Wednesday 4 October 2017

RSS Chief Dr.Mohan Bhagwat and his message to BJP Govt.

સંઘ અને સરકાર વચ્ચે ભેદરેખા
ડૉ.હરિ દેસાઈ
રાષ્ટ્રને પરમવૈભવસંપન્ન વિશ્વગુરુ બનાવવા ભણી
 લઇ જવા  સમગ્રલક્ષી સ્વદેશી ચિંતનની અપેક્ષા

વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આર.એસ.એસ.)ના સરસંઘચાલક(વડા) ડૉ.મોહનરાવ ભાગવતે સમગ્રપણે સંઘસંલગ્ન સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની નિર્દેશિકારૂપ જે પ્રગટભાષણ કર્યું, એમાં સંઘના સંતાન એવા ભાજપ અને સંઘ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી દેવાનો પ્રયાસ જરૂર કર્યો. ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ના રોજ વિજયાદશમી પર્વ નિમિત્તે “હિંદુ હિત અને સંગઠન” માટે નાગપુરમાં ડૉ.કેશવ બલિરામ હેડગેવારે ૨૫ સમવિચારી મિત્રો સાથે મળીને સ્થાપેલી  સંસ્થાનું બીજા વર્ષે ૧૭ એપ્રિલ ૧૯૨૬ના રોજ આર.એસ.એસ. તરીકે નામકરણ થયું હતું. દર વર્ષે વિજયાદશમી ઉત્સવની સંઘના મુખ્યાલય નાગપુરમાં ઉજવણી થાય છે. આ વખતની ઉજવણીમાં  કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા(એનડીએ)ની સરકાર પર સમરકંદ-બુખારા ઓવારી જવાને બદલે ડૉ.ભાગવતે સરકારનાં સારાં પગલાંનો ઉલ્લેખ કરીને બિરદાવવાનું પસંદ તો કર્યું,પરંતુ સંઘને અભિપ્રેત નીતિરીતિ ભણી સરકાર વળે એવી અપેક્ષા ભારપૂર્વક વ્યક્ત પણ કરી.અગાઉનાં વર્ષોમાં સરસંઘચાલકમાં જે “અપત્યપ્રેમ” ઝળકતો હતો,એની તુલનામાં આ વખતે લોકઅપેક્ષાની પૂર્તિ ભણી વાળવાનો મીઠો ઠપકો સરકારને અપાયાનું વધુ અનુભવાયું. કુલ અઢી કલાકના કાર્યક્રમમાંથી  સવા કલાકના પ્રકટભાષણમાં દેશના અર્થતંત્રને સરખું કરવા અને સ્વદેશી તરફ વળવાની શીખ આપવા પર વધુ ભાર મૂકાયો, એ ખૂબ સૂચક લેખી શકાય.પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ યશવંત સિન્હા અને અરુણ શૌરી તેમ જ સ્વદેશી જાગરણ મંચવાળા એસ.ગુરુમૂર્તિ થકી છેલ્લાં સાડા  ત્રણ વર્ષ દરમિયાનની આર્થિક સ્થિતિ અને નીતિઓ વિશે કરાયેલી  ટિપ્પણીઓને સંઘ કાન દે છે એવું પણ અનુભવાયું.સંઘસુપ્રીમોએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘને પ્રિય એવો “સર્વસમાવેશક” શબ્દપ્રયોગ કરવાનું પસંદ કર્યું એ પણ એટલુંજ સૂચક લાગ્યું. ઉપસ્થિત મહાનુભાવોના આવકારમાં સંઘના સરકાર્યવાહ(મહામંત્રી) પછી દેશના નાયબ વડા પ્રધાન રહેલા લાલ કિશન આડવાણીનો “જનચેતના જગવનાર રથયાત્રાના નાયક” તરીકેનો ઉલ્લેખ સૌના કાન સરવા કરનારો હતો. સંઘના લાડકા નાગપુરી સજ્જન અને કેન્દ્રના મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સંઘ ગણવેશમાં ઉપસ્થિત હતા.સંઘ-જનસંઘ-ભાજપના જૂના જોગીઓને સાવ જ તડકે મૂકવાનું સંઘને ઠીક લાગતું નથી, એવો સંકેત આપવાનો  પ્રયાસ સમારંભ પછી સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી અને આડવાણી વચ્ચેની બેઠકે કર્યો.સંઘ હંમેશા પોતાને ભાજપની આંતરિક બાબતોમાં પ્રત્યક્ષ  સામેલ કરવાને બદલે પરોક્ષ રીતે અથવા તો ભાજપમાં પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) પર હોય એવા પ્રચારકોની મારફત જ સંકેત આપવાનું પસંદ કરે છે.

ડૉ.ભાગવતના આ વર્ષના નીતિનિર્દેશક ભાષણમાં જમ્મૂ-કાશ્મીર અને કેરળ-પશ્ચિમ બંગાળ ભણી ધ્યાન આપવાની સંઘની નીતિ હોવાનું સ્પષ્ટ છે. જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે સમરસ કરવા માટે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ને સમાપ્ત કરવાનો પણ તેમણે આગ્રહ સેવ્યો છે.સંઘની ભૂમિકાને ભાજપ અમલમાં લાવે એવી અપેક્ષા છતાં જમ્મૂ-કાશ્મીરમાં રાજકીય જોડાણની સમજૂતીમાં ૩૭૦ તથા રાજ્યના વિશેષ દરજ્જાને અકબંધ રાખવામાંથી ફારેગ થયા વિના આ અશક્ય છે.એમ તો સંઘની કુરુક્ષેત્ર ખાતે મળેલી પ્રતિનિધિ સભાના ઠરાવ મુજબ, જમ્મૂ-કાશ્મીરમાંથી જમ્મૂ અને કાશ્મીર એ બે રાજ્યો કરવા ઉપરાંત લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત છે. દેશમાં ગેરકાયદે વસતા બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા મોકલવાની સમસ્યા ઉકેલાઈ નથી,ત્યાં તો મ્યાનમારના રોહિંગ્યા આવી પડતાં જે નવી સમસ્યાઓ ઊભી થવાના સંજોગો નિર્માણ થયા છે એ વિશે એમણે ચિંતા વ્યક્ત કરી છે. માનવ અધિકારોના જતનની વાત જરૂરી હોવા છતાં “ઘર બાળીને તીરથ ના કરાય”,એવી સ્પષ્ટ ભૂમિકા લઈને એમણે સરકારની નીતિનું સમર્થન કર્યું છે. ભાજપની નેતાગીરીનો નામોલ્લેખ કર્યા વિના જ સંઘ-પ્રમુખે આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રની નામના વધી રહ્યા વિશે હરખ વ્યક્ત કર્યો. ડોકાલામ મડાગાંઠ ઉકેલવામાં જે  ધીરજ અને દ્રઢતાનાં દર્શન થયાં અને કાશ્મીર સહિતની સીમાઓના રક્ષણ માટે લશ્કરી દળોને જે મોકળાશ અપાઈ રહી છે,એને પણ તેમણે આવકારી છે.સાથે જ એ ઉમેરે છે: “ઘણું બધું થઇ રહ્યું છે, પણ હજુ ઘણું બધું થવું જોઈએ એવી ચર્ચાઓ સમાજમાં  છે.” ૧૯૪૭માં પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીર આવેલા અને ૧૯૯૦થી જમ્મૂ-કાશ્મીરથી વિસ્થાપિત થયેલાઓના પુનર્વસન અને હક માટે હજુ ઘણું કરવાનું બાકી હોવાનો આગ્રહ સેવ્યો છે.

ગોવંશ રક્ષા કાજે  હિંસાને વખોડવાનું પસંદ કરવાની સાથે જ મુસ્લિમો થકી પણ ગોરક્ષા થતી હોવાની વાતનો ઉલ્લેખ કરીને એમણે  હિંદુવાદીઓને પણ સંકેત આપ્યા છે. ગોરક્ષાને  નામે પરધર્મીઓની  માનવ હત્યાઓ ના જ કરાય એ વાતને યથાર્થ ઠરાવવાની કોશિશ કરી છે.ગોવંશ હત્યા પ્રતિબંધક ધારો લાવવાનો આગ્રહ જરૂર  છે. રાજ્યને પાકિસ્તાન સાથે જોડ્યું એટલે જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજામાં અનેક દોષો જોનારાઓએ નવાબ થકી ગોવંશ હત્યા પર પ્રતિબંધ ફરમાવાયા  ઉપરાંત ગોવંશ સંવર્ધન કરાયું એટલું જ  નહીં, પોતે ગાયનાં દર્શન કરીને જ દરબારમાં જતા એ વાતનો ઉલ્લેખ કરવાનું પણ આ તબક્કે મન થાય છે. “રાષ્ટ્રના નવોત્થાન”માં સરકાર અને પ્રશાસનના પ્રયાસોમાં સમાજને જોતરવાનો સંદેશ પણ સંઘ-પ્રમુખના પ્રગટભાષણમાં મળે છે. વિદેશી તંત્રજ્ઞાન અને સેવાઓ પરના અવલંબનને ઘટાડીને સમાજના તમામ વર્ગોની સુખાકારીને વધારવાની દિશા પકડવાનો વિશેષ આગ્રહ સમગ્ર ભાષણમાં જોવા મળ્યો.ભારતીય મઝદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ જેવી સંઘ-વિચારની સંસ્થાઓ પણ કેન્દ્ર અને રાજ્યોની ભાજપી સરકારોની નીતિરીતિથી નારાજ હોવાનો પડઘો સંઘપ્રમુખના વ્યાખ્યાને ઝીલ્યો છે. એટલે જ  સ્વદેશી અને દેશી પરંપરાને અનુરૂપ રહીને સમાજના તમામ વર્ગોને સુખ મળે એવાં પગલાં સરકાર કનેથી અપેક્ષિત લેખાય છે. વૈશ્વિક માનદંડો ભૂલભરેલા અને ત્રુટિયુક્ત હોવાની વાત એમણે ગાઈવગાડીને કહી  છે. કર્જમાફી કાયમી ઉકેલ નથી. અનુસૂચિત જાતિ,જનજાતિ અને વિચરતી જાતિઓ માટેની જોગવાઈઓના લાભથી એ વંચિત ના રહે એટલી સંવેદનશીલતા સરકાર અને વહીવટીતંત્ર જાળવે એ અપેક્ષિત છે. અનામત પ્રથાનો ઉલ્લેખ કરવાનું એમણે ટાળ્યું છે,કારણ સંઘની ભૂમિકા બહુ સ્પષ્ટ છે કે અનામતપ્રથા કોઈ કાયમી ઈલાજ નથી. આ કાખઘોડી યાવત્ચંદ્રદિવાકરો ચાલી ના શકે.સંઘ લોકમનોરંજક યોજનાઓનો પક્ષધર નથી, પરંતુ ભાજપ માટે મત મેળવવા માટે લોકપ્રિય યોજનાઓ અને ઘોષણાઓ અનિવાર્ય બની જાય છે. “એકંદરે આપણી આર્થિક ફિલસૂફીમાં ઉત્પાદનને વિકેન્દ્રિત, વપરાશને સંયમિત,રોજગારને પરિવર્ધિત કરે  અને મનુષ્યને સંસ્કાર કેન્દ્રિત કરે તેમજ ઊર્જાની બચત કરનારી તથા પર્યાવરણની રક્ષા કરે તેવી સમજદારી વધ્યા  વિના , દેશમાં અંત્યોદય અને આંતરરાષ્ટ્રીય જગતમાં સંતુલિત,ધારણાક્ષમ તથા ગતિમાન અર્થવ્યવસ્થાનું ઉદાહરણ રજૂ કરવાનું સ્વપ્ન સાકાર નહીં થઇ શકે.” વર્તમાન સરકારોની મોટા ઉદ્યોગો અને  તંત્રજ્ઞાન ભણીની આંધળી દોટને થંભાવીને જૈવિક ખેતી,સ્વદેશી દ્રષ્ટિ અને લઘુ તથા મધ્યમ અને કુટીર ઉદ્યોગ ઉપરાંત છૂટક વેપાર અને સ્વરોજગાર પર વધુ ભાર મૂકવાથી વૈશ્વિક ઉથલપાથલથી મુક્ત રહી શકાશે ,એવો આગ્રહ જરૂર સેવાયો છે. પ્રગટભાષણને  સમગ્રપણે જોતાં એમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પંચવર્ષીય યોજના આરંભતાં મહાત્મા ગાંધીના દૂત વિનોબા ભાવેની રજૂઆતને જે રીતે અવગણી હતી, એવી જ કાંઈક અનુભૂતિ વર્તમાનમાં ભાગવતના શબ્દોમાં  ઝળકે છે.

   ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment