Wednesday 2 May 2018

Mirage of Spring in Sino-Indian Friendship


Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily 2 May 2018

ભારત-ચીન મૈત્રીની વસંતનાં મૃગજળ : ડૉ.હરિ દેસાઈ
વિદેશી બાબતોમાં ઉતાવળે આંબા ના પાકે, પણ મંત્રણા તો અનિવાર્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં ચીનના આજીવન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની અનૌપચારિક મંત્રણા માટે મધ્ય  ચીનના વુહાન શહેરની બે દિવસની “વિશ્વાસસર્જક”  મુલાકાતે જઈ આવ્યા. મે ૨૦૧૪ પછી મોદીએ  ચાર-ચાર વાર ચીન જવાનું ગોઠવ્યું. હજુ જૂન ૨૦૧૮માં શાંઘાઈ સહકાર સંગઠનની ૧૫મી પરિષદ માટે વધુ એકવાર જશે. સામે પક્ષે જિનપિંગ વર્ષ ૨૦૧૭માં એકવાર સાબરમતી રિવરફ્રન્ટના હિંડોળે ઝૂલી ગયા. વર્ષ ૨૦૧૯માં એકવાર ચીની કંપનીના સહયોગથી બંધાતી અમદાવાદની મેટ્રો રેલવેના ઉદઘાટન નિમિત્તે કે અન્ય કારણસર તેઓ ભારત આવે, એવી સાઉથ બ્લૉકની ઈચ્છા ખરી. વિદેશનીતિમાં ઉતાવળે આંબા પાકે નહીં.સંબંધો બગડવાના હોય તો ક્ષણેકમાં યુદ્ધ ફાટી નીકળી શકે,પણ સંબંધોમાં સુધારો કે મડાગાંઠ ઉકેલાઈ જવાનું રાતોરાત અશક્ય હોય છે.એટલે જ ભવિષ્યમાં પણ મોદી-શી મંત્રણા ચાલતી રહે એટલું જ નહીં, પાકિસ્તાન સાથે પણ મંત્રણા ચાલુ રાખવી એ પરિપક્વ રાજદ્વારી સંબંધોના શાસ્ત્રની શીખ છે. ભારતીય વડા પ્રધાન ચીનની મુલાકાતે હતા એ જ દિવસે છેલ્લા કેટલાય દાયકાઓથી  બાપે માર્યાં વેર અનુભવતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના શાસકો વચ્ચે ઐતિહાસિક મુલાકાત અને કરારની વૈશ્વિક ઘટના બની હતી.બર્લિન દીવાલ તૂટતાં પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થવાની કે નોર્થ યમન અને સાઉથ યમન એક થવાની દિશામાં દેશમાં પ્રગતિ સમી આ ઘટના હતી.આવતાં વર્ષોમાં ભારત,પાકિસ્તાન અને બાંગલાદેશ ફરી અખંડ ભારત બની શકે, એને અત્યારે અશક્ય લેખનારાઓ માટે જર્મની,યમન કે કોરિયાનો ઘટનાક્રમ ઘણા બધા સંકેત પૂરા પાડે છે.
ચીન થકી  અનેક કટુ અનુભવો પછી ભારતની પ્રજામાં  અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.એ માહોલ બદલીને ફરી વિશ્વાસના સેતુ રચવા માટે બંને બાજુથી  ભારે પરિશ્રમ કરવાની અનિવાર્યતા છે.ચીન સાથે ભારતનો સીમાવિવાદ ભડકા કરતો રહ્યો છે. અત્યાર લગી ચાલતી રહેલી પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના  “હિંદી ચીની ભાઈ ભાઈ”ના નારા અંગેની ભાંડણલીલા અખંડ રાખવાથી વિવાદો ઉકેલાઈ જવાના નથી.૧૯૫૪માં પંડિત નેહરુ ચીનની મુલાકાતે ગયા ત્યારે હજારો ચીનાઓ થકી એમનું ભવ્ય સ્વાગત થયાની વાતોનાં વડાં કરવાનો પણ અર્થ નથી. એ વેળા ચૅરમેન માઓ ઝેડાંગ  અને વડા પ્રધાન ઝાઉ એન-લાઈ સાથેની હૂંફાળી મુલાકાતોને પગલે ૮ વર્ષ માટેના પંચશીલના કરાર થયા હતા.૧૯૫૯માં તિબેટના રાજકીય શાસક અને ધાર્મિક નેતા દલાઈલામાએ જીવ બચાવવા તવાંગ માર્ગે ભારત ભાગી આવીને રાજ્યાશ્રય લેવો પડ્યો.એના પગલે જ પંચશીલ કરારનાં આઠ વર્ષ પૂરાં થતાં જ ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું. નેહરુ માટે પણ એ આક્રમણ અને પરાજયનો આઘાત ૧૯૬૪માં જીવલેણ નીવડ્યો.
બેઉ દેશ વચ્ચેના સંબંધોમાં સર્જાયેલા  વિક્ષેપ અને અવિશ્વાસની ગાડીને પાટે લાવતાં છેક ૧૯૮૮માં વડા પ્રધાન રાજીવ ગાંધીની ચીનમાં પૅરામાઉન્ટ લીડર દેંગ ઝિયાઓ પિંગ સાથેની મુલાકાત લગી રાહ જોવી પડી.સ્વયં દલાઈલામાને તિબેટ ચીનના આધિપત્ય હેઠળ રહે એ સામે વાંધો નથી. વર્ષ ૨૦૦૩માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ચીન ગયા ત્યારે તેમણે તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ સ્વીકારવા સાટે સિક્કિમ વિવાદને ટાઢો પાડવાનો પ્રયાસ કર્યો. સિક્કિમ દેશને ૧૯૭૫માં જનમત થકી ભારતના રાજ્ય તરીકે સમાવવાનું ઐતિહાસિક પગલું તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ભર્યું હતું. એ પહેલાં ૧૯૭૨માં બાંગલાદેશના જન્મમાં પણ શ્રીમતી ગાંધીના યોગદાનને વિપક્ષી નેતા વાજપેયીએ પણ બિરદાવ્યું હતું.સામાન્યરીતે વિદેશનીતિ અંગે સમગ્ર દેશ એકી અવાજે વાત કરતો હોય છે.જોકે જનસંઘ-ભાજપ વિપક્ષમાં હતા,ત્યાં લગી ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનું ટાળવા  અને તિબેટને સ્વતંત્ર કરાવવામાં ઉદાસીનતા દાખવવા બદલ કોંગ્રેસની સરકારોની ટીકા કરવાની તેમની ભૂમિકા હતી.કોંગ્રેસી વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવની સરકારે  ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવાનો યશ ૧૯૯૨માં મેળવ્યો.એ પછી સત્તામાં આવતાંની સાથે વાજપેયીની તિબેટ વિશેની ભૂમિકા પણ બદલાઈ.મોદી સત્તામાં આવ્યા પછી હમણાં  દલાઈલામાના સમારંભથી અંતર રાખવાની પ્રધાનોને સૂચના અપાઈ.એ પાછળ ચીનને રાજી રાખવાનો ઈરાદો સ્પષ્ટ હતો.ડોકલામ મડાગાંઠ યુદ્ધના સંજોગોને હાથવેંતમાં નિહાળતી હતી,પણ સંકટ ટળી ગયું.હવે બંને પક્ષે સંબંધોની નવી વસંત મહોરે એ દિશામાં પહેલ શરૂ તો થઇ છે,પણ કોઈ એજન્ડા વિનાની બંને દેશના વડાઓની વુહાન ખાતેની બે દિવસીય મુલાકાતો કોઈ ચમત્કાર સર્જે એવી ઉતાવળી અપેક્ષા અસ્થાને છે. જોકે  વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટેનો સંવાદ શરૂ થયાને આવકારવો ઘટે.
ભારત સરકારે ૨૭ અને ૨૮ એપ્રિલની વુહાન ખાતેની અનૌપચારિક  મંત્રણાને અંતે બહાર પડેલા નિવેદન કરતાં ચીન તરફથી એ વિશે કરાયેલી જાહેરાતો વધુ પ્રકાશ પાડે છે.ભારતે બંને દેશો વચ્ચે આર્થિક અને લશ્કરી બાબતોમાં દીર્ઘકાલીન વ્યૂહાત્મક પ્રગતિ સાથે જ ત્રાસવાદ સામે સહિયારી લડત  ઉપરાંત વિશ્વ શાંતિ અને સમૃદ્ધિમાં સહિયારા યોગદાન તેમજ બેઉ દેશો વચ્ચે વિશ્વાસના માહોલને રચવા માટે સકારાત્મક વાતચીત થયાનો સંકેત આપ્યો.સરહદી વિવાદને ઉકેલવાની દિશામાં અને લશ્કરી બાબતોમાં સકારાત્મક સહયોગ માટે બંને બાજુનાં લશ્કરી દળોને સૂચના આપવા સંમતી સધાયાનું પણ જણાવાયું છે.ચીનના સરકારી અખબાર “ગ્લોબલ ટાઈમ્સ”માં માઓ કેજીએ બંને નેતાઓની વચ્ચેની ચર્ચા અંગે વધુ ફોડ પાડતાં નોંધ્યું છે કે “ચાઈના પાકિસ્તાન ઇકોનૉમિક કરિડોર” પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે “ચીન-નેપાળ-ભારત ત્રિપક્ષીય કરિડોર”  જેવા નવા પ્રકલ્પ અથવા “બાંગલાદેશ-ચીન-ભારત-મ્યાનમાર કરિડોર”ના પ્રકલ્પને પુનઃજીવિત કરવા બાબત બંને દેશના હિતમાં પ્રગતિ સાધી શકાય.ઉપરાંત અફઘાનિસ્તાનમાં સંયુક્ત પ્રકલ્પો હાથ ધરવા બાબત બંને દેશો વચ્ચે સંમતી વિશે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયાની વાતોથી વિપરીત  અફઘાનિસ્તાન,પાકિસ્તાન અને ભારત જ નહીં, અમેરિકા સાથે મળીને ચીન આ દેશો વચ્ચેના તણાવને દૂર કરવા માટે સકારાત્મક યોગદાન કરવા તત્પર હોવાનું સ્પષ્ટ થાય છે.પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ મુદ્દે સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો છે.
ભારત અને ચીન વચ્ચે વુહાન બેઠક યોજાઈ  એના આગલા દિવસોમાં જ ચીને પાકિસ્તાનને પોતાના સમર્થનની ખાતરી આપી જ હતી.બીજિંગની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા મુહંમદ આસિફે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠક બાદ “ચીન અને ભારતની અનૌપચારિક બેઠકોને આવકારી” હોવાના હેવાલ પાક દૈનિક “ડોન” સહિતનાએ આપ્યા છે. વધુ એક બાબત ભણી ભાગ્યેજ ઝાઝું ધ્યાન ગયું છે કે આ બધા ઘટનાક્રમ દરમિયાન પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત સોહેલ મહમૂદ શીખોના પવિત્ર આસ્થાસ્થાન સુવર્ણમંદિરની યાત્રાએ ગયા હતા, એટલુંજ નહીં, તેમણે પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. વળી, હાલપૂરતું,  પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીર પ્રદેશમાં ૩૦૦૦ કિ.મી. સુધીના  ચાયના પાકિસ્તાન ઇકોનૉમિક કરિડોરના કામના  વિવાદને  ઝાઝો ચગાવ્યા વિના, અન્ય બાબતોમાં સંયુકતપણે આગળ વધવાનું ચીનથી લઈને અફઘાનિસ્તાન સુધીના પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવાના હિતમાં લેખાયું છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ  વડા પ્રધાનની વિદેશ મુલાકાતો પૂર્વે જે ભૂમિકા તૈયાર કરી રહ્યા છે,એનાં ફળ આવતા દિવસોમાં અનુભવાશે.  
ઈ-મેઈલ : haridesai@gmail.com                                           (HD-DB-Sino-India 30-4-2018)

No comments:

Post a Comment