Sunday 21 July 2019

Trouble in Punjab in the celebration of 550 year of Guru Nanak's Prakash Purab


ગુરુ નાનકના ૫૫૦મા પ્રકાશવર્ષ ટાણે જ પંજાબમાં કમઠાણ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         કૅપ્ટનની ટીમમાં બગાવતી ખેલાડી સિદ્ધુ ના ઘરના, ના ઘાટના
·         કરતારપુર કરિડોરના યશભાગીનાં  હવે દેશપ્રેમી હોવાનાં પારખાં
·         ઇન્દિરા ગાંધી - વાજપેયીનું સ્વપ્ન મોદી યુગમાં સાકાર થવામાં 
·         પંજાબિયતની દુહાઈ દેનારા રાજનેતાઓના ફાટેલા દૂધ જેવા હાલ
આપણે ત્યાં કહેવત છે કે ગ્રહણ ટાણે જ સાપ નીકળવો. અકાલી-ભાજપના દાયકાના શાસન પછી “પતિયાળા મહારાજા” અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં લડેલા કૅપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર દેશના આ સૌથી સમૃદ્ધ અને ઉદ્યમી પ્રજાના રાજ્યમાં સ્થપાયા પછી, દિલ્હી થકી કોઈ અળવીતરાઇ કરાયા વિના પણ, બધું સખળડખળ ચાલે છે. પંજાબને કોણ જાણે કોઈની નજર લાગી ગઈ છે. રાજ્યની શીખ બહુમતીના જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાસ્થાન સમા ગુરુ નાનકદેવજીના જનમનાં ૫૫૦ વર્ષની એટલેકે પ્રકાશવર્ષની ઉજવણીના વર્ષના સમયે જ કૉંગ્રેસનો આંતરકલહ એટલી હદે વકર્યો કે ભાજપના સાંસદમાંથી કૅપ્ટનની ટીમના સાથી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનપદેથી રાજીનામું આપવા સુધી જવું પડ્યું. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુ ભાજપમાં હતા ત્યારે દેશપ્રેમી કે રાષ્ટ્રવાદી હોવાના દાખલા અપાતા હતા, કૉંગ્રેસમાં ગયા અને ક્રિકેટરમિત્રમાંથી પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઇમરાન ખાન કનેથી કરતારપુર કરિડોર માટે લીલી ઝંડી લઇ આવ્યા પછી એમને રાષ્ટ્રદ્રોહી ગણાવવાની જાણે કે સ્પર્ધાઓ ચાલવા માંડી. પક્ષબાહ્ય આક્રમણ સામે પોતીકી પાર્ટી પડખે રહે એ અપેક્ષિત હતું,પણ સિદ્ધુને તો પોતીકાઓ જ જાણે કનડવા માંડ્યા. સ્વયં નવજોત પણ  પોતાને મુખ્યમંત્રીથી કમ ગણતા નહોતા એટલે કમઠાણ બરાબરનું જામ્યું. હજુ ગઈકાલે જ પક્ષમાં આવીને મુખ્યમંત્રી બનવાનાં સમણાં જોવા માંડેલા સિદ્ધુ  વિવાદ સર્જતા રહ્યા. એમનાં પત્ની અગાઉ ભાજપનાં ધારાસભ્ય હતાં. કૉંગ્રેસમાં આવ્યા પછી સિદ્ધુ ધારાસભ્ય બન્યા તો પત્ની નવજોત કૌરને સાંસદ બનાવીને લોકસભે મોકલવાના એમના અભરખા પર કૅપ્ટને પાણી ફેરવ્યું. જોકે કૅપ્ટનનાં પત્ની ડૉ. પરનીત કૌર પતિયાળા બેઠક પરથી સાંસદ છે. કૅપ્ટને હમણાં સ્પષ્ટતા કરી છે કે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિદ્ધુનાં પત્નીને ભટિંડાથી લડાવવાનું કહ્યું હતું,જયારે સિદ્ધુ ચંદીગઢની જીદ લઈને બેઠા હતા.મેં નવજોત કૌરનો વિરોધ કર્યો નહોતો. આવતા દિવસોમાં સિદ્ધુ પોતાનાં પત્તાં બરાબર ખેલી ના શકે તો તેઓ ના ઘરના, ના ઘાટના જેવી અવસ્થામાં મૂકાઈ  જાય તેવું છે.
નવેમ્બરમાં પ્રકાશવર્ષની ઉજવણી
આગામી નવેમ્બર મહિનામાં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકના પ્રકાશવર્ષની પાકિસ્તાનમાં આવેલી જન્મભૂમિ નાનકાના સાહિબ તથા અંતભૂમિ કરતારપુર સાહિબ સહિત દુનિયાભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે પંજાબમાં રાજકીય હૂંસાતૂંસી વરવાં દ્રશ્ય ફિલ્માવી રહી છે. પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબનું મહાત્મ્ય શીખ શ્રદ્ધાળુઓ માટે ઘણું છે. ભારતની સરહદથી એ માત્ર ૩-૪ કિલોમીટરને અંતરે હોવા છતાં એની મુલાકાત લેવા માટે વાયા લાહોર જતાં શ્રદ્ધાળુઓને ચાર કલાક લાગે છે. આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સુધી  કરિડોર બાંધવામાં આવે તો માત્ર વીસ મિનિટમાં જ ભારતીય પંજાબમાંથી પાકિસ્તાનના પંજાબમાં આવેલી આ પવિત્રભૂમિ સુધી પહોંચી શકાય. બંને દેશોની સરકારો આ માટે સંમત થઇ એટલું જ નહીં, બંને બાજુ ભૂમિપૂજન પછી શરૂ કરાયેલું કામ બે મહિનામાં પૂરું પણ થઇ જશે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે જીવનનાં છેલ્લાં ૧૮ વર્ષ અહીં વીતાવ્યાં હતાં.એમણે અહીં જ દેહ છોડ્યો ત્યારે એમના મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એમને દફનાવવાની ઈચ્છા રાખીને અહીંના ગુરુદ્વારામાં મઝાર ચણી હતી. જોકે શીખો એમના અગ્નિસંસ્કાર કરવાના પક્ષે હતા અને તેમની વાત માન્ય રહી હતી. આ દ્રષ્ટિએ શીખો માટે આ ગુરુદ્વારામાં સવિશેષ શ્રદ્ધા છે. અત્રે એ યાદ રહે કે નાનક સાહેબનો જન્મ થયો હતો એ નાનકાના સાહિબ પણ આજે પાકિસ્તાનમાં જ છે. ભારતના ભાગલા વખતે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું હતું અને પૂર્વ પંજાબ ભારતને ભાગે આવ્યું હતું. ઈસ્લામાબાદમાં ઇમરાન ખાનના શપથવિધિમાં સિદ્ધુ ત્યાંના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા એ મુદ્દે માત્ર ભાજપના નેતાઓ જ નહીં, પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર  સિંહે  અને કૉંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ સહિતનાએ સિદ્ધુને વખોડ્યા હતા. સ્વયં પંજાબના કૅબિનેટ મંત્રી તૃપ્ત રાજિન્દર સિંહ બાજવાએ તો સિદ્ધુને પાક લશ્કરી વડા જનરલ બાજવાને ગળે લગાવવા માટે શહીદ પરિવારોની જાહેર માફી માંગવાનું કહ્યું હતું.
ઇન્દિરા-વાજપેયીનું સ્વપ્ન સાકાર થશે
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી જ નહીં, વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ કરિડોરનું સ્વપ્ન નિહાળ્યું હતું. હવે એ મોદીયુગમાં સાકાર થઇ રહ્યું છે. પંજાબની વિધાનસભામાં વર્ષ ૨૦૧૦માં સર્વાનુમતે ઠરાવ કરીને વિનંતી કરાઈ હતી કે દેરા બાબા નાનકથી કરતારપુર ગુરુદ્વારા સુધી કરિડોરને ભારત અને પાકિસ્તાન બંને સરકારો મંજૂરી આપે અને વગર વીસાએ શ્રદ્ધાળુઓ કરતારપુર ગુરુદ્વારામાં માથું ટેકવવા માટે જઈ આવી શકે. લગભગ દર વર્ષે વડાપ્રધાન અથવા કેન્દ્ર સરકારને અકાલી દળ, ભાજપ, કૉંગ્રેસ અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) તરફથી પ્રતિનિધિમંડળ મારફત અનુરોધ કરાતો રહ્યો  છે કે કરતારપુર કરિડોરને મંજૂર રાખવામાં આવે. વિદેશ મંત્રાલયની સંસદીય સમિતિના અધ્યક્ષ અને કૉંગ્રેસના તિરુઅનંતપુરમના સાંસદ શશી થરૂર સમક્ષ ઐતિહાસિક કરતારપુર કરિડોર બાંધવા અંગેનો મુદ્દો ઉઠાવાયો હતો.થરૂરની અધ્યક્ષતાવાળી સાત સાંસદોની સમિતિની મે ૨૦૧૭માં પંજાબની મુલાકાત વખતે અમૃતસરના સાંસદ ગુરજીત સિંહ ઔજલા અને દેરા બાબા નાનકના ધારાસભ્ય સુખજીન્દર સિંહ રંધવા દ્વારા આ રજૂઆત કરાઈ હતી. થરૂરે  કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારમાં મંત્રી હતો ત્યારે આ કરિડોર બાંધવાની દરખાસ્તને આગળ વધારવા માટે મેં બંને દેશની સરકારમાં પ્રયત્નો કરી જોયા હતા, પણ સુરક્ષાના નામે એ બાબતની માંડવાળ કરાઈ હતી.હવે એ બાબત આગળ વધી રહી છે ત્યારે કેન્દ્રમાં અકાલી દળનાં મંત્રી હરસિમરત સુખબીર સિંહ બાદલ અને કૉંગ્રેસ વચ્ચે યશ ખાટવાની હોડ મચી છે.
અમરિંદર અકાલીમાંથી કૉંગ્રેસમાં
ભારતીય લશ્કરની શીખ રૅજીમૅન્ટમાં સેવારત રહેલા કૅપ્ટન અમરિંદર સિંહે ૧૯૬૫માં લશ્કરમાંથી રાજીનામું આપ્યું હતું, પણ યુદ્ધના સંજોગોને કારણે એ પાછા ફર્યા અને ૧૯૬૫નું પાકિસ્તાન સામેનું યુદ્ધ લડ્યા હતા.પછીથી પતિયાળાના મહારાજા યાદવેન્દ્ર સિંહના પાટવીકુંવર એવા કૅપ્ટન મિત્ર રાજીવ ગાંધી સાથેની દોસ્તીને કારણે કૉંગ્રેસમાં જોડાયા અને લોકસભાના સભ્ય પણ હતા. જોકે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના ભિંડરાનવાલેના ઉગ્રવાદીઓના અંકુશમાંથી મુક્ત કરાવવા ‘ઑપરેશન બ્લ્યૂ-સ્ટાર’ હેઠળ સુવર્ણ મંદિરમાં લશ્કર પાઠવવાના વિરોધમાં કૅપ્ટને સાંસદ તરીકે અને  કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપીને અકાલી દળમાં જોડાવાનું પસંદ કર્યું હતું. એ જ ગાળામાં શીખોના આસ્થાસ્થાનમાં લશ્કર પાઠવાયાના વિરોધમાં આઇપીએસ અધિકારીપદેથી રાજીનામું આપનાર અને પાછળથી રાજકીય પક્ષ સ્થાપનાર સિમરનજીત માન કૅપ્ટનના સગ્ગા સાઢુભાઈ થાય. ૧૯૮૪થી ’૯૨ સુધી અકાલી દળમાં રહેનાર અને મંત્રી તરીકે પણ હોદ્દો સંભાળનાર કૅપ્ટન અમરિંદરે  બાદલના અકાલી દળમાંથી છૂટા થઈને અકાલી દળ (પંથિક) પક્ષ સ્થાપ્યો હતો. જોકે ૧૯૯૮માં આ પક્ષને તેમણે કૉંગ્રેસમાં ભેળવી દીધો હતો. વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ લગી કૅપ્ટન પંજાબના મુખ્યમંત્રી પણ હતા.૧૬ માર્ચ ૨૦૧૭ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ પહેલાં તેઓ લોકસભાના સભ્ય રહ્યા હતા. પતિયાળા રજવાડાનો અમુક હિસ્સો પાકિસ્તાનમાં ગયો હોવા ઉપરાંત કૅપ્ટન પોતે બંને દેશના દુનિયાભરમાં વસતા પંજાબીઓની પંજાબિયતના જતન માટે પોતાના અગાઉના શાસનમાં પંજાબિયત ઉત્સવો પણ યોજતા રહ્યા છે. એમાં ભારત-પાકના ભેદ કરાયા નહોતા. જોકે આ વખતે એ બાબતમાં તેઓ મોળા પડ્યા હોય એવું લાગે છે. કશ્મીરિયતની જેમજ પંજાબિયતને પોષવામાં બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો ફાટેલા દૂધ જેવી અવસ્થા કરે છે.
દિલ્હીનું ઇલુ ઇલુ, સિદ્ધુની દ્વિધા
સિદ્ધુએ ૧૦ જૂને રાહુલ ગાંધીને મળીને આપેલા રાજીનામાની હમણાં પંજાબમાં ચર્ચા હતી ત્યારે મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ સૂચક રીતે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓને મળીને પંજાબને ન્યાય મળે એ માટે એઈમ્સ સહિતના પ્રકલ્પો માટે પ્રયત્નશીલ હતા. કૉંગ્રેસને અમરિંદરને છંછેડવાનું પરવડે તેમ નથી. કૅપ્ટન થકી પંજાબમાં કૉંગ્રેસ સરકાર છે. લોકસભાની તાજી ચૂંટણીમાં પણ ૧૩માંથી ૮ બેઠકો જીતાડી છે. સિદ્ધુને કારણે કેટલીક બેઠકો ગુમાવવી પડી, એવી રજૂઆત મુખ્યમંત્રીએ મોવડીમંડળ સમક્ષ કરેલી છે. સંસદીય પ્રણાલિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સુમેળભર્યા સંબંધ અનિવાર્ય લેખાય છે. કૉંગ્રેસ મોવડીમંડળ કૅપ્ટન પર ભીંસ વધારે તો એ સંબંધો સાગમટે પક્ષપલટામાં પણ પરિણામી શકે. આમ પણ, કૉંગ્રેસ મુશ્કેલીમાં છે ત્યારે સામે ચાલીને કૅપ્ટન આણિ મંડળીને ભગવી બ્રિગેડમાં સામેલ કરવાની મોકળાશ આપવામાં તો કૉંગ્રેસનો વાવટો સંકેલી લેવાનાં જ એંધાણ મળે. ભાજપ સાથે છેડો ફાડીને આવેલા સિદ્ધુ સામે બે જ વિકલ્પ રહે છે: જીવને અકારું લાગે તો પણ કૉંગ્રેસમાં કૅપ્ટનના નેતૃત્વમાં કામ કરતા રહેવું અથવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ પાથરવા માંડેલી લાલ જાજમ પર ચાલીને પંજાબમાં સત્તાથી વિમુખ રહીને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવી. ભારતીય ક્રિકેટથી લઈને નવેમ્બરમાં શરૂ થનારા  કરતારપુર કરિડોર માટે બદનામી વહોરીને પણ ઘણું યોગદાન કરનાર સિદ્ધુ અત્યારે રાજકીય જીવનના ત્રિભેટે આવીને ઊભા છે: ભાજપમાં પાછા જાય તો જે આક્રમક મિજાજ જાળવ્યો છે એને કોરાણે મૂકીને સત્તા સાથે સંધાણ કરવું કે કૉંગ્રેસમાં રહીને સંઘર્ષ અને સત્તાની ભાગીદારી માટે નીચી મૂંડીએ કામ કરવું કે પછી જેનું ભાવિ ઉજ્જવળ નથી એવી આમ આદમી પાર્ટીમાં જઈને કાયમના આંદોલનશૂર બની રહેવું. રાજકારણમાં ચંચળ વ્યક્તિત્વોને એકાએક હોદ્દા મળી જતા હોય છે,પણ લાંબી ઇનિંગ રમવા ઈચ્છુકોએ તો ‘કમ ખાવા અને ગમ ખાવા’ની  પ્રકૃતિ કેળવવી પડે છે. સિદ્ધુ સમજદાર છે એટલે યોગ્ય નિર્ણય જ લેશે.
તિખારો
સિકંદર હાલત કે આગે નહીં ઝૂકતા
તારા તૂટ ભી જાયે જમીન પર નહીં ગિરતા
અરે ગિરતી હૈ હજારો નદીયાં સમુદ્ર મેં
પર કભી સમુદ્ર કો નદી મેં ગિરતે નહીં દેખા
-     નવજોતસિંહ સિદ્ધુ
ઇ-મેઈલ : haridesai@gmail.com        
  (લખ્યા તારીખ:૧૭ જુલાઈ૨૦૧૯ મુંબઈ સમાચાર રવિવાર ઉત્સવ પૂર્તિ ૨૨ જુલાઈ ૨૦૧૯ )     

No comments:

Post a Comment