Thursday 16 November 2017

Gandhiji and Savarkar were in Opposite Camps during Quit India Movement

હિંદ છોડો ચળવળમાં ગાંધીજી વિરુદ્ધ સાવરકર
·         નેહરુ અને મૌલાના આઝાદ પણ ઓગસ્ટ  ક્રાંતિના ઠરાવના વિરોધમાં હતા !
લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૧૮ નવેમ્બર ૨૦૧૭   વેબ લિંક : http://bit.ly/2mwfkJ7    બ્લોગ  : haridesai.blogspot.com
·         મહાત્મા ગાંધી થકી અંગ્રેજ હાકેમોને ભારત છોડી જવા માટે કરવામાં આવેલી આખરી હાકલની આ ચળવળમાં હિંદુ મહાસભાના સુપ્રીમો સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમના સાથીઓ બ્રિટિશોના પક્ષે હતા એ સર્વવિદિત છે, પણ ગાંધીજીએ તૈયાર કરેલા હિંદ છોડોના ઠરાવની વિરુદ્ધમાં એમના માનસપુત્ર એવા પંડિત જવાહરલાલ નેહરુ તથા વેવાઈ સી. રાજગોપાલચારી અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હોય એ વાત જરા ચોંકાવનારી હોવા છતાં સાચી છે ! મહાત્મા સાથે સરદાર પટેલ અડીખમ હતા.
·         કોંગ્રેસી નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હિંદુ મહાસભાના નેતાઓ મહેલવાસની સાહ્યબી ભોગવી રહ્યા હતા. સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી બંગાળની ફઝલુલ હક સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન નાણાં પ્રધાન હતા. એમણે હિંદ છોડોચળવળને નિષ્ફળ બનાવવા માટેની યોજના વર્ણવતો પત્ર પણ બંગાળના અંગ્રેજ ગવર્નરને લખ્યો હતો. સિંધમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી.
·         માર્ચ ૧૯૪૦માં ફઝલુલ હકે લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવને માર્ચ ૧૯૪૩માં સિંધ ધારાસભાએ, હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનોના વિરોધ વચ્ચે મંજૂર કર્યો, એ પછી પણ હિંદુ પ્રધાનોએ સરકારમાંથી રાજીનામાં આપ્યા નહોતાં! વાયવ્ય પ્રાંતમાં પણ હિંદુ મહાસભા મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાં સામેલ હતી અને પંજાબ પ્રાંતમાં મુસ્લિમ લીગની સાથે ભાવિ સરકારમાં જોડાવા માટે સાવરકરની સંમતિ અપાઈ ચૂકી હતી. એવું નથી કે હિંદુ મહાસભા જ બ્રિટિશ શાસકો સાથે મધુર સંબંધ ધરાવીને લાભ ખાટતી હતી. કોમ્યુનિસ્ટો પણ કોંગ્રેસની ચળવળની વિરુદ્ધ હતા. 
Read the Full Text here and react :
હિંદ છોડોચળવળમાં ગાંધીજી વિરુદ્ધ સાવરકર
ઈતિહાસનાં નીરક્ષીર ડૉ. હરિ દેસાઈ
નેહરુ અને મૌલાના આઝાદ પણ ઓગષ્ટ ક્રાંતિના ઠરાવના વિરોધમાં હતા !
ભારતમાં ઈતિહાસને પોતપોતાની અનુકૂળતા મુજબ રજૂ કરીને રાજકીય દાવપેચ ખેલવાની વૃત્તિ-પ્રવૃત્તિ ક્યારેય નવાનવા વિરોધાભાસ સર્જે છે. રાજકીય પક્ષોની નેતાગીરી કનેથી અપેક્ષા એ હોય છે કે પ્રજાના કલ્યાણ માટે તેઓ સત્તામાં આવતાં કેવાં કેવાં પગલાં કઈ રીતે ભરશે, એનો રોડમેપ જાહેર કરીને એનો અમલ કરે. કમનસીબે એકમેકને ગઈકાલની વાતો કરીને ભાંડવામાં રમમાણ રાજકીય પક્ષોની નેતાગીરી ના તો પોતાના શાસનની કામગીરીનો યોગ્ય હિસાબ પ્રજાને આપે છે કે ના ભવિષ્યમાં કેવી કામગીરી કઈ રીતે હાથ ધરવા કૃતસંકલ્પ છે એનાં નક્કર વચન આપે છે. આઝાદીની લડાઈમાં કોંગ્રેસના યોગદાન અને હિંદુવાદી પક્ષોની ભૂમિકાના ઈતિહાસનાં તથ્યઆધારિત નીરક્ષીર કરવાના બદલે ધાર્મિક વિખવાદો કે સામાજિક ઉત્તેજનાઓને ઉશ્કેરી મૂકે એવાં નિવેદનો કે ભાષણો થકી નરી ભાંડણલીલા ચાલતી રહે છે. ઓગસ્ટ ૧૯૪૨માં હાથ ધરાયેલી અંગ્રેજ શાસકોને ઘરભેગા કરવા માટેની આખરી કહી શકાય એવી હિંદ છોડોલડતમાં કોની કેવી ભૂમિકા હતી, એ વાત આજે પણ વિવાદનો વંટાળો જગાવનારી રહી છે. મહાત્મા ગાંધી થકી અંગ્રેજ હાકેમોને ભારત છોડી જવા માટે કરવામાં આવેલી આખરી હાકલની આ ચળવળમાં હિંદુ મહાસભાના સુપ્રીમો સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમના સાથીઓ બ્રિટિશોના પક્ષે હતા; એ સર્વવિદિત છે, પણ ગાંધીજીએ તૈયાર કરેલા હિંદ છોડોના ઠરાવની વિરુદ્ધમાં એમના માનસપુત્ર એવા પંડિત જવાહરલાલ નેહરુ તથા વેવાઈ સી. રાજગોપાલચારી અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હોય એ વાત જરા ચોંકાવનારી હોવા છતાં સાચી છે! મહાત્મા સાથે સરદાર પટેલ અડીખમ હતા.

ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો વિરોધ
દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને ૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ એ વેળાના પ્રતાપી જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો એ પછી અમેરિકા યુદ્ધમાં કૂદતાં એની ભીષણતા ઘણી વધી. ૧૯૩૯માં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમનો પક્ષ હિંદુ મહાસભા બ્રિટિશ સરકારના સમર્થનમાં હતો. લશ્કરની ત્રણેય પાંખમાં હિંદુઓ વધુ પ્રમાણમાં જોડાય એવો એમનો આગ્રહ હતો. એટલે ફિલિપિન્સ, મલયેશિયા, બર્મા, સિંગાપુર વગેરેને કબજે કરીને જાપાન ભારતની ઊગમણી સીમાએ ટકોરા મારવામાં હતું, ત્યારે બ્રિટનની વોર કેબિનેટના લેબર સભ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સને માર્ચ ૧૯૪૨માં ભારત મોકલીને તમામ પક્ષોનો યુદ્ધમાં સહકાર મેળવવા સમજૂતી સાધવાની કોશિશ કરાઈ હતી. કમનસીબે સર ક્રિપ્સનું મિશન નિષ્ફળ રહ્યું અને એને પોતીકા વાઈસરોય ઉપરાંત કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, અસ્પૃશ્યોની નેતાગીરી સહિતનાએ સહકાર આપરવાનો નન્નો ભણ્યો. એ પછી ગાંધીજીપ્રેરિત હિંદ છોડોચળવળ આવી પડી. સર ક્રિપ્સની દરખાસ્તો ભારતના રાજકીય પક્ષોને લલચાવવાના પ્રયાસરૂપ હોવા છતાં કોઈને પલાળી શકી નહીં. ક્રિપ્સ પાછા નેહરુના અંગતમિત્ર હોવા છતાં એમની દરખાસ્તોને કોંગ્રેસ પાસે ય મંજૂર કરાવી શકાઈ નહીં. ઉલટાનું, સંરક્ષણ ખાતાના અખત્યાર વિનાની સત્તા ભારત માટે નિરર્થક હોવા બાબત કોંગ્રેસના તમામ નેતા સંમત હતા. યુદ્ધમાં બ્રિટનને સાથ આપવા સાટે ભારતને સ્વાતંત્ર્ય આપવાની દિશામાં બંધારણ ઘડવાની પહેલની દરખાસ્ત કરાઈ, પણ એ આભાસી વચનને ફગાવી દેવાયું. કોંગ્રેસને બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનને સ્વીકારવામાં રસ નહોતો, મુસ્લિમ લીગને વિભાજનથી પાકિસ્તાનથી ઓછું ખપતું નહોતું, કોંગ્રેસને સંરક્ષણ ખાતાની સાથેનો સઘળો અંકુશ ખપતો હતો, મુસ્લિમ લીગને પ્રતિનિધિત્વ ઓછું પડતું હતું. હિંદુ મહાસભાને પાકિસ્તાનનું ધૂણતું ભૂત મંજૂર નહોતું. દલિત અને અસ્પૃશ્યોને સર ક્રિપ્સની દરખાસ્તોમાં નવું કશું મળતું લાગતું નહોતું. યુદ્ધના સંજોગોમાં બ્રિટિશ સત્તાધીશોનું નાક દબાવવાની અને ભારતીયોની આકાંક્ષાની પૂર્તિ કરવાની અપેક્ષા તમામ રાજકીય પક્ષોની હતી. એ હોય એ સ્વાભાવિક પણ છે. ભારતના ભાગલા, સંઘને માન્યતા આપવા બાબત સમયગાળો નિર્ધારિત નહોતો તથા રજવાડાના પ્રતિનિધિઓને ચૂંટવાને બદલે નિયુક્ત કરવાની દરખાસ્તે ક્રિપ્સને નિરાશવદને પાછા ફરવાની ફરજ પાડી.

ગાંધીજીએ અંગ્રેજો હવે તો દેશ છોડી જ જાયએવું આખરીનામું આપવા માટે કોંગ્રેસ કારોબારીમાં ઠરાવ મંજૂર કરવા એનો મુસદ્દો મીરાબહેન સાથે અલ્લાહાબાદ પાઠવ્યો અને સાથે નેહરુને પત્ર પણ લખ્યો. નેહરુએ છેવટે ઠરાવને હળવો કરાવ્યો. મહારાષ્ટ્ર સરકારના ગેઝેટિયર્સના મુખ્ય સંપાદક અને સચિવ રહેલા નામાંકિત ઈતિહાસકાર ડૉ. કે. કે. ચૌધરીએ નેહરુ અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના આઝાદ ક્વિટ ઈંડિયાની હાકલ સાથે પ્રારંભમાં અસંમત હોવાનું દસ્તાવેજી પુરાવા સાથે પોતાના પુસ્તક ક્વિટ ઈંડિયા રિવોલ્યુશનઃ ધ ઈથોસ ઓફ ઈટ્સ સેન્ટ્રલ ડાયરેક્શનમાં નોંધ્યું છે. મહાત્માને પડખે સરદાર પટેલ હતા એટલે એમને આ આંદોલન હાથ ધરવામાં સધિયારો હતો. એક તબક્કે તો મહાત્માએ મૌલાનાને અધ્યક્ષપદેથી રાજીનામું આપીને માત્ર કારોબારીમાં રહેવા જણાવીને નવો કાર્યવાહક અધ્યક્ષ પસંદ કરવાનો આગ્રહ પણ સેવ્યો હતો. સી. રાજગોપાલાચારીને ગાંધીજીએ રાજીનામું આપવા ફરમાવ્યું હતું. પછીથી જોકે નેહરુ અને મૌલાનાએ વર્ધાની જુલાઈ ૧૯૪૨ની કારોબારીમાં કરેલા વિરોધને પાછો ખેંચી લીધો અને ઓગસ્ટ ૧૯૪૨માં હિંદ છોડોચળવળના આરંભે જ ગાંધી, સરદાર, નેહરુ, મૌલાના સહિતના નેતાઓ જ નહીં, તાજાં લગ્ન કરીને હનીમૂનથી પાછાં ફરેલાં ઈંદિરા ગાંધીએ પણ જેલવાસ કબૂલ્યો હતો. ઈંદિરાના પતિ ફિરોઝ ગાંધીએ ભૂગર્ભ ચળવળ ચલાવીને કોંગ્રેસની નેતાગીરીને સહયોગ આપવાનું પસંદ કર્યું હતું.

હિંદુ મહાસભા અને કોમ્યુનિસ્ટોની ભૂમિકા
કોંગ્રેસી નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હિંદુ મહાસભાના નેતાઓ મહેલવાસની સાહ્યબી ભોગવી રહ્યા હતા. સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી બંગાળની ફઝલુલ હક સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન નાણા પ્રધાન હતા. એમણે હિંદ છોડોચળવળને નિષ્ફળ બનાવવા માટેની યોજના વર્ણવતો પત્ર પણ બંગાળના અંગ્રેજ ગવર્નરને લખ્યો હતો. સિંધમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. માર્ચ ૧૯૪૦માં ફઝલુલ હકે લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવને માર્ચ ૧૯૪૩માં સિંધ ધારાસભાએ, હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનોના વિરોધ વચ્ચે મંજૂર કર્યો, એ પછી પણ હિંદુ પ્રધાનોએ સરકારમાંથી રાજીનામાં આપ્યા નહોતાં! વાયવ્ય પ્રાંતમાં પણ હિંદુ મહાસભા મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાં સામેલ હતી અને પંજાબ પ્રાંતમાં મુસ્લિમ લીગની સાથે ભાવિ સરકારમાં જોડાવા માટે સાવરકરની સંમતિ અપાઈ ચૂકી હતી. એવું નથી કે હિંદુ મહાસભા જ બ્રિટિશ શાસકો સાથે મધુર સંબંધ ધરાવી લાભ ખાટતી હતી. કોમ્યુનિસ્ટો પણ કોંગ્રેસની ચળવળની વિરુદ્ધ હતા. પી. સી. જોશી અને એમ. એન. રોય બ્રિટિશ સરકારના પાળીતા (પે-રોલ પર) હતા અને સાથે જ સાવરકરના સાથી જે. એમ. મહેતા પણ ! ડો. ચૌધરીએ નોંધ્યું છે કે વંદે માતરમ્ની અંગ્રેજી પૂર્તિના ૫ ઓક્ટોબર ૧૯૪૨ના અંકમાં મહેતા અને રોયને અંગ્રેજ સરકાર તરફથી દર મહિને અમુક રકમ અંગ્રેજતરફી પ્રચાર માટે મળતી હતી.

ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment