Wednesday 20 September 2017

Home Minister Rajnath on Mission to resolve Kashmir issue

ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કાશ્મીર કોકડું ઉકેલવાનું મિશન
Home Minister Rajnath on Mission to resolve Kashmir issue
Dr.Hari Desai's Weekly Column in Gujarat Samachar(London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). Web Link : http://gujaratguardian.in/…/09-20-2017gujaratguardiansuppli… Page: 4
Read the full text here or on blog : haridesai.blogspot.com and react.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કાશ્મીર કોકડું ઉકેલવાનું મિશન
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
---------
• મંત્રણાની સાથે એનઆઈએ આતંક મચાવવા પ્રયત્નશીલ લોકોને જેર કરવાની કોશિશમાં
• યથવંત સિંહાના બિન-ભાજપી અને મનમોહન સિંહના કૉંગ્રેસી પ્રતિનિધિમંડળને આવકાર
• કેન્દ્રીય ગૃહમંત્રી મને છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં કાશ્મીરના કોકડાને ઉકેલવામાં આવશે
• વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ એકલે હાથે બહુમતી મેળવવાની વેતરણમાં
-------
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જમ્મુ-કાશ્મીર કોકડું ‘ગોળી અને ગાળથી નહીં, પણ બોલી (મંત્રણા)થી ઉકેલવા’ની તરફેણ કરી હતી. એ દિશામાં હવે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કામે વળ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ગૃહ પ્રધાન રાજનાથ સર્વપક્ષી પ્રતિનિધિમંડળ સાથે જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની હત્યાને પગલે સર્જાયેલી અજંપાભરી સ્થિતિને ટાઢી પાડવાની કોશિશના ભાગરૂપે પ્રતિનિધિમંડળો અને રાજનેતાઓ તથા અધિકારીઓને મળ્યા હતા. જોકે, કાશ્મીર કોકડું ઉકેલાવાનું નામ લેતું નથી. દિલ્હી અને શ્રીનગરમાં હવે ભાજપ અને મિત્રપક્ષની સરકાર હોવા છતાં અવિશ્વાસનું વાતાવરણ યથાવત્ જળવાયું છે.એટલે ગૃહમંત્રીએ નવેસરથી વિશ્વાસ નિર્માણ કરવાની કોશિશ કરી છે.ઉતાવળે આંબા પાકે નહીં, પણ એમના સંનિષ્ઠ પ્રયાસોનાં ફળ જરૂર મળશે એવી આશા જરૂર જગાવી છે. જોકે, અવિશ્વાસ અને આતંકના વાતાવરણની સ્થિતિને થાળે પાડવા માટે ‘ખુલ્લા દિમાગથી’ જમ્મૂ-કાશ્મીરની ચાર દિવસની મુલાકાત લેવાના રાજનાથ સિંહના પ્રયાસોના કેવા પરિણામ આવશે, એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. એક બાજુ, ભારત સરકાર મંત્રણાની વાત કરે છે અને બીજી બાજુ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) થકી આતંક મચાવવા પ્રયત્નશીલ એવા લોકોને જેર કરવાની કોશિશમાં છે.અમરનાથ યાત્રાના હત્યાકાંડનો સૂત્રધાર અને લશ્કર-એ-તોઈબાનો કમાન્ડર અબુ ઈસ્માઈલ પણ આ જ ગાળામાં ઠાર થયો. આ સંજોગોમાં કેવાં પરિણામ આવશે એ કહેવું મુશ્કેલ હોવાનું રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. ફારુક અબ્દુલ્લા કહે છે. બીજી બાજુ, યુકેના પાકિસ્તાની ગોત્રના સાંસદ સહિત ચાર સાંસદોનું પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લઈને આત્મનિર્ણયના રાજ્યની પ્રજાના અધિકારનું ઉંબાડિયું કરીને જાય છે ત્યારે મામલો વિફરવો સ્વાભાવિક છે. સાથે જ ભારતીય બંધારણની કલમ ૩૭૦ અને કાશ્મીરના બંધારણની કલમ ૩૫ (એ) અંગે રાજ્યની હિંદુ-મુસ્લિમ પ્રજાથી લઈને ભારતની સર્વોચ્ચ અદાલત સુધી ચાલતા વિવાદ અને ખટલા વાતાવરણને કથળાવે છે.
ભાજપના નેતા અને વાજપેયી સરકારમાં વિદેશ પ્રધાન રહેલા યથવંત સિંહાના બિન-ભાજપી પ્રતિનિધિમંડળ થકી કાશ્મીરની આગને ઠારવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહના વડપણ હેઠળ કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળને જમ્મુ-કાશ્મીર પાઠવીને કાશ્મીર કોકડાનો ઉકેલ શોધવાની કોશિશ થઈ રહી છે. આ બધા પ્રયાસ એકંદરે આવકાર્ય છે. જમ્મૂ-કાશ્મીરનો મામલો થાળે પડે એવું સમગ્રપણે સર્વપક્ષી નેતાગીરી ઈચ્છતી હોવા છતાં રાજ્યમાં પીડીપી અને ભાજપના સત્તામોરચામાં જ ભારે મતભેદ જોવા મળે છે. બંને પક્ષોની કામ કરવાની સમજૂતીમાં ભારતીય બંધારણની કલમ (આર્ટિકલ) ૩૭૦ તથા એ અન્વયે રાજ્યના અલગ બંધારણીય દરજ્જાના બંધારણની કલમ ૩૫ (એ) અંગે મતભેદને કારણે પગલાં લેવા બાબત કાંઈ નહીં કરવાનું સ્વીકારાયું છે. જોકે, ભાજપ અને પીડીપીની આ સંદર્ભમાં વિરોધાભાસી ભૂમિકા રહ્યાં છતાં સત્તા કાજે બંને પક્ષો ભેગા રહ્યા છે. સાથે જ કેન્દ્રમાં ભાજપના વડપણવાળી સરકાર હોવાને કારણે પીડીપીનાં નેતા અને મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી ભાજપ સાથે છેડો ફાડવામાં સંકોચ કરી રહ્યાં છે. પીડીપી ભાજપ સાથે છેડો ફાડે અને ભાજપ એના જૂના મિત્રપક્ષ નેશનલ કૉન્ફરન્સ સાથે મળીને સરકાર બનાવે તો મુફ્તી માટે તો બેઉ બાજુ નુકસાની વહોરવાના સંજોગો સર્જાય. આમ પણ એમના પક્ષમાં ય અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. મુફ્તી ધૂઆંપૂઆં હોવા છતાં મુખ્ય પ્રધાન પદ જાળવી રાખવાના સ્વાર્થમાં સત્તાના મોરચામાં રહેવા વિવશ છે.
કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ૨૦૨૨ સુધીમાં કાશ્મીરના કોકડાને ઉકેલવામાં આવશે, એવા કરાયેલા નિવેદનને અહીંના ડૉ. મુહમ્મદ કાસીમ જેવા નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એકલેહાથે જમ્મૂ-કાશ્મીરમાં બહુમતી મેળવવાની દિશામાં આગળ વધી રહ્યાનું વિશ્લેષણ કરે છે. ડિસેમ્બર ૨૦૧૪માં વિધાનસભાની છેલ્લી ચૂંટણી યોજાઈ હતી. આવતી ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૦માં યોજાવાની અને ૨૦૨૧માં નવી સરકાર રચાવાની શક્યતા રહે છે.ગત ચૂંટણીમાં સૈયદ અલી શાહ ગિલાની સહિતનાએ હુર્રિયત થકી ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કર્યા છતાં રાજ્યમાં ચાર તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં ૬૫.૨૩ ટકા મતદાન થયું હતું. નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના છૂટાછેડા પછી બંને પક્ષોની બેઠકો એ ચૂંટણી પછી ઘટી હતી. દર છ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની જોગવાઈ ધરાવતા જમ્મૂ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી બધા પક્ષોએ સ્વતંત્ર રીતે લડી અને પીડીપીને સૌથી વધુ બેઠકો મળી હતી, છતાં ૮૭ સભ્યોની ધારાસભામાં બહુમતી માટે જરૂરી ૪૪ બેઠકની તુલનામાં એની ૨૮ બેઠકો તો ઓછી હતી. ભાજપ થકી કેટલાક પૂંછડિયા ખેલાડીઓએ સાથે મળીને ચૂંટણી લડાઈ હતી. ભાજપને ૨૫ બેઠકો મળી અને મિત્રપક્ષને ત્રણ બેઠકો મળી હતી એટલે એના મોરચાની પણ ૨૮ બેઠકો થઈ હતી. નેશનલ કૉન્ફરન્સને ૧૫ અને કૉંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી. કેન્દ્રમાં ભાજપના વડપણવાળી મોદી સરકાર હોવાને કારણે પીડીપીના એ વેળાના સુપ્રીમો મુફ્તી મહંમદ સઈદ થકી ભાજપ સાથે જોડાણ કરીને ‘ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ’ સમી સરકાર રચવામાં શ્રેય લેખ્યું હતું. મુખ્ય પ્રધાનપદે મુફ્તી આવ્યા અને નાયબ મુખ્ય પ્રધાન પદ ભાજપના ડૉ. નિર્મલ સિંહને મળ્યું હતું. સાથે જ ભાજપ થકી ભાવિ તરલ સ્થિતિમાં નિર્ણાયક બનવા માટે વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો પોતાની પાસે રાખવાનું વાજબી ગણાયું હતું. વિપક્ષના નેતાપદે નેશનલ કૉન્ફરન્સના પૂર્વ મુખ્ય પ્રધાન અને વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય પ્રધાન રહેલા ઓમર અબ્દુલ્લા વરાયા હતા. મુફ્તીના અવસાન પછી એમનાં શાહજાદી મહેબૂબા મુફ્તી મુખ્ય પ્રધાનપદે વરાયાં હતાં.
આવતા દિવસોમાં કાશ્મીર ખીણ પ્રદેશમાં બહુમતી મુસ્લિમ હોવાને કારણે ભાજપ પોતાના પ્રભાવી મુસ્લિમ ઉમેદવારો મૂકીને જમ્મૂ-લડાખ ઉપરાંત કાશ્મીર ખીણમાં પ્રભાવ વિસ્તરણ થકી એકલે હાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવાની વેતરણમાં છે. આમ પણ ભાજપનો ટ્રેક રેકોર્ડ જોવામાં આવે તો એ જે તે રાજ્યમાં પહેલાં સત્તામોરચામાં સત્તામાં સહભાગી થાય એ પછી એકલેહાથે રાજ્યની સત્તા કબજે કરવાના પક્ષે રહે છે. આવતી ચૂંટણીમાં દિલ્હી થકી વચનોની લહાણ કરવા ઉપરાંત મિત્રપક્ષ પીડીપીનો પીછો છોડાવીને ભાજપ એકલે હાથે શાસનમાં આવે એવી તજવીજની વ્યૂહરચના ચાલે છે. વિદેશ પ્રધાન રહેલા યશવંત સિંહા જમ્મૂ-કાશ્મીર કોકડું ઉકેલવા માટે પ્રયત્નશીલ છે અને એમના પ્રયાસોને જમ્મૂ-કાશ્મીરના કૉંગ્રેસી આગેવાન અને કેન્દ્રમાં પ્રધાન રહેલા સૈફુદ્દીન સોઝ સહિતનાએ બિરદાવ્યા છે. ભાજપના સત્તાવાર પ્રવક્તા અને રાષ્ટ્રીય પ્રધાન શ્રીકાંત શર્માએ સિંહાના વડપણવાળા પ્રતિનિધિમંડળ સાથે ભાજપ કે કેન્દ્ર સરકારને કાંઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યા છતાં એમના અહેવાલ અને પ્રયાસો દિલ્હીને ઉપયુક્ત થવાના જ. સિંહાના પુત્ર જયંત સિંહા મોદી સરકારમાં નાગરિક ઊડ્ડયન રાજ્ય પ્રધાન છે એ રખે ભૂલાય. સિંહાનું કહેવું છે કે આપણા લોકો એટલે કે જમ્મૂ-કાશ્મીરનાં પ્રજાજનો સાથે વાત કરીને ઉકેલ શક્ય બનાવી શકાય. ભાગલાવાદી નેતાઓ સાથે વાત કરવામાં પણ એમને વાંધો નથી. યશવંત સિંહાનું કહેવું છે કે ઈસ્લામાબાદનો માર્ગ વાયા શ્રીનગર થઈને પસાર થાય છે, પણ એનાથી ઊલટું એટલે કે શ્રીનગરનો માર્ગ વાયા ઈસ્લામાબાદ પસાર થતો નથી. કેન્દ્રના પૂર્વ પ્રધાન રામ જેઠમલાની તથા ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ સહિતના અગ્રણીઓ પણ સરકારથી અલગ રીતે જમ્મૂ-કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્રિય છે.
ભારત સરકાર તરફથી એનઆઈએના દરોડા થકી હુર્રિયતના નેતાઓ અને હવાલાના કારોબારીઓ તેમજ આતંકવાદના પ્રણેતાઓમાં ખૌફ પેદા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. સાથે જ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સંબંધિત તમામ ભાગલાવાદી નેતાઓને પણ મળવા તૈયાર હોવાનું જણાવીને જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની પુનઃ સ્થાપના કરવાપ્રયત્નશીલ છે. આવા સંજોગોમાં કાશ્મીર ઈકોનૉમિક અલાયન્સના ચૅરમૅન મોહમ્મદ યાસીન ખાન કહે છે કે અમારા જેવા વેપારીઓને કેન્દ્રના ગૃહ પ્રધાન મળે એના કરતાં હુર્રિયતના નેતાઓને મળે અને મંત્રણા કરે એ જરૂરી છે. સ્થિતિને થાળે પાડવાના પ્રામાણિક પ્રયાસ થવા ઘટે. જોકે, વર્તમાન તબક્કામાં ભારત સરકાર એ દિશામાં આગળ વધી રહી છે. રાજ્યની ગઠબંધન સરકારની સાથે જ વડા પ્રધાન કાર્યાલયના જમ્મૂ-કાશ્મીરી રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહ તથા નવનિયુક્ત કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા ઉપરાંત લશ્કરી દળોના અધિકારીઓ અને જમ્મૂ અને કાશ્મીરના પોલીસ તંત્ર સહિતના તમામને વિશ્વાસમાં લઈને કાશ્મીર કોકડું ઉકેલવાની કોશિશ થઈ રહી છે.દાયકાઓથી વણઉકલ્યું રહેલું કાશ્મીર કોકડું ઉકેલાય એવી પ્રત્યેક ભારતીયની ઈચ્છા ખરી. ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment