Friday 5 October 2018

Bhim-Mim Alliance would benefit BJP


ભાજપના લાભમાં ભીમ-મીમ યુતિ : ડૉ.હરિ દેસાઈ

હૈદરાબાદના નિઝામે કરોડો રૂપિયાની ઓફર કર્યા છતાં 
ડૉ.આંબેડકરે ઇસ્લામને બદલે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો

મુઘલ બાદશાહ ઔરંગઝેબના નામે ઓળખાતા મહાનગર ઔરંગાબાદમાંમહાત્મા ગાંધી કરતાં મોટા નેતા ભીમરાવ ડૉ.બાબાસાહેબ આંબેડકરનિમિત્તે મંગળવાર, ઓક્ટોબર ૨૦૧૮ના રોજ બાર એકરના જબિંદા મેદાનમાં પાંચ લાખ કરતાં વધુ જનમેદનીની ઉપસ્થિતિમાં યોજાયેલા વંચિત બહુજન આઘાડીના ભવ્યાતિભવ્ય કિસાન મહાધિવેશનમાં ભારિપ બહુજન મહાસંઘના સુપ્રીમો પ્રકાશ આંબેડકર અને મજલીસ--ઇત્તેહાદૂલ મુસલમીન (એમાઈએમ)ના સુપ્રીમો અસદુદ્દિને સાથે મળીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાનો સંકલ્પ જાહેર કર્યો. છેલ્લા ઘણા વખતથી સમગ્ર મહારાષ્ટ્રમાં ડૉ.આંબેડકરના પૌત્ર પ્રકાશ ઉર્ફે બાળાસાહેબના નેતૃત્વમાં બહુજન સમાજના મહાસંઘનાં પ્રભાવી સંમેલનો અને આંદોલનો ચાલતાં રહ્યાં છે. બાળાસાહેબ કોંગ્રેસ સાથે યુતિની મંત્રણા ચાલી રહ્યાની ઘોષણા કરતા રહ્યા,પણ એકાએક હૈદરાબાદના સાંસદ અસદુદ્દિન ઓવૈસી સાથે જોડાણ કરવાની ઘોષણા અનેક રાજકીય પંડિતોને ચોંકાવી દેનારી રહી. જોકે ભાજપ અને મિત્રપક્ષોની છાવણીમાં ઘટનાક્રમે હરખની હેલી કરાવી છે. ભાજપના વડપણવાળા સત્તામોરચામાં રહેલા રિપબ્લિકન (આઠવલે)જૂથના સુપ્રીમો અને કેન્દ્રના રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ તો પ્રગટપણે હરખ વ્યક્ત કરતાં કહ્યું પણ ખરું કે ભીમ-મીમ યુતિ જેટલી મજબૂત થશે એટલો ફાયદો ભાજપી મોરચાને થશે.કોંગ્રેસના મોરચાને મળવાના મત વહેંચાવાના.
મહેનત બાળાસાહેબની અને મોલ લણવાનો વખત આવ્યો ત્યારે ઓવૈસી ખાબક્યા.પ્રગટપણે ભલે ભાજપની નેતાગીરીને ભાંડતા હોય,અંદરખાને ભાજપના હિતમાં કામ કરવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ હવે છાની નથી.એટલે એમણે પોતાના ભાષણમાં પણ વારંવાર વિશે  સ્પષ્ટતા કરવી પડી અને મહાત્મા ગાંધી કરતાં ડૉ.આંબેડકરને મહાનગણાવવાની દુહાઈ દેવી પડી.અગાઉ પણ મહારાષ્ટ્રમાં જયારે દાણચોરમાંથી રાજનેતા થયેલા હાજી મસ્તાનના પ્રયાસોથી તેમના દલિત-મુસ્લિમ પક્ષ અને રિપબ્લિકન જૂથોને સાથે લાવવાના પ્રયાસો થયા છે ત્યારે ગુમાવવાનું તો ડૉ.આંબેડકરવાદી જૂથોએ આવ્યાનો અનુભવ છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે જીવિત હતા ત્યારે મસ્તાનના પક્ષના પાંચ નગરસેવકોને ટેકે મુંબઈ મહાનગરપાલિકાના શિવસેનાના મહાપૌર (મેયર) ચૂંટાતા હતા. મહારાષ્ટ્રમાં દલિત-બૌદ્ધ  વસ્તીનું પ્રમાણ રાજકીય પ્રભાવ પાડે તેવું છે એટલે મહદઅંશે રા.સુ.ગવઈ અને બીજા નેતાઓનાં રિપબ્લિકન જૂથો કોંગ્રેસ સાથે રહ્યાં.અત્યારે કેન્દ્રમાં મંત્રી રામદાસ અગાઉ ૧૯૯૦માં મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. પછી ઠાકરેની શિવશક્તિ સાથે આઠવલે આણિ મંડળીની ભીમ શક્તિનો સંગમ થયો.. છેલ્લે મોદીની ભાજપે આઠવલેને પોતીકા કરવામાં સફળતા મેળવી. સંઘદ્રોહી પ્રકાશ આંબેડકર ડાબેરી પક્ષો સાથે રહ્યા છે.અને અગાઉ વડાપ્રધાન વી.પી.સિંહના જનતાદળવાળા મોરચામાં રહીને સાંસદ બન્યા હતા.

મહારાષ્ટ્રમાં અજંતા-ઈલોરાની વિશ્વવિખ્યાત ગુફાઓ ધરાવતા જિલ્લાનું મુખ્યાલય ઔરંગાબાદ દાયકાઓથી નામાંતરની પ્રતીક્ષામાં છે. સૌપ્રથમ શિવસેનાએ ઔરંગાબાદને સત્તાવાર રીતે શંભાજીનગર કરીને એની મુઘલ ઓળખને ભૂંસવાની સાથે શિવાજી મહારાજના શહીદ પુત્ર શંભાજીને નામે કરવાની  માંગણી કરતી રહી છે. છત્રપતિ શિવાજીની આઠ રાણીઓમાંથી પટરાણી સઈબાઈના પાટવીકુંવર શંભાજી માત્ર નવ વર્ષના શાસન પછી મુઘલોના હાથે ઝડપાયા અને ઔરંગઝેબે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. હવે તો ઔરંગાબાદનું શંભાજીનગર કરવામાં સંઘ પણ જોડાયો છે. નિઝામના હૈદરાબાદનું નામ ભાગાનગર કરવાની માંગણી તો સાવરકરના વખતની છે. અમદાવાદને સંઘ પરિવાર આજે પણ જેમ કર્ણાવતી ગણાવે છે એમ શિવસેનાએ તો ચલણમાં શંભાજીનગર ગણાવવા માંડ્યું. રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ-સેના સત્તામાં હોવા છતાં હજુ નામાંતર થઇ શક્યાં નથી.ઔરંગાબાદસ્થિત મરાઠવાડા વિદ્યાપીઠનું  નામાંતર ડૉ.આંબેડકરના નામ સાથે કરવા બાબત વર્ષો સુધી તરફેણ અને વિરોધમાં દલિત-દલિતેતર અને રાજકીય દ્રષ્ટિએ શિવસેના સહિતના પક્ષો વચ્ચે ૧૯૭૮થી ૧૯૯૪ સુધી દીર્ઘ સંઘર્ષ ચાલ્યો હતો. અંતે પવારના મુખ્યમંત્રીકાળમાં એનું નામકરણ મરાઠવાડા અને ડૉ.આંબેડકર બેઉ નામ રાખીનેડૉ.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠકરવામાં આવ્યું હતું.

ડૉ.આંબેડકરની મૂળભૂત વિચારધારા બહુજન સમાજ કે પછાત વર્ગને સાથે લઈને ચૂંટણીલક્ષી કામ કરવાની હતી.વર્ષ ૧૯૫૧-૫૨ની પહેલી લોકસભાની ચૂંટણી માટે તેમણેદલિત આગેવાનતરીકે પોતાના પક્ષ શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનનો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો ત્યારે કોંગ્રેસની જેમ આર.એસ.એસ. અથવા હિંદુ મહાસભા જેવી પ્રત્યાઘાતી સંસ્થાઓ સાથે સહકાર કરાશે નહીંઅનેજેના ઉદ્દેશો વ્યક્તિ સ્વતંત્રતા અનેપાર્લામેન્ટરી ડેમોક્રસીનો નાશ કરી તેની જગ્યાએ સરમુખત્યારી લાવવાનો છે તેવી સામ્યવાદી પક્ષ જેવી સંસ્થાઓ સાથે શિ.કા.ફેડરેશન સહકાર કરશે નહીં”, એવું પણ ડૉ.આંબેડકરના પ્રખર અભ્યાસી ડૉ.પી.જી.જ્યોતિકરના અભિલેખાગારમાંથી અમને મળેલી ચૂંટણી ઢંઢેરાની નકલમાં જણાવાયું છે. ગુજરાતી નકલના ૧૮મા પૃષ્ઠ પર તો બાબાસાહેબે નોંધેલી બહુમૂલ્ય બાબત કંઈક આવી હતી: “સ્વતંત્ર ભારતના બંધારણે પછાત વર્ગો, આદિવાસી જાતિઓ અને દલિતવર્ગો દેશના માલિક છે તેવી ઘોષણા કરી છે. જો કે અહીં પણ લઘુમતી સવર્ણોએ રાજ્યનો દોર પોતાના હાથમાં રાખ્યો છે. શિ.કા.ફેડરેશનને એવો ભય રહે છે કે કદાચ પછાત વર્ગો, આદિવાસીઓ વગેરેમાં જાગૃતિના અભાવે તેમને લઘુમતી સવર્ણો પોતાના ગુલામ રાખવાનું ચાલુ રાખશે અને સહભાગીદાર બનાવશે નહીં.આથી શિ.કા. ફેડરેશનની પહેલી ફરજ આવી જાતિઓને પગભર બનાવવામાં મદદ કરવાની રહેશે.જો તેઓ ઈચ્છે તો શિ.કા. ફેડરેશન પોતાના નામમાં ફેરફાર કરી બેકવર્ડ ક્લાસ ફેડરેશન (પછાતવર્ગ ફેડરેશન) રાખવા તૈયાર છે, જેથી એક સંસ્થામાં બધા પછાત વર્ગોને સમાવી શકાય. જો શક્ય હોય તો શિ.કા.ફેડરેશન આવા પક્ષો સાથે કામચલાઉ સહકાર કરવા તૈયાર છે.”

બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ.બાબાસાહેબે પોતાની કલ્પનાની રિપબ્લિકન પાર્ટી સ્થાપવાની ઈચ્છા રાખી હતી. વર્ષ ૧૯૫૬માં  એમના મહાપ્રયાણ સુધી તે રચી શક્યા નહીં. પછી થઇ શકી. ૧૯૩૫માં એમણે યેવલામાં ધર્મ પરિવર્તનનો દ્રઢ ઇરાદો જાહેર કર્યો હતો. શીખ ધર્મ અંગીકાર કરવા માટેની પ્રારંભિક ઈચ્છાને પગલે તેનો  અભ્યાસ કરવા એમણે પુત્ર યશવંત સહિતના સમર્થકોને પંજાબ મોકલ્યા હતા. નિઝામે બાબાસાહેબ અનુયાયીઓ સાથે ઇસ્લામ કબૂલે તો એમને કરોડો રૂપિયા ઓફર કરવા ઉપરાંત વિદ્યાપીઠ સ્થાપી આપવાની ખાતરી આપી હતી. છેવટે લાંબા મનોમંથન પછી મહાત્મા ગાંધીને એમણે આપેલી ખાતરી મુજબ, ભારતભૂમિમાં પેદા થયેલા  ધર્મને તેમણે અપનાવ્યો. મુજબ ૧૯૫૬માં નાગપુરની વર્તમાન દીક્ષા ભૂમિ પર લાખો અનુયાયીઓ સાથે ડૉ.આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. પછી ઝાઝું જીવ્યા નહીં,પણ ભારતમાંથી લગભગ બહિષ્કૃત થયેલા બૌદ્ધ ધર્મને એમણે પુનઃજીવિત કરવાનું પુણ્યકાર્ય કર્યું. કમનસીબે બાબાસાહેબના અનુયાયીઓએ મહામાનાના આદર્શોથી વિપરીત રાજકીય જોડાણો કર્યાં. “૧૫ મિનિટ માટે પોલીસ હટાવી લ્યો અને અમે દેશમાંથી હિંદુઓને નેસ્તનાબૂદ કરી બતાવીએએવી જાહેર ઘોષણાઓ કરનારા એમઆઈએમના તેલંગણ અને આંધ્ર પ્રદેશમાં ધારાસભા પક્ષના નેતા રહેલા અકબરુદ્દિન ઓવૈસીના પક્ષ સાથે યશવંત-પુત્ર એડવોકેટ બાળાસાહેબ આંબેડકર થકી આત્મઘાતી જોડાણ કરાયું હોવાનું નિશ્ચિત લાગે છે. સ્વાભાવિક રીતે હિંદુ મતબેંક ભાજપને પડખે સંગઠિત થાય એવો ઉપક્રમ ચાલતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ઔરંગાબાદમાં મંગળવારે યોજાયેલા ભવ્યાતિભવ્ય જલસા પછી અડધું મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત છે ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સૂચક ઘોષણા કરી કે મહારાષ્ટ્ર રાજ્યને ગીરવે મૂકવું પડશે તો પણ મુંબઈમાં ઇન્દુ મિલ કમ્પાઉન્ડમાં અબજોના ખર્ચે ડૉ.બાબાસાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા સાથેના સ્મારકને અમે પૂર્ણ કરીને રહીશું !         -મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment