નેતૃત્વમાં કામ કરતા રહેવું અથવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ પાથરવા માંડેલી લાલ જાજમ પર ચાલીને પંજાબમાં સત્તાથી વિમુખ રહીને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવી. ભારતીય ક્રિકેટથી લઈને નવેમ્બરમાં શરૂ થનારા  કરતારપુર કરિડોર માટે બદનામી વહોરીને પણ ઘણું યોગદાન કરનાર સિદ્ધુ અત્યારે રાજકીય જીવનના ત્રિભેટે આવીને ઊભા છે: ભાજપમાં પાછા જાય તો જે આક્રમક મિજાજ જાળવ્યો છે એને કોરાણે મૂકીને સત્તા સાથે સંધાણ કરવું કે કૉંગ્રેસમાં રહીને સંઘર્ષ અને સત્તાની ભાગીદારી માટે નીચી મૂંડીએ કામ કરવું કે પછી જેનું ભાવિ ઉજ્જવળ નથી એવી આમ આદમી પાર્ટીમાં જઈને કાયમના આંદોલનશૂર બની રહેવું. રાજકારણમાં ચંચળ વ્યક્તિત્વોને એકાએક હોદ્દા મળી જતા હોય છે,પણ લાંબી ઇનિંગ રમવા ઈચ્છુકોએ તો ‘કમ ખાવા અને ગમ ખાવા’ની  પ્રકૃતિ કેળવવી પડે છે. સિદ્ધુ સમજદાર છે એટલે યોગ્ય નિર્ણય જ લેશે.
તિખારો
સિકંદર હાલત કે આગે નહીં ઝૂકતા
તારા તૂટ ભી જાયે જમીન પર નહીં ગિરતા
અરે ગિરતી હૈ હજારો નદીયાં સમુદ્ર મેં
પર કભી સમુદ્ર કો નદી મેં ગિરતે નહીં દેખા
-     નવજોતસિંહ સિદ્ધુ
ઇ-મેઈલ : haridesai@gmail.com        
  (લખ્યા તારીખ:૧૭ જુલાઈ૨૦૧૯ મુંબઈ સમાચાર રવિવાર ઉત્સવ પૂર્તિ ૨૨ જુલાઈ ૨૦૧૯ )     

Thursday, 18 July 2019

Lal Bahadur Shastri on his successors after death!



Lal Bahadur Shastri on his successors after death!
·         First choice was Indira if died in two years followed by Y. B. Chavan 

·         Morarji never forgave Kuldip Nayar for spoiling his chance to be PM

Dr.Hari Desai writes weekly column “Heritage History” for “Asian Voice”, the newsweekly of ABPL Group, London 20-26 July 2019 You may read the full text on www.rashtra-vimarsh.com and comment.

·         · Some raise fingers at his Information and Broadcasting Minister Indira Gandhi but Morarji Desai, an outspoken Gandhian who was an arch critic of Shastri and Indira both, records in his autobiography “The Story of My Life” (Volume II): “He (Shastri) had had two heart attacks before this. Several doubts and suspicions have been expressed in many quarters with regards to his death. But looking to all the circumstances, I do not find any ground for these doubts. I do not believe in the allegations that he did not die a natural death but was murdered.”
·         · Nehru’s weakness was his daughter, Indira Gandhi. He may have denied in the public, but in reality he wanted her to succeed him. Despite everyone knowing Indira to be Nehru’s choice as his successor, Morarji was her staunchest opponent. Shastri aspired to be the PM. Thanks to Morarji calling her ‘that chit of a girl’ and rejecting a consensus name, Congress President K. Kamraj preferred Shastri. 
·        · During Janata rule even when External Affairs Minister Atal Bihari Vajpayee proposed Kuldip’s name as India’s Ambassador to Rome or when Home Minister Charan Singh wanted to appoint Nayar as joint Governor for Punjab and Haryana, PM Desai stood in the way and vetoed both the proposals!

Wednesday, 17 July 2019

Resolving Kashmir Issue

કાશ્મીરના ઉકળતા ચરુની ઠારણવિધિ
ડૉ.હરિ દેસાઈ 

જમ્મૂ-કાશ્મીરના નવા રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના ઉકળતા ચરુને ઠારવાની દિશામાં પ્રયાસો આદર્યા છે, એ આવકાર્ય છે. કાશ્મીરી પંડિતોને છેલ્લાં પાંચ વર્ષમાં ફરી કાશ્મીરમાં વસાવવાની બાબતમાં પ્રગતિ થઇ નથી અને ભાગલા વેળા પાકિસ્તાનથી જમ્મૂ આવી વસેલા બે લાખ જેટલા લોકો હજુ રાજ્યના ભારતીય નાગરિક તરીકેના અધિકારો મેળવી શક્યા નથી. જોકે કાશ્મીરના ખીણ પ્રદેશના  તમામ રાજકીય પક્ષોના નેતાઓ નકામા હોવાની અને માંડ ૮ -૧૦ ટકા મતદારોના મતથી ચૂંટાતા હોવાની  ભૂમિકા લઈને આગળ વધવામાં નવાં જોખમનું સર્જન થવાની શક્યતાથી એ વાકેફ તો હશે જ. મામલો હવે નવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉકેલવાનો છે. વિધાનસભાની ચૂંટણી માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે ટંકાર કર્યો હતો એ મુજબ, સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના “ઈન્સાનિયત,જમ્હૂરિયત અને કશ્મીરિયત”ના જતન સાથે “ગોલી સે નહીં,બોલી સે” મડાગાંઠ ઉકેલવાની છે. માત્ર ૩૭૦ કે ૩૫ (એ) કાઢી નાખવાથી સમસ્યા હલ થઇ જશે, એવું નથી. જમ્મૂ-કાશ્મીરની ધરતી જ નહીં, એની પ્રજા પણ ભારતનું અવિભાજ્ય અંગ છે. આ વાત સૌએ ગૂંજે બાંધવાની જરૂર ખરી. કાશ્મીર કોકડા વિશે દાયકાઓથી રાજકીય પક્ષો આંધળેબહેરું  કૂટીને પોતાની અનુકૂળતા મુજબનાં રાજકીય તરભાણાં ભરતા રહ્યા છે.ભારતીય બંધારણના હંગામી અનુચ્છેદ ૩૭૦ (બંધારણ સભા વખતના ૩૦૬-એ) થકી જમ્મ્મૂ -કાશ્મીર માટે અલગ બંધારણીય વ્યવસ્થા કરવામાં આવ્યા વિશે અનુકૂળતા મુજબનાં ઉચ્ચારણો નિવેદનશૂર રાજનેતા કરતા રહ્યા છે. મૂળે કાશ્મીરી પંડિત એવા સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શિરે સઘળો દોષ મઢીને કાશ્મીર આજે પણ સળગી રહ્યું છે એ માટે નેહરુ પરિવારને ભાંડવાની ફૅશન ચાલે છે. છેલ્લા બ્રિટિશ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની ૩ જૂન ૧૯૪૭ની જાહેરાત મુજબ, બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાન એ બે સંઘમાં ભાગલા કરવા ઉપરાંત ૫૬૫ કરતાં પણ વધુ દેશી રજવાડાંને બેમાંથી એક સંઘ સાથે જોડાવાનો કે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપીને અંગ્રેજ શાસકો લંડન ભેગા થવાના હતા. આઝાદીના દીર્ઘ સંગ્રામમાં હિંદુ અને મુસ્લિમ ખભેખભા મિલાવીને સામેલ હતા. રજવાડાંના શાસકો રાજા-મહારાજાઓ અને નવાબો પ્રજા સાથે સારો-નરસો વ્યવહાર કરી રહ્યા હતા.જમ્મૂ-કાશ્મીર રજવાડામાં મહારાજા હરિસિંહ હિંદુ ડોગરા હતા.વર્ષ ૧૯૪૧ની વસ્તી ગણતરી મુજબ, જમ્મૂ સહિતના રજવાડાના તમામ પ્રદેશમાં બહુમતી પ્રજા મુસ્લિમ હતી.નેશનલ કૉન્ફરન્સના વડા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક એવા લોકપ્રિય નેતા શેખ અબદુલ્લાના નેતૃત્વમાં મહારાજા સામે કાશ્મીર છોડો આંદોલન ચલાવાતું હતું. 
આ પહેલાં ૧૯૨૫માં ગાદીએ આવેલા મહારાજાના શાસનની હિંદુ-મુસ્લિમ પ્રજાએ કાશ્મીરી પંડિત શંકરલાલ કૌલના નેતૃત્વમાં કશ્મીર ફૉર કશ્મીરીઝઆંદોલન કર્યું હતું.એને પગલે ૧૯૨૭ અને ૧૯૩૨માં મહારાજાએ રાજ્યની પ્રજા સિવાયની કોઈ વ્યક્તિને રાજ્યમાં સંપત્તિ ખરીદવા તથા સરકારી નોકરી મેળવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.એને સ્ટેટ સબજૅકટ લૉ કહેવાય છે.(Sardar Patel Correspondence 1945-50 Volume-I Ed. Durga Das, Navjivan, Ahmedabad, 1971) જમ્મૂ-કાશ્મીરના એ વેળાના ઘટનાક્રમને હિંદુ-મુસ્લિમ ચશ્માં ચડાવીને જોવાને બદલે તથ્યોનાં પરીક્ષણ થકી પીછાણીએ તો કેટલાંક સ્ફોટક રહસ્યો બહાર આવે છે. કશ્મીરીઓ માટે જ કશ્મીરની ચળવળ મુસ્લિમોએ શરૂ કર્યાની પ્રચલિત માન્યતાનો ભાંગીને ભુક્કો કરવા જેવાં તથ્ય પ્રેમનાથ બજાજે કશ્મીર ઇન ક્રુસિબલમાં નોંધ્યાનું દુર્ગાદાસના પ્રથમ ગ્રંથમાં વિગતે નોંધાયું હોવા છતાં કાશ્મીરી બાબતોના સંશોધકોનું એ ભણી ઝાઝું ધ્યાન ગયું નથી. શંકરલાલ કૌલ નામના કાશ્મીરી પંડિત નેતાના નેતૃત્વમાં ૧૯૨૦-૨૫ના ગાળામાં કશ્મીર ફૉર કશ્મીરીઝ’ ચળવળના પરિપાકરૂપે જ આજે જમ્મૂ-કાશ્મીરમાં પરપ્રાંતીયોને સંપત્તિ ખરીદવાના હકથી વંચિત રાખવાની જોગવાઇને નિહાળવી પડશે. કૌલની ચળવળની સ્થાનિકો (સન ઑફ ધ સૉઇલ)માટેની એ વેળાની જે મુખ્ય પાંચ માંગણીઓ હતી તે કાંઇક આવી હતીઃ () સરકારી નોકરીઓમાં સ્થાનિકોને જ લેવામાં આવે ()બહારની વ્યક્તિઓને જમીન વેચાણ પર બંધી મૂકાય () અખબારી આઝાદી () સંગઠન અને હળવામળવા તથા સભાઓ યોજવાની આઝાદી તથા () ચૂંટાયેલી ધારાસભા અસ્તિત્વમાં લવાય. આજકાલ રાજ્યના બંધારણની કલમ ૩૫ના સુપ્રીમ કોર્ટે પહોંચેલા વિવાદનાં મૂળ અહીં છે.દેશમાં આજે પણ જમ્મૂ-કાશ્મીર ઉપરાંત બીજાં ઘણાં રાજ્યોમાં આવી અલગ બંધારણીય જોગવાઈઓ છે.
સરદારનેહરુ અને કાશ્મીરના ભારત સાથેના જોડાણ કે વિલયના ઘટનાક્રમને ઇતિહાસનાં તથ્યો સાથે નવી નજરે નિહાળવાની જરૂર વધારે છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહની ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની દ્વિધાની સાથે જ સ્વિટ્‌ઝર્લેન્ડની જેમ સ્વતંત્ર રહેવાની મહેચ્છા હતી.મહારાજાએ પોતે પણ આ વાત નોધી છે એટલું જ નહીં,૧૯૫૨માં પુણેથી મહારાજાએ રાષ્ટ્રપતિને પાઠવેલા આવેદનમાં પોતાના રાજ્યના હિંદુ અને મુસ્લિમ તરફથી સ્વતંત્ર રહેવા, ભારત સાથે જોડવા અથવા પાકિસ્તાન સાથે જોડાવાનું દબાણ હોવાની વાત લખી છે. મહારાજાની દ્વિધાને પ્રતાપે પાકિસ્તાની કબાઇલીઓ ચઢી આવે ત્યાં લગીનો વિલંબ થયો. બારામુલ્લા સુધી ધસી આવેલા પાકિસ્તાનીઓથી રહ્યા સહ્યા કાશ્મીરને બચાવવા માટે ભારત સાથેના વિલયપત્ર કે  જોડાણખત પર હસ્તાક્ષર કરવા સિવાયનો બીજો કોઇ વિકલ્પ મહારાજા પાસે બચ્યો નહોતો.  જમ્મૂ-કાશ્મીરના “પ્રધાનમંત્રી” બન્યા પછી છાકટા થયેલા શેખ અબ્દુલ્લાને સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરના અભરખા જાગ્યા.મહારાજાને રાજ્યનિકાલ કરાવવામાં તેમને સફળતા મળી. આખરે એમના મિત્ર નેહરુએ શેખને ૧૯૫૩માં પદભ્રષ્ટ કરી બંદી બનાવવા પડ્યા. વાસ્તવમાં કાશ્મીર કોકડું માત્ર વાતોનાં વડા થકી ઉકેલાય તેમ નથી. સ્થાનિક પ્રજા રાજ્યના જમ્મૂ અને કાશ્મીર એ બે રાજ્યોમાં વિભાજન અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા માટે સંમત નથી. સમસ્યા હિંદુ-મુસ્લિમની પણ નથી.પ્રજા તો ભારત સાથે જ છે,માત્ર એને પોતીકી ગણી મુખ્યધારામાં લાવવાની જરૂર છે.એ માટે મંત્રણા જ એકમાત્ર માર્ગ છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com