Thursday 21 February 2019

Pulwama Terrorist Attack



ભલે વાઘસવારી છતાં ઘડી દેશની અગ્નિપરીક્ષાની
ડૉ.હરિ દેસાઈ
વાત રાજકીય નથી, રાષ્ટ્રીય સુરક્ષાની છે. મુદ્દો ચૂંટણી જીતવાનો જ નથી, રાષ્ટ્રને પ્રથમ ગણી એનાં હિતોનું  જતન કરવાની છે. વાતાવરણ આક્રોશનું છે, પણ વાણીવિલાસને થંભાવી ગંભીર બનવાની અનિવાર્યતાનું છે.  ઘડી રાજકીય ભાંડણલીલાઓ થકી દેશના દુશ્મનોને હરખપદુડા થવાનો અવસર આપવાની નથી, દેશમાં સર્વાનુમત સાધીને વિવેકી ભાષા થકી સંદેશ આપવાની છે.સમય આરોપ-પ્રત્યારોપનો નથી, નક્કર ભૂમિકા પર રાષ્ટ્રને હાનિ પહોંચાડનારાં તત્વો અને પરિબળોને સામૂહિક ઉત્તર વાળવાનો છે. જમ્મૂ-કાશ્મીરમાં ૧૪ ફેબ્રુઆરીએ મળસકે ભારતીય લશ્કર અને અર્ધલશ્કરી દળોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ૪૪ જવાનો શહીદ થવાના ઘટનાક્રમ વિશે રાષ્ટ્રની જોશીલી જનતામાં રોષ હોય એ સમજી શકાય છે,પણ હોશ ગુમાવ્યે ચાલવાનું નથી. હુમલા પાછળ જવાબદાર તત્વોને જેર કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે કાર્યવાહી કરવી પડે એ માટે સમગ્ર દેશની પ્રજા  અને તમામ રાજકીય પક્ષો ભારત સરકાર અને લશ્કરી દળોની સાથે અડીખમ ઊભા છે. હવે માત્ર સર્જિકલ સ્ટ્રાઈક કરવાથી મામલો અંકુશમાં આવે એવું નથી. ઘરઆંગણે આતંકવાદને પોષનારા અને પાકિસ્તાન સહિતનાને એમની ભાષામાં જ ઉત્તર વાળવાની ઘડી આવી પુગી છે. વર્ષ ૧૯૭૧માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી, લશ્કરી વડા સેમ માણેકશા અને વિપક્ષીનેતા અટલ બિહારી વાજપેયી થકી તૈયાર થયેલા માહોલને પગલે પાકિસ્તાનના બે ટુકડા કરવાનું શક્ય બન્યું હતું, એવી કોઈક વ્યૂહાત્મક કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લશ્કરની ત્રણેય પાંખના વડાઓ અને તમામ વિપક્ષો સાથે મળીને કરે.
દેશના વર્તમાન સત્તાધીશો માટે આ વાઘસવારી છે.ગત લોકસભાની ચૂંટણી વખતે કોણે કેવી વાતો અને વચનો આપ્યાં એના વિડીયો  સોશિયલ મીડિયામાં રેલાવવાનો કે અગાઉના કયા વડાપ્રધાન કે સંરક્ષણ મંત્રી સબળા કે નબળા હતા; એ ચર્ચા છોડી દેશના હિતશત્રુઓ સામે સમગ્ર ભારત સંગઠિત છે, એની પ્રતીતિ એકી અવાજે સમગ્ર દુનિયાને કરાવવી પડશે. કવાયત માત્ર ચૂંટણીલક્ષી નથી, રાષ્ટ્રલક્ષી છે.આજના તબક્કે રાષ્ટ્રવાદનાં પ્રમાણપત્રો વહેંચવાનો અને “મેરે કપડે આપસે જ્યાદા સફેદ હૈ”, એ બતાવવાને બદલે સમગ્ર દેશને સાથે લેવાનો ૧૯૬૫નો લાલબહાદુરી વિશ્વાસ નિર્માણ કરવાનો છે. સાથે જ દેશની સામરિક વાસ્તવિકતાઓને વિસારે પાડીને માત્ર જોશ અને ઘોષને બદલે હોશમાં રહી રાષ્ટ્રના કલ્યાણમાં નક્કર યોગદાન કરવાનું છે. વાતોનાં વડાં બહુ થયાં. હવે ઘડી અગ્નિપરીક્ષાની આવી ગઈ  હોય ત્યારે રોષ અને હોશની સમતુલા જાળવવાની છે.
લશ્કરી બાબતો ચૂંટણી જીતવા કે હારવાનું મોકળું મેદાન નથી હોતી, તેમ છતાં યુદ્ધમાં હાર-જીત ચૂંટણીઓમાં રાજકીય પક્ષોની હાર-જીતનું નિમિત્ત જરૂર બને છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ૧૯૪૫માં જર્મનીને હંફાવીને ભવ્ય વિજય મેળવનાર  યુ.કે.ની વૉર કૅબિનેટના યુદ્ધખોર  વડાપ્રધાન  વિન્સ્ટન ચર્ચિલે ૧૯૪૫ની જ ચૂંટણીમાં પોતાની બેઠક અપક્ષ ઉમેદવાર સામે ઓછી સરસાઈથી જીત્યા છતાં તેમના  કૉન્ઝર્વેટિવ પક્ષે પરાજય સહેવો પડ્યો હતો. લેબર પક્ષની સરકાર રચાતાં ચર્ચિલે વિપક્ષે બેસવું પડ્યું હતું. ફેબ્રુઆરી ૧૯૬૨માં લોકસભાની ત્રીજી ચૂંટણીમાં લાગલગાટ ત્રીજીવાર કુલ ૪૯૪ બેઠકોમાંથી ૩૬૧ બેઠકો કોંગ્રેસને ફાળે જવાના ભવ્ય વિજય પછી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ “તેમના ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના આક્રમક વડા બી.એન.મલિકનાં ચીનને ઉશ્કેરવાનાં ઉંબાડિયાને પગલે” અને અકસાઇચીન અને લડાખમાં ચીની અટકચાળા અંગે વિપક્ષોના હુમલાઓના પગલે છેવટે ઓક્ટોબર ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધમાં ભીડાવું પડ્યું હોવાનું ભારત-ચીન ૧૯૬૨ યુદ્ધના સત્તાવાર ઇતિહાસકાર કર્નલ અનિલ આઠલે (નિવૃત્ત) નોંધે છે. આ યુદ્ધ હારવાનો અપયશ નેહરુ અને એમના સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનનને શિરે નોંધાયો. વર્તમાન સરકારમાં કેન્દ્રીય નાણા મંત્રી (અને સંરક્ષણ પણ  મંત્રી રહેલા)  અરુણ જેટલી પણ એ અંગે જાહેરમાં છૂટ્ટા મોઢાનાં નિવેદનો કરતા રહ્યા છે.
જોકે ચીનની દગાખોરી અને યુદ્ધમાં પરાજયથી વ્યથિત નેહરુને ભુવનેશ્વરમાં ૯ જાન્યુઆરી ૧૯૬૪ના રોજ લકવો પડ્યો. એમનું ડાબું અંગ ખોટું પડી ગયું હતું. ૨૭ મે ૧૯૬૪ના રોજ મૃત્યુને ભેટેલા નેહરુના અનુગામી તરીકે એમના જ નિષ્ઠાવંત લાલબહાદુર શાસ્ત્રી પછી નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધી આવ્યાં.શાસ્ત્રી યુગમાં પાકિસ્તાન સાથેનું ૧૯૬૫નું યુદ્ધ થયું અને ભારત વિજયી બન્યું હતું. લોકસભાની ચોથી ચૂંટણી ફેબ્રુઆરી ૧૯૬૭માં અને પાંચમી ચૂંટણી માર્ચ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસ લડી અને અનુક્રમે ૨૮૩ અને ૩૫૨ બેઠકો સાથે એનો વિજય થયો હતો. ડિસેમ્બર ૧૯૭૧માં ભારત-પાક યુદ્ધના પ્રતાપે બાંગલાદેશનું નિર્માણ શક્ય બન્યું હતું. એમ છતાં એ પછીની ઇમર્જન્સીને પ્રતાપે ૧૯૭૭ની ચૂંટણી કોંગ્રેસ હારી. સંયોગ તો જુઓ ચર્ચિલ અને નેહરુ બંને વડાપ્રધાનોને  લકવો પડ્યો અને બંનેનાં અંગ ખોટાં પડ્યાં હતાં. વડાપ્રધાન ચર્ચિલને જૂન ૧૯૫૩માં લકવો પડ્યો અને ૧૯૫૫માં હોદ્દો છોડ્યો. એમનું ૧૯૬૫માં મૃત્યુ થયું.
યુદ્ધના માહોલમાં સમગ્ર દેશ સંગઠિત જ હોય છે. પાકિસ્તાનમાં રહીને પુલવામાના આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર જૈશ-એ-મોહમ્મદ (“અલ્લાહના લશ્કર”)ના આત્મઘાતી હુમલામાં જેણે વિસ્ફોટકો ભરેલા વાહનને અથડાવીને સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોને શહીદ કર્યા એ  દુષ્ટઆત્માના રાષ્ટ્રવિરોધી પગલે સમગ્ર દેશને ખિન્ન કરી મુક્યો છે. ભારત અને પાકિસ્તાન બંને અણુબોમ્બ ધરાવનાર રાષ્ટ્રો છે. તેમજ ચીન પાકિસ્તાનને પોતાનો ૩૪મો પ્રાંત ગણે છે. દિલ્હીએ ઇસ્લામાબાદ વિરુદ્ધ જે કોઈ પગલાં ભરવાનાં હોય એમાં ખૂબ જ સાવધાની રાખવી અનિવાર્ય છે. અમેરિકા,ઇઝરાયલ  સહિતના દેશો ભારતના સ્વરક્ષણના અધિકારને સ્વીકારે અને નૈતિક ટેકો આપે,પણ આપણું ઘર આપણે જ સાચવવાનું છે. ઘર ફૂટયે ઘર જાય. ભાષાપ્રયોગમાં સંયમ રાખી, સર્વ રાજકીય પક્ષોને સાથે લઈને જ રાષ્ટ્રના હિતમાં જે કાંઈક કરવું પડે તે કરવા ભારત સરકારે લશ્કરી દળોને મોકળાશ અને સાથ આપવા સહિતની સક્રિયતા દાખવવી પડે.સ્વાભાવિક રીતે વિજય ભારતનો જ થાય.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment