Friday 11 January 2019

Reservation for Savarnas: Opening Pendora's Box


સવર્ણ અનામત થકી  ભોરિંગના રાફડા પર મૂકાયેલો પગ
ડૉ.હરિ દેસાઈ
Divya Bhaskar 11 January 2019 
ધાર્યું ધણીનું થાય એ ન્યાયે ભારતીય જનતા પક્ષના વડપણવાળી કેન્દ્ર સરકારે “કિન્તુ-પરંતુ” વચ્ચે સંસદનાં બંને ગૃહોમાં ઉતાવળે બિન-અનામત વર્ગ એટલેકે ઉજળિયાતો કે સવર્ણોમાંના“આર્થિક ધોરણે પછાત કે ગરીબ લેખાતા લોકોને”  માટે દેશભરમાં સૂકાતી જતી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક અભ્યાસક્રમોમાં ૧૦ ટકા અનામતની જોગવાઈનો ૧૨૪મો બંધારણીય સુધારો મંજૂરકરાવી જ દીધો.રાષ્ટ્રપતિ મત્તું મારે એટલે આ કાયદો અમલમાં આવી જ જશે એટલે જાણેકે લોકસભાની ચૂંટણી જાહેર થવાના એકાદ મહિના પહેલાં જ ઈડરિયો ગઢ જીત્યાના હરખના ફટાકડા ફોડવાનો ઓચ્છવ આવી પુગ્યો.બંધારણીય સમીક્ષામાં એનું શું થશે, એની લાલબત્તી ધરાનારાઓનાં કડવાં કારેલાંના અવગુણ જ જોવાનું સત્તારૂઢ પક્ષની નેતાગીરીને અનુકૂળ લાગ્યું છે. અત્યાર લગી અનામતની બંધારણીય ટોચમર્યાદા ૫૦ ટકાને ઠેકી ના શકે અને બંધારણના આરાધ્યપુરુષ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર પણ અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધે નહીં, એના આગ્રહી હોવાની દુહાઈ દઈનેપાટીદાર અનામત આંદોલનમાં ભાજપી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના રાજીનામા સુધી નમતું નહીં જ જોખનારા શાસકોને એકાએક સવર્ણ પ્રેમ ઉભરાઈ ગયો.
માથે લોકસભાની ચૂંટણીમાં પુનઃ સત્તા મળશે કે કેમ એવા સંજોગો લાગલગાટ લોકસભાની પેટા ચૂંટણીઓ હાર્યા પછી તાજેતરમાં જ  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય કરતાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સત્તારોહણે શીર્ષાસન કરવા માટે વિવશ કર્યા.નહીં તો હજુ સંસદના ચાલુ સત્રમાં જ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત લોક્સભે જ સવર્ણ અનામતની દરખાસ્તને લેખિતમાં નકારી રહ્યા હતા ત્યાં ૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ, અસ્સલ વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્રની કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકાર જેમ ચૂંટણી પહેલાં જ મરાઠાઓને ૧૬ ટકા અને મુસ્લિમોને ૫ ટકા અનામત આપી હતી એમ જ, ૧૨૪મા બંધારણીય સુધારા મારફત આ તથાકથિત માસ્ટરસ્ટ્રોક લઈને હાજર થયા! ભાજપની કમંડળની રાજનીતિ સામે વડાપ્રધાન વી.પી.સિંહે અન્ય પછાતોને ૨૭ ટકા અનામત આપી અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદીએ મરાઠા-મુસ્લિમ અનામત આપ્યા પછી શું થયેલું એનો વિચાર પણ વર્તમાન શાસકોએ કરી જ લીધો હશે. જયારે બંધારણના દીર્ઘદ્રષ્ટા અને મહાવિદ્વાન ઘડવૈયાઓએ સામાજિક અને શૈક્ષણિક  દ્રષ્ટિએ “બહિષ્કૃતો અને તિરષ્કૃતો” માટે અનામત પ્રથાની જોગવાઈ કરી હોય,જયારે બંધારણ સર્વોચ્ચ હોય, જયારે આર્થિક રીતે પછાતોને અનામત આપવાનો નિર્દેશ એમાં ના હોય અને જયારે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કે ચેડાં કરવાનો અધિકાર નહીં હોવાનું એકથી વધુ વખત સુપ્રીમ કોર્ટના નવ ન્યાયાધીશોની ખંડપીઠ સહિતની ખંડપીઠો ઠરાવી ચુકી હોય ત્યારે લોકપ્રિયતાલક્ષી આર્થિક અનામતની જોગવાઈ કરવા પાછળના હેતુ સ્પષ્ટ હોવા છતાં એનાં કેવાં પરિણામ મળશે,એનો વિચાર કરી લેવાની જરૂર હતી.
આજની સ્થિતિ શું છે એના પર વર્તમાન કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે હજુ માર્ચ ૨૦૧૮માં જ લોકસભામાં રજૂ કરેલા આંકડા પરનું વિહંગાવલોકન પણ સ્પષ્ટ કરી દેશે કે કોઈપણ સર્વેક્ષણ કે અભ્યાસના અભાવમાં આણવામાં આવેલા સવર્ણ અનામતના આ ગળચટ્યા અનામત કાયદા થકી માત્ર વીંછીનો દાબડો જ ખુલશે એટલું જ નહીં,ભોરિંગના રાફડા પર સમગ્ર દેશનો પગ પડે એવા સંજોગો નિર્માણ થવાનાં એંધાણ મળે છે. અત્યારે દલિતો માટે દેશમાં ૧૫ ટકા, આદિવાસી માટે ૭.૫ ટકા અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત દાયકાઓથી અસ્તિત્વમાં છે.આમછતાં કેન્દ્ર સરકારમાં એ પ્રમાણમાં અધિકારીઓ કે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ નથી.એનો અર્થ એ થયો કે સરકારની મોટાભાગની નોકરીઓ પર  તથાકથિત સવર્ણોનો કબજો છે, એવું વર્તમાન કેન્દ્ર સરકાર જ કબૂલે છે અને છતાં સવર્ણોને ન્યાય તોળવા માટે ૧૦ ટકા અનામત આણે છે ! કેન્દ્રના ગૃહ મંત્રાલય, પંચાયતી રાજ  અને અણુ ઊર્જા મંત્રાલયમાં અનુક્રમે ૨૫.૪૫ ટકા, ૨૦.૯૦ ટકા અને ૨૦.૮૩ ટકા જગ્યાઓ પર  ઓબીસી છે,બાકીનાં તમામ મંત્રાલયો અને વિભાગોમાં તો આ પ્રમાણ ૨૭ ટકાને બદલે ૨.૭૮ ટકા સાવ ઓછું છે.દલિતોની સ્થિતિ અમુક મંત્રાલયોમાં સારી છે,પણ આદિવાસીને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી.એમાંય ઉચ્ચ અધિકારી વર્ગમાં તો ત્રણેય અનામત શ્રેણીનું પ્રતિનિધિત્વ નહીંવત હોવા છતાં કોના લાભાર્થે સવર્ણ અનામતનું ઉમેરણ થઇ રહ્યું છે એ ના સમજે એટલા અબુધ આ ત્રણેય સમાજના નેતાઓ હવે રહ્યા નથી.એનો પહેલો ધડાકો તો સમાજવાદી પાર્ટીના પ્રાધ્યાપક રામગોપાલ યાદવે રાજ્યસભામાં પ્રતિનિધિત્વની દયનીય આંકડાવારી રજૂ કરીને કર્યો: દેશમાં ઓબીસી વસ્તી ૫૪ ટકા છે. હવે જયારે ૫૦ ટકાની ટોચમર્યાદા સરકાર કાઢવા બેઠી છે ત્યારે ઓબીસીને પણ ૫૪ ટકા અનામત આપવામાં આવે.મંત્રી ગેહલોતે લોકસભામાં અનામત બંધારણ સુધારા  વિધેયક રજૂ કરતાં ગુજરાતમાં ઓબીસીમાં મૂકાયેલી જ્ઞાતિ આંજણાનો ઉલ્લેખ પણ સવર્ણોમાં કર્યો તો ખરો,પણ આ સમાજને રાજ્યમાં ઓબીસી અનામત અપાવવા સફળ અગાઉના કોંગ્રેસી અને હવેના ભાજપી અગ્રણી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી હજુ કેન્દ્રમાં પણ ઓબીસી અનામતમાં મૂકાવવાના આગ્રહી છે.
સ્વાભાવિક છે કે સવર્ણ અનામત ટકશે કે કેમ એની માથે તલવાર લટકે જ છે. વળી, ઓબીસી અનામત ૨૭ ટકામાંથી ૫૪ ટકાનું કરવા માટેનું રાષ્ટ્રવ્યાપી આંદોલન પણ નવા બંધારણ સુધારાને પગલે ઝળુંબે છે. પોતાના રાજ્યમાં ૬૯ ટકા અનામત ધરાવતા અને હજુ એ પણ સુપ્રીમ કોર્ટમાં પડકારાયેલી છે તે તમિળનાડુના  માત્ર દ્રમુક અને અન્નાદ્રમુક થકી જ પોતાને સવર્ણોના મત ખપતા નહીં હોવાનું જણાવીને સવર્ણ અનામતનો વિરોધ કરવાની હિંમત કરાઈ  છે. તેમના રાજ્યમાં ૯૦ ટકા વસ્તી પછાત,અતિપછાત, દલિત કે આદિવાસીમાં આવે છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારે ફરીને મરાઠાઓને ૧૬ ટકા અનામત આપી છે અને એને અદાલતી પડકાર આપવામાં મુસ્લિમોના પ્રતિનિધિઓ પણ છે. અગાઉની રાજ્ય સરકારે મુસ્લિમોને ૫ ટકા અનામત આપી હતી, પરંતુ એ અદાલતમાં મરાઠા અનામતની સાથે જ નીકળી ગઈ હતી. સચ્ચર સમિતિના અહેવાલનો ઉલ્લેખ કરીને સંસદમાં મુસ્લિમોને પણ અનામત અપાય એ માટે માત્ર મુસ્લિમ સંસદોએ જ નહીં,પ્રા.યાદવ સહિતના અનેક પક્ષોના સભ્યોએ માંગણી કરી છે.મૂળે ભાજપની માતૃસંસ્થા આરએસએસ અનામત પ્રથાની “કાખઘોડીને લાંબો સમય “ચાલુ રાખવાના પક્ષે નથી.એનો સતત આગ્રહ આર્થિક અનામતનો છે. પ્રતિનિધિસભામાં ૧૯૮૧થી લઈને આ પ્રકારના ઠરાવ થતા રહ્યા છે.બીજી બાજુ, સંઘ પરિવારના જ નહીં, ભાજપની વર્તમાન કેન્દ્ર સરકાર થકી મહત્વના હોદ્દે નિયુક્તિ પામેલાઓ પણ વર્તમાન બંધારણ ફગાવી નવા બંધારણના પક્ષમાં ચળવળ ચલાવી રહ્યા છે. ભારિપ બહુજન મહાસંઘના સુપ્રીમો અને ડૉ.આંબેડકરના પૌત્ર એડવોકેટ પ્રકાશ આંબેડકર વંચિતોની આઘાડી રચીને બંધારણ બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ઘણાં વરવાં દ્રશ્યો જોવા મળશે.અનામતના આ રાજકીય ખેલ અને મતની લાહ્યમાં દેશ ફરીને મંડળ વિરુદ્ધ કમંડળના વરવા દિવસોની આગમાં ના ઝીંકાય એની તકેદારી સમાજના તમામ હિતચિંતકોએ રાખવી પડશે.આજે જયારે “સત્યમ્ અપિ અપ્રિયમ્ બૃયાત્” (કડવાં કારેલાંના ગુણ ના હોય કડવા)નો જમાનો રહ્યો નથી અને ગળચટી વાતો કહેવા અને સંભાળવાના યુગમાં રાષ્ટ્રના હિતની ખેવનાની જવાબદારી આપણા સૌની છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com  
    


No comments:

Post a Comment