Thursday 13 September 2018

Telangana and TRS-BJP


તેલંગણ રાજ્યના જનકના હવે ભગવી બ્રિગેડમાં રાજકીય ખેલ
ડૉ.હરિ દેસાઈ
·         દેશભરમાં વર્તમાન રાજકારણમાં પછાતોનું ચલણ વધુ છે ત્યારે કેસીઆર ઉજળિયાત હોવા છતાં ડંકો વગાડે છે
·         મુખ્યમંત્રીના  પુત્ર રામારાવ  અને ભત્રીજા હરીશ રાવ કેબિનેટ મંત્રી હોવા  ઉપરાંત દીકરી કવિતા લોકસભામાં
·         ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ચાર દિવસની દિલ્હી મુલાકાત દરમિયાન કેસીઆર બે વાર વડાપ્રધાન મોદીને મળ્યા
·         દક્ષિણનાં રાજ્યોમાં ભાજપને પ્રવેશ કરાવવામાં ચંદ્રશેખર રાવ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના હનુમાન બની શકે

આંધ્ર પ્રદેશમાંથી અલગ તેલંગણ રાજ્ય મેળવવાની ઝુંબેશમાં સફળ રહેલા કે.ચંદ્રશેખર રાવ વર્ષ ૨૦૧૪માં ભલે કોંગ્રેસ અને ભાજપને એકલેહાથે પરાસ્ત કરીને સત્તામાં આવ્યા હોય,હવે વર્ષ ૨૦૧૯માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ભગવી બ્રિગેડમાં જોડાઈને લડવાનો સંકલ્પ કરી ચૂક્યા હોવાના સંકેત સ્પષ્ટ છે. રાજ્યમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષોનું મહાગઠબંધન થતાં પહેલાં જ વેરવિખેર જોવા મળે છે. યુવક કોંગ્રેસમાં રાજકીય કારકિર્દીનો આરંભ કરીને, વાયા સુપરસ્ટાર એન.ટી.રામારાવની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને રામારાવ સાથે દગો કરનાર જમ જેવા જમાઈરાજ નર ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, અલગ તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ), વર્ષ ૨૦૧૪માં દેશના નવરચિત ૨૯મા તેલંગણ રાજ્યના સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર ૬૪ વર્ષીય કળવાકુંતલ ચંદ્રશેખર રાવ (કેસીઆર) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં રહસ્યમય મુલાકાત પછી હૈદરાબાદ પાછા ફરીને  વિધાનસભાનું વિસર્જન કરવાનો દાવ ખેલાયો છે. દગાફટકાના રાજકારણમાં સુપરસ્ટાર ગણાયેલા અને તેલંગણ રાજ્યના જનક લેખાતા કેસીઆર હજુ હમણાં સુધી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળીને વડાપ્રધાન મોદીવિરોધી ત્રીજો મોરચો રચવા પ્રયત્નશીલ હતા,પણ મમતાદીદીએ કોંગ્રેસને સાથે લીધા વિના વિપક્ષનો મોરચો બની શકે નહીં એવું સુણાવ્યું એટલે રાવ હવે મોદી ભણી ફંટાયા હોય એવું લાગે છે. રાજ્યસભાના ઉપ-સભાપતિની ચૂંટણીમાં મોદીના નેતૃત્વવાળા મોરચાના ઉમેદવારને જીતાડવામાં મદદ કરનાર કેસીઆર કળાય તેવા નથી. વર્તમાન રાજકારણમાં પછાતોનું ચલણ વધુ છે ત્યારે કેસીઆર ઉજળિયાત કોમના છે. લઘુમતી અને દલિતો તેમજ અન્ય પછાતોને સાથે લઈને ચાલવા માટે એ જાણીતા છે. ટીડીપીના જનક રામારાવની સરકારને ઉથલાવીને ચંદ્રાબાબુની સરકારમાં મંત્રી બન્યા પછી બીજીવાર ૧૯૯૯માં મંત્રીને બદલે વિધાનસભાનું નાયબ અધ્યક્ષ અપાયું ત્યારે એમણે બાબુ સાથે છેડો ફાડવામાં વાર નહોતી લગાડી. એ પછી કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી ડૉ.મનમોહનસિંહ સરકારમાં એ કેબિનેટ પ્રધાન બન્યા અને પછી એમાંથી પણ ફારેગ થયા હતા. હવે આવતા દિવસોમાં એ મોદીની સેનામાં રહે એવાં એંધાણ છે. ગુજરાતના એક ઉદ્યોગપતિ એ દિશામાં એમને જોતરી રહ્યાના સંકેત પણ મળ્યા છે. જોકે કેસીઆર પોતે હજુ મગનું નામ મરી પાડતા નથી.

રાજ્યમાં રાવનો જ સિક્કો ચાલે
વર્ષ ૨૦૧૪માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પોતાની રીતે લડેલા ટીઆરએસના સુપ્રીમો કેસીઆરનો તેલંગણમાં વટ એવો છે કે રાજધાની હૈદરાબાદથી લઈને અંતરિયાળ પ્રદેશ સુધી તેમનો પડ્યો બોલ ઝીલાય છે. વિધાનસભાની ૧૧૯ બેઠકોમાંથી એમના પક્ષની પાસે આજે ૯૦ બેઠકો છે. લોકસભાની ૧૭ બેઠકોમાંથી ૧૧ રાવના પક્ષ કને છે.રાજ્યસભાની ૭ બેઠકોમાંથી ૫ રાવના પક્ષ પાસે છે. વિધાનપરિષદની ૪૦ બેઠકોમાંથી ૨૪ ટીઆરએસ પાસે છે. હૈદરાબાદ મહાનગરપાલિકા પર પરંપરાગત રીતે ઓવૈસીના એમઆઈએમનું શાસન રહેતું હતું. હવે એ પણ કેસીઆરની પાર્ટી પાસે છે એટલુંજ નહીં, ૧૫૦માંથી ૯૯ બેઠકો ટીઆરએસ પાસે છે. કોંગ્રેસ અને ભાજપનું નામું નંખાઈ ગયા પછી હવેની ચૂંટણીઓમાં કેસીઆરની અગ્નિપરીક્ષા થવાની છે.

ફાટફાટ થતો પરિવારવાદ
રાજ્ય સરકારના કુલ ૧૮ મંત્રીઓમાં મુખ્યમંત્રી કેસીઆર અને બબ્બે નાયબ મુખ્યમંત્રી તેમજ પોતાના પુત્ર રામારાવ  અને ભત્રીજા ટી.હરીશ રાવને પણ કેબિનેટ મંત્રી બનાવવા ઉપરાંત દીકરી કવિતા પણ લોકસભામાં બેસે છે. કેસીઆરનો ફાટફાટ થતો પરિવારવાદ જોરમાં ચાલે છે. અખંડ અને ખંડિત આંધ્ર પ્રદેશમાં  એનટીઆર અને ચન્દ્રબાબુના શાસનમાં પણ પરિવારવાદની પરંપરા તેલુગુ પ્રજાને કોઠે પડી ગઈ હોવાથી તેલંગણમાં ભાગ્યેજ એ સામે વિરોધ ઊઠે છે. સરકારી તિજોરીમાંથી  કરોડો રૂપિયાનું સોનું તિરુપતિ અને અને અન્ય મંદિરોમાં ચડાવા તરીકે મુખ્યમંત્રી દાનમાં આપે તો પણ તેમના પક્ષમાં ભાગ્યેજ કોઈ ચૂં કરે છે.પચાસ કરોડ રૂપિયા કરતાં મોંઘા નવ એકરમાં પથરાઈને પડેલા મહેલાતમાં રહેવા ગયેલા ટીઆરએસના સુપ્રીમોનો પડ્યો બોલ ઝીલાય એવો માહોલ છે. સંયોગ પણ એવો છે કે રાજ્યનો વિકાસદર અન્ય કોઈપણ રાજ્યના વિકાસદરને ટપી જાય તેવો છે.વર્ષ ૨૦૧૮-૧૯માં એ ૨૧.૯૬ % રહેવાનો ખ્યાલ છે.અગાઉનાં વર્ષોમાં ૧૭.૧૭ % રહ્યો છે. એમણે જાહેર કરેલા વચનનામા મુજબ, રેશન કાર્ડને બદલે હવે નવાં ફૂડ સિક્યોરિટી કાર્ડ આપવાની લોકપ્રિય યોજના અમલમાં આવી છે. રાજ્યમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં એકપણ કોમી રમખાણ થયું નથી. ક્યારેક નક્સલવાદી ભોમકા ગણાતા આ પ્રદેશમાં નક્સલીઓ કે અન્ય આતંકીઓ ત્રાટકવાના કિસ્સા ભૂલાવા માંડ્યા છે.

હવે રાષ્ટ્રીય રાજનીતિ ભણી

કેસીઆર હવે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થવા ઈચ્છતા હોવાના સંકેત ઘણા વખતથી આપી રહ્યા છે.પોતાના અનુગામી તરીકે પુત્ર રામારાવને મૂકાવીને એ દિલ્હી ભણી ગતિ કરે એવી ગણતરી મંડાય છે. જોકે પક્ષમાં એકાદ બે ધારાસભ્યો સિવાય ભાગ્યેજ કોઈ ખડી પડે તેમ છે કારણ અત્યારે પણ બબ્બે નાયબ મુખ્યમંત્રી હોવા છતાં અમેરિકાથી પરત આવેલા એમના પુત્ર નંબર ટુ તરીકે કેબિનેટમાં સ્થાન ધરાવે છે. વિધાનસભાના વિસર્જનની જાહેરાત સાથે જ તેમણે પોતાના ૧૦૫ ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે.ઓગસ્ટ મહિના છેલ્લા દિવસોમાં ચાર દિવસની દિલ્હી મુલાકાત દરમિયાન કેસીઆર બે વાર વડાપ્રધાન મોદીને મળ્યા, એ વિશે એમણે રહસ્યનું પોટલું ખોલ્યું નથી. ચર્ચા એવી છે કે  ભાજપ થકી જ આસામમાં  કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં  સૌથી ભ્રષ્ટ ગણાવાયેલા મંત્રી  હેમંત બિસ્વા સરમા ભાજપ-પ્રવેશના પારસમણિથી આરોપમુક્ત થયા અને ઇશાન ભારતનાં રાજ્યોમાં ભાજપના હનુમાન બન્યા એ જ રીતે દક્ષિણનાં રાજ્યોમાં ભાજપને પ્રવેશ કરાવવામાં કેસીઆર મોદીના હનુમાન બનશે. કેસીઆર દિલ્હીથી પાછા ફર્યા પછી ભાજપના ચાર ધારાસભ્યો તેમને મળ્યા હતા. આ મુલાકાત સૂચક લેખવામાં આવે છે. જોકે ભાજપના ધારાસભ્યોએ એ મુલાકાત માત્ર અટલબિહારી સ્મૃતિ કેન્દ્ર માટે જમીન અંગે રજૂઆત માટે હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે ધુમાડો એમનેમ ઊઠ્યાનું માનવા કોઈ તૈયાર નથી.

સેક્યુલર છબિ જાળવશે

કેસીઆરની તબિયત વિશે ભળતા જ અહેવાલો મળી રહ્યા છે. એ પોતે પણ વચ્ચે વચ્ચે એવું કહેતા રહે છે કે મારી તબિયત સાથ દેશે તો હું કેન્દ્રની રાજનીતિમાં સક્રિય થવા ઈચ્છું છું. એમને  પણ વડાપ્રધાન બનવાની મહેચ્છા હોય એ સ્વાભાવિક છે. એમની વિપક્ષો સાથેની સોદાબાજી માટે પણ તેમણે વહેલી વિધાનસભા ચૂંટણી યોજી મોકળાશ સાથે લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનો વ્યૂહ પણ વિચારી રાખ્યો હોવાની વાત વહેતી થયેલી છે. તેલંગણમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી સાથે જ ચૂંટણી થવાનું લગભગ નક્કી છે. જોકે કેસીઆર પોતાની સેક્યુલર છબિ જાળવવા ખૂબ આગ્રહી છે. એમના એક નાયબ મુખ્યપ્રધાન મુસ્લિમ છે એટલું જ નહીં, એમઆઇએમ સાથે પણ તેમના સંબંધો સારા છે. હવે જો એ ભાજપ સાથે જોડાણ કરવાના હોય તો રાજકીય  સમીકરણો ઘણાં બદલાશે. ભાજપ સાથે ખાનગીમાં મધુર અને વ્યૂહાત્મક સંબંધ ધરાવનારા અસદુદ્દીન ઓવૈસીને હૈદરાબાદની બેઠક પરથી હરાવવા માટે ભાજપ આ વખતે રાજા સિંહ નામના તેના કટ્ટર હિંદુવાદી ધારાસભ્યને ઉમેદવાર બનાવે એવી ચર્ચા છે. ઓવૈસી આજ લગી ક્યારેય હાર્યા નથી. હવે નીરક્ષીર થવામાં છે. દેશના રાજકારણને તેલંગણ કેવો વળાંક આપી શકે, એ હવે આગામી વિધાનસભાની ચૂંટણી સુધી નક્કી થઇ જશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment