Wednesday 9 May 2018

Conflict between the Judiciary and the Government


Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sardar Gurjari (Anand), Gujarat Times (New York), Gujarat Guardian (Surat), Sanj Samachar (Rajkot), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text here and comment.
ભારતીય ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે કમનસીબ ટકરાવ : ડૉ.હરિ દેસાઈ
·         દેશના ટોચના ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરનાર કૉલેજિયમ હજુ સરકારને વશ થવા તૈયાર નથી
·         મુખ્ય ન્યાયાધીશ મિશ્રા  વિરુદ્ધ મહાભિયોગની અઢી દાયકા પછીની દરખાસ્તે વિવાદનો નવો મધપૂડો છંછેડ્યો
·         વર્ષ ૧૯૯૧માં જસ્ટિસ રામાસ્વામી સામે મહાભિયોગ દરખાસ્તનો વિરોધ કરનાર સિબ્બલ આ વખતે પ્રણેતા
·         સર્વોચ્ચ અદાલતમાં એક પણ દલિત-આદિવાસી ન્યાયાધીશ નહીં હોવાનું મોદી સરકારના મંત્રીઓ કહે  છે
ભારતીય પ્રજાની અંતિમ આશા લેખાતી સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કૉર્ટ) છેલ્લા કેટલાક વખતથી વિશ્વસનીયતાની કટોકટીના ત્રિભેટે આવીને ઊભી છે.ન્યાયતંત્રને રાજકીય વિવાદમાં ખેંચવાના પ્રયાસો થઇ રહ્યા છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીના શાસનવેળા કહ્યાગરા ન્યાયતંત્ર (કમિટેડ જ્યુડિશિયરી) જેવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો હતો. નરેન્દ્ર મોદીના શાસનમાં હવે એવા જ આક્ષેપ ન્યાયતંત્રના મુખિયા વિશે થવા માંડ્યા છે. સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક અંગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના વડપણવાળા કૉલેજિયમની ભલામણોને વર્તમાન સરકાર અનુકૂળતા મુજબ સ્વીકારે કે ફગાવે છે,એ વાત પણ વિવાદનો વિષય બની છે. ઉત્તરાખંડની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે.ઍમ.જૉસેફને સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત કરવા માટે કૉલેજિયમે સરકારને ભલામણ કરી,પણ એમની ફાઈલ પરત કરવામાં આવી.સામાન્ય રીતે વર્તમાન કેન્દ્ર સરકારને અનુકૂળ ગણાતા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ આર.એમ.લોઢા સહિતના કેટલાક નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિઓએ  પણ જૉસેફની નિમણૂક નહીં કરાયાને “ન્યાયતંત્રમાં સરકારી દખલ” ગણાવી છે.અગાઉ જસ્ટિસ જૉસેફે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના મોદી સરકારના નિર્ણયને રદબાતલ ઠરાવ્યો હતો. જોકે જસ્ટિસ જૉસેફની નિમણૂક અંગે પુનર્વિચાર કરવાના સરકારના નિર્ણયને એ વાત સાથે સંબંધ નહીં હોવાની ચોખવટ કેન્દ્ર તરફથી કરાઈ છે. કૉલેજિયમ થકી  એ વિશે પુનર્વિચાર કરવા ફરીને ૨ મે ૨૦૧૮ના રોજ બેઠક યોજી એ સંદર્ભમાં સરકારને અપેક્ષિત નિર્ણય લેવાનું ટાળ્યું છે.ઉપરાંત સરકારે કલકત્તા, રાજસ્થાન,તેલંગણ અને આંધ્ર પ્રદેશની વડી અદાલતોના ન્યાયાધીશોના નામ વિચારવા માટે કરેલા આગ્રહને પણ કૉલેજિયમ થકી ટાળી દેવામાં આવ્યો હોવાનું સર્વોચ્ચ અદાલતે ૨ મેના રોજ બહાર પાડેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે. હજુ ગજગ્રાહ ચાલુ જ રહેશે.

ગઈ ૨૦મી એપ્રિલે રાજ્યસભાના કુલ ૨૫૦માંથી ન્યૂનતમ જરૂરી ૫૦ને બદલે ૭૧ સભ્યોની સહીથી ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને હોદ્દેથી દૂર કરવા માટે મહાભિયોગ માટેનું આરોપનામું રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા  નાયડુને સુપરત કરાયું. ત્રણ જ દિવસમાં કાનૂન અને બંધારણ વિષયક નિષ્ણાતોનો મત જાણીને દેશના  ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ મહાભિયોગ માટેની દરખાસ્તને ફગાવી દીધી. એમના આ પગલાથી સમગ્ર ભારતમાં માત્ર રાજકીય જ નહિ, ન્યાયતંત્રને લગતા વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. સંયોગ એવો છે કે લગભગ અઢી દાયકા પછી ભારતની સર્વોચ્ચ અદાલતના કોઈ ન્યાયમૂર્તિને હોદ્દેથી દૂર કરવા માટે મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ)ની દરખાસ્ત સંસદ સમક્ષ રજૂ થઈ. એને સભાપતિએ ફગાવી દેતાં મામલો સર્વોચ્ચ અદાલતમાં લઈ જવાની કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ ઘોષણા કરી છે.

અગાઉ ૨૯મી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ રાષ્ટ્રીય મોરચા (નેશનલ ફ્રન્ટ), ડાબેરી મોરચા અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ૧૦૮ સભ્યોએ લોકસભાના અધ્યક્ષ (સ્પીકર) રવિ રે સમક્ષ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વી. રામાસ્વામીને હોદ્દેથી દૂર કરવા માટે મહાભિયોગની દરખાસ્ત કરી હતી. એ પછી એપ્રિલ, ૨૦૧૮માં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત રાજ્યસભાના ૬૪+૭  સભ્યોએ રજૂ કરી છે. સંયોગ એવો છે કે જસ્ટિસ રામાસ્વામી વિરુદ્ધની મહાભિયોગની દરખાસ્ત વિરુદ્ધ એ વેળા લોકસભામાં એક ધારાશાસ્ત્રી તરીકે છ કલાક સુધી રજૂઆત કરનાર કૉંગ્રેસ સાથે સંકળાયેલા સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ  કપિલ સિબ્બલ આ વખતે જસ્ટિસ દીપક મિશ્રાને હોદ્દેથી દૂર કરવા માટેની મહાભિયોગની દરખાસ્તના પ્રણેતા છે. એટલું જ નહિ, એમણે જસ્ટિસ મિશ્રાની અદાલતમાં કોઈ કેસમાં હાજર નહિ થવાનું ઍલાન પણ કર્યું છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ મિશ્રાના કાકા અને અગાઉ ભારતના મુખ્ય ન્યાયાધીશ રહેલા રંગનાથ મિશ્રા સદગત  વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે નિકટના સંબંધ ધરાવતા હતા, એટલું જ નહિ, તેમની નિવૃત્તિ પછી તેમને વર્ષ ૧૯૯૮થી ૨૦૦૪ દરમિયાન રાજ્યસભામાં મોકલવાનું પણ કૉંગ્રેસે પસંદ કર્યું  હતું. દેશના માનવાધિકાર પંચના અધ્યક્ષપદ પર રહેલા જસ્ટિસ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળ મુસ્લિમોની સ્થિતિના અભ્યાસ અને ભલામણ માટે નિયુક્ત કરાયેલા પંચે પોતાના અહેવાલમાં મુસ્લિમો માટે ૧૦ ટકા અનામતની ભલામણ પણ કરી હતી.

ભારતીય બંધારણની કલમ ૧૨૪(૪)માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદમાં તેમની સામે મહાભિયોગની દરખાસ્ત લાવવાની અને એ જો મંજૂર થાય તો સંબંધિત ન્યાયાધીશને હોદ્દેથી દૂર કરવાની જોગવાઈ છે. ન્યાયતંત્રની તટસ્થતા, સ્વતંત્રતા અને નિર્ભીકતા માટે બંધારણીય સુરક્ષાકવચની જોગવાઈ રાખવામાં આવી છે. કૉંગ્રેસના વડપણ હેઠળના વિપક્ષ પાસે રાજ્યસભામાં જ બહુમતી હોવાથી એણે વિપક્ષોના સાથમાં મુખ્ય ન્યાયાધીશ મિશ્રા વિરુદ્ધ તેમની કથિત ગેરરીતિઓ અને અયોગ્ય વ્યવહારને લઈને મહાભિયોગની દરખાસ્ત પર ૭૧ સંસદસભ્યોના હસ્તાક્ષર સાથે એ રાજ્યસભાના સભાપતિને સુપરત કરી હતી. કૉલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ મિશ્રા ઉપરાંત જે ચાર ન્યાયાધીશો છે એ  સર્વોચ્ચ અદાલતના ચારેય વરિષ્ઠતમ ન્યાયાધીશો જે.ચેલમેશ્વર, રંજન ગોગોઈ, કુરિયન જોસેફ અને મદન લોકુરે પત્રકાર પરિષદ લઈને થોડા સમય પહેલાં મુખ્ય ન્યાયાધીશના વલણ અંગે ઑલ ઇઝ નોટ વૅલના સંકેત આપ્યા હતા.મુંબઈની સીબીઆઇ કૉર્ટના ન્યાયાધીશ બી.એચ.લોયાના મોત અંગેના વિવાદે પણ ન્યાયતંત્રના મતભેદોને બહાર આણ્યા છે.હજુ એમનાં પત્રલેખન અને વિરોધી સૂર ચાલુ જ છે,પણ કૉલેજિયમની બેઠકમાં અને અદાલતી કાર્યવાહીમાં તેઓ ભાગ લઇ જ રહ્યા છે. મહાભિયોગની હિલચાલ તો આ બધા ઘટનાક્રમ દરમિયાન ચાલતી હતી. એટલે જે ૭૧ જણે હસ્તાક્ષર કર્યા હતા અને એ દરખાસ્ત ૨૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ સભાપતિને સુપરત કરાઈ ત્યાં લગી હસ્તાક્ષર કરનારા રાજ્ય સભાના  સાત સભ્યો નિવૃત્ત થઈ ચૂક્યા હતા.

રાજ્યસભાના સભ્યો દર છ વર્ષે વારાફરતી નિવૃત્ત થાય છે. જોકે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના અગ્રણી ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરવી પડી હતી કે અમારે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવા માટે માત્ર ૫૦ સભ્યોના ટેકાની જ જરૂર પડે, સાત જણને બાકાત ગણાય તો પણ જરૂર કરતાં વધુ સભ્યોનો એને ટેકો છે. કૉંગ્રેસ ઉપરાંત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (ઍનસીપી), સીપીઆઇ-ઍમ, સીપીઆઇ, સમાજવાદી પાર્ટી અને મુસ્લિમ લીગના સભ્યોએ મહાભિયોગ દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા. સલમાન ખુરશીદ જેવા કૉંગ્રેસના  નેતાએ પોતે આ દરખાસ્ત સાથે સંમત નહીં હોવાનું જણાવીને વિરોધ કર્યો હતો. આવા સંજાગોમાં જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધના મહાભિયોગની દરખાસ્તનો સૌથી પહેલો વિરોધ એમના વતન-રાજ્ય ઓડિશાના મુખ્યમંત્રી અને બિજુ જનતા દળના વડા નવીન પટનાઇકે કર્યો હતો. એ પછી પશ્ચિમ  બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજીએ પણ એનો વિરોધ કર્યો છે.

ભારતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે. ત્રીજી ઑક્ટોબર, ૧૯૫૩ના રોજ કટક (ઓડિશા)માં જન્મેલા જસ્ટિસ દીપક મિશ્રા બીજી ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થવાના છે. એટલે એમની નિવૃત્તિ આડે છ મહિના પણ નથી ત્યાં જ એમના વિશેના વિવિધ વિવાદો તથા સાથી ન્યાયાધીશો સાથેના ટકરાવને પગલે મહાભિયોગની દરખાસ્ત આવી છે. જોકે વિપક્ષની રાજ્યસભામાં બહુમતી હોવા છતાં બિજુ જનતા દળ અને તૃણમૂલ કૉંગ્રેસ ઉપરાંત અન્ય કેટલાક વિપક્ષી સભ્યો પણ, મહાભિયોગની દરખાસ્ત મતદાન માટે ગૃહમાં રજૂ થાય તો, એને ટેકો આપે નહીં એવી શક્યતાથી જસ્ટિસ મિશ્રાને હોદ્દા પરથી દૂર કરવાની સ્થિતિ નથી. આમ છતાં સત્તારૂઢ ભાજપ થકી કૉંગ્રેસ બંધારણીય સંસ્થાઓને તોડવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ થાય છે. સામે પક્ષે કૉંગ્રેસ અને સાથી પક્ષો ભાજપ અને મિત્રપક્ષો બંધારણ સાથે ચેડાં કરી રહ્યા હોવાની ફરિયાદ કરીને બંધારણ બચાવોના કાર્યક્રમો આદરે છે.

સાથે જ ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા પારદર્શી બને એ માટે ઝુંબેશ ચલાવી રહેલી સંસ્થા નેશનલ લૉયર્સ કૅમ્પેઇન ફૉર જ્યુડિશિયલ ટ્રાન્સપરન્સી ઍન્ડ રિફૉર્મ્સથકી સુપ્રીમ કૉર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં નર્યો સગાવાદ ચાલી રહ્યાની વિગતો પ્રકાશિત કરવામાં આવે છે. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના મંત્રીઓ  રામ વિલાસ પાસવાન સહિતનાએ ન્યાયતંત્રમાં પણ અનામત પ્રથા દાખલ કરવાની ખુલ્લેઆમ માગણી કરીને કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર પર ભીંસ વધારી છે. અત્યારે દલિત-આદિવાસી સમાજના એક પણ ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતમાં નહીં હોવાની ફરિયાદ સ્વયં મોદી સરકારના મંત્રીઓ જ કરી રહ્યા  છે. આવા સંજાગોમાં ભારતીય ન્યાયતંત્રમાં રાજકીય દખલગીરીની ફરિયાદો પણ વધી છે.દેશવાસીઓ માટે હજુ પણ આસ્થાસ્થાન લેખાતા ન્યાયતંત્રની તટસ્થતા, સ્વતંત્રતા અને નિર્ભીકતા જળવાઈ રહે એ દિશામાં સૌકોઈ વર્તે એ અપેક્ષિત છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                     (લખ્યા તારીખ : ૪ મે ૨૦૧૮)

No comments:

Post a Comment