Wednesday 30 January 2019

Lok Sabha expected to be hung in Triangle fight


રાજકીય પક્ષોના ત્રિપાંખિયા જંગમાં ત્રિશંકુ લોકસભાનાં એંધાણ
ડૉ.હરિ દેસાઈ
  • ·         ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં એવું કહેવાતું હતું કે એમના પ્રધાનમંડળમાં શ્રીમતી ગાંધી  એકલાં જ પુરુષ સમોવડાં છે
  • ·         વરરાજા વિનાની જાનમાં છેવટે મોરારજીની વરણી કરી, બે નાયબ વડાપ્રધાનો ચરણસિંહ અને જગજીવન  રામ બન્યા
  • ·         લાલુપ્રસાદે ભાજપના નેતા  આડવાણીની ધરપકડ કરી અને ભાજપે કેન્દ્રને ટેકો પાછો  ખેંચી લેતાં વી.પી. સરકાર ડૂલ
  • ·         મે ૨૦૧૪માં ભારે ગાજવીજ વચ્ચે ભાજપી  નેતા  મોદી ૩૧.૩૪ ટકા મત સાથે ૨૮૨ બેઠકો મેળવી વડાપ્રધાન થયા  

ભારતીય લોકસભાની આગામી એપ્રિલ-મે દરમિયાન યોજાવાની ૧૭મી ચૂંટણી અનેક દ્રષ્ટિએ નવાજૂની લઈને આવે એવા સંકેતો અત્યારથી મળી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્તમાન સત્તારૂઢ મોરચા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) સામે કોંગ્રેસના વડપણવાળા સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ)ને બદલે વિપક્ષોનું એક મહાગઠબંધન હોવા ઉપરાંત અન્ય પ્રાદેશિક પક્ષોનો મોરચો ભલે એનડીએને સત્તામાં આવતાં રોકવા માટે રચાય,પણ ફરીને કેન્દ્ર સરકાર તો પૂંછડિયા ખેલાડીઓના ઈશારે નર્તન કરનારી થવાની શક્યતા વધુ છે. મે ૨૦૧૪માં એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીની લોકપ્રિયતાના શઢ પર આરૂઢ થઈને ચૂંટણી જંગમાં ઊતરેલા ભારતીય જનતા પક્ષને એકલેહાથે ૫૪૩માંથી ૨૮૨ બેઠકો મળતાં તેની આગવી બહુમતી હતી.ત્રણ દાયકા પછી કોઈ એક પક્ષને બહુમતી મળ્યાનો એ પ્રસંગ હતો.તેમ છતાં સાથી પક્ષોને સરકારમાં લઈને રચાયેલી સરકારનાં આજે સાડા ચાર વર્ષ વિત્યા પછી ભાજપની એકલેહાથે બહુમતી રહી નથી. કેટલાક સાથી પક્ષો સાથ છોડી ગયા,બટુક પક્ષો સાથે આવ્યા,પેટા ચૂંટણીઓમાં ભાજપી ઉમેદવારો હાર્યા એટલે આજે એની સભ્ય સંખ્યા ૨૬૮ની નીચે સરકી છે. ૩૬ પક્ષો લોકસભામાં સભ્યો ધરાવે છે,પણ એમાંથી ૬ કે ૭ થી વધુ બેઠકો ધરાવનારા તો માત્ર ૧૨ જ છે. ભાજપી મોરચો ૩૫ રાજકીય પક્ષોનો અને મહાગઠબંધન ૨૨ રાજકીય પક્ષોનું ગણાતું ભલે હોય, આવતા દિવસોમાં વિજેતા થઈને લોક્સભે આવે તેવા પક્ષો તો સીમિત જ રહેવાના. મે ૨૦૧૯માં રચાનારી લોકસભા દેડકાંની પાંચશેરી જેવી હોવાની શક્યતા વધુ હોવાથી કેટલાક પક્ષોના નેતા તો “જિસ કે તડ મેં લડ્ડુ, ઉસ કે તડ મેં હમ” જેવી અવસ્થામાં હશે. કોંગ્રેસ મહાગઠબંધનનો ભાગ બનશે કે એકલે હાથે લડશે એ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાદી ઇન્દિરા ગાંધીની ઝલક ધરાવતાં બહેન પ્રિયંકાને પક્ષનાં મહામંત્રી બનાવ્યા પછી જવાબદારી ભલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઈલાકા પૂર્વ ઉત્તરપ્રદેશનાં પ્રભારી બનાવ્યાં.. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસે ટીડીપી સાથે જોડાણ રદ કરીને લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલેહાથે લડવાનો  સંકલ્પ કર્યો  છે.
લોકસભાઓનું વિહંગાવલોકન
વર્ષ ૧૯૪૭માં ભારત આઝાદ થયું અને ૧૯૫૦માં બંધારણ અમલમાં આવતાં પ્રજાસત્તાક બનતાં પહેલી લોકસભા ચૂંટણી વર્ષ ૧૯૫૧-૫૨ દરમિયાન યોજાઈ. પહેલી લોકસભામાં સ્વાભાવિક રીતે કુલ ૪૮૯ બેઠકોમાંથી કોંગ્રેસ ૪૫ ટકા મત સાથે ૩૬૪ બેઠકો જીતીને મજબૂતાઈ સાથે વડાપ્રધાન પંડિત નેહરુના વડપણ હેઠળ સરકાર રચી શકી હતી. વિપક્ષે કમ્યૂનિસ્ટ પાર્ટીના ૧૬ અને સમાજવાદી પાર્ટીના ૧૨ સભ્યો હતા. આઝાદી પછીની નેહરુ-સરદાર સરકારમાંથી નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું તો ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ નિધન થયેલું હતું એટલે નેહરુ આગવી રીતે સત્તા સંભળાતા હતા. સમયાંતરે નેહરુના જૂના સાથીઓ સાથ છોડતા ગયા અને વિપક્ષે બેસતા થયા, છતાં કોંગ્રેસનું ચલણ ચાલતું રહ્યું.વર્ષ ૧૯૫૭માં બીજી ચૂંટણીમાં ૪૯૪ બેઠકો થઇ. કોંગ્રેસને મળેલા મત અને બેઠકોમાં  વધારો થયો. તે અનુક્રમે ૪૮ ટકા અને ૩૭૧ બેઠકો હતી. ત્રીજી ચૂંટણી ૧૯૬૨માં થઇ. ૪૯૪ બેઠકો માટે મતદાન થતાં ૪૫ ટકા મત સાથે કોંગ્રેસ ૩૬૧ બેઠકો મેળવીને સત્તામાં આવી. વડાપ્રધાન “હિંદી-ચીની ભાઈ –ભાઈ”ના નારામાં રમમાણ હતા ત્યાં ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું અને પરાજયે નેહરુનું દિલ તોડ્યું. નેહરુના અનુગામી તરીકે આવેલા એમના જ નિષ્ઠાવંત લાલબહાદુર શાસ્ત્રીના સમયગાળામાં પાકિસ્તાન સાથે ૧૯૬૫નુ યુદ્ધ લડાયું અને ભારત જીત્યું. શાસ્ત્રીનું તાશ્કંદ મંત્રણા વખતે આકસ્મિક મૃત્યુ પછી એમનાં અનુગામી તરીકે નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધી આવ્યાં. ૧૯૬૭માં એમના નેતૃત્વમાં લડાયેલી  ચૂંટણીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ.રામમનોહર લોહિયાના નેતૃત્વમાં વિપક્ષી જોડાણે કોંગ્રેસને બરાબરની ટક્કર આપી. ૫૨૦  બેઠકોમાંથી કોંગ્રેસને ૨૮૩  બેઠકો મળી અને મત માત્ર ૪૧ ટકા જ. વર્ષ ૧૯૭૧માં લોકસભાની ચૂંટણીની ૫૧૮ બેઠકોમાંથી કોંગ્રેસને ૩૫૨ બેઠકો અને મત મળ્યા ૪૩.૬૮ ટકા મળ્યા. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં એવું કહેવાતું હતું કે એમના પ્રધાનમંડળમાં શ્રીમતી ગાંધી  એકલાં જ પુરુષ સમોવડાં છે.
૧૯૭૭માં સર્વસત્તાધીશનો પરાજય
વર્ષ ૧૯૭૫માં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો વડાંપ્રધાન શ્રીમતી ગાંધીની વિરુદ્ધમાં આવતાં તેઓ રાજીનામું આપવાનું વિચારતાં હતાં, પણ તેમના પુત્ર સંજય ગાંધી અને  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે, બેરિસ્ટર રજની પટેલ,કાયદા પ્રધાન એચ.આર.ગોખલે અને કોંગ્રેસ પ્રમુખ દેવકાંત બરુઆની કિચન કેબિનેટે એમણે વાર્યાં.૨૫ જૂને તેમણે ઇમર્જન્સી લાદીને વિપક્ષી નેતાઓને જેલભેગા કરવાનું પસંદ કર્યું.ઈમર્જન્સીના અત્યાચારોનો બદલો માર્ચ ૧૯૭૭માં પ્રજાએ માત્ર કોંગ્રેસને પરાજય આપીને લીધો એટલું જ નહીં,પણ શ્રીમતી ગાંધી અને સંજયને પણ ઉત્તર પ્રદેશની તેમની બેઠકો પરથી હરાવ્યાં. ૫૧.૬૮ ટકા મત સાથે ભાલોદ(જનતા પક્ષ એ પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર લડી) ૫૪૨માંથી ૨૯૫ બેઠકો મેળવીને વિપક્ષી મોરચાએ  ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો. કોંગ્રેસને માત્ર ૧૫૪ બેઠકો મળી. જનતા પાર્ટીના શંભુમેળાના નેતામાંથી લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીએ નેતા પદે મોરારજી દેસાઈની વરણી કરી અને એમની સરકારમાં બે નાયબ વડાપ્રધાનો ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન  રામ બન્યા.પહેલી વાર ભાજપના પૂર્વ અવતાર જનસંઘના નેતાઓ કેન્દ્રમાં પ્રધાનપદાં પામ્યા. જોકે આ સંઘ કાશીએ ના ગયો અને મોરારજી સરકારને ઉથલાવવામાં ચરણસિંહને કોંગ્રેસનો સાથ મળ્યો.એ પણ લોકસભામાં વિશ્વાસનો મત લીધા વિના જ રાજીનામું ધરી બેઠા એટલે ૧૯૮૦માં લોકસભાની ચૂંટણી આવી અને ઇન્દિરા ગાંધી ભવ્ય વિજય સાથે સત્તામાં પાછાં ફર્યાં. તેમના પક્ષને ૪૨.૬૯ ટકા મત અને ૫૨૯માંથી ૩૫૩ બેઠકો મળી.
ઇન્દિરાની શહાદત, રાજીવનું સત્તારોહણ
ઇન્દિરા ગાંધીની  સત્તાવાપસી પછી તેમના રાજકીય વારસ લેખાતા સાંસદ-પુત્ર સંજયનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું. વિમાન પાઈલટ રાજીવ ગાંધીએ માતાના રાજકીય સહાયક તરીકે કામ શરુ કર્યું. જોકે પંજાબ સમસ્યા અને ખાલિસ્તાનનું ધૂણતું  ભૂત વડાપ્રધાનને  ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ  ભરખી ગયું.  સાંસદ રાજીવ ગાંધીએ વડાપ્રધાનપદના શપથ લીધા. ડિસેમ્બર ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં સહાનુભૂતિના મોજાએ ૫૧૪ બેઠકોમાંથી કોંગ્રેસને ૪૦૪ બેઠકો આપી.મત ૪૮.૧૨ % મળ્યા. જોકે રાજીવને બોફોર્સ કાંડની આગ આભડી ગઈ. વી.પી.સિંહ સહિતના સાથીઓ કોંગ્રેસ છોડી ગયા.વર્ષ ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં ૫૨૯ બેઠકોમાંથી કોંગ્રેસને ૩૯.૫૩ ટકા મત સાથે સૌથી વધુ ૧૯૭  બેઠકો મળી તો ખરી,પણ ૧૧.૩૬ ટકા મત અને ૮૫ બેઠકોવાળા ભાજપ અને ૩૩ માર્ક્સવાદીઓના ટેકે, ૧૭.૭૮ ટકા મત મેળવનાર  ૧૪૩ બેઠકોવાળા જ.દ.ના વી.પી.સિંહ સરકાર રચવામાં સફળ થયા.સોમનાથ-અયોધ્યા રથયાત્રા દરમિયાન બિહારના જ.દ.ના મુખ્યમંત્રી લાલુપ્રસાદે ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીની ધરપકડ કરી અને ભાજપે કેન્દ્રને ટેકો પાછો  ખેંચી લેતાં વી.પી. સરકાર ડૂલ થઇ. કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના ૬૪ સભ્યોના નેતા ચંદ્રશેખરને રાજીવ ગાંધીની કોંગ્રેસનો ટેકો મળતાં એ વડાપ્રધાન બન્યા અને ટેકો પાછો ખેંચાતાં ગબડ્યા ય ખરા.
નરસિંહરાવ અને બાબરી ધ્વંશ
વર્ષ ૧૯૯૧ની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે અને વડાપ્રધાનપદે ફરીને રાજીવ ગાંધી આવશે એ નિશ્ચિત લેખાતું હતું ત્યાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન જ તમિળ ટાયગર્સે રાજીવની હત્યાને અંજામ આપ્યો એટલે પી.વી. નરસિંહરાવના નસીબ આડેથી પાંદડું ખસી ગયું. એ વડાપ્રધાન બન્યા.૧૯૯૧ની ચૂંટણીમાં ૫૨૧ બેઠકોમાંથી કોંગ્રેસને ૨૩૨, ભાજપને ૧૨૦ અને જનતા દળને ૬૯ બેઠકો મળી. તેમણે મળેલા મત અનુક્રમે ૩૫.૬૬ ટકા,૨૦.૦૪ ટકા અને ૧૧.૭૭ ટકા હતા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યાના વિવાદાસ્પદ બાબરી ઢાંચાને તોડવામાં સંઘ-વિહિપના કાર સેવકોને સફળતા મળી.વર્ષ ૧૯૯૬માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એનો ભાજપને ફાયદો મળ્યો.૨૦.૨૯ ટકા મત સાથે ૧૬૧ બેઠકો ભાજપને મળી.કોંગ્રેસને ૨૮.૮૦ ટકા મત મળ્યા પણ બેઠકો માત્ર ૧૪૦ મળી.જનતા દળને ૮.૦૮ ટકા મત સથે ૪૬ બેઠકો  મળી, પણ આ ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોને ૧૨૯ બેઠકો મળતાં સરકાર બનાવવાની ચાવી તેમના હાથમાં ગઈ. ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની વડાપ્રધાન થવાની હોંશ ૧૯૯૬માં પૂરી થઇ,પણ માત્ર ૧૩ દિવસ માટે. એમના પછી એચ.ડી.દેવે ગોવડા અને આઈ.કે. ગુજરાલની સરકાર આવી અને ગઈ.
વાજપેયીયુગ પછી મનમોહનયુગ
વર્ષ ૧૯૯૮માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૫.૫૯ ટકા મત અને ૫૪૩ બેઠકોમાંથી ૧૮૨ બેઠકો મળી અને ૨૪ પક્ષોના એનડીએના વડા તરીકે અટલજી ફરી વડાપ્રધાન બન્યા.કોંગ્રેસને ૨૬.૧૪ ટકા મત મળ્યા,પરંતુ બેઠકો માત્ર ૧૪૧ મળી.અન્ય પ્રાદેશિક પક્ષોને ૧૦૧ બેઠકો મળી. બીજા વર્ષે લોકસભાની ચૂંટણી કરાવવાના સંજોગો નિર્માણ થતાં વર્ષ ૧૯૯૯ની ચૂંટણીમાં પણ ભાજપને ૨૩.૭૫ ટકા મત સાથે ૧૮૨ બેઠકો મળી.અન્યોને ૧૫૮ બેઠકો મળી. કોંગ્રેસને ૨૮.૩૦ ટકા મત છતાં ૧૧૪ બેઠકો મળી.વાજપેયી મે ૨૦૦૪ સુધી વડાપ્રધાન રહ્યા અને ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં  ભાજપનો પરાજય થયા છતાં વાજપેયી પોતાની અમીટ છાપ છોડી ગયા.વર્ષ ૨૦૦૪ની ચૂંટણીમાં ભાજપને ૨૨.૧૬ ટકા મત સાથે ૧૩૮ બેઠકો મળી. કોંગ્રેસને ૨૬.૭૦ ટકા મત સાથે ૧૪૯ બેઠકો મળી હોવા છતાં સોનિયા ગાંધીના વડપણવાળા મોરચામાં સભ્યસંખ્યા વધુ હતી એટલે ખાસ્સા નાટકીય વળાંક પછી સોનિયા ગાંધીને બદલે એમની પસંદગીના ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાનપદે આવ્યા. પ્રાદેશિક પક્ષોને ૧૫૯ બેઠકો મળી હતી. બબ્બે મુદત માટે ડૉ.સિંહ  વડાપ્રધાન રહ્યા..વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૮.૫૫ ટકા મત સાથે ૨૦૬ બેઠકો મળી,જયારે ભાજપને ૧૮.૬૮ ટકા મત સાથે ૧૧૬ તેમ જ પ્રાદેશિક પક્ષોને ૧૪૬ બેઠકો મળી.યુપીએ-૨માં જે કારનામાં પ્રાદેશિક મિત્રપક્ષોએ કર્યાં એના પ્રતાપે કોંગ્રેસ ખૂબ બદનામ થઇ અને મે ૨૦૧૪માં ભારે ગાજવીજ સાથે ભાજપના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.જોકે તેમના પક્ષ ભાજપને માત્ર ૩૧.૩૪ ટકા મત સાથે ૨૮૨ બેઠકો મળી.કોંગ્રેસને ૧૯.૫૨ ટકા મત સાથે માત્ર ૪૪ બેઠકો મળી, જે વિપક્ષના નેતાપદ માટે પણ જરૂરી ૧૦ ટકા બેઠકો એટલે કે ૫૫ સામે અપૂરતી ગણાય. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી.જયારે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસના ગુલામનબી આઝાદ પાસે છે.જોકે રાજ્યસભામાં ભાજપ અને મિત્ર પક્ષોની બહુમતી નથી. હવે પ્રાદેશિક પક્ષોના વધતા પ્રભાવને ભારતીય લોકશાહીની મજબૂરી ગણાવી શકાય.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment