Friday 24 May 2019

Not only Pandit Nehru but even Sardar Patel was also on Godse's Hit-list


અતીતથી આજ  : ડૉ. હરિ દેસાઇ ૧૫૧૧૨૦૧૫
ઇતિહાસકારોએ નોંધ્યું છે કે નથૂરામના હિટલિસ્ટ
પર જવાહરલાલ નેહરુ - સરદાર પટેલ પણ હતા
ગાંધીજીના હત્યારા ગોડસેનાં દેશભક્તમંદિર
છેલ્લી ઘડીએ નથૂરામનું હૃદયપરિવર્તન થતાં મહાત્મા પર
પૂણેના કૉંગ્રેસીએ ગોળી છોડ્યાની આગળ કરાતી થીયરી

રાષ્ટ્રપિતાની હત્યા સાથે સરદાર પટેલના નામને સંડોવવાનો
જયપ્રકાશ નારાયણથી લઇને કેસકર વકીલનો હીન પ્રયાસ


‘‘માઝી એકચ વિશેષ ઇચ્છા ઇથે લિહીત આહે. જિચ્યા તીરાવર પ્રાચીન દૃષ્ટાંની વેદરચના કેલી તી સિંધૂ નદી આપલ્યા ભારતવર્ષાંચી સીમારેષા આહે. તી સિંધૂ નદી જ્યા શુભ દિવશી પુન્હા ભારતવર્ષાચ્યા ધ્વજાચ્યા છાયેત સ્વચ્છંદતેને વાહત રાહીલ ત્યા દિવસાત માઝા અસ્થીંચ્યા રક્ષેચા કાહી અંશ ત્યા સિંધૂ નદીત પ્રવાહિત કેલા જાવા, હી માઝી ઇચ્છા સત્યસૃષ્ટીત  યેણ્યાસાઠી આણખી એક-દોન પિઢ્યાંચા કાલાવધી લાગલા તરી ચિંતા નાહી...’’ (ગોપાલ ગોડસે લિખિત ગાંધીહત્યા આણિ મીમાંથી)
                રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હી ખાતે સ્વસ્થચિત્તે હત્યા કરનાર પુણેનિવાસી ચિત્તપાવન બ્રાહ્મણ અને અગ્રણી’-‘હિંદુરાષ્ટ્રદૈનિકના તંત્રી નથૂરામ વિ. ગોડસેએ પોતાના મૃત્યુપત્રમાં ૧૪ નવેમ્બર, ૧૯૪૯ના રોજ નોંધેલા ઉપરોક્ત શબ્દોનું શબ્દશઃ પાલન કરતાં નથૂરામના લધુબંધુ સ્વ.ગોપાલ વિનાયક ગોડસેના ૮૨ વર્ષીય બિલ્ડર પુત્ર નાના ગોડસે અને પૌત્ર અજિંક્ય ગોડસેએ પુણેના શિવાજીનગરસ્થિત નિવાસસ્થાને નથૂરામ ગોડસેનો અસ્થિકલશ હજુ સાચવી રાખ્યો છે. સિંધુ નદી ભારત દેશની સીમા બને ત્યાર પછી જ એ અસ્થિને સિંધુ નદીમાં પધરાવવાની કાયદાની ભાષામાં ગાંધીજીના હત્યારાઅને ગોડસે પરિવાર તેમજ અખિલ ભારતીય હિંદુ મહાસભાની દૃષ્ટિએ દેશભક્ત પંડિતનથૂરામ વિ. ગોડસેની ઇચ્છા પૂર્ણ કરવાનો સંકલ્પ જાળવ્યો છે. નથૂરામ ગોડસેનો જીવનના અંત લગી હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સાથે સંબંધ ટક્યો હોવાનું ગોપાલરાવના વર્ષ ૨૦૦૫માં નિધન પૂર્વેના દેશના પ્રતિષ્ઠિત સામયિક ફ્રન્ટલાઇનતેમજ અન્ય ટીવી માધ્યમોને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરાયા છતાં ભાજપ-સંઘની નેતાગીરીએ નથૂરામ સાથેના સંબંધને સતત નકાર્યો છે. સ્વાતંત્ર્યવીર સાવરકર અને સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર ગાંધીહત્યા પ્રકરણમાં જેલવાસી થયા હતા અને પાછળથી છૂટ્યા હતા. જો કે ગાંધીહત્યા પ્રકરણના અદાલતી ખટલા અને તપાસ પંચ પછી પણ ઘણાં તથ્યો પરથી પડદો ઊંચકાયો નહીં  હોવાની ગાંધીજીના વંશજોની માન્યતા છે.
                ૧૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ વહેલી સવારે નથૂરામ ગોડસેને અંબાલા કારાગૃહમાં ફાંસી અપાઇ. એ પૂર્વે  મી આજ ૧૦૧ રૂપયે આપણાસ દિલે આહેત તે આપણ સૌરાષ્ટ્ર સોમનાથ પુનરુદ્ધાર હોત આહે, ત્યાચ્યા કળસાચ્યા કાર્યાસાઠી ધાડૂન દ્યાવેત.એવી નોંધ ૧૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ સુપ્રભાત સવા સાત વાજતાનો સમય નાંખીને નથૂરામે કરી છે. એ નાણાંની પહોંચ સ્વ.ન.વિ. ગાડગીળના હસ્તાક્ષર સાથે મળ્યાની નોંધ પણ ગોપાલરાવે કરેલી છે.
                ગાંધીજીની હત્યા પાછળ સરદાર પટેલનો હાથ હોવાની વગોવણી એ વેળા જયપ્રકાશ નારાયણ અને સામ્યવાદી નેતાઓ થકી ઊઠાવાયેલા સવાલોને કારણે થઇ હતી. રાષ્ટ્રનાયક સરદાર પટેલ ખૂબ વ્યથિત થયેલા એની નોંધ એમની અધિકૃત જીવનકથાના લેખકોએ લીધી છે. જોકે ગોડસે પરિવારે પણ કાળજી લીધી હતી કે ગાંધીહત્યામાં સરદારના સંબંધને લઇને વગોવણી થાય એ કેટલી અનુચિત છે. વર્ષ ૧૯૭૭ થી ૮૧ દરમિયાન સંઘસંચાલિત રાષ્ટ્રીય સમાચાર સંસ્થા હિંદુસ્થાન સમાચારના નરીમાન પોઇન્ટ-મુંબઇસ્થિત કાર્યાલયના હિંદી વિભાગમાં અમો સંવાદદાતા તરીકે કાર્યરત હતા ત્યારે યોગક્ષેમ બિલ્ડીંગ સામેના ગવર્નમેન્ટ હટમેન્ટ્‌સની અમારી કચેરીની મુલાકાત લેનાર ગોપાલ ગોડસે સાથે ગાંધીહત્યા પ્રકરણ વિષયક અનેક વખત ચર્ચા થઇ હતી. એમનાં દીકરી હિમાની(આશીલતા) સાવરકરનાં લગ્ન સ્વાતંત્ર્યવીર સાવરકરના ભત્રીજા સાથે થયાં હતાં.હજુ થોડા વખત પહેલાં જ હિમાની સાવરકરનું નિધન થયું. એમણે સાવરકર સમગ્રના દસ ગ્રંથ પ્રકાશિત કરાવી ઘણું મોટું યોગદાન કર્યું છે. હિમાની પણ હિંદુ મહાસભાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં છે.વ્યવસાયે આર્કિટેક્ટ રહેલાં હિમાની પોતાના પિતા ગોપાલ ગોડસેની જેમ જ નથૂરામ ગોડસેની સ્મૃતિને ચિરંતન રાખવા માટે તેમનાં મંદિરો સ્થાપવાનાં સમર્થક હતાં. અત્યારે અખિલ ભારતીય હિંદુ મહાસભા દર વર્ષની જેમ ૧૫ નવેમ્બરને શૌર્ય દિવસકે બલિદાન દિવસતરીકે મનાવવાની સાથે જ દેશભક્તપં.નથુરામ ગોડસેનાં મંદિરો સ્થાપવા અને તેમના વિચારોના પ્રચાર-પ્રસારમાં સક્રિય છે.
                ગોપાલ ગોડસે ગાંધીહત્યાકાંડમાં સામેલગીરી બદલ ૨૪ નવેમ્બર,૧૯૬૪ના રોજ દીર્ઘ જેલની સજા ભોગવીને છૂટ્યા હતા. એ પછી ફરી એમની ૪૦ દિવસમાં જ ભારતીય સુરક્ષા ધારા હેઠળ અટક કરાઇ હતી. તેમણે ૨૯ માર્ચ, ૧૯૬૫ના રોેજ મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી બાળાસાહેબ દેસાઇને દીર્ઘપત્ર લખીને ગાંધીજીના જનમાનસ પરના પ્રભાવ અને તેમની હત્યા વિશે ગર્વભેર જણાવ્યું હતું. એમના પત્રનો ૫૧મો મુદ્દો સરદાર પટેલ સંદર્ભે હતો. પટેલ મને હવે પૂછતા નથી, મારી અવગણના કરે છે એવી ગાંધીજીની પ્રગટવાણીની પાર્શ્વભૂમાં ગાંધીહત્યામાં સરદાર પટેલનો હાથ હતો, એવી શંકા વ્યક્ત કરાય છે, પરંતુ એ પટેલને અન્યાય કરવા સમાન છે, એવું ગોપાલરાવે નોંધ્યું હતું. ‘‘વધુમાં વધુ પટેલે રાજીનામું આપ્યું હોત. મેં એવું સાંભળ્યું હતું કે ૩૦ જાન્યુઆરીએ કે તે પછી બે-ચાર દિવસમાં ગાંધીહત્યા થઇ ના હોત તો એ ગાળામાં સરદાર પટેલના રાજીનામાના સમાચાર વાંચવા મળ્યા હોત. શ્રી એચ.વી. આર.આયંગાર(કેન્દ્રના તત્કાલીન ગૃહસચિવ) આ અંગે કાંઇક પ્રકાશ પાડી શકે તેવું લાગે છે. ’’
                આજે પણ ગોડસે પરિવારને ગાંધીહત્યા કર્યાનો ગર્વ છે. એને દેશભક્તિનું કામ લેખાવવામાં તેના સભ્યો સંકોચ કરતા નથી. ઉલટાનું યુ-ટ્યુબ પર ઉપલબ્ધ ગોપાલ ગોડસેના અંતિમ ઇન્ટરવ્યૂમાં તેઓ નથૂરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કઇ રીતે કરી અને ગોળી કઇ રીતે ચલાવી એની નાટ્યાત્મક રજૂઆત કરે છે. એ કહે છે કે જેલવાસ દરમિયાન નથૂરામે પોતે એ વાતનું વર્ણન કર્યું હતું.ગોડસે પરિવાર અને હિંદુ મહાસભા ગાંધીજીને ભાગલા માટે જવાબદાર લેખવા ઉપરાંત મુસ્લિમ તુષ્ટિકરણ માટે ભાંડતાં રહ્યાં છે.
                લોકસભા-વિધાનસભાની ચૂંટણી લડી નિષ્ફળ રહેલાં સાવરકર-ગોડસે પરિવારનાં હિમાની સાવરકર ભારતીય જનતા પક્ષને બીજી કૉંગ્રેસગણાવતાં હતાં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એમને આશાનું કિરણ દેખાતું હતું. સમગ્ર ગોડસે પરિવાર રાષ્ટ્રપિતાની હત્યા માટે ગર્વની અનુભૂતિ કરે છે. નથૂરામે ત્રણ ગોળીઓ છોડીને મહાત્માને મોતને ઘાટ ઉતાર્યાની સ્વીકારોક્તિ કરવાની સાથે મૃત્યુ સમયે ગાંધીજી હે રામનહીં બોલ્યાનો દાવો પણ કરે છે, પરંતુ સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે અંતરંગ સંબંધ ધરાવનારા હૈદરાબાદનિવાસી હિંદુ મહાસભાના નેતા અને ધારાશાસ્ત્રી બી.જી. કેસકરલિખિત પુસ્તિકા હુ કિલ્ડ ગાંધીજી? નોટ ગોડસે. હુ ધેન?’માં તો એવો દાવો કરાયો છે કે નથૂરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા જ નથી! જાણીતા ઇતિહાસકાર અને મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તેમજ સંત તુકારામના વંશજ ડૉ.સદાનંદ મોરેએ લોકમાન્ય તે મહાત્માગ્રંથના દ્વિતીય ખંડમાં નથૂરામનું છેલ્લી ઘડીએ હૃદયપરિવર્તન થતાં એણે ગાંધીજી પર ગોળી છોડી નહીં હોવાની કેસકરની ભૂમિકાનું વિશદ વર્ણન કર્યું છે. કેસકર વકીલના કહેવા મુજબ, ગાંધીજી પર પુણેના જ એક કૉંગ્રેસીએ ગોળીઓ છોડીને તેમની હત્યા કરી હતી અને એ હત્યારો ૧૯૭૮ સુધી જીવતો હતો. કેસકર વકીલ સરદાર પટેલના નામને ગાંધીજીની હત્યામાં સંડોવવાનો પ્રયાસ કરે છે અને નથૂરામેે તો હત્યાનું આળ પોતાના શિરે લીધાની થિયરી આગળ ધરે છે.

                ડૉ.મોરેએ નોંધ્યું છેઃ ‘‘હિંદુ મહાસભાના મહામંત્રી વિ.ઘ. દેશપાંડેએ ૨૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ કરેલા ભાષણમાં નેહરુ અને પટેલને ફાંસી આપવી જોઇએ એવું કહ્યાનું પટણામાં જનશક્તિઅખબારમાં છપાયાની નોંધ ય.દિ.ફડકે નામના જાણીતા ઇતિહાસકારે કરી છે.’’ એ સમયગાળામાં ગાંધી, નેહરુ અને પટેલ સહિતના કેટલાક કૉંગ્રેસી આગેવાનોની હત્યાની શક્યતા વિશે બાળૂકાકા કાનિટકરે ૧૨ માર્ચ, ૧૯૪૯ના રોજ તત્કાલીન ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને લખેલા પત્રમાં વર્ણવ્યું હતું. ડૉ.મોરે વધુમાં જણાવે છે કે નથૂરામના હિટલિસ્ટ પર ગાંધીજી અને નેહરુની સાથે જ પટેલનું નામ પણ હતું, એ વાતને વિસારી શકાય નહીં.તેમણે કેસકરની થિયરીને નવલકથાની નરી કલ્પના ગણાવી છે. જોકે ગાંધીજીની હત્યાના પ્રકરણનાં ઘણાં પાસાં નિરુત્તર રહ્યાં છે, એ હકીકત છે.

No comments:

Post a Comment