ન્યાયતંત્રની વહીવટી લક્ષ્મણરેખા
ડૉ.હરિ દેસાઈ
સુપ્રીમ કૉર્ટ અને હાઇ કૉર્ટના સવર્ણ-દલિત નિવૃત્ત ન્યાયાધીશો સર્વસમાવેશક મૅરિટના આગ્રહી

દેશની સર્વોચ્ચ અદાલત છેક ૧૯૭૯થી ૨૬ નવેમ્બરને રાષ્ટ્રીય કાનૂન દિવસ તરીકે ઉજવાતી હતી. એમાં ૨૦૧૬થી કેન્દ્ર સરકારે એ દિવસને બંધારણ દિવસ તરીકે મનાવવાનું ઉમેરણ કરીને આ વખતે ૨૬ અને ૨૭ નવેમ્બરે દિલ્હીમાં ન્યાય પરિષદ યોજી. એનું ચિંતન દૂરગામી પરિણામો લાવનારું રહેવાનાં એંધાણ મળી રહ્યાં છે.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર અને કેન્દ્ર સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના  મંત્રીઓ તેમજ ભારતીય  કાયદા પંચ વચ્ચે પારસ્પરિક વિચાર આદાનપ્રદાનને પગલે પ્રત્યેક  પોતાની અપેક્ષિત લક્ષ્મણરેખા લાંઘે નહીં એ દિશામાં સકારાત્મક પ્રગતિ જોવા મળી.જોકે આ બધી વાતો ભાષણોમાં તો પ્રગતિકારક લાગી,પણ નીવડે વખાણ.બે મહત્વના મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા : એક, સંસદની મંજૂરીથી કેન્દ્ર કે રાજ્યોની સરકારોએ બનાવાયેલા કાયદાઓ બંધારણનાં મૂળભૂત તત્વો અને જોગવાઈઓને અનુરૂપ છે કે નહીં એનું અર્થઘટન(Interpretation) કરવાનું ન્યાયતંત્રનું કામ છે, નીતિનિર્ધારણ(Policymaking)નું નહીં. વધુમાં વધુ અદાલતો સરકારને નીતિ બનાવવા વિશે  ભલામણ કરી શકે, પણ પોતાના ચૂકાદાઓમાં પોતાની લક્ષ્મણરેખા ઓળંગીને સરકારે કરવાની શાસકીય કે વહીવટી કામગીરી કરે નહીં; એ બાબત ખૂબ જ સ્પષ્ટ કરી દેવામાં આવી. બીજું, અદાલતોના ન્યાયાધીશોમાં મહદઅંશે ઍલિટ ક્લાસના અથવા તો તથાકથિત સવર્ણ વર્ગના જ હોવાની વાતનો રાષ્ટ્રપતિથી લઈને કાયદા પંચના સભ્યો સુધીનાની લાગણીનો પડઘો સંભળાયો,પણ ન્યાયતંત્રમાં, અનામતને દાખલ કરવાને બદલે,  મૅરિટના ધોરણે સર્વસમાવેશક(Inclusive) સમાજનું પ્રતિનિધિત્વ વધે; એ દિશામાં જાગૃત પ્રયાસો થાય,એની આવશ્યકતા વ્યક્ત કરાઈ.
અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ.ખેહરે પણ નિવૃત્તિ વેળાના ભાષણમાં ન્યાયતંત્ર અને સરકારને લક્ષ્મણરેખા નહીં ઓળંગવાની સલાહ આપી હતી. કેન્દ્રના કાયદા રાજ્યમંત્રી પી.પી.ચૌધરીની અદાલતો વહીવટી જવાબદારીમાં અનાવશ્યક દખલ કરવા સુધી જતી હોવા અંગે કરેલી ટિપ્પણી સામે વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ મિશ્રે એવા ઈરાદાઓને નકાર્યા હતા.રાષ્ટ્રપતિ પોતે પણ કાયદા રાજ્યમંત્રીની જેમ સર્વોચ્ચ અદાલતના ધારાશાસ્ત્રી રહી ચૂક્યા છે. એમણે ધારાગૃહો, ન્યાયતંત્ર અને કારોબારી એટલે કે સરકાર પોતપોતાની અપેક્ષિત મર્યાદામાં રહીને સુચારુ અને પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં સૌહાર્દ જાળવે એને યોગ્ય લેખ્યું હતું.. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દો પણ પોતાના વ્યાખ્યાનમાં ટાંકીને રાષ્ટ્રપતિએ ઉમેર્યું :  “આપણે જે નિર્ણય કરી રહ્યા છીએ એ સંદર્ભમાં આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે એ નિર્ણય ગરીબમાં ગરીબ અને નબળામાં નબળી વ્યક્તિના ઉપયોગમાં અને લાભમાં લેવાયેલો છે કે કેમ?” તેમણે ભારતીય બંધારણને જડ નહીં,પણ જીવંત લેખવાનું પસંદ કર્યું હતું.
દીર્ઘદ્રષ્ટિ ધરાવતા બંધારણના ઘડવૈયાઓએ  ન્યાયતંત્રમાં અનામત પ્રથાની જોગવાઈ કરી નથી અને માત્ર મૅરિટને આધારે જ ન્યાયાધીશોની નિમણૂક થાય છે.જોકે રાષ્ટ્રપતિએ હમણાં આ મુદ્દો પોતાના ભાષણમાં છેડતાં કહ્યું પણ ખરું કે ન્યાયાધીશોમાં મહિલાઓ, અનુસૂચિત જાતિ(એસસી), અનુસૂચિત જનજાતિ(એસટી) અને અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના પ્રતિનિધિઓનું “સ્વીકારી ના શકાય એટલું ઓછું પ્રમાણ” હોવા  સંદર્ભે ન્યાયતંત્રે એમાં સુધારાનાં દીર્ઘકાલીન પગલાં લેવાની જરૂર છે. ન્યાયતંત્રની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે યોગ્ય લાયકાતવાળા તમામ સમાજ અને વર્ગના યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિ ન્યાયતંત્રમાં પણ આવે, એવી એમણે અપેક્ષા કરી.આ ખૂબ સૂચક સંકેત છે.જોકે દલિત સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિએ  અનામત પ્રથા દાખલ કરવાનો આગ્રહ સેવ્યો નથી,પરંતુ તેઓ બિહારના રાજ્યપાલ હતા ત્યારે રાજ્યમાં કાયદા અધિકારીઓની નિમણૂકમાં અનામત દાખલ કરવાની હિલચાલ થયેલી એના પર એમનું ચિંતન અવલંબિત હોવાની શક્યતા ખરી.એમણે વંચિતોને ન્યાયતંત્રમાં પૂરતું પ્રતિનિધિત્વ મળે એ માટે હકારાત્મક અને પ્રોત્સાહક પગલાં લેવાની તરફેણ જરૂર કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકારે રાજ્યના ન્યાયતંત્રના અધિકારીઓની નિમણૂકોમાં ૫૦ ટકા અનામતની જોગવાઈ કરતા વિધેયકને ધારાસભામાં મંજૂર કરાવવાના ક્રાંતિકારી પગલાનાં ખૂબ ઢોલ પિટ્યાં હતાં. જોકે વડી અદાલતે કાનૂની અધિકારીઓ માટેની અનામતની આવી જોગવાઈને આઠ-આઠ વખત રદ ઠરાવ્યા બાદ સર્વોચ્ચ અદાલતે બિહાર સરકાર વિરુદ્ધ દયાનંદ સિંહ કેસના ચૂકાદામાં છેવટે એવો નિર્દેશ આપ્યો હતો કે કાનૂની અધિકારીઓની નિમણૂકમાં અનામત દાખલ કરવાના મુદ્દે રાજ્યની વડી અદાલત અને રાજ્યના જાહેર સેવા આયોગ સાથે વિચારવિમર્શ કરીને નિર્ણય લઇ શકાય.રાજ્ય સરકાર અત્યારે આ પ્રક્રિયા કરવામાં છે.
ન્યાયતંત્રમાં એસસી,એસટી,ઓબીસી તથા મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું હોવા છતાં આ શ્રેણીના સમાજો કે વર્ગોમાં તેજસ્વી પ્રતિભાઓનો સાવ જ તોટો છે એવું નથી.રવિવારે અમે સર્વોચ્ચ અદાલતના પુણેનિવાસી  નિવૃત્ત ન્યાયાધીશ પી.બી.સાવંત સાથે વાત કરી તો એમણે ન્યાયતંત્રમાં અનામત પ્રથા દાખલ કરવાનો વિરોધ કરવાની સાથે આગ્રહપૂર્વક ઉમેર્યું કે ન્યાયતંત્રમાં પણ મૅરિટને ધોરણે તમામ સમાજને અને વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એવી “સર્વસમાવેશકવ્યવસ્થા ગોઠવવી જોઈએ.મૅરિટમાં બે વ્યક્તિ આવતી હોય તો એમાંથી દલિત હોય એને પ્રાધાન્ય આપવાની મોકળાશ અપનાવવામાં આવે એ જરૂરી છે.એમણે કહ્યું કે મૂળ કેરળના જસ્ટિસ કે.જી.બાલકૃષ્ણન દલિત હોવા છતાં પોતાની આગવી તેજસ્વી પ્રતિભાને કારણે જ  ગુજરાત અને મદ્રાસની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા અને છેલ્લે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા. ગુજરાત અને મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ રહેલા ગાંધીનગરનિવાસી જસ્ટિસ વિનુભાઈ એચ.ભૈરવિયા દલિત છે.તેઓ કહે છે કે અત્યાર લગી માત્ર ૬ દલિત જ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બનવા પામ્યા હોવા છતાં ન્યાયતંત્રમાં અનામત પ્રથા દાખલ કરવાની તરફેણમાં હું નથી.એને બદલે ન્યાયતંત્ર માટેની પસંદગીની પ્રક્રિયામાં એવી મોકળાશ રાખવામાં આવે કે અનામત શ્રેણીના તેજસ્વી ઉમેદવારોને પસંદગી પામવાની તક મળે.જસ્ટિસ ભૈરવિયા ન્યાયતંત્રમાં પ્રવેશ માટે વંચિત ગણાતા વર્ગોના ઉમેદવારોને વિશેષ તાલીમ આપીને સક્ષમ બનાવવા પર ભાર મૂકે છે.એમનું તો એટલે સુધી કહેવું છે કે અન્યત્ર અનામતનો લાભ મેળવનારની ત્રીજી પેઢી પછી અનામતલાભ સ્વેચ્છાએ છોડી દેવો જોઈએ અથવા એ માટે કાયદાકીય જોગવાઈ  કરવી જોઈએ.
ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અને રાજ્યના લોકઆયુક્ત રહેલા જસ્ટિસ એસ.એમ.સોની પણ ન્યાયતંત્રમાં અનામત પ્રથા દાખલ કરવાના સમર્થક નથી,પરંતુ મૅરિટને આધારે જ ન્યાયાધીશોની નિમણૂક કરવાના મતના છે.અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ઉપરાંત મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળે એવાં ધોરણો નક્કી કરાય; પણ પસંદગી તો મૅરિટ આધારિત હોવી ઘટે. બે દિવસની દિલ્હીની પરિષદમાં હાજરી આપનાર ભારતીય કાયદા પંચના વર્તમાન સભ્ય અને સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તાજી પરિષદની ફલશ્રુતિ એટલી અપેક્ષિત છે કે અત્યાર લગી ન્યાયતંત્રમાં માત્ર ઍલિટ ન્યાયાધીશો અને એમના દીકરા-દીકરીઓને નિયુક્ત કરવાની જે પરંપરા રહી છે એને બદલે હવે યોગ્યતા ધરાવતી અને લોકઆકાંક્ષાઓનું પ્રતિબિંબ પાડતી હોય એવી વ્યક્તિઓને એમના મૅરિટને આધારે પસંદ કરવામાં આવે એની દિશા પકડાશે.રાષ્ટ્રપતિએ વ્યક્ત કરેલી ચિંતાનું નિરાકરણ પણ ન્યાયતંત્રને વિશ્વાસમાં લઈને કેન્દ્ર સરકાર અને કાયદા પંચ લાવશે.અપેક્ષા કરીએ કે તમામ સંબંધિતો પોતપોતાની લક્ષ્મણરેખામાં રહીને કાર્યરત રહે અને ફરી પાછું ઇન્દિરાયુગના  કહ્યાગરા ન્યાયતંત્રની વાતો ના પડઘાય.              ઈ-મેઈલ : haridesai@gmail.com
HD-DB-LakshmanRekha26-11-2017


0 Comments