Wednesday 4 October 2017

Khadi not just a fashion, but a Life style

ખાદીને રાષ્ટ્રીય નહીં, વૈશ્વિકફલક પર સ્વીકૃતિ બક્ષવાના પ્રયાસ
Dr.Hari Desai's Weekly Column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat),Hamlog(Patan),Sardar Gurjari(Anand) and Gandhinagar Samachar (Gandhinagar).
Read the Full Text hear or on Blog : haridesai.blogspot.com and React.

ખાદીને રાષ્ટ્રીય નહીં, વૈશ્વિકફલક પર સ્વીકૃતિ બક્ષવાના પ્રયાસ
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

• વડા પ્રધાન મોદીએ યોગ્ય જ ફેશન હેતુ ખાદીનો આગ્રહ સેવ્યો,પણ એ જીવનપદ્ધતિ બને એ જરૂરી
• ‘ખાદી’ શબ્દ આવ્યો ક્યાંથી? એ શોધવાની કોશિશ ભારે મથામણ પછી ય હજુ સાવ જ અધૂરી
• ઔરંગઝેબની શાહજાદીએ મલમલનાં વસ્ત્રો પહેર્યાં ત્યારે બાદશાહ ધિક્કારે એટલાં પારદર્શક હતાં
• ગાંધીજીને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચરખા સાથે જોવા મળ્યાનો વિવાદ ખૂબ ચગ્યો હતો
• ખાદી હિન્દુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્ય અને સમાનતાનું પ્રતીક છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના ઉત્પાદન અને વપરાશને વેગ આપવા માટે વ્યક્ત કરેલા સંકલ્પનાં વધામણાં કરીએ.ગાંધીજીના જન્મદિવસ ૨ ઑક્ટોબરથી ખાદી ડિસ્કાઉન્ટથી મળે એટલે જ ખરીદવી એવું નહીં,પણ એને આડા દિવસે પણ ખરીદીને અપનાવવાની જરૂર ખરી. ભારતીય સ્વદેશી આંદોલન સાથે અભિન્ન રીતે જોડાયેલી ખાદીને વિશ્વફલક પર પહોંચાડવાના વી. કે. સકસેનાના નેતૃત્વ હેઠળના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગને વડા પ્રધાને આપેલા એજન્ડાથી પણ હરખ અનુભવાય એ સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીએ ખાદીને પુન:જીવિત કરીને લાખો ભારતીયોને સ્વાભિમાનપૂર્વક રોજીરોટી રળવાની મોકળાશ કરી આપવાની સાથે જ એમને સ્વાતંત્ર્યસંગ્રામ માટેની ચળવળ સાથે જોતરવાની કરેલી પહેલ ગૌરવનો અનુભવ કરાવે છે.આઝાદી પછી ભારત સરકારે ખાદીને મિશન તરીકે સ્વીકારીને આયોગને એના પ્રોત્સાહન અને પ્રસાર-પ્રચારની જે વિશેષ જવાબદારી સોંપી એને માર્ગદર્શન પૂરું પાડનાર તમામ મહાનુભાવો યશના અધિકારી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે પ્રશંસનીય કાર્ય કર્યા પછી ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ તરીકેની પ્રભાવી કામગીરી નિભાવનારા ઉચ્છંગરાય ઢેબર અને એમની સાથેજ ખાદી અને સેવાકીય પ્રવૃતિઓમાં પલોટાયેલા દેવેન્દ્રભાઈ દેસાઈ પણ યશના અધિકારી ખરા. દેવેન્દ્રભાઈ આયોગના અધ્યક્ષ તરીકે ખાદીને નવી પેઢીમાં સ્વીકૃતિ અપાવવા માટે ફૅશન શોનાં આયોજન કરતા રહ્યા. એ ભારતની પ્રાચીન પરંપરાને અત્યાધુનિક યુગ સાથે જોડવાના આવકાર્ય એવા અભિનવ પ્રયોગનો જ ભાગ હતો.એમણે તૈયાર કરેલી ભૂમિકાએ વર્તમાન સરકાર અને આયોગના અધ્યક્ષને નવાં વૈશ્વિક લક્ષ્ય સિદ્ધ કરવાની મોકળાશ કરી આપી છે.
‘ખાદી’ શબ્દ પહેલીવાર ક્યારે પ્રયોજાયો એ શોધવાની ખૂબ કોશિશ કરી,પણ એમાં ઝાઝી સફળતા મળી નથી એટલે જે માહિતી પ્રાપ્ત થઇ એ રજૂ કરીને વધુ શોધકાર્ય આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવો ઘટે.. અમે ભગવદ્ગોમંડળ (કર્તા: ભગવતસિંહજી,મહારાજા ગોંડલ, પ્ર.આ. ૧૯૪૮ પુનર્મુદ્રણ : ૧૯૮૬, પ્રવીણ પ્રકાશન, રાજકોટ )ના ત્રીજા ગ્રંથમાં ખાદીનો અર્થ જોયો તો તે આ મુજબ મળ્યો : ખાદી: ૧. પું. ઊંચી સપાટીમાંથી મોરી વાટે નીચી સારી ખાતરવાળી જમીનને પાણીથી તૃપ્તિ કરવી તે. ૨. પું. ખજાનો ૩. પું. જમીન નીચેનો કોઠાર ૪. પું. જાડા સૂતરનું કાપડ; હાથે કાંતેલા સૂતરનું હાથે વણેલું કાપડ; પાણકોરું ૫. પું. ઢગલો; ભંડાર ૬. પું. બરફનો ખાડો ૭. વિ. રક્ષક ૮. વિ. શત્રુનો નાશ કરનાર ૯. વિ. સ્ત્રી. કડવી
ગુજરાતી વિશ્વકોશ (મુખ્ય સંપાદક: ડૉ.ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ: ૧૯૯૩)ના ખંડ:૫માં પણ ખાદી શબ્દની ઉત્પત્તિ વિશે કશું કહ્યું નથી, પરંતુ ‘ પ્રાચીનકાળથી તે(ખાદી ઉદ્યોગ) ઘણી મોટી સંખ્યામાં લોકોને પૂરક રોજગારી અને પૂરક આવકના સાધન તરીકે વિકસતો રહ્યો. ઈ.સ.પૂર્વે ૧૫૦૦માં આ ગ્રામોદ્યોગ ભારતમાં પૂર્ણ વિકસિત અવસ્થામાં હતો. બ્રિટિશ શાસન દરમિયાન આધુનિક યંત્રોને કારણે આ ગ્રામોદ્યોગની પડતી થઇ. ગાંધીજીએ ૧૯૧૮માં ખાદીનું પુન:પ્રવર્તન કર્યું.’ એવા ઉલ્લેખ મળે છે. મરાઠી વિશ્વકોશ ( સંપાદક: તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી)ખંડ: ૪ અને ૫માં ‘ઈ.સ.પૂર્વે ૧૫૦૦ના સમયગાળામાં આ વ્યવસાય ભરપટ્ટે વિકસેલો હતો. ઈ.સ. ૧૫૦૦ પછી એનાં વળતાં પાણી થયાં. ચરખાની શોધ ક્યારે થઇ એ વિશે નક્કી માહિતી મળતી નથી, પરંતુ બ્રિટિશરો ભારત આવ્યા એ પહેલાં ઈ.સ.૧૫૦૦ લગી તો એનો ખૂબ વિકાસ અને વપરાશ થયેલો હતો. ગાંધીજીએ ખાદી અને ચરખાને પુન:જીવિત કરવાના પ્રયાસ કર્યા. ગાંધીજીના મૃત્યુ પછી એટલે કે ૧૯૪૯માં તમિળનાડુના એકંબરનાથે અંબર ચરખો વિકસાવ્યો.’

‘ભારતીય મહિલા વિશ્વકોશ’નાં રચયિતા ડૉ. ટીના દોશીના સંશોધનમાં એવું જરૂર આવે છે કે ખાદિ (ખાદી નહીં)નો અર્થ ઝાંઝર થાય છે. જોકે ખાદી એટલે કે વણાટકામ સાથે સંકળાયેલા ઉત્પાદનનો સંબંધ તો પ્રાચીનકાળની સ્ત્રીઓ સાથે આવે જ છે. ડૉ. દોશીનું કહેવું છે કે છેક વેદકાળથી સ્ત્રી માટે વસ્ત્રો વણવાનું કામ એ પવિત્ર ગણાતું આવ્યું છે. આચાર્ય સાયણ નારીના આ કર્તવ્યને દેશપ્રેમ સાથે જોડે છે. ઋગ્વેદમાં વસ્ત્રા પુત્રાય મંત્રો વયંતિ એટલેકે માતા પોતાનાં સંતાનો માટે વસ્ત્રો વણતી હોવાનો ઉલ્લેખ આવે છે. અથર્વવેદમાં પણ ‘સ્ત્રીએ કાંતવું,વણવું ,સીવણ, ગૂંથણ તથા કિનારીમાં ઝાલર વગેરે લગાડવાનું કામ કરવું જોઈએ’ એવો ઉલ્લેખ આવે જ છે. ડૉ. ટીના નોંધે છે કે વેદકાળમાં વણાટકામ કરતી કન્યા માટે ‘સરિવયિત્રી’, રંગતી કન્યા માટે ‘રજયિત્રી’ અને ભરતગૂંથણ કરતી કન્યા માટે ‘પેશસ્કરી’ શબ્દ વપરાતો હતો.એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે વેદકાલીન સમયમાં વસ્ત્ર ઉદ્યોગ વિકસિત હતો.અવધ પ્રસાદ ‘ખાદી તકનીક’માં પણ નોંધે છે કે ‘ભારતમાં વસ્ત્ર ઉત્પાદન કળા લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી માનવામાં આવે છે.પાડોશી દેશ ચીનમાં રેશમી વસ્ત્રની પરંપરા પુરાણી ગણાય છે.યુરોપમાં ઉની વસ્ત્રની પરંપરા રહી છે.’

ભારતમાં સુતરાઉ કાપડનું મોટા પાયે ઉત્પાદન અને યુરોપીય દેશોમાં એની નિકાસ તો ૧૭મી સદી સુધી થતી હતી.ભારતમાં બંગાળના એટલેકે ઢાકાના કારીગરો જે રેશમી મલમલ તૈયાર કરતા એનો તાકો વીંટીમાંથી પસાર થઇ શકતો. બાદશાહ ઔરંગઝેબની શાહજાદીએ એ વેળાના મલમલનાં વસ્ત્રો પહેર્યાં ત્યારે એ એટલાં પારદર્શક હતાં કે બાદશાહને પોતાની શાહજાદીને ધિક્કારવાનો પ્રસંગ આવ્યો હોવાનું યોગેશ ચંદ્ર શર્મા ‘કૉટન ખાદી ઇન ઇન્ડિયન ઈકોનૉમી’માં નોંધે છે. અવધ પ્રસાદે પણ ઉલ્લેખ કર્યો છે કે ૧૬૯૬ માં ડેનિયલ ડીફોએ ભારતીય વેપારીઓ જ યુરોપીય દેશોને સુતરાઉ અને રેશમી વસ્ત્રો પૂરાં પાડતા હોવાનું કબુલ્યું છે. જોકે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિને પગલે ૧૭૧૭માં કાપડ ઉત્પાદન માટે પહેલું કારખાનું સ્થાપવામાં આવ્યું અને પછી ભારત સાથે અંગ્રેજોનો વેપાર વધતો ગયો એમ ભારતીય કાપડ ઉદ્યોગની પડતી થતી ગઈ. વેપાર કરવા આવેલા અંગ્રેજો જયારે ભારતના ધણી થઇ બેઠા એ પછી તો ભારતથી કાચા માલની આયાત કરીને વિદેશી તૈયાર માલ ભારતમાં ખડકાવા લાગ્યો અને કાપડનો ગૃહઉદ્યોગ પડી ભાંગ્યો. મિલોના કાપડના વપરાશે પણ ભારતને પાયમાલ કરી દીધું. અહીંથી સ્વદેશીનો સ્પાર્ક થયો અને સ્વદેશી ચળવળ આઝાદી ઝંખતી ભારતીય પ્રજાના ગૌરવનો પર્યાય બની.

૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા પછી એમણે અમદાવાદના કોચરબ આશ્રમમાં વણાટકામ માટે કરધાની સ્થાપના કરી હતી, પણ એના માટે જરૂરી સુતર મિલોમાંથી આવતું હતું એટલે એમણે નવા નવા પ્રયોગો કરીને હાથવણાટથી કાપડ તૈયાર કરવાના ખાદી ઉત્પાદનના પ્રયોગો આદર્યા.ગાંધીજીને ખાદી ઉદ્યોગને પુન:જીવિત કરવાનો યશ આપવો પડે.એમણે ખાદીને રાષ્ટ્રીય આંદોલન સાથે જોડીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ પણ કર્યો.૧૯૧૬-૧૮થી તેમણે આરંભેલી આ યાત્રામાંથી જ ૧૯૫૬માં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ આકાર લઇ શક્યું. ગ્રામીણ ભારતની પ્રજાને સ્વાવલંબી બનાવવા માટે ખાદી ઉત્પાદન ક્ષેત્રે એમના પ્રયોગોમાંથીજ ગંગાબહેન પાસે વિજાપુરના કોઈના ઘરના માળિયેથી રેંટિયો શોધાવ્યો. એટલું જ નહીં ,વિવિધ પ્રકારના ચરખા તૈયાર કરવા માટે એમણે ઇનામી યોજના જાહેર કરાવીને છેવટે અંબર ચરખા સુધી અભિયાનને પહોંચાડ્યું. ચરખો ગામડામાં તૈયાર થાય અને જરૂર પડ્યે ગામડામાં જ એનું સમારકામ થઇ શકે અને પૂરક રોજગારી આપે એવા ઉમદા હેતુને ગાંધીજીએ આ ખાદી અને ચરખાના અભિયાન સાથે જોડ્યો હતો. ગાંધીજી યંત્રોના વિરોધી નહોતા, પણ જે યંત્રો માણસોની રોજગારી છીનવી લે એવાં યંત્રોના એ સમર્થક પણ નહોતા. ખાદી સંઘો અને ચરખા સંઘો સાથે ગાંધીજી જ નહીં, પંડિત જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના શૌકતઅલી, મગનલાલ ગાંધી, જમનાલાલ બજાજ, શંકરલાલ બેંકર વગેરે અગ્રણીઓ જોડાયા હતા. આજે પણ ભારતીય રાષ્ટ્રધ્વજ ખાદીમાંથી બને એવો નિયમ છે.સાથે જ ખાદી પહેરવાનું ચલણ રાજકીય નેતાઓ પૂરતું સીમિત ના રહે અને જનસામાન્ય સુધી એ પહોંચે એ દિશાના પ્રયાસો થઇ રહ્યા છે.

સમય સાથે બદલાવું અને છતાં મૂળ વિચારને ત્યાગવો નહીં એ સિદ્ધાંત મુજબ ખાદીના ઉત્પાદન અને વપરાશમાં પરિવર્તન આવતાં ગયાં છે. ખાદી સૌથી વધુ ઇકો-ફ્રૅન્ડલી હોવા ઉપરાંત તેમાં વિવિધતા પણ ઉપલબ્ધ હોય ત્યારે સ્વાભાવિક છે કે નવી પેઢી પણ એના ભણી આકર્ષાય.ખાદીને ફૅશન સાથે જોડીને યુવા પેઢીને તે ઘરઆંગણે મળે એટલું જ નહીં, પણ વિદેશોમાં પણ એની નિકાસ થઇ શકે એ દિશામાં પ્રયાસો આવકાર્ય છે. દુનિયા આખી ઑર્ગેનિક તરફ વળી હોય ત્યારે સમય સાથે તાલ મિલાવીને, ફૅશન ડિઝાઇનરોની પૅનલ અને નિષ્ણાતો નિયુક્ત કરીને એનું દુનિયાભરમાં માર્કેટિંગ કરવાના સંજોગો આવી ગયા છે.આ દિશામાં ભારત સરકારની પ્રબળ ઇચ્છાશક્તિ કામે વળે તો કશું અશક્ય નથી.

ભારત સરકારમાં ખાદી –ગ્રામોદ્યોગ સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય હેઠળ આવે છે..આયોગના અધ્યક્ષ સક્સેનાએ ઑક્ટોબર ૨૦૧૬માં એક મુલાકાતમાં કહ્યું હતું કે છેલ્લા દસ મહિનામાં ખાદીનું વેચાણ ૩૦ ટકા વધ્યું છે.દેશભરના ૭૦૬૦ આઉટલેટ્સ મારફત ખાદી અને ગ્રામોદ્યોગનાં ઉત્પાદનો વેચવાના નવા નુસખાઓ અમલી બનાવાઈ રહ્યા છે. વિચાર-વસ્ત્રની ધૂમ કમાણી થઇ રહી છે. રિતુ બેરી સહિત ૪૫ ડિઝાઈનરને કામે લગાડીને માર્કેટિંગના નવા નુસખા અજમાવીને ખાદીને વધુ લોકપ્રિય બનાવવા સક્સેના અને તેમની ટીમ કામે વળી છે.સાથે જ ખાદી બ્રાન્ડનેઈમને નોંધાવવામાં રસ લઇ રહ્યા છે. વચ્ચે તેમની સંસ્થાના કૅલેન્ડર પર ગાંધીજીને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચરખા સાથે જોવા મળ્યાનો વિવાદ ખૂબ ચગ્યો હતો. એ અંગે સ્પષ્ટતા કરતાં ૧૩ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ તેમણે રજૂ કરેલા બે પાનાંના નિવેદનમાં ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રોત્સાહિત કરવાની કરેલી અપીલને કારણેજ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ખાદીના વેચાણમાં ૩૪ % વધારો’ થયાનો ઉલ્લેખ જરૂર કર્યો હતો.તેમણે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે વિશ્વનો સૌથી ભવ્ય એવો ૯ મીટર લાંબો અને ૫ મીટર ઊંચો કાષ્ઠ(વુડન) ચરખો સ્થાપિત કરાવીને એનો પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. એના પછી તેઓ દિલ્હીના જ કનાટપ્લેસ ખાતે ખુલ્લામાં ૮ મીટર લાંબો અને ૪ મીટર ઊંચો સ્ટીલનો ચરખો સ્થાપિત કરવાની યોજના લઇ આગળ વધ્યા. ખાદી દેશની ઓળખ અને સ્વતંત્રતા ચળવળ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. ભારતીય સ્વાભિમાનનું પ્રતીક છે. ગાંધીજીએ એના વિશે કહેલા શબ્દોનું સદાય સ્મરણ રાખવા જેવું છે : ‘ખાદી કેવળ રોજી આપવાવાળો એક ઉદ્યોગ છે એ ખ્યાલ તો આપણે છોડી દેવો જોઈએ.ખાદી વસ્ત્ર નહીં, પણ વિચાર છે. મારે મન ખાદી હિન્દુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતાનું પ્રતીક છે.’ ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment