Wednesday 15 November 2017

All Political Parties Befooling in the name of Reservation


All Political Parties Befooling in the name of Reservation

અનામતના બંધારણીય આટાપાટા : ઉજળિયાતોને અનામતની ગૂંચ 

Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily 15 November 2017

વેબ લિંક :

http://epaper.divyabhaskar.co.in/detail/-733477/11153130388/0/map/tabs-1/2017-11-15/12/10/image/

Read the Full Text here or on Blog :haridesai.blogspot.com and do send your comment.

ઉજળિયાત અનામતની ગૂંચ : ડૉ.હરિ દેસાઈ

-----

· બંધારણમાં સુધારો કર્યા સિવાય અશક્ય મુદ્દે લોલીપોપ આપવાની રાજકીય પક્ષોમાં સ્પર્ધા

· ગાંધીજી અનામતના વિરોધી છતાં જગ્ગુબાબુના આગ્રહને દલિતમત માટે સૌએ વધાવ્યો હતો 

-----

ઉજળિયાત ગણાતી જ્ઞાતિઓના નબળા વર્ગ માટે બંધારણીય અનામત ફરી “બૅક ટુ સ્ક્વૅર વન” જેવી સ્થિતિમાં આવીને ઊભી છે.પ્રશ્ન માત્ર ગુજરાતના પાટીદારોનો નથી,મહારાષ્ટ્રના મરાઠાઓ,રાજસ્થાનના ગૂર્જરો અને ઉત્તરનાં રાજ્યોના જાટોનો ય છે.હવે તો બ્રાહ્મણો અને રાજપૂતો પણ અનામત માંગતા થયા છે. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાના રાજકીય પક્ષો તરફથી કોણીએ લગાડાતા ગોળનો માહોલ છે. રાજસ્થાનમાં તો ચાર-ચાર વાર સરકારે ગૂર્જરોને ઓબીસી અનામત આપવા નિર્ણય કર્યો અને અદાલતે એ રદબાતલ કર્યો. ગુજરાતમાં પટેલોના અનામત માટેના આંદોલનને પગલે રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત ઉજળિયાતો માટે ૧૦ ટકા ઈબીસી અનામતનાં વટહુકમ આધારિત જાહેરનામાં બહાર પાડવાનું પસંદ તો કર્યું,પણ વડી અદાલતે એને ગેરબંધારણીય ઠરાવીને રદ કરવાનો ચૂકાદો આપ્યો.રાજ્ય સરકાર કમને સર્વોચ્ચ અદાલતે જઈને અનુકૂળ ચૂકાદો મેળવવાની તજવીજમાં છે.જોકે જ્યાં લગી બંધારણમાં જરૂરી સુધારો કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે “ગરીબ વર્ગ”નો સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં લગી કોઈપણ રાજકીય પક્ષની ઉજળિયાત પછાતોને અનામતની વાત મૃગજળ સમાન જ રહેવાની છે.રાજકીય શાસકો મતની લાહ્યમાં અદાલતોને ખલનાયકની ભૂમિકામાં મૂકવાની વેતરણ કરે છે,પણ હકીકતમાં તેમણે સંસદમાં બંધારણીય સુધારા કરાવવાની જરૂર છે. મીઠાં વચનોની લ્હાણી કરીને પ્રજાને મૂરખ બનાવવામાં ભાગ્યેજ કોઈ પક્ષ અપવાદ છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતાઓનું સમર્થન ઝંખતી કૉંગ્રેસ પણ નક્કરપણે બંધારણીય અનામત કઈ રીતે આપશે,એની ચોખવટ ના કરે ત્યાં લગી રાજ્યના પ્રભાવી વર્ગનું સમર્થન મેળવવામાં સફળ નહીં થવાના સંજોગો છે. 

“જાતિ તોડો અને ભારત જોડો”નો નારો નેહરુ-સરદાર યુગમાં બુલંદ થતો હતો એટલુંજ નહીં, છેક ૧૯૫૯માં ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર મુંબઈ સરકારે “અન્ય પછાત વર્ગો”(ઓબીસી)નું વર્ગીકરણ “ જાતિ આધારિત કરવાને બદલે આવક આધારિત કરવાની” નિર્દેશિકા પણ બહાર પડી હતી.નેહરુ,શાસ્ત્રી,ઇન્દિરા યુગ સુધી ચાલેલી એ પરંપરા વી.પી.યુગના “મંડળ વિરુદ્ધ કમંડળ”ના રાજકારણે બદલી નાંખી.સર્વોચ્ચ અદાલતના નવેમ્બર ૧૯૯૨ના ઈન્દ્રા સાહનીના કેસના ૯ પૈકી ૭ ન્યાયાધીશોના બહુમતી મંડળ ચૂકાદાએ સ્થિતિને અંકુશમાં લાવવાની કોશિશ કરી તો ખરી,પણ ૨૭ ટકા ઓબીસી અનામતને માન્યતા બક્ષી ત્યારથી સમસ્યા વધુ વિકટ બનતી રહી છે.બહુમતી ચૂકાદાએ જ્ઞાતિ-જાતિને પછાતપણું નક્કી કરવામાં માપદંડ ગણવાની સાથે અનામતના ક્વોટાની મર્યાદા સમાનતાના મૂળભૂત હકને અવરોધરૂપ ન બને તે રીતે વધુમાં વધુ ૫૦ ટકા નિયત કરેલી છે.આને કારણે જ રાજસ્થાનમાં ૫૦ ટકાને ઠેકી જતી અનામતના નિર્ણયો રદ થવાથી લઈને મહારાષ્ટ્રના ૧૬ ટકા મરાઠા અને ૫ ટકા મુસ્લિમ માટેની અનામત સહિત ૭૩ ટકા થતા અનામતના પ્રમાણને પણ અદાલત રદ કરે છે.જોકે ઈન્દ્રા સહાનીવાળા ચૂકાદાને પગલે ત્વરાથી એ વેળાનાં મુખ્યમંત્રી જયલલિતા જયરામે શાણપણ વાપરીને તમિલનાડુમાં પછાતોનું પ્રમાણ વધુ હોવાનો પંચ પાસેથી અહેવાલ લઇ,એને મંજૂર કરી,સર્વપક્ષી પ્રતિનિધિ મંડળ લઈને દિલ્હી જઈ બંધારણના પરિશિષ્ટ ૯માં ૬૯ ટકા અનામતને મંજૂર કરાવી લીધી હતી. સર્વોચ્ચ અદાલતના વિવિધ ચૂકાદાઓ પરિશિષ્ટ ૯ સહિતની બંધારણની તમામ જોગવાઈઓમાં કરાતા સુધારાઓને “ન્યાયિક સમીક્ષા”ને આધીન ગણાવે છે એટલે બંધારણના અનુચ્છેદ ૩૧(૨) અને ૩૮(૨) હેઠળ જયુડીશિયલ રિવ્યૂની બહાર રાખીને ઉજળિયાતોને અનામત આપવાની કૉંગ્રેસના નેતા અને દેશના કાયદા પ્રધાન રહેલા કપિલ સિબ્બલની કેટલીક દરખાસ્તોમાંની એક દરખાસ્ત પટેલોને લલચાવે તો પણ કાયમી બંધારણીય અનામત બક્ષે જ એવું નથી.રાજ્ય ૩૮(૨) હેઠળ અનામત આપવાની જોગવાઈ કરીને સીધી જ રાષ્ટ્રપતિની મંજૂરીથી એનો અમલ કરે તો એને ૩૧(૨) અન્વયે ન્યાયિક સમીક્ષાની બહાર રાખી શકાય, એ શક્યતા ખરી; પણ આ ફૂલપ્રૂફ યોજના તો નથી જ.તો શું કરવું જોઈએ?

બંધારણમાં સુધારો કરીને “શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ”ને સ્થાને “શૈક્ષણિક અને સામાજિક રીતે ગરીબ વર્ગ”નો ફેરફાર કરવામાં આવે તો જ ઉજળિયાત કોમના પછાતોને અનામતનો લાભ આપવાનું શક્ય બને,એવો ઈલાજ બંધારણવિદ એવા ૮૭ વર્ષીય કૃષ્ણકાંત વખારિયા સૂચવે છે. આને માટે સંસદનાં બંને ગૃહોમાં સાદી બહુમતીથી, હાજર રહેલા બે-તૃતીયાંશ સભ્યોના સમર્થનથી, બંધારણ સુધારો મંજૂર કરાવવાની જરૂર પડે. નવેમ્બર ૧૯૯૨ના ઈન્દ્રા સાહનીવાળા ચૂકાદાની પુનઃસમીક્ષા કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં સરકાર અથવા કોઈ વ્યક્તિ કે સંસ્થા જઈ શકે.પછાતવર્ગની ઓળખમાં જ્ઞાતિ-જાતિને બદલે ગરીબી, સામાન્ય વ્યવસાય, શૈક્ષણિક પછાતપણું તેમજ સામાજિક પછાતપણું સહિતના માપદંડો સર્વોચ્ચ અદાલત અથવા બંધારણીય સુધારા મારફત પુનઃસ્થાપિત કરી શકાય.બંધારણમાં આર્થિક પછાતપણાની કોઈ જોગવાઈ નથી, પરંતુ સામાજિક અને શૈક્ષણિક પછાતપણું ગરીબીને કારણે આવી શકે તે ધોરણે આર્થિક પછાતપણાનો સમાવેશ થઇ શકે. આર્થિક પછાતપણાના માપદંડમાં ગરીબી મુખ્યત્વે ગણાય જે વ્યવસાય અને કમાણીના આધારે ગણી શકાય.યજમાનવૃત્તિ કરતો બ્રાહ્મણ,રૅંકડી ફેરવતો વાણિયો-લોહાણો, ગામડામાં કાળી મજૂરી કરી ખેતી કરતો પાટીદાર અને ચોકીદાર તરીકે નોકરી કરતો કે પગરિક્ષા ચલાવતો રજપૂત વગેરે તેમજ ગરીબીની રેખાની આવકમર્યાદામાં(વર્ષે ૧.૨૦ લાખ રૂપિયા) આવતા હોય તેવાને “પછાતવર્ગના” ગણી શકાય. પાટીદાર સમાજ સહિતના ઉજળિયાત મનાતા સમાજો પણ આ દિશામાં આગળ વધી શકે.રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના કાયદામાં દર દસ વર્ષે, પછાતવર્ગમાં દાખલ પછાતવર્ગની જ્ઞાતિઓ અંગે, પુનઃ વિચારણાની જોગવાઈ હોવા છતાં કેન્દ્ર કે રાજ્યોએ દસ વર્ષે આવી પુનઃવિચારણા કરી નથી.વળી ભારત સરકારે તો ઓગસ્ટ ૨૦૧૭માં ઓબીસીના લાભ મેળવવા માટેના ક્રીમીલેયરની આવક મર્યાદાને વર્ષે ૬ લાખ રૂપિયાથી વધારીને ૮ લાખ રૂપિયા કરી. આનો અર્થ એ થાય કે મહિને રૂપિયા ૬૬ હજાર કરતાં વધુ આવક ધરાવનારને એનો લાભ મળે,પણ હકીકતમાં મહિને રૂપિયા ૧૦,૦૦૦ કમાનાર ગરીબ પરિવારને એના લાભની સૌથી વધુ જરૂર છે. ઉપરાંત, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને જ રદ કરવા માટે લોકસભામાં ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ મંજૂર વિધેયક રાજ્યસભામાં ભાજપના વડપણવાળા એનડીએની બહુમતીના અભાવે ૩૧ જુલાઈ ૨૦૧૭ના રોજ મંજૂર ના થઇ શકતાં એને સિલેક્ટ કમિટીને પાઠવવું પડ્યું હતું. જોકે કૉંગ્રેસના ટેકાથી કે અન્ય પક્ષોનો ટેકો મેળવીને એનડીએ સરકારની ઇચ્છાશક્તિ હોય તો અનામતવિષયક બંધારણીય સુધારો કરાવી શકે.આવા લોકપ્રિય પગલાનો વિરોધ કોઈ પક્ષ ભાગ્યેજ કરી શકે. ગાંધીજી દલિતોને ઉચ્ચ શિક્ષણ માટેની તકો પૂરી પડવાના પક્ષે હતા, પણ અનામતના પક્ષધર નહોતા; એ વાતનો ઉલ્લેખ કરીને આચાર્ય કૃપાલાનીએ જગજીવન રામની અનામત-હિમાયતને બધા રાજકીય પક્ષોએ સ્વીકારી લીધી હોવા પાછળ “બધાને દલિતોના મત જોઈતા હોવાની” વાત નોંધી છે.કૃપાલાનીએ જૂન ૧૯૭૮માં લખ્યું છે : “સરકારી નોકરીમાં અમુક નાતો અને વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવાની પદ્ધતિથી મોટામાં મોટું નુકસાન એ થશે કે ધીમે ધીમે ઘસાતી જતી જ્ઞાતિ પ્રથા, એને લીધે કાયમી બનશે. જ્ઞાતિપ્રથા તો જેટલી વહેલી જાય તેટલું સારું.એથી આપણી લોકશાહીને ઘણો ફાયદો થશે.આપણા મૂળ બંધારણમાં નાગરિકો વચ્ચે ધર્મ, નાત, વર્ણ, કોમ કે જાતિને કારણે કોઈ ભેદ કરવામાં આવ્યો નથી.” હવે તો અનામત પ્રથાની કાખઘોડીને ફગાવી દેવાની ભૂમિકાવાળા આરએસએસના નિષ્ઠાવંતો સત્તારૂઢ થઈને, અનામતને કાયમી કરવાની ઘોષણાઓ કરી, વિરોધાભાસના આભાસનાં દર્શન કરાવે છે ! ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment