Wednesday 29 May 2019

How BJP could defeat the Opposition?

ભાજપના જાગતા તંત્રે વેરવિખેર વિપક્ષી મોરચાને મહાત આપી
ડૉ.હરિ દેસાઈ
·         સત્તારૂઢ ભાજપમાં સંઘનિષ્ઠ અને આયાતી કૉંગ્રેસી એમ બે નોખી છાવણીઓ એકદમ લાભાર્થીની ભૂમિકામાં
·         ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૨૨.૬ કરોડ મત મળ્યા, જયારે પરાજિત  કૉંગ્રેસે ૧૧.૮૬ કરોડ મત મેળવ્યા
·          આવતા દિવસોમાં ભાજપની ટોચની નેતાગીરી સાથે પ્રાદેશિક પક્ષો ટકરાવાની શક્યતા ઓછી જોવા મળશે
·         ગુજરાતમાં હજુ તક મળે તો વધુ કૉંગ્રેસી ધારાસભ્યો ભગવો ધારણ કરીને સત્તા સાથે જોડાવાનું પસંદ કરશે

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે: “જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો.” લોકસભાની વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યાતિભવ્ય વિજય અને કૉંગ્રેસ સહિતના વિપક્ષ માટે આ કહેવત અદ્દલ લાગુ પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીને વડાપ્રધાન થશે એ તો લગભગ નિશ્ચિત મનાતું હતું,પણ આટલી બહુમતી અંકે કરીને વડાપ્રધાન થશે એ તો ભાગ્યે જ કલ્પનામાં હતું. મોદી અને એમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાતી જોડીનો આ ચમત્કારિક વિજય હોવાને કારણે હવે તો એમના પક્ષના વયોવૃદ્ધ નેતાઓ જ નહીં, વિપક્ષી નેતાઓ પણ હરખભેર એમનું અભિવાદન કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે વર્ષ ૨૦૨૪ લગી દેશના શાસનની ધુરા સંભાળવાની જવાબદારી મોદીને શિરે છે ત્યારે એમણે વિજય પછીના સર્વપ્રથમ પ્રગટ સંબોધનમાં દર્શાવેલી વિનમ્રતા સાથે દેશની પ્રજાના કલ્યાણ માટે કાર્યરત રહેશે, એટલી અપેક્ષા જરૂર કરી શકાય. અમે તો દૂરદર્શન પર કહ્યું હતું કે જેમ કેરીઓ આવે અને આંબો નમે એ રીતે આવતાં પાંચ વર્ષ મોદી અને સાથીઓ, એમણે કહ્યું તેમ, વિનમ્રતા સાથે શાસન કરે. ૩૦ મેના રોજ મોદી સરકાર કેવી બને છે એ જોવાનું રસપ્રદ રહેશે, પણ ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગૃહમંત્રી તરીકે મહત્વના સ્થાને આવે એવું અપેક્ષિત છે. 
જીતનો યશ મોદીના નેતૃત્વને
જીત મોદીના નેતૃત્વની, શાહના વડપણવાળા ભાજપના મજબૂત અને જાગતા સંગઠન, સંઘ પરિવારના પ્રયાસો  તેમજ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં મક્કમ ઇચ્છાશક્તિ ધરાવતા શાસનની છે.રાષ્ટ્રવાદનો મુદ્દો ખૂબ પ્રભાવી રહ્યો.પ્રજાના પ્રશ્નો બાજુએ સારીને પ્રજાએ લડતા-ઝગડતા વિપક્ષોને બદલે ફરી એકવાર મોદીમાં વિશ્વાસ મૂક્યો છે.સાથે જ સામાન્ય પ્રજાને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવામાં જે કામ થયું એના પ્રતાપે મોદી સરકાર ભણી વિશ્વાસ જાગ્યો હતો. આ વિશ્વાસ પાંચ વર્ષમાં પ્રજાને સુખાકારી અને સંતોષ સાથે રાષ્ટ્રની પ્રગતિનો અહેસાસ કરાવે તેમજ સર્વધર્મી અને સર્વકર્મી સાથે સમવ્યવહાર થાય તો જ ગનીમત. સત્તારૂઢ ભાજપમાં સંઘનિષ્ઠ અને આયાતી કોંગ્રેસી એમ બે છાવણીઓ લાભાર્થીની ભૂમિકામાં જોવા મળે છે.આયાતી નેતાઓ સીધા જ ચાર કલાકમાં કે બાર કલાકમાં પ્રધાનપદે ભલે નિયુક્ત થઇ જાય,પણ પક્ષની વ્યૂહ ઘડનારી બેઠકોમાં તો સંઘનિષ્ઠ અને એમાં પણ પાછા મોદી-શાહના નિષ્ઠાવંત હોય એવા જ નેતા-કાર્યકર્તાને સામેલ કરાય છે. આ વિશે કાર્યકરો કે પ્રવક્તાઓમાં ખાનગી ખૂણે અસંતોષ વ્યક્ત કરાય છે,પણ સત્તા સાથે રહેવાના લાભ ખાટવા માટે ખુલ્લામાં આવીને પતી જવા ભાગ્યેજ કોઈ તૈયાર હોય છે. 
વિપક્ષીનેતાપદથી કૉંગ્રેસ વંચિત
મે ૨૦૧૯માં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કૉંગ્રેસની તુલનામાં આ વખતે મે ૨૦૧૯ની લોકસભાનું ચિત્ર જરા નોખું છે. વિપક્ષી નેતાઓને ભાજપ સાથે જોડાવાની ભૂમિકા તો ચાલુ રહી છે,પરંતુ દિલ્હીશ્વર અને તેમના માનીતા નેતાઓ ભાજપ સાથે વિપક્ષી નેતાઓને જોડાવાના અભિયાનમાં વધુ મજબૂતાઈ સાથે આગળ વધી શક્યા છે. ભાજપને ગત લોકસભાની ચૂંટણી કરતાં  આ વખતે ૫.૫ કરોડ મત વધુ મેળવવામાં અને ૨૧ વધુ બેઠકો મેળવવામાં સફળતા મળી છે. ગત ચૂંટણીમાં લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ભાજપને ૨૮૨ સહિત એનડીએના મોરચાને ૩૩૬ બેઠકો મળી હતી. સામે પક્ષે કૉંગ્રેસને માત્ર ૪૪ બેઠકો સહિત એના નેતૃત્વવાળા મોરચાને ૧૦૦ કરતાં પણ ઓછી બેઠકો મળી હતી. કૉંગ્રેસને વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું નહોતું કારણ એ માટે ૫૫ બેઠકોનો ખપ પડે. વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ૫૪૨ બેઠકોની ચૂંટણીમાંથી ૩૦૩ ભાજપને અને ભાજપ સહિત તેના વડપણવાળા મોરચાને ૩૫૦ જેટલી બેઠકો મળી. કૉંગ્રેસને ૫૨ (બાવન) બેઠકો મળી તો ખરી,પણ વિપક્ષના નેતાનું પદ પણ મેળવવામાં એ નિષ્ફળ રહી છે. મિત્રપક્ષ દ્રમુક સહિતના મોરચાએ તમિળનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગણ સહિતનાં રાજ્યોમાં ભાજપને એકપણ બેઠક મળવા દીધી નથી,પણ ભાજપ અને તેના મિત્રપક્ષોએ કૉંગ્રેસની હાલત એટલી ખરાબ કરી કે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનાં પરિવારની પરંપરાગત ગણાતી અમેઠી બેઠક પરથી હારી ગયા. એમને કેરળના વાયનાડમાંથી લોકસભા ચૂંટણી જીતી લીધી. વર્ષ ૨૦૧૪માં ૧૭.૧ કરોડ મત મેળવનાર ભાજપને આ વખતે ૨૨.૬ કરોડ મત મળ્યા છે, જયારે ૨૦૧૪માં ૧૦.૬૯ કરોડ મત મેળવનાર કૉંગ્રેસે આ વખતે ૧૧.૮૬ કરોડ મત મેળવ્યા છે. જોકે ૨૦૧૪ની તુલનામાં આ વખતે મતદારો વધુ હતા, મતદાન પણ થોડું વધુ થયું. બંને મુખ્ય પક્ષોએ વધુ મત મેળવવામાં સફળતા મેળવી છે.
લોકસભાનું સ્વરૂપ બદલાયું
ક્યારેક રાજીવ ગાંધીના યુગમાં ૪૦૪થી ૪૧૫ બેઠક સુધી ગયેલી કૉંગ્રેસે પોતાની રાજ્ય સરકારોવાળાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં સૂપડાંસાફની સ્થિતિ અનુભવવી પડી છે. ભાજપનો પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને બિહાર ઉપરાંત ઇશાન ભારતનાં રાજ્યોમાં ચૂંટણી લડવાનો વ્યૂહ એને ઉત્તરપ્રદેશની નુકસાની ભરપાઈ કરનારો સાબિત થયો છે. સાથે ક્યારેક પહેલી લોકસભામાં એટલે કે ૧૯૫૨માં કૉમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઇ) માત્ર ૧૭ બેઠકો સાથે મુખ્ય વિપક્ષ હતો અને તેમાંથી ૧૯૬૪માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ(સીપીએમ) છૂટો પડ્યો, બંને પક્ષોની સ્થિતિ વખતની લોકસભામાં સાવ નાજુક થઇ છે. કુલ ૫૪૫ સભ્યોની  લોકસભામાં (બે) ઍંગ્લો-ઇન્ડિયન સભ્યોને નામનિયુક્ત કરાય છે. ૫૪૨ બેઠકોની યોજાયેલી ચૂંટણી પછી પક્ષવાર સ્થિતિ મુજબ છે:  ભાજપ: ૩૦૩, કૉંગ્રેસ : ૫૨(બાવન), દ્રમુક: ૨૩, તૃણમૂલ કૉંગ્રેસ :૨૨, વાયએસઆર કૉંગ્રેસ:૨૨,જનતા દળ(યુ): ૧૬, બિજુ જનતા દળ: ૧૨, બહુજન સમાજ પાર્ટી: ૧૦ટીઆરએસ: , લોક જનશક્તિ પાર્ટી: , એનસીપી: , સમાજવાદી પાર્ટી: , ટીડીપી: , સીપીએમ: , મુસ્લિમ લીગ: , નેશનલ કૉન્ફરન્સ: , સીપીઆઇ: , અકાલી દળ:, એમઆઈએમ: , અપના દળ(સોનેલાલ): , અપક્ષ: ઉપરાંત એક-એક બેઠક જીતનારા અને અન્ય.
વડાપ્રધાન મોદી વારાણસીથી સમાજવાદી પક્ષનાં શાલિની યાદવ અને કૉંગ્રેસના અજય રાય સામે લડીને ૬૩.૬૨ % મત મેળવીને વિજયી થયા છે. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી સામ્યવાદી પક્ષના પી.પી.મુનીર સામે ૪૩.૮૬ % મત મેળવીને વિજયી થયા છે. ગત લોકસભામાં ૨૩ મુસ્લિમ સાંસદો હતા, જયારે વખતે ૨૭ મુસ્લિમ સાંસદો લોકસભે બેસશે. દસ વર્ષ માટે મધ્યપ્રદેશના  મુખ્યમંત્રી રહેલા કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહ વખતે ભોપાલની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર અને આતંકવાદી ખટલાનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા અને આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયેલા મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી દસ્તાના વડા હેમંત કરકરે પોતાના શાપથી મર્યા એવું કહીને વડાપ્રધાન મોદી માટે પણ પ્રજ્ઞાએ મૂંઝવણ પેદા કરી હતી. 
કૉંગ્રેસ  અને પ્રાદેશિક પક્ષોનું ભાવિ
કૉંગ્રેસ જયારે જયારે હારે કે સત્તાથી લાંબો સમય દૂર રહે ત્યારે એના મહત્વાકાંક્ષી નેતાઓ એમાં વિભાજન સર્જે છે. આમ પણ, મોદી-શાહના નેતૃત્વવાળી ભાજપના સત્તારોહણ પછી તેણે દેશને કૉંગ્રેસમુક્ત કરવાનો સંકલ્પ કરીને તેના મહારથીઓને ભાજપમાં ભેળવવાના સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે. ગુજરાત મોડેલનો અમલ અન્ય રાજ્યોમાં કરીને મોદી-શાહે સત્તાપ્રભાવ વિસ્તાર્યો પણ સાથે જ ભાજપને કૉંગ્રેસયુક્ત કરી મૂકી છે. હજુ દિશાના પ્રયાસો ચાલુ રહેશે. સર્વપ્રથમ તો મધ્યપ્રદેશની હજુ મહિના પહેલાં સત્તારૂઢ થયેલી કૉંગ્રેસના કમલનાથની સરકારને ગબડાવવામાં આવેતથા ત્યાં ભાજપી સરકાર સ્થપાય. પછી કર્ણાટકની જનતા દળ (સેક્યુલર) અને કૉંગ્રેસની  સરકારને ભાજપમાં ફેરવી નાખવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતા છે. કૉંગ્રેસમાં રાહુલ ગાંધી નેતાગીરી પૂરી પાડવામાં નિષ્ફળ ગયાનું ગાણું ગાતા તેના સાંસદો પણ ભાજપનો માર્ગ પકડે કે ભાજપના મિત્ર પક્ષ બની રહે એવી શક્યતા વધુ છે. પછી રાજસ્થાનની અશોક ગેહલોત સરકારનો  વારો કાઢવામાં આવે તો બહુ આશ્ચર્ય થશે નહીં.તાજેતરમાં જે વિધાનસભાઓની ચૂંટણી થઇ તેમાં આંધ્ર પ્રદેશમાં નર ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સરકારને સ્થાને હવે વાયએસઆર કૉંગ્રેસના  જગન રેડ્ડી મુખ્યમંત્રી બનતાં કેન્દ્ર સરકાર સાથે સુમેળ સાધીને કામ કરશે. તેલંગણના મુખ્ય મંત્રી કે.ચંદ્રશેખર રાવ તો મોદી સાથે સુમધુર સંબંધ ધરાવે છે. ઓડિશામાં છેલ્લા બે દાયકાથી મુખ્યમંત્રી રહેલા નવીન પટનાયક પણ વડાપ્રધાન મોદી સાથે શીંગડાં નહીં ભરાવે. મોદી-શાહ હવે મમતા બેનરજીની સરકારને વિદાય કરીને કોલકાતામાં ભાજપની સરકાર સ્થાપવાના એજન્ડા સાથે આગળ વધશે.ચેન્નાઈમાં હવે વિધાનસભાની ચૂંટણીમાં દ્રમુકના સુપ્રીમો એમ.કે.સ્ટાલિન કૉંગ્રેસ સાથે સંબંધ વિચ્છેદ કરીને ભાજપી મોરચામાં ભળી જાય તો બહુ આશ્ચર્ય નહીં થાય.અગાઉ દ્રમુક અને અન્નાદ્રમુક ભાજપી અને કૉંગ્રેસી મોરચામાં વારફરતાં રહ્યા છે.આવતા દિવસોમાં ભાજપની નેતાગીરી સાથે પ્રાદેશિક પક્ષો ટકરાય એવી શક્યતા હવે ઓછી થતી જાય છે.કારણ, મોદી-શાહ સામે ટકરાવું એટલે પતી જવું, એવો રાજકીય માહોલ દેશભરમાં નવી રાજકીય હવા સર્જાશે. 
ગુજરાતમાં નવાજૂની અપેક્ષિત
આગામી દિવસોમાં ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડનારી બેઠકો પર દિલ્હી જવા માટે ઉત્સુકોની મોટી કતાર છે. છ વર્ષની મુદત પૂરી થતાં નિયમિત નિવૃત્ત થતા રાજ્યસભા સાંસદો ઉપરાંત ગાંધીનગરના લોકસભાના સાંસદ શાહ અને અમેઠીનાં લોકસભા સાંસદ સ્મૃતિ ઈરાનીની બેઠક ખાલી પડશે.સાથે જ બનાસકાંઠા લોકસભા બેઠક જીતેલા પરબતભાઈ પટેલની ધારાસભાની બેઠક પરથી શંકર ચૌધરી વિધાનસભાની પેટા ચૂંટણી લડીને ગુજરાતમાં કૅબિનેટ પ્રધાન થવાની શક્યતા ઉજ્જવળ છે.ચૂંટણી ટાણે શંકરભાઈના તાલે ભાજપને લાભ થાય એ રીતે કામ કરનાર રાધનપુરના કૉંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ભાજપમાં વિધિવત પ્રવેશ થાય અને એમને ધારાસભા લડાવવામાં આવે તો મંત્રી મંડળમાં અને જો ના લડાવાય તો કેન્દ્રમાં પછાત વર્ગના નિગમમાં અધ્યક્ષપદ આપીને સરપાવ અપાય. સાથે જ અલ્પેશના બે નિષ્ઠાવંત ધારાસભ્યોમાં બાયડના ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ભરતજી ઠાકોર ભાજપમાં સામેલ થાય કે વધુ કૉંગ્રેસી ધારાસભ્યો ભગવો ધારણ કરીને સત્તા સાથે પોતાને જોડવાનું પસંદ કરશે, એ ભણી સૌની મીટ છે.

ઇ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment