Wednesday 13 December 2017

The Historical Congress at Rahul’s Disposal


ઐતિહાસિક કોંગ્રેસ રાહુલને હવાલે
·         ટિળક, ગાંધી,ઝીણા, નેહરુ, મૌલાના, ડૉ. હેડગેવાર વગેરેના ૧૩૨ વર્ષના  પક્ષમાં યુવા નેતૃત્વ

·         નેતાજી બોઝના સમર્થકોએ સરદારને નીચ, દુષ્ટ અને ઝનૂનીકહ્યા છતાં એ સ્થિતપ્રજ્ઞ રહ્યા
Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily on Wednesday, 13 December 2017   Read the Full Text here or on Blog : haridesai.blogspot.com and comment.
ટિળક-ગાંધી-હેડગેવારની કોંગ્રેસ રાહુલને હવાલે
ડૉ.હરિ દેસાઈ

કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ અને સાંસદ  મુલ્લાપલ્લી રામચંદ્રને સોમવાર,૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ વર્ષ ૨૦૧૭ની અધ્યક્ષપદ માટેની ચૂંટણીના એકમેવ ઉમેદવાર રાહુલ રાજીવ ફિરોઝ ફરદુન ગાંધીના ટેકામાં પ્રાપ્ત તમામ ૮૯ ઉમેદવારીપત્રો માન્ય ઠર્યાં હોવાથી રાહુલને કોંગ્રેસના અધ્યક્ષ જાહેર કર્યા.રાહુલ ગુજરાતની  વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના પ્રચારમાં વ્યસ્ત હતા ત્યારે જ આ વાવડ આવ્યા.ભાજપના સુપરસ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ પણ ચૂંટણીપ્રચારની વ્યસ્તતાની વચ્ચે રાહુલને અભિનંદન પાઠવવાનો વિવેક દાખવ્યો, એ આક્ષેપ-પ્રતિઆક્ષેપથી કલુષિત થયેલા વાતાવરણમાં “ખારા રણમાં મીઠી વીરડી” સમાન અનુભવાયું. વર્ષ ૧૮૮૫માં મુંબઈમાં સ્થપાયેલી કોંગ્રેસના અધ્યક્ષપદે અનેક મહારથીઓ આવ્યા અને રાહુલ એ શ્રેણીમાં ફરી યુવા અને ભણેલાગણેલા (કૅમ્બ્રિજ યુનિવર્સિટીના એમ.ફિલ.) ૯૦મા અધ્યક્ષ વરાયા છે.છેલ્લાં ઓગણીસ વર્ષથી શ્રીમતી સોનિયા રાજીવ  ગાંધી એના અધ્યક્ષપદે રહ્યાં. બ્રિટિશ હકૂમત હેઠળ જે કોંગ્રેસ ભારતીયોના અધિકારો માટે સ્થપાઈ અને અંગ્રેજ શાસનનાં મૂળિયાં ઉખાડી નાંખવા માટે સંઘર્ષરત રહી એના અધ્યક્ષપદે વ્યોમેશચન્દ્ર બેનરજી(૧૮૮૫), દાદાભાઈ નવરોજી (૧૮૮૬), બદરુદ્દીન તૈયબજી (૧૮૮૭), જ્યોર્જ યુલ (૧૮૮૮), ગોપાલકૃષ્ણ ગોખલે (૧૯૦૫), ડૉ.એની બેસન્ટ (૧૯૧૭), પંડિત મદનમોહન માલવિયા(૧૯૧૮),પંડિત મોતીલાલ નેહરુ(૧૯૧૯), લાલા લજપતરાય (૧૯૨૦), સી.વિજયરાઘવાચાર્ય (૧૯૨૦-ખાસ), દેશબંધુ ચિત્તરંજન દાસ(૧૯૨૨), મૌલાના અબુલ કલામ આઝાદ(૧૯૨૩), મહાત્મા ગાંધી (૧૯૨૪), સરોજીની નાયડુ (૧૯૨૫), પંડિત જવાહરલાલ નેહરુ (૧૯૨૯), સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૩૧), ડૉ.રાજેન્દ્ર પ્રસાદ (૧૯૩૪), સુભાષચંદ્ર બોઝ (૧૯૩૮), આચાર્ય કૃપાલાની (૧૯૪૬), ડૉ.પટ્ટાભિ સીતારામૈયા(૧૯૪૮), પુરુષોત્તમદાસ ટંડન (૧૯૫૦), ઉચ્છંગરાય ઢેબર (૧૯૫૫), નીલમ સંજીવ રેડ્ડી (૧૯૬૦), કે.કામરાજ (૧૯૬૪), એસ.નિજલિંગપ્પા (૧૯૬૮), જગજીવન રામ (૧૯૬૯), ડૉ.શંકરદયાલ શર્મા (૧૯૭૨), દેવકાંત બરુઆ (૧૯૭૫), ઇન્દિરા ગાંધી (૧૯૭૮), રાજીવ ગાંધી (૧૯૮૫) અને પછીથી સીતારામ કેસરી,પીવી નરસિહ રાવ અધ્યક્ષપદે રહ્યાં.

કોંગ્રેસના કેટલાક અધ્યક્ષો એકથી વધુ મુદત માટે અધ્યક્ષ રહ્યા,જયારે કેટલાકને અધ્યક્ષપદ માટેની તક આવી પણ એમણે નકારી અથવા તેઓ જેલમાં હતા અથવા મૃત્યુને ભેટ્યા હતા.એમાં લોકમાન્ય ટિળક, મહર્ષિ અરવિંદ અને સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનનો સમાવેશ કરી શકાય. આઝાદી પહેલાં કોંગ્રેસના અનેક અધ્યક્ષો વિદેશી રહ્યા છે. દા.ત. જ્યોર્જ યુલ, આલ્ફ્રેડ વેબ, સર હેન્રી કોટન, સર વિલિયમ વેડરબર્ન, ડૉ.એની બેસન્ટ, શ્રીમતી નેલી સેન ગુપ્તા વગેરે. બહુ ઓછાને જાણ હશે કે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માંગણી કરીને પાકિસ્તાન મેળવનાર  કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ (સૌરાષ્ટ્રના મોટી પાનેલીના પૂંજાભાઈ વાલજી  ઠક્કરના પૌત્રે), ક્યારેક નામદાર આગાખાન અને ઢાકા નવાબના ટેકે તથા અંગ્રેજ વાઇસરોયના આશીર્વાદથી, ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના થઇ ત્યારે તેનો વિરોધ કરીને એ ઘટનાક્રમને  અંગ્રેજોની દેશને તોડવાની કુટિલ ચાલ  ગણાવી હતી. એ વેળા એ કોંગ્રેસના નેતા હતા. છેક ૧૯૧૬માં લખનઊમાં હિંદુ-મુસ્લિમ કરાર થયા ત્યારે લોકમાન્ય ટિળક થકી ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા ગણાવાયા હતા.આઝાદી પછી નેહરુ-ગાંધી પરિવાર સિવાયના પણ ઘણા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા.અત્યારે કોંગ્રેસમુક્ત ભારતની આહલ્લેક જગવનાર ભારતીય જનતા પક્ષના બંને આરાધ્યપુરુષ, ડૉ.કેશવ બલિરામ હેડગેવાર અને ડૉ.શ્યામા પ્રસાદ મુકરજી, પણ કોંગ્રેસના નેતા રહ્યા છે. રાહુલનાં કાકી અને મોદી સરકારનાં મંત્રી મેનકા ગાંધીને  પોતાના ભાજપી સાંસદ-પુત્ર ફિરોઝવરુણ ગાંધી (એમનું સત્તાવાર નામ) પિતરાઈ રાહુલનાં વખાણ કરે એ ગમતું નથી. રાહુલ  અધ્યક્ષ થયા ત્યારે પણ એમને કોંગ્રેસ હવે વ્યક્તિલક્ષી પક્ષ થયો હોવાનું અને વંશવાદને પોષક ગણાવ્યો છે.કમનસીબે તેઓ પોતે પણ વંશવાદના પ્રતાપે જ રાજકારણમાં છે એ વાતને વીસરી જાય છે.અત્રે એ યાદ રહે કે શ્રીમતી મેનકા ગાંધી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના દોહિત્ર અને ૧૯૭૫- ’૭૭ની બ્લેક ઇમર્જન્સીના ખલનાયક એવા  સ્વ. કોંગ્રેસી સાંસદ સંજય ગાંધીનાં પત્ની છે.
વર્ષ ૧૯૨૦માં નાગપુરમાં કોંગ્રેસનું ખાસ અધિવેશન મળવાનું હતું ત્યાર પહેલાં કોંગ્રેસના એ વેળાના મધ્ય પ્રાંતના નેતા ડૉ.બી.આર.મુંજેના નેતૃત્વમાં લોકમાન્ય ટિળકને અધ્યક્ષ બનાવીને મહાત્મા ગાંધીના પ્રભાવને ખાળવાના પ્રયાસ થયા હતા.કમનસીબે ૧ ઓગસ્ટ ૧૯૨૦ના રોજ લોકમાન્યનું નિધન થયું.જોકે નાગપુરના યજમાનોએ વિકલ્પની શોધ ચાલુ રાખી અને એમની નજર ક્યારેક કોંગ્રેસના ક્રાંતિકારી નેતા રહેલા અરવિંદ ઘોષ (મહર્ષિ અરવિંદ) પર ઠરી. ડૉ.મુંજે નાગપુર કોંગ્રેસના સંયુક્ત મંત્રી તથા સ્વાગત સમિતિના ૫૧મા ક્રમના સભ્ય ડૉ.હેડગેવારને લઈને પાંડીચેરી ગયા હતા.૧૯૧૦થી અરવિંદ અહીં અધ્યાત્મને માર્ગે વળેલા હતા. ચાર દિવસ સુધી એમને સમજાવવાનો પ્રયાસ ડૉ.મુંજે અને ડૉ.હેડગેવારે કર્યો, પરંતુ મહર્ષિ એકના બે ના જ થયા.એમણે કોંગ્રેસના અધ્યક્ષ થવાનો સાફ ઇનકાર કરતાં પોતે અધ્યાત્મને માર્ગે વળી ગયાની વાત ડૉ.મુંજેને કહી એટલું જ નહીં,તેમણે પાછળથી  તાર પાઠવીનેય  નન્નો ભણી દીધો.આવા સંજોગોમાં નાછૂટકે વિજયરાઘવાચાર્યને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ જ અધિવેશનમાં બેરિસ્ટર ગાંધીજીને અંગ્રેજીયતથી સંસ્કારિત બેરિસ્ટર ઝીણાએ “મિસ્ટર ગેંડી” તરીકે સંબોધવાનું ચાલુ રાખ્યું ત્યારે ગાંધીજીના ટેકેદારોએ “મહાત્મા કહો”નો આગ્રહ રાખીને ઝીણાને અપમાનિત કર્યા હતા. નવેમ્બર ૧૯૧૭ના ગોધરામાં  ગુજરાત રાજકીય પરિષદમાં ગુજરાતીમાં બોલવાના ગાંધીજીના દુરાગ્રહથી આહત ઝીણા માટે નાગપુરનું અપમાન અસહ્ય થઇ પડ્યું હતું. ૧૯૨૦ના નાગપુરના કોંગ્રેસ અધિવેશન પછી ડૉ.મુંજે હિંદુ મહાસભા ભણી ફંટાયા અને ૧૯૨૭માં એના  અખિલ ભારતીય અધ્યક્ષ બન્યા. ઝીણા મુસ્લિમ લીગના મંચ પરથી મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રના કટ્ટર આગ્રહી બન્યા. ડૉ.હેડગેવારે ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના કરી, પણ ૧૯૩૭ સુધી કોંગ્રેસમાં રહ્યા.૧૯૨૦નું  એ અધિવેશન ઘણી બધી રીતે નિર્ણાયક ઠર્યું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ માત્ર એક-એક વાર જ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છતાં જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ પર બંનેનો પ્રભાવ રહ્યો.ગાંધીજીને પડકાર ફેંકવાની હિંમત ૧૯૩૯માં ફરીને કોંગ્રેસના અધ્યક્ષ થવા ઈચ્છુક નેતાજી સુભાષ ચંદ્ર બોઝે કરી. એમણે સરદાર અને ગાંધીજીની ઉપરવટ જઈને કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી લડી અને ૧૫૮૦ વિરુદ્ધ ૧૩૭૫ મતથી ડૉ.પટ્ટાભિ સીતારામૈય્યાને હરાવ્યા.મહાત્માને પટ્ટાભિની હારમાં પોતાની હાર  જણાઈ અને સુભાષ સાથેના સંબંધોનું મોતી ભાંગ્યું. ત્રિપુરીના કોંગ્રેસના અધિવેશનમાં “સુભાષના સમર્થકોએ સરદારને ખૂબ ભાંડ્યા.બોઝ તરફ સરદારે ‘નીચ, દુષ્ટ અને ઝનૂની’ વલણ દાખવ્યું હોવાના કારણે નહીં પણ બીજાં કારણોસર.”(સરદાર પટેલ : એક સમર્પિત જીવન – રાજમોહન ગાંધી પૃષ્ઠ:૨૮૦). જે સુભાષને હરિપુરાના કોંગ્રેસ અધિવેશનમાં સરદારે ખભે ઊંચક્યા હતા એમના સમર્થકો એમને બીજા જ વર્ષે ભાંડી રહ્યા હતા.સરદાર પટેલનો સંયમ પણ માન ઊપજાવે તેવો હતો. સુભાષ વલ્લભભાઈને આપખુદ ગણાવે છે  તેવું  સાંભળીને તેમણે કહ્યું કે ‘સિંહ તો જન્મથી જ જંગલનો રાજા કહેવાય છે.તેની ચૂંટણી થતી નથી.’ સમયાંતરે સુભાષે કોંગ્રેસ છોડીને ફૉરવર્ડ બ્લોકની સ્થાપના કરી.તેઓ બ્રિટિશ ઇન્ડિયા બહાર ઇન્ડિયન નેશનલ આર્મી(આઇએનએ)ના સરસેનાપતિ બન્યા.જો કે ગાંધીજી સાથેના વૈચારિક ટકરાવ છતાં આ જ સુભાષે ૧૯૪૪માં સિંગાપુરથી કરેલા રેડિયો સંબોધનમાં મહાત્મા માટે “રાષ્ટ્રપિતા (ફાધર ઓફ ધ નેશન)’ શબ્દપ્રયોગ કરવા જેટલી દરિયાદિલી દાખવી હતી, એટલું જ નહીં, એમણે મહાત્મા ગાંધી માટે અનન્ય માન પણ જાળવ્યું હતું. એ વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી આપણે કેવા વામણાઓના યુગમાં આવી ગયા છીએ, એનું વિહંગાવલોકન આજના તબક્કે કરી લેવા જેવું ખરું.

 ઈ-મેઈલ : haridesai@gmail.com                                  (HD-DB-Rahul-President12-12-2017)

No comments:

Post a Comment