ચૂંટણી આચારસંહિતામાં છટકબારીનાં છીંડાં
ડૉ.હરિ દેસાઈ
દાયકાઓથી દેશની ચૂંટણીઓ મુક્ત અને આદર્શ રીતે થાય એ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાના પ્રયાસો થતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી ભારતની બંધારણીય સંસ્થા લેખાતા ચૂંટણી પંચ દ્વારા બહાર પડાતી આદર્શ આચારસંહિતાને ના તો કાયદાકીય અથવા તો ના બંધારણીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં લાવવામાં આવેલી મનાતી આચારસંહિતા અને સુપ્રીમ કૉર્ટના એક ચુકાદાને પગલે બહાર પડાતી માર્ગદર્શિકાના સમાવેશ સાથેના ૩૧૨ પાનાંના રૂપકડા દસ્તાવેજના નિર્દેશોનો  અમલ કરવાનો વિવેક દાખવવાને બદલે મનસ્વી રીતે એનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ સવિશેષ જોવા મળે છે. ચૂંટણી પંચ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે એ વ્યક્તિ કે પક્ષને નોટિસ આપીને ત્રણ દિવસમાં કે સાત દિવસમાં સ્પષ્ટતા કરવાનું ફરમાવે છે જરૂર, પણ એ પછી નક્કર કાર્યવાહી કરવા સુધીમાં તો બીજી ચૂંટણી પણ કદાચ આવી જાય. લોક પ્રતિનિધિ ધારા,૧૯૫૧ હેઠળ  નવી ચૂંટણી લગી કોઈ દંડાત્મક કાર્યવાહી ના થઇ હોય તેવું પણ બને. આ વર્ષે લોકસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડા અને અન્ય બે ચૂંટણી આયુક્તો અશોક લવાસા તથા સુશીલ ચન્દ્રાએ રૂપકડી નોંધ લખીને બહાર પાડી છે. એનો અમલ કરવામાં આવે તો ભારતીય લોકશાહીનું પર્વ કેટલું ઉજ્જવળ છે એની પ્રતીતિ થયા વિના રહે નહીં. વાસ્તવમાં આ જ દસ્તાવેજના પૃષ્ઠ:૧૧ પર જાહેર કરવામાં આવ્યું છે કે આદર્શ આચારસંહિતા વૈધાનિક (સ્ટૅચ્યૂટરી) નથી. હવે દેશમાં કાનૂની કે બંધારણીય જોગવાઈઓમાં પણ જ્યાં છટકબારીઓ શોધવાની વૃત્તિ-પ્રવૃત્તિ સવિશેષ હોય ત્યાં આ સ્વૈચ્છિક દસ્તાવેજનો અમલ કરવાની ભાવના પ્રબળ  ના હોય એ સ્વાભાવિક છે. ભારતીય લોકશાહી હજુ યુનાઇટેડ કિંગ્ડમ (યુ.કે.) જેટલી પરિપક્વ થઇ નથી, જ્યાં વણલખ્યા બંધારણ છતાં પરંપરાઓને આધારે લોકશાહી મૂલ્યોનું જતન કરવાની ભાવના મજબૂત હોય. આચારસંહિતામાં જૂઠાણાં ફેલાવવાને પણ વર્જ્ય ગણાવ્યું છે, પણ કોઈ પક્ષ આમાં રાજા હરિશ્ચન્દ્ર સાબિત થાય તેમ નથી. આચારસંહિતાની જોગવાઈઓએ  ફોજદારી ધારા કે અન્ય કાયદા હેઠળ  પરોપજીવી જ  બની રહેવાનું છે.

અત્યારના સંજોગોમાં બધાને દેશના મુખ્ય ચૂંટણી આયુક્ત ટી.એન.શેષનનું સ્મરણ થવું સ્વાભાવિક છે. બંધારણીય કે કાનૂની જોગવાઈઓ ના હોય છતાં શેષને લાકડાની તલવારે આચારસંહિતાના અમલ માટે ભારે ધાક બેસાડી હતી.જરૂર પડી ત્યારે સુપ્રીમ કૉર્ટે પણ ગયા. ચૂંટણી પંચે સરકારી મશીનરી પર જ અવલંબન રાખવું પડે ત્યારે કોઈના મળતિયા તરીકે કામ કરનારા આઇએએસ અધિકારીઓનો પણ શેષન વારો કાઢી લેતા એટલું જ નહીં, એ અમુક સનદી અધિકારીઓ માટે તો જાહેરમાં “કૉલગર્લ્સ” જેવો શબ્દપ્રયોગ કરતા હતા. ચૂંટણી પંચ પાસે કેવા અને કેટલા અધિકાર છે, એનો શેષને દેશને અનુભવ કરાવ્યો હતો. રાજનેતાઓ કે અધિકારીઓમાં એમની ભારે ધાક હતી. સંસદની દિનેશ ગોસ્વામી સમિતિએ ૧૯૯૧માં અહેવાલ આપીને લોક પ્રતિનિધિ ધારામાં ૧૧ બાબતોને આમેજ કરવાની ભલામણો કરી હતી. આચારસંહિતાને બંધારણીય સ્વરૂપ આપવાનો એનો આગ્રહ હતો. કૉંગ્રેસી વડાપ્રધાન પી.વી.નરસિંહ રાવના શાસનકાળમાં આ તમામ બાબતોને આમેજ કરીને રાજ્યસભામાં વિધેયક રજૂ પણ કરાયું,, પણ ચમત્કારિક રીતે ૧૯૯૪માં એની માંડવાળ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ પાસે પોતીકો સ્ટાફ જૂજ છે અને દેશભરમાં નેવું કરોડ મતદારો માટે ચૂંટણી યોજવા માટે ૧ કરોડ જેટલા અધિકારી-કર્મચારીની જરૂર પડે. બંધારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ માટે પોતાના અધિકારી-કર્મચારી ચૂંટણી પંચને હવાલે મૂકવાની જોગવાઈ કરેલી છે. જોકે આઇએએસ કે આઈપીએસ અધિકારીઓ પર તો કેન્દ્ર સરકાર અને બાકીના નીચલા અધિકારી-કર્મચારીઓ પર રાજ્ય સરકારનો પ્રભાવ રહે. તેમના ખાનગી અહેવાલ (સીઆર) લખવા કે બઢતી કે બદલીની સત્તા સંબંધિત સરકારો પાસે હોય છે.એવા સંજોગોમાં ચૂંટણીના ગાળા પૂરતી એમની વફાદારી ભલે ચૂંટણી પંચ ભણી બતાવાતી હોય; અંતે એમનાં હિતના નિર્ણય તો ચૂંટણી પંચને અધીન નથી, એ સ્પષ્ટ છે. ચૂંટણી પંચ પાસે આવા અધિકારીઓ કે કર્મચારીઓને દંડિત કરવાની કે સરપાવ આપવાની સત્તા પણ નથી. માત્ર  ભલામણથી વિશેષ કશું કરવાની સ્થિતિમાં ચૂંટણી પંચ નથી.

હમણાં ગુજરાતના સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જિતુ વાઘાણીએ કૉંગ્રેસવાળાઓને “હરામજાદા” કહ્યા બાબત કે ભાજપના જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને તેમના પક્ષને જ મત આપવા સંદર્ભે ધમકી આપ્યા બાબત ચૂંટણી પંચે નોટિસ આપી. રાજનેતાઓ આવી નોટિસોને બહુ ગંભીરતાથી લેતા નથી.માત્ર ઉત્તર વાળી દે છે. વર્ષ ૨૦૧૯ની આદર્શ આચારસંહિતામાં સોશિયલ મીડિયા પર અંકુશ લાવવાને સામેલ કરવાની સાથે જ જે બાબતોનો ઉલ્લેખ કરાયો છે તેમાં વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (રાજનાથ સિંહ) તથા ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષના કૅબિનેટ મંત્રી (આઝમ ખાન)નાં  ગંભીર ધાર્મિક ઉશ્કેરણીજનક ભાષણો થકી ચૂંટણી પંચે તેમને “સેન્સર” કર્યાનો સમાવેશ છે. રાજનાથે માફી માગી લીધી હતી, પણ આઝમે માફી નહીં માગતાં પંચે તેમને સભાબંધી ફરમાવી હતી. ઉત્તરપ્રદેશના ભાજપી સાંસદે વિધાનસભાની ચૂંટણી દરમિયાન બે કોમો વચ્ચે વિદ્વેષ સર્જાય એવું ભાષણ કર્યું હતું અને પંચે એમને પણ “સેન્સર” કર્યાનું નોંધાયું છે.પંચે અહીં કૉંગ્રેસનો કોઈ કિસ્સો ટાંક્યો નથી! આચારસંહિતાનો ભંગ કરો અને માફી માંગી લ્યો એટલે પત્યું. વાસ્તવમાં  આચારસંહિતાને ધોઈ પીવાની વૃત્તિ તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓમાં જોવા મળે છે. આવા સંજોગોમાં આચારસંહિતાને કાનૂની કે બંધારણીય સ્વરૂપ આપીને એનું ઉલ્લંઘન કરનારાઓ સામે  કડક કાર્યવાહી થાય એ દિશામાં સવેળા પગલાં અનિવાર્ય છે. જોકે દલા તરવાડીના ન્યાયના માહોલમાં કોઈપણ રાજકીય પક્ષ સત્તામાં આવે, બંધારણીય સંસ્થા ચૂંટણી પંચને પ્રભાવહીન રાખવામાં જ રસ ધરાવે છે. ઇ-મેઈલ : haridesai@gmail.com

0 Comments