ચૂંટણી જીતવા રાષ્ટ્રવાદના પ્રતીકાત્મક પ્રયોગો: ડૉ.હરિ દેસાઈ
માનો કે ના માનો,સ્વીકારો કે ના સ્વીકારો; સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની નેતાગીરીને આગામી લોકસભાની ચૂંટણીમાં પરાજય અશક્ય નહીં હોવાનો અંદેશો આવી ગયાનું એની આરંભાયેલી આક્રમક  ઝુંબેશો અને પ્રતીકાત્મક પ્રયોગોમાં વર્તાય છે. વર્ષ ૨૦૧૪નો મોદી જાદુ ઓસરી રહ્યાની, લોકસભામાં ૨૮૨ બેઠકોને બદલે માત્ર ૧૮૦ બેઠકો આવવાની અને “ચૌકીદાર ચોર હૈ” જેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ નહીં,પણ દાયકાઓ જૂના ભાજપના મિત્રપક્ષ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની પણ ઘોષણાઓ વિશે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમના નવવર્ષના બહુચર્ચિત ઇન્ટર્વ્યૂમાં સીધું જ પૂછાય; એ પણ ઘણા બધા સંકેત આપે છે. લોકસભામાં રાફેલ ખરીદી મુદ્દો ગાજે અને એમાં રાહુલબાબા સાથે આંધ્રના મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુના ભાજપીમોરચાની સત્તાસાહ્યબી  છોડી વિપક્ષે બેઠેલા તેલુગુ દેશમ પાર્ટી પણ ટ્રેઝરી બેંચને ભીડવે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનને બદલે નાણા મંત્રી અરુણ જેટલી રાહુલના હુમલાને ખાળે. વાત ગોવાની સરકાર ટકશે કે જશે સુધી લંબાય. દેશભરમાં એની ચર્ચા થાય. ભાજપ એકલેહાથે ૧૮૦ બેઠકો પર આવે તો પણ મોદી જ આગામી વડાપ્રધાન તરીકે શપથ લઇ શકે એવી નક્કર વ્યવસ્થા કરવામાં કામે વળ્યા પછી પણ નાગપુરના નીતિન ગડકરી, કેન્દ્રમાં મંત્રી અને પક્ષના પૂર્વ અધ્યક્ષ હોવા છતાં, સતત પાંચ દિવસ પાંચ રાજ્યોની તાજેતરની ચૂંટણી હાર્યા વિશે વડાપ્રધાન મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહને પડકારરૂપ નિવેદનો કરે એ કાંઈ અમથું નથી. આવા જ માહોલમાં ભાજપી ગઠબંધન તથા વિપક્ષી ગઠબંધન પવિત્ર કે અપવિત્રની ચર્ચા ઘણા વટાણા વેરે છે. દેશમાં ૩૧ વિધાનસભાઓમાંથી ભાજપ માત્ર ૧૦મ જ બહુમતી ધરાવે છે, ભલે એના  ૧૨ મુખ્યમંત્રી હોય.સત્તાધારી ગઠબંધન છોડીને કે મંત્રીપદ ફગાવીને કે પછી રૂસણે બેસીને ધાર્યું કરાવવામાં મિત્ર પક્ષોના આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી જે સંદેશ મળતા રહ્યા છે એ સાઉથ બ્લોકના વર્તમાન ધણી માટે ખાસ્સા ચિંતાજનક છે.
રામ મંદિર સહિતના અમુક મુદ્દે નાગપુરની નારાજગી હોવા છતાં અંતે પોતીકા છોરું માટે મા કછોરું ના જ થાય. સંઘ-ભાજપની કેડર કામે વળી ગઈ છે.સોશિયલ મીડિયામાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ૩ જાન્યુઆરીએ શેયર કરેલી પ્રચાર જાહેરાતમાં “રખેને અટલજીની જેમ મોદીજીને ગુમાવવાનો વારો આવે” એવા શબ્દો ભાજપની ચિંતાને ખુલ્લંખુલ્લા દર્શાવે છે. વાત ડુંગળીના ભાવ નિમિત્તે કરાઈ છે. ખેડૂતોની નારાજગીનો પણ અહીં સંકેત મળે છે. ભાજપ અને સંઘ પરિવારનાં સંગઠનોએ કેટલાક સાંકેતિક મુદ્દા પણ ગજવવા માંડ્યા છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મળેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશન પછી ગુજરાત સરકાર થકી  શાળાઓમાં હાજરી પુરાવવા માટે વિદ્યાર્થીઓમાં  “દેશભાવના કેળવવા માટે” “યસ સર” કે “પ્રેઝન્ટ સર”ને બદલે “જય હિંદ” કે “જય ભારત” બોલવાના આદેશ અપાયા. આ આદેશ આપ્યા વિના પણ ઘણી શાળાઓ એનો અમલ કરતી જ હતી. છેલ્લાં બાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને એને બે દાયકા પછી વિદ્યાર્થીઓમાં દેશભાવના માટે આવું પગલું લેવાનું સૂઝ્યું એ વાત પર હસવું આવે એ સ્વાભાવિક છે. બાકી હતું તે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એની ઘોષણા કરે ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે અગાઉનાં વર્ષોનાં બાળકો અને આ લખનાર કે ચુડાસમાની પેઢીમાં દેશભાવના દ્રઢ થઇ ના હોવાનો કોઈ અભ્યાસ થયો છે ખરો? આવું જ પગલું મધ્યપ્રદેશમાં કમલ નાથની કોંગ્રેસ સરકાર સત્તારૂઢ થતાં એણે દર મહિને સરકારી કર્મચારીઓ દ્વારા એકવાર ગવાતા “વંદે માતરમ્”ને બંધ કરાવવામાં લીધું. નાથે ચોખવટ કરવાની જરૂર હતી કે આ રાષ્ટ્રગાન પૂરું ગાવાની પરંપરા સંઘ પરિવારમાં છે, એને બદલે બંધારણસભામાં ભાજપના આદ્યપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સહિતનાએ માન્ય કરેલા અને રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ઘોષિત કરેલા રાષ્ટ્રગાનની કડીઓ જ ગવાશે.
વિકટ  સંજોગોમાં પણ ભાજપ હાર માનવા તૈયાર ના હોય એ સ્વાભાવિક છે. એની પાસે નાગપુર કે દિલ્હીથી લઈને અંતરિયાળ ગામો સુધી સ્વયંસેવકો અને કાર્યકરોની કેડર છે. કેન્દ્ર અને બહુમતી રાજ્યોમાં સત્તા છે. કેન્દ્રની “તોતા” (દેશનાં મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ આર.એમ.લોઢાએ સીબીઆઇ માટે અદાલતમાં વાપરેલા શબ્દનો પ્રયોગ કરીએ તો) સહિતની એજન્સીઓ છે.હમણાં હમણાં તો દસ એજન્સીઓને પ્રત્યેક નાગરિકના કોમ્પ્યુટરોમાં ઘૂસવાનો અધિકાર પણ અપાયો છે.પક્ષની વિવિધ પાંખો જ નહીં, સંઘ પરિવારનાં સંગઠનો પણ રામ મંદિર અને ગોરક્ષા કે ૩૭૦ દૂર કરો જેવા મુદ્દે આહલ્લેક ભલે જગાવવાનું કામ કરે; પણ છે તો ભાજપને જીતાડવા પરિશ્રમ કરવાના પક્ષે. કોંગ્રેસના નેહરુ-ગાંધી પરિવારની વાતોની કેસેટો ખૂબ વગાડ્યા પછી પણ મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢ,પંજાબ, કર્ણાટક અને પુડુચેરી ભાજપ કે મિત્રપક્ષોના મોરાચામાંથી “લસરી” ગયાં અને કોંગ્રેસ કે એના પ્રણિત  મોરચાના હાથમાં ગયાં. હવે નવી સ્ટ્રેટેજી અજમાવવી પડે.એના સઘળા સંકેત વડાપ્રધાનના નવવર્ષ ઇન્ટર્વ્યૂમાં મળ્યા. દેશભરના ખેડૂતો અને યુવાનોમાં અજંપો છે. જમ્મૂ-કાશ્મીરમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના  મિલન સમું કજોડું વધુ જોખમી રહ્યું. ઇશાન ભારતનાં બટુક રાજ્યો દિલ્હીશ્વર  સાથે રહેવાની પરંપરા મુજબ હાથ તો લાગ્યાં,પણ ઉત્તર પ્રદેશમાં યોગી રાજ સામે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું જોડાણ થતાં લોકસભા વિકટ બનવાનાં એંધાણ વર્તાય છે.પશ્ચિમ બંગાળ અને ઓડિશા કેટલાં માફક આવશે, એ વિશે  અનિશ્ચિતતા છે. દક્ષિણમાં પગદંડો જમાવવામાં હજી સફળતા મળી નથી. ટુ-જીના ખટલામાં મનમોહન સરકાર વખતે જેલવાસી થયેલાં કરુણાનિધિનાં સાંસદ પુત્રી કળીમોળી  અને કેન્દ્રના મંત્રી રહેલા એ.રાજાને તો દિલ્હીની વડી અદાલતે નિર્દોષ છોડ્યા છતાં દ્રમુક ભાજપી મોરચામાં પરત ફરવાના સંકેત નથી.
કેન્દ્ર સરકાર ભીંસમાં જરૂર છે પણ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કાંડમાં વચેટિયા આરોપી મિશેલ યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીનું નામ સાંકળે તો ચૂંટણીની વૈતરણી તરવાનું ભાજપ માટે સરળ થઇ જાય. જોકે મોદી-શાહની જોડી કોઈપણ નુસખો બાકી રાખે તેમ નથી. વડાપ્રધાન મોદીને સત્તા ગુમાવવી પરવડે તેમ નથી. સમગ્રપણે સંઘ પરિવારને પણ સત્તાવિમુખ થવાનું ના જ ગોઠે.રામ મંદિરના પ્રકરણમાં સુપ્રીમના ચુકાદા પછી પણ અધ્યાદેશનો વિકલ્પ ખુલ્લો હોવાનો સંકેત વડાપ્રધાને આપ્યો જ છે. એટલે જ વડાપ્રધાનની એ ભૂમિકાને સંઘના મુખ્યાલયે તત્કાળ આવકારી હતી. આવા સંજોગોમાં ભાજપ ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં જેમ ૧૮૨માંથી ૧૫૧ બેઠકો જીતવાનો સંકલ્પ કરીને ૯૯ બેઠકોએ સત્તા પ્રાપ્ત કરી શકી હતી તેવું રાષ્ટ્રીય કક્ષાએ મે ૨૦૧૯માં થવાનું અશક્ય નથી.ભાજપના અધ્યક્ષ શાહે લોકસભાની ૫૪૩માંથી ૩૫૦ બેઠકો જીતવાનો સંકલ્પ સ્વયંસેવકો-કાર્યકરોને ગૂંજે બંધાવ્યો છે,પણ ભાજપને ૧૮૦ બેઠકો મળે તો પણ સત્તારૂઢ હોવાના કારણે  ભાજપને એનાં મધુરફળ ફરી ચખાડવાની ગોઠવણ કરવા એ સક્ષમ છે. કેટલાક પૂંછડિયા ખેલાડીઓ સત્તા સાથે સંધાણ માટે તત્પર જ હોય છે. વિપક્ષી એકતા દેડકાંની પાંચશેરી જેવી બની રહે એ માટેની કારીગરી “ગુજરાતના ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત” બનેલા મોદી સુપેરે જાણે છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

0 Comments