Tuesday 30 July 2019

Amit Shah's biography presents him as the Great Hero of Victory

વાત સરદાર પટેલના પેંગડામાં પગ ઘાલવા ઉત્સુક અમિત શાહની
ડૉ.હરિ દેસાઈ  
·         કૉંગ્રેસી કે ગાંધીવાદી દાદા, પિતા અને માતાના પરિવારમાં ઉછર્યા અને ૧૯૮૦માં સંઘના સ્વયંસેવક બન્યા
·         નરેન્દ્ર મોદીની ઝોળીમાં ઉત્તર પ્રદેશ લાવી આપનાર “જીતના મહાનાયક” શાહમાં ભારે સંગઠનાત્મક કુનેહ
·         “રામ લહેર” કરતાં “મોદી લહેર”માં ભાજપને વધુ બેઠકો નેતૃત્વ, સંગઠન અને સંઘ સાથેના સંકલનનું જ ફળ
·         રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ ચૂંટણીને આઉટસોર્સ કરી રહ્યાના ચારેકોરથી આક્રમણની સફળ વ્યૂહરચના     

બેઉની તુલના શક્ય જ નથી,પણ સાથે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પટ્ટશિષ્ય તરીકે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને “માય લીડર” પંડિત જવાહરલાલ નેહરુના અનન્ય સાથી તરીકે રાષ્ટ્રનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે યોગદાન કર્યું એવું સંઘ-ભાજપના મજબૂત નેતા લાલકૃષ્ણ આડવાણીના પટ્ટશિષ્ય અને “ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા” નરેન્દ્ર દામોદરદાસ મોદીના અનન્ય સાથી તરીકે અમિત શાહ ના જ કરી શકે એવું નથી. ચક્રવર્તી મોદીના ‘હનુમાન’માંથી હવે ‘ચાણક્ય’ ગણાવા માંડેલા અમિત અનિલભાઈ શાહ માત્ર કહ્યાગરા જ હોત તો સમગ્ર સંઘ પરિવારમાંથી એવા ઘણા મોદીનિષ્ઠો મળી ગયા હોત. આજે મૂળે વડનગરના મોઢ ઘાંચી પરિવારના નરેન્દ્ર મોદી કાશ્મીરી પંડિત પરિવારના બૅરિસ્ટર જવાહરલાલની વડાપ્રધાનની ખુરશી પર અને મૂળે માણસાના પુષ્ટિમાર્ગીય પરિવારના શાહ સરદાર પટેલની દેશના ગૃહમંત્રી તરીકેની ખુરશી પર બિરાજે છે. બૅરિસ્ટર-ત્રિવેણી ગાંધી-નેહરુ-સરદારનો યુગ નોખો હતો, વર્તમાનમાં મોદી-શાહનો યુગ નોખો છે. બંનેની સમસ્યાઓ નોખી હોય અને ઉકેલ લાવવાના ધખારા પણ નોખા હોય એ સ્વાભાવિક છે. પ્રશ્ન કોઈના નાના કે મોટા હોવાનો નથી, નેહરુ અને સરદારની વાતોનો પણ નથી.સમય વર્તમાન પડકારોને પ્રભાવીપણે ઉકેલીને લોકશાહીને મજબૂત કરવા અને પ્રજાને સુખી કરવાનો જ છે. વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી વામણાઓના યુગમાં આવી ગયા એટલે ફુગ્ગામાં હવા ભરીને વિરાટ થવાના એટલે કે માર્કેટિંગ થકી પોતાને સવાયા નેહરુ કે સવાયા સરદાર સાબિત કરે, એનો પણ પ્રશ્ન નથી. બંને નેતાઓની જોડી પોતપોતાનું યોગદાન કરીને આવતી પેઢીઓ એમના વિશે ગર્વ લઇ શકે એવું કંઇક કરી જાય, એમાં જ ગનીમત.
શાહના વ્યક્તિત્વમાં ડોકિયું
ગુજરાતમાં જનસંઘનાં પોસ્ટર ચોંટાડનાર છોકરડામાંથી વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવનાર રાજકીય પક્ષના અધ્યક્ષપદે પહોંચ્યા બાદ કેન્દ્રમાં ગૃહમંત્રી બનનાર સંઘનિષ્ઠ અમિત શાહની સંભવતઃ સર્વપ્રથમ જીવનકથા “અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા”  હમણાં યુનિવર્સિટીના એક અધિપતિએ કશુંક લખાય એ અપેક્ષાએ યાદ કરીને આપી ત્યારે ગમ્યું. અમારા અંગત ગ્રંથાલયમાં ખરીદીને વસાવેલી નરેન્દ્રભાઈની વીસેક જેટલી જીવનકથાઓ હશે,પણ એમ.વી.કામથલિખિત લગભગ સર્વપ્રથમ જીવનકથાની પ્રસવપીડાની કામથમુખે સાંભળેલી કથા ન્યારી છે. અમિતભાઈની આ જીવનકથા અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી જેવા ‘અપનેવાલે” થકી સંભવતઃ શાહ વિશેનાં “અનુમાનો, અટકળો, માન્યતાઓ અને પૂર્વગ્રહો” દૂર કરવાના પ્રયાસરૂપ લખાયેલી વધુ લાગી. જોકે એમાંથી પસાર થતાં “રૂથલેસ” અને “વિવાદાસ્પદ” મનાતા અમિતભાઈના પરિશ્રમ અને સફળતાની વાસ્તવવાદી ભૂમિકાનાં દર્શન થયાનું કબૂલવું પડે. લાભાર્થીઓ થકી ક્યારેક કેટલાક રાજકીય સત્તાધીશોના સૂર્યોદય કે અરુણોદય પછી સૂર્યાસ્તની કલ્પનગાથાઓય લખાતી હોય છે ત્યારે આ બંને લેખકોએ શાહની અંગત જિંદગી અને સાબરમતી જેલમાં વિતાવેલા ત્રણ મહિના અને એ પછી “ગુજરાત સે નિષ્કાસન કા વક્ત ભી શાહ ને એક મકસદ કો જીતે હુએ બિતાયા”ની વાત ખૂબ ટૂંકમાં કરીને પક્ષની બાંધણી માટેના એમના પરિશ્રમની કહાણી સુપેરે મૂકાઈ છે. કાર્યકર્તાઓ સાથે જ નહીં, પ્રજા સાથે પણ સીધો અનુબંધ બાંધવાની અમિતભાઈની ફાવટ પર આ જીવનકથા કે જીવનની આછેરી ઝલક પ્રકાશ પડે છે.
માતા કુસુમબહેનનો પ્રભાવ
અમિત શાહના બાળપણ અને ઉછેર વિશે તથા પ્રારંભિક ઘડતર સંદર્ભે  “અપનેવાલે” લેખકદ્વયને કૉંગ્રેસી પરિવાર જેવો શબ્દ ઉપયોગમાં લેવાનું ઝાઝું પસંદ નથી,પણ એના પર્યાય ગાંધીવાદી પરિવારનો વારંવાર ઉપયોગ કરાયો છે. એમને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે: “મારા દાદા અને પિતા ગાંધીવાદી છાવણીના હતા.મારાં મા પણ કટ્ટર ગાંધીવાદી હતાં અને મોટાભાગના વરિષ્ઠ નેતાઓ તેમને જાણતા હતા.” માણસાના નગરશેઠ એવા દાદાના મહર્ષિ અરવિંદ સાથેના અંતરંગ સંબંધોની યાદીરૂપ જતન કરાયેલી ખુરશી અને અરવિંદ-સાવરકર ભણીની આસ્થામાં અમિત શાહના બાળપણથી જોડાણમાં અને ભારતીયતા ભણીના આકર્ષણને પુસ્તકમાં પ્રતિપાદિત કરાયું છે.૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ મુંબઈમાં સમૃદ્ધ “નાગર” વૈષ્ણવ પરિવારમાં અનિલચંદ્ર અને કુસુમબહેનના ઘરમાં જન્મેલા અમિતભાઈના ક્રિકેટ અને શતરંજના શોખનો પણ ઉલ્લેખ આવે છે,પરંતુ હજુ અન્ય નેતાઓની જેમ એમના બાળપણના રોચક કે સાહસી કિસ્સાઓનું ઉમેરણ કર્યું નથી. એને બદલે લેખકોએ મણિબહેન વલ્લભભાઈ પટેલના મહેસાણા લોકસભા ચૂંટણી પ્રચારમાં પોસ્ટરો લગાવતા ૧૩ વર્ષના ગાંધીવાદી પરિવારના આ છોકરામાંથી “શિખર તક યાત્રા”માં કલ્પનો કરતાં સહજ જીવનનો વધુ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. “શાહના જીવન પર માતાનો ખૂબ મોટો પ્રભાવ હતો.ખાદી પહેરવાની પ્રેરણા પણ માતા કનેથી જ મળી હતી.” ૧૯૮૦માં શાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાય છે અને એ જ વર્ષે ભાજપની સ્થાપના થાય છે. એ ઘટનાક્રમમાં જ ૧૬ વર્ષના આ કિશોરનો, વાયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભાજયુમોના માધ્યમથી, રાજકીય પિંડ પણ બંધાય છે. આજે ૫૫ વર્ષના શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જ નહીં, દેશના ગૃહમંત્રી તરીકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય વારસ લેખાવા માંડ્યા છે. આખા પુસ્તકમાં એમની મુખ્યમંત્રી બનવાની મહેચ્છા અને આનંદીબહેન પટેલ સાથેની “સ્પર્ધા”નો ઉલ્લેખ જોવા મળતો નથી. મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી કેટલાક ખટલાઓમાં તેમના “એન્કાઉન્ટર”ના પ્રતાપે આવી પડેલા માઠા દિવસોમાં પણ એમના ચહેરે વેદના જોવા નહીં મળ્યાનું પણ સવિશેષ નોંધાયું છે. શાહ પરિવારના માણસ (ફેમિલી મેન) છે. ૧૯૮૭માં સોનલબહેન સાથે લગ્ન થયા પછી રાજકીય વ્યસ્તતાઓ વચ્ચે પણ દિવસમાં એકવાર પત્ની સાથે અને પૌત્રી રુદ્રી સાથે ફોન પર વાત કરવાનું એ ચૂકતા નથી. વિદેશ પ્રવાસો બહુજ ઓછા કરે છે. ક.મા.મુનશીને વાંચવાનો શોખ ધરાવે છે.
મોદીભક્તનો રાજકીય પરિશ્રમ
અમિત શાહ વિશે હજુ આવતા દિવસોમાં વધુ પુસ્તકો આવશે,પણ ૨૦૧૯ની ચૂંટણીમાં કાર્યકર્તાઓ માટે રાષ્ટ્રીય અધ્યક્ષના રાજકીય અને વ્યક્તિગત જીવન વિશેના આ દસ્તાવેજના માધ્યમથી જનસમુદાયને પરિચય કરાવવા ઉપરાંત અન્યોને પણ પ્રેરણા બક્ષવાનો હેતુ હોય એવું અવશ્ય લાગે છે. સામે પૂર તરીને પણ મિશન પૂરું કરવામાં અમિતભાઈનો જોટો જડવો મુશ્કેલ છે. સતત પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓ અને પ્રજા સાથે સંવાદ, મુશ્કેલ ઑપરેશન પાર પાડવાનું દ્રઢ મનોબળ તેમજ નરેન્દ્રભાઈ સાથે ગજબનાક ટ્યૂનિંગનો ત્રિવેણીસંગમ ભાજપને ફરીને દેશમાં સત્તા સુધી લઇ જવા માટે પ્રેરક બન્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસ પરના સીધા પ્રહારો, કૉંગ્રેસમાંથી મહત્વની વ્યક્તિઓને ભાજપ સાથે જોડીને રાજકારણ અને ધર્મકારણ તેમજ અર્થકારણનો ત્રિવેણીસંગમ કરાવી સત્તા સુધી યેનકેન પ્રકારેણ પહોંચવાની એમની આક્રમકતાની પાર્શ્વભૂ સમજવા માટે આ પુસ્તક વાંચવું જ નહીં, મમળાવવું પણ અનિવાર્ય છે. મોદી-શાહની સેનાના આક્રમણ સામે ટકવું રાહુલબાબા માટે મુશ્કેલ થાય એટલી હદે વાકપ્રહારો કરવાની વ્યૂહરચના સામેવાળી સેનાને પણ વેરવિખેર કરતી રહી છે. રાહુલની કૉંગ્રેસ ચૂંટણી લડતી નથી,પણ એ ચૂંટણીને  આઉટસોર્સ કરી રહ્યાની વાતનો ગોકીરો મચાવે છે. મોદી-શાહના સ્પર્શનો પારસમણિ સહયાત્રી બનનારાઓનાં પાપ ધોવાની જડીબુટ્ટી બની રહે છે. મોદીના વિચારને શાહ સાકાર કરવાનું કામ કરે છે.મહાત્મા ગાંધીના વિચારને ક્યારેક સરદાર પટેલ સાકાર કરતા એવું જ કંઇક. જોકે બંને સમયગાળાના મહારથીઓની તુલના કરવી અશક્ય હોવા છતાં યુગ બદલાતાં મૂલ્યો પણ  બદલાય છે એ વાતને સ્વીકારવી પડે. અમિત શાહ માત્ર નરેન્દ્ર મોદીનો પડછાયો નથી પરંતુ એમનું આગવું વ્યક્તિત્વ પણ છે, એ વાત સ્વજનો થકી લખાયેલી છતાં આત્યંતિક યશગાથામાં સરી જવાના દોષથી મુક્ત એવી આ જીવનીમાં અનુભવાય છે. જોકે શાહની રાજકીય સફરનાં ૨૦૧૪થી ૨૦૧૮ લગીના માત્ર ચાર વર્ષના સમયગાળામાં ભાજપના અશ્વમેધનો જ સવિશેષ પરિચય અહીં મળે છે. એટલે એમના બહુઆયામી વ્યક્તિત્વની તટસ્થ છણાવટ માટે બિન-લાભાર્થી લેખક-સંશોધક થકી પૂર્ણ જીવનકથા લખાય અને નીરક્ષીર થાય એની પ્રતીક્ષા જરૂર રહે છે.
ઇ-મેઈલ: haridesai@gmail.com 

No comments:

Post a Comment