Wednesday 26 September 2018

A Nationwide Art of Winning Elections by Enrolling Fake Voters


Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text and comment.
ભૂતિયા મતદારોથી ચૂંટણી જીતવાની રાષ્ટ્રવ્યાપી કળા : ડૉ.હરિ દેસાઈ
·         પ્રા. જગદીપ છોકરની દેશવ્યાપી સંસ્થા એસોશિયેશન ફોર
 ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) થકી મતદાર જાગરણ અભિયાન
·         ગુજરાતની પ્રજા સંયમી છે એટલે મહાપાલિકા કે અન્ય
 ચૂંટણીઓમાં ગેરરીતિઓ સામે ભાગ્યેજ અવાજ ઊઠાવવા તૈયાર
·         મતદાન કરવા માટે જતાં પહેલાં પોતાનું નામ મતદાર યાદીમાં
 છે કે નહીં, એ તપાસી લેવાની જવાબદારી મતદારની
·         બઢતી, બદલી કે દંડાત્મક કાર્યવાહી રાજ્યના શાસકો કરી
 શકે એટલે સમગ્રપણે ચૂંટણીતંત્ર રાજ્યના શાસકોની કઠપૂતળી

સત્તાધીશોએ લાખો ભૂતિયા મતદારો ઉમેરીને અને પ્રતિકૂળ લાગતા મતદારોને જથ્થાબંધ રીતે મતદારયાદીમાંથી રદ કરીને જીતવાની કળા હસ્તગત કરી લીધી છે. સત્તાધીશ માત્ર ભાજપવાળા જ હોય એ જરૂરી નથી. તેલંગણ રાજ્યમાં ૨૦૧૪માં તેલંગણ રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)એ મતદારયાદીઓમાં લાખોની સંખ્યામાં ભૂતિયા મતદારો ઉમેરાવ્યાં. રાજ્યમાં સત્તારૂઢ થયા પછી હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ૨૦ લાખ જેટલા સાચા મતદારોનાં નામ રદ કરાવીને મહાનગરપાલિકામાં પણ ભવ્ય વિજય મેળવ્યો. ગુજરાતમાં પણ પટેલ અનામત આંદોલન વખતે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન આડેની રાતે જ હજારો પટેલ મતદારોનાં નામ સામે લાલ લીટી કરાવીને તેમને મતદાનથી વંચિત કરાયા હતા. આવા મતદારોએ થોડો કકળાટ કર્યો, ફરિયાદો થઇ; પણ ના તો કોઈ વ્યાપક તપાસ હાથ ધરાઈ કે ના લોકોએ કોઈ આંદોલન આદર્યું. ગુજરાતમાં જે થયું એના જુદા સ્વરૂપે કર્ણાટક વિધાનસભાની છેલ્લી ચૂંટણી પૂર્વે લાખો મુસ્લિમ મતદારોનાં નામ ચમત્કારિક રીતે મતદારયાદીમાંથી  નીકળી ગયાં હતાં. આપણે ત્યાં એક કહેવત છે : “ જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો ”. ગામડાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીની રાજકીય શાસકોની ચૂંટણી કરવામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) કાઢીને ફરીને બેલેટ પેપર લાવો તો પણ ચૂંટણીલક્ષી ગેરરીતિઓ રોકાવાની નથી. એટલા માટે જ આ કહેવતને સાર્થક કરવા માટે મતદારોને ઢંઢોળવા માટે માત્ર રાજકીય પક્ષોએ જ નહીં, પ્રજાએ પણ કામે વળવું પડશે.
મતદારોએ જાગવું જ પડશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ  (આઇઆઇએમ-એ)ના પ્રાધ્યાપક રહેલા જગદીપ છોકરના શબ્દોમાં કહીએ તો, “પૈસા,શરાબ ઔર ધરમ ના ચલે, વહાં ડંડા ચલે”. તેમની દેશવ્યાપી સંસ્થા એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) થકી મતદાર જાગરણ અભિયાન ચલાવે છે. તેલંગણ રાજ્યમાં કુલ ૧૧૯ વિધાનસભા બેઠકોમાં ૩૦ લાખ જેટલા મતદારો બબ્બે ઠેકાણે મતદાર તરીકે નોંધાયાનો અહેવાલ ચૂંટણીપંચની ટીમે જ તૈયાર કર્યો છે. ૧૮ લાખ મતદારો એવા છે જે તેલંગણ અને આંધ્ર પ્રદેશ બંને રાજ્યોમાં નોંધાયેલા છે. હૈદરાબાદ મહાનગરપાલિકાના ૧૫ લાખ બોગસ મતદારોનાં નામ રદ કરવાનો આદેશ તેલંગણના મુખ્ય ચૂંટણી અધિકારીએ આપ્યો છે. જે તે રાજ્યમાં જે રાજકીય પક્ષ જાગતો હોય એ મતદારોની નોંધણીમાં સક્રિયતા દાખવીને પરિણામ પોતાની તરફેણમાં લાવી શકે છે, એનું વરવું ઉદાહરણ તેલંગણ રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ) થકી પૂરું પડાયું હતું.વર્ષ ૨૦૧૪ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જ નહીં, એ પછી હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કે.ચંદ્રશેખર રાવના પક્ષે ભવ્ય વિજય મેળવ્યો હતો !
મધ્યપ્રદેશ-કર્ણાટક અપવાદ નથી
હજુ ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં મધ્યપ્રદેશમાં મતદાર યાદીઓમાં ૨૪ લાખ બોગસ મતદારો નોંધાયાનું સ્પષ્ટ થઇ ચુક્યું છે. જોકે ગુજરાતમાં વિરોધપક્ષે બેસતી કોંગ્રેસ નિવેદનો કે એકાદ-બે ઉપવાસ કરવા જેટલી સંતોષી છે. મતદાર યાદીમાં આવા બોગસ મતદારોને દૂર કરાવવાની સક્રિયપણે કોઈ ઝુંબેશ ગુજરાતમાં હાથ ધરાતી નથી. આનાથી વિપરીત, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશપ્રમુખ કમલનાથ તો સુપ્રીમ કોર્ટ સુધી લડીને પણ મતદાન પ્રક્રિયાને તટસ્થ બનાવવાની બાબતમાં સક્રિયતા દાખવે છે.મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકોની મતદાર યાદીઓમાં મરી ગયેલા કે બે સ્થળે નોંધાયેલા કે અન્યત્ર સ્થળાંતરિત થયેલા ૨૪ લાખ મતદારો હોવાનું ધ્યાને આવ્યું હતું. એમનાં નામ રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હજુ થોડા વખત પહેલાં જ કર્ણાટકમાં લાખો બોગસ મતદારોનાં નામ રદબાતલ કરવાં પડ્યાં.સામે પક્ષે  ૧૫ લાખ મુસ્લિમ મતદારોનાં નામ બાકાત રહ્યાં હોવાનો ઘટનાક્રમ ચૂંટણી પંચના ધ્યાને મૂકાયો હતો.
ઝગારા મારતો હરિભાઈનો દાખલો
ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન જોરશોરમાં હતું ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી વખતે મતદાન આડે રાત હતી ત્યાં પાટીદાર પ્રભાવવાળા મતવિસ્તારોમાં હજારો મતદારોનાં નામ પર લાલ લીટી કરીને એમને રહસ્યમય રીતે મતદાનથી વંચિત કરાયા હતા. મતદારોને મતદાનથી વંચિત કરવાની આ કાર્યવાહી માટે કોઈને દંડિત કરાયા નથી. જોકે ભૂતકાળમાં માણસા વિધાનસભાની બેઠક પરથી વિધાનસભાના અધ્યક્ષ થયેલા ભાજપી ઉમેદવાર પ્રા.મંગળદાસ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી રહેલા અને અત્યારે ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ ગાંઠના લાખો રૂપિયા ખર્ચીને મતદાર યાદીઓની ચકાસણી કરાવી માણસા બેઠકમાં મતદાર તરીકે નોંધાયેલા અને અમદાવાદના  શાહપુર, શાહીબાગ અને થલતેજ વિસ્તારમાં પણ નોંધાયેલા ૧૩,૦૦૦ ડુપ્લીકેટ મતદારોની યાદી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને સુપરત કરી હતી. કોઈ કાર્યવાહી ના થતાં તેઓ મામલાને  દિલ્હીમાં ચૂંટણી પંચમાં લઇ ગયા ત્યારે ૭૦૦૦ જેટલા મતદારોનાં નામ માણસા મતવિસ્તારની મતદારયાદીઓમાંથી રદ થયાં. બીજા ડુપ્લીકેટ મતદારોને રદ ના કરાયા એટલે એવા મતદારો  અમદાવાદથી લક્ઝરીઓમાં મતદાન માટે આવ્યા અને હરિભાઈ માત્ર ૨૪૦૦ જેટલા મતથી હાર્યા હતા.હાર્દિક પટેલ પાટીદાર અનામતના આભાસી મૃગજળ પાછળ દોટ મૂકવા જેવું આંદોલન છેલ્લાં ત્રણેક વર્ષથી કરીને દળી દળીને કુલડીમાં ભરવા જેવું અભિયાન ચલાવતો રહ્યો છે, અલ્પેશ ઠાકોર શરાબબંધીના આગ્રહ સાથે ધારાસભાએ પહોંચ્યો અને જીજ્ઞેશ મેવાણી દલિતોને ન્યાયની ચળવળમાં ધારાસભાએ પહોંચ્યો,પણ આ પ્રભાવી યુવાત્રિપુટીએ મતદારયાદીઓમાં નામોની ચકાસણીનું કોઈ અભિયાન આદર્યું હોત તો એના  થકી ડિસેમ્બર ૨૦૧૭માં સત્તાપરિવર્તન શક્ય બન્યું હોત.  ગુજરાતની પ્રજા સંયમી છે એટલે મહાપાલિકા કે અન્ય ચૂંટણીઓમાં ગેરરીતિઓ સામે અવાજ ઊઠાવવા કે લડત ચલાવવામાં પણ સંયમ રાખે છે.
મતદારો નીંદર ખેંચવાના રસિયા
ચૂંટણી પંચ દર વર્ષે સપ્ટેમ્બરમાં મતદારયાદી સુધારણા  અભિયાન આરંભે છે અને જાન્યુઆરીમાં નવીન મતદારયાદીઓનો મુસદ્દો પ્રકાશિત કરે છે.આ કામગીરી સરકારી ઢબે કલેકટર કાર્યાલયમાંના નાયબ ચૂંટણી અધિકારી કરતા હોય છે.નવાં મતદાર કાર્ડ આપવા માટે કે સુધારા માટે મસમોટી જાહેરાતો આપવામાં આવે છે.સરકારીતંત્ર તો વિધિ તરીકે આ કામગીરી કરીને પોતાની ફરજ નિભાવ્યાનો સંતોષ લે છે.પ્રજામાં આ બાબત માટે ભાગ્યે જ કોઈ ઉત્સાહ કે ચેતના જોવા મળે છે.રાજકીય પક્ષોમાં પણ ભાજપની કેડરને બાદ કરતાં ભાગ્યેજ કોઈ પક્ષના કાર્યકરોને આ કામગીરીમાં રસ પડે છે.પાંચ વર્ષે એકવાર મત આપ્યા પછી સૂઈ જનારા મતદારો કે નાગરિકોના ચોકિયાત તેમના અધિકારોને ભેળાવી દે તોય એમને એની ભાગ્યે જ પડી હોય છે.રાજનેતાઓ કે કાર્યકર્તાઓને જે નાગરિકો પોતાના અધિકારો પણ આઉટસોર્સ કરી દેતા હોય તેમને ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી. મતદાન કરવા માટે જતાં પહેલાં પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં, એ તપાસી લેવાની જવાબદારી મતદારની પોતાની છે.એની પાસે ચૂંટણી કાર્ડ હોવા માત્રથી વાત પતી જતી નથી.મતદારયાદી નવીનીકરણ થાય ત્યારે મતદારનું નામ નીકળી ગયું હોય તો એને ફરી દાખલ કરાવવાનો અધિકાર મળે છે. માત્ર મતદાન સમયે ચૂંટણી કાર્ડ કે અન્ય પુરાવા લઈને મતકેન્દ્ર પર પહોંચી જવાથી મતદાન કરવા મળે જ એવું નથી.હવે તો ઘેરબેઠાં ઓનલાઈન મતદારયાદી જોઈ શકાય એવી સુવિધા છતાં મતદાતા ઘોરતો હોય તો કશું શક્ય નથી.
સુરેશ મહેતાનો  અકસીર ઇલાજ
ગુજરાતના મુખ્યમંત્રી રહેલા અને પૂર્વ જજ સુરેશ મહેતા માને છે કે જ્યાં લગી ચૂંટણી પંચ પાસે રાજ્યની સરકારના કર્મચારીઓ પર અવલંબન છે ત્યાં લગી ચૂંટણી વ્યવસ્થામાં ગેરરીતિઓ દૂર કરવાનું અશક્ય છે. રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યોજવા માટે એક આઇએએસ અધિકારીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.એણે વિવિધ જિલ્લાના કલેક્ટરો પર મદાર રાખવાનો હોય છે. પાલિકાઓ-પંચાયતોની ચૂંટણી માટેની જવાબદારી રાજ્યના ચૂંટણી પંચની હોય છે.એમાં તો રાજ્ય સરકારને વફદારની જ નિમણૂક થાય છે. ધારાસભાઓ-લોકસભાની ચૂંટણી કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે.એમની નીચેના નાયબ કલેકટર કે મામલતદાર કે પછી સરકારી કર્મચારીઓ ચૂંટણીની સઘળી વ્યવસ્થા સંભાળે છે.મુખ્ય ચૂંટણી અધિકારી ત્રણ વર્ષ માટે શિક્ષાત્મક જગ્યા પર હોય એ રીતે આ જવાબદારી નિભાવે છે.એ અને બીજા બધા જ અધિકારીઓનું ભાવિ રાજ્યના જે તે રાજકીય શાસકોના હાથમાં રહે છે.એ બઢતી, બદલી કે દંડાત્મક કાર્યવાહી માત્ર રાજ્યના શાસકો જ કરી શકે એવા સંજોગોમાં સમગ્રપણે ચૂંટણીતંત્ર રાજ્યના શાસકોની કઠપૂતળી બનીને રહે છે.
વ્યાપક જનજાગરણ અનિવાર્ય
ચૂંટણીતંત્ર માટેના કાયદા-કાનૂન તો રૂડારૂપાળા હોય છે,પરંતુ અમલમાં એ પોતાની નિષ્ઠા ક્યાં દર્શાવશે એ સમજી શકાય છે.ચૂંટણીપંચ ભલે સ્વાયત્ત હોય, એના ત્રણેય કમિશનરોની નિમણૂક  દેશના સત્તારૂઢ પક્ષની ઈચ્છા મુજબ થાય છે.વિપક્ષની ભૂમિકા મત્તું મારવા જેટલી જ રહે છે.આવા સંજોગોમાં તટસ્થ ચૂંટણી થવાની અને ગેરરીતિઓ નાબૂદ થવાની કલ્પના કરવી જરા વધુ પડતી છે.માત્ર અને માત્ર પ્રજા અને સ્વયંસેવી સંગઠનો જાગૃત પ્રયાસો કરે તો લોકશાહી મૂલ્યો બચી શકે. દેશમાં ચૂંટણીઓ થાય છે, સત્તાધીશો બદલાય છે; પણ વ્યવસ્થામાં જ્યાં સુધી પરિવર્તન કરવામાં ના આવે ત્યાં લગી ચૂંટણી મામકાશ્ચ પાંડવાશ્ચનો ખેલ જ બની રહેવાની છે.પ્રજાને ઢંઢોળીને જ ચૂંટણી સુધારા અમલમાં લાવવાનું કે એમાંની ગેરરીતિઓ નાબૂદ કરી શકાશે. અદાલતોની જેમ ચૂંટણીનું વિશ્વસનીય તંત્ર ઊભું કરવાની જરૂર છે. જોકે ન્યાયતંત્રને પણ લૂણો લાગી રહ્યો હોય ત્યાં લોકશાહીનું ભાવિ ઉજ્જવળ બનાવવા વ્યાપક જનજાગરણને અનિવાર્યતા જણાય છે.અણ્ણા  હજારેની રામલીલા મેદાનની ઉપવાસ-લીલા પછીના દેશના ચિત્રને જોતાં તો ગાંધીજી કે રવિશંકર દાદા કે વિનોબા ભાવે પણ ફરીને અહીં અવતરણ કરવાનું કદાચ પસંદ નહીં કરે. એટલે જ જનજનમાં અણ્ણા  હજારેની જ્યોત જલાવવી પડશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment