Wednesday 13 December 2017

Atal Bihari Vajpayee and Jawaharlal Nehru

અજાતશત્રુ અટલબિહારી અને નેહરુનો વારસો
નો મેન્સ લેન્ડ  :   ડૉ. હરિ દેસાઈ
·         સેક્યુલરવાદને પૂર્વ ભાજપી વડા પ્રધાન  ભારતીય સંસ્કૃતિની જ દેન ગણાવે છે
·         જવાહરલાલને અટલજીમાં છેક ૧૯૫૭થી જ ભાવિ વડા પ્રધાનનાં દર્શન થતાં હતાં
·         ગુરુજીની જેમજ વાજપેયીનું  સ્વપ્ન રહ્યું  કે  ભારત અને પાકિસ્તાન ક્યારેક એક થશે
રાજકીય શાસક તરીકે ભારતીય નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ આજેય રાષ્ટ્રનાયકની શ્રેણીમાં ભારતીય પ્રજાના દિલોદિમાગ પર છવાયેલા છે. સરદારના લાડકા નેતાઅને ભારતીય યુવા  પેઢીના સૌથી લોકપ્રિય નેતાપંડિત જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે સ્વતંત્ર ભારતના ઘડતરમાં સિંહફાળો આપનાર રહ્યા.  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દૃષ્ટિએ સરદાર અને નેહરુ બેઉ ભારતીય શાસનના ગાડે જોડવામાં આવેલા બે બળદતરીકે જોડિયા સાથીઓ રહ્યા. ક્યારેક ૧૯૦૬માં નામદાર આગાખાન અને ઢાકાના નવાબના ઈશારે, અંગ્રેજ વાઈસરોયના આશીર્વાદ સાથે, સ્થપાયેલી મુસ્લિમ લીગને ભારતના ભાગલા પાડવાનું કાવતરુંલેખાવનાર કૉંગ્રેસી મોહમ્મદ અલી ઝીણા થકી જ પાકિસ્તાન મેળવવામાં આવ્યું. બંધારણ મુસદ્દા સમિતિના વડા રહેલા ડૉ. ભીમરાવ આંબેડકર અવિભાજ્ય બંગાળમાંથી બંધારણ સભામાં ચૂંટાયા હતા. ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી હિંદુ મહાસભાના અધ્યક્ષ રહ્યા. તેમણે બંગાળની રાજનીતિમાં કૉંગ્રેસી ધારાસભ્ય તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ડૉ.મુકરજી અને ડૉ. આંબેડકરને કૉંગ્રેસના સૌથી બળૂકા નેતા સરદાર પટેલે ભારતની પ્રથમ નહેરુ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે જોડ્યા હતા. શાસકમાં દુર્ભાવની રાજનીતિ નહીં, પણ સદભાવની ચુંબકત્વનીતિ હોવી ઘટે એનું ઉત્તમ ઉદાહરણ સરદારે પૂરું પાડ્યું હતું.
ક્યારેક સરદાર પટેલના નિષ્ઠાવંતમાંથી નેહરુવાદી બનેલા મોરારજી દેસાઈની વડા પ્રધાન થવાની મહેચ્છાએ તેમને નેહરુ-પુત્રી ઈંદિરા ગાંધીથી દૂર હડસેલ્યા.૧૯૭૭માં એ બિન-કૉંગ્રેસી મોરચાની જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બન્યા હતા. તેમની સરકારમાં વિદેશપ્રધાન બનેલા જૂના જનસંઘી એવા અટલબિહારી વાજપેયી ૧૯૯૬માં પહેલીવાર વડા પ્રધાન બન્યા ત્યારે નિર્ભેળ બિન-કૉંગ્રેસી વડા પ્રધાન દેશને સર્વપ્રથમ વખત મળ્યા હતા. જોકે ૧૯૫૭માં જનસંઘના અન્ય ત્રણ સભ્યોની સાથે લોકસભામાં પહેલીવાર પ્રવેશ મેળવનાર વાજપેયીને તત્કાલીન વડા પ્રધાન નેહરુ ભવિષ્યના વડા પ્રધાન તરીકે ઓળખાવતા હતા. એનાં મધુર સ્મરણ અટલજીએ કાયમ  જાળવ્યાં છે.૧૯૫૭માં બલરામપુરથી અટલજી, હરદોઇ અનુસૂચિત અનામત બેઠક પરથી બુલાખીરામ વર્મા, ધૂળેથી ઉત્તમરાવ પાટીલ અને રત્નાગિરીથી પ્રેમજીભાઈ આશર એમ કુલ માત્ર ચાર જ જનસંઘી સાંસદો ચૂંટણી જીત્યા હતા.
રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં જોતરાયેલા જ નહીં, અખંડ ભારતને જાળવવા અને એનું સંવર્ધન કરવા સંકલ્પબદ્ધ નેતાઓનો સંબંધ નવેમ્બર-ડિસેમ્બર સાથે રહ્યાની વાતને સંયોગ લેખવો પડે. પંડિત નેહરુનો જન્મ ૧૪ નવેમ્બરે અને એમનાં રાજકીય વારસ-પુત્રી ઈંદિરા ગાંધીનો જન્મ પણ નવેમ્બરમાં જ તારીખ ઓગણીસમી. સરદાર પટેલનું નિધન ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ અને ડૉ.આંબેડકરનું નિધન ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ. ઝીણાનો જન્મદિવસ ૨૫ ડિસેમ્બર એટલે કે નાતાલ. કાયદે આઝમે ૨૫ ડિસેમ્બર, ૧૮૭૬ને પોતાનો જન્મદિવસ લેખાવ્યો હોવા છતાં સિંધ મદ્રેસા-તુલ-ઈસ્લામ, કરાંચીમાં મહોમદઅલી ઝીણાભાઈની જન્મતારીખ ઓક્ટોબર ૨૦, ૧૮૭૫ નોંધાયેલી છે !  વાજપેયીની જન્મતારીખ સત્તાવાર રીતે ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ ચલણી છે, પણ શાળાના પ્રમાણપત્રમાં એ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ નોંધાયેલી છે. રાજનેતાઓની એકથી વધુ જન્મતારીખો હોવી સામાન્ય લેખાય છે, પણ મૃત્યુતિથિ વિશે નિશ્ચિત એક જ તારીખ નોંધાતી હોય છે કારણ ત્યાં લગી કીર્તિ પામેલા રાજનેતાઓની એ તારીખ વિશેની નોંધો નક્કર હોય છે.
અટલજી વિદેશપ્રધાન હતા ત્યારે લોકસભામાં ૧૮ એપ્રિલ ૧૯૭૮ના રોજ એમણે પંડિત જવાહરલાલ નેહરુની વિદેશનીતિ અને વ્યક્તિ તરીકે નેહરુનાં વખાણ કર્યાં ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. જોકે વાજપેયીએ આ પ્રસંગે મરાઠી કહેવત ટાંકીને નિંદા કરનારનું ઘર પાડોશમાં હોવું જોઈએ (નિંદકાચે ઘર અસાવે સેજારી) એવું કહી લોકશાહીને મજબૂત કરવા મતભેદ-ટીકા સાંભળવાની તૈયારીને અનિવાર્ય લેખાવી હતી. સંઘ પરિવારમાં રમમાણ વાજપેયીના સંસ્કાર સિંચનમાં નેહરુદ્રોહ હતો, પણ એમણે પોતે નેહરુ પ્રત્યે આદર સદાય જાળવ્યો હતો. વિદેશનીતિમાં વિચારધારા નહીં, રાષ્ટ્રીય હિત સર્વોપરિ હોવાનું એ માનતા હતા. પંડિત નેહરુ સાથે મારે પણ મતભેદ હતા અને મેં મતભેદને ક્યારેય છુપાવ્યા નથી, પરંતુ જ્યારે પ્રશંસા કરવાનો સમય આવ્યો ત્યારે મેં એમાં કરકસર નથી કરી. નેહરુની ગુટનિરપેક્ષ નીતિ રાષ્ટ્રના હિતમાં રહી છે.
ક્યારેક વાજપેયીદ્વેષી ડૉ. સુબ્રમણિયન સ્વામી અટલજી વિશે ભળતાં જ નિવેદન કરતા રહ્યા છે. નેહરુ-ઈંદિરા કે સોનિયા ગાંધી થકી એમને બ્લેકમેઈલ થતા લેખાવ્યા છે. જોકે વાજપેયી રાજનેતા નહીં, રાજપુરુષ રહ્યા છે. રાજનેતા માત્ર પક્ષના હિતની ચિંતા કરે છે. રાજપુરુષ સમગ્ર દેશ-વિશ્વની ચિંતા કરીને અંગત રાગદ્વેષથી ઊપર ઊઠીને નિર્ણયો કરે છે. નેહરુના ટીકાકાર રહેલા વાજપેયી મે ૧૯૬૪માં જવાહરલાલનું અવસાન થયું ત્યારે સંસદમાં એમને આપેલી અંજલિના શબ્દોને આજે ય તમામ રાજનેતાઓએ મઢાવીને રાખવા જેવા છે. નેહરુના અવસાનના થોડા દિવસ પહેલાં જ વાજપેયીએ સંસદમાં વડા પ્રધાનના શેખ અબ્દુલ્લાને મુક્ત કરવાના અને મંત્રણા માટે પાકિસ્તાન મોકલવાના નિર્ણયની સૌથી કટુ આલોચના કરી હતી. અને છતાં કવિહૃદય વાજપેયીએ નેહરુને ગૃહમાં અંજલિ અર્પતાં એમને ભગવાન રામ સાથે સરખાવીને એમની વિદાયના ખાલીપાને કોઈ ભરી ના શકે એવું કહ્યું હતું. ભારતની ભવ્યતાને હાંસલ કરવા માટે સૌએ નેહરુના સ્વપ્નને સાકાર કરવા મચી પડવું પડશે, એવા ભારપૂર્વકના શબ્દો અટલજીના મોંઢે સાંભળીને ઘણાને આશ્ચર્ય થયું હતું. પૂર્વ પાકિસ્તાનના બાંગલાદેશમાં રૂપાંતરણમાં તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની ભૂમિકામાં દુર્ગાનાં દર્શન કરવામાં પણ અટલજીને અજુગતું નહોતું લાગ્યું.
નેહરુના વારસાને અખંડ રાખવાના અટલજીના આગ્રહને એ વિદેશપ્રધાન બન્યા એ વેળાના એક પ્રસંગમાં પણ નિહાળી શકાય છે. વાજપેયી વિદેશપ્રધાન તરીકે અખત્યાર સંભાળવા ગયા ત્યારે તેમના સચિવને કહ્યું કે અહીં પંડિતજી (નેહરુ)નું ચિત્ર રહેતું હતું, એ ક્યાં ગયું? પાછું લાવીને એને મૂળસ્થાને લગાવી દ્યો. ૨૦ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ વિદેશનીતિની લોકસભાની ચર્ચાનો અંગ્રેજીમાં ઉત્તર આપીને વડા પ્રધાન નેહરુએ અટલજીનું નામ લઈને હિંદીમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે સાંસદો પણ હરખપદુડા થઈ ગયા. અટલજીમાં નેહરુને ભાવિ વડા પ્રધાનનાં દર્શન એ વેળાથી થતાં હતાં. જે સત્ય સાબિત થયું.
અજાતશત્રુ અટલબિહારી વાજપેયીના મતે સેક્યુલરવાદ કોઈ કૉંગ્રેસ પાર્ટીનું સૂત્ર નહોતું, પણ આ દેશની સંસ્કૃતિમાંથી જ ઉત્પન્ન મંત્ર છે. ‘ક્યા ભારત કી સ્વાધીનતા કે બાદ ભારત કો હિંદુ-રાજ ઘોષિત નહીં કિયા જા શકતા થા?.. પાકિસ્તાનને કિયા,હમને નહીં કિયા, ક્યોં? ઈસલિયે કિ હમારી સંસ્કૃતિ ઉસકી ઈજાજત નહીં દેતી.’અટલજીના કુછ લેખ, કુછ ભાષણમાં “ભારતીયકરણ”વાળા  લેખમાં તેમણે નોંધ્યું છેઃ મને મારા હિંદુત્વ પર ગર્વ છે, પરંતુ એનો અર્થ એ નથી કે હું મુસ્લિમ-વિરોધી છું કે ઈસ્લામ સાથે મારો ઝઘડો છે. જ્યારે ધર્મ સાથે રાજનીતિને ભેળવવામાં આવે છે અને સત્તા હાંસલ કરવા માટે એનો ઉપયોગ કરવાની કોશિશ થાય ત્યારે ભાગલાવાદી શક્તિઓને પ્રોત્સાહન મળે છે.’ ઉદાર રાષ્ટ્રવાદનું  અદભુત સંમિશ્રણ લેખાતા વાજપેયી વિશે આધે કવિ, આધે રાજનેતામાં દીનાનાથ મિશ્ર નોંધે છે : સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, ટિળક,મહાત્મા ગાંધી, સાવરકર, ડૉ.હેડગેવાર, એમ. એન. રોય, જવાહરલાલ નહેરુ,  શ્રી ગુરુજીથી લઈને ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી, ડૉ. લોહિયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય વગેરે પરસ્પરના વિરોધી ગણાતા વિચારકોના વ્યક્તિત્વ અને કામગીરીએ અટલજીને પોત-પોતાની રીતે પ્રભાવિત કર્યા છે. ...તેમનામાં સંસ્થાબદ્ધતાથી ઉપર ઊઠીને વિચાર તથા નિર્ણય કરવાની ક્ષમતા હતી.
ભારત અને પાકિસ્તાન લશ્કરી શક્તિથી નહીં, પણ હૃદયપરિવર્તનથી (ગાંધીજીના જેવા જ શબ્દોમાં) એક થવાનું સ્વપ્ન વાજપેયી નિહાળે છે. ગૃહમાં સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવ સદાશિવ ગોળવળકર(ગુરુજી)ની અખંડ ભારતની વાતની ટીકા કરનારાઓને ઉત્તર વાળતાં અટલજી કહે છેઃ અખંડ ભારતની વાત તો હું પણ કરું છું. અખંડ ભારતની વાત કરવી એ કાંઈ ગુનો નથી. હું સ્વપ્ન જોઉં છું કે ભારત અને પાકિસ્તાન ક્યારેક એક થશે. જો જર્મનીના એકીકરણનું સ્વપ્ન જોઈ શકાય, જો કોરિયા અને વિયેટનામના એક થવાનું સ્વપ્ન જોઈ શકાય, તો ભારત અને પાકિસ્તાનના એક થવાનું સ્વપ્ન કેમ નિહાળી ના શકાય? આ જબરદસ્તીથી કે લશ્કરી તાકાતથી નહીં, હૃદય પરિવર્તનથી શક્ય બનશે.’
-મેઈલ : haridesai@gmail.com

(૮-૧૨-૨૦૧૭)

No comments:

Post a Comment