Wednesday 20 September 2017

Sir Creek issue raised at Election Time

ચૂંટણીટાણે સિરક્રીકનું સ્મરણ
Sir Creek issue raised at Election Time
સંવેદનશીલ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપીને છાણે વીંછી ચડાવવાનું ટાળીએ
Dr.Hari Desai's Column in Divya Bhaskar 20 September 2017
Read the ful text here or on blog : haridesai.blogspot.com
ચૂંટણીટાણે સિરક્રીકનું સ્મરણ : ડૉ.હરિ દેસાઈ
આપણે ત્યાં કહેવત છે : બાર વર્ષે બાવો બોલ્યો. કાંઇક એવુંજ કચ્છ સરહદે આવેલી સિરક્રીક વિશે હમણાં બન્યું. સિરક્રીક મુદ્દાને વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ ગજવ્યો હતો.એ પછી હમણાં નવનિયુક્ત રક્ષા મંત્રી નિર્મલા સીતારામને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કેન્દ્ર બનેલી સિરક્રીક સીમાનું હવાઈ અને હોવરક્રાફટ નિરીક્ષણ કરતાં પહેલાં જાહેર નિવેદન કર્યું કે સિરક્રીક રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો પ્રદેશ છે. રક્ષા મંત્રી સુપેરે જાણે જ કે પ્રત્યેક ભારતીયને મન એ અત્યંત મહત્વનો ભારતીય પ્રદેશ છે. દેશનો આ પ્રદેશ જ નહીં,ભારતભરનો તસુએ તસુ પ્રદેશ પ્રત્યેક ભારતીયને જીવથી ય વહાલો છે અને એનું જતન થવું જ જોઈએ. એટલુંજ નહીં પાકિસ્તાન અને ચીને ગપચાવેલા જમ્મૂ -કાશ્મીર સહિતના ભારતના પ્રદેશને પણ પાછો મેળવવો, એ ૧૯૯૪માં ભારતીય સંસદના સર્વાનુમતે કરાયેલા ઠરાવ-સંકલ્પ મુજબ, પ્રત્યેક વડા પ્રધાન અને ભારતીયની ફરજ અને આકાંક્ષા છે. સિરક્રીકના પેટાળમાં પેટ્રોલિયમ અને ગેસના વિપુલ ભંડાર હોવાનું પણ સ્પષ્ટ થઇ ગયું હોવાથી સ્વાભાવિક છે કે એનું જીવની જેમ જતન કરવું પડે. જોકે રાષ્ટ્રીય સુરક્ષાની વાતો અને એના માટે લેવામાં આવનારાં પગલાંનાં આયોજનો જાહેર નિવેદનો કે ચૂંટણીસભાઓનો વિવાદ-મુદ્દો ના બની શકે એટલી ગંભીરતા અને ગરિમા તો શાસકોએ જાળવવાની જરૂર ખરી.
સિરક્રીકની વાત આજે છેડાઈ છે એનું સવિશેષ મહત્વ છે. વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ વાત ચલાવી હતી કે એ વેળાના વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ સિરક્રીક પાકિસ્તાનને પધરાવી દેવાના છે. તેમણે એ મુદ્દે ચૂંટણી સભાઓ પણ ગજવી હતી. ડૉ.સિંહ જાણે કે રાષ્ટ્રદ્રોહનું કોઈ કૃત્ય કરી રહ્યા હોય એવી હવા ઊભી કરીને પ્રજાને વાતના વતેસર માટે પ્રેરવામાં આવી હતી. ૧૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ વડા પ્રધાન ડૉ.સિંહે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ મોદીએ સિરક્રીક મુદ્દો ઊઠાવ્યો હતો. ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન હતું. વડા પ્રધાન કાર્યાલયને મુખ્ય મંત્રીનો ૧૨ ડિસેમ્બર ૨૦૧૨નો પત્ર પહોંચે એ પહેલાં તો એ જાહેર કરી દેવાયો હતો. તેમના એ પત્રમાં ભારત સરકાર સિરક્રીક પાકિસ્તાનને પધરાવી દેવાની હોવાની વાત લખી હતી અને એવું ના કરવા તથા પાકિસ્તાન સાથે મંત્રણા તાત્કાલિક બંધ કરવાનો આગ્રહ કર્યો હતો. હકીકતમાં ભારત અને પાક વચ્ચે સરહદી વિસ્તાર પર ભારતીય કબ્જા હેઠળનો આ ૯૬ કિલોમીટર લાંબો કાદવિયા વિસ્તાર પાકિસ્તાનને હવાલે કરવાની કોઈ દરખાસ્ત નહોતી, એ વાત તૂર્તજ એ વેળાના વડા પ્રધાન ડૉ.સિંહ થકી સ્પષ્ટ કરાઈ હતી. મિતભાષી ડૉ.સિંહે સ્પષ્ટ કર્યું હતું કે “મોદી સિરક્રીક વિશે ‘બિનપાયાદાર આક્ષેપબાજી’ કરી રહ્યા છે.ચૂંટણી ટાણે આધારહીન બાબતોનો પત્ર લખીને એને જાહેર કરવાના તેમના ઈરાદા તોફાની(મિસ્ચીવિયસ) છે. પાકિસ્તાન સાથે સિરક્રીક મામલે છેક ૧૯૯૮થી મંત્રણાના દોર ચાલે છે અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર ગયા ત્યારે પણ આ મુદ્દે મંત્રણા ચાલુ રહી હતી. સિરક્રીક પાકિસ્તાનને આપવામાં આવી રહ્યાનો ગુજરાતના મુખ્ય મંત્રીએ આક્ષેપ કર્યો એ ખોટ્ટાડો છે.મોદીએ ભારત સરકાર પાસેથી વિગતોની ખરાઈ કરવાની કોઈ કોશિશ કર્યા વિના જ આ પત્ર લખ્યો છે.” આના ઉત્તરમાં મોદીએ ફરીને ડૉ.સિંહ પર વાર કરતાં કહ્યું કે જનરલ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર પરિષદ માટે આવ્યા ત્યારે સિરક્રીક મુદ્દો ચર્ચાયો નહોતો. વાસ્તવમાં ડૉ.સિંહે અટલજીની ફેબ્રુઆરી ૧૯૯૯ની લાહોર મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો, જુલાઈ ૨૦૦૧ની આગ્રા શિખર પરિષદનો નહીં ! ત્યારનો દિવસ અને આજની વાત, વડા પ્રધાન થયા પછી મોદીએ જાહેરમાં ભાગ્યેજ સિરક્રીકનું નામ લીધું છે અથવા પાકિસ્તાન સાથે મંત્રણાઓ ખોરંભે પડે એ પહેલાં પાકિસ્તાનના એ વેળાના વડા પ્રધાન મિયાં નવાઝ શરીફ દિલ્હી આવ્યા કે વડાપ્રધાન મોદી એમને જયારે જયારે મળ્યા કે લાહોરની અણધારી મુલાકાતે ગયા ત્યારે પણ સિરક્રીક વિવાદ ઉકેલી દેવાયા વિશે એમણે મગનું નામ મરી પાડ્યાનું જાણમાં નથી. માથે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે સિરક્રીકનું ગુજરાતને આંગણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં સહપ્રભારી એવાં સીતારામનને એકાએક કાંઇ અમસ્તું જ સ્મરણ થઇ આવે એવું તો ના જ બને.
મોદી યુગમાં પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે મંત્રણાના મુદ્દાઓમાં સિરક્રીક વિવાદ હજુ વણઉકલ્યા મુદ્દા તરીકે જ રહ્યો છે. સી.રાજા મોહન સહિતના વિદેશ અને સુરક્ષા બાબતોના નિષ્ણાતોએ નોંધ્યું છે કે “વર્ષ ૨૦૦૪-૦૬ દરમિયાન એ વેળાના વડા પ્રધાન ડૉ.સિંહ સિયાચીન અને સિરક્રીક જ નહીં, કાશ્મીર કોકડાને પાકિસ્તાન સાથે ઉકેલવામાં લગભગ સફળતાની નજીક હતા, પણ જનરલ મુશર્રફના ઘટતા પ્રભાવ અને ૨૦૦૭-૦૮માં પતન પછી એમના અનુગામી જનરલ અશફાક કયાની મુશર્રફના સમયગાળામાં થયેલી સમજૂતીઓને મંજૂર રાખવા બાબત દ્વિધામાં રહ્યા અને મુંબઈ પરના ૨૬/૧૧ ના આતંકી હુમલાએ તો સંબંધોમાં કડવાશ આણી. યુપીએ-ટુના સમયગાળામાં શાંતિવાર્તામાં પ્રગતિ લાવવાના પ્રયાસોને કારણે વેપારસંબંધોમાં સામાન્ય વલણથી વાત આગળ ના વધી.” વડા પ્રધાનપદે મોદીના શરૂઆતના ગાળામાં ફરી પાકિસ્તાન સાથેના સંબંધોમાં હૂંફ જોવા મળી,પણ પછી સર્જાયેલી તંગદિલીએ મંત્રણાઓ માટે પ્રતિકૂળ વાતાવરણ સર્જ્યું. જોકે વિદેશ સંબંધોમાં આવા પ્રકારના ઉતારચઢાવ આવતા હોય છે એટલે આવતીકાલોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નહીં જ થાય એવું માની લેવાની જરૂર નથી.
કચ્છ અને સિંધ સરહદનો વિવાદ વારસામાં મળ્યો છે, પરંતુ પ્રીવિ કાઉન્સિલના ચૂકાદા મુજબ આખા કચ્છના રણ પર કચ્છના રાજવીનો કબજો માન્ય રખાયેલો છે.એ દ્રષ્ટિએ ભારત સાથે ભળેલા કચ્છના રજવાડાને કારણે આખા રણ પર ભારતનો અધિકાર પ્રસ્થાપિત થયેલો છે. “ ઈ.સ. ૧૯૧૨માં સિંધની અંગ્રેજ સરકારે સિંધ નજીકના કચ્છના રણમાં પોતાની હકૂમત જણાવી ખનીજતેલ શોધવાના પ્રયત્નો કરેલ, પરંતુ (કચ્છના મહારાવ) ખેંગારજી બાવાએ અંગ્રેજો સામે લંડનની પ્રીવિ કાઉન્સિલમાં કેસ લડી આખા રણનો કબજો રાજ્યનો છે તેવું સાબિત કરી કેસ જીતીને રણ પર કચ્છનો અધિકાર છે તે સિદ્ધ કરી બતાવ્યું હતું.” એવું “કચ્છનો સર્વાંગી ઈતિહાસ ભાગ-૧”માં નોંધવામાં આવ્યું છે. જોકે ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે સરહદ પ્રદેશ અંગેના આંતરરાષ્ટ્રીય ટ્રાયબ્યુનલના ચૂકાદાથી છાડબેટ,કંજરકોટ અને ધારબન્ની પાકિસ્તાનને ફાળે ગયાં. પાકિસ્તાને સિરક્રીક વિવાદનું કોકડું નાહક સળગતું રાખ્યું છે. કચ્છ રજવાડા અને સિંધ વચ્ચે ૧૯૧૪માં થયેલી સરહદ અંગેની સમજૂતીના ૧૯૧૪ અને ૧૯૨૫ના નકશા ભારતીય દાવાને ૧૦૦ ટકા સમર્થન આપે છે. હરામીનાળા અને સમગ્ર વિસ્તારમાં તરતી ચોકીઓનો બંદોબસ્ત તથા ખાસ કમાન્ડો ફરજ પર હોવાથી પૂરતી તકેદારીને કારણે પાકિસ્તાન એના અટકચાળામાં હવે ફાવે તેમ નથી.આ વિસ્તારમાં માછીમારોની સલામતી સાથે જ ક્રીક-જળ વિસ્તારમાં તેલ-ગેસ સંશોધન વિના અવરોધે ચાલતું રહે તેની પૂરતી કાળજી રાખવી પડશે. હકીકતમાં આવા સંવેદનશીલ વિસ્તારો વિશે રાજકીય મંચ પરથી વિવાદો ઊભા કરીને છાણે વીંછી ચડાવવાના ખેલ બંધ થાય એ જ રાષ્ટ્રના હિતમાં લેખાશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment