Wednesday 6 December 2017

Gujarat Politicians like Chameleons who keep on Changing Colours

કાચીંડાની સ્પર્ધામાં રંગપલટતા ગુજરાતી રાજકારણીઓ
અતીતથી આજ / સત્યમ્ એવમ્ તથ્યમ્ ડૉ. હરિ દેસાઈ
·         કોંગ્રેસના કથિત ગુજરાતદ્વેષના ઈતિહાસને તાજો કરીને કરીને ભાજપ વાતાવરણને ચાર્જ કરી રહ્યો છે
·         ચાર-ચાર પટેલ મુખ્ય પ્રધાનોને ઉથલાવવાનું કામ કોંગ્રેસે કર્યાની  બાત કુછ હઝમ નહીં હુઈ
·         ભાજપ આ વખતે ગુજરાત ગુમાવે તો દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના  હાથમાંથી સરકી જઈ શકે
·         ભાજપના ૭૨ વર્ષના સાંસદનાં ૩૫ વર્ષીય પત્નીને બદલે ૫૦ વર્ષનાં પુત્રવધૂને ટિકિટ મળ્યાનો કંકાસ

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ બેઉ મુખ્ય પક્ષ - ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ માટે નાતરાં કરવાનો દિવસ રહ્યો. સોમવાર, ૨૭ નવેમ્બરનો આ દિવસ બેઉ મુખ્ય પક્ષના ટિકિટઈચ્છુકોની અપેક્ષાપૂર્તિ ના થતાં છેલ્લે પાટલે બેસીને પોતાના પક્ષની રીતસર ભાંડણલીલા કરનારો રહ્યો.  ટિકિટ મેળવવા માટે કોંગ્રેસી નેતાઓએ રાતોરાત ભગવા ખેસ પહેરીને ભાજપનાં ગુણગાન કરવા કે પછી ભાજપ છોડીને કોંગ્રેસી વાઘા ચડાવીને ભગવી પાર્ટીને ભાંડવાનાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળ્યાં. કાચીંડો પણ જેટલી ઝડપે રંગ ના બદલી શકે એટલી ઝડપે રાજકીય પક્ષોના નેતાઓ પક્ષ બદલવા, માતૃસંસ્થાને ભાંડવા અને સામી છાવણીમાં જઈને ખબર પાડી દેવાના સંકલ્પ કરતા દેખાયા. લોકશાહી મૂલ્યો, વિચાર કે આદર્શની ભૂમિકા સાવ જ અલોપ થઈ જતી લાગે.ક્યારેક વિન્સ્ટન ચર્ચિલે ભારતીયોના હાથમાં શાસનની ધુરા સોંપવાથી કેવા સંજોગો સર્જાશે એ વિશે કરેલી ભવિષ્યવાણી અને ભૂંડા શબ્દો હવે ગુજરાતની આ ચૂંટણીમાં જાણે કે સાચા પડતા હોય એવું લાગે છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ  વિવિધ હોદ્દે રહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને પણ છેલ્લી ઘડીએ દગો દીધા પછી જનવિકલ્પ મોરચો રચ્યો હતો, પણ એમના ધારાસભ્ય રહેલા પુત્ર મહેન્દ્રસિંહ પણ પાછા ભાજપમાં ગયા છે. બળવાખોર બાપુ અને મહેન્દ્રસિંહ અત્યારે તો રાજ્યની રાજકીય ચર્ચામાં ભૂલી ગયા છે.એમની વિવશતા પ્રજા સમજી શકે છે.

સત્તાપ્રાપ્તિનું જ લક્ષ્ય એકમેવ હોય અને બીજું કાંઈ ના હોય એ દૃષ્ટિએ આગેકૂચ કરવામાં રાજકીય પક્ષો સજ્જ થઈ ચુક્યા છે. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં માતાના મઢનાં દર્શન કરીને જાહેર સભા યોજી, કોંગ્રેસના ગુજરાતદ્વેષના ઈતિહાસને તાજો કરીને અન્યત્ર સભાઓ કરીને વાતાવરણને ચાર્જ કરી રહ્યા હતા.  ભાજપની વિવશતા એ જોવા મળી કે નાછૂટકે મોટાભાગના તમામ ધારાસભ્યોને ટિકિટ આપવી પડી. કોંગ્રેસે જેમનો સાથ મેળવવા માટે ટિકિટ ફાળવણીમાં ભાગીદારી કરવી પડી એને કારણે એના રાજ્યસ્તરના ટિકિટઇચ્છુકો  ટિકિટવંચિત થઈને ભાજપ સાથે નહીં તો શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ(એનસીપી)ની ટિકિટો મેળવવા દોડી જતા દેખાયા.ધોળામાં ધૂળ તો ક્યારેક ભાજપી સાંસદ રહેલા અને બાપુ સાથે બળવાખોરી કરીને રાજ્યમાં નાણા પ્રધાન થયેલા બાબુ મેઘજી શાહ નામના અમારા મુંબઈકર મિત્રના વર્તને કર્યું.આ વેળા એમણે ઢળતી સંધ્યાએ કોંગ્રેસની ટિકિટ ના મળતાં પવારની પાર્ટી સાથે નાતરું કર્યું. પક્ષની વિચારધારાઓ કરતાં સત્તાપ્રાપ્તિ અને સ્વના હિતને કેન્દ્રસ્થાને રાખવાનું જ લક્ષ્ય આ વખતે બંને પક્ષમાં જોવા મળ્યું.

વડા પ્રધાન મોદી ભાજપના એકમાત્ર તારણહાર તરીકે સ્વીકૃત છે. ૧૫૦ પ્લસના મિશનની ગુજરાતના નેતાઓએ લગભગ ભૂલાવી દીધેલી વાતને વડા પ્રધાન મોદીએ તાજી કરી અને પાટીદાર આંદોલનના સુત્રધારોના કોંગ્રેસ ભણી ઢળવા થકી જે ચિત્ર ઉપસ્યું એમાં કોંગ્રેસને પાટીદાર અને ગુજરાત વિરોધી દર્શાવવાનું પસંદ કર્યું. મોદી સરકારના ૫૦ જેટલા કેન્દ્રીય પ્રધાનો અને વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો પણ ગુજરાતમાં ફરીને ભાજપી સરકાર આવે એ માટે રાજ્યને ઘમરોળી રહ્યા છે. ભાજપી સાંસદો પણ જીભ લસરી જાય ત્યાં લગી નિવેદનો કરતા રહે છે.માફી માંગી લેવામાં પણ સંકોચ કરતા નથી. વડા પ્રધાને કોંગ્રેસને છેક સરદાર પટેલથી લઈને આજ લગી ગુજરાતદ્વેષી ગણાવવાનું પસંદ કર્યું અને ચાર - ચાર પટેલ મુખ્ય પ્રધાનોને ઉથલાવવાનું કામ કર્યું હોવાની વાત કરી. જોકે, આ વાત પ્રજાને ભાવાવેશમાં લાવવા માટે બરાબર ગણાય. બાકી સમજીવિચારીને એનો ઈતિહાસ નિહાળવા માંગનારાઓને તો બાત કુછ હઝમ નહીં હુઈ’. 

ચાર - ચાર પટેલ મુખ્ય પ્રધાનોમાં એમણે ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલનાં નામ તો લીધાં પણ વિરોધાભાસો ઘણા હતા. ૧૯૭૩-‘૭૪માં ચીમનભાઈ વિરુદ્ધ તો સંઘ-જનસંઘ-ભાજપના પૂર્વ અવતારે આંદોલન કર્યું હતું. ચીમનભાઈ કોંગ્રેસી મુખ્ય પ્રધાન હતા અને એમને ઘેર બેસાડવાનું નવનિર્માણ આંદોલન જનસંઘ તથા સંઘ પરિવાર સહિતનાનું હતું. ૧૯૭૫ની બા. જ. પટેલની જનતા મોરચાની સરકાર જનસંઘના બે ધારાસભ્યો વસનજી ઠકરાર (પોરબંદર) અને પી. સી. પટેલ (શાહપુર)ના પક્ષપલટાથી તૂટી હતી. કેશુભાઈ પટેલની સરકાર સંઘ-જનસંઘ-ભાજપના જ શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે તૂટી હતી. ફરી પટેલની સરકાર ૧૯૯૮માં આવી ત્યારે એમને ગાદીએથી દૂર કરીને નરેન્દ્ર મોદી જ મુખ્ય પ્રધાનપદે આરૂઢ થયા હતા. મોદી વડા પ્રધાન થતાં આનંદીબહેન મુખ્ય પ્રધાન બન્યાં તો ખરાં, પણ પાટીદાર આંદોલનને પગલે અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી વ્યથિત થઈને ૭૫ વર્ષની વયનું બહાનું આગળ કરીને બહેને રાજીનામું આપ્યું હતું. એમના અનુગામી તરીકે નીતિન પટેલને મુખ્ય પ્રધાન બનાવવાનું નક્કી હતું અને મહેસાણામાં તો નીતિનભાઈના ફટાકડા પણ ફૂટી ગયા પછી ભાજપના મોવડીમંડળે વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન જાહેર કરીને પટેલ આકાંક્ષા પર પાણી ફેરવ્યું હતું.  જોકે, આ બધી વાતો તર્કથી વિચારનાર માટે બરાબર છે, અન્યથા ચૂંટણીમાં ભાવાવેશનો માહોલ સર્જવા માટે તો વડા પ્રધાન પોતાની રીતે જ ઈતિહાસ કહે એને ભક્તગણ સત્ય માની જ લે.

વીતેલા દિવસોમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના ચારેય પ્રદેશોનો જનસંપર્ક-પ્રવાસ કરીને અને ચૂંટણી જાહેર થયા પછી એક વાર પ્રચારપ્રવાસ કરીને જે વાતાવરણ તૈયાર કર્યું હતું એને ટિકિટ વહેંચણીના વિવાદ થકી બગાડવામાં આવ્યાનું સ્પષ્ટ થયા વિના રહેતું નથી. અમે તો શરૂઆતથી જ કહેતા હતા કે ભાજપની વિધાનસભા બેઠકો મોદીના નેતૃત્વમાં લડાયેલી ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીમાં પણ ઘટી હતી એટલે આ વખતે વધે ભલે નહીં, પણ સત્તા તો ભાજપને ફાળે જશે. ભાજપની એ અનિવાર્યતા છે. ભાજપ ગુજરાત ગુમાવે તો દેશની ગાદી એના હાથમાંથી સરકી જઈ શકે. પ્રારંભમાં તો કોંગ્રેસનું બધું સમુસૂતરું ચાલતું હતું અને એની નેતાગીરી છાતી ઠોકીને કહી રહી હતી કે ગાંધીનગરમાં ડિસેમ્બર ૨૦૧૭માં એમની સરકાર રચાશે. જોકે, ટિકિટોની વહેંચણી તથા આંદોલનત્રિપુટી સાથેની ભાગીદારીને કારણે ટિકિટોની ફાળવણી કરવા જતાં જે અસંતોષ ભડક્યો એના પછી બંબાવાળા આગને કેટલી ઠારીને મામલો ઠેકાણે પાડી શકશે એ પ્રશ્ન છે. જોકે, કોંગ્રેસી નેતાઓ પોતાની ધીરગંભીર પ્રચાર પદ્ધતિ નહીં છોડે અને ભાજપનો મુકાબલો કરશે એવું શ્રદ્ધા સાથે કહે છે ત્યારે એ મજબૂત વિપક્ષ બનીને ઉપસવાની આશા જરૂર જાગે છે.

ભાજપના બે સાંસદો લીલાધર વાઘેલા અને પ્રભાતસિંહ ચૌહાણ પોતાના પરિવારજન માટે ટિકિટના આગ્રહ સાથે અસંતુષ્ટ થઈને રાજીનામું આપવાની ધમકી આપતા હતા, પણ મોવડીમંડળે લાલ આંખ બતાવીને એમને ટાઢા પાડી દીધા છે. ભાજપના બીજા નેતાઓના અસંતોષની આગને પણ ઉમેદવારી પાછી ખેંચી લેવાની મુદ્દત સુધીમાં શાંત પડાવાની શક્યતા નકારી શકાતી નથી. વિકાસવાદ વિરુદ્ધ વંશવાદની ભાજપી ફોર્મ્યુલા આ વખતની ચૂંટણીમાં પોતાનાં વરવાં સ્વરૂપ દર્શાવતી રહી છે. વાઘેલાને પોતાના પુત્ર દિલીપ લીલાધર વાઘેલા માટે ટિકિટ જોઈતી હતી. ૭૨ના પ્રભાતસિંહને પોતાનાં ૩૫ વર્ષીય પત્ની રંગેશ્વરીદેવી માટે ટિકિટ ખપતી હતી. ભાજપ થકી પ્રભાતસિંહના અગાઉ ભાજપી ઉમેદવાર રહી ચૂકેલા “બૂટલેગર” પુત્ર પ્રવીણ ચૌહાણનાં ૫૦ વર્ષીય પત્ની સુમનબહેન ચૌહાણને ટિકિટ અપાઈ છે. જોકે, સાંસદ-પિતાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લખેલા પત્રમાં પોતાના પુત્ર પ્રવીણ બૂટલેગર હોવાનું અને એની પત્ની પણ જેલ ભોગવી ચુક્યાનું લખ્યું છે. સામે પક્ષે પુત્ર પ્રવીણ સાંસદ પ્રભાત સિંહને પિતા માનતો જ નહીં હોવાનું જણાવે છે. હકીકતમાં પ્રભાતસિંહના ૩૫ વર્ષીય પત્ની રંગેશ્વરી ઘોઘંબા તાલુકા પંચાયતનાં પ્રમુખ છે. એ પણ પુત્રવધૂના પ્રચારમાં જોડાઈ ગયાં છે.  કેશુભાઈ સરકારમાં મંત્રી રહેલા બિમલ શાહ સહિતના ભાજપીનેતાઓએ પક્ષ સામે બળવાખોરી કરીને ઉમેદવારી નોધાવી છે. આવાં વરવાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. હવે તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જ છે.   ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment