Wednesday 22 November 2017

Benevolent Ruler, Maharaja Sayajirao Gaekwad ‘s Tragic LifeBenevolent Ruler, Maharaja Sayajirao Gaekwad ‘s  Tragic Life
પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવની વેદનામય જિંદગી
વડોદરાના દૈનિક “લોકસત્તા-જનસત્તા”માં ડૉ.હરિ દેસાઈની
સાપ્તાહિક કટાર “નો મૅન્સ લૅન્ડ” ૨૨ નવેમ્બર ૨૦૧૭
Read the Full Text here or on Blog : haridesai.blogspot.com

પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવની વેદનામય જિંદગી  નો મૅન્સ લૅન્ડ : ડૉ. હરિ દેસાઈ
વડોદરા રાજ્યની પ્રજા માટે મહારાજા સયાજીરાવ ત્રીજા (૧૧ માર્ચ  ૧૮૬૩ - ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) દેવ સમાન હતા. ક્યારેક અમે અમારા દાદા સમક્ષ મહારાજાની કાંઈક ટીકા કરી લેવાનો અટકચાળો કરીએ તો એ છળી ઊઠે. આક્રોશમાં આવીને કહેઃ મહારાજા વિશે આવું કહે છે?’ પ્રજાવત્સલ રાજવી તરીકે એમના નવસારીથી મહેસાણા અને અમરેલી લગી પથરાઈને પડેલા વડોદરા રાજ્યની પ્રજાને, અન્ય રજવાડાંની પ્રજાએ દરબાર તરફથી સહેવા પડતા જુલ્મોની તુલનામાં, ઘણું  સુખ હતું. વેઠ પ્રથા હતી ખરી, પણ એની સામે ફરિયાદ થતાં મહારાજાના દરબારે એની નાબૂદી ફરમાવેલી. ન્યાયનું તંત્ર, શિક્ષણનો આગ્રહ જ નહીં, અત્યંજો માટેની શાળાઓ ખોલીને અને ગામડે ગામડે ગ્રંથાલયો સ્થાપીને મહારાજાએ પોતાની પ્રજા ભણી મમત્વ સાથે એવો અનુબંધ બાંધેલો કે પ્રજા માટે તો એ દેવ ગણાતા હતા. 
ભારતીય બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ.બાબાસાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને મહારાજાએ પરદેશ ભણવા પાઠવ્યા હતાં. પ્રારબ્ધ અને પુરુષાર્થ બેઉને ટેકે મહારાષ્ટ્રના ખાનદેશના કવળાણે ગામના ગોપાળરાવને વડોદરાનાં મહારાણી જમનાબાઈએ દત્તક લીધા અને એ સયાજીરાવ ત્રીજા તરીકે દુનિયાભરમાં કીર્તિ પામ્યા.વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે “૧૮૫૭માં બ્રિટિશવિરોધી બળવામાં અંગ્રેજોને આપેલા સાથને ખાસ ધ્યાને લઈને” એમનાં ગર્ભવતી મહારાણીને એમના મૃત્યુ પછી કન્યારત્ન જન્મતાં પુત્રને દત્તક લેવા માટે ખાસ મંજૂરી અપાઈ હતી.ગાયકવાડ પરિવારની પૅલેસ વોરના કાવાદાવાનાં વર્ણન પણ ખાસ્સાં રસપ્રદ થઇ રહે છે. ૧૮૭૦માં ટૂંકી માંદગી બાદ મહારાજા ખંડેરાવ મૃત્યુ પામ્યા. એ પહેલાં એમણે મહારાણીને પેટે પુત્રરત્ન જન્મે  એ માટે બાધાઆખડીઓ કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. મહારાજાએ પુત્રપ્રાપ્તિની માનતા માનતાં મક્કાસ્થિત મહંમદ પયગંબર સાહેબની કબર પર હીરા, મોતી, માણેક વગેરે ઝડેલી સવા લાખ રૂપિયાની (એ વેળાના) કિંમતની ચાદર તૈયાર કરાવી હતી, એવું જેવ્હા ગુરાખી રાજા હોતો’ (જ્યારે ગોવાળિયો રાજા બને છે) એ મરાઠી પુસ્તકના લેખક નિંબાજીરાવ પવાર નોંધે છે.
સગીર વયના સયાજીરાવ આદર્શ રાજવી તરીકે તૈયાર થાય એ માટે એમને વડોદરાના દીવાન ટી. માધવરાવ અને આઇસીએસ અધિકારી ઍફ. એ. ઍચ. ઇલિયટે શિક્ષણ આપ્યું હતું. ઇલિયટને મહારાજા પણ સરકહીને સંબોધતા રહ્યા. એમનાં પત્ની મિસેસ ઇલિયટ, શાસનનાં સૂત્રો સંભાળ્યા પછી પણ, મહારાજા પ્રત્યે પુત્રવત્ પ્રેમ રાખતાં હતાં. માધવરાવે મહારાજાને શાસન માટે તૈયાર કરતાં આપેલાં વ્યાખ્યાનોનો સંપુટ અંગ્રેજીમાં Minor Hintsઅને ગુજરાતીમાં શાસન સૂત્રોશીર્ષક હેઠળ પ્રકાશિત થયેલો  છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ સનદી અધિકારીઓ તેમજ પ્રધાનોને આ પુસ્તક વાંચી જવા માટે આગ્રહ કરે છે.મહારાજા સયાજીરાવ ૧૮૭૫માં ગાદીએ આવ્યા,૧૮૮૧માં ૧૮ વર્ષના થતાં રાજ્યાધિકાર મળ્યો  અને છેક ૧૯૩૯માં મૃત્યુ પામ્યા ત્યાં લગી એટલે કે છ દાયકા કરતાં પણ વધુ સમયગાળા માટે શાસન કરતા રહ્યા. જોકે એમના જીવતેજીવ પોતાના ચારેય જુવાનજોધ રાજકુમારો (ફતેસિંહરાવ,જયસિંહરાવ, શિવાજીરાવ અને ધ્યૈર્યશીલરાવ)નાં મોત જોવાનો વારો આવ્યો. તેમજ  રાજકુમારી ઇંદિરારાજેના લગ્નજીવન અને વૈધવ્યના દુઃખદ પ્રસંગોએ અંગત જીવનમાં મહારાજાને ખૂબ જ વ્યથિત કરી મૂક્યા હતા. એમના રાજકીય વારસ તરીકે સૌથી મોટા પૌત્ર પ્રતાપસિંહરાવ ગાયકવાડને એમણે તૈયાર કર્યા હતા. પ્રતાપસિંહે જ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની સ્થાપના કરી હતી. એ પહેલાં બરોડા કૉલેજ હતી. એના પ્રાધ્યાપક અને આચાર્ય તરીકેનો અખત્યાર સંભાળનાર અરવિંદ ઘોષ મહારાજાના અંગત સચિવ પણ રહ્યા હતા. છેલ્લે એ પાંડીચેરી(હવેની ‘પુડુચેરી’) નિવાસી થયા.
ખાનદેશના કાશીરાવ દાદાસાહેબના પુત્ર તરીકે સામાન્ય પરિવારમાં જન્મેલા અને ખેતીવાડી તેમજ પશુપાલન પર નભતા પરિવારમાં બાળપણ વીતાવનાર મહારાજાને સામાન્ય વર્ગની તકલીફોનો અંદાજ હતો. એટલે જ એમણે દલિતોદ્ધાર અને સમાજ સુધારણાની બાબતમાં કાયમ અગ્રેસર રહેવા ઉપરાંત અંગ્રેજ શાસન વિરુદ્ધ ચળવળ ચલાવનાર પ્રભાવી વ્યક્તિઓને પ્રત્યક્ષ કે પરોક્ષ આર્થિક સહયોગ આપવાનું પસંદ કર્યું હતું. સાહિત્ય અને શિક્ષણ ભણીની એમની પ્રીતિને કારણે મહારાજાએ ઉદાર સખાવતો કરી. એટલું જ નહીં, સરકારી પ્રકાશનો કરવામાંય સક્રિયતા દાખવવા ઉપરાંત સાહિત્ય પરિષદો અને સામાજિક સુધારા પરિષદોમાં પણ ઉપસ્થિત રહેવાનું પસંદ કર્યું હતું.મહારાજા પ્રતાપસિંહરાવ પછી તેમની ગાદીએ આવનાર ફત્તેસિંહરાવ ગાયકવાડે ‘Sayajirao of Baroda : The Prince and The Man”માં મહારાજાના સુશાસન અને અંગ્રેજો ભણીના રોષ ઉપરાંત મહારાજાના અંગત જીવનની વાતો પણ વર્ણવી છે. ફત્તેસિંહરાવ સાંસદ અને ગુજરાતના આરોગ્ય પ્રધાન પણ રહ્યા. ૧૯૬૭માં ભાઈકાકા વિપક્ષના નેતા બન્યા હતા. એ પછી મુખ્યમંત્રી બનવા માટે કેટલાક ધારાસભ્યો સાથે કૉંગ્રેસમાંથી છૂટા થવાની પણ ફત્તેસિંહરાવની તૈયારી હતી. જોકે ભાઈકાકાના અણધાર્યા અવસાને એ રાજકીય ઘટનાક્રમને થંભાવી દીધો હતો.
મહારાજા સયાજીરાવના યુરોપ પ્રવાસ દરમિયાન એક અંગ્રેજ મહિલાના પતિએ નાણાં પડાવવા માટે એની પત્ની સાથે મહારાજાના સંબંધોની વાતે અદાલતમાં જવાનું પસંદ કર્યાનું અને મહારાજાએ એ ખટલાની માંડવાળ કરવા માટે ૫૭૦૦ પાઉન્ડ ચૂકવ્યાનું ફત્તેસિંહરાવ પોતાના પ્રપિતામહના જીવનચરિત્રમાં વિગતે નોંધે  છે! જોકે મહારાજાના અંગત તબીબ રહેલા ડૉ.સુમંત મહેતાની આત્મકથાનાં ૨૩૦૦ પાનાં એમની હયાતીમાં લખાયાં હતાં. એમાંથી પોણા પાંચસો પાનાંની એમની આત્મકથા ૧૯૭૧માં, એમનાં પત્ની શારદાબહેનના આગ્રહથી, ભોગીલાલ ગાંધીએ સંપાદિત  કરીને તેનું પ્રકાશન તમિળનાડુના રાજ્યપાલ રહેલા પ્રભુદાસ પટવારીના વડપણ હેઠળ કરાયું હતું. એમણે નોંધ્યું : “સયાજીરાવની કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેમની દેશભક્તિ, પ્રજાકલ્યાણની ભાવના, વિશાળ દૃષ્ટિ ડૉ. સુમંતને માર્ગદર્શનરૂપ બન્યાં હતાં. મહારાજા સાથેના પરદેશના પ્રવાસોમાં તેમણે અનેક અનુભવો મેળવ્યા... પાછળથી ડૉ.સુમંતને મહારાજાની ‘નૈતિક અધોગતિ ને સ્વચ્છંદતા’નો અનુભવ થયો. તેમના અપ્રગતિકારક વિચારો સામે ઘૃણા ઉત્પન્ન થઈ ત્યારે તેનો પ્રત્યાઘાત તીવ્ર સ્વરૂપે પ્રગટ થયો. તેમણે ખુલ્લી રીતે કડવી ટીકા કરી, જેથી મહારાજાની નાખુશી વહોરવી પડી.”  ડૉ. મહેતાના પિતા ડૉ. બટુકરામ મહેતા પણ મહારાજાના અંગત તબીબ હતા એટલે રાજવી પરિવાર સાથેનો એમનો નાતો કુટુંબીજન જેવો હતો. યુરોપના પ્રવાસમાં ડોસાને એક જુવાન સ્ત્રી સાથે મહાલતા જોયાસહિતની નોંધ સાથે જ “કાશ્મીરના મહારાજા અને કેટલાક યુવાન હિંદી શેઠિયા સ્ત્રીઓની જાળમાં ફસાયાનું” પણ ડૉ.મહેતાએ નોંધીને મહારાણી સાથેના મહારાજાના મહિલાઓ સંદર્ભે ઝઘડાનું વર્ણન પણ આત્મકથામાં કર્યું છે.


No comments:

Post a Comment